ડોશીમાઁનાં જામફળ Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડોશીમાઁનાં જામફળ

"લે છોકરા, હરિતા માટે પણ જામફળ તોડતો જાજે........"છેલ્લી પંદર મિનિટમાં મંજૂ માઁએ ચોથી વાર તન્મયને કહ્યું હતું.
ગામ માટે મંજૂ ડોશી પણ તન્મય માટે એ મંજૂમાઁ હતા. આજે કદાચ આઠ-દસ વર્ષે પછી એ મંજૂમાઁને મળ્યો હતો. આંખોમાં હજી એજ તેજ હતું, જે આજથી વર્ષો પહેલાં જોયેલું. પણ શરીર હવે નબળુ પડી ગયું હતું, કદાચ ઉંમરની અસરના હતી. પરંતુ અવાજ હજી પહેલા જેવો જ હતો, ઘેરો, ઘુંટાયેલો અને વહાલથી ભરપૂર, પણ ઉંમરના કારણે થોડો અટકીને આવતો હતો. હવે તેમના માથે પેલો રાતો મોટો ચાંલ્લો નહતો, નાકમાં દાણો કે કાનમાં એ જૂના જમાનાનાં બુટીયા પણ નહતા. ગામડાની પરંપરા પ્રમાણેની જ સાડી પહેરી હતી. આંખોમાં એક ખાલીપો જરૂર હતો, આ ઉંમરે જીવનસાથીને ખોવાનો, પણ વ્યક્તિત્વ એવુંને એવું જ જાજરમાન હતું.

આજે હીરજી કાનજી અને તન્મયના હીરજી બાપાનું બેસણું હતું. આમ તો તન્મયને બેસણામાં જવાનું નહતું, પણ અચાનક ગામડામાં આવેલી તેમની વાડીનું કંઈક કામ નીકળી આવતા તે પણ તેના પિતા સાથે હીરજી બાપાના બેસણામાં ગયો હતો. હીરજી બાપા નેવું વર્ષે સ્વર્ગ સિધાવ્યા હતા.

હીરજી બાપા અને મંજૂ માઁના લગ્ન ક્યારે થયા, એ તો તન્મયને ખબર નહતી પણ તેના અંદાજે સાત - આઠ દાયકા તો થયા જ હતા. તેમને કોઈ સંતાન નહતું, જીંદગીના દરેક સુખદુઃખ, તડકી છાયડીમાં તે બન્ને જ એકબીજાના સાથી હતા. તન્મયને એક ક્ષણ માટે મનમાં વિચાર આવી ગયો, કોઈ માણસ જીંદગીના આટલા વર્ષો એકબીજા સાથે કેમ વિતાવી શકે? હજી ગઈકાલે રાત્રે જ તેના તેની ગર્લફ્રેન્ડ સાથે નાનકડી વાતને લઈ અબોલા થયા હતા.

હવાની અચાનક આવેલી એક લહેરખીથી થયેલા પાંદડાના સરસરાટને કારણે તન્મયથી અનાયાસે જ પાછળ જોવાઈ ગયું. તેની નજર એક જ જગ્યાએ સ્થિર થઈ ગઈ. વર્ષો પુરાણા બાળપણના ભેરુને જોઈને થાય એવી લાગણી એવી ખુશી એના દિલમાં છવાઈ ગઈ. ના, એ તેનો કોઈ જુનો મિત્ર કે ઓળખીતી વ્યક્તિ નહતી, તે હતું જામફળનું એક વૃક્ષ. એ ઝાડની ડાળીઓ ખતમ થતી હતી, છતાં તેને જાણે આસપાસના દરેક વ્યક્તિને છાંયડો આપવો હોય એમ તેનો પડછાયો સમી સાંજે લંબાતો હતો. ચોમાસાના કારણે તેના પાંદડા હજી કાલ જ તે જાણે નાના છોડમાંથી લબરમુંછીયોં જુવાન બન્યા હોય , એમ લીલા રંગે ચમકતા હતા. એ વૃક્ષ કેટલું જૂનું હશે, એ તન્મયને ખબર નહતી, પરંતુ તેને યાદમાં હતું ત્યારથી અત્યાર સુધીમાં એ ઝાડનો આકાર કે કદ ખાસ બદલાયા નહતા.

જામફળના ઝાડને જોયા પછી તન્મયની નજર ચારેકોર ફરી. એટલા વર્ષે પણ એ વાતાવરણ તેને પોતીકું લાગ્યું. એજ પતરાનો વિશાળ ડેલો, એની વચ્ચે એક માણસ જ પસાર થઈ શકે એવડી ખડકી, એજ વિલાયતી નળિયા વારું મંજૂ માઁનું ઘર, સામેની ગમાણ પાસેનો અડધા ફળિયાને ભાદરવામાં ટાઢક ને શિયાળામાં હૂંફ આપતો વિશાળ વડલો, એજ ધૂળિયું ફળિયું અને એજ કાબર, ચકલાઓ અને લૈંલાઓનો કલબલાટ. કશું જ બદલ્યું નહતું, એવું પણ નહતું. એટલા વર્ષોમાં તો ગોકુળ મથુરાનો કાનો પણ દ્વારકાનો શ્રીકૃષ્ણ થઈ ગયો હતો,તો આ તો એક નાનકડું ફળિયું હતું. પહેલાં એ ફળિયાનો વિસ્તાર નાનો હતો, પણ અત્યારે એ વિશાળ ભાસતું હતું. ગામડામાં જેને વાડો કહે એ મંજૂમાઁનાં વાડા અને ફળિયા વચ્ચે પહેલા એક દિવાલ હતી, જેને તોડી ફળિયું અને વાડો અત્યારે એકજ કરી દેવાયા હતા.

શહેરમાં જઈ વસ્યા પછી ખેતીના કોઈ કામ સિવાય તન્મયને ગામડે જવાનાં ખાસ પ્રસંગ બનતા નહીં. છતાં આજે આ બધું જોઈ તેને મનમાં એક લાગણી થતી હતી. કેમ થતી હતી? એ ખબર નહતી પડતી. જન્મભૂમિ પર કેટલાય વર્ષો પછી જઈએ કે કેટલાય પણ દૂર હોઈએ એની માટીની મહેક ભૂલાતી નથી. એટલે જ રામે લક્ષ્મણને કહ્યું હતું, "જનની જન્મભૂમિશ ચ, સ્વર્ગાદપિ ગરીયસિ". કદાચ એટલે જ રામને સોનાની લંકા કરતા અયોધ્યાની માટી વધારે પ્રિય હતી.

હરીફરીને તન્મયની નજર મંજૂ માઁ અને જામફળના ઝાડ પર જતી હતી. તેને સમજાતું નહતું કે જામફળના ઝાડના કારણે મંજૂ માઁ પ્રત્યે લાગણી હતી, કે મંજૂ માઁનાં કારણે જામફળના ઝાડ પ્રત્યે.

તન્મયન નાનો હતો ત્યારે ગામડે તેના દાદા દાદી પાસે વેકેશનમાં આવે ત્યારે પહેલા મંજૂ માઁના ઘરે જતો, પછી પોતાના દાદા દાદી પાસે. મંજૂ માઁ પણ જાણે તેના આવવાની જ વાટ જોતા હોય એમ, તે આવે એટલે તરત જામફળી પરથી પાક્કા લાલ ઘરેબ વારા મીઠ્ઠા જામફળ હાથે તોડી ખવડાવતા.

મંજૂ માઁને કોઈ સંતાન નહતા. તન્મયના દાદી તેમના ખાસ બહેનપણી હતા. એટલે કદાચ તેમને તન્મય અને તેની નાની બહેન હરિતા પ્રત્યે વધારે જ લાગણી હતી. એટલે જ કદાચ સ્વચ્છતાના આગ્રહી એવા મંજૂ માઁ તે ભાઈ બહેનને ધૂળવાળા પગે ઘરમાં ફરવા દેતા, ફુલ પાંદના રંગોથી એ ધોળા ચુને રંગાયેલી કાચી ભીંત શણગારવા દેતા, સૂડાને પણ કાચા જામફળ ન અડવા દેતાં એ ડોશી આ બાળકોને રમવા જાતે જ કાચા જામફળ તોડી આપતા, ગામ માટે જે ફ્રિજનો કડક બરફ હતા, તે આ બાળકો પાસે હિમાલયમાં થતી બરફ બરફવર્ષાના રૂ જેવા પોચા, કોમળ થઈ જતાં.

વાતવાતમાં તન્મયને ખબર પડી કે મંજૂ માઁ હવે અહીં રહેવાના નથી. તેમને કોઈ સંતાન તો હતું નહીં અને ગામમાં કોઈ સગું પણ નહતું. આથી અહીંની બધી માલ મત્તા વેંચી તેઓ બીજે ગામ, તેમના કોઈ દૂરના સગાને ત્યાં રહેવા જવાના હતા. સંભવત તન્મયની તેમની સાથે આ આખરી મુલાકાત હતી.

સાંજ ઢળી ગઈ હતી, અંધારું થવા આવ્યું હતું. તન્મયે મંજૂ માઁનાં ડેલાની બહાર પગ મૂક્યો ત્યારે જાણે ઘણી બધી યાદો, જે પોતે ભૂલી ગયો હતો સાથે લઈને જતો હતો. શહેરની વ્યસ્ત જીંદગીમાં તેના બાળપણની આ યાદો જાણે વિસરાય જ ગઈ હતી,મગજના એક ખૂણામાં ઢબૂરાઈ ગઈ હતી. પરંતુ આજે તેમને ફરીથી બહાર આવવાનો, જીવંત થવાનો મોકો મળ્યો હતો. બાળપણનું તો બધું યાદ નહતું, પણ આજે જોયેલું હવે ભૂલાવાનું નહતું.

ડેલા બહાર નીકળી ડેલાની ખડકીમાંથી તન્મયે છેલ્લી મંજૂમાઁ નાં ફળિયામાં નજર નાખી. અહીંથી ફક્ત મંજૂ માઁ દેખાતા હતા, પણ તેના ભેરૂ જેવી જામફળી નહીં. આ ફળિયા સાથે તેના અન્નજળ કદાચ પૂરા થઈ ગયા હતા, મંજૂ માઁનાં ગયા પછી તે કદાચ ફરી કદી આ ફળિયામાં આવવાનો નહતો. એવું નહતું કે કોઈ તેને અહીં આવતા રોકવાનું હતું, પણ મંજૂ માઁ વિનાનું એ ફળિયું તન્મય માટે કલ્પનામાં પણ શક્ય નહતું. તન્મય માટે મંજૂમાઁ વિનાનું ફળિયું જીવ ગયા પછીના નિષ્પ્રાણ દેહ જેવું હતું. જેને હાથ પગ, ધડ માથું બધુ જ હતું, છતાં કંઈ નહતું.