Kokilkanth aneGheghur Awajnu Rahasy Shun - Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

કોકિલકંઠ અને ઘેઘૂર અવાજનું રહસ્ય શું? – દિવ્યેશ ત્રિવેદી

‘કિનારા’ ફિલ્મનું ગીત ‘નામ ગુમ જાયેગા’ તો સાંભળ્યું જ હશે. લતા મંગેશકર સિત્તેર વર્ષની ગાયન કારકિર્દી પછી પણ આ ગીતની ‘મેરી આવાઝ હી પહેચાન હૈ’ પંક્તિને છેક તાર-સપ્તક સુધી કઈ રીતે લઈ જઈ શકતી હશે? એવી જ રીતે અમિતાભ બચ્ચનનો વર્ષો પહેલાનો ‘મે ઓર મેરી તનહાઈ’નો મોનોલોગ સાંભળીએ અને ‘લગાન’ ફિલ્મનો ઉપોદ્ઘાત સાંભળીએ ત્યારે પણ એવો જ સવાલ થાય કે આટલા વર્ષો પર્યંત અમિતાભે આવો ઘેઘૂર અને માદક અવાજ કઈ રીતે જાળવ્યો હશે? કદાચ અવાજના આ જાદુ માટે કુદરતનો આભાર માનવાનું મન થાય, પણ કુદરત આટલા વર્ષો સુધી અવિરત કૃપા વરસાવતી જ રહે એવું શક્ય નથી તો પછી આવા કોકિલકંઠ અને ઘેઘૂર અવાજનું રહસ્ય શું?

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે લતા મંગેશકર અને અમિતાભ બચ્ચન ઉપરાંત અવાજની દુનિયાના આવા બીજા જાદુગર ‘લેરીંગોલોજી’ એટલે કે ‘સ્વરશાસ્ત્ર’ તરીકે ઓળખાતા વિજ્ઞાનનો સહારો લે છે. ‘સ્વરશાસ્ત્ર’નાં નિયમોનું પાલન અને સ્વરશાસ્ત્રના નિષ્ણાતની સારવારનો જ આ જાદુ છે. ભારતમાં આ વિજ્ઞાનનું ચલણ છેલ્લા ૨૫ વર્ષથી છે, પરંતુ વિદેશોમાં તો એનો ઘણો વિકાસ થયો છે. જેમને લલિતકળા સાથે ગાઢ સંબંધ છે એવા ગાયકો, ફિલ્મ કલાકારો અને કેટલાક નાટકના કલાકારો પણ વિદેશમાં જઈને પોતાના અવાજની નિયમિત માવજત કરાવતા હતા.

તબીબી ક્ષેત્રમાં અત્યારે વિશેષીકરણ અને નિષ્ણાતીકરણનો યુગ છે. હૃદયરોગના અલગ નિષ્ણાત એવી રીતે આંખના નિષ્ણાત, આંતરડાના નિષ્ણાત, હાડકાના નિષ્ણાત અને કાન, નાક, ગળાના નિષ્ણાત હોય છે. સ્વરશાસ્ત્ર ખરેખર તો નાક, કાન અને ગળાના નિષ્ણાતનો વિષય છે, પરંતુ ઈ.એન.ટી. સર્જન તરીકે ઓળખાતી આ શાખાને તબીબોએ કાન અને નાકને જેટલું મહત્વ આપ્યું છે એટલું ગળાને આપ્યું નથી, પરંતુ હવે કદાચ એટલી હદે નિષ્ણાતીકરણ આવવાનું છે કે આંખના ડોક્ટરમાં પણ એક ડાબી આંખના અને એક જમણી આંખના નિષ્ણાત ડોક્ટર હશે. સ્વરશાસ્ત્રનું મહત્વ જે રીતે વધી રહ્યું છે એ જોતાં કાન, નાક અને ગળામાંથી ગળું અલગ પડી જાય તો નવાઈ લાગવી જોઈએ નહીં. અત્યાર સુધી તો મોટરકારની દર મહિને સર્વિસ કરવામાં આવે એ રીતે ખાસ કરીને ગાયકો અને અભિનેતાઓ જ નિયમિત પોતાના અવાજની સર્વિસ કરાવતા હતા, પરંતુ હવે બીજા લોકોનો પણ ઉમેરો થતો રહ્યો છે.

ભારતમાં સ્વરશાસ્ત્ર હવે ઘણું સારી રીતે વિકસી રહ્યું છે. પહેલાં મોટા ભાગના લોકો એનાથી અજાણ હતા. ડોક્ટર પાસે આવનાર દર્દીઓમાં પણ કાન અને નાકના દર્દીઓની સંખ્યા વધુ રહેતી હતી. છતાં આપણે ત્યાં હજુ સ્વરશાસ્ત્રની માંગ એટલી બધી વધી નથી. મુંબઈના ડોકટર પાસે સરેરાશ રોજની બે નવી વ્યક્તિઓ આવે છે. મુંબઈની નાણાવટી હોસ્પિટલના નાક, કાન અને ગળાના નિષ્ણાત ડોક્ટર આર. એમ. વાટે ઈન્ડિયન સોસાયટી ઓફ ‘લેરીંગોલોજી’ની સ્થાપના કરી છે. એમના કહેવા મુજબ અત્યાર સુધી અવાજ અને ગળું બંને એક જ કક્ષામાં આવતા હતા, પરંતુ હવે નિષ્ણાત તબીબોએ અવાજને અલગ ક્ષેત્ર તરીકે વિકાસ કર્યો છે. હા, અવાજની ખૂબીઓ ધીમે ધીમે સમજાતી જાય છે. વિશ્વમાં કોમ્પ્યુટર ક્ષેત્રના માંધાતા ગણાતા બિલ ગેટ્સ પોતાના ઘરે ડૉરબેલ રાખતા નથી. એમના દરવાજાને અવાજને ઓળખી કાઢનારા સાધનથી સજ્જ કરવામાં આવ્યો છે. આ દરવાજો બિલ ગેટ્સનો અવાજ સાંભળીને જ ખુલી જાય છે, એનો અર્થ એ કે થોડા સમય પછી દરવાજાને તાળું નહીં મારવું પડે.

