unique marriage - 12 books and stories free download online pdf in Gujarati

અનોખું લગ્ન - 12

વાદ-વિવાદ

નિલય એ નેહા સાથે ના લગ્ન ની આશા છોડી દીધી હતી કારણ કે નેહા ના લગ્ન હવે બીજે નક્કી થઈ ગયા હતા. પરંતુ એક દિવસ નિલય ના ભાઈ તેના ભાભી ને આવી ને કહે છે કે એમના પિયર થી ફોન આવ્યો છે, અને ત્યાં વાત કરતાં હતા ત્યારે કંઈક ચિંતાજનક વાત હોય તેવું ભાભી ના વર્તન પર થી લાગી રહ્યું હતું.
હવે આગળ.......
આખરે ભાભી એ ફોન મૂક્યો ને બધા ને સઘળી વાત જણાવી. એ વાત જાણી હું તો જાણે ફરી જીવી ઊઠ્યો, મારી કરમાયેલી આશાઓ માં જાણે નવા અંકોર ફૂટવા લાગ્યા. હા, વાત જ કંઈક એવી હતી ને!!! નેહા ની સગાઈ તૂટી ગઈ હતી, આ જાણી ને ઘર માં બધાં જ ખૂબ દુ:ખી થયા એક મારા સિવાય. હું તો મન માં ને મન માં ખુશ થતો હતો.
મમ્મી એ ભાભી ને આમ થવાનું કારણ પૂછ્યું, ત્યારે ભાભી એ વિસ્તાર થી જણાવ્યું કે; અમારા મામા નું ગામ ને પેલા છોકરા ના મામા નું ગામ એક છે, એટલે બન્ને ભાઈ - બહેન થાય એવું ઘર ના વડીલો નું માનવું છે, અને એમના રીતિ- રિવાજ મુજબ આ લગ્ન થઈ શકે નહીં. પહેલા આ વાત કોઈ ના ધ્યાન માં ન આવી, પણ પાછળ થી જ્યારે બધાં વડીલો લગ્ન ને લઈ ને બધી ચર્ચા કરવા બેઠા હતાં ત્યારે આ બાબત ધ્યાન માં આવી. હવે લગભગ બધું નક્કી થઈ જ ગયું હતું લગ્ન માટે એટલે આ વાત ધ્યાન પર ના લેવી જોઇએ એવું બધા એ મળી નક્કી કર્યું, પરંતુ નેહા ના એક કાકા જે આ રિવાજ અને પરંપરા ને ખૂબ જ માને છે એમને આ લગ્ન નો વિરોધ કર્યો. એમની આખા પરિવાર માં ધાક હતી, કોઈ એમની વાત ટાળી શકે એમ નહોતું એટલે આખરે આ લગ્ન નહીં થાય એવો નિર્ણય લેવાયો.
ભાભી ની વાત પરથી બધા ને સઘળી વાત સમજાઈ. મને તો‌ નેહા ના કાકા પર હેત ઊભરાઈ રહ્યું હતું ભલે બધા એમને આ લગ્ન ના તૂટવા નું કારણ ગણે.
હવે મારે નેહા સાથે વાત કરી લેવી જોઇએ એવું લાગ્યું, પણ મન માં હવે એક શંકા હતી કે જો નેહા ને પેલા છોકરા સાથે જ લગ્ન કરવા હા પાડી દીધી હતી તો એ મારા પ્રત્સાવ ને સ્વિકાર કરશે???જો એ મારા પ્રત્સાવ નો અસ્વીકાર કરશે તો???, હવે આ ચિંતા મારા મનને ઘેરી વળી. હું હજું હાલ જ એક ખુશી ની વાત થી ફરી આત્મવિશ્વાસ સ્થાપી શક્યો હતો; ત્યાં જ વળી આ નવી વિળંબણા એ પેલી ક્ષણિક ખુશી ને ભૂલાવી દીધી. હવે હું કંઈ વિચારી શકતો નહોતો કે નહોતો કોઈ નિર્ણય લઈ શકું એવી હાલત માં; પણ હવે મારે નેહા જોડે વાત કરવામાં જરા પણ વાર ન કરવી જોઇએ એ હકીકત થી હું વાકેફ હતો, એટલે જ મેં હવે ભાભી જોડે વાત કરવાનું નક્કી કર્યું.
મમ્મી જ્યારે બપોરના સમયે બહાર ફળિયા માં બેસવા ગઈ, ત્યારે હું ભાભી ને મળવા ગયો. મને જોઈ ને ભાભી ને મારા જવાનું કારણ તો સમજાઈ જ ગયું હશે એટલે હું કંઈ બોલું એ પહેલાં જ એ મારી સામું જોઈ મીઠું હસ્યા. હા, મીઠું એટલા માટે કે કદાચ એમને મારા મન નો સંઘર્ષ જાણી લીધો હતો. નેહા ના સગાઈ ની વાત થી લઈ ને આજ દિવસ સુધી મારી શું હાલત હતી એ એમને ખબર હતી, એમને એ પણ જોઈ લીધું હશે કે કાલ જ્યારે ભાભી નેહા ના સગપણ તૂટી ગયા એ વાત કરી હતી; ત્યારે હું એક જ હતો જે ખુશ થયો હતો. અને એટલે જ આજે મારા માટે હું એમના આંખો માં હેત જોઈ શકતો હતો. હવે મેં વાત કરવાની શરૂ કરી. મેં ભાભી ને નેહા વિશે ની લાગણી ઓ તો પહેલાં જ જણાવી દીધી હતી. આજે મેં એમને જણાવ્યું કે મારે નેહા ને આ વાત જણાવવી છે, એનો મત જાણવો છે. મારે એની સાથે જીવન વિતાવવું છે. શું તમે મને આ કરવામાં મદદ કરશો??....
ભાભી મારી વાત સાંભળી ઘડીક વિચાર માં પડી ગયા, એમને શું વિચાર્યુ હશે એ તો ખબર નથી પણ હા એટલું કહી શકું કે એ મારી વાત સાંભળી ખુશ થયા હતા. એમને મને કહ્યું કે હું નેહા જોડે વાત કરીશ, પરંતુ મને થોડો સમય આપો કારણકે હું વાત ફોન પર નહીં એની નજર સમક્ષ કરવા માંગું છું, એના પ્રતિભાવ જોવા માંગું છું. મેં ભાભી ની વાત એક ડાહ્યા દિયર ની જેમ માની લીધી. ને હવે હું ફરી નેહા ના સમનાઓ માં ખોવાવા લાગ્યો.
આ વાત ને થોડા જ દિવસ થયા હશે ને ભાભી એ જણાવ્યું કે એમના કાકા હવે નેહા નું જેમ બને એમ જલદીથી લગ્ન લેવાય જાય એવી હઠ કરી ને બેઠા છે, કારણ કે એક વાર જે દિકરી ના લગ્ન તૂટે એના લગ્ન માટે માંગાં પણ આવવા બંધ થઈ જાય છે. ઘર ના વડિલો ને આ જ વાત સતાવી રહી છે, કે ક્યાંક આ રિતીઓ ના ભોગે નેહા ને જિંદગીભર કુવારી બની બેસવું ના પડે. એટલે હવે ફરીથી એને માટે છોકરો જોવા ની વાતો ચાલી રહી છે.
મેં ભાભી સામે જોયું. હવે એ આગળ શું કરવું જોઇએ એ જણાવે એની રાહ જોતો રહ્યો. એમને થોડા નિસાસા સાથે કહ્યું કે જો હવે આપણે ઉતાવળ કરવી પડશે. હવે હું ય ઈચ્છું છું કે નેહા જ મારી દેરાણી બને, આ સાંભળી મારા હ્રદય માં જાણે રુધિર નો નવો પ્રવાહ ચાલુ થઈ ગયો. પરંતુ મારે કોઈ પણ વાત આગળ વધે એ પહેલા નેહા ની મરજી જાણવી હતી. એટલે મેં આ વિશે ભાભી ને જણાવ્યું. ત્યારે ભાભી એ મને કહ્યું કે મારું પણ એમ જ માનવું છે પણ હવે આપણે મોડું કરીશું અને બીજે ક્યાંય વાત નક્કી થઈ જશે તો મારા થી કંઈ નહીં કરી શકાય. હા, એ વાત સાચી હતી આમેય એક વાર મોડ્યા પડવાથી શું થઈ જાય એને હું જાતે જ અનુભવી ચૂક્યો હતો તેથી હું ય માની ગયો.
બીજે જ દિવસે ભાભી એ બધી વાત ભાઈ ને જણાવી એ વખતે હું ત્યાં જ હતો, ભાઈ પહેલાં તો ગુસ્સે થયા પણ ભાભી એ એમને મનાવી લીધા. હવે મારા ભાઈ ને ભાભી એ મારા લગ્ન નેહા જોડે થાય એની જવાબદારી લીધી. ભાઈ એ અહીં મમ્મી- પપ્પા જોડે વાત કરવાનું નક્કી કર્યું ને ભાભી એ એમના પિયર માં.
મમ્મી ને તો નેહા આમેય ગમતી હતી એટલે અહીં બધા ને સમજાવતા વાર ના લાગી. પણ હા, ભાઈ ને ભાભી એ એ બંને આવું ઈચ્છે છે એવું કહી ને જ વાત કરી. ભાભી ને ત્યાં એમના કાકા જ હતા જેમને ઘણા પ્રશ્નો કર્યા, હું કોઈ નોકરી નહોતો કરતો એટલે એમને એ વાત નો વિરોધ કર્યો. પરંતુ ઘર ના બાકી ના સભ્યો દ્વારા મારા માટે હા કહેવાઈ હતી. પછી તો ભાભી જ બધી વાત કરતા ને એમને જ કાકા ને મનાવ્યા હતાં. તેથી આખરે અમારા લગ્ન ને મંજૂરી મળી. ભાભી ભાઈ અને ઘર ના બધાં ય ખુશ હતાં, મેં વિર ને પણ હવે નેહા વિશે જણાવી દીધું હતું.
મમ્મી પપ્પા આજે નેહા ના ઘરે ગયા હતા, અમારા લગ્ન ની વાત આગળ વધારવા.હું એકલો જ હતો આજે ઘરે, જમી ને બેઠા બેઠા વિચારે ચઢ્યો. મને થયું બધું જ બરોબર છે એક વાત સિવાય. "નેહા" હા, કારણ કે આ બધી ય વાતો માં એની જ રાય હવે બાકી હતી, જોકે એને કોઈ વિરોધ ય નહોતો કર્યો; પણ મારા મન ની શાંતિ માટે મારે એક વાર એની જોડે વાત કરી લેવી હતી.
હું એને મળવા જવાનું કેવી રીતે ગોઠવાય એ વિચારતો જ હતો કે ભાભી નો અવાજ આવ્યો, એમને હસતા હસતા જણાવ્યું કે તમારા ને મારી બહેન ના લગ્ન ની તારીખ નક્કી કરી ને આવ્યા છે આજે. મારા ખુશી નો પાર ના રહ્યો. મમ્મી ને પપ્પા પણ પાછળ થી આવ્યા. મમ્મી તો કહેવા લાગી હવે એક જ મહિનો છે લગ્ન ને, મારે તો ઘણી તૈયારીઓ કરવી પડશે, બધાં એ કાલ થી જ તૈયારી ઓ માં લાગી જવાનું છે, બધા એ હસતા - હસતા વાત સ્વિકારી લીધી.
હવે કાલ થી તો ઘણું કામ આવી જશે, એટલે મારે બને એમ જલદીથી નેહા ને મળી આવવું જોઈએ એમ મેં વિચાર્યું. લગ્ન નજીક આવશે પછી મને બહુ દૂર નહીં જવા દે એ વાત યાદ આવતા મેં એકાદ દિવસ માં જ નેહા ના ઘરે જવા નું નક્કી કર્યું......

નિલય નેહા ને મળી ને એની ઈચ્છા પૂછશે, ત્યારે નેહા શું પ્રતિભાવ આપશે???...... જાણો આવતા ભાગ..... મન નું સમાધાન ....... માં...

બીજા રસપ્રદ વિકલ્પો