Yog-Viyog - 1 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 1

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૧

“...અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ... જૂજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે...” ‘શ્રીજી વિલા’ની સવાર રોજ આમ જ પડતી. સવારે સાડા છ વાગ્યે તમે ઘડિયાળ મેળવી શકો એટલી નિયમિતતાથી વસુમાના અવાજમાં ભજન ગુંજવા લાગતું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં હોય કે કબીરના દોહા, ‘શ્રીજી વિલા’ની સવાર વસુમાના અવાજના અલાર્મથી પડતી.

આ અવાજને આસપાસનાં ઘરોમાં વસતા ગુજરાતીઓ ‘વસુમા’ કહીને સંબોધતા. છેલ્લા અઢી દાયકાથી વસુમા અહીં જ, ‘શ્રીજી વિલા’માં વસતાં હતાં. આસપાસનો વિસ્તાર પચીસ વર્ષમાં બાળકમાંથી યુવાન થઈ ગયો હતો. વિલે પાર્લેના પશ્ચિમ વિસ્તારના રેલવેસ્ટેશનની નજીક કોઈ એક જમાનામાં સુંદર નાના નાના બંગલાઓ હતા. ધીમે ધીમે બિલ્ડરોએ એમાંથી ફ્‌લેટ્‌સની સ્કિમ્સ ઊભી કરતાં કરતાં સાવ ગણ્યા ગાંઠ્યા બંગલાઓ હજી બંગલાના સ્વરૂપમાં ઊભા છે. વિલે પાર્લે સ્ટેશનથી એસ.વી. રોડ સુધી બધું જ બદલાઈ ગયું હતું. સાઉથ ઇન્ડિયન ઉડિપીની જગ્યાએ મેકડૉનાલ્ડ્‌સ આવી ગયું હતું, પરંતુ ‘શ્રીજી વિલા’ અને સાડા છ વાગ્યે ગુંજતો વસુમાનો એ અવાજ ત્યાં જ, એમ ના એમ જ હતા !

ખાદીની ઇસ્ત્રી કરેલી સાડી, કોણી સુધીનો લાંબી બાંયનો બ્લાઉઝ, બંધ ગળાના એ બ્લાઉઝમાં પણ એમની લાંબી ગરદનની ચારૂતા અછતી નહોતી રહેતી. ગળામાં મંગળસૂત્રની કાળાં મોતીની બે સેર એમની ગરદનની સુંદરતામાં વધારો કરતી હતી. ગરદન પર ઝૂંકી આવેલો બે હાથના ખોબામાં સમાય એવો મોટો ઢીલો અંબોડો, ટટ્ટાર શરીર, કોઈ યુવતીને પણ શરમાવે એવી સુડોળ દેહયષ્ટિ અને ત્રીસ-બત્રીસથી મોટી નહીં હોય એવી કમર... બે ભાવવાહી આંખો અને સતત સ્મિત વેરતા બે હોઠ, લાલચટ્ટક ચાંદલો અને સુંદર અવાજ.

“ઉફ ! પડી ગઈ સવાર... અભય, હું રાત્રે અઢી વાગ્યે સૂતી છું. આ સવારના પહોરમાં બેસૂરા રાગડા ન તાણે તો ન ચાલે ?” રેશમી રજાઈ ખસેડીને બેઠી થઈ આંખો ચોળતાં એક આંખ ખોલીને વૈભવીએ કહ્યું. એના અવાજમાં હજી ખરાશ હતી. ગઈ કાલે રાતનો મેક-અપ રિમૂવ તો કર્યો હતો, પણ છતાંય ક્યાંક ક્યાંક હજી એની નિશાનીઓ રહી ગઈ હતી. ટર્કોઇશ બ્લ્યુ કલરની સેક્સી નાઇટીમાંથી વૈભવીનું શરીર દેખાઈ રહ્યું હતું. સાટિનની રજાઈ કમર સુધી ઓઢી રાખીને વૈભવી પલાંઠી વાળીને બેઠી હતી.

આંખો ચોળી એણે માંડ માંડ બંને આંખો ખોલી. ગઈકાલ રાતનો હેન્ગઑવર હજીય એના ચહેરા પર હતો. “મને એ નથી સમજાતું કે પોતે નિરાંતે સૂવાને બદલે બધાની ઊંઘ બગાડવામાં એમને શું મજા આવે છે?”

વિનિયર અને વૉલ ટુ વૉલ કાર્પેટ વાપરીને ડેકોરેટ કરાયેલા એ રૂમમાં મુંબઈના જૂન મહિનાની ખબર જ નહોતી પડતી. બહારના તાપ કે બફારાથી અજાણ એવો આ રૂમ જોઈને જ સમજાતું હતું કે અહીં વસનારાઓના ટેસ્ટ ઊંચા હશે. બેડરૂમને જોડાયેલો નાનકડો ડ્રેસિંગરૂમ આખેઆખો વૉક-ઇન વૉર્ડરોબથી કવર કરાયેલો હતો. બેલ્જિયમના ગ્લાસ જડેલા એ વૉર્ડરોબ્સમાં વિશ્વભરનાં બ્રાન્ડેડ કપડાંઓ, પરફ્‌યુમ્સ, કૉસ્મેટિક્સ અને એક્સેસરીસ ઠાંસોઠાંસ ભરેલાં હતાં. ડ્રેસિંગરૂમની જમણી તરફ બાથરૂમ હતો. બાથરૂમનો દરવાજો ખુલ્લો હોય તો વૉર્ડરોબ પરના અરીસામાં થઈને પલંગનું પ્રતિબિંબ સીધું જોઈ શકાતું...

અભય બાથરૂમના મારબલ ફ્‌લોરિંગ પર જડેલા ગ્રેનાઇટના વૉશબેઝિન ઉપર જડેલા અરીસામાં જોઈને દાઢી કરી રહ્યો હતો. એણે ચશ્મા કાઢીને બાજુમાં મૂક્યા હતા. ઇમ્પેર્ટેડ શેવિંગ ક્રીમનાં ફીણ એના ચહેરા પર ફેલાયેલાં હતાં. ઊંચું જોઈ દાઢીની નીચે રેઝર ફેરવતાં એણે વૈભવીને કહ્યું, “વૈભવી, મારી મા ભજન ગાય છે. ડુ યુ માઈન્ડ ?”

“અફકોર્સ આઇ ડુ... એમને એટલો જ શોખ હોય તો પૂજાઘર બંધ કરીને ગાય. બરાબર આપણા રૂમની નીચે આવીને શા માટે ગાય છે ?”

“કારણ કે ઘરની મોટી વહુ વહેલી ઊઠીને પૂજા કરતી હોય એવું એમનું સપનું ક્યારેેક પૂરું થશે એવું એ માને છે. એમને લાગે છે કે કોઈ દિવસ તું પણ એમની જોડે ભજન ગાતી હોઈશ.” અભય હસ્યો.

રજાઈ ફેંકીને વૈભવી ઊભી થઈ. “શટ-અપ” એણે કહ્યું, “સાડા છ વાગ્યે તો માંડ મને ઊંઘ આવે છે. એ જ ટાઇમે તારી મા ભજન ગાય છે. રેડિયોમાં ગાતાં હોય તો ? કમસેકમ સ્વિચ ઑફ તો થઈ શકે.” એ હસી અને દાઢી કરતા અભયને કમરમાંથી પકડી લીધો. એના ખભા ઉપર ચહેરો ગોઠવીને વૈભવીએ ધ્યાનથી પોતાનો ચહેરો જોયો, “નોટ બેડ ! તને ખબર છે, ગઈ કાલે મિ. ભલ્લાએ મને કહ્યું, મિસિસ મહેતા ! કોઈ કહે નહીં, તમે બે બાળકોની મા છો... અને તમારી મોટી દીકરી સત્તર વર્ષની છે એ તો માન્યામાં જ આવે એવું નથી. બટ આઈ ટેલ યુ શી ઇઝ એઝ બ્યુટીફુલ એઝ યુ.”

અરીસામાં બાજુ બાજુમાં દેખાતા બે ચહેરાઓ મારબલ ફ્‌લોરિંગ પર જડેલા ગ્રેનાઇટના વોશબેઝિનની જેમ જ કાળા અને ધોળા હતા. અભયની બાજુમાં વૈભવીનો ચહેરો સ્વાભાવિક રીતે જ અભયના સામાન્ય દેખાવને વધુ સામાન્ય બનાવતો હતો. વૈભવીની આંખો, તીખું નાક, એક પણ ડાઘ વગરની તસતસતી ચામડી, પરવાળા જેવા હોઠ અને ગોલ્ડન હાઈલાઇટ કરેલા વ્યવસ્થિત ટ્રીમ કરાયેલા ખભાથી સહેજ લાંબા વાળ વૈભવીના ચહેરાને એક જુદો જ ઓપ આપતા હતા. અભય વૈભવીની સામે જાણે એનો એક પ્રશંસક હોય એમ ઘડીભર મુગ્ધ થઈને જોઈ રહ્યો. પછી અભયે પોતાના ગાલ પર લાગેલાં ફીણ વૈભવીના ગાલ પર લૂછ્‌યાં અને કહ્યું, “એમ ?! ભલ્લા તો પીધેલો હતો...”

“અચ્છા ?” વૈભવીની આંખોમાં રૂપગર્વિતાનો જાદુ હતો, “તો હું સુંદર નથી ?”

“કોઈ કહે કે નહીં, હું કહું છું.” એણે ફરીને વૈભવીને કમરમાંથી પકડી લીધી, “આ સ્ત્રી, આ અદ્‌ભુત સ્ત્રી મારાં બે બાળકોની મા છે... એ માનતી નથી બાકી, હું એને ત્રીજા બાળકની મા બનાવવા માગું છું.” અને એણે ધીમે ધીમે વૈભવીને પલંગ તરફ ધકેલવા માંડી.

“નો... નો અભય...” વૈભવીના અવાજમાં સાવ નબળો પ્રતિકાર હતો, પણ એ અભયના ધકેલાયે ધકેલાતી જતી હતી. અભયે છેલ્લો ધક્કો જરા જોરથી માર્યો. વૈભવી પલંગમાં પડી. “નો... નો અભય...” એના ‘નો’માં સ્પષ્ટ ‘યસ અભય’ હતું... અભયના ચહેરાનાં ફીણ વૈભવીના ગાલ પર, હોઠ પર, નાઇટીના સ્ટ્રેપ્સ પર થઈને એના ગળા નીચે વહેતાં વહેતાં એની છાતી સુધી ફેલાઈ ગયાં. એર કન્ડિશનની ધીમી ઘરઘરાટીમાં વૈભવીનું “ઉફ અભય !, માય ગૉડ અભય !” અને નીચેથી આવતું વસુમાનું ભજન ભળતું જ કોકટેઈલ બનીને ‘શ્રીજી વિલા’માં પડઘાતું રહ્યું.

વસુમાના હાથ તો સૂંકાં પાંદડાં વીણતા હતા. છોડ ઉપર જામેલી ધૂળ પાણીથી ધોતા હતા, પણ એમનું મન ક્યાંય ભટકતું હતું. એકસામટા સો-સો વિચારો એમના મનમાં આવતા હતા અને દરિયાનાં મોજાં જેમ રેતીને અડે અને પાછાં વળી જાય એમ ફીણ ફીણ થઈને પાછા વળી જતા હતા. જિંદગીના છેલ્લા અઢી દાયકા એમણે એકલા ગાળ્યા હતા. બાળકોને ઉછેરવામાં અને જિંદગીની સ્ટ્રગલમાં ગાળેલાં આ છેલ્લાં જિંદગીનાં ૨૫ વર્ષમાં વસુમાને ક્યારેય આવી અસમંજસ નહોતી થઈ. એમણે જે નિર્ણયો કર્યા, એ સમજી-વિચારી, માપી-તોળીને કર્યા એવું એ પોતે દૃઢપણે માનતાં. એમણે આ ૨૫ વર્ષ દરમિયાન કદીય પોતાની જાતનો વિચાર નહોતો કર્યો. બાળકો, બાળકોનું હિત અને એમના ભવિષ્યને નજર સામે રાખીને જિંદગીનાં આ ૨૫ વર્ષ એમણે કોણ જાણે કયા બળે ખેંચી કાઢ્યાં હતાં... પણ આજનો દિવસ જુદો હતો. આજે એમનાં બાળકો, બાળકો નહોતાં રહ્યાં, એમનાં સંતાનોને ત્યાં પણ સમજદાર કહી શકાય એવાં સંતાનો હતાં. આ ઘરમાં વસતા નવ જણાનો પરિવાર આજે નાસ્તાના ટેબલ પર નવ પ્રકારની પ્રતિક્રિયા આપવાનો હતો, કદાચ. વસુમા આ પ્રતિક્રિયા માટે તૈયાર નહોતાં એવું નહોતું, પણ આ નવ જણાની પ્રતિક્રિયા શું હશે, શું હોઈ શકે એ વિચારે એમનું મન વિચલિત હતું...

અને છતાં, એમના રોજના રૂટિનમાં કોઈ ફરક નહોતો પડ્યો. એ રોજની જેમ જ આજે પાંચ વાગ્યે ઊઠ્યાં હતાં. નિત્યક્રમ પતાવીને સાડા પાંચ વાગ્યે ચાલવા ગયાં, છ વાગ્યે પૂજા કરીને સાડા છએ રોજની જેમ જ બગીચામાં એમનો અવાજ ગુંજી રહ્યો હતો. વસુમા બરાબર સવા કલાક ગોડ કરતા, ખાતર નાખતાં, છોડને પાણી પાતાં, સૂકાં પાંદડાં વીણતાં અને પોણા આઠ વાગ્યે ઘરના રસોડામાં જઈને નાસ્તાની તૈયારી કરતાં.

આખું મહેતા કુટુંબ સવારે સાડા આઠ વાગ્યે નાસ્તાના ટેબલ પર હાજર રહે એવો વસુમાનો આગ્રહ રહેતો. ઘરના અગત્યના તમામ નિર્ણયો મોટા ભાગે સવારે નાસ્તાના ટેબલ પર લેવાતા. ઘરના સૌ સભ્યો - મોટો દીકરો અભય, વચલો અજય અને સૌથી નાનો અલય પોતપોતાના કામે નીકળી જતા. રાત્રે પાછા આવવાનો કોઈનો સમય નિશ્ચિત નહોતો. એટલે સવારનો નાસ્તો ઘરના બધા સભ્યો સાથે એક જ ટેબલ પર કરે એવો વસુમાનો ઘડેલો વણલખ્યો નિયમ આ ઘરમાં ઓછામાં ઓછા બે દસકાથી પળાતો આવ્યો હતો...

પોણા આઠે વસુમા જ્યારે રસોડામાં દાખલ થયાં ત્યારે વઘારાયેલાં બટાકાની સુગંધ એમના નાકમાં ઘૂસી ગઈ. પ્લેટફોર્મ પર પૌંઆ પલાળીને મૂકી દેવાયા હતા. ત્રણ છોકરાઓના દૂધના મગ તૈયાર હતા. વૈભવીની બ્લૅક કૉફી, અલયની બ્લૅક ટી બાજુમાં લીંબુનો ટુકડો અને વસુમાની લીલી ચા અને ફૂદીનો નાખેલી ચાની સુગંધ આખાય રસોડામાં મહેંક મહેંક થતી હતી.

“તું રોજ સવારે આટલી ઉતાવળ કેમ કરે છે ?” વસુમાએ પૌંઆમાં નાખવા માટે લીલાં મરચાં સમારવા માંડ્યા.

“કારણ કે મારે કૉલેજ જવાનું હોય છે.” જાનકીએ કહ્યું. હમણાં જ નહાયેલી જાનકી પીળા સ્કર્ટ અને બ્લાઉઝમાં સૂરજમુખી જેવી લાગતી હતી. એના ભીના લાંબા વાળ એના ખભા પાછળ સીધા ઓળાયેલા હતા. એમાંથી હજીય પાણી ટપકી રહ્યું હતું. એનું સ્કર્ટ અને પીળું ટોપ પીઠથી શરૂ કરીને કમરથી નીચે સુધી ભીના થઈ ગયાં હતાં. જૂન મહિનાની ગરમીને કારણે એના કપાળ પર, નાક નીચે અને ગળામાં પરસેવાના બૂંદ જામ્યા હતા. ટોપની બાંયથી એણે પરસેવો લૂછ્‌યો, “હું નહોતી ત્યાં સુધી બરાબર છે મા... પણ હું આવી ગઈ ત્યારથી સવારની જવાબદારી તો મારે લેવી જ જોઈએ. પછી તો હું જતી રહી છું, આખો દિવસ તો તમે સંભાળો જ છો ને ?” એણે કહ્યું અને વસુમાની ઉકળતી ચા સાણસીથી પકડીને કાંસાના કપ-રકાબીમાં કાઢી... પ્લેટફોર્મની બાજુમાં જ બનેલા નાનકડા બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મૂકી. વસુમા એક હાઈ ેચેર ખેંચીને બ્રેકફાસ્ટ ટેબલ પાસે બેઠાં. જાનકી ચા-કૉફીની તૈયાર ટ્રે હાથમાં ઊંચકીને એ બહાર જવા લાગી.

“આ સાવ ખોટી ટેવ પાડી છે તેં બધાને.” વસુમાએ કહ્યું, “વૈભવીને એના રૂમમાં કૉફી, અલયને એના રૂમમાં ચા અને છોકરાઓને પોતપોતાના રૂમમાં દૂધ આપવાની શી જરૂર છે ? ટેબલ પર મૂકી દેવાનું, આવીને પી લેશે બધા પોતાની મેળે. ખોટા લાડ છે બધા.”

જાનકીએ ટ્રે પ્લેટફોર્મ પર પાછી મૂકી દીધી. પછી હાઇ ચેર પર બેઠેલાં વસુમાને પાછળથી વળગી.

“લાડ કદી ખોટા હોય જ નહીં ! મને નથી મળ્યાને, એટલે મને ખબર છે લાડની કિંમત...” ગળું ભરાઈ આવ્યું એનું. “એક અનાથ છોકરીને પૂછો લાડની કિંમત શું હોય છે? હાથમાં આપણું નામ લખેલું એલ્યુમિનિયમનું મગ લઈને ઊભા રહેવાનું, ડોયાથી દૂધ નાખે, થોડું અંદર પડે ને થોડું બહાર, ક્યારેક હાથ પર દાઝે, પણ બોલવાનું નહીં... મોળું દૂધ અને આગલા દિવસની ભાખરી ખાઈને બીજાનાં ઉતારેલાં મોટાં પડતાં કપડાં પહેરીને બહુ જીવી હું... હવે જે મને નથી મળ્યું એ ભરપુર આપવું છે મારે બાળકોને... અને ઘરના સૌને.”

વસુમાએ પોતાના ખભા પર મુકાયેલા જાનકીના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. વસુમાના હાથ ઉપર જાનકીની આંખમાંથી બે ઊનાં ઊનાં ટીપાં પડી ગયાં.

“જા હવે, લાડ કરી આવ બધાને...” વસુમાએ કહ્યું. ચાનો બીજો ઘૂંટડો ભર્યો અને ઉમેર્યું, “મને શાંતિથી ચા પીવા દે.”

પોતાની આંખમાં પાણી આવે અને કોઈ જુએ એ વસુમાને નહીં ગમે એની જાનકીને ખબર હતી. જાનકીએ એમને એકલાં છોડી દીધાં અને પોતે વૈભવીના રૂમ તરફ આગળ વધી ગઈ.

ટક... ટક...ટક... વિનિયેરના દરવાજા પર ટકોરા પડ્યા. વૈભવીએ એના વાળમાં માથુ નાખીને, એને લપેટાઈને ઊંધા સૂતેલા અભયને ધક્કો માર્યો અને પોતાની સ્લિપરમાં પગ નાખી ગાઉન પહેરતી દરવાજો ખોલવા આગળ વધી. અભયે બૂમ પાડી, “એય... મારાં કપડાં...” વૈભવીએ હસીને અભયના શરીર પર રજાઈ નાખી અને બારણું ખોલવા આગળ વધી ગઈ. બારણું ખોલીને વૈભવીએ સ્માઇલ કર્યું, “મારી ઘડિયાળ મોડી પડે, પણ કૉફી ક્યારેય નહીં...”

“તમારી ઘડિયાળ રાતના બહુ મોડી બંધ થાય છે ને, એટલે સવારે મોડી પડે છે...” જાનકીએ હસીને કહ્યું અને કૉફીનો મગ નાનકડા નેપકીન સાથે વૈભવીના હાથમાં પકડાવ્યો. “જલદી તૈયાર થઈને નીચે આવો, આઠ વાગી ગયા છે.” જાનકી આગળ વધી ગઈ. વૈભવીએ બારણું બંધ કરીને મોઢું મચકોડ્યું અને ચાળા પાડ્યા, “હંહ ! બહુ સારી બનવાની ટ્રાય કરે છે, પણ એથી કંઈ વસુમા એડોપ્ટ નહીં કરી લે. એનું એડ્રેસ તો એ જ રહેશે. કેર ઑફ અનાથાશ્રમ.” એણે અભયને કહ્યું.

“ડિસઘસ્ટિંગ” રજાઈ ફેંકીને અભય ઊભો થયો. “દરેક વખતે અનાથાશ્રમની વાત કરવી જરૂરી નથી. તું આઈ.એ.એસ.ની દીકરી છે એ નસીબ છે તારું...તું જાનકીની જગ્યાએ અને જાનકી તારી જગ્યાએ હોત તો ?”

“તો તારી જગ્યાએ અજય મજા કરતો હોત.” વૈભવીએ કહ્યું, “ને તું પેલી અનાથાશ્રમવાળી જોડે માથાં ઝીંકતો હોત.” અને બાથરૂમ તરફ જતી રહી.

અભય ડ્રેસિંગરૂમમાં દાખલ થઈને વૉર્ડરોબનો દરવાજો પછાડીને પોતાનાં કપડાં શોધવા માંડ્યો...

“આહ !” એક હળવી ચીસ સાથે અલય જાગ્યો. “શું કરો છો, ભાભી ?” એના અવાજમાં કાચી ઊંઘમાંથી ઊઠ્યાની ચીડ હતી.

“આઠને પાંચ થઈ છે. તમારી પાસે ફક્ત પચીસ મિનિટ છે.” જાનકીએ કહ્યું. એણે ઊંઘતા અલયને ઉઠાડવાના બધા પ્રયત્નો કર્યા પછી છેવટે એની આંગળી લઈને ગરમ ચામાં બોળી હતી. જાનકીની બધી જ મહેનત પછી આ ગરમ ચામાં આંગળી બોળાવાથી અલય સફાળો જાગ્યો હતો...

“આ રોજ સાડા આઠનો કાર્યક્રમ શા માટે હોય છે ?” અલયનો અવાજ હજી ઊંઘરેટો હતો. જાનકી બહાર જાય તો એ ફરી ઊંઘી જવાના મૂડમાં હતો, પણ જાનકીએ એનું ઓઢવાનું વાળવા માંડ્યું, “ચલો, ચલો...” જાનકીના અવાજમાં એક આદેશ હતો. એ બાથરૂમમાં ગઈ, બ્રશ ઉપર પેસ્ટ કાઢીને એણે અલયના હાથમાં પકડાવી.

“ઊંહ !” અલયે કહ્યું.

પોતાના ભીના વાળમાંથી અલયના મોઢા પર પાણી છટકોરીને જાનકી બહાર જવા લાગી. “વીસ મિનિટ” એણે કહ્યું અને હસતી હસતી નીકળી ગઈ.

અલયે ચહેરા પરથી પાણી લૂછ્‌યું અને બાજુમાં પડેલું છાપું ઉપાડ્યું. અલય પોતાનું જુદું છાપું મગાવતો. એને ચૂંથાયેલું- ચોળાયેલું છાપું વાંચવું ના ગમતું અને એ મોડો ઊઠતો એટલે સ્વાભાવિક રીતે જ એના ઊઠતા પહેલાં છાપું ચાર-પાંચ હાથમાંથી ફરીને એના સુધી આવતું.

અલયે પોતાની ખાસ કોપી ઉઘાડી. મોઢામાં બ્રશ નાખ્યું અને ઘસવા માંડ્યું. ગીઝરની સ્વીચ ચાલુ કરી...

અને, ચોથા પાના પર છપાયેલી જાહેરાત જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. બ્રશ મોઢામાં જ અટકી ગયું. એણે જાહેરાત ફરીથી વાંચી. કોઈ ભૂલ નહોતી થતી. થઈ શકે જ નહીં. બધું એ જ... વિગતો પણ એ જ... સમયગાળો પણ એ જ... ભાષા પણ એ જ... પણ આવું કેમ થયું હશે ? કેમ કર્યું હશે માએ આવું ?

હવે અલય નીચે જવા ઉતાવળો થઈ ગયો. એને ખાતરી હતી કે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર આની ગરમાગરમ ચર્ચા થવાની. એ માનતો હોય કે ના માનતો હોય, મા સાથે સંમત હોય કે નહીં, પણ માનો પક્ષ લેવા એણે નીચે હાજર રહેવું જરૂરી હતું. અચાનક અલય ચોંક્યો. એનો મોબાઈલ ક્યારનો રણકી રહ્યો હતો. બ્રશ પૂરું કરીને એણે મોબાઈલ ઉપાડ્યો અને એક તાજો-હસમુખો અવાજ અલયના કાનમાં ગુંજી ઊઠ્યો.

“સૂર્યવંશી, ફોન ઉપાડ્યો ખરો. ક્યારનો ટ્રાય કરું છું... તારી ઊંઘ કેમ નથી ઊડતી ?”

એ નિરવ હતો. અલયનો ખાસ લંગોટિયો મિત્ર. અલયના જીવનમાં બનતી એવી કોઈ ઘટના નહોતી, જેની નિરવને ખબર ના હોય અને આજની ઘટના તો ખરેખર ખાસ હતી. અલયને અકળાવનારી, બેચેન કરી નાખનારી ઘટના હતી.

“સૂર્યવંશી, ફોન ઉપાડ્યો ખરો. ક્યારનો ટ્રાય કરું છું... તારી ઊંઘ કેમ નથી ઊડતી ?” નિરવે કહ્યું. પછી ગંભીર થઈને તરત જ ઉમેર્યું, “મેં છાપું જોયું. તું રિએક્ટ નહીં થતો, હું આવું છું.” અલયે કશું કહ્યા વિના ફોન કાપી નાખ્યો. બાથરૂમમાં જઈને શાવર ચાલુ કર્યો. શરીર પર પાણીનાં ટીપાં પડ્યાં ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે એ કપડાં સોતો જ નહાવા ઘૂસી ગયો હતો.

એ જાહેરાતે એને એટલો તો વિચલિત કરી નાખ્યો હતો કે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.

અજયે ચોથી વાર વાંચીને ફરી એક વાર છાપાની ગડી વાળી... પછી તૈયાર થતી જાનકી સામે જોયું. “જો, માને જે ગમ્યું તે ખરું, એને અધિકાર છે એની જિંદગી જીવવાનો. આજ સુધી એ ફક્ત આપણા માટે જીવી... હવે એને પણ એની રીતે એને માટે જીવવું હોય કે નહીં ?” અજયે ઊંઘતા ત્રણ વર્ષના હૃદયના માથે હાથ ફેરવ્યો. “હૃદય, ઊઠો બેટા...” એણે કહ્યું અને હૃદય ફરી એક વાર પડખું ફરીને ઊંઘી ગયો.

જાનકી સાડીની પાટલી વાળતી હતી. “સાચી વાત છે, આજે નાસ્તાના ટેબલ પર તમે આ જ સ્ટેન્ડ લેજો અને બોલજો, મહેરબાની કરીને. ચૂપચાપ બેસી ના રહેતા.હંમેશની જેમ.” એ અરીસામાં જોઈને બોલતી હતી. એણે સ્ટાર્ચ કરેલી સૂતરાઉ સાડીને સફાઈથી ખભા પર ગોઠવીને પીન કરી. વાળ હજી ભીના હતા. એણે વાળ છૂટ્ટા જ રહેવા દીધા અને બહારની તરફ જવા લાગી. “ચલો, સાડા આઠ થયા.” એણે અજયને કહ્યું. અજય ઊભો થયો અને જાનકીની સાથે બહારની તરફ ચાલ્યો. જાનકીએ ફરી એક વાર અજયની આંખમાં આંખ નાખીને કહ્યું, “માએ કશું જ ખોટું કર્યું નથી અને તમે મહેરબાની કરીને માના પક્ષમાં જોરદાર દલીલો કરજો.” પછી હસીને ઉમેર્યું, “તમારી વકીલાત શું કામમાં આવશે?”

“વકીલાત ?” અજયના ચહેરા પર જાણે કાજળો ઢળી ગયો. “એક નિષ્ફળ વકીલ શું દલીલો કરવાનો ? જો જોરદાર દલીલો કરી શકતો હોત તો અભયભાઈની જેમ નોટો છાપતો ના હોત ?”

“નોટો છાપવી એ જ સફળતાની નિશાની છે ?” જાનકી એની નજીક આવી ગઈ. “અજય, કોણ કહે છે તમે નિષ્ફળ છો- ખરેખર તો સફળ તમે જ છો જેણે આટલા બધા કાળા ડિબાંગ અંધારામાં પોતાની નિષ્ઠા, પોતાની શ્રદ્ધાને અખંડ-અકબંધ રાખી છે, આ ભેળસેળની દુનિયામાં. શુદ્ધતાની કસોટી આકરી જ હોય- અજય, ને પુરવાર થયેલી શુદ્ધતાની કિંમત પણ ઊંચી હોય. આપણે હવે શિખરે પહોંચવાની આણીએ ડગલાં ચૂકવા માંડીશું, હેં ?” જાનકી બોલતાં બોલતાં અજયની એકદમ નજીક આવી ગઈ. એ મા પોતાના બાળકને વહાલ કરે એટલી વિશુદ્ધ લાગણીથી એણે અજયના ચહેરા પર હાથ ફેરવ્યો અને કહ્યું, “અજય, તમને પ્રેમ કરીને પરણી છું હું. જાણું છું તમારે વિશે, તમારા ગુણ, તમારા દોષ, તમારી નબળાઈઓ વિશે અને તમારી આકાશને અડે એવી ઊંચાઈઓ...”

અજયની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ગળું ભરાઈ આવ્યું. “જાનુ...” એટલું જ બોલી શક્યો અજય. પછી જાનકી એનો હાથ પકડીને બહાર નીકળી ગઈ.

વૈભવી, અભય સિવાયના બધા લજ્જા, આદિત, જાનકી, અજય, અલય, વસુમા બધાં ટેબલ પર ગોઠવાઈ ગયાં હતાં. એક વજનદાર મૌન કોણ જાણે કેમ આજે બધાની વચ્ચે ધુમ્મસ થઈને ઘુમરાઈ રહ્યું હતું. વાત પહેલી કોણ શરૂ કરે એની જ રાહ જોવાઈ રહી હતી.

“મા, મને પૈસા જોઈએ છે.” અલયે વાત શરૂ કરી.

“મહિનાની આખરમાં તો પૈસા ક્યાંથી હોય બેટા ?” વસુમાએ કહ્યું, “છતાં, કેટલા જોઈએ છે ?”

“ત્રણ હજાર રૂપિયા. એન.એફ.ડી.સી.નું ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે. મારી સ્ક્રિપ્ટ રેડી છે મા. ફર્સ્ટ શૉટ ટુ લાસ્ટ શૉટ. એ લોકો પંદર લાખ રૂપિયા આપે છે. યંગ ડિરેક્ટર્સની સ્કીમમાં...”

“ત્રણ હજાર?” વસુમાએ કહ્યું. “એકદમ ક્યાંથી લાવું?” એ જ વખતે વૈભવી અને અભય ઉપરથી નીચે ઊતર્યાં. “ભાભી, અલયને પૈસા જોઈએ છે.” અજયે કહ્યું.

“એમાં નવું શું છે ?” ઑફ વ્હાઈટ કલરનું પેટ દેખાય એવું ટૉપ અને જીન્સ પહેરીને નીચે ઊતરતી વૈભવીએ કહ્યું. પછી જાનકી સામે જોઈને ઉમેર્યું, “આજના ન્યુઝ તો કંઈક જુદા જ છે. આજનું છાપું ખૂબ ઇન્ટ્રેસ્ટિંગ છે, બધાએ વાંચ્યુંજ હશે ને ? લેટ અસ ટૉક અબાઉટ ધેટ.” વૈભવીએ કહ્યું અને એક સોપો પડી ગયો.

“બોલ મા, કેટલા પૈસા જોઈએ છે ?” અભયે કહ્યું અને પાછલા ખિસ્સામાંથી વૉલેટ કાઢ્યું.

અલયે વૈભવીના ચહેરા પર આંખો નોંધી, “ન્યુઝ તો ઇન્ટરેસ્ટિંગ છે, પણ આ ઘરમાં વસતા ઇમોશનલ લોકો માટે, સેન્સેશન નથી આ...” અને પછી ઉમેર્યું, “નથી જોઈતા.”

“અરે ! હમણાં તો કહ્યું કે જોઈએ છે.” અજયે સમજ્યા વિના વાત આગળ વધારી. વસુમા અને જાનકીના ચહેરા પર અકળામણ સ્પષ્ટ રીતે ઊપસી આવી.

“ચાચુને એન.એફ.ડી.સી.નું ફોર્મ ભરવાનું છે. યંગ ડિરેક્ટર સ્કીમમાં... ફોર થાઉઝન્ડ રૂપિસ જોઈએ છે.” લજ્જાએ કહ્યું અને સામે બેઠેલા અલયને આંખ મારી. “બાય ધ વે, ન્યુઝ શું છે ?” લજ્જાએ પૂછ્‌યું.

આદિત પહેલા રિએક્ટ થવા ગયો, પછી નીચું જોઈ બટાકા પૌંઆની ચમચી ભરીને મોઢામાં મૂકી.

“ચાર હજાર ને ? હા, હા તે લેને.” અભયે વૉલેટમાંથી પાંચસો-પાંચસોની આઠ નોટ કાઢી અલય તરફ લંબાવી.

“નથી જોઈતા કહ્યું ને ?” અલય અકળાયેલો હતો.

“લઈ લે, હું અભયને આવતા મહિને આપી દઈશ.” વસુમાએ કહ્યું. “હવે પછી પૈસા જોઈતા હોય તો છેલ્લી ઘડીએ નહીં કહેતો.”

“હા... હા... મા પાસે હોય કે નાયે હોય, પછી અભય પાસે માગવા પડે અને તમારા સ્વમાનને નકામી તકલીફ પહોંચે. લઈ લો, લઈ લો. તમારે માટે તો કમાય છે તમારા ભાઈ. બંને ભાઈઓને છૂટ્ટા હાથે પ્રેમથી આપે છે અને મા પાછા પણ આપી જ દેવાના છે ને.” વૈભવી ખુરશી ખેંચીને બેસી ગઈ અને એણે અલય સામે જોયું.

“આજે તો ખાસ ચર્ચા થવાની છે. માએ ક્રાંતિકારી પગલું લીધું છે. મા, વ્હોટ મેઈડ યુ ડુ ધીસ?”

“એમની જરૂરિયાત.” જાનકીએ કહ્યું અને વૈભવીની આંખોમાં આંખો નાખી, “આજ સુધી એમણે ફક્ત આપણો જ વિચાર કર્યો છે. ક્યારેક પોતાનો વિચાર કરે તો આપણને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી.”

“કયા હિસાબે છાપી છે આ જાહેરખબર? એક વધારાનો માણસ આવશે અહીં, એ પડશે તો અભયને જ માથે ને?”

લજ્જાએ એની મા સામે અવાજ ઊંચો કરીને કહ્યું, “ન પણ આવે. ધારો કે એ હોય જ નહીં તો?”

“શટ્‌ અપ.” વૈભવીએ કહ્યું, “આ મોટાઓની વાત છે.”

“આમ તો રોજ કહે છે કે તું મોટી થઈ ગઈ છે. આ આપણા ઘરની, કુટુંબની વાત છે અને મને રાઈટ છે બોલવાનો...”

“લજ્જુ, ઈનફ.” અભયે કહ્યું અને પછી બહુ જ મૃદુતાથી વસુમા સામે જોયું અને કશું જ ન ચુંથાય એવો ખ્યાલ રાખીને ખૂબ શાંતિથી કહ્યું, “મા, શું જરૂર હતી આ બધું કરવાની? આપણે શાંતિથી જ રહીએ છીએ ને? હવે આટલા વરસે...”

“જરૂર મને હતી.” વસુમાનું વાક્ય પૂર્ણવિરામની જેમ આવ્યું. એમને લાગ્યું કે ચર્ચા ખોટી દિશામાંથી શરૂ થઈ અને સાવ ખોટી દિશામાં ફંટાઈ ગઈ.”

અલય ખુરશીને ધક્કો મારીને ઝટકા સાથે ઊભો થયો. “નથી જોઈતા મારે પૈસા. આઈ એમ ગોઈંગ.” અને અલય બહાર નીકળી ગયો.

“નાસ્તામાં શું છે ? ઉફ ! બટાકા પૌંઆ.” વૈભવીએ કહ્યું અને એણે મોઢું બગાડ્યું. એ પણ ખુરશીને ધક્કો મારીને ઊભી થઈ ગઈ અને ઉપરની તરફ ચાલી ગઈ.

પથ્થરના બાવલા જેવાં બાકીના લોકો ત્યાં જ બેસી રહ્યા. પછી, આદિતે બહુ જ મૃદુતાથી, હળવેકથી વસુમા તરફ જોયું અને લગભગ હોઠ ફફડાવતો હોય એટલા ધીમેથી કહ્યું, “આઈ એમ સૉરી દાદીમા !”

વસુમાના ટેબલ પર પેલી જાહેરાતવાળું અખબારનું પાનું પંખાની નીચે ફડફડ અવાજ કરતું હલી રહ્યું હતું. જાણે પોતાની હાજરી નોંધાવતું હોય...

આ જાહેરાતની ચર્ચા શરૂ થતાં જ એક ભયાનક તોફાન આવ્યું હતું ‘શ્રીજી વિલા’માં... એ તોફાનની સાથે એક એવું નામ ફરી લેવાયું હતું, જે આ ઘરમાં કેટલાંય વર્ષોથી લેવાતું નહોતું અને છતાં એ નામ આ ઘરની ઇંટે ઇંટમાં, આ ઘરની ક્ષણે ક્ષણમાં, આ ઘરના દરેક સભ્યોના જીવનની પ્રત્યેક પળમાં વણાઈને, જોડાઈને જીવતું હતું!

એ નામ મનમાંય ઉચ્ચારતાં વસુમાનું હૃદય એક થડકારો ચૂકી ગયું. એમની આંખોમાંથી આંસુનાં બે ટીપાં પેલી જાહેરાત પર પડ્યાં અને ન્યુઝ પ્રિન્ટ પર વિસ્તરતાં ગયાં, જાણે એ જાહેરાતને વસુમાનાં આંસુથી પલાળી નાખવી હોય એવી રીતે !

ક્રમશ..

બીજા રસપ્રદ વિકલ્પો