chernobyl - webseries review books and stories free download online pdf in Gujarati

ચેર્નોબિલ - વેબસીરીઝ રીવ્યુ

હેલ્લો મિત્રો. કેમ છો? મજામાં?
આજે એક વેબ સીરીઝનો રિવ્યૂ હાજર છે.

નામ:- ચેર્નોબિલ


કાસ્ટ :- જેરડ હેરીસ, સટેલન સ્કારસગાર્ડ, એમિલી વોટસન, જેસ્સી બકલેય, પોલ રીટર, કોન ઓ નાઈલ, બેરી, રાલ્ફ ઇન્સન.

નિર્દેશક :- જ્હોન રેન્ક

IMDb રેટિંગ :- 9.4/10

ચેર્નોબિલ 2019 માં આવેલી HBO પર રીલિઝ થયેલી હિસ્ટોરીક ડ્રામા સીરીઝ છે. જે 1986 માં તે સમયના સોવિયત યુનિયન(હાલનું રશિયા )ના ચેર્નોબિલમાં આવેલા વ્લાદીમીર લેનીન પાવર પ્લાન્ટમાં થયેલા પરમાણુ વિસ્ફોટની સત્ય ઘટના પર આધારિત છે.

સીરીઝની શરૂઆત થાય છે, જ્યારે વૈજ્ઞાનિક વેલેરી લેગાસોવ, જે ચેર્નોબિલ દુર્ઘટના તપાસ સમિતિનો વડો હોય છે, આત્મહત્યા કરે છે. અને સમય હોય છે 1988 એટલે કે ચેર્નોબિલ દુર્ઘટનાના બરાબર બે વર્ષ પછીનો. ત્યારબાદ સ્ટોરી ફ્લેશબેકમાં ચાલે છે.

વર્ષ 1986 નું, સ્થળ હાલના યુક્રેન અને તે સમયના સોવિયત યુનિયનનું પ્રિપયાત નગર. ફાયર ફાઇટર વેલીસીની પ્રેગ્નનટ પત્ની લ્યુડમિલા ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટના રિએક્ટર 4 માં વિસ્ફોટ થતો જોવે છે. રિએક્ટર ચારના કંન્ટ્રોલ રૂમમાં ડ્યેટલોવ નામનો અધિકારી રિએક્ટરની કોરમાં બ્લાસ્ટ થયાનો અસ્વીકાર કરી પુરાવાના નાશનો પ્રયાસ કરે છે. ડ્યેટલોવ તથા બીજા અધિકારીઓ એમજ માને છે કે વિસ્ફોટ પ્લાન્ટની વોટર વેસલમાથીં થયેલા હાઈડ્રોજન લીકેજના કારણે થયો છે,અને તેઓ આનાથી લાગેલી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડને બોલાવે છે.

રિએક્ટરમાં થયેલા વિસ્ફોટને કારણે ચોતરફ પરમાણુ કચરો ફેલાય છે, જેના લીધે પ્લાન્ટના કામદારો તથા ફાયર ફાઇટર્સ ARS(ACUTE RADIATION SYNDROME) નામની બિમારીનો ભોગ બને છે.

પરિસ્થિતિ કાબુ બહાર જતા મોસ્કોથી પરમાણુ વૈજ્ઞાનિક લેગાસોવને બોલાવવામાં આવે છે. લેગાસોવ સરકારને જણાવે છે કે પરિસ્થિતિ આપણી જાણ કરતા ઘણી ગંભીર છે.

સમય વિતતા પરમાણુ રેડિયેશન દુર સુધીના વિસ્તારો તરફ આગળ વધતું જાય છે. મિન્સ્કમાં રહેલી એક પરમાણુ વિજ્ઞાની ઉલાના ખોમ્યુક ત્યાં પણ રેડિયેશનની હાજરી પારખે છે અને લોકલ સત્તાધીશોને ચેર્નોબિલના ખતરા વિશે આગાહ કરે છે, પણ કોઈ તેની વાત કાને ધરતું નથી, આથી તે સ્વયં ચેર્નોબિલ તરફ રવાના થાય છે.

બીજી તરફ લેગાસોવ પ્લાન્ટમાંથી નીકળેલા ગ્રેફાઇટના ટુકડા જોઇ કોરમાં વિસ્ફોટ થયાનું પામી જાય છે, આથી રેડિયેશનની અસર ઓછી કરવા અને આગને કાબુમાં લેવા રેતી તથા બોરોનનો ઉપયોગ કરવાનું સૂચવે છે.

લેગાસોવ ઉલાનાને મોસ્કો પ્લાન્ટના અધિકારીઓ પાસે ઘટનાની જાણકારી લેવા મોકલે છે, પરંતુ તેને સહકાર મળતો નથી. પણ ત્યારબાદ તેમને જાણ થાય છે કે પ્લાન્ટની નીચે આવેલી જગ્યામાં વેસલ(ટાંકી)માથીં લીક થયેલું પાણી ભરેલું છે અને જો રિએક્ટરની ગરમી તેના સુધી પહોંચી ગઈ તો બહુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આથી તેઓ પંપ ગોઠવી યેનકેન પ્રકારે પાણી બહાર કાઢે છે.

પરંતુ ત્યારબાદ ન્યુક્લિયર મેલ્ટડાઉનના કારણે રેડિયેશન ભૂગર્ભ જળ સુધી પહોંચવાનો ખતરો ઉભો થાય છે આથી લેગાસોવ ત્યાં હિટ એક્ક્ષેન્જર ગોઠવવાનું સૂચવે છે, જેના માટે તુલાની કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોને વિપરીત પરિસ્થિતિમાં કામે લગાડાય છે. અને ટનલ દ્વારા હિટ એક્ક્ષેન્જર ગોઠવવામાં આવે છે.

ઉલાના ફરીથી હોસ્પિટલમાં પ્લાન્ટના કર્મચારીઓની મુલાકાત લે છે, જ્યાં તેને જાણવા મળ્યું કે પ્લાન્ટને શટ ડાઉન કર્યા બાદ વિસ્ફોટ થયો હતો જે અશક્ય જણાતી વાત હતી. પરંતુ કેટલાક કારણોસર ઉલાનાની કે. જી. બી(રશિયન જાસૂસી સંસ્થા ) દ્વારા ધરપકડ કરવામાં આવે છે, જેને ત્યારબાદ લેગાસોવ દ્વારા છોડાવવામાં આવે છે.

લેગાસોવની ભલામણ બાદ ચેર્નોબિલની અસર હેઠળ આવતા વિસ્તારોમાંથી વસ્તી ખાલી કરાવવામાં આવે છે. તેમજ રેડિયેશનની અસર ફેલાય નહીં એ માટે તે વિસ્તારના જંગલ તથા પ્રાણીઓને પણ મારી નાખવામાં આવે છે.

પ્લાન્ટની છત પર શેલ્ટર બનાવવા માટે તેના રેડિયો એક્ટિવ પદાર્થને સાફ કરવો જરૂરી છે જેના માટે લુનાર રોવર તથા જર્મન રોબોટની મદદ લેવાય છે, પરંતુ તેઓ સફળ થતાં નથી. આથી છેવટે આર્મીની મદદથી આ કામ પૂર્ણ કરવામાં આવે છે.

ઈન્ટરનેશનલ એટમીક એનર્જી એજન્સીમાં સોવિયત રશિયા વિરુદ્ધ તપાસ ચાલે છે, જેમાં દુર્ઘટના માટે પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓને દોષિત ઠેરવવામાં આવે છે.

પરંતુ આ જ અરસામાં ઉલાનાને જાણ થાય છે કે આવી જ ઘટના 1975 માં લેનીનગ્રાદમાં આવેલા પ્લાન્ટમાં થઈ હતી, જેને કે. જી. બી દ્વારા દબાવી દેવામાં આવી હતી. ઉલાના લેગાસોવને આ વિશે જણાવે છે અને કહે છે કે ભૂલ પ્લાન્ટના અધિકારીઓની નથી પરંતુ પ્લાન્ટની ડિઝાઇન અને કામગીરીમાં છે. જેને કેટલાક કારણોસર છુપાવવામાં આવી તથા સુધારવામાં આવતી નથી.

સોવિયતમાં દુર્ઘટના માટે પ્લાન્ટના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ અદાલતી ખટલો ચલાવવામાં આવે છે, જ્યાં લેગાસોવ, ઉલાના અને બોરીસને તેમના વિરુદ્ધ ગવાહી દેવા માટે કહેવાય છે, પરંતુ લેગાસોવ સચ્ચાઈ બધાની સામે રાખે છે, જેની સજારૂપે તેને બધાથી અલગ થલગ કરી દેવામાં આવે છે. અને તોપણ સત્ય તો કે.જી.બી છુપાવે જ છે.

હવે, વાત કરીએ અભિનયની તો લગભગ બધા કલાકારોએ પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે. પરંતુ અહીં મહત્તા અભિનય કરતા નિર્દેશન અને સ્ટોરીની વધારે છે, કારણ કે આ એક સત્ય ઘટના પર આધારિત કહાની છે, આથી તમે વાર્તામાં વધારે છુટછાટ લઈ શકતા નથી.

છતાપણ અમુક જગ્યાએ સર્જનાત્મકતા છુટછાટ લેવામાં આવી છે, જેમકે ઉલાના ખોમ્યુકનું પાત્ર સંપૂર્ણપણે કાલ્પનિક છે,જેને એ બધા વૈજ્ઞાનિકોના પ્રતિક રૂપે દેખાડાયું છે જેઓ સરકારની વિરુદ્ધ અને પ્લાન્ટની ડિઝાઇન સુધારવાના પક્ષમાં હતા.

ડાયેક્શનનું બીજું મહત્વનું પાસું હોય તો સ્ટોરી કહેવાની કળા, શૂટિંગ માટેના સ્થળની પસંદગી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક. જે કાર્ય ડાયરેક્ટર જ્હોન રેન્કે બખૂબી નિભાવ્યું છે.

સીરીઝમાં સંવાદ બોલવા માટે રશિયનના સ્થાને પૂર્વી યુરોપિયન શૈલીનો ઉપયોગ કરાયો છે, કારણ કે રશિયન શૈલીમાં બોલવામાં થયેલી નાની અમથી ભૂલ પણ સંવાદને એ શૈલી ન જાણતા લોકો માટે રમુજી બનાવી શકે છે.

તથા સીરીઝમાં અમેરીકન કલાકારોને પણ લેવામાં નથી આવ્યા, કેમકે રશિયા અને અમેરિકાના સંબંધની છાંટ કલાકારોના વર્તન અને અભિનયમાં દેખાયા વગર રહેવાની નથી. આમ નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

શૂટિંગ માટેના સ્થળોની પસંદગી પણ ખૂબ જ ચોક્કસાઈથી કરવામાં આવી છે, જેમકે પ્રિપયાત નગર તરીકે લિથુઆનિઆનું વિલનુઈસ શહેર ફિલ્માવવામાં આવ્યું છે, જે પ્રિપયાત શહેરની પોટ્રેટ તસવીર જેવું છે,અને દેખાવે તે ટિપીકલ રશિયન શહેર જ લાગે, કેમકે લિથુઆનિઆ પણ ક્યારેક સોવિયત રશિયાનો ભાગ હતું અને પ્રિપયાત તથા વિલનુઈસ બન્ને શહેરની બાંધણીમાં ઘણું સામ્ય જોવા મળે છે. તો પાવર પ્લાન્ટ તરીકે લિથુઆનિઆના વિસાગિનાસ પાવર પ્લાન્ટને ફિલ્માવવામાં આવ્યો છે, કેમકે તેની અને ચેર્નોબિલ પાવર પ્લાન્ટની રચના લગભગ સરખી જ છે.

અમુક સ્થાને શબ્દોની જગ્યાએ ફક્ત દ્રશ્યો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વડે સંવાદ આગળ વધારાયો છે, જે કબિલે તારીફ છે. જેમકે એક સીનમાં લેગાસોવ ખૂબજ ટેન્શનમાં હોય ત્યારે સિગરેટના ઠૂઠા ભરેલી એશટ્રે અને ફકત બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એ સિવાય એકપણ સંવાદ નહીં છતાં તે પરિસ્થિતિ બખૂબી રજૂ કરે છે. તો બીજા એક દ્રશ્યમાં જ્યારે આર્મી રેડિયેશનની અસરવાળા વિસ્તારમાં પ્રાણીઓને મારવા માટે જાય છે ત્યારનું છે. એ ટુકડીમાં એક નવો છોકરો હોય છે, જેને એક ઘરમાં એક કૂતરી સાથે તેના બચ્ચાં મળી આવે છે, પરંતુ તે એમના પર ગોલી ચલાવવાની હિંમત કરી શકતો નથી, ત્યારે તેનો બીજો સાથી આવી તેને ઘરની બહાર જવા કહે છે, અને પાછળ છે ફક્ત ગોળીઓનો અવાજ.

આવા તો ઘણા દ્રશ્યો છે, જે આપણે અંદર સુધી હચમચાવી મુકે છે.

તો સાથે જ અહીં કેટલીક એવા દ્રશ્યો પણ છે, જે વાસ્તવિકતા સાથે ફિટ નથી બેસતા, જેમકે લેગાસોવ અને બોરીસ વારંવાર મોસ્કોથી પ્રિપયાત હેલિકોપ્ટરમાં આવ-જા કરે છે, જે તેમનું ભૌગોલિક અંતર જોતા શક્ય નથી.

તો એક સીનમાં બોરીસ લેગાસોવને હેલિકોપ્ટરમાંથી નીચે ફેંકવાની વાત કરે છે, જે તદ્દન ઉપજાવેલી વાત છે, વાસ્તવિકતા સાથે તેને કંઈ જ લાગતું વળગતું નથી.

સાથે હેલિકોપ્ટર ક્રેશની વાત સાચી છે, પરંતુ તે ઘણા સમય બાદ થયું. અહીં દેખાડાયું છે એ સમયે નહીં.

આવીજ રીતે અહીં જે પ્રાણીઓને મારવાના સીન આવે છે, તે વધારે હાઇલાઇટ કરી દેખાડવામાં આવ્યા છે, વાસ્તવમાં પણ પ્રાણીઓને મારવામાં આવ્યા હતા, પરંતુ અહીં દેખાડવામાં આવ્યું છે એમ ઘરે ઘરે જઈને નહીં.

સાથે સ્ટોરીમાં બીજી અમુક બાબતોમાં પણ વધારો કરાયો છે, જેમકે ખાણિયાઓ ટનલ ખોદતી વખતે ગરમીના કારણે સાવ નિર્વસ્ત્ર દેખાય છે, પરંતુ હકીકતમાં તેઓ સાવ નગ્ન નહતા થયા, હા, કપડા જરૂર ઓછા પહેર્યા હતા.

તો બીજી એક હકીકત એ પણ છે કે લેગાસોવ સોવિયત દ્વારા થયેલા અદાલતી કાર્યવાહીમાં હાજર નહોતા. પરંતુ સ્ટોરીમાં દર્શકોનો રસ જાળવી રાખવા આ ફેરફાર કરવામાં આવ્યો છે.

અહીં સોવિયત સત્તા તથા પ્લાન્ટ અધિકારીઓને વિલન દર્શાવવામાં આવ્યા છે. અને તેમના પર વધારે પડતું દોષારોપણ કરાયું છે, એવું પણ ઘણા લોકોનું કહેવું છે. પણ ખેર છોડો એ રાજનીતિનો વિષય છે, અને સાચું સત્ય તો ભગવાન જાણે.

ઘણીવાર સ્ટોરી ધીમે ચાલે એવું પણ લાગે છે અને ખાસ કરીને પહેલા એપિસોડમાં. પરંતુ ત્યારબાદ સ્ટોરી તમને છેક સુધી જકડી રાખે છે.

પરંતુ આવી નાની મોટી ક્ષતિઓને બાદ કરતાં સીરીઝ એકદમ સોલીડ છે. સ્ટોરી નરેશન, લોકેશન અને સ્પેશિયલ ઇફેક્ટ્સ જોરદાર છે.

તો જેમને ઈતિહાસ અને વિજ્ઞાનમાં રસ હોય તેમને તો આ સીરીઝ એકવાર જોવી જ રહી. બાકીના દર્શકો પણ નિરાશ નહીં થાય એની ખાતરી છે.

મિત્રો, આ સીરીઝ કેવી લાગી તથા મારો આ સીરીઝની સમીક્ષાનો પ્રયાસ કેવો લાગ્યો જરૂર જણાવશો.

તથા કોઈ ક્ષતિ અથવા ભૂલ હોય તો તે પ્રત્યે ધ્યાન દોરવા નમ્ર વિનંતી.

(નોંધ :- જો કોઈને હિન્દીમાં આ સીરીઝ જોવાની ઈચ્છા હોય તો whatsapp, comment section અથવા માતૃભારતી પર msg કરી સંપર્ક કરવો. )

Divyesh Koriya

Wh no. :- 9265991971

જય હિન્દ.બીજા રસપ્રદ વિકલ્પો