સ્વરશાસ્ત્ર માત્ર ગાયકો કે અભિનેતાઓને જ મદદરૂપ થઈ શકે એવું નથી. ઘણા માણસોને અવાજની જુદી જુદી તકલીફ હોય છે. આવી તકલીફો સ્વરશાસ્ત્રની મદદથી દૂર કરી શકાય છે. દાખલા તરીકે પંદર વર્ષના છોકરાનો અવાજ સ્ત્રૈણ હોય તો ‘ક્યુબોફોનિયા’ તરીકે ઓળખાતી આ તકલીફને સ્વરશાસ્ત્રની મદદથી નીવારી શકાય છે. એવી રીતે શિક્ષકોને સતત બોલવું પડતું હોય છે આથી એમની સ્વરપેટી પરની ગાંઠમાં સોજો આવે છે, આવા શિક્ષકોને પણ સ્વરશાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે.

લતા મંગેશકરે એમના પિતાના જ્ઞાનને જોઈને પૂણે ખાતે માસ્ટર દિનાનાથ મંગેશકર હોસ્પિટલ બંધાવી છે. આ હોસ્પિટલમાં વોઈસ ડિસઓર્ડર ક્લિનિક પણ ચલાવવામાં આવે છે. આ ક્લિનિકમાં એક વાર ૭૧ વર્ષના એક વૃધ્ધ આવ્યા. એમને તકલીફ એ હતી કે એમના સ્વરતંતુઓને લકવાની અસર થઈ હતી. એમનો દીકરો અમેરિકામાં રહેતો હતો અને દર રવિવારે ટેલિફોન કરતો હતો પરંતુ આ વૃદ્ધ દીકરા સાથે વાત કરી શકતા ન હતા. એવી જ રીતે એક યુવક કોઈક હોટલમાં ગાવાની નોકરી કરતો હતો એનો અવાજ જાડો થઈ ગયો હતો અને એથી એને નોકરી ગુમાવવી પડે એવા સંજોગો ઉભા થયા હતા. પેલા વૃદ્ધ અને આ યુવકને વોઈસ ડિસઓર્ડર ક્લિનિકમાં આવવાથી ઘણો ફાયદો થયો. આ ઉપરાંત પણ હવે ટેલિફોન ઓપરેટરો અને સેક્રેટરી તરીકે કામ કરતા લોકો સ્વરશાસ્ત્રની મદદ લેવા આવવા માંડયા છે. અવાજની સમસ્યા હદ બહાર વકરે ત્યારે વોઈસ ક્લિનિકમાં જવાથી બહુ ફેર પડતો નથી. ઘણા શિક્ષકોના કિસ્સામાં આવું બને છે. ઘણા લોકો તો માત્ર શોખ ખાતર જ અવાજ સુધારવા માટે વોઈસ ક્લિનિકમાં પહોંચી જાય છે. ઝડપથી આગળ વધી રહેલી મોડેલ છોકરીઓ પણ વોઈસ ક્લિનિકની મદદ લેવા માંડી છે.

વોઈસ ક્લિનિકમાં નિષ્ણાત તબીબો હવે તો ઘણા આધુનિક સાધનોનો ઉપયોગ કરવા માંડ્યા છે. તેઓ એવું એક ઓડિયો રેકોર્ડર વાપરે છે કે જે અવાજને રેકોર્ડ કરી લે છે અને અવાજની તકલીફનું નિદાન કરવામાં મદદરૂપ થાય છે. આ સિવાય પણ ‘ફાઇબર ઓપ્ટિક લેટિંગો સ્કોપ’, ‘વિડિયો સ્ટ્રોલોસ્કોપ’, અવાજનું વિશ્લેષણ કરનાર સોફ્ટવેર ઈલેક્ટ્રોગ્રાફ, એરોમીટર વગેરેનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે અવાજનું વિશ્લેષણ કરવા પાછળ રૂપિયા ૫૦૦ સુધીનો અને વિડિયો લેરીંગોસ્કોપ પાછળ રૂપિયા ૧૦૦૦ સુધીનો ખર્ચ થાય છે. ડોક્ટર સાથે પ્રત્યેક બેઠકની કન્સલ્ટીંગ ફી અને લેસર દ્વારા શસ્ત્રક્રિયાનો અલગ ખર્ચ થાય છે. પરંતુ તેમના માટે અવાજ આજીવિકાનું સાધન છે એમના માટે આવો ખર્ચ કોઈ વિસાતમાં નથી. અવાજમાં જાદુ હોવો એ કદાચ કુદરતની કૃપા હોઈ શકે, પરંતુ એ જાદુ ને જાળવી રાખવા માટે તો જાતે જ કાળજી લેવી પડે.

બીજા રસપ્રદ વિકલ્પો