Yog-Viyog - 3 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 3

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૩

“હલો.. ” એમણે કહ્યું અને સામેથી જવાબ આવે ત્યાં સુધીમાં તો એમનું હૃદય બમણી ઝડપે ધડકી રહ્યું. લોહી નસોમાં જે વેગથી ફરવા લાગ્યું હતું, એનાથી એમને લાગ્યું કે હવે લોહી નસો ફાડીને ફર્શ પર વહેવા લાગશે.

વૈભવી પોતાના કમરામાંથી બહાર નીકળીને સીડી પર આવીને ઊભી. જાનકી પણ પોતાના રૂમમાંથી નીકળીને દરવાજે આવીને ઊભી. અજય ઊભો તો ન થયો પણ એનું સમગ્ર અસ્તિત્વ ફોનની બાજુમાં જઈને ઊભું હતું.

“હલો... ” વસુમાએ ફરી જોરથી બૂમ પાડી અને બધા સામેથી આવનારા જવાબની રાહ જોઈ રહ્યા.

‘હેલ્લે મા...’ અલય હતો.

‘‘અલય !’’ વસુમાએ કહ્યું અને સૌ પોતપોતાના રૂમમાં પાછા ફરી ગયા. ‘‘ક્યાંથી બોલે છે ?’’ વસુમાએ પૂછ્‌યું.

‘‘અહીં, નિરવના મઢના બંગલા પર આવ્યો છું. રાત્રે અહીં જ સૂઈ જઈશું...’’

‘‘વહેલો ફોન કરવો જોઈએ ને !’’ વસુમાએ કહ્યું.

‘‘યાહ ! પણ મને હતું કે હું ઘરે આવી જ જઈશ. હવે આ લોકો ના પાડે છે.’’

‘‘આ લોકો ? આ લોકો કોણ ?’’

‘‘શ્રેયા અને નિરવ, બીજું કોણ ?’’

વસુમાએ નિરાંતનો શ્વાસ લીધો. ‘‘અચ્છા, શ્રેયા પણ તારી સાથે જ છે ! ભલે સવારે આવજે.’’ અને ફોન મૂક્યો.

‘‘ઓય ! તારી માને ગંધ તો નહીં આવી હોય ને ?’’ નિરવે પોતાનો બકાર્ડીનો ગ્લાસ ટેબલ પર મૂકતા કહ્યું.

‘‘આવી હોય તો પણ હમણાં રિએક્ટ નહીં થાય મારી મા... કાલે ધૂળ ઝાપટશે.’’

‘‘પણ માને ના ગમે એવું તમે કરો છો શું કામ ?’’ શ્રેયાએ કહ્યું. એ બાર પાસે બેસીને કાકડી અને ટામેટા સમારી રહી હતી.

‘‘કારણ કે અમને ગમે છે.’’ અલયે કહ્યું, ‘‘અને મા પણ, જેનો તું આટલો પક્ષ લે છે એ પણ બધું મને પૂછીને નથી કરતી.’’

નિરવે અલયનો ખભો થાબડ્યો. ‘‘છેક સવારની વાત છે, હજી એના મગજમાંથી નીકળી નથી.’’

‘‘સવારની વાત નથી, ૨૬ વર્ષ જૂની વાત છે અને તોય મારા મગજમાંથી નથી નીકળતી. કોઈ એક માણસ પોતાની પ્રેગનન્ટ બૈરીને મૂકીને ભાગી કેમ જાય ? અને એ પણ ત્રણ બીજાં સંતાનોની જવાબદારીમાંથી છટકીને...’’

‘‘ઓહ કમ-ઓન !’’ શ્રેયાએ કહ્યું અને પછી ઊભી થઈને અલયની પાસે આવી. એના ખોળામાં બેઠી. પોતાનો એક હાથ એના ગળાની પાછળ નાખ્યો અને બીજો હાથ અલયના હાથમાં પરોવ્યો. પછી એની આંખોમાં આંખો નાખીને કહ્યું, ‘‘તું તો યાર બેનિફિટ ઑફ ડાઉટ આપવા પણ તૈયાર નથી. કોઈ કારણ હશે, તેં માત્ર વસુમાની વાત સાંભળી છે, તારા ફાધરની નહીં.’’

‘‘એ મારો બાપ નથી, ડેમ-ઇટ...’’ અલયે જોરથી બૂમ પાડીને પોતાનો ગ્લાસ સામેની દીવાલ પર છૂટ્ટો માર્યો. ખોળામાં બેઠેલી શ્રેયા પડી જાય એટલા જોરથી ઝટકાથી ઊભો થઈ ગયો અને દરવાજા તરફ જવા લાગ્યો. શ્રેયા દોડી, એણે અલયને પાછળથી પકડી લીધો. એની કમરમાં હાથ નાખી દીધો અને એની પીઠ સાથે ચોંટી ગઈ. ‘‘અલ, ક્યાં જાય છે ?’’

‘‘ઘેર...’’

‘‘પણ હમણાં તો તેં કહ્યું કે તું નહીં જાય.’’ નિરવે કહ્યું અને પછી પોતાનો ગ્લાસ ટેબલ પર મૂકીને ઊભો થયો. અલયની પાસે આવ્યો, એના ખભે હાથ મૂક્યો.

‘‘દોસ્ત, તું જ્યારે જ્યારે દારૂ પીએ ત્યારે કારણ વગર ઇમોશનલ થાય છે.’’

‘‘એક તો હું કારણ વગર ઇમોશનલ નથી થતો અને બીજું દારૂ પીઉં છું ત્યારે નથી થતો, તમે એ માણસની વાત કાઢો ત્યારે થાઉં છું.’’

‘‘ઓ.કે. ઓ.કે.’’ નિરવે પોતાના બંને હાથ ઊંચા કર્યા, ‘‘નહીં કરીએ આપણે કોઈની વાત... બસ ? આપણે તારી ફિલમની વાત કરીએ. શું થયું ? એન.એફ.ડી.સી.નું ફોર્મ ભરી દીધું ?’’

‘‘ભરી દીધું. તેં પૈસા ના આપ્યા હોત તો આ વર્ષે પણ રહી જાત. પણ દોસ્ત હવે મારી ફિલમ આ વરસના અંત સુધીમાં ફ્‌લોર પર જશે એ નક્કી.’’

‘‘ફાઇનાન્સ વગર ?’’ શ્રેયાએ પૂછ્‌યું. ‘‘તું માત્ર સ્ક્રિપ્ટ ઉપર જ કામ કર્યા કરે છે. બે-ચાર પ્રોડ્યુસરને મળ તો કામ થશે.’’

‘‘એમ સ્ક્રિપ્ટની ફાઇલો લઈને હું કોઈની ઑફિસનાં પગથિયાં નહીં ઘસું. સાલા પ્રોડ્યુસરો ! અંદર હા-હા-ઠી-ઠી ચાલતી હોય અને આપણને કલાકો વેઇટ કરાવે. પ્યુનનો પૂછો તો કહેશે મિટિંગ મેં હૈ ! ડેમ ધોઝ, પ્રોડ્યુસર્સ ! મારે તો અનુપમા મિશ્રાની સહી જોઈએ કોન્ટ્રેક્ટ ઉપર. પછી મને આવડે છે શું કરવાનું એ...’’

‘‘એ સ્ટૂપીડ !’’ શ્રેયાએ એનો મૂડ બદલાયેલો જોઈને લાડ કર્યા. ‘‘અનુપમા મિશ્રા નવરી નથી. એક કરોડની હિરોઈન છે. તારી સામે પણ નહીં જુએ.’’

‘‘ભૂલેચૂકે જો એક વાર મારી સામે જોયુંને તો બીજા કોઈની સામે નહીં જુએ એવો મારો કોન્ફિડેન્સ છે.’’ અલયે કહ્યું.

‘‘અચ્છા ?! એને ઑવર કોન્ફિડેન્સ કહેવાય.’’

અલયે પાછળથી વળગેલી શ્રેયાનો હાથ પકડીને એને પોતાની સામે કરી. પછી એની આંખોમાં આંખો નાખી અને એની ચીબુક પકડીને ચહેરો એકદમ નજીક, સાવ નજીક લઈ ગયો... ‘‘કેટલાં વરસ થયાં મેડમ ? બીજો છોકરો જોવાની હિંમત છે તારી?’’ અને શ્રેયા સાચે જ પાણી પાણી થઈ ગઈ. ‘‘૧૪ વર્ષની હતી ત્યારથી આજ સુધી મારા સિવાય કોઈનો વિચાર પણ આવ્યો છે તને ?’’

વાત સાચી જ હતી. શ્રેયા આમ તો અલયની પડોશણ હતી. શ્રેયા ૧૩-૧૪ વર્ષની થઈ અને ઓગણીસ વરસના અલયને પહેલી વાર જોયો ત્યારથી એણે અલય, અને માત્ર અલયને પ્રેમ કર્યો હતો. અલય હતો પણ એવો જ. કોઈ પણ છોકરી એના પ્રેમમાં પડી જાય. એ નખશીખ વસુંધરાનો દીકરો દેખાય છે. ગ્રીક ગોડ જેવું, કોતરેલા શિલ્પ જેવું શરીર. પહોળા ખભા, પાતળી કમર, નમણું નાક અને અત્યંત તેજસ્વી, ભાવવાહી વસુંધરા જેવી આંખો. એક રેસ્ટલેસ બોડી લેન્ગ્વેજ અને ઢગલો સપનાં, જે એ પોતાના ટક-ઇન નહીં કરેલા શર્ટના ખિસ્સામાં જ રાખતો ! અલયની ભાષા એટલી તો અદ્‌ભુત હતી કે એક વાર બોલવાનું શરૂ કરે તો ગમે તેને બોટલમાં ઉતારી દે અને શ્રેયા, છેલ્લાં ૮ વર્ષથી અલયના મોહમાં ગરકાવ હતી.

‘‘૧૪ વર્ષની હતી ત્યારથી આજ સુધી મારા સિવાય કોઈનો વિચાર પણ આવ્યો છે તને ?’’ અલયે ફરી પૂછ્‌યું એની ચીબુક પકડીને અને શ્રેયા આંખો બંધ કરીને, હોઠ ખોલીને અલયનો ચહેરો નજીક આવે એની રાહ જોઈ રહી.

અલયનો મૂડ બદલાઈ ગયો અને આ પ્રણયબેલડીને એકબીજામાં ખોવાતી જોઈ એટલે નિરવે પોતાની મમ્મીને ફોન જોડ્યો...

‘‘હલો !’’ રિયા દેસાઈએ પહેલાં નંબર જોયો, પછી ઘડિયાળ જોઈ અને ફોન ઉપાડ્યો. ‘‘બોલ બેટા.’’ રિયાએ કહ્યું.

‘‘હાય મોમ !’’ નિરવે કહ્યું.

‘‘ફરી દારૂ પીધો ?’’ રિયાએ સહેજ મજાકમાં અને સહેજ લાગણીભીના અવાજે કહ્યું.

‘‘કેમ ? હું માત્ર ડ્રિન્ક લઉં ત્યારે જ તને ફોન કરું ?’’

‘‘અત્યાર સુધી તો એવું જ થતું આવ્યું છે. એક વાર તું વિષ્ણુ સાથે રહેવા ઇન્ડિયા ગયો પછી એના જેવો જ થઈ ગયો છે. જસ્ટ લાઇક યૉર ડેડ.’’

‘‘મોમ ! મારા ડેડ એટલા ખરાબ માણસ નથી.’’

‘‘ઓહ યાહ !’’ રિયા હસી પડી. ‘‘હું આઠ વર્ષ રહી છું એની સાથે.’’

‘‘અને હું અઢાર વર્ષ...’’ નિરવે કહ્યું.

‘‘એટલે જ એના જેવો વધારે અને મારા જેવો ઓછો છે. એની-વે, અત્યારે રાત્રે એક વાગ્યો હશે તમારે ત્યાં, શું કરે છે ?’’

‘‘અલય અને શ્રેયા સાથે બેઠો છું.’’

‘‘ડ્રિન્ક લેતો, ખરું ને ?’’ હસી પડી રિયા. ‘‘કેટલી ફની વાત છે બેટા, કે તું તારી માને મિસ કરે છે એ કહેવા માટે તારે ડ્રિન્કનો આશરો લેવો પડે છે. બેટા, ઇમોશન્સ જેટલી ચોખ્ખી કોઈ વસ્તુ નથી. એને શું કામ આલ્કોહોલ સાથે ભેળવીને મને પીવડાવે છે ? કદીક અમસ્તોય ફોન કરીને કહે કે મા હું તને મિસ કરું છું...’’ રિયાનો અવાજ ભીનો થઈ ગયો.

નિરવે આંસુ લૂછ્‌યાં. પછી એક લાંબી ચૂપકિદી મા અને દીકરા વચ્ચે છવાઈ ગઈ. નિરવે બહુ જ ધીમેથી લગભગ વિસ્પરિંગ અવાજમાં કહ્યું, ‘‘યેસ મોમ ! આઇ મિસ યુ. હું ખૂબ યાદ કરું છું તમને... મારી પળેપળમાં ખૂટી જાય છે તું મને.’’

બંને પક્ષે એક લાંબી ખામોશી પછી રિયાએ ધીમેથી કહ્યું, ‘‘ટેક કેર બેટા, આઈ લવ યુ...’’

‘‘આઈ લવ યુ ટુ મોમ..’’ નિરવે કહ્યું અને ન્યૂયોર્ક મુંબઈ વચ્ચેનો એ પુલ તૂટી પડ્યો ! નિરવે પાછળ ફરીને જોયું તો પેલા બંને જણા ગાયબ હતાં. નિરવ હસી પડ્યો. એણે ઉપર માસ્ટર બેડરૂમ તરફ જોયું. પછી ડ્રોઇંગરૂમની બાજુમાં જ આવેલા ગેસ્ટરૂમ તરફ આગળ વધી ગયો.

આજે પણ વસુમાનો નિત્યક્રમ બદલાયો નહોતો. એ પાંચ વાગે જ ઊઠ્યાં. ચાલવા પણ ગયાં. આવીને પૂજા ઘરમાં બેઠાં ત્યારે એમનું મન વિચલિત થઈ ગયું.

સામે હસી રહેલા બાલ કૃષ્ણ સામે હાથ જોડીને આંખો મીંચતાં જ એમને જે ચહેરો દેખાયો એ ચહેરાએ એમની આંખો વધુ સમય સુધી બંધ ના રહેવા દીધી. વસુમા આંખો ઉઘાડીને ભગવાન સામે જોઈ રહ્યાં, ‘‘શું ધાર્યું છે તેં ? શું કરવાનો છે ? હવે આથમતી સંધ્યાએ મને ખોટી પાડીશ ?’’ એમણે મનોમન કાના જોડે વાત કરવા માંડી. ‘‘જો, હું તો કંઈ નથી કહેતી તને, પણ એક વાત સમજી લેજે, જિંદગીભર તારામાં શ્રદ્ધા રાખી છે. સારા-ખોટા બધા સમયમાં તેં આપ્યું એ જ સ્વીકાર્યું છે. આજે પહેલી વાર કંઈ માગું છું તારી પાસે. મને નિરાશ નહીં કરતો’’ અને પછી એમણે આંખો મીંચીને પ્રાર્થના કરવા માંડી. જેણે આટલાં વર્ષોમાં કંઈ નહોતું માગ્યું એણે શું માગ્યું એના કાના પાસે એ વાત માત્ર કાના અને વસુમાની વચ્ચે રહી !

વસુમાની પૂજા ચાલુ હતી અને અલય ઘરમાં દાખલ થયો. એણે જાનકીને ડાઇનિંગ ટેબલ લૂછતી અને પ્લેટો ગોઠવતી જોઈને એણે પાછળથી જઈને એની આંખો પર હાથ મૂકી દીધા. જાનકીએ અલયના હાથ પર પોતાના હાથ ફેરવ્યા. પછી એના ફિલ કરીને શરમાઈને કહ્યું, ‘‘હે રામ ! તમને તો શરમ જ નથી.’’

‘‘તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં તમારો કૉલ લઈ શકતા નથી, સૉરી ભાભી ! રોંગનંબર !’’

‘‘અરે અલયભાઈ, તમે ? આટલા વહેલા ઊઠા ગયા ?’’

‘‘અહીં સૂતું જ કોણ છે ?’’

‘‘એટલે ? તમે રાતના ઘરમાં જ નહોતા ?’’

‘‘નો, હું તો નિરવના બંગલે હતો, મઢ પર.’’ જાનકીએ ધ્યાનથી અલયની સામે જોયું. પછી મુઠ્ઠી વાળીને અંગુઠાથી પીવાનો ઇશારો કર્યો અને પૂછ્‌યું, ‘‘પાર્ટી ?’’

‘‘ત્રણ જણાની.’’

‘‘શ્રેયા પણ ખરી છે, આખી રાત બહાર કઈ રીતે રહેતી હશે? ’’

‘‘જેમ હું રહું છું, એમ વળી.’’ અલયે કહ્યું અને જાનકીનો ચાંદલો વાંકો હતો એને સરખો કર્યો.

‘‘તમે પુરુષ છો.’’ જાનકીએ કહ્યું, ‘‘એના બાપા એને કંઈ કહેતાય નથી.’’

‘‘જાણે છે એ કે કહેવાનો અર્થ નથી. છોકરી હાથથી ગઈ છે અને લોહાણો છે, મારાથી સારો જમાઈ નહીં મળે એમ માનીને ચૂપ બેઠા છે. બાકી, બજારમાં ચાર જગ્યાએ મારો ભાવ કરાવે એમ છે !’’ અલય ખડખડાટ હસી પડ્યો. ‘‘વેપારી છે, વેપારી.’’

‘‘છી... આવું બોલાય ? તમારા સસરા થવાના.’’

અલયે જાનકીની કમરમાં હાથ નાખ્યો અને પછી એનો બીજો હાથ પોતાના હાથમાં લીધો. બોલ ડાન્સની જેમ ભાભીને નચાવતાં એણે ગાવા માંડ્યું, ‘‘કભી ખોલે ના તિજોરી કા તાલા, હાં મેરા સસુરા બડા પૈસેવાલા...’’ જાનકી હસતી હસતી નાચતી હતી અને અલય એને નચાવી રહ્યો હતો.

‘‘વાહ ! ક્યા સિન હૈ !’’ સીડી પર આવીને ઊભેલી વૈભવીએ તાળી પાડતાં કહ્યું, ‘‘ડિરેક્ટર બનવાના ધખારા બહાર પૂરા નહીં થાય તો ઘરમાં જ ફિલમ બનાવશો કે શું ?’’

‘‘અફકોર્સ.’’ અલયે કહ્યું. ‘‘હિરોઈન પણ છે, અને વેમ્પ પણ.’’ અને પછી જાનકીનો હાથ છોડીને પોતાના રૂમ તરફ ચાલી ગયો.

વસુમા એ જ વખતે પૂજાના ઓરડાની બહાર આવ્યાં. એમણે વૈભવીને સીડી પર અને જાનકીને ડાઇનિંગ ટેબલ પાસે સ્થિર ઊભેલાં જોયાં.

‘‘બહુ વહેલી ઊઠી ગઈ, વૈભવી ?’’ વસુમાએ ખામોશી તોડવાના ઇરાદાથી કહ્યું.

‘‘અહીં મારી ઊંઘની કોને ચિંતા છે ? જે દિવસે તમારું ભજન ના હોય એ દિવસે મારા દિયરનું ઑરકેસ્ટ્રા ચાલે છે. ઉફ ! અભયને કેટલી વાર કહ્યું છે કે રૂમને સાઉન્ડ પ્રૂફ કરાવે, પણ સાંભળે તો ને ? એની વે જાનકી, મારી કૉફી તૈયાર છે ? મારું માથું ફાટી જાય છે.’’

‘‘વૈભવી બેટા, તમે ઊઠી જ ગયા છો તો કૉફી જાતે જ બનાવી લો. જાનકી બીજા કામમાં રોકાયેલી છે.’’ વસુમાએ કહ્યું અને બગીચા તરફ આગળ વધી ગયાં.

વૈભવી છણકો કરીને સીડી ઊતરી અને જાનકી મનમાં ને મનમાં હસતી પોતાના રૂમ તરફ ગઈ.

આમ તો શ્રીજી વિલાનું વાતાવરણ આજે સામાન્ય લાગતું હતું. તેમ છતાં મનોમન બધા જ સાડા આઠ વાગવાની રાહ જોતા હતા. ગઈ કાલે બ્રેકફાસ્ટ ટેબલ પર અધૂરી રહી ગયેલી ચર્ચા એ જ અનુસંધાનથી ફરી શરૂ થવાની, એની બધાને ખાતરી હતી.

પોતાના રૂમમાં જઈને અલય પથારીમાં આડો પડ્યો. એણે ઘડિયાળ જોઈ. બરાબર સાડા છ થયા હતા. નીચે માના અવાજમાં, ‘‘જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે...’’નું પ્રભાતિયું ગવાતું હતું. કિચનમાં ગુસ્સામાં કૉફી બનાવી રહેલી વૈભવીનાં વાસણો પછાડવાનો ખણખણાટ ચાલુ જ હતો. અલયને થયું કે પોતે સૂઈ જશે તો સાડા આઠે ઊઠી નહીં શકે. એટલે એ ઊભો થયો, મોઢા પર પાણી છાંટ્યું, વાળમાં બ્રશ ફેરવીને નીચે ઊતરી ગયો.

વસુમા બગીચામાં બનાવેલા એક નાનકડા ઓટલા ઉપર ખુરશીમાં બેઠા હતા. હમણાં જ વીણેલાં મોગરાં ભેગાં કરીને એનો ગજરો બનાવી રહ્યાં હતાં અને પ્રભાતિયું ગાઈ રહ્યાં હતાં. અલય આવીને જમીન પર બેસી ગયો. એણે માના ખોળામાં માથું નાખી દીધું. ‘‘મા... મને તેલ નાખી આપ ને !’’ અલયે કહ્યું, ‘‘બહુ માથું દુઃખે છે.’’

‘‘શું કામ કરે છે ઉજાગરા ?’’ વસુમાએ કહ્યું. ‘‘વહેલા સૂઈ વહેલા ઊઠે જે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર... પણ તારું તો બધું ઊંધું જ છે.’’

‘‘મા, અમારું કામ જ એવું છે.’’

‘‘ચલ જા, ખોટી વાત નહીં કર. મને ખબર છે, તું કામ કરવા નહોતો ગયો. ગઈ કાલે છાપામાં છપાયેલી જાહેરખબરને કારણે ઘરમાંથી ભાગી ગયો હતો.’’

‘‘એવું મેં કહ્યું ?’’ અલયે માને પૂછ્‌યું.

‘‘તેં નહીં, મેં કહ્યું.’’ વસુમાએ કહ્યું, ‘‘તને પૂરેપૂરો ઓળખું છું. એક તો જાહેરખબર છપાઈ અને એમાં સવારના પહોરમાં કકળાટ થયો. મને ખાતરી જ હતી કે તું રાતના ઘરે નહીં આવે. પરિસ્થિતિ સામે ઊભા રહેવાને બદલે ભાગી છૂટવાની તારી આદત એમના જેવી જ છે. આખરે દીકરો તો એમનો જ ને...’’

ઝટકા સાથે ઊભો થઈ ગયો અલય, ‘‘મા, મેં બહુ વાર કહ્યું છે તને, ‘તારા એમની’ સાથે મારે કોઈ સંબંધ નથી. જે માણસ મને તારા પેટમાં મૂકીને ભાગી છૂટ્યો હતો એની સાથે મને શું કામ સરખાવે છે ? એ મારું અપમાન છે. અને બીજી વાત, મારું નામ અલય વસુંધરા મહેતા છે, ઑફિશિયલી ! મેં આજથી ૧૩ વર્ષ પહેલાં એફિડેવિટ કરીને બદલાવ્યું છે. હું તારો દીકરો છું. તારો અને માત્ર તારો. મારે બીજા કોઈ સાથે કોઈ સંબંધ નથી. પ્લીઝસ, બીજું કોઈ આ સમજે કે નહીં, તું આને કરેક્ટલી સમજી જા અને આજ પછી મને કોઈ દિવસ ‘તારા એમની’ વાત નહીં કરતી. મારે માટે એ માણસ મરી...’’

‘‘બસ અલય...’’ વસુમાએ એને વચ્ચેથી જ રોક્યો, ‘‘એ માણસ... એ માણસ... કરીને તું જે માણસની વાત કરે છે એ તારો બાપ છે.’’

‘‘માત્ર જીવવિજ્ઞાનની દૃષ્ટિએ. જસ્ટ અ બાયોલોજિકલ એક્સિડન્ટ... બાકી, બાપની કઈ ફરજ બજાવી છે એમણે ? અભયભાઈ પંદર વર્ષના, અજય અગિયારનો અને અંજલિ આઠની હતી, જ્યારે એ કરોડોનું દેવું મૂકીને નાસી છૂટ્યા હતા. એટલો પણ વિચાર ના કર્યો કે ત્રણ સંતાન આંગળીએ, એક પેટમાં લઈને એની પત્ની આ કરોડોના દેવા સામે કઈ રીતે ઊભી રહેશે ? હું એ માણસને બાપ કહેવા કે ગણવા તૈયાર નથી અને તને પણ કહી દઉં કે તું આ બધું જે કરી રહી છે એનાથી ફક્ત પ્રોબ્લેમ્સ ઊભા થવાના છે.’’ આટલું કહીને અલય પાછો રસોડાના દરવાજે થઈને ઘરમાં ચાલી ગયો.

કિચનમાં ઊભેલી વૈભવીએ અલયનો હાથ પકડીને એને ઊભો રાખ્યો અને એની સામે જોવા માટે લગભગ એક ફૂટ ઊંચું જોયું.

‘‘શું છે ?’’ અલયે કંટાળાથી વૈભવીને પૂછ્‌યું.

‘‘મેં પણ માને એ જ સમજાવ્યું.’’ વૈભવીએ લાડકા થઈને અલયને કહ્યું.

‘‘શું ?’’ અલયના ચહેરા પર ચીડ અને કંટાળો હતી. એની ભમરો સંકોચાઈ ગઈ હતી.

‘‘કે શું જરૂર છે આ બધું કરવાની... આપણે શાંતિથી રહીએ છીએ, શા માટે સામેથી પ્રોબ્લેમ્સ ઊભા કરવા જોઈએ ? આ જાહેરખબર આપીને માએ....’’

‘‘સારું કર્યું.’’ અલયે વૈભવીનું વાક્ય કાપીને વચ્ચે જ કહ્યું.

‘‘હમણાં બહાર તો તમે...’’

‘‘ભાભી, આ બપોરના ટાઇમે ઓગણત્રીસ ઇંચના ટી.વી. ઉપર તમારા એરકન્ડિશન બેડરૂમમાં તમે જે વાહિયાત હિન્દી સિરિયલો જુઓ છો ને એમાંથી આ છુપાઈને વાત સાંભળવાનું શીખ્યાં છો. બેડ મેનર્સ... સાવ મિડલ ક્લાસ હેબિટ છે આ. તમારે આવું ના કરવું જોઈએ.’’ અલયે કહ્યું અને પછી ઝાટકો મારીને હાથ છોડાવીને જતો રહ્યો.

‘‘તમને એરકન્ડિશન નડે છે કે ઓગણત્રીસ ઇંચનું ટી.વી.?’’ બહાર નીકળતા અલયને વૈભવીએ બાણ તો માર્યું, પણ અલય પર એની કોઈ અસર ના થઈ.

સાડા આઠ વાગે બધા ટેબલ પર આવી ગયા હતા. વસુમા પણ ડાઇનિંગ ટેબલની મુખ્ય ખુરશી પર ગોઠવાઈ ગયાં હતાં. ગઈ કાલની જેમ જ આજે વાત કોણ પહેલાં શરૂ કરે એની રાહ જોવાતી હતી. ગઈ કાલની જેમ વાત બીજા પાટે ન ફંટાઈ જાય એટલે વસુમાએ જ શરૂ કર્યું, ‘‘ગઈ કાલની જાહેરખબર તો સૌએ જોઈ જ છે. ભારતભરનાં અખબારોમાં આ જાહેરખબર છપાઈ છે.’’

‘‘આટલો ખર્ચો કરવાની શી જરૂર હતી ?’’ વૈભવી બોલી.

‘‘તું પ્લીઝ, ચૂપ રહીશ, મોમ ?’’ લજ્જાએ કહ્યું, ‘‘હા દાદી, કન્ટીન્યુ...’’

‘‘બેટા, પૈસાનો પ્રશ્ન એટલા માટે નથી આવતો કે મેં તમારા કોઈ પાસે આ જાહેરખબરના પૈસા નથી માગ્યા. આ મારા અંગત સુખી માટે, મારા અંગત ખર્ચમાંથી વપરાયેલા પૈસા છે. હવે મૂળ વાત, વર્ષો સુધી એક મા, એક સાસુ, એક શિક્ષિકા, એક દાદી બનીને જીવતી રહી હું... હવે મારે મારા ભાગની જિંદગી જીવવી છે. એક પત્ની તરીકે જીવવું છે. આજ સુધી મેં જે કંઈ કર્યું એનો ભાર લાગે છે હવે ! હવે કોઈકના ખભે માથું મૂકીને આવનારાં વર્ષો માત્ર શાંતિમાં, સુખમાં ગાળવા છે. કોઈ પ્રશ્નો, કોઈ જવાબો, કોઈ કાયદા, કોઈ ડિલિપ્લીન કે કોઈ આગ્રહો વગર માત્ર વસુંધરા બનીને જીવવું છે.’’ એમનું ગળું ભરાઈ આવ્યું હતું. પાણીનો એક ઘૂંટડો પીધો એમણે. પછી આગળ બોલ્યાં, ‘‘શું આ વધારે પડતી માગણી છે ?’’

‘‘જુઓ મા...’’ વૈભવી બોલવા જ જતી હતી કે અભયે એની વાત કાપી નાખી.

‘‘ના, જરાય વધારે પડતું નથી. તને જેમ ગમે એમ કર મા.’’

‘‘એમને ગમે એમ કરવામાં કેટલા પ્રોબ્લેમ્સ ઊભા થશે એનો વિચાર કર્યો છે ?’’

‘‘કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઊલટાના એક-બે પ્રોબ્લેમ સૉલ્વ થઈ જાય એવું પણ બને.’’ જાનકીએ હસીને કહ્યું અને પૂછ્‌યું, ‘‘ઉપમા બરાબર છે ને ?’’

વૈભવીએ મોઢું બગાડ્યું, ‘‘મને નથી લાગતું એ આવશે.’’

‘‘યેસ...’’ હવે લજ્જાએ ચર્ચામાં ઝૂકાવ્યું, ‘‘એ જો હોત તો આજ સુધીમાં આવી જ ગયા હોત.’’

‘‘શટ-અપ લજ્જુ, સમજ્યા વિના કંઈ પણ બોલે છે.’’ આદિત્યએ કહ્યું.

સ્વભાવે અને દેખાવે વૈભવીની પ્રતિકૃતિ લાગતી લજ્જાએ વાતનો તંત છોડ્યો નહીં, ‘‘કોઈને ખાતરી છે કે એ જીવતા છે ?’’ એક સોપો પડી ગયો. લજ્જાનો આ પ્રશ્ન ખરેખર તો બધાનો પ્રશ્ન હતો, પણ એને પૂછવાની હિંમત કોઈની નહોતી. લજ્જાએ આ પ્રશ્ન પૂછીને ડાઇનિંગ ટેબલની વચ્ચોવચ્ચ બોંબ ફોડ્યો હતો.

થોડીક ક્ષણો કોઈ કશું ના બોલ્યું, બોલી શક્યું જ નહીં !

‘‘મને ! મને ખાતરી છે કે એ જીવતા છે.’’ વસુમાએ કહ્યું. એમની આંખોમાં અપાર્થિવ તેજ હતું, ‘‘એ એક વાર મને મળ્યા વિના મરી શકે જ નહીં. મારું ઋણ છે એમના પર.’’ વસુમાએ કહ્યું અને પછી ત્યાંથી ઊભા થઈ ગયાં.

ઊભાં ઊભાં જ જાણે વાત પૂરી કરતાં હોય એમ કહ્યું, ‘‘મેં મારી જાતને અને તમને સૌને અડતાળીસ કલાક આપ્યા છે. જેમાંના ચોવીસ અહીં પૂરા થાય છે. જો આવતી કાલ સવાર સુધીમાં એ નહીં આવે કે એમનો કોઈ સંદેશો નહીં આવે તો હું તમારા સૌની વાત માનીને મંગળસૂત્ર ઉતારી નાખીશ અને આપણે ગંગાકિનારે જઈને એમના શ્રાદ્ધની વિધિ કરીશું.’’

આટલું કહીને વસુમા તો ચાલી ગયાં. પણ ડાઇનિંગ ટેબલ પર બેઠેલાં સૌના ગળામાં જાણે એક ડૂમો, એક વણકહેલી વાતની અકળામણ મૂકતાં ગયાં.

એ પછીની પંદરથી વીસ મિનિટ સૌ ડાઇનિંગ ટેબલ હતા, પરંતુ કોઈ એક અક્ષર પણ ના બોલ્યું.

‘‘મને કોઈએ જણાવવાની જરૂર પણ ના સમજી ?’’ અંજલિ પોતાના ઘરમાં અકળાયેલી હાલતમાં આંટા મારી રહી હતી. ચાળીસ બાય સાંઇઠના વૈભવી ડ્રોઇંગરૂમમાં સત્તરમા માળે અંજલિ તરતીબથી ગોઠવાયેલા નાજુક ઇટાલિયન ફર્નિચરના એક પીસ જેવી લાગતી હતી. એણે ફરી એક વાર ગુસ્સો કરીને પૂછ્‌યું, ‘‘તમને પણ એવું ના લાગ્યું કે તમારે મને કહેવું જોઈએ ?’’

‘‘ડાર્લિંગ...’’ રાજેશ શાહે અંજલિને પડખામાં લેવાનો પ્રયત્ન કર્યો. અંજલિએ એને ધક્કો માર્યો. ‘‘ડૉન્ટ પુસ મિ’’ રાજેશે કહ્યું. એના ગળામાં લગભગ નાડાપટ્ટી જેવી જાડી ચેઇન હતી. બંને હાથની ત્રણ-ત્રણ આંગળીઓ પર વીંટી અને જમણા હાથમાં ડાયમંડથી ‘આર.એ.જે.ઈ.એસ.એચ.’ લખેલી લક્કી... ભૂરા અને પીળા મોટા- મોટા ફૂલો ચીતરેલું કમરથી સહેજ નીચે લંબાઈ ધરાવતું લેટેસ્ટ શર્ટ અને ‘લી’નું જીન્સ પહેરેલો રાજેશ પાર્ટીમાંથી પીને આવ્યો હતો. આવીને ફરી પીવા બેઠો હતો. અંજલિ એન.સી.પી.એ.ની મ્યુઝિક કોન્સર્ટમાંથી હમણાં જ પાછી ફરી હતી. કમર સુધીના છૂટ્ટા વાળ, કાનમાં મોતી- માણેક અને ડાયમંડથી બનેલા લગભગ બે ઇંચ વ્યાસના કર્ણફૂલ, પતલી ચેઇનમાં એવું જ પેન્ડેન્ટ, જરી વગરની રેડ-વ્હાઈટ અને બ્લેકના કોમ્બિનેશનની કાંજીવરમ સાડી અને બહુ જ આછા મેક-અપ સાથે કપાળમાં કોરા કંકુનો મોટો લાલ ચાંદલો...

‘‘તું કાલી મા જેવી લાગે છે.’’ રાજેશે કહ્યું અને રિપિટ કર્યું, ‘‘ડૉન્ટ પુસ મિ... આઇ એમ યૉર હેસબન્ડ...’’

‘‘એટલે જ, એટલે જ મને કહેવાનું ભૂલી ગયા આવડી મોટી વાત.’’

‘‘મને તો એમ કે તારા મધરે તને કહ્યું હશે.’’

‘‘એમણે તો હું ઘરમાંથી ગઈ પછી મને જિંદગીમાંથી જ કાઢી મૂકી છે. અલય સિવાય કોઈ અહીં આવતું પણ નથી. અભયભાઈ ક્યારેક ફોન કરે છે. બાકી, કોઈને મારી ચિંતા નથી.’’ એનું ગળું ભરાઈ આવ્યું અને આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં.

‘‘ડાર્લિંગ,’’ રાજેશે ફરી એના ખભાની આજુબાજુ હાથ વીંટાળ્યો અને પછી ગુજરાતી ઉચ્ચારો સાથે હિન્દીમાં કહ્યું, ‘‘મૈં હું ના...’’ અંજલિએ અણગમા સાથે રાજેશનો હાથ પોતાના ખભા પરથી ખસેડ્યો.

‘‘પ્લીઝ, ડૉન્ટ જૉક...’’ અંજલિએ કહ્યું.

‘‘આઈ એમ નોટ જૉક્સિંગ... મને તારી ખરેખર ચિંતા છે.’’ રાજેશે કહ્યું, ‘‘એટલે તો મેં તને આટલી મોટી વાત કહી. અંજલિ, તારા ડેડ સાચે પાછા આવે તો તું શું કરે ?’’ રાજેશે પૂછ્‌યું. એ અંજલિના ખભે હાથ મૂકીને ડૉલી રહ્યો હતો.

અંજલિની આંખમાંથી હજીયે આંસુ વહી રહ્યાં હતાં. ‘‘એ પાછા નહીં આવે.’’ અંજલિએ કહ્યું, ‘‘આવવાના હોય તો જાત જ શું કામ ?’’

રાજેશે ફરી પૂછ્‌યું, ‘‘પણ સપોઝ આવે તો ?’’

અંજલિએ કહ્યું, ‘‘તો હું એમને કૉલરમાંથી પકડીને પૂછીશ’’ એણે રાજેશનો કૉલર પકડી લીધો હતો. રાજેશને એણે હચમચાવવા માંડ્યો, ‘‘વ્હાય ? કેમ કર્યું તમે આવું ? અમારા બાળપણને શા માટે અભાવોમાં અને એકલતામાં તરફડવા છોડી દીધું તમે ? હું પૂછીશ એને...’’ અંજલિ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી અને રાજેશને કૉલરથી પકડીને હલબલાવી રહી હતી. રાજેશનો નશો ઊતરી ગયો હતો. એણે હળવેકથી પકડીને અંજલિને નજીક લીધી અને એની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો.

‘‘અંજુ, કામ ડાઉન અંજુ... પ્લીઝ શાંત થઈ જા.’’ રાજેશ કહી રહ્યો હતો અને અંજલિ ધ્રુસકે ધ્રુસકે રડતી પાછલાં બાવીસ વર્ષનો હિસાબ એના એ પિતા પાસે માગી રહી હતી જેનો ચહેરો એને ધૂંધળો ધૂંધળો યાદ હતો... આંસુના પડદાને પેલે પાર જાણે એને એ ચહેરો દેખાઈ રહ્યો હતો અને એ ચહેરાને એ ફરી ફરીને પૂછી રહી હતી, ‘‘કેમ કર્યું તમે આવું ? કેમ ? કેંમ ? કેમ ?’’

સૂર્યકાંત બેન્ટ લીમાંથી ઊતરીને પોર્ચમાંથી જ્યારે ઘરમાં દાખલ થયા ત્યારે લક્ષ્મી કોઈકની સાથે ફોન પર વાત કરતી હતી. સૂર્યકાંતને જોઈને એણે ફોન મૂક્યો અને દોડતી આવી...

‘‘ડેડ !’’ કહીને એ સૂર્યકાંતના ગળે વળગી. લગભગ એના જેટલી જ ઊંચી લક્ષ્મીના વાળ સોનેરી હતા, આંખો રાખોડી અને ચામડીનો રંગ ગોરો. પહેલી નજરે લક્ષ્મી અમેરિકન જ દેખાય. લગભગ વીસ વર્ષની સુંદર યુવતી હતી. ‘‘આપણે ઇન્ડિયા જઈએ છીએ ?’’ એણે પૂછ્‌યું.

‘‘હા બેટા !’’

‘‘કેમ અચાનક ?’’ લક્ષ્મી ગુજરાતી બોલી શકતી, કારણ કે ભારતથી આવેલા ગુજરાતી સ્ટાફની સાથે ગુજરાતીમાં જ બોલવું એવો સૂર્યકાંતનો આગ્રહ રહેતો. એ પોતે પણ બને ત્યાં સુધી ગુજરાતીમાં જ વાત કરતો.

‘‘કામ છે.’’ સૂર્યકાંતે કહ્યું.

‘‘આપણે તાજમહાલ જઈશું, ફત્તેહપુર સિક્રી, ડેલ્હી અને... લાયન જોવા જૈઈશું ડેડી.’’ લક્ષ્મી ખૂબ ઉત્સાહમાં હતી. ‘‘મેં તમારું ને મારું બંનેનું પેકિંગ કરી નાખ્યું છે. આખો દિવસ શોપિંગ કર્યું છે મેં...’’

‘‘એમ ?’’ સૂર્યકાંતે કહ્યું, ‘‘ગુડ.’’ અને પછી પોતાના રૂમ તરફ આગળ વધી ગયા.

લક્ષ્મીને એ ના સમજાયું કે એક વાર અમેરિકા આવ્યા પછી પહેલી વાર ભારત જઈ રહેલા એના પિતા ઉત્સાહમાં કેમ નહોતા? પોતે તો ભારત ક્યારેય જોયું નહોતું. તેમ છતાં એને આટલો ઉત્સાહ હતો, પણ ડેડી કેમ જાણે બુઝાયેલા, થાકેલા, ગૂંચવાયેલા અને દુઃખી લાગતા હતા...

એમના લોન્ગ આયલેન્ડ પરના સત્તર રૂમના ‘વિલા’માં ટેલિફોનની રિંગ વાગી. નાઇટ સૂટ પર ડ્રેસિંગ ગાઉન પહેરી રહેલા સૂર્યકાંતે મોઢામાંની સિગારેટ ઓલવીને ફોન ઉપાડ્યો. આ અંગત લાઇન હતી, માત્ર આઠ-દસ ગણતરીના લોકો સિવાય કોઈ પાસે આ બેડરૂમનો નંબર નહોતો.

‘‘હેલો, સૂર્યકાંત હિયર...’’

‘‘રોહિત બોલું છું.’’

‘‘યેસ, બહુ દિવસે બાપ યાદ આવ્યો ?’’

‘‘ટેન થાઉઝન્ડ ડૉલર્સ જોઈએ છીએ ડેડી, મારા અકાઉન્ટમાં ટ્રાન્સફર માટે ફોન કરી દો...’’

‘‘હજી લાસ્ટ વીક મેં તમને સેવન થાઉઝન્ડ ડૉલર મોકલ્યા હતા...’’

‘‘વપરાઈ ગયા.’’ રોહિતના અવાજમાં બેફિકરાઈ અને તોછડાઈ હતી. ‘‘હું કાલે વિડ્રો કરવા જઈશ, પ્લીઝ મેનેજ...’’

‘‘રોહિત, આમ પૈસા...’’

‘‘પૈસા નહીં, ડૉલર્સ, યુ ઇન્ડિયન અને આ મારી માના ડૉલર્સ છે... મને ફાવે એમ વાપરું. કાલે મને મળી જવા જોઈેએ. ઓ. કે. ?’’

‘‘પણ રોહિત...’’

‘‘વ્હૉટ રોહિત ? ડુ એઝ આઇ સે... અરે હા, સાંભળ્યું છે ઇન્ડિયા જઈ રહ્યા છો ? હેવ અ નાઇસ ટ્રીપ ડેડ...’’

ફોન કપાઈ ગયો હતો. સૂર્યકાંત ક્યાંય સુધી કપાઈ ગયેલા ફોનની ઘરઘરાટી સાંભળતો રહ્યો અને પછી એણે ફોન પછાડ્યો....

ક્રમશ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED