યોગ-વિયોગ - 64 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

યોગ-વિયોગ - 64

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૪

બોસ્ટનથી ન્યૂયોર્કના ડ્રાઇવ દરમિયાન નીરવ ક્યારનોય લક્ષ્મી જોડે વાત કરી રહ્યો હતો. બોસ્ટનથી નીકળતી વખતે નીરવનું મન સહેજ ઉદ્વેગમાં હતું. રિયા સાથે જે કંઈ થયું એ પછી તરત ન્યૂયોર્ક આવવા માટે નીકળી જવું એને પોતાને જ સહેજ ખૂંચ્યું હતું,પણ લક્ષ્મીને જોવા, મળવા અને વહાલ કરવા માટે તરફડતો એનો જીવ એક ઘડી પણ રહી શકે એમ નહોતો.

સાંજ ઢળી ગઈ હતી. નીરવની કાર વીજળીની ઝડપે જઈ રહી હતી. હેન્ડ્‌સ ફ્રી પહેરેલો નીરવ લક્ષ્મી સાથે મીઠી મીઠી વાતો કરતો ન્યૂયોર્કની દિશામાં આગળ વધતો હતો.

‘‘હું કલ્પી નથી શકતો કે કોઈને મળવા માટે, કોઈ છોકરીને મળવા માટે હું આટલો બધો બેબાકળો થઈને, ગાંડાની જેમ...’’

લક્ષ્મી હસી પડી, ‘‘હું પણ નથી કલ્પી શકતી કે કોઈ છોકરો મારા માટે આવી રીતે...’’

‘‘હું સતત ધારતો રહ્યો કે પ્રેમ નામની કોઈ વસ્તુ જ નથી. બે માણસો પોતાની સગવડતા માટે ભેગા રહે છે અથવા મોહમાં ભેગા થઈ જાય છે, પણ રહી શકતા નથી.’’

‘‘એવું નથી હોતું, શરીરથી જુદા રહેતા લોકો પણ એકબીજા માટે અને એકબીજાની સાથે જીવી જતા હોય છે.’’

‘‘એવા કેટલા ?’’ નીરવના અવાજમાં હજીયે કડવાશ તો હતી જ, ‘‘લક્ષ્મી, મારા ડેડી મને હંમેશાં એકલા, તરછોડાયેલા અને દુઃખી લાગ્યા. અમેરિકામાં રહેતી મારી મા વધારે સવલતોમાં, વધારે સુખમાં રહેતી હતી એવું મને હંમેશાં લાગ્યું.’’

થોડી વાર બંને ચૂપ રહ્યાં પછી નીરવ આગળ બોલ્યો, ‘‘જોકે હું જ્યારે વસુમાને જોતો ત્યારે પણ મને હંમેશાં એમ જ લાગતું કે આટલી હિંમતવાળી અને મજબૂત સ્ત્રી કોઈ પણ પુરુષને નાનો કે નબળો જ માનીને જીવી હશે.’’

‘‘એવું નથી હોતું નીરવ.’’ લક્ષ્મીના અવાજમાં જાણે આખી સ્ત્રીજાતિનો અવાજ હતો, ‘‘સ્ત્રી માત્ર ડિપેન્ડન્ટ અને રક્ષણમાં રહેવા માગે છે. એને ઉંબરની બહાર નીકળવામાં રસ નથી હોતો, કારણ કે એનું ઘર એની દુનિયા હોય છે.’’ એણે ઊંડો શ્વાસ લીધો અને આંખો મીંચી. એની નજર સામે વસુમાનો ચહેરો તરવરી રહ્યો, ‘‘પરંતુ જ્યારે એને ધક્કો મારીને દુનિયામાં ધકેલવામાં આવે છે ત્યારે એ હજાર હાથવાળી દુર્ગા બનીને પોતાનું જ નહીં, પોતાનાં સંતાનોનું, પોતાના સ્વમાનનું રક્ષણ કરવા માટે આપોઆપ સક્ષમ બની જાય છે.’’

‘‘એવું સમજાયું મને આજે.’’ નીરવ સહેજ ઢીલો પડી ગયો, ‘‘મારી સાથે વાત કરતા.’’

‘‘નીરવ, મોટા ભાગે કોઈ સ્ત્રીને ક્યારેય પોતાના ઘર કે કુટુંબ કરતાં કારકિદર્ીનું મહત્ત્વ વધારે ન જ હોય...પણ જ્યારે ઘર અને કુટુંબ એની પાસેથી છીનવી લેવામાં આવે ત્યારે જીવવા માટે એની પાસે બીજું શું રહે છે, કહે તો મને ?’’

‘‘સાચી વાત છે લક્ષ્મી, આજે મા સાથે બહુ લાંબી વાત થઈ. હું આખી જિંદગી મારી મા વિશે ખોટું ધારતો રહ્યો એનો મને અફસોસ છે.’’

‘‘હવે ?’’ લક્ષ્મી હસી, ‘‘તું પહેલાં ઘણી બધી વસ્તુ માટે ઘણા બધા લોકો માટે ખોટું ધારતો હતો...’’

‘‘હા લક્ષ્મી !’’ નીરવે જાણે મનોમન લક્ષ્મીને ખેંચીને વહાલ કરી દીધું, ‘‘તેં બહુ જ બદલી નાખ્યો મને, મારા વિચારોને... હું મારી માને તને મળ્યા પછી સમજી શક્યો છું.’’ પછી એક નિઃશ્વાસ નાખીને ઉમેર્યું, ‘‘હજી જૂની વાતો યાદ કરીને રડે છે, પણ આટલું બધું કર્યું તો વધુ એક વાર ડેડીને માફ ના કરી શકે ? વસુમાએ પણ તારા ડેડીને ગેસ્ટરૂમમાં રાખ્યા...’’ નીરવને બોલી નાખ્યા પછી સહેજ અફસોસ થયો, છતાં એણે વાત પૂરી કરી, ‘‘એમણે કે મારી માએ ઇચ્છ્‌યું હોત તો એમની હિંમતનો ઉપયોગ, એમની મજબૂતીનો ઉપયોગ વધુ એક વાર કરીને પરિસ્થિતિ બદલી ના શક્યા હોત ? માફ કરવામાં પણ હિંમતની જરૂર પડતી હોય છે લક્ષ્મી... જો સ્ત્રી પાસે એટલી જ હિંમત અને મજબૂતી હોય તો વેર શું કામ પંપાળે છે ? માફ કેમ નથી કરતી ?’’

‘‘તમે પુરુષો ખરા છો.’’ લક્ષ્મી જરા સ્મિત સાથે કહી રહી હતી, ‘‘જ્યાં સુધી તમને ફાવે ત્યાં સુધીતમારે જેમ ધારવું હોય એમ ધારી લેવાનું, જેમ માનવું હોય એમ માની લેવાનું... અને એના આધારે જેમ વર્તવું હોય એમ વર્તી પણ લેવાનું...જે પળે ભૂલ સમજાય એ પળે એવી અપેક્ષા પણ રાખવાની કે તમારી પત્ની કે પ્રિયતમા, દીકરી કે બહેન, મા કે મિત્ર તમને તરત જ માફ કરી દે.’’

‘‘એવું નથી લક્ષ્મી...’’

‘‘એવું નથી તો શું છે ? આટલાં વર્ષો દરમિયાન કેટલી પીડામાંથી પસાર થયાં હશે રિયા મા કે વસુમા કે એટલી કેટલીયે સ્ત્રીઓ, એ બધા જ ઘા, બધા જ ઉઝરડા અને બધી જ પીડા, બધી તકલીફ એક ક્ષણમાં ભુલાવીને નવેસરથી દાખલો માંડવો એટલે સહેલો નથી હોતો નીરવ...’’ લક્ષ્મી જાણે રોનાલ્ડ વિશે પણ વિચારી રહી હતી- એ જ વખતે. એને વિચાર આવ્યો કે એ નીરવને રોનાલ્ડ વિશે, એના જન્મ વિશે, એની મુલાકાત વિશે હમણાં જ કહી દે. પછી અટકી ગઈ, એમ વિચારીને કે નીરવ અહીં પહોંચે એ પછી શાંતિથી આ વાત કહેવી.

‘‘હું સમજું છું તારી વાત.’’ નીરવે જાણે આ ચર્ચા બંધ કરવાના ઉદ્દેશથી કહ્યું, ‘‘હું તારી સાથે એવું કંઈ નહીં કરું જેનાથી મારે માફી માગવી પડે અને તારે મને માફ કરવો પડે. ઓ.કે. સ્વીટ હાર્ટ !’’ પછી ભરપૂર રોમાન્સ અવાજમાં ઠાલવીને એણે કહ્યું, ‘‘હવે જરા વહાલ કર મને... ચાળીસ કલાકની સફર પછી સેલ્ફ ડ્રાઇવ કરીને તારા સુધી આવું છું તે વિમેન્સ લિબરેશન પર ભાષણ સાંભળવા નથી આવતો.’’

‘‘ભાષણ તો જીવનભર સાંભળવું પડશે. પછી પીછેહઠ તો નહીં કરે ને ?’’

‘‘એ બધી માનસિક તૈયારી સાથે જ જંગમાં ઝુકાવ્યું છે હવે.’’

‘‘એમ કે ? તો આ જંગ છે...’’

‘‘પ્રેમ અને યુદ્ધમાં બહુ ફેર નથી. બંનેમાં બધું જ સાચું... એવરી થિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર- એવું કહેનારાએ સમજીને જ કહ્યું હશે કે બેમાં બહુ ફેર નથી.’’

‘‘તું આવ જરા... હું બતાવું તને કેટલો પ્રેમ ને કેટલી વોર.’’

એ પછી બંને જણા ફરી એક વાર પ્રેમગોષ્ઠીમાં પડી ગયાં. જાનકી ત્રણ વાર એને જમવા માટે બોલાવવા આવી, પણ પલંગ ઉપર વાળ ફેલાવીને જે રીતે સૂઈને લક્ષ્મી વાત કરી રહી હતી એ જોતાં જાનકીને એને ડિસ્ટર્બ કરવાની ઇચ્છા ના થઈ.

કોણ જાણે ક્યાંય સુધી ચાલી હશે એ વાતો, પણ લક્ષ્મી ફોન મૂકીને ડાઇનિંગ રૂમમાં આવી ત્યારે બધા જમીને જઈ ચૂક્યા હતા. જાનકી લક્ષ્મીની રાહ જોઈને ટેબલ પર બેઠી હતી.

હૃદય અને અજય બેડરૂમમાં લેપટોપ પર ગેમ રમી રહ્યા હતા.

‘‘કેટલી વારમાં પહોંચશે ?’’ જાનકીએ સ્મિત કરીને આંખો મીચકારી.

‘‘કોણ ?’’

‘‘કોણ ?’’ જાનકી હસી. એણે નજીક આવીને લક્ષ્મીનો કાન પકડ્યો, ‘‘જેમની સાથે એક કલાક સાડત્રીસ મિનિટ વાત કરી એ.’’

‘‘તમને કેવી રીતે ખબર કે એ અહીં આવે છે ?’’

‘‘ઓહ મેડમ ! અમે તો લગ્ન પણ કર્યાં છે અને જાનમાં પણ ગયા છીએ.’’ જાનકીએ લક્ષ્મીના ખભાની આજુબાજુ હાથ વીંટાળીને એને વહાલ કરી દીધું, ‘‘આ અજયકુમાર મને મૂકવા માટે વિલે પાર્લેથી ટ્રેનમાં ચર્ચગેટ આવતા. પછી ચાલીને ૧૩૨ના બસસ્ટોપ પર જવાનું, ત્યાંથી કોલાબા... મારી હોસ્ટેલ સુધી મને મૂકવા આવે...અને એકલો પાછો જાય.’’

‘‘બાપ રે !’’ લક્ષ્મીએ આંખો પહોળી કરી, ‘‘એટલો પ્રેમ ?’’

‘‘એટલું જ નહીં...હું એક મેડિકલ કેમ્પમાં સોલાપુર ગયેલી, ત્યારે મોબાઇલ તો હતા નહીં. આ તમારા અજયભાઈનું મગજ ફર્યું તે રાતની બસ લીધી અને મધરાતે સોલાપુર. અમારો કેમ્પ શોધતા શોધતા...’’

‘‘ઓહ માય ગોડ !’’ લક્ષ્મી હસી પડી, ‘‘આ બધા પુરુષો સરખા જ હોય ?’’

‘‘લગભગ.’’ જાનકીએ હસીને આંખ મારી, ‘‘આપે તો રાજપાટ આપી દે અને લઈ લે તો તમારું હોય એ પણ લઈ લે.’’

‘‘હું હમણાં નીરવ સાથે એ જ વાત કરતી હતી.’’ લક્ષ્મી ટેબલ પર બેઠી.

‘‘તમે હમણાં જમશો તો નહીં.’’ જાનકીએ હસીને કહ્યું, ‘‘નીરવભાઈ આવે પછી જ...’’

લક્ષ્મીના શરમાળ હાસ્યે જાણે એ વાતની પુષ્ટિ કરી દીધી.

શ્રેયા ફોન હાથમાં લઈને અનુપમાના ઘરના દરવાજે ઊભી હતી. અલય ત્યાં જ બરફની જેમ થીજી ગયો. શ્રેયા મક્કમ પગલે આગળ વધી. અલય પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. અનુપમા ત્યાં જ બેઠેલી રહી. ફિલ્મનો કોઈ સીન ચાલતો હોય અને સાયલન્સની બૂમ પડ્યા પછી સેટ પર જેમ સોપો પડે એમ સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ હતી.

‘‘તો આ કોઈની ઓફિસ છે ?’’

‘‘આઈ મીન...’’ અલય અચાનક જ ડિફેન્સના મૂડમાં આવી ગયો. હુમલો એ રક્ષણનો શ્રેષ્ઠ રસ્તો છે, ‘‘તું મારો પીછો કરે છે ?’’ એનો અવાજ ઊંચો થઈ ગયો.

શ્રેયા ચિડાઈને જવાબ આપવા જતી હતી. એની નસો તંગ થઈ ગઈ હતી. માથું ફાટફાટ થવા લાગ્યું. બરાબર એ જ સમયે એની નજર અનુપમા પર પડી. અનુપમાના ચહેરા પર એક નાનકડું સ્મિત હતું. એક સ્ત્રી જ સમજી શકે અને જોઈ શકે એવું સ્મિત. એક જ પુરુષને ચાહતી બે સ્ત્રીઓ એકબીજાની સાથે જે ભાષામા ંવાત કરે એ ભાષાનું પહેલું તીર હોય એવું સ્મિત.

શ્રેયાએ તરત જ પોતાની જાતને સંભાળી લીધી. ઊંડો શ્વાસ લીધો. એક ક્ષણ આંખો મીંચી અને એકદમ હેતાળ અવાજમાં અલયને પૂછ્‌યું, ‘‘તેં આવું કેમ કર્યું ? અલય, તેં સાચું કેમ ના કહ્યું ?’’

‘‘સાચું સાંભળવાની તૈયારી છે તારી ?’’ અલય શ્રેયાના વળતા હુમલાની રાહ જોતો હતો એને બદલે એનો હેતાળ અવાજ અને સ્મિત જોઈને સહેજ ઝાંખો પડી ગયો. ‘‘એક સાચી વાત કહી એમાં તો તારા પપ્પાનું બહાનું આગળ ધરીને...’’

‘‘બહાનું નહીં અલય !’’ શ્રેયાનો અવાજ એકદમ સ્થિર હતો અને આંખો કોરી, ‘‘એ પળે એ વાત સાચી હતી.’’

‘‘અને હવે ?’’ અલય અકારણ ઉશ્કેરાઈ ગયો.

‘‘આ સવાલનો જવાબ આપવો મને જરૂરી નથી લાગતો.’’ શ્રેયાએ કહ્યું, ‘‘અહીં અને અત્યારે તો નહીં જ.’’

‘‘કેમ ?’’ અલયે પૂછ્‌યું તો ખરું, પણ જાણે એનો પોતાનો જ અવાજ એને પોલો અને બોદો લાગ્યો.

‘‘કારણ કે આ મારી અને તારી વાત છે. આપણે એકલા હોઈશું ત્યારે જ થઈ શકશે...’’ પછી જાણે કશું જ ના બન્યું હોય એટલી સ્વાભાવિક થઈને એણે પૂછ્‌યું, ‘‘સેન્સરના કોઈ ખબર આવ્યા ?’’

અત્યાર સુધી જે રીતે શ્રેયાએ પોતાની હાજરી તદ્દન અવગણી હતી એ પછી આ સવાલથી અનુપમા જેવી કુશળ અભિનેત્રીને ચર્ચામાં દાખલ થવાની તક આપવી પડે એમ નહોતું.

‘‘અફકોર્સ.’’ અનુપમાએ બનાવટી ઉત્સાહથી કહ્યું, ‘‘ફિલ્મ સેન્સર થઈ ગઈ, એક પણ કટ વિના.’’

‘‘કોન્ગ્રેચ્યુલેશન.’’ શ્રેયા બે ડગલાં આગળ વધી. એણે અલયના ગળામાં હાથ નાખ્યો, પોતાના પંજા પર ઊંચી થઈ અને અલયને એક પ્રગાઢ ચુંબન કર્યું. જમણો હાથ એંઠો હોવા છતાં આ ચુંબનની ઉષ્મા સામે હથિયાર નાખીને અલયે શ્રેયાના શર્ટ પર રાતા-પીળા ડાઘા પાડી દીધા.

ડાઇનિંગ ટેબલ પર અનુપમાના હાથ એવી રીતે ભીડાયા જાણે એ કાચનું ડાઇનિંગ ટેબલ ચૂર ચૂર કરી નાખવું હોય.

‘‘અલય, જમી લીધું તેં ?’’

‘‘થોડી વાર લાગશે, કેમ ?’’

‘‘બસ ! તને લેવા આવી છું.’’

‘‘પણ એ તો...’’ અનુપમાને કશુંક કહેવું હતું, પણ શું, તે એને સમજાયું નહીં. જિંદગીમાં પહેલી વાર શબ્દો શોધવાના ફાંફા પડી ગયા એને.

‘‘અનુ, ફીલ એટ હોમ.’’ શ્રેયા હસી, ‘‘તારું જ ઘર છે.’’ પછી દૂર પડેલી ખુરશી ખેંચીને અલયની બાજુમાં બેસી ગઈ.

‘‘તું જમીશ ?’’ અનુપમાને લાગ્યું કે હવે વિવેક કર્યા વિના છૂટકો નથી.

‘‘ના, હું તૃપ્ત છું.’’ શ્રેયાએ અલય સામે જોઈને હેતાળ સ્મિત કર્યું. પછી ફરી એક વાર શરીરનું વજન બદલીને ખુરશીને બે પાયા પર અલય બાજુ નમાવી. એના ગાલ પર એક ચુંબન કરી લીધું.

અનુપમાને લાગ્યું કે આ બધું જ એને દેખાડવા માટે થઈ રહ્યું હતું. એને શ્રેયાના વર્તનમાં પોતાને જલાવવાનો પ્રયત્ન દેખાયો. એનું મગજ ફાટફાટ થવા માંડ્યું.

ગયા વખતે શ્રેયા અહીંયા આવી અને આ વખતે શ્રેયા અહીંયા આવી- એ બે શ્રેયામાં જાણે આસમાન-જમીનનો ફેર હતો. અનુપમા શ્રેયાની આ સ્થિરતા અને મક્કમતા જોઈને વિચલિત થઈ ગઈ.

‘‘તું જમી લે, હું બેઠી છું.’’ શ્રેયા આરામથી પગ પર પગ ચડાવીને ખુરશીને ટેકો લઈને બેઠી.

‘‘અલય હમણાં નહીં આવે.’’ અનુપમા જાણે એના પોતાના કન્ટ્રોલની બહાર નીકળી ગઈ, ‘‘અમારે થોડું કામ છે.’’

અલયે સહેજ ઊંચું જોયું, પણ જમવાનું ચાલુ રાખ્યું.

‘‘કાંઈ વાંધો નહીં, એ કામ પતાવી લે ત્યાં સુધી હું બેઠી છું.’’

‘‘અમને વાર લાગશે.’’

‘‘મારે અમસ્તુંય બીજું કામ નથી.’’ એણે ફરી અલય સામે જોઈને વહાલસોયું સ્મિત કર્યું, ‘‘મારે એને સાથે જ લઈને જવું છે.’’

‘‘હું કંઈ ખાઈ નહીં જાઉં એને.’’ અનુપમાનો અવાજ સહેજ ધ્રૂજ્યો. એની આંખના ખૂણા લાલ થવા માંડ્યા હતા. સહેજ ડૂમો ભરાયો હતો. એને પોતાને જ સમજ નહોતી પડતી કે એને શું થતું હતું.

‘‘મને ખબર છે.’’ શ્રેયા ફરી એક વાર સાવ સ્વાભાવિકતાથી સ્મિત કરીને અનુપમા સામે જોઈ રહી, ‘‘તેં તો જમી લીધું...’’

‘‘જો આ જોક હતો તો બહુ ખરાબ હતો.’’

‘‘આ જરાય જોક નહોતો.’’ શ્રેયાની આંખો સીધી અનુપમાની આંખોમાં પરોવાઈ ગઈ, ‘‘તેં તારા ભાગનું જમી લીધું અનુપમા...’’

‘‘વ્હોટ ડુ યૂ મીન ?’’ અનુપમા ટેબલ પર હાથ પછાડતી ઊભી થઈ ગઈ. એના હાથની પછડાટને કારણે પાણી ઢોળાયું અને બાઉલ ધ્રૂજ્યાં. એના શરીરના ફોર્સને કારણે ખુરશી પાછળ પડી ગઈ, ‘‘તું કહેવા શું માગે છે ?’’

‘‘કુલ ડાઉન અનુપમા.’’ શ્રેયાનો અવાજ હજીયે સંયત હતો અને ચહેરા પર સ્મિત.

‘‘આ મારું ઘર છે.’’

‘‘મેં તને હમણાં જ કહ્યું.’’ શ્રેયા સ્વસ્થ હતી.

‘‘તું મારા ઘરમાં મને ગમે તેમ બોલે છે ?’’

‘‘જરાય નહીં અનુપમા.’’ શ્રેયાએ ફરી સ્મિત કર્યું, ‘‘મને એવું ગમતું નથી.’’ પછી અલય સામે એક નજર નાખી, ‘‘ને આવડતું પણ નથી.’’

અલય શાંતિથી જમી રહ્યો. પછી ઊભો થઈને વોશબેસિન તરફ આગળ વધ્યો. ટેબલની પેલી તરફ ઊભેલી અનુપમા ક્રોધમાં ધ્રૂજી રહી હતી.

‘‘મેરીઈઈઈઈ....’’ અનુપમાની આંખોમાં આંસુ ધસી આવ્યાં હતાં. એના નાકનું ટોપકું લાલ થઈ ગયું હતું, ‘‘ટેબલ ખાલી કરો.’’

અલય હાથ ધોઈને પાછો આવ્યો, પછી અનુપમાની નજીક ગયો. એણે એના ખભે હાથ મૂક્યો અને ખભો થપથપાવ્યો.

‘‘થેન્કસ ફોર લંચ !’’

‘‘તું...’’ અનુપમા ઢીલી પડી ગઈ, ‘‘તું જાય છે ?’’ અનુપમાથી શ્રેયા સામે જોવાઈ ગયું. શ્રેયા દાખલ થઈ અને તરત જ જે રીતે વર્તી એ પછી અનુપમાએ જે સ્મિત આપ્યું... શ્રેયાએ એના જવાબમાં વળતું સ્મિત કર્યું. બે સ્ત્રીઓ જ સમજી શકે એવું સ્મિત.

અનુપમા અંદરથી તારતાર થઈ ગઈ. એનું અભિમાન, એનું રૂપ, એની સફળતા, અલય માટે એણે કરેલું બધું જ... આ ફિલ્મ, પરમ દિવસનું પ્રીમિયર... એક પછી એક પત્તાના મહેલની જેમ તૂટવા માંડ્યા.

‘‘યાહ’’ અલયે કહ્યું અને સાવ સ્વાભાવિક રીતે ખૂણામાં મૂકેલી એની બેગ લેવા આગળ વધ્યો. હજી એ બીજું ડગલું ભરે એ પહેલાં અનુપમાએ એને પાછળ કોલરમાંથી પકડ્યો...

‘‘તું આવું ના કરી શકે.’’ અનુપમાનો અવાજ ધ્રૂજી રહ્યો હતો.

‘‘આવું એટલે ?’’ અલયે હળવેથી કોલર છોડાવ્યા.

‘‘હું તને જવા નહીં દઉં.’’

અલયે શ્રેયા સામે જોયું. શ્રેયા શાંત ચિત્તે, સ્થિર ભાવે ઊભી હતી. એણે અલયની આંખોમાં જોયું. જાણે કહેતી હોય, ‘‘નિર્ણય તારે કરવાનો છે.’’

અલયે ધીમેથી અનુપમાની સામે જોયું. પછી ફરીને એના ખભે હાથ મૂક્યો, ‘‘અનુ, મેં તને પહેલાં જ કહ્યું હતું.’’ ખૂબ સહાનુભૂતિથી એના ગાલ પર હાથ મૂક્યો, ‘‘શા માટે તારા અને મારા બંને માટે અઘરું કરી રહી છે ?’’

શ્રેયાની હાજરીનો ખ્યાલ કર્યા વિના અનુપમા અલયને વળગી પડી... ‘‘હું તારા વિના નહીં જીવી શકું.’’

અલય એની પીઠ પર હાથ ફેરવી રહ્યો હતો. અનુપમા રડી રહી હતી. એક ક્ષણ પહેલાં શ્રેયાએ જે રીતે અલયની સામે જોયું હતું એ આંખોથી અલયને ખૂબ બળ મળ્યું હતું, એટલે અલયે સહજે પણ ડર્યા કે સંકોચાયા વિના અનુપમાને રડવા દીધી. અનુપમા ચિડાતી અલયની પીઠ પર મુક્કા મારતી, એનું શર્ટ પકડીને એને હલબલાવતી રડતી રહી... અલય એની પીઠ પસવારતો એમ જ સ્થિર ઊભો રહ્યો... અને શ્રેયા જાણે કશુંયે નથી બન્યું એમ અદબ ભીડીને આ બધું પતે એની રાહ જોતી અલયને લઈ જવા માટે શાંત ઊભી હતી.

રડીને થાકેલી અનુપમા અલયના ખભા પર માથું મૂકીને થોડીક ક્ષણો એમ જ ઊભી રહી. પછી અલયે એને હળવેથી અળગી કરી...

‘‘અનુ, હું જાઉં ?’’

હવે જાણે બીજું કંઈ જ થઈ શકે એમ ના હોય એવી રીતે થાકેલી, હારેલી અનુપમા અલયથી છૂટી પડી. અલયે એના બંને હાથ અનુપમાના ખભા પર મૂક્યા અને એને મજબૂત થવાનું કહેતો હોય એમ સહેજ હલાવી, ‘‘સ્વીટ હાર્ટ, ફરી એક વાર કહું છું, શ્રેયાની હાજરીમાં...’’ બંનેની નજર અનાયાસે શ્રેયા તરફ પડી, ‘‘જિંદગીમાં ક્યારેય મારી જરૂર પડે તો હું છું જ ! ને રહીશ જ ! આઇ કેર ફોર યુ... એન્ડ વિલ ઓલવેઇઝ...’’

અનુપમા એક એક ડગલું પરાણે ઊંચકતી હોય એમ મહામહેનતે શ્રેયા સુધી પહોંચી, એની સામે ઊભી રહી, એની આંખોમાં જોયું...

‘‘આઇ એમ...’’ એની આંખોમાં પાણી ધસી આવ્યાં, ‘‘આઇ એમ જેલસ ઓફ યુ.’’

શ્રેયાએ અનુપમાને ખેંચીને છાતીસરસી ચાંપી દીધી. અનુપમા અને અલય બંને અનુભવી શક્યા કે એના આ વર્તનમાં ક્યાંય કોઈ બનાવટ કે છળ નહોતું.

શ્રેયા અને અલય અનુપમાના ઘરની બહાર નીકળ્યાં અને ઓટો માટે ઊભાં હતાં ત્યારે અલયથી શ્રેયાનો હાથ પકડાઈ ગયો. આંગળીઓમાં આંગળીઓ નાખીને એણે શ્રેયાનો હાથ એવી રીતે પકડ્યો અને દબાવ્યો, જાણે બે હથેળીઓને એકાકાર કરી નાખવા ઇચ્છતો હોય.

રોજની જેમ સવારે સાડા છ વાગ્યે વસુમાનો અવાજ શ્રીજી વિલાના બગીચામાં ગૂંજી રહ્યો હતો, ‘‘નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી નાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના...’’

વૈભવી પોતાના રૂમમાં પલંગમાં પડી રહી હતી. એની આંખો ખૂલી ગઈ હતી ને ઊંઘ પણ ઊડી ગઈ હતી, પણ ઊભા થવાની ઇચ્છા નહોતી થતી. બાજુમાં અભય ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. વૈભવી અભય તરફ અને એને જોતી રહી. અભયના ચહેરા પર જે શાંતિ અને વિરામ હતા એ જોઈને વૈભવીને સહેજ ઇર્ષ્યા આવી ગઈ.

‘‘કોઈ પણ સ્થિતિમાં આ માણસ કેટલો નિરાંતે ઊંઘી શકે છે !’’ એને વિચાર આવ્યો. એણે હાથ લંબાવી અભયના ચહેરા પર હાથ ફેરવ્યો. ઊંઘમાં જ વૈભવીનો સ્પર્શ અનુભવીને અભયે સ્મિત કર્યું અને એ જ હાથ પકડીને એણે વૈભવીને નજીક ખેંચી.

વૈભવી અનાયાસ ખેંચાઈ આવી. અભયે એની આસપાસ હાથ લપેટીને એક પગ એના પગ પર મૂક્યો. તે હજી ઘસઘસાટ ઊંઘી જ રહ્યો હતો. નજીક ખેંચાઈ આવેલી વૈભવીએ અભયની છાતીમાં માથું નાખ્યું. એને અચાનક જ એવું લાગ્યું કે જાણે કેટલાંય વર્ષો પછી આજે એ અભયની સાથે તદ્દન નિકટતા અથવા એનું વહાલ અનુભવી રહી હતી. એ એમ જ પડી રહી, ક્યાંય સુધી ! અજબ સુખ, અજબ સંતોષની લાગણી હતી આ. જીદ કરીને કે માગીને મેળવેલી કેટલીય રાતોના શારીરિક સંતોષ કરતાં ઘણો વધારે સંતોષ, ઘણું વધારે સુખ હતું આ સ્પર્શમાં. વૈભવી બહુ જ હળવે હળવે અભયના ચહેરા પર હાથ ફેરવતી રહી અને અભય એ સ્પર્શને માણતો જાણે અંદરથી શાંત થતો હોય એમ ચહેરા પર એક અત્યંત સંતુષ્ટ સ્મિત લઈને ઊંઘતો રહ્યો...

વૈભવીનું મન અભયના પડખામાં પડ્યા પડ્યા જાત જાતના વિચાર કરવા લાગ્યું. એને પોતાના જ વીતેલા દિવસો યાદ આવી ગયા. શરૂઆતમાં જ્યારે પરણીને આવી ત્યારે આ જ અભય એને કેટલા લાડ કરતો હતો. કેટલું વહાલ કરતો હતો. વૈભવી પહેલેથી જ આવી હતી. સંતોષનો અભાવ, સતત ફરિયાદો અને દરેક વાતમાં નેગેટિવ જોવાની ટેવ. અભય એને ખૂબ સમજાવતો. વારંવાર કહેતો, ‘‘ગયેલો સમય પાછો નહીં આવે.’’ પણ કોણ જાણે કેમ, વૈભવીને એ વાત ત્યારે નહોતી સમજાતી. જાત સિવાય કશુંયે નહોતી જોઈ શકતી વૈભવી, પરંતુ આજે એને સમજાતી હતી અભયની વાત અને આજે અફસોસથી મન ભરાઈ ગયું હતું, પણ જેમ અભયે કહ્યું તેમ આજે મોડું થઈ ગયું હતું. હવે વૈભવી કંઈ પણ કરે, જે પરિસ્થિતિ હતી તેમાં કોઈ જ ફેરફાર થઈ શકે તેમ નહોતા...

અભયની છાતી પર માથું મૂકીને સૂતેલી વૈભવી આજે અભયના સ્પર્શમાં જે હૂંફ અનુભવી શકતી હતી એ હૂંફ એને લગ્નજીવનનાં શરૂઆતનાં વર્ષોમાં નહોતી અનુભવી શકાઈ, કદાચ !

‘‘માણસો તો એના એ જ હોય છે, માત્ર એને જોવાની દૃષ્ટિ બદલાતી હોય છે.’’ વૈભવી અભયના ચહેરા સામે જોઈ રહી હતી, ‘‘આ જ અભય સામે કેટલા વાંધા હતા મને ! દરેક વખતે એના નાના નાના વર્તન સામે કેટલો આક્રોશ, કેટલો રોષ હતો... અને છતાંય એ વખતે એ મારો હતો, પૂરેપૂરો મારો. આજે જે અભય મારો નથી એ અભયના પડખામાં મને એ સુખ મળે છે જે મને આટલાં વર્ષોમાં ક્યારેય નથી મળ્યું...’’

વિચારો ખંખેરીને વૈભવી ઊઠવા જતી હતી, પરંતુ અભયે એને જોરથી પકડી રાખી. બે છોકરાની મા વૈભવી જિંદગીના ચાર દાયકા પછી જાણે પહેલી વાર પોતાના પતિનો કે પુરુષનો સ્પર્શ પામતી હોય એમ શરમાઈ ગઈ. અભયની થોડી વધુ નજીક ખસી એ પણ અભયને હાથ લપેટી ક્યાંય સુધી એમ જ પડી રહી...

અને નીચે વસુમાનો અવાજ ગૂંજતો રહ્યો, ‘‘હરિને ભજતા કોઈની લાજ જતા નથી જાણી રે...’’

શ્રીજી વિલાના ટેલિફોનની રિંગ વાગી રહી હતી. ખાસ્સી વાર રિંગ વાગી પછી વસુમાને ખ્યાલ આવ્યો કે હવે ઘરમાં જાનકી કે અજય નથી... વૈભવી ઉપર સૂતી હશે અને લજ્જા કોલેજ ગઈ હશે... ફોન લે એવું ઘરમાં કોઈ નથી હવે.

એટલે એ ઊભાં થયાં અને ફોન લેવા અંદર ગયાં.

‘‘મા...’’

‘‘અંજુ બેટા !’’ વસુમાના અવાજમાં વહાલ છલકાઈ રહ્યું, ‘‘કેટલા દિવસે ફોન કર્યો, ક્યાં છે તું ?’’

‘‘એ વાત છોડ, મેં તને એક ગુડ ન્યૂઝ આપવા ફોન કર્યો છે.’’

‘‘બોલ... મેડિકલ રિપોર્ટ આવી ગયો ?’’

‘‘અરે મા, હજી વાર છે.’’ અંજલિ શરમાઈ હશે એવું અહીંથી વસુમા અનુભવી શક્યાં, ‘‘તને તો એક જ વિચાર આવે છે. એ સિવાય કોઈ ગુડ ન્યૂઝ જ ન હોઈ શકે ?’’

‘‘મને તો બીજો વિચાર નથી આવતો, તું જ કહી દે.’’

‘‘બાપુનો ફોન હતો... તને ક્યારના ફોન કરે છે, પણ તું ફોન લેતી જ નથી.’’

‘‘અરે ! અહીં તો રિંગ સંભળાઈ જ નથી.’’ વસુમાને ખ્યાલ આવ્યો કે રિંગ ક્યારની વાગતી હશે પણ સંભળાઈ નહીં, ‘‘બધું બરાબર તો છે ને ? અજય-જાનકી...’’

‘‘મોમ... મારી મા... બાપુ આવે છે. પરમ દિવસે...’’

‘‘શું ?’’ વસુમાને પોતાના કાન પર વિશ્વાસ ના થયો, ‘‘પણ એમની તબિયત...’’

‘‘તબિયત સારી છે.’’ અંજલિ હસી, ‘‘અને અહીં આવીને એકદમ સારી થઈ જશે.’’

‘‘પણ બેટા...’’

‘‘પણ ને બણ... પરમ દિવસે વહેલી સવારે ઊતરશે અહીંયા.’’

‘‘સારું.’’ વસુમાને જાણે હિમાલયના શિખરને સ્પર્શ્યાં હોય એવી ઠંડકનો અનુભવ થયો.

‘‘શું સારું ? મને તો એમ કે તું એક્સાઇટ થઈ જઈશ, ખુશ થઈ જઈશ, પણ તું તો...’’

‘‘શું કરું ?’’ વસુમા પણ હસી પડ્યાં, ‘‘કૂદકા મારું ? ગીતો ગાઉં?’’ પછી હસતાં હસતાં એમણે ગાઈ જ નાખ્યું, ‘‘ઘર આયા મેરે પરદેસી...’’

મા-દીકરી બંને ખડખડાટ હસી રહ્યાં હતાં અને વસુમાએ હળવેથી આંખને ખૂણે આવેલાં પાણીનાં બે ટીપાં લૂછી નાખ્યાં.

ફોન મૂકીને એ પોતાના ઓરડામાં ગયાં અને મંદિરની સામે બેસી ગયાં. હજી હમણાં જ કરેલી પૂજાનો દીપક ત્યાં પ્રજ્વલિત હતો... તાજાં ચડાવેલાં પારિજાતનાં ફૂલની સુગંધ હજુ અકબંધ હતી...

‘‘કાના, આટલાં વર્ષો તને કરગરતી રહી ત્યારે મારું કંઈ સાંભળ્યું નહીં તેં... અને કહેવાનું મૂકી દીધું ત્યારે વગર માગ્યે બધું આપવા માંડ્યું ?’’ એમની આંખોમાં અપાર કરુણા અને શ્રદ્ધા ઝળકી રહ્યા હતા. સાડા છ વાગ્યાની સવારનું ઝાંખુ અજવાળું અને સામેના પ્રજ્વલિત દીપની પીળી રોશની એમના ચહેરાને એક અજબ આભા આપી રહ્યા હતા.

વસુમાએ આંખો મીંચી અને હાથ જોડ્યા, ‘‘મારા વહાલા, જ્ઞાનેશ્વરે સોળમે વર્ષે જે વરદાન માગ્યું એ મારે આજે માગવું છે... જેને જે જોઈએ તેને તે મળે...’’ એમની બંધ આંખોમાં વીતેલાં કેટલાંય વર્ષો ઝળહળી રહ્યાં હતાં, ‘‘મારે હવે મારા માટે કંઈ નથી માગવું. મને તો તેં બધું જ આપ્યું. માગ્યું તે પણ અને ન માગ્યું તે પણ...’’ વસુમાની આંખો સામે વૈભવીનો, પ્રિયાનો, અજયનો, લક્ષ્મીનો, અલયનો, શ્રેયાનો અને એમની નવાઈ વચ્ચે અનુપમાનો ચહેરો પણ આવીને ચાલી ગયા...

‘‘કાના, હવે સૌને સૌનું સુખ મળે એટલું કરજે...’’ અને એમની બંધ આંખોમાંથી આંસુની ધાર નીકળી, ‘‘અને જેને જે મળે એટલામાં જ એનું સુખ સમાઈ રહે એવું એનું મન કરજે... તું તો બધું જાણે છે. તારી સામે જ્યારે હાથ જોડ્યા છે ત્યારે આભાર માનવા જોડ્યા છે... આજે ફરી એક વાર તારો આભાર માનું છું... જે વીત્યાં તે વર્ષો માટે તો ખરો, પણ જે વીતવાનાં છે એ વર્ષો માટે પણ !’’

એમણે હોઠ ફફડાવ્યા,

‘‘સર્વે જનાઃ સુખીન ભવન્તુ સર્વે સન્તુ નિરામયા,

સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમ આપ્નવેત.’’

રેટ કરો અને રિવ્યુ આપો

Jigneshkumar Suryakant Dabhi

Jigneshkumar Suryakant Dabhi 4 અઠવાડિયા પહેલા

Jigna

Jigna 5 માસ પહેલા

Swati Bhuskute

Swati Bhuskute 6 માસ પહેલા

Nimisha Patel

Nimisha Patel 12 માસ પહેલા

Jagdishbhai Kansagra

Jagdishbhai Kansagra 2 વર્ષ પહેલા