Yog-Viyog - 9 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 9

પ્રકરણ - 9

“હા, બેટા.” સૂર્યકાન્તે કહ્યું અને લક્ષ્મી ઝટકાથી ઊભી થઈ.

વિમાનને સીડી લાગી અને બાપ-દીકરી હેન્ડ લગેજ લઈને નીચે ઊતરવા લાગ્યાં.

મુંબઈની હવાનો પહેલો શ્વાસ સૂર્યકાન્તનાં ફેફસાંમાં ભરાયો અને એમને લાગ્યું કે જિંદગી જાણે પચ્ચીસ વરસ પાછળ ધકેલાઈ ગઈ હતી. આ શહેર સાથેનાં ગણી ના શકાય એટલાં સ્મરણો એમના મન અને મગજમાં ધમસાણ મચાવવા લાગ્યાં. અહીંથી જ અમેરિકા ગયા હતા એ, આજથી બરાબર પચ્ચીસ વરસ પહેલાં. કેટલું બધું પાછળ છોડીને...

અને આજે આવ્યા હતા તોય પાછળ કેટલુંય છોડીને આવ્યા હતા ! શું હતું આ શહેરમાં, જે ખેંચી લાવ્યું હતું એમને ?

સૂર્યકાન્ત મહેતાએ કોઈ કારણ વગર ઊભેલા લોકો તરફ નજર દોડાવી. પછી એમ જ એમના ચહેરા પર સ્મિત આવી ગયું, “કોણ હતું જે લેવા આવવાનું હતું ?”

બાપ-દીકરી બહાર નીકળીને અમસ્તાં જ ઊભાં રહ્યાં. લક્ષ્મી ચારે તરફ જોઈ રહી હતી. ટૅક્સીઓની દોડાદોડ, ટ્રાફિક, માણસો અને આછો ઉકળાટ... મુંબઈ દોડતું-હાંફતું સવારની દિશામાં આગળ વધી ગયું હતું, વધી રહ્યું હતું.

“ગંદું શહેર છે નહીં ?” બોલ્યા પછી લક્ષ્મીને થયું, નહોતું બોલવું જોઈતું.

“હા. અને હજી તો ગંદકી શરૂ જ નથી થઈ બેટા. એરપોર્ટ તો મુંબઈની ચોખ્ખી જગ્યાઓમાંનું એક છે. વિશ્વનાં મોટાં મોટાં સ્લમમાં મુંબઈનું નામ આવે છે. તને ખબર છે ને ?” સૂર્યકાન્તે કહ્યું. પછી લક્ષ્મીના માથે હાથ ફેરવીને એને ત્યાં જ ઊભા રહેવાનું કહી, પ્રિ-પેઈડ ટૅક્સીના બૂથ તરફ આગળ વધ્યા.

“તાજ હોટલ.” અને ખિસ્સામાંથી સો ડૉલરની નોટ કાઢી, કાઉન્ટર પર મૂકી.

“ઇન્ડિયન રૂપિસ સર.” પેલાએ કહ્યું.

“ઓહ યસ !” સૂર્યકાન્તે કહ્યું અને અંદરના ખિસ્સામાંથી વોલેટ કાઢીને એક્સચેન્જ કરાવેલા પૈસા કાઢી, હજાર રૂપિયાની નોટ આપી.

“એર કન્ડિશન્ડ, સર ?” પેલાએ કહ્યું.

“ઓહ યસ. ઓફ કોર્સ.” સૂર્યકાન્તે કહ્યું અને રસીદ લઈને લક્ષ્મી પાસે આવ્યા.

બંને જણા આવીને ઊભેલી એર કન્ડિશન્ડ પ્રિ-પેઈડ ટૅક્સીમાં ગોઠવાયા. ટૅક્સી શહેરના રસ્તે બહાર નીકળી અને હાઈવે ઉપર મુંબઈ તરફ વળી ગઈ...

*

વસુમા, અભય, અલય અને અજયને જેટ એરવેઝના ડિપાર્ચરના ગેટ પાસે ઉતારીને વૈભવીએ ટર્ન માર્યો અને ચારેયને ગેટમાંથી અંદર દાખલ થતાં જોઈને મોબાઈલ પર ફોન લગાડ્યો.

“ધે હેવ લેફ્ટ.” જાણે ઉત્સાહ ઊભરાઈ જતો હતો એના અવાજમાંથી. “હવે ત્રણ દિવસ કોઈ સવાલ-જવાબ નહીં. આજની કિટ્ટી મારા ઘરે.”

“વાઉ ! પાંચ વરસમાં પહેલી વાર અમે બધાં તારા ઘરે આવીશું.” સામેનો અવાજ પણ એટલો જ ઉત્સાહી હતો.

“શું કરું ? મારી સાસુની હાજરીમાં તમને બોલાવાય નહીં અને એ ‘શ્રીજી વિલા’ છોડીને ક્યાંય જાય નહીં...”

“નો પ્રોબ્લેમ ! બેટર લેટ ધેન નેવર. કેટલા વાગે ?”

“રેગ્યુલર ટાઈમે, ટુ થર્ટી.” અને પછી ઉમેર્યું, “બધાંને કહી દેજે હોં.” અને એક્સેલરેટર પર પગ જરા વધુ જોરથી દબાવ્યો.

અલયનો ફોન રણકી ઊઠ્યો.

“હલો.” એણે મોબાઈલ કાઢીને દબાયેલા અવાજે કહ્યું, “શું છે ?”

“મને યાદ કરે છે ને ?” શ્રેયાનો ખળખળતો અવાજ વહી નીકળ્યો.

“ના.” અલયે કહ્યું.

“ડરે છે ?”

“ના.” અલયે ફરી કહ્યું.

“બીજું કંઈ બોલતાં જ નથી આવડતું ?”

“ના.” અલયે કહ્યું.

“જો, હું સાથે નથી આવી એ મારી ભલમનસાઈ છે.”

“અચ્છા !” અલયે કહ્યું. “હું લઈ ન જાઉં તો આવે કેવી રીતે ?”

“એ મિસ્ટર, જેટ એરવેઝમાં એકસો ને બોતેર મુસાફરો પ્રવાસ કરી શકે છે. તમે ચાર છો, બાકીની ૧૬૮ ખાલી સીટો હોય. ગમે તેના પર બેસીને આવી શકું...” અને પછી ખૂબ તોફાની અવાજે ઉમેર્યું, “વિમાનમાં તો અડધા રસ્તે ઊતરી પણ ના શકાય, ખબર છે ને ?”

“એમ ? એમાં સ્ટેશન ના હોય ?” અલયે કહ્યું. “હું તો પહેલી વાર વિમાનમાં બેસીશ.” પછી ઉમેર્યું, “હવે મૂકું ?”

“પકડી જ ક્યાં છે કે મૂકીશ ?” શ્રેયાએ કહ્યું.

“તું મારી જાન છોડ. મા મારી સામે જ જુએ છે.” અલયે કહ્યું.

“તો ?” શ્રેયાએ કહ્યું. “મારાથી તને ફોન પણ ના કરાય ? તમે ખબર છે, તારી ગાડી જેવી કમ્પાઉન્ડની બહાર નીકળી એ સેકન્ડથી હું તને મિસ કરું છું.”

“હું ત્રણ જ દિવસમાં પાછો આવવાનો છું.”

“ત્રણ દિવસ... બોતેર કલાક કોને કહેવાય ખબર છે તને ? બે લાખ ઓગણસાઈઠ હજાર બસો સેકન્ડ કાઢવાની છે તારા વિના... ક્યાંક મારું હૃદય બંધ પડી જશે.”

“બંધ ક્યાંથી પડે ? એ તો મારી પાસે છે. હું ચાલુ જ રાખીશ, પણ ફોન બંધ કરવો પડશે. નહીં તો મા મારશે.”

“તને ?”

“ના. તને.” અલયે કહ્યું અને સહેજ હસી પડ્યો.

“ના, મોટા ભાઈને લીધા છે.” અલયે કહ્યું અને ફરી હસ્યો, પણ આ વખતે એનું હસવું જાણે સહેજ ખાલી થઈ ગયું હતું. પછી એણે ધીમેથી કહ્યું, “તેં આપેલા આ પૈસાની સાથે બે લાખ બોંતેર હજાર ત્રણસો ને પાંસઠ રૂપિયા થયા.”

શ્રેયાના અવાજમાંથી પણ જાણે સહેજ ખાલીપો પડઘાયો, “આપી દેજે બધા એકસામટા, આમ શું ગણ ગણ કરે છે ?”

“આપવા છે એટલે જ ગણું છું. શ્રેયા, બિલિવ મી... આ એક એક પૈસો ગણી ગણીને પાછો આપીશ તને.”

“જાણું છું. જાણું છું કે તને મારી પાસેથી પૈસા લેવામાં વાંધો પડે છે. અલય, આપણે ડાયરી રાખી છે ને ? ગણીએ છીએ ને ? ને હું લઈ લઈશ પાછા, હું ક્યાં ના પાડું છું ? આ દાન કે મદદ નથી, ઉધારી છે બસ ! પણ પ્લીઝ, જીવ નહીં બાળ...” પછી એના અવાજમાં જાણે કે એક તરસ છલકાઈ આવી. “એ અલય, મને પ્રેમ કરે છે ને ?”

અલયે વાત બદલવાનો પ્રયત્ન કરીને અવાજને બને એટલો હળવો કરીને કહ્યું, “હે ઈશ્વર, આ બાઈને સદ્‌બુદ્ધિ આપો. હું એક નોટમાં રામ-નામની જેમ ‘આઈ લવ યુ’ લખવાનો છું, સવા લાખ વાર. ને પછી તને આપી દઈશ. જપ્યા કરજે. સાત વરસમાં સાત કરોડ વાર કહ્યું છે, પણ મોહ નથી છૂટતો.”

“એય... હરિદ્વાર જતાં પહેલાં મોહ છોડવાની વાત નહીં કર.”

“હું તો સાધુ જ થઈ જવાનો છું. પાછો જ નથી આવવાનો.”

“સાતમા પાતાળમાંથી પકડી લાવીશ. મને પરણ્યા વિના ક્યાંય જવાનું નથી.” એનો અવાજ અચાનક તરલ થઈ આવ્યો. અલય એના અવાજમાં બાઝી ગયેલો ડૂમો અને આંખોને ઘેરી વળતી ભીનાશને અનુભવી શક્યો, ફોન ઉપર પણ. “તું તો સાધુ થઈ જઈશ પણ મને પરણીશ નહીં તો મારો મોક્ષ કેમ થશે ?”

“ગાંડી.” અલયે કહ્યું અને ખૂબ ધીમેથી, કોઈ ન સાંભળે એનો ખ્યાલ રાખીને, આમતેમ જોઈને ઉમેર્યું, “આઈ લવ યુ.”

અને પછી, ફોન ડિસકનેક્ટ કરીને ખિસ્સામાં મૂકી દીધો.

વસુમા જે ક્યારનાં અલયની સામે જોઈ રહ્યાં હતાં, એમણે પૂછ્યું :

“શ્રેયા ?”

અલયે માત્ર ડોકું ધુણાવ્યું અને સિક્યોરિટી ચેક તરફ આગળ વધી ગયો.

*

તાજ હોટલના રિસેપ્શન કાઉન્ટર પર સૂર્યકાન્ત મહેતાએ પોતાનો અને લક્ષ્મીનો અમેરિકન પાસપોર્ટ મૂક્યા. રિસેપ્શનીસ્ટે વિગતો લખીને એમને ૧૦૧૧ની દસમા માળના સ્યુટની ચાવી આપી દીધી.

રૂમમાં દાખલ થઈને લક્ષ્મી તો ઊછળી જ પડી.

સંઘેડાનું ફર્નિચર, રૂમમાં હિંચકો, જેના પર પિત્તળની સાંકળો, બ્રાસનો ઢોલિયો અને ખૂબ ટેસ્ટફુલ ઈન્ડિયન ડેકોરવાળા આ રૂમમાંથી દરિયો સીધો દેખાતો હતો.

લક્ષ્મીને દરિયાની નવાઈ નહોતી, પણ મુંબઈનો દરિયો એને માટે સાવ નવો જ અનુભવ હતો. સામે દેખાતા ગેટ વે ઓફ ઇન્ડિયાના ફોટા જોયા હતા એણે. આજે મુંબઈનું આ પ્રવેશદ્વાર નજરોનજર દેખાતું હતું.

એરપોર્ટ પર ઊતરીને કહેલું વાક્ય તો જાણે, ક્યાંય ખોવાઈ ગયું હતું. આ શહેરની ગંદકી, ગરમી, ઝૂંપડપટ્ટી, ટ્રાફિક અને ધૂળ-ધુમાડાથી એને કોઈ તકલીફ નહોતી...

એણે ધીમેથી સૂર્યકાન્તને પૂછ્યું, “ડેડ, હું થોડી વાર સામે જાઉં ?”

“અત્યારે ?” સૂર્યકાન્તે પૂછ્યું. તાજ હોટેલની પાછળથી ઊગતા સૂરજનો તડકો ધીમે ધીમે દરિયા પર ફેલાવા લાગ્યો હતો. દરિયાનું પાણી હલકા સોનેરી રંગનું થઈ ગયું હતું.

“પ્લીઝ ડેડી, થોડી વાર...” લક્ષ્મીએ કહ્યું.

“થાકી નથી ?” સૂર્યકાન્તે પૂછ્યું.

“વ્હોટ ડેડી ? આઠ કલાક બેસીને કોઈ થાકે ? હું તો બોર થઈ ગઈ છું ઊંઘી ઊંઘીને... થોડી વાર તમે સૂઈ જાવ, તમને જેટલેગ હશે.”

“મારે નથી સૂવું દીકરા, હું તો નાહીને જૂહુ જઈશ.”

“જૂહુ ?”

“ઘેર...” સૂર્યકાન્તે કહ્યું. પછી સહેજ અચકાઈને ઉમેર્યું, “મારે ઘેર...”

“હું ના આવું ને ?” લક્ષ્મીએ પૂછ્યું.

“હમણાં નહીં.” સૂર્યકાન્તે કહ્યું અને બેગ ખોલીને બ્રશ, દાઢીનો સામાન વગેરે કાઢવા લાગ્યા.

“હું પાછા આવીને અહીં જ તમારી રાહ જોઈશ.” લક્ષ્મીએ કહ્યું અને હસીને ડેડીના ગળે વળગીને એક પપ્પી કરી લીધી, “ઓલ ધ બેસ્ટ ડેડ... કીપ કુલ... મને ફોન કરશોને ?”

“હું બે કલાકમાં પાછો આવીશ.” મુંબઈના ટ્રાફિકથી અજાણ સૂર્યકાન્તે કહ્યું.

“એની વે, હું સામે ચક્કર મારીને આવ્યા પછી રૂમમાં જ તમારી રાહ જોઈશ.” લક્ષ્મી સ્યૂટનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.

“આ છોકરી મને એકાંત આપવા બહાર જતી રહી હશે.” સૂર્યકાન્તના મનમાં વિચાર આવ્યો. “કેટલી સમજદાર, કેટલી મેચ્યોર છોકરી છે !” અને પાછી એણે જિંદગીમાં પચીસ વર્ષ પાછા ફરવાની તૈયારી કરવા માંડી.

*

વૈભવી ગાડી પાર્ક કરીને ઘરમાં દાખલ થઈ. જાનકી ડાઈનિંગ ટેબલ પર બેસીને પેપર તપાસી રહી હતી. વૈભવીએ ઘરમાં દાખલ થતાંની સાથે જાનકીને કહ્યું, “આ બધું અહીંથી લઈ લે. મારી ફ્રેન્ડ્‌ઝ આવે છે.”

જાનકીએ નવાઈથી એની સામે જોયું.

“કિટી છે.” વૈભવીએ કહ્યું. પછી સહેજ ચાપલૂસીથી, લાડથી જાનકીને કહ્યું, “તારે કાંઈ નહીં કરવું પડે, મેં બધું જ ઓર્ડર કર્યું છે. સર્વ કરવા માટે વેઈટર્સ પણ આવશે.”

“પણ...”

“લૂક યાર, હું રોજ રોજ બધાના ઘેર જાઉં છું. સાસુમાને કારણે અહીં કોઈને બોલાવી શકાતાં નથી. માંડ માંડ એ ત્રણ દિવસ માટે ગયાં છે. લેટ મી એન્જોય પ્લીઝ...” અને પછી સાથે લાવેલી વાઈન બોટલ્સ ફ્રીઝમાં ઠંડી કરવા ગોઠવવા માંડી.

“તમે આ ઘરમાં ડ્રિન્ક...” જાનકીનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ વૈભવી આંખ મારીને હસી, “વાઈન છે... દારૂ નથી.”

“પણ આ ઘરમાં ?”

“ઘર છે આ, મંદિર નથી.” વૈભવીએ કહ્યું અને પછી જરા કડવાશથી ઉમેર્યું, “ચમચાગીરી કરવાની જરૂર નથી. બહુ લાગી આવતું હોય તો બહાર જતી રહેજે બે-ચાર કલાક. બાકી અઢી વાગે મારી ફ્રેન્ડ્‌ઝ તો આવશે જ અને અમે આ વાઈન પણ પીશું જ.”

“આઈ થિન્ક, હું બહાર જ જતી રહીશ.” જાનકીએ કહ્યું અને પછી વૈભવી સામે ધારદાર નજરે જોઈને ઉમેર્યું, “આમ પણ તમારી ફ્રેન્ડ્‌ઝની સામે હું ખાસ્સી મિડલક્લાસ લાગીશ. નકામી તમારે મારી ઓળખાણ કરાવવી પડશે...” અને પછી ટેબલ પર ડ્રોઈંગરૂમ સાફ કરાવી દઈશ ?” વૈભવીએ પૂછ્યું. ફરી એક વાર એના અવાજમાં લાડ અને ચાપલુસી ભળી ગયાં હતાં.

“મને સમય નથી.” જાનકીએ કહ્યું અને પોતાના ઓરડા તરફ આગળ વધી ગઈ.

તાજમહાલ હોટેલની પોર્ચમાં ટેક્સી માટે ઊભેલા સૂર્યકાન્ત મહેતાએ પોતાની રોલેક્સ ઘડિયાળમાં સમય જોયો. બાર ને ત્રીસ થઈ હતી. ગેટ-વે ઓફ ઈન્ડિયા પરથી પાછી ફરેલી લક્ષ્મી સાથે એની ઉત્સાહતરબોળ વાતો સાંભળતાં બ્રેકફાસ્ટ કરીને નીકળતાં નીકળતાં સૂર્યકાન્ત મહેતાને સાડા બાર થઈ ગયા હતા.

હવે ટેક્સી લઈને એ ‘શ્રીજી વિલા’ તરફ જવા નીકળ્યા.

કોલાબાથી જહાંગીર આર્ટ ગેલેરી પાસે થઈને ચર્ચગેટના રસ્તે મરીન ડ્રાઈવ પાસેથી પસાર થતી ટેક્સીમાં ટેક્સી કરતાંયે પાંચ ગણી ઝડપે સૂર્યકાન્ત મહેતાનું મન દોડતું હતું. આ શહેર કેટલીયે વીતી ગયેલી પળોને પોતાની અંદર સંઘરીને ચૂપચાપ તાકી રહ્યું હતું સૂર્યકાન્ત મહેતા સામે.

કંઈ કેટલુંયે બદલાઈ ગયું હતું.

આકાશ પણ જાણે મેલું થઈ ગયું હતું આટલાં વર્ષોમાં.

આ મરીન ડ્રાઈવના દરિયાની એ જ પાળી હતી જેના ઉપર વસુંધરા સાથે કેટલીય સાંજ ગાળી હતી એમણે.

ઘરેથી મોટર લઈને ચોપાટી ઊભી રાખતાં અને સૂર્યકાન્ત અને વસુંધરા ધીમા ડગલે લેન્ડ્‌સ-એન્ડ સુધી ચાલતાં...

લગ્નજીવનની શરૂઆતના દિવસો હતા એ. ગામડેથી આવેલી વસુંધરા ભણેલી ખૂબ હતી, વાંચન પણ ખૂબ હતું એનું, પણ શહેરની રીતભાત સાથે હજુ અનુકૂળ નહોતી થઈ.

ગોદાવરીદેવી અને દેવશંકર મહેતા તો વસુંધરાને પુત્રવધૂ તરીકે પામીને ધન્ય થઈ ગયાં હતાં. વસુંધરાની પ્રત્યેક ઇચ્છા આ ઘર માટે આદેશ બની જતી, પરંતુ સૂર્યકાન્ત વસુંધરાને પોતાની પત્ની તરીકે પ્રેમ નહોતો કરી શકતો.

પોતાનાથી વધુ ભણેલી, પોતાનાથી ઘણી વધુ રૂપાળી, મા-બાપને આવતાંની સાથે પોતાનાથી વધુ લાડકી થઈ ગયેલી પત્નીની સામે સૂર્યકાન્તને જાણે પોતે નાનો લાગવા માંડ્યો હતો. વસુંધરાની ભાષા, એનું વર્તન, એની ઢબછબ અને એનું રૂપ જોનારા દરેકેદરેક જણા એક યા બીજી રીતે પોતાની વાત કહી દેતા...

“કાગડો દહીંથરું લઈ ગયો...” અને જેટલી વાર વસુંધરાના વખાણ થતા એટલી વાર સૂર્યકાન્ત જાણે અડધો ઇંચ વધુ નાનો થઈ જતો. જોકે વસુંધરાએ ક્યારેય સૂર્યકાન્તનું માન મૂકીને વર્તન કર્યું હોય એવું આજ સુધી બન્યું નહોતું, પણ કોણ જાણે કેમ સૂર્યકાન્તના મનમાં વસુંધરા પ્રત્યેક એક બહુ જ હળવો, ન સમજી શકાય એવો અભાવ જન્મી ગયો હતો.

એક તો સ્ત્રી અને એમાંય બુદ્ધિશાળી. વસુંધરા આ અભાવને ઓળખી ગઈ હતી. વધુ ને વધુ ઘરની બહાર રહેવા માંડેલા સૂર્યકાન્તે વસુંધરાને મનથી તો ખાસ્સી અળગી કરી નાખી હતી. ધીમે ધીમે શરૂઆતના શારીરિક આકર્ષણના ઊભરા પણ શમી જવા આવ્યા હતા. હવે સૂર્યકાન્ત સાંજે ઘરે આવીને ટેનિસ રમવા હિન્દુ જીમખાના ચાલી જતો. ત્યાંથી કોઈ દિવસ વિલિંગ્ડન ક્લબ તો કોઈ દિવસ રેસકોર્સ... ઘરે આવતાં ગમે તેમ કરીને સાડા નવ-દસ વગાડી જ દેતો ! વસુંધરાની સાથે ઓછામાં ઓછી વાત કરવી પડે અને ઓછામાં ઓછો એનો સામનો થાય એવો પ્રયાસ સભાનપણે કરવા લાગ્યો હતો સૂર્યકાન્ત.

...અને એટલે જ એણે હળવેકથી એક દિવસ સૂર્યકાન્તને કહ્યું હતું, “આપણે ચોપાટી ફરવા જઈએ ?”

“આપણે ?” સૂર્યકાન્તે નવાઈથી પૂછ્યું હતું.

“મને પરણીને આવે માગશરમાં વરસ પૂરું થશે. મેં હજુ સુધી ચોપાટીયે નથી જોઈ. આવતાં બાબુલનાથનાં દર્શન પણ કરતાં આવીશું.” વસુંધરાએ કહ્યું હતું.

“ભલે...” સૂર્યકાન્ત પાસે ના પાડવાનું કોઈ કારણ નહોતું.

...અને એ દિવસથી અઠવાડિયામાં એકાદ વાર વસુંધરા આગ્રહપૂર્વક સૂર્યકાન્તને અહીં ચાલવા લઈ આવતી.

ખાસ વાત નહોતી થતી બે જણા વચ્ચે, પણ સાથે ગાળવાનો આટલો સમય અને આટલું એકાંત પૂરતું થઈ રહેતું વસુંધરા માટે.

એક દિવસ અહીં જ ધીમાં ડગલે ચાલતાં ચાલતાં એણે સૂર્યકાન્તનો હાથ પકડી લીધો હતો અને ખૂબ મૃદુતાથી સાવ ગણગણતી હોય એવા અવાજમાં કહ્યું હતું, “તમે... તમે પિતા બનવાના છો.”

સૂર્યકાન્તને અભયનો ચહેરો આંખો સામે તરવરી ગયો.

“કેવડો હતો અભય ! બારનો ? દસનો ? ના, ના, ચૌદનો કદાચ... એને હું યાદ હોઈશ ? ઓળખશે મને ? કેટલો રોષ, કેટલો તિરસ્કાર હશે મારા માટે ? કઈ રીતે સમજાવીશ સૌને ? શું કહીશ ?”

સૂર્યકાન્ત મહેતાના મનમાં વિચારો સડસડાટ દોડી હ્યા હતા. સિદ્ધિ વિનાયકનું મંદિર પસાર કરીને ટેક્સી પ્રભાદેવી તરફ આગળ વધી.

ટ્રાફિક જોતાં અકળાયેલા સૂર્યકાન્તે ટેક્સીવાળાને પૂછ્યું, “કિતના ટાઈમ લગેગા ?”

“સા’બ, એકાદ ઘંટા તો ઓર લગ હી જાયેગા...” ટેક્સીવાળાએ કહ્યું.

સૂર્યકાન્ત મહેતાએ ટેક્સીની સીટ ઉપર પીઠ ટેકવીને આંખો મીંચી લીધી... હવે પહોંચવાની રાહ જોવા સિવાય બીજું કશુંયે થઈ શકે એમ નહોતું. એમનું મન જેટલી ઝડપથી પ્રવાસ કરતું હતું એટલી ઝડપથી મુંબઈના રસ્તા એમની ટેક્સીને આગળ વધવા દે એમ નહોતા...

*

“આન્ટી, વ્હોટ કેન આઇ ડુ ફોર યુ ?” એરહોસ્ટેસે વિનયથી વસુમાને પૂછ્યું.

“નથિંગ... થેન્કયુ...” વસુમાએ કહ્યું અને વ્હાલસોયું સ્મિત કર્યું.

“ચા, કોફી, જ્યુસ...” એરહોસ્ટેસે થોડો વધુ આગ્રહ કર્યો.

“નથિંગ, માય ચાઇલ્ડ...” વસુમાએ કહ્યું અને એરહોસ્ટેસ આગળ વધી ગઈ.

વસુમાએ ફરી આંખો મીંચીને પીઠ સીટ પર ટેકવી દીધી.

“શ્રાદ્ધ એટલે શું એની ગંભીરતા સમજતા હશે આ છોકરાંઓ?” એમને વિચાર આવ્યો. પછી એમણે જ મનોમન જવાબ આપ્યો, “એમને માટે તો પિતા આજથી પચીસ વરસ પહેલાં જ... એમને શું ફેર પડે ખરું પૂછો તો...”

સમય જાણે ઘડીમાં આગળ તો ઘડીમાં પાછળ થઈ જતો હતો. લગ્ન કરીને આવેલી સત્તર વરસની વસુંધરા ઘડીકમાં બંધ આંખો સામે ખડખડાટ હસતી હતી તો ઘડીકમાં તેત્રીસ વરસની પત્ની ત્રણ સંતાનો સાથે પતિની પ્રતીક્ષા કરતી હતી. બેતાળીસ વરસની મા ગ્રેજ્યુએટ થયેલા દીકરાને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપતી હતી તો એ જ વખતે અનાથઆશ્રમમાંથી જાનકીને લઈને આવેલો અજય ઘરના દરવાજે ઊભો રહીને લગ્નની રજા માગતો હતો... લજ્જાનો જન્મ, આદિત્યનો જન્મ...

‘શ્રીજી વિલા’માં બનતી રહેલી દરેક ઘટના, દરેક ક્ષણ આજે જાણે વસુમાની આંખો સામે પસાર થતી હતી અને એમને ઢંઢોળીને, જગાડીને કહેતી હતી, “આવજો !”

સમય જાણે એક નદીની જેમ વહેતો રહ્યો હતો અને આજે એ નદીના પ્રવાહની એક એક લહેર વસુમાની છાતીમાં ઉછાળા મારતી હતી.

“મારો નિર્ણય સાચો છે ? એ કદાચ પાછા આવે તો ? મેં ઉતાવળ કરી છે ?” વસુમાનું મન એ લહેરના ઊંચા-નીચા થતા પ્રવાલલય સાથે ડૂબતું-તરતું જતું હતું.

એમને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું હતું. જિંદગીની નબળામાં નબળી અને કપરામાં કપરી ક્ષણે પણ આશ્ચર્યજનક સ્વસ્થતા ધારણ કરી શકનારી આ સ્ત્રી આજે કેમ ગૂંચવાતી, ગૂંગળાતી હતી ?

એમણે આંખો ઉઘાડીને બાજુમાં જોયું. અજય કશુંક વાંચી રહ્યો હતો. જમણી બાજુની બે સીટમાં અભય અને અલય બેઠા હતા. અલય આંખ મીંચીને ઊંઘી ગયો હતો. જ્યારે અભય કંઈક ખાવામાં બિઝી હતો.

“ઈશ્વરે ઉત્તમ સંતાનો આપીને સમૃદ્ધ કરી દીધી છે મને. મારા એક જ શબ્દ ઉપર ત્રણેય દીકરાઓ મારી સાથે ચાલી નીકળ્યા... શેની ફરિયાદ કરું છું હું ? બીજું જોઈએ શું એક માને ?” વસુમાએ મનોમન સંવાદ કરવા માંડ્યો.

“મા ?! માત્ર મા છે તું ? પત્ની નથી ?”

“હતી, હવે નથી. જે ક્ષણે ત્યજી દીધી એમણે મને, એ ક્ષણથી એમની પત્ની તો મટી જ ગઈને ?”

“તો પછી કોની રાહ જુએ છે તું ?” વસુમાના જ મનમાં જાણે બે વસુંધરાઓ સામસામી દલીલો કરતી હતી.

“હું ક્યાં રાહ જોઉં છું ? રાહ જોતી હોત તો શ્રાદ્ધ કરવા જાત ?” એમણે જ પોતાના મનને પૂછ્યું.

“ધાર કે તું શ્રાદ્ધ કરીને પાછી ફરે અને એ જીવતા હોય તો ?”

“હોય તો શું, છે જ ? ખાતરી છે મને.”

“તો પછી આ શ્રાદ્ધનું નાટક શું કામ કરે છે ?”

‘નાટક નથી. સત્ય છે આ. મારી જિંદગીનું સૌથી કડવું અને હડહડતું સત્ય, મારી જાતને હવે મારે કહી દેવું જોઈએ કે બધું પૂરું થયું... પચીસ વર્ષ પહેલાં જે મનને વાળી લેવાનું હતું એ મનને આજે વાળી જ લઈશ હું...”

વિચારો કોઈ રીતે અટકે એમ નહોતા, પણ ફ્લાઈટના પૈડાં જમીનને અડ્યાં અને લાગેલા ઝટકાએ વસુમાની વિચારશૃંખલા તોડી નાખી.

વિમાન દિલ્હી એરપોર્ટ પર આવી લાગ્યું હતું.

“બસ, થોડા કલાકો વધુ અને હું એક માની લીધેલા, મનાતા રહેલા સંબંધમાંથી મુક્ત થઈ જઈશ.” વસુમાએ ચાલી રહેલા સંવાદનું છેલ્લું વાક્ય જાતને કહ્યું અને ફેલાયેલા ભૂતકાળને સમેટીને નીચે ઊતરવા માટે સરકતી ક્યુમાં જોડાઈ ગયાં.

*

એસ.વી. રોડથી વિલે પાર્લે સ્ટેશન તરફ ટેક્સી વળી અને સૂર્યકાન્તનું હૃદય બમણી ઝડપે ધડકવા લાગ્યું. ટેક્સી આવીને ‘શ્રીજી વિલા’ના ગેટ પાસે ઊભી રહી. સૂર્યકાન્તને આ ઘર શોધતાં સહેજ પણ તકલીફ નહોતી પડી. મુંબઈ આમ ખાસ્સું બદલાયું હતું, પણ સરનામાંઓ એનાં એ જ રહ્યાં હતાં એવું લાગ્યું સૂર્યકાન્તને.

ટેક્સીના પૈસા ચૂકવીને સૂર્યકાન્ત ઝાંપા સામે ઊભા રહ્યા થોડી વાર... પગ જાણે ઊપડતો નહોતો. થંભી ગયેલા સમયને વળોટીને પચીસ વરસ પેલે પાર જવાનું હતું... સહેલું નહોતું જ. મન મક્કમ કરીને એમણે લોખંડનો ગેટ ઉઘાડ્યો. ખૂબ હળવા કિચૂડાટ સાથે ગેટ ખૂલ્યો.

પથ્થરની પગથી અને વસુમાના વ્હાલથી ઊછરેલા બગીચાને ઓળંગીને એ દરવાજા સુધી આવ્યા. બેલ વગાડ્યો અને ખૂલનારા દરવાજાને પેલે પારથી સંભળાનારા પચીસ વરસ જૂના સાદની પ્રતીક્ષામાં આંખો બંધ કરી દીધી એમણે.

વૈભવીએ દરવાજો ખોલ્યો.

સૂર્યકાન્ત મહેતાને એ ન ઓળખે એવું તો શક્ય જ નહોતું. આ ઘરના ડ્રોઈંગરૂમમાં બે બાય ત્રણની મસમોટી તસવીર બનીને લટકતો હતો. આ માણસ છેલ્લાં કેટલાંક વરસોથી. આંખ બંધ કરીને ઊભેલા સૂર્યકાન્ત મહેતાને જોયા એણે.

પછી તદ્દન અજાણ્યા થઈને પૂછ્યું, “યસ...”

એ “યસ...”ના રણકા સાથે સૂર્યકાન્ત મહેતાએ આંખો ઉઘાડી. સામે ઊભેલી વૈભવીને જોઈ.

લજ્જાની શોટ્‌ર્સ અને સ્પગેટી ટી-શર્ટ પહેરીને હાથમાં વાઈનના ગ્લાસ સાથે ઊભેલી વૈભવીને એ એક ક્ષણ જોઈ રહ્યા.

અંજલિ નહોતી આ... “ન જ હોઈ શકે !” સૂર્યકાન્તના મનમાં વિચાર આવ્યો.

“શું પૂછવું ? વસુંધરા મહેતા ? અભય મહેતા... કે પોતાની ઓળખાણ આપવી ?” ગડમથલમાં ઊભેલા સૂર્યકાન્ત મહેતાને વાળ ઉછાળીને પાછળ નાખતાં વૈભવીએ ફરી પૂછ્યું, “યેસ... હુમ ડુ યુ વોન્ટ પ્લીઝ !”

“વસુંધરા મહેતા !”

“ઓહ, એ તો ઘરે નથી.” વૈભવીએ કહ્યું.

“ઘરે નથી ?” સૂર્યકાન્તના અવાજમાં આશ્ચર્ય ઊતરી આવ્યું. વૈભવી જાણી જોઈને દરવાજાની બારસાખની વચ્ચે ઊભી હતી. એ સહેજ ખસે તો ડ્રોઈંગરૂમમાં લટકતો ફોટો સૂર્યકાન્તને દેખાય એમ હતો.

“ઘરે નથી ? તો...” સૂર્યકાન્તને આગળ શું બોલવું તે સૂઝ્‌યું નહીં.

“બહારગામ ગયાં છે.” વૈભવીએ કહ્યું. પછી એક એક અક્ષર ચાવીને કહ્યું, “હ..રિ..દ્વા..ર..”

“હરિદ્વાર ? કેમ ?” સૂર્યકાન્તને લાગ્યું કે અજાણ્યા માણસ તરીકે એ વધુ પડતી પૂછપરછ કરી રહ્યો છે, પણ એનું મન આ ઘરના દરવાજે આવ્યા પછી વશમાં નહોતું...

“અ...” વૈભવીએ ચેસની બાજી ગોઠવવા માંડી, “મારા સસરાનું શ્રાદ્ધ કરવા.”

“તમારા સસરા એટલે ?” સામે ઊભેલો માણસ જાણી જોઈને હારે એવી જ ચાલ ચાલી રહ્યો હતો. વૈભવીના ચહેરા પર સ્મિત આવી ગયું, પણ એણે તરત જ સમેટીને કહ્યું, “મારા સસરા એટલે... સૂર્યકાન્ત મહેેતા...”

“એ ગુજરી ગયા એવું કોણે કહ્યું ?”

હવે ચેકમેટનો સમય આવી ગયો હતો.

“અમારા સૌ માટે તો પચીસ વરસ પહેલાં જ ગુજરી ગયા હતા. બિચારા માએ હવે સ્વીકારી લીધું... અને એમનું જ શ્રાદ્ધ કરવા ગયાં છે. શું કરે, ભાગેડુ માણસની કોઈ ક્યાં સુધી રાહ જુએ ?” વૈભવીએ કહ્યું અને પછી સાવ ભોળા અજાણ્યા અવાજમાં ઉમેર્યું, “તમારે કાંઈ કામ હતું માનું ?”

“હં...” આખેઆખી બાજી હારી ગયેલો માણસ અન્યમનસ્ક જેવો ઊભો હતો.

“તમારે કંઈ કામ હતું માનું ?” વૈભવીએ ફરી પૂછ્યું.

“ના... ના... હું ફરી આવી જઈશ.”

“તમારું નામ તો કહેતા જાવ...” વૈભવીએ છેલ્લો ફટકો માર્યો.

“હું... હું આવીશ પાછો...” સૂર્યકાન્ત મહેતાએ કહ્યું અને પછી વધુ સવાલ-જવાબ ન કરવા પડે એટલે બને તેટલી ઝડપથી ઊંધા ફરીને ચાલવા માંડ્યું.

પાછળ બંધ થતો ઘરના દરવાજાનો અવાજ એમને સંભળાયો અને છાતીમાં જાણે એક તિરાડ પડી ગઈ...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED