Yog-Viyog - 7 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 7

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૭

મુંબઈમાં જુલાઈ મહિનાની સવાર વાદળોથી ઘેરાયેલી હતી. આજે પણ ‘શ્રીજી વિલા’ના કમ્પાઉન્ડમાં વસુમાનો અવાજ ગુંજતો હતો. આમ તો આ સવાર રોજની સવારો જેવી જ હતી. પરંતુ, વસુમાની છાતી ઉપર જાણે પચ્ચીસ વરસનો ભાર હતો. સંતાનોને એમણે વચન આપ્યા મુજબ ૪૮ કલાક પૂરા થઈ ગયા હતા. અને એમને જે સમાચાર કે ઉત્તરની અપેક્ષા હતી એ નહોતો જ આવ્યો.

વસુમાને જાણે રહી-રહીને ડૂમો ભરાઈ આવતો હતો. આજથી પચીસ વરસ પહેલા પતિના ચાલ્યા જવાનું દુઃખ એમણે જે રીતે છાતીમાં ભરી રાખ્યું હતું, એ રીતે એમને રહી-રહીને ડર લાગતો હતો કે, કદાચ હળવી ઠેસ વાગશે તોય એ ભરી રાખેલો ડૂમો વેરાઈ જશે. એમના હાથ રોજની જેમ જ બગીચામાં કામ કરતા હતા પરંતુ એમનું મન એમને એમની જાતને જ પ્રશ્નો પૂછી રહ્યું હતું.

પોણા આઠના આઠ વાગી ગયા. જાનકી રસોડામાં અન્યમનસ્ક જેવી કામ કરી રહી હતી. એ જાણતી હતી કે વસુમાએ નક્કી કરેલું કશુંય આજ સુધી વિખરાઈ નથી ગયું. જો એમણે નક્કી કર્યું છે કે, અડતાલીસ કલાક પૂરા થતાં જ એ પતિની શોધ છોડી દેશે તો એ ખરેખર છોડી જ દેશે. કોણ જાણે કેમ જાનકીનું મન વારેવારે આ અંગે વસુમાને સમજાવવા માગતું હતું. જો કે આ ઘરમાં આજ સુધી કોઈનીયે હિંમત નહોતી કે વસુમાએ કરેલા નિર્ણય સામે અવાજ ઉઠાવે... વસુમાની ઇચ્છા આદેશ મનાતી હતી આ ઘરમાં.

આઠ વાગે વસુમા ઘરમાં પ્રવેશ્યા. જાનકી ડાઈનિંગ ટેબલ પર નાસ્તાની તૈયારી કરતી હતી. બંનેએ એકબીજાની સામે જોયું અને બંને જણા એકબીજાની વાત વગર કહ્યે જ સમજી ગયા હોય એમ વસુમા રસોડા તરફ આગળ વધી ગયા.

વૈભવી નહાઈને અરીસા સામે ઊભી હતી. અભય શર્ટ ટક-ઈન કરી રહ્યો હતો. એ જાણતો હતો કે, વૈભવી કશું બોલ્યા વિના રહેશે નહીં એટલે બંને જણા ઉઠ્યા ત્યારથી જ એમના ઓરડાની હવા ગરમ હતી. અને, વૈભવીએ જાણે બધાની અપેક્ષા વિરુદ્ધ વરતવાનું નક્કી કર્યું હોય એમ એક પણ અક્ષર બોલ્યા વિના ચૂપચાપ નાહીને તૈયાર થઈ હતી. છેવટે અભયથી ના રહેવાયું, “જો, મહેરબાની કરીને નીચે કંઈ નહીં બોલતી.”

“કેમ?” વૈભવીએ પૂછ્‌યું.

“માને કેટલું દુઃખ થયું હશે એની તને કલ્પના નથી. પપ્પા જીવતા છે, એ એકમાત્ર શ્રદ્ધાના બળે એણે અમને મોટાં કર્યાં. પોતાની જિંદગી ખેંચી કાઢી. આજે એણે જે નિર્ણય કર્યો છે, એનાથી પચ્ચીસ વરસનું દુઃખ એકસામટું તૂટી પડશે એના ઉપર.”

“જો અભય, મને કોઈ રસ નથી કે હું તારી માને કંઈ કહું. મારે જે કહેવાનું હતું એ તો હું પહેલાં કહી જ ચૂકી છું અને એમની જેમ એકની એક વાત મને વારેવારે કહેવાની મજા નથી આવતી.”

“એટલે?” અભયની આંખો ફરી ગઈ.

“એટલે એમ કે, મેં તો પહેલાં જ કહ્યું હતું કે, એક વાર નાસી ગયેલાં માણસો પાછા નથી આવતાં.”

“ડેમ ઈટ...” અભયનો અવાજ ઊંચો થઈ ગયો. “મારો બાપ નાસી નથી ગયો.”

“તારા કહેવાથી શું ફરક પડશે અભય? બધાં જ જાણે છે કે, એ માથે મસમોટું દેવું મૂકીને ચાર સંતાનોને રખડતાં છોડીને ભાગી ગયા. એન્ડ બિલીવ મી, મોટે ભાગે એમણે આપઘાત...”

“શટ્‌ અપ... મહેરબાની કરીને ચૂપ રહે. બાકી...”

“બાકી શું? મારીશ મને? હવે એટલું જ બાકી રહ્યું છે.” વૈભવીએ કહ્યું અને હાથમાંનું હેર-બ્રશ ડ્રેસિંગ ટેબલ પર ફેંકીને દરવાજાની બહાર નીકળી ગઈ. પથ્થરના બાવલાની જેમ ઊભેલો અભય જાતને કોસવા લાગ્યો, “ખાસ્સી ચૂપ હતી, મેં વળી ક્યાં છંછેડી એને.” અને પછી અરીસામાં પોતાની જાતને એક વાર જોઈને એ પણ નીચે ઉતરી ગયો.

એક માત્ર અભય કોણ જાણે કેમ નીચે જવા મનને મનાવી જ શકતો નહોતો. ખરેખર તો એણે જે માગ્યું હતું અથવા ઇચ્છ્‌યું હતું એમ જ થવાનું હતું. જે માણસને એ નહોતો મળવા માગતો અને ઘર સુદ્ધાં છોડવા તૈયાર હતો એ માણસ હવે નહોતો આવવાનો... અને છતાં, કોણ જાણે કેમ એનું મન ખૂબ ઉદાસ થઈ ગયું હતું. ક્યાંક ઊંડે-ઊંડે એને એવું લાગતું હતું કે જે વેર એણે છવ્વીસ વરસથી માની કૂખમાં સૂતા-સૂતા પણ પંપાળ્યું હતું, એ વેર નપુંસક થઈ ગયું હતું. જે માણસને અપમાનિત કરીને ખરું-ખોટું કહી નાખવાની કેટલીય ક્ષણો એણે અવારનવાર પોતાની કલ્પનામાં જોઈ હતી. એ ક્ષણો હવે ક્યારેય નહોતી આવવાની કદાચ! એ કારણે હોય કે પછી પોતાની માની શ્રદ્ધા ખોટી પડ્યાનો આઘાત હોય, અલય આજે નીચે જવા જ તૈયાર નહોતોે. એનું મન રહી-રહીને આજે થનારી ઘટનાના ભાગીદાર બનવાની ‘ના’ પાડતું હતું. અને છતાં એ જાણતો હતો કે નીચે ગયા વિના તો નહીં જ ચાલે... આખરે જાતને ધક્કો મારીને એ ઊભોેે થયો. એણે ઘડિયાળ જોઈ, સવા આઠ. અને પછી, છાપું ફેંકીને બાથરૂમ તરફ ચાલી ગયો.

ડાઈનિંગ ટેબલ ઉપર આખું મહેતા કુટુંબ ગોઠવાયેલું હતું. અભય મહેતાનો પરિવાર, અજય અને જાનકી, અલય...

સહુ આવનારી ક્ષણની પ્રતિક્ષામાં ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા. છેવટે, ખાસ્સી વજનદાર ક્ષણો પસાર થઈ ગયા પછી વસુમાએ ધીમેથી કહ્યું, “અડતાલીસ કલાક પૂરા થઈ ગયા છે. તમારા પિતા પાછા ફર્યા નથી. હું સમજી શકું છું કે હવે એમની પ્રતિક્ષા કરવી અર્થહીન છે. હવે કદાચ આવે તો પણ મને લાગે છે કે જે સમય એ ચૂકી ગયા એ ફરી નહીં આવે...”

કોઈ કશું બોલ્યું નહીં.

“અભય, અજય અને અલય... મને લાગે છે આપણે શ્રાદ્ધની તૈયારીઓ કરી નાખવી જોઈએ.”

“પણ મા...” અજયથી બોલ્યા વિના ના રહેવાયું.

“સાત વરસ પછી તો કોર્ટ પણ વ્યક્તિને મરેલા સ્વીકારી લે છે.” વૈભવીએ કહ્યું, “આટલી લાંબી રાહ જોવી એ જ મારે હિસાબે તો...”

“બસ વૈભવી.” અભયે કહ્યું. અને મા તરફ જોયું, “મા, મને લાગે છે, આપણે એમની એક વાર ફરી તપાસ...”

“તપાસ?” વૈભવીએ કહ્યું. “ક્યાં તપાસ કરશો? અને જો તપાસ કરવી જ હતી તો આટલાં બધાં વરસો શું કર્યું?”

“ભાભી, મને લાગે છે આ નિર્ણય કરવાનો અધિકાર માત્ર માનો છે.” અલયે પૂર્ણવિરામની જેમ કહ્યું. એને આ આખી ચર્ચાથી ત્રાસ થતો હતો.

“અને મેં નિર્ણય કરી લીધો છે.” વસુમાએ કહ્યું.

“મા, કદાચ એવું બને કે એમને સમાચાર મોડા મળે. આપણે ઉતાવળ કરીને અહીં શ્રાદ્ધ કરી નાખીએ અને પછી એ આવે તો...” જાનકીએ ખૂબ ધીમા અવાજે ડરતા-ડરતા કહ્યું.

“બેટા, મેં સહુથી પહેલું વાક્ય જ એ કહ્યું કે, મેં એમને આપેલો સમય પૂરો થયો છે. હવે એ આવે તો પણ આખીય વાત અર્થહીન બની જશે.” વસુમાની આંખોમાં એક અજબ પ્રકારનો ખાલીપો અને ઉદાસી હતી.

“તમે જેમ યોગ્ય સમજો તેમ મા.” અભયે કહ્યું. અને પછી, ફરીથી ડાઈનિંગ ટેબલ પર શાંતિ પથરાઈ ગઈ. જાનકીએ આંખમાં આવી ગયેલાં આંસુને માંડ-માંડ ખાળ્યાં. એ કશું બોલી નહીં પણ એ જાણતી હતી કે વસુમાના હૃદય પર કેવા ઘા પડતા હશે!

ન્યુ યોર્ક એરપોર્ટ ઉપર ‘પેસેન્જર્સ ટ્રાવેલિંગ ટુ ઈન્ડિયા...’ની જાહેરાત સાંભળીને સૂર્યકાન્ત મહેતાનું હૃદય એક થડકારો ચૂકી ગયું. ભારત... મુંબઈ... પચ્ચીસ વરસમાં શું-શું અને કેટલું બદલાયું હશે! એમને ફરી એક વાર વિચાર આવી ગયો. ‘શું હું યોગ્ય કરું છું? મારે જવું જોઈએ?’ એ બેધ્યાનપણે વેઈટિંગ લાઉન્જની ખુરશીમાં બેઠા હતા. લક્ષ્મી ઉત્સાહિત અને રોમાંચિત હતી. કોણ જાણે ક્યારની એ શું બોલી રહી હતી...

“ડેડી... ડેડી, ડેડી...” એણે સૂર્યકાન્તને હલબલાવી નાખ્યા. સૂર્યકાન્તની તંદ્રા તૂટી.

“હા, બેટા.” એમણે કહ્યું.

“ડેડી, આપણે ક્યાં રહીશું? સીધા તમારા ઘરે જ જઈશું?” લક્ષ્મીએ જાણે સૂર્યકાન્તના મનમાં ચાલી રહેલો પ્રશ્ન પૂછી નાખ્યો. સૂર્યકાન્ત પોતે પણ વિચારી રહ્યા હતા કે મુંબઈ ઉતરીને સીધા ‘શ્રીજી વિલા’ જવું કે નહીં? એમનું મન વારેવારે એ વિશે એમની જ સાથે દલીલો કરી રહ્યું હતું. પણ આખરે એમણે નક્કી કર્યું હતું કે એ હોટેલમાં ઉતરીને પછી ‘શ્રીજી વિલા’ જશે.

એમણે લક્ષ્મીને કહ્યું, “ના. આપણે હોટેલમાં ઉતરીશું.”

“તો પછી પહેલા તમે એકલા જ જજો, ડેડી.” લક્ષ્મીએ કહ્યું.

“સારું.” સૂર્યકાન્તે કહ્યું અને વાત બંધ કરી. એમના મનમાં જીવાઈ ગયેલાં કેટલાંય વર્ષો જાણે ફરી એક વાર સજીવ થઈને આવ્યાં હતાં. એ માણસો, એ ચહેરાઓ અને એ પ્રસંગો એમની આંખ સામે ઉઘડતા જતા હતા, એક પછી એક...

ગામદેવીમાં આવેલો એ વિશાળ બંગલો છોડતી વખતે સૂર્યકાન્ત મહેતાએ મનોમન ગાંઠ વાળી હતી, ‘મારા બાપના બંગલાની બાજુમાં એનાથી વેંત ઊંચો બંગલો ન બાંધું તો મારું નામ સૂર્યકાન્ત નહીં.’ જે રીતે એમણે આ બંગલો છોડ્‌યો હતો એ પ્રસંગ અને એની કડવી સ્મૃતિ એમના મનમાં રહી-રહીને ઉભરાઈ આવતી હતી.

અવારનવાર ‘ના’ પાડવા છતાં સૂર્યકાન્તે સટ્ટો કરવાનું છોડ્યું નહોતું. દેવશંકર મહેતા પોતાના આ મોટા પુત્રને કહેવાય એટલું કહેતાં. પછી પત્નીને કારણે સમસમીને રહી જતાં. એમનો બીજો દીકરો માનસિક રીતે અસ્થિર હતો. મોટે ભાગે એના ઓરડામાં જ રહેતો. પત્ની ગોદાવરીની બધી જ આશાઓ એકમાત્ર સૂર્યકાન્ત પર આવીને અટકી જતી હતી. દેવશંકર મહેતા પત્નીને ખૂબ માન આપતા. ઘરના મોટા ભાગના નિર્ણયો પત્નીને પૂછીને જ કરાતા અને સૂર્યકાન્તની બાબતમાં પત્નીનો કૂણો ખૂણો દેવશંકર જાણતા એટલે બને ત્યાં સુધી એ સૂર્યકાન્તની બાબતમાં એ કડકાઈ કરવાનું ટાળતા. એ જાણતા કે પત્નીના લાડે જ સૂર્યકાન્તને મનસ્વી અને સ્વચ્છંદી કરી નાખ્યો છે. એ પત્નીને ટકોર પણ કરતા પરંતુ ગોદાવરીના પ્રેમની સામે એ આખરે એ હથિયાર નાખી દેતા...

આજે બેચેન થઈને હિંચકા પર બેઠેલા દેવશંકર મહેતા માત્ર ક્રોધમાં જ નહોતા. એમનો આત્મા ખૂબ દુભાયો હતો. આટઆટલી વાર સૂર્યકાન્તને સમજાવ્યા છતાં એ કોઈ રીતે સાંભળતો નહોતો. બજારમાંથી આવતા ખબર બહુ સારા નહોતા. આસમાની સુલતાની ચાલ્યા કરતી હતી. બજારોની દશા બહુ સારી નહોતી... અને એવા સમયે સૂર્યકાન્ત ગાંડા સટ્ટા કરતો.

આજે જે સમાચાર આવ્યા હતા, એ એમને દુઃખી કરવા માટે તો પૂરતા હતા જ પરંતુ પેઢી કાચી પડી જાય એવી સંભાવના ઊભી થઈ હતી. સૂર્યકાન્તે વીસ કરોડ રૂપિયાનો દાવ લગાડ્યો હતો અને વલણમાં જો એકના ત્રણ ચૂકવવા પડે તો આટ-આટલાં વરસોથી સંચિત દેવશંકર મહેતાની પ્રતિષ્ઠા અને સંપત્તિ બંને દાવ પર લાગી જાય એમ હતુું. સાંજના આઠ વાગ્યા હતા. સૂર્યકાન્ત હજી ઘેર આવ્યોેેેેેેેેેેેેે નહોતો. ગોદાવરી અને વસુંધરા બંને જણા જમવાની રાહ જોતા હતા. દેવશંકર મહેતાએ વિચાર્યું હતું કે જમી પરવારીને એ સૂર્યકાન્ત સાથે પેટછૂટી વાત કરી લેશે. પરંતુ એ જ સમયે પેઢીનો એક માણસ આવ્યો. એનું મોઢું જોઈને, એની ઢીલી ચાલ જોઈને દેવશંકર મહેતા એટલું તો સમજી જ ગયા કે એ કોઈ મોંકાણના સમાચાર લાવ્યો હતો.

“શેઠ...” પેલા માણસની જીભ નહોતી ઉપડતી.

“બોલ, બોલ... મુરારિ... શું વાત છે?”

“શેઠ, એકના સાત...”

“શું વાત કરે છે?”

“શેઠ ભાવ બદલાઈ ગયો. સાંજના છેડે બજાર ઉથલ-પાથલ થઈ ગઈ.”

“હશે...” દેવશંકર મહેતાએ લાંબો નિઃશ્વાસ નાખ્યો. “કેટલા ચૂકવવાના થશે?”

“હજી હિસાબ નથી કર્યો. પણ... મોટી રકમ છે શેઠજી.”

“જે થશે તે જોયું જશે. કોઈનોય પૈસો બાકી ના રાખશો.” દેવશંકર મહેતાએ કહ્યું અને હિંચકા પરથી ઊભા થઈ ગયા. એ દિવસે રાત્રે દેવશંકર મહેતા પોતાના જ ઓરડામાં બેસી રહ્યા. જમવા પણ ના આવ્યા. ગોદાવરી દેવી આખી રાત જાગતા બેસી રહ્યા પણ સૂર્યકાન્ત ઘરે જ ના આવ્યો. બીજે દિવસે સવારે જ્યારે સૂર્યકાન્ત ઘરે પહોંચ્યો ત્યારે દેવશંકર મહેતાએ હિસાબ સંભાળી લીધો હતો. જેના-જેના ચૂકવવાના બનતા હતા એ બધાને દેવશંકર મહેતાએ પૈસા ચૂકવી દીધા હતા. સૂર્યકાન્ત હજી તો ઘરમાં દાખલ થાય એ પહેલાં જ ઓસરીમાં બેઠેલા દેવશંકર મહેતાએ કહ્યું હતું, “ત્યાં જ ઊભો રહી જજે...” સૂર્યકાન્ત ત્યાં જ ઊભો રહી ગયો હતો.

“અરે પણ બીચારાને અંદર તો આવવા દો.” ગોદાવરી વચ્ચે બોલવા ગયાં હતાં.

“હવે તમે વચ્ચે નહીં બોલતા.” દેવશંકર મહેતાએ કહ્યું હતું અને સૂર્યકાન્ત તરફ ફરીને કહ્યું હતું. “તું જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. આ ઘરના દરવાજા આજથી તારા માટે બંધ છે. દેવશંકર મહેતાના પરિવારમાં એક દીકરો ગાંડો નીકળ્યો અને બીજો...” દેવશંકર મહેતાની આંખમાં પાણી ધસી આવ્યાં હતાં.

ગોદાવરીએ રડવા માંડ્યું હતું.

વસુંધરા બહાર આવીને ઊભી રહી હતી.

દાદીને રડતા જોઈને અભય, અંજલિ અને અજય પણ રડવા માંડ્યા હતા.

“ચાલો, વસુંધરા.” સૂર્યકાન્તે કહ્યું.

“એ ક્યાંય નહીં જાય.” દેવશંકર મહેતાએ કહ્યું.

“એ મારી પત્ની છે. જો એને અહીં જ રહેવું હોય તો મારી સાથેનો સંબંધ પૂરો કરવો પડશે.” સૂર્યકાન્ત જે અવાજે બોલતો હતો એટલો ઊંચો અવાજ દેવશંકર મહેતાના બંગલામાં પહેલા ક્યારેય કોઈએ નહોતો સાંભળ્યો. “તું આવે છે વસુંધરા?”

“બાપુજી...” વસુંધરાએ સસરાની સામે જોયું હતું.

“બેટા, ધર્મસંકટની સ્થિતિમાં છું હું. શું કહું તમને? પણ તમે જ્યાં જશો ત્યાં મારા આશીર્વાદ તમારી સાથે રહેશે.” અને પછી પત્ની તરફ જોઈને ઉમેર્યું હતું, “ગોદાવરી, આપણા વિલે પાર્લાના બંગલાની ચાવી આપી દો.”

“નથી જોઈતી તમારી ચાવી.” સૂર્યકાન્તે કહ્યું હતું, એ હજી ક્રોધમાં હતો. પિતા આમ ઘરમાંથી જવાનું કહી દેશે એમ કદાચ એણે નહોતું ધાર્યું.

“તમને નથી આપતો સૂર્યકાન્ત. દેવશંકર મહેતાના પૌત્રો અને પૌત્રી રસ્તા પર ન જ રહી શકે.” ગોદાવરીએ ચાવી લાવીને સૂર્યકાન્તના હાથમાં આપવાનો પ્રયાસ કર્યો હતો. સૂર્યકાન્તે ચાવી હાથમાં લીધી જ નહીં. છેવટે ગોદાવરીએ ચાવી વસુંધરાના હાથમાં આપી...

વસુંધરા આગળ વધીને સાસુ-સસરાને પગે લાગી.

“જે ઘરમાંથી લક્ષ્મીની વિદાય થાય, એ ઘરમાં ક્યારેય સુખ નથી આવતું બેટા અને એ જાણવા છતાં મારે તમને વિદાય આપવી પડે છે. પણ આ ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા છે.”

“જો મારે માટે આ ઘરના દરવાજા બંધ હોય તો એ પણ આ ઘરમાં પગ નહીં જ મૂકે.”

“બેટા...” ગોદાવરીનો અવાજ ફાટી ગયો.

“જેવી તમારી ઈચ્છા.” દેવશંકરનો અવાજ એકદમ સંયત હતો.

“ચાલો, વસુંધરા.” સૂર્યકાન્તે કહ્યું અને પગથિયેથી જ ઊંધો ફરીને ચાલવા લાગ્યો. વસુંધરા ત્રણ સંતાનો સાથે એની પાછળ-પાછળ ઘસડાઈ. અભય તો થોડું ઘણું પણ સમજી શકતો હતો. અજય અને અંજલિને એ જ નહોતું સમજાતું કે આમ તૈયાર થયા વિના, મોટર લીધા વિના એ લોકો ક્યાં જઈ રહ્યા હતા?

વસુમા પોતાના ઓરડામાં બેઠા હતા. એમના મન ઉપરથી જાણે પ્રતિક્ષાનો ભાર ઉતરી ગયો હતો. એમને પોતાને પણ નવાઈ લાગી કે જે વાતથી હૃદય ભાંગી પડવું જોઈતું હતું એ વાતથી એ હળવાશ કેમ અનુભવી રહ્યા હતા!

‘શ્રીજી વિલા’માં જાણે આખુંય વાતાવરણ ગમગીન, શોકમય થઈ ગયું હતું. વસુમાના શબ્દોની એટલી તો અસર થઈ હતી કે જાણે સૂર્યકાન્ત મહેતા આજે, હમણાં ગુજરી ગયા હોય, એમ ઘરનું વાતાવરણ સૂનું અને બોઝલ થઈ ગયું હતું.

વસુમા પોતાના ઓરડામાં વિચારી રહ્યા હતા અને જોઈ રહ્યા હતા વીતી ગયેલી કાલ... વીતેલાં વરસો અને વરસોમાં પોતે જીવેલી જિંદગી...

‘શ્રીજી વિલા’માં રહેવા આવ્યા પછી એમણે એક શાળામાં નોકરી લઈ લીધી હતી. બાળકોની સાર-સંભાળ અને નોકરીમાં સમય ક્યાં પૂરો થઈ જતો એની વસુંધરાને ખબર જ નહોતી પડતી. ક્યારેક સાસુ આવતાં પણ સસરાથી છૂપાઈને. છોકરાઓ માટે ફળ, ચોકલેટો, બિસ્કિટો અને ઘર માટે શાકભાજી, અનાજ, ઘી અને એવી વસ્તુઓ લઈને...

વસુંધરા ઘણી વાર ‘ના’ પાડતી એમને. પણ સાસુનું મોઢું જોઈને વધુ કહેવાની હિંમત નહોતી થતી એની. સાસુ જેટલી વાર આવતાં એટલી વાર રડતાં. પણ વસુની આંખો ય જાણે રડવાનું ભૂલીને જાગવાનું શીખી લીધું હતું. મોડી રાત સુધી એ શાળાની તૈયારી કરતી. ઘરનું બધું કામ હાથે કરતી. સસરાએ ચૂકવી દીધેલા દેવાનો ભાર એને ક્યારેક એટલો તો લાગતો કે જાત વેચીને પણ સસરાનું દેવું ચૂકવી દેવાની ઈચ્છા થતી એને.

સૂર્યકાન્ત વધુ ને વધુ બહાર રહેવા લાગ્યો હતો. હવે એ કલાકારોના છંદે ચડ્યો હતો. નાટકવાળાઓ અને કહેવાતા કવિઓ અને સંગીતકારોની સાથે રાતભર બહાર રહેતો. ક્યારેક છાંટો-પાણી પણ કરવા લાગ્યો હતો. બંગલામાં રહેતા હતા ત્યાં સુધી એને પિતાનો ભય હતો. પરંતુ અહીં એને કહેનારું કોઈ નહોતું. વધુમાં, સંતાનોની જવાબદારી વસુંધરાએ ઉપાડી લીધી હતી એટલે એણે જાણે છૂટો દોર મળી ગયો હતો.

મોડી રાત કે વહેલી સવારે ઘેર આવે ત્યારે સામાન્ય રીતે વસુંધરા જાગતી જ મળતી... એ ઘણી વાર વાત કરવાનો પ્રયત્ન કરતી, પરંતુ સૂર્યકાન્તને વધુ ને વધુ કુછંદ લાગતા જતા હતા. હવે એને પોતાને નાટક કંપની ખોલવી હતી. એને નાટકના ધંધામાં ખૂબ પૈસા દેખાવા લાગ્યા હતા. નામ અને દામ બંને મળશે એમ માનતા સૂર્યકાન્તે ધીમે ધીમે એ કંપનીની મીટિંગો ઘરમાં કરવા માંડી હતી. લેખકો, કવિઓ અને એક્ટરો ઘરમાં આવતા. મોડી રાત સુધી નાસ્તા-પાણી ચાલતાં. વસુંધરા સંતાનોને લઈને ઉપરના ઓરડામાં સૂઈ જતી, પરંતુ સવારે વેરાયેલા નાસ્તા અને ચાના કપ-રકાબીઓની સાથે સાથે કાચના ખાલી પ્યાલાઓ અને બોટલો જોઈને એનો આત્મા કકળી ઉઠતો. એવું કોઈ નહોતું જે સૂર્યકાન્તને સમજાવી શકે.

બીજી તરફ, દેવશંકર બાપાની તબિયત ખૂબ ખરાબ રહેતી હતી. સૂર્યકાન્તે આ ઘરમાં આવતાંની સાથે જ, વસુંધરાને સોગંધ આપ્યા હતા, “જો ફરીને બંગલાનાં પગથિયાં ચઢી છે તો મારું મરેલું મોઢું જોઈશ.”

વસુંધરા આવા સમ-સોગંધમાં આમેય નહોતી માનતી. પરંતુ જ્યારે સાસુ પોતે મોટર લઈને લેવા આવ્યા ત્યારે વસુંધરાએ બધું નેવે મૂકીને ગામદેવી જવા માટે સાડલો બદલી લીધો.

દેવશંકર મહેતાના છેલ્લા શ્વાસ ચાલતા હતા. એમણે વસુંધરાને જોઈ અને એમની આંખમાંથી આંસુ પડી ગયા.

એ દૃશ્ય યાદ આવતાં આજે ય વસુમાની આંખો ભૂલી થઈ ગઈ. ઓરડામાં એકલા બેઠેલા વસુમા જાણે નજર સામે સસરાની પથારી, એની આસપાસ વીંટળાયેલા લોકો અને સાસુની આંખમાંથી વરસી રહેલો શ્રાવણ-ભાદરવો જોઈ રહ્યા હતા. સસરાની આંખોમાં એ વખતે જોયેલો ભાવ, આજેય વસુમાના હૃદયમાં એક શૂળની જેમ ભોંકાઈ રહ્યો હતો. એ સમયે સસરાની આંખોમાં અપરાધના ભાવ હતા. જાણે પોતે વસુંધરાના લગ્ન સૂર્યકાન્ત સાથે કરાવીને ભૂલ કરી હોય એવી લાગણી દેવશંકર મહેતાને જિંદગીના અંતિમ સમય સુધી રહી.

વસુમાને સસરાની આંખો આજે પણ યાદ આવતા એક પીડા, એક તરફડાટ થઈ આવ્યો. “શા માટે કર્યું હશે સૂર્યકાન્તે આવું? આવા દેવ જેવા પિતા, સાક્ષાત્‌ લક્ષ્મી જેવી પત્ની અને સુંદર સંતાનોને શા માટે આમ રઝળતાં છોડી દીધાં હશે એણે? માત્ર અભિમાન હશે એનું? કે એના મનમાંય કોઈ ખાલીપો, કોઈ પીડા હશે જેને લીધે એણે આટલું મોટું પગલું ભરી લીધું.”

વસુમાને સસરાની અંતિમ ક્ષણો નજર સામે દેખાઈ રહી હતી.

વસુંધરા ઓરડામાં દાખલ થઈ ત્યારે ડોક્ટર, પેઢીના બે-ત્રણ માણસો અને થોડા નજીકના સગાવ્હાલા, સસરાની પથારીને વીંટળાઈને બેઠા હતા. દેવશંકર મહેતાએ મહામુશ્કેલીએ પત્ની ગોદાવરીને નજીક બોલાવી. ઈશારાથી સહુને બહાર જવાનું કહ્યું. વારાફરતી સહુ ઉઠીને બહાર ગયા, એટલે દેવશંકર મહેતાએ ત્રુટક ત્રુટક અવાજમાં શરૂ કર્યું. “બેટા વસુ, જો થઈ શકે તો મને માફ કરજે. તું તો મારા સૌથી નિકટના, બાળપણના ભેરુબંધની દીકરી, અમારા પૂજારીની દીકરી... બેટા, તને આ ઘરમાં લાવીને એક દિવસે ય સુખ દેખાડી નથી શક્યો. મને માફ કરજે.” મહામુશ્કેલીએ બે હાથ ઊંચક્યા એમણે.

“અરે, બાપુજી! આ શું કરો છો?” વસુંધરાએ લાજ છોડીને હાથ પકડી લીધો.

“બેટા, આ થોડા કાગળીયા છે.” એમણે ગોદાવરીને ઈશારો કર્યો. ગોદાવરીએ કાગળીયા આપ્યા. વસુએ હાથમાં લઈ લીધા. “બેટા, બંગલો તો ક્યારનોય ગીરવી છે. પેઢીમાં પણ ખાસ રૂપિયા નથી રહ્યા. પરંતુ જે કંઈ છે તે અને સાથે ‘શ્રીજી વિલા’નો બંગલો મેં તારા નામે કરી દીધો છે.”

“બાપુજી, મારા નામે? એમને ખબર પડશે તો?”

“એનેય એક કોપી મોકલાવી જ દીધી છે. એને મળી જ ગઈ હશે.”

“પણ શું કામ બાપુજી?”

“બેટા, તારી બા તો ગામને ઘેર જઈને રહેવા માંગે છે. હું હવે મોટા ગામતરે જાઉં છું. કાલે સવારે કંઈ થયું તો તું અને છોકરાઓ રસ્તા પર ન આવી જાવ એટલું જોવાની ફરજ બને છે મારી, કુટુંબના વડીલ તરીકે.”

“બાપુજી, એમને કારણ વગર...”

“કારણ વગર નહીં બેટા. કારણો તો બહુ આપ્યાં છે એણે. નાનાની તો આશા ક્યાંથી હોય મને? પણ મોટાએ ય બહુ દુભવ્યો મને. કોણ જાણે કયા જનમનાં પાપ મારી સામે આવીને ઊભા રહ્યા...” પછી ઊંડો શ્વાસ લઈને સાવ ક્ષીણ અવાજે ઉમેર્યું. “એક વિનંતી કરવાની છે દીકરા.”

“બોલો, બાપુજી. તમારે તો હુકમ કરવાનો હોય.”

“મારી ચિતાને અગ્નિ-સંસ્કાર તું કરજે બેટા.”

“બાપુજી...” એટલું કહીને એણે સાસુની સામે જોયું. સાસુના ચહેરા ઉપર શાંત, સંયત ભાવ હતા. વસુને સમજાયું કે આ ચર્ચા પહેલા થઈ ચૂકી હશે.

“બેટા.” દેવશંકર મહેતાનો અવાજ ડૂબતો જતો હતો. “ના નહીં પાડતી. મારે માટે તો તું જ સાચો દીકરોે સાબિત થઈ છે.”

“બાપુજી, પણ એમને...”

“એને તારી સાસુ કહી દેશે. આને મારી છેલ્લી ઇચ્છા ગણ તો એમ અને મારા મોક્ષ માટેની મારી વિનંતી ગણ તો એમ. પણ એ સટોડિયા, દારૂડિયા પાસે હું મારો અગ્નિ-સંસ્કાર ન કરાવતા...”

વસુમાની આંખોમાં સસરાની ચિતા જાણે ભડભડ સળગી રહી હતી. સામે ઊભેલા ચંદ્રશંકરને બે માણસોએ પકડી રાખ્યો હતો. એ તાળી પાડીને હસતો હતો. પિતાના મૃત્યુ સાથે એને કોઈ નિસબત જ નહોતી. એના મોઢામાંથી લાળ પડી રહી હતી. એણે થોડી વાર પછી બાજુમાં ઊભેલા નોકરને કહ્યું, “ખાવા ક્યારે મળશે?”

“બસ, હમણાં હો નાના શેઠ.” નોકરે કહ્યું અને પોતાનાં આંસુ લૂછી કાઢ્યાં.

વિમાનમાં બંધ આંખે સૂતેલા સૂર્યકાન્તની આંખો સામે પણ પિતાની ચિતા સળગી રહી હતી. એ અગ્નિમાં એનું સન્માન, એના અધિકારો અને એની તમામ લાગણીઓ પણ સાથે જ સળગી રહી હતી.

એ દિવસે એણે ગાંઠ વાળી હતી કે, ‘આજ પછી દેવશંકર મહેતાના નામને લોકો ભૂલી જશે. હું સૂર્યકાન્ત મહેતા, દેવશંકર મહેતાના નામ તરીકે નહીં ઓળખાઉં પણ દેવશંકર મહેતાને લોકો સૂર્યકાન્ત મહેતાના પિતાના તરીકે યાદ કરશે.’

એણે એ દિવસથી સાચા અર્થમાં એણે કાળી મજૂરી કરવા માંડી હતી. રાત-દિવસ ધંધાની શોધ કરતો અને જાત-જાતનાં લોકોને મળતો રહેતો. બજારમાં એની શાખ સટોડિયા તરીકે મશહુર થઈ ચૂકી હતી એટલે લોકો એના પર વિશ્વાસ કરવા તૈયાર નહોતા. કોઈ પાંચસો રૂપિયા ય ધીરવા તૈયાર નહોતું. એ નોકરી માગવા જતો તો લોકો મશ્કરી કરતાં, “ભાઈ, દેવશંકર મહેતાના દીકરાને નોકરીએ રાખીએ એવી અમારી હેસિયત નથી.”

રાત-દિવસ માર્યા-માર્યા ફરતા સૂર્યકાન્તે વસુંધરાની સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. જરૂર સિવાયનાં વાક્યોની ભાગ્યે જ આપ-લે થતી. સૂર્યકાન્ત વહેલી સવારે ઘરમાંથી નીકળી જતો. ક્યારેક મોડી રાત્રે, ક્યારેક એક દિવસે તો ક્યારેક બે દિવસે ઘેર આવતો. ક્યારેક જો મન સારું હોય તો વસુંધરાના પડખામાં જઈને એને થોડું વ્હાલ કરતો... વસુંધરાને એનો સ્પર્શ અંગારા જેવો લાગતો. પણ પતિને ‘ના’ પાડવાના સંસ્કાર નહોતા એનામાં! વસુંધરા એને કશું પૂછતી નહીં પણ એણે ધારી લીધું હતું કે એ એની નાટક-ચેટકની મંડળીઓમાં અને ખોટી જગ્યાઓએ સમય પસાર કરે છે. ન એણે ક્યારેય પૂછ્‌યું, ન સૂર્યકાન્તે ક્યારેય કહેવાની તસ્દી લીધી...

પતિ-પત્ની વચ્ચેનું અંતર વધતું જતું હતું. વસુંધરા પણ નોકરી કરીને ઘર ચલાવતાં, સંતાનોનો ઉછેર કરતાં થાકી જતી હતી. એ જ સમયે વસુંધરાએ ચોથા સંતાનનો ગર્ભ રહ્યાની ખબર આપી. સૂર્યકાન્તે હસીને કહ્યું, “ઈશ્વરે આપ્યું છે તો સંભાળ પણ એ જ લેશે.” અને પહેલીવાર વસુંધરાનું મગજ છટક્યું હતું. એણે સૂર્યકાન્તને મોઢે કહી દીધું હતું.

“ઈશ્વરે નથી આપ્યું. આ સંતાન તમે આપ્યું છે મને અને તમારા થોડીક પળોના સ્વાર્થી આનંદને ઈશ્વરના માથે નાખવાને બદલે એટલું વિચારો કે મારી હાલત શું થશે? પણ તમને ક્યાં કોઈનાય વિશે વિચારવાની આવડત કે ફુરસત છે? જાતમાંથી ઊંચા આવો તો કંઈ કરો ને? મન તો એવું થાય છે કે તમારા પિતાની જેમ હું પણ આ ઘરના દરવાજા તમારા માટે બંધ કરી દઉં. અમથી ય હું જ મોટા કરું છું ને છોકરાઓને. હું જ કરી દઈશ. જવાબદારી વહેંચવાની વાત તો દૂર ગઈ. તમે તો ભાર નાખી રહ્યા છો, મારા માથે. પણ યાદ રાખજો, હું આ સંતાનને જનમ નહીં આપું. ત્રણની જિંદગી તો બરબાદ કરી... ચોથા સંતાનને આ ધરતી પર બોલાવીને એની જિંદગી બરબાદ નહીં કરવા દઉં તમને...”

સૂર્યકાન્ત ઘડી ભર વસુની સામે જોઈ રહ્યો હતો. એનો આક્રોશ, એનું ધ્રૂજતું શરીર, એના શબ્દોમાંથી ચંપાતી લ્હાય... અને એનો સૂર્યકાન્ત માટેનો તિરસ્કાર રૂંવે રૂંવેથી ટપકતો હતો.

સૂર્યકાન્ત ઘડીભર એમ જ ઊભો રહ્યો અને પછી પીઠ ફેરવીને ચાલી નીકળ્યો...

“સર, વેજિટેરિયન ઓર નોન વેજિટેરિયન?” એર હોસ્ટેસ ઝૂકીને પૂછી રહી હતી.

“વેજિટેરિયન.” લક્ષ્મીએ કહ્યું. “બંને માટે.” અને પિતાની આંખના ખૂણેથી સરકી પડેલું આંસુ હળવેથી લૂછી નાખ્યું. લક્ષ્મીએ પિતાના બાવડાની આજુબાજુ પોતાનો હાથ વીંટાળ્યો અને પોતાનું માથું પિતાના ખભા પર મૂકી દીધું...

‘શ્રીજી વિલા’ના પચ્ચીસ વરસથી ઉઘાડા દરવાજા એક તરફ હળવેથી વસાવાની તૈયારી કરી રહ્યા હતા અને બીજી તરફ સિંગાપોર એરલાઈન્સની ન્યુ યોર્ક-મુંબઈની ફ્‌લાઈટ મુંબઈની જમીન પર પોતાનાં પૈડાં ઘસતી અટકવાની તૈયારીમાં હતી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED