જીંગાના જલસા - ભાગ 13 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંગાના જલસા - ભાગ 13

પ્રકરણ 13


આગળ આપણે હરિદ્વારના સ્થળો વિશે જાણ્યું. મંછાબહેનને વાંદરા હેરાન કરે છે અને એ જીંગાને મદદ માટે બોલાવે છે.
હવે આગળ....

"એ જીંગા આ વાંદરાને ભગાડને વળી!"

"ના હો વળવાંદરી તું જ વાંદરા પાછળ દોડાવીને મારું ઢીંઢું ભંગાવી નાખે છે દર વખતે."

"પણ આ વખતે ક્યાં પાછળ દોડવાનું છે તે તારું ઢીંઢું ભાંગે ડોબા!"

"જીંગા તારે મંછાબહેનને મદદ કરવી જોઈએ હો. તું જશે તો જ વાંદરા ભાગશે! તને જુવે એટલે વાંદરા ડરના માર્યા ઊભી પૂંછડીએ ભાગે."જીંગાને પોરો ચડાવતા હું બોલ્યો.

અને ભાઈ પછી તો જીંગો આવ્યો પાછો પોતાના ઓરિજનલ રૂપમાં. બસમાંથી ધોકો કાઢ્યો અને ગયો મંછાબહેન પાસે.

વાંદરો જેવી ડાળખી નમાવીને નીચે આવ્યો કે જીંગાએ તરત જ તેની પૂંછડી પકડીને નીચે પડ્યો. વાંદરો રાડો પાડતો પાડતો ભાગી ગયો. ઝાડ ઉપર રહેલા બીજા વાંદરા ગુસ્સામાં આવી ગયા એટલે ઉપરથી ડાળખાં અને પાંદડાનો નીચે ઘા કરવા લાગ્યા.

જીંગાએ નીચેથી પાણા (નાના પથ્થર) વીણી વાંદરા ઉપર ઘા કરવા લાગ્યો. પાણાનાં ઘા લાગવાથી વાંદરા રાડા રાડી કરવા લાગ્યા ને થોડીવારમાં મેદાન સાફ થઈ ગયું.

"વાહ જીંગા તે તો કમાલ કરી.બધા વાંદરા ભગાવી દીધા.વાહ ભાઈ તારાં વગર બધું કાચું હો!"

"રાજુભાઈ વાંદરા એટલે મારા દુશ્મન. એનાં તો મારીમારીને ટાંગા ભાંગી નાખું હો.મારે હજુ વૃંદાવનનો બદલો લેવાનો તો બાકી છે."

"એ ડોબા એ બદલો લેવા તો તારે પાછું વૃંદાવન જોવું પડશે. તારા ડોહા એ વાંદરા અહીંયા થોડા હોય?"

"જાને બળબામના પેટની. તને આમાં શું ખબર પડે. તારાથી તો એક વાંદરો પણ આઘો (દૂર) નથી જતો અને મંડાણી છો ક્યારની બકબક.."

થોડીવાર આવી ખાટીમીઠી વાતો ચાલી ત્યાં તો પંદરેક વાંદરા પાછા આવ્યા અને કૂદાકૂદ કરતાં ઝાડ પર ચડી ગયા.જીંગાભાઈ પણ ધોકો લઈને ઝાડ પર ચડવા લાગ્યો. વાંદરા પાતળી ડાળી પર જાય એટલે ડાળી નમે.જેવી ડાળી નામે એટલે વાંદરો મંછાબહેનને પોતાની પૂંછડી લગાડે.

જીંગો પણ ઝાડ પર ચડી ગયો અને હાથમાં આવે એ વાંદરાને ધોકાવાળી ચાલુ કરી. સાત-આઠ વાંદરા તો ઝાડ છોડીને જતા રહ્યા, પણ બાકીના વાંદરા કૂદાકૂદ કરતા એક ડાળ પરથી બીજી ડાળી પર જવા લાગ્યા.જીંગાએ પણ પોતાની લડત ચાલુ રાખી.

એક વાંદરો જે ડાળ પર હતો જીંગો એ જ ડાળ પર આગળ વધવા લાગ્યો.વાંદરો પણ જીંગાને જોઇને ડાળ પર આગળ જવા લાગ્યો. આગળ જતાં ડાળ પાતળી થતી થઇ જતી હતી.જીંગાને આ વાતનું ધ્યાન ન રહ્યું. એની નજર સામે તો માત્ર ડાળ આગળ જઈ રહેલો વાંદરો જ હતો. આજ તો જીંગાએ મનમાં નક્કી કર્યું હતું કે એકાદ વાંદરાનું ઢીંઢું ભાંગીને જ ઝંપીશ.

વાંદરો ડાળની ટોચે પહોંચ્યો. જીંગા અને વાંદરાની વચ્ચે લગભગ ત્રણ કે ચાર ફુટનું અંતર બાકી રહ્યું ત્યાં ડાળ નીચે નમી અને વાંદરો છલાંગ મારીને જતો રહ્યો. પણ પાતળી ડાળ એકાએક નીચે નમી અને જીંગાભાઈએ બેલેન્સ ગુમાવ્યું ને આવ્યો સીધો નીચે. હવે નીચે તો પાણીનો ટોપ એને જ મૂક્યો હતો. ઉપરથી પડ્યો સીધો પાણીના ટોપમાં ભફામ કરતો...

"એય મંછાળી બળબમના પેટની આજ પાછું મારું ઢીંઢું ભાંગી નાખ્યું ને! તારો ડોહો હવે બાર (બહાર) તો કાઢ.આ પાણી તારું ડોહું ગરમ લાગે છે વળવાંદરી. મને પાછો આજે પાણીમાં નવરાવ્યો ને. એ બળબમ જલ્દી કાઢે હવે."

અમે બધા ઝડપથી દોડીને પાણીના ટોપ પાસે ગયા અને જીંગાને બહાર કાઢ્યો.

"એલા જીંગા ડાળખીનું ધ્યાન તો રખાયને ભાઈ."હું સાંત્વના આપતા બોલ્યો.

"આ મંછાળી,એક તો મને વાંદરા ભગાડવાનું કહ્યું ને પાછી નીચે ઉભા ઉભા કંઈ બોલતી પણ નથી."

"તી ડોબા વાંદરાની વાહે (પાછળ) હાલ (ચાલ)તો ધ્યાન રખાય ને. તારા વજન જેટલો વજન કરવાતો પાંચ વાંદરા ભેગા કરવા પડે જનાવર."

"તમે બેય (બંને) આવું જ કરજો. જા જીંગા જલ્દી બસમાં કપડાં બદલી આવ નહી તો પાછો બે દિવસ સુધી ધ્રૂજીશ. પાણીનો કાયર છો ને પાછો પાણીમાં જ પડે છે." ગુસ્સે થતા ભગતબાપા બોલ્યા.

"બાપા તમે મને જ દરવખતે ખીજાવ છો.આ બળબમના પેટની મંછાળીને તો કંઈ કયો (કહો) જ નય (નહીં)."

"એ ડોબા તું વાંદરા વાહે (પાછળ) સાવ વાંદરો થઈને દોડે તો તને જ કયે (કહે)ને."

"તે વળવાંદરી વાંદરા તારી હળી (ચાર) કરતા'તા ત્યારે તો મને બોલાવતી'તી. જવું હતું ને એને ભગાડવા તારે."

ડોબા જાને જલ્દી કપડા બદલ નકર (નહીં તો) પાછો બે દિ (દિવસ) લગી ધ્રૂજશે.

અંતે જીંગાભાઈ બસમાં કપડા બદલવા ગયો અને અમે બધા જમવા બેઠા. જમીને થોડી આજુબાજુ ચક્કર લગાવી અને પછી બધા સુંદર મજાની નિંદરમાં પોઢી ગયા.

વહેલી સવારે ચા નાસ્તો કર્યા બાદ નીકળી પડ્યા પવિત્ર તીર્થ સ્થળ ઋષિકેશ તરફ.

ઋષિકેશ એ હિમાલયની તળેટી પર આવલું એક પવિત્ર યાત્રા ધામ છે. ઋષિકેશમાં દારૂબંધીનો કાયદો છે.અહીંયા વેપારીઓને પ્લાસ્ટિક વહેંચવા પર પણ પ્રતિબંધ છે.

ઋષિકેશને યોગનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે.આ પવિત્ર તીર્થસ્થળ પર હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓ યાત્રા માટે આવે છે.આ સ્થળ યોગ અને ધ્યાન માટે ખૂબ પ્રચલિત છે.

ઋષિકેશ હરિદ્વારથી લગભગ પચ્ચીસ કિ.મી.ના અંતરે આવેલું છે.આ તીર્થસ્થળને હિમાલયનું પ્રવેશદ્વાર પણ કહે છે.

ઋષિકેશ યોગ સેન્ટરો, આશ્રમ અને મંદિરો માટે પ્રખ્યાત છે. અહીંયા પંજી જમ્પિંગ અને રીવર રાફ્ટિંગની મજા પણ લઇ શકાય છે. અમે પહેલા પહોંચ્યા ત્રિવેણીઘાટ પર.

આપણી ત્રણ મુખ્ય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ આ ઘાટ પર થાય છે. આ જગ્યા પર શિવ-પાર્વતીની સુંદર અને મોહક મૂર્તિ છે. શિવજીની જટામાં ગંગામૈયાના દર્શન પણ થાય છે. હિમાલયની તળેટી,વૃક્ષોથી હરીભરી આ ભોમકા અને કુદરતી સુંદરતાનો ત્રિવેણી સંગમ આપણને ઉડીને આંખે વળગે છે. ગંગા નદીમાં સ્નાન માટેનો આ ઘાટ ખૂબ પ્રખ્યાત છે.વહેલી સવારે અનેક શ્રદ્ધાળુ ભક્તો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે.

અમે બધા ગંગા નદીમાં સ્નાન માટે તૈયારી કરતા હતા ત્યારે મંછાબહેન મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા;"એલા છોકરાવ.. આજ તો આ ડોબાને પણ ગંગા નદીમાં નવરાવીને (નવડાવીને) પવિતર (પવિત્ર) કરાવી દો."

અમે બધાએ નક્કી કર્યું કે આજ તો કોઈ પણ ભોગે જીંગાને નવરાવ્યે જ છૂટકો!

પણ આ જીંગો એક તો પાણીનો કાયર અને પાછું આ ગંગા નદીનું પાણી અતિ ઠંડું.પહેલી વખત પડીએ ત્યારે તો શ્વાસ અઘ્ધર ચડી જાય. છતાં ગમે તેમ કરીને જીંગાભાઈને નવડાવવો જ હતો,એટલે મેં બીડું ઝડપ્યું. હું ગયો જીંગાભાઈ પાસે.

જીંગાભાઈ બધા આ નદીમાં સ્નાન કરીને પોતે કરેલા પાપમાંથી મુક્ત બને છે.

તે રાજુભાઈ જેને પાપ કર્યા હોય એ જાય નાવા (નાહવા).આપણે તો ક્યાં પાપ કર્યા છે તે નાવાની (નહાવાની) જરૂર પડે.

અરે ભાઈ જીંગા આપણાથી જાણતા-અજાણતા ઘણા પાપ થયા હોય,તો અત્યારે મોકો છે આ બધા પાપોમાંથી મુક્તિ મેળવવાનો.

"એ રાજુભાઈ આવું ન હોય હો.. નકર તો (નહીતો) માણસો પાપ કરે અને અહીંયા આવીને પાપ ધોઈ નાખે. ફરી પાછા નવેસરથી પાપ કરે. મને આ સાચું લાગતું નથી. તમારે નાવું (નહાવું)હોય તો જાવ. બાકી આપણે આવશું બાવશું નહીં હો."

જીંગા નહાવાની તો મને પણ ઈચ્છા નથી. પણ બધાના નહાતા હોય ને આપણે આમ દૂર બેસીએ તો મજા ન આવે.ચાલ આપણે નદીના કાંઠે ઉભા ઉભા બધાના ફોટા પાડીએ.

"હા..ઈ હાચું (સાચું).અને ઓલી મંછાળીનો તો વાંદરી જેવી લાગતી હોય એવી રીતે ફોટો પાડવો છે."

"હા તું કેમ એમ પાડી શું..બસ."

હું અને જીંગો કાંઠે આવ્યા. બધાના નાહતા હતા એના ફોટા પાડવા લાગ્યા. બધા અમને પાણી ઉડાડવા લાગ્યા.

"એ પાણી કેમ ઉડાડો છો.છાનામાના નાવા (નહાવા) મંડો."

"કા ડોબા તને બીક લાગે છે. કે તને પાણીમાં નહાવાની હિંમત હોય તો આવ લે નાવા."

"એ મંછાળી એવું નથી. આ તારું ડોહુ પાણી ઠંડુ લાગે છે."

જીંગો મંછાબહેન સાથે વાતો કરતો હતો ત્યાં મેં પાછળથી ધકો માર્યો એટલે પડ્યો સીધો પાણીમાં. જેવો પાણીમાં પડ્યો કે મારા બીજા મિત્રો એને ખેંચી ગયા નદીની અંદર. અને ભાઈ પછી જીંગાએ જે રાડારાડ કરી મૂકી એ સાંભળીને નદીમાં નાહતાં બીજા શ્રદ્ધાળુઓ અમારી સામે જોવા લાગ્યા.

"એ ડોબા છાનોમાનો બેસ. તારો બાપ આ બધાને એમ લાગશે કે આને કો'ક મરી ગયું છે."

"બળબમ તુ ચુપ બેસને. રાજુભાઈ મને જલદી બહાર કાઢો.હવે સરખું ચલાતું પણ નથી." ધ્રૂજતા ધ્રૂજતા બોલ્યો."

"એકાદ ડૂબકી તો મારવો આ ડોબાને."

"તું માર, જનાવરની જાત.તારું ડોહું પાણી ઠંડું લાગે છે.રેવાતું નથી હવે."

મને દયા આવી જીંગા પર અને તેનો હાથ પકડીને બહાર લઈ આવ્યો. જીંગો બસમાં ગયો અને ઝડપથી કપડા બદલ્યા. નીચે આવીને ભગત બાપાને કિયે (કહે);" બાપા હાલો ક્યાંક ગરમાગરમ ચા પાવ.આજા આ બધાએ પાછી મને ટાઢ ચડાવી દીધી."

ભગત બાપા અને જીંગો ચા પીવા ગયા અને હું પાછો ગંગાસ્નાન માટે નીકળ્યો.

અહીંયા સવાર અને સાંજે નદી કિનારે આરતી થાય છે.સંધ્યા આરતી ખૂબ મહત્વ ધરાવે છે.નદી કિનારે ઘણા બાધા પૂજારીઓ દ્વારા મોટી જ્યોત સાથે આરતી ક રવામાં છે.અને બધી જ્યોતનો પડછાયો નદીમાં પડે છે.એ દ્રશ્ય મનોહર અને આપણા હૃદયને આકર્ષિત કરે છે.અલબત્ત અમને આ સાંજનો નઝારો જોવા મળે એમ ન હતો. હવે અમે પહોંચ્યા શ્રી ભારત મંદિર.

શ્રીભારત મંદિર અહિયનું સૌથી પ્રાચીન અને સૌથી પ્રસિદ્ધ મંદિર છે.આ પ્રાચીન મંદિરના મહિમાનું વર્ણન કેદાર ખાંડમાં કરવામાં આવ્યું છે.ભગવાન વિષ્ણુએ રાયભ્યાઋષીની કઠોર તપસ્યાથી ખુશ થઈને કહ્યું હતું કે "હું અહીં ઋષિકેશ નારાયણ તરીકે હંમેશ માટે રહીશ અને આ સ્થાનને ઋષિકેશ તરીકે ઓળખવામાં આવશે." જેમણે મને સતયુગમાં વરાહ, ત્રેતાયુગમાં પરશુરામ, દ્વાપરમાં વામન અને કળિયુગમાં ભારત તરીકે પૂજ્યા છે તેઓ ચોક્કસપણે મુક્તિ માટે હકદાર છે.(શાસ્ત્રોમાં ઋષિકેશ ને બદલે હર્ષિકેશ નો ઉલ્લેખ જોવા મળે છે.)સાથે સાથે એવું પણ કહેવાય છે કે આ સ્થળ પર જે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરે એને મોક્ષ મળે છે.અહીંયા ખુબ જૂના વૃક્ષો આવેલ છે જે મંદિરમાં ઉગેલ છે.આ વૃક્ષોને ત્રિદેવ બ્રમ્હાં,વિષ્ણુ અને મહેશનાં પ્રતીક ગણવામાં આવે છે.આ વૃક્ષોની ઉંમર ત્યાના સ્થાનિક લોકો લગભગ 250 વર્ષથી વધુ બતાવે છે.

હવે અમે પહોંચ્યા લક્ષ્મણ ઝૂલા.

લક્ષ્મણ ઝુલા ઋષિકેશમાં પવિત્ર ગંગા ઉપર લોખંડનો બનેલ પુલ છે. લક્ષ્મણ ઝૂલા એ ઋષિકેશમાં એક પ્રખ્યાત સ્થળ છે, લક્ષ્મણ ઝુલા હાલ ચારસો પચાસ ફૂટ લંબાઈ ધરાવે છે.લક્ષ્મણ ઝુલા પરથી ગંગાનદી અને શહેરના સંખ્યાબંધ મંદિરોનું મનોહર દૃશ્ય પણ જોઈ શકાય છે.

પૌરાણિક કથા મુજબ અહીંયા ભગવાન શ્રી રામના ભાઈ લક્ષ્મણે જુટનાં બંધનો વડે ગંગા નદી પાર કરી હતી.બાદમાં અહીંયા એ કથાની યાદ રૂપે 1889 માં 284 ફૂટ લાંબો દોરડાનો પુલ બનાવવામાં આવ્યો હતો.ઑક્ટોબર 1924માં ભયાનક પૂરમાં આ પુલને ખૂબ નુકશાન થયું હતું.ત્યાર બાદ 1930 માં એક નવો પુલ બનાવવામાં આવ્યો જેની લંબાઈ 450 ફૂટ આસપાસ છે.

લક્ષ્મણ ઝૂલા પાસે ઘણા પ્રાચીન મંદિરો પણ આવેલ છે, જેમાં આખીલેશ્વર મહાદેવ,ભગવાન શ્રી રધુનાથીજી તથા લક્ષ્મણજીનું મંદિર પ્રખ્યાત છે.

લક્ષ્મણ ઝૂલાથી અમે પરમાર્થ નિકેતન આશ્રમ ગયા.

પરમાર્થ નિકેતન હિમાલય પર્વતશૃંખલાની ગોદમાં ગંગા નદીને કિનારે આવેલ છે.આ સંન્યાસાશ્રમની સ્થાપના સંત સુકદેવાનંદજી મહારાજ દ્વારા 1942માં કરવામાં આવી હતી.૧૯૮૬થી સ્વામી ચિદાનંદ સરસ્વતી તેના પ્રમુખ અને આધ્યાત્મિક વડા છે.

પરમાર્થ નિકેતન આશ્રમ ઋષિકેશનો સૌથી મોટો આશ્રમ છે. તેમાં લગભગ એક હજાર થી પણ વધુ રૂમ છે. આ આશ્રમમાં દરરોજ સવારે પૂજા, વ્યાખ્યાન,ધ્યાન, યોગ અને સત્સંગ, કીર્તન, સૂર્યાસ્ત સમયે ગંગા આરતી વગેરે કરવામાં આવે છે.સાથે સાથે અહીં કુદરતી ઉપચાર, આયુર્વેદ ચિકિત્સા અને આયુર્વેદ તાલીમ વગેરે પણ આપવામાં આવે છે. આ આશ્રમમાં ભગવાન શિવની ૧૪ ફુટ ઊંચી પ્રતિમા સ્થાપિત છે.

આ આશ્રમે ભોજનશાળામાં અમે બપોરનું ભોજન અારોગ્યું. આયુર્વેદનાં સિદ્ધાંતમાં ચાલતો આ આશ્રમ અને એનું ભોજન એકદમ આરોગ્ય પ્રધાન હતું.ખરેખર એક અનોખા આંદનની અનુભૂતિ સાથે અમે નીલકંઠ મહાદેવ મંદિર જવા રવાના થયા.એક પર્વતની ટેકરી પર સ્થિત આ મંદિરે અમે પગપાળા પહોંચ્યા.

નીલકંઠ મહાદેવ મંદિર ભગવાન શિવના સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક છે.ઋષિકેશ નજીક એક પ્રખ્યાત તીર્થસ્થાન નીલકંઠ મહાદેવ મંદિર નર નારાયણ પર્વતમાળાની બાજુમાં આવેલ છે.મંદિરની આસપાસ ત્રણ ખીણ આવેલ છે.અહીંયાનો કુદરતી નઝારો માણવા લાયક છે.

દંતકથા મુજબ ભગવાન શિવે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલ ઝેર અહીંયા ગ્રહણ કર્યું હતું. આથી અહીંયા મૂર્તિમાં પણ ભગવાન શિવનું ગળું વાદળી રંગનું બનાવવામાં આવ્યું છે.અને આથી જ આહિયાં ભગવાનનું નામ નીલકંઠ રાખવામાં આવ્યું છે.

નીલકંઠ મહાદેવ મંદિરનું બાંધકામ ખૂબ જ આકર્ષક રીતે કરેલ છે.મંદિરમાં જવાના મુખ્ય દરવાજા પર સમુદ્ર મંથનની પૌરાણિક કથાના દૃશ્યો તથા ભગવાન અને રાક્ષસોની પ્રતિમાઓ દર્શાવવામાં આવી છે.અહીંયા એક વૃક્ષની ડાળી પર ભક્તો દોરા બાંધે છે, પોતાની મનોઈચ્છા પૂર્ણ કરવા માટે.

કૈલાસ નિકેતન મંદિર તેર માળના મંદિર તરીકે પણ ઓળખાય છે.એવું માનવામાં આવે છે કે આ પ્રાચીન મંદિરની સ્થાપના આદિ શંકરાચાર્યે નવમી સદીમાં કરી હતી.મંદિર તેની વિશાળ અને સુંદર સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. તે એક તેર માળનું બનેલ મંદિર છે.દરેક ફ્લોરમાં ઘણા બધા હિન્દુ દેવી- દેવીઓને સમર્પિત ઘણા નાના મંદિરો છે. તેરમા મળે જવ માટે મંદિરને ગોળ ગોળ ચક્કર લગાવતા દેવી દેવતાના દર્શન કરતા જવાનું થાય છે.મંદિરનો ટોચનો માળ ઋષિકેશ ,પર્વતો ઉપર સૂર્યાસ્તનો મનોહર દૃશ્ય આપે છે. આ મંદિરે ખાસ કરીને શ્રાવણ માસના સોમવાર અને મહા શિવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઓ આવે છે.

હવે આમે નીકળ્યા રામ ઝૂલા તરફ...

રામઝુલા ઋષિકેશમાં પવિત્ર ગંગા નદી પરનો લોખંડનો પુલ છે.

રામઝૂલાનું નિર્માણ શિવાનંદ આશ્રમના સહયોગથી 1980 માં કરવામાં આવ્યું હતું.પહેલા આ પુલ કોઈ પણ થાંભલા વગરનો લટકતો પુલ હતો.અહીંયાથી પણ ઋષિકેશનો આખો નઝારો અદભુત દેખાય છે.

હવે અમે શિવાનંદ આશ્રમે પહોંચ્યા.શિવાનંદ આશ્રમની સ્થાપના 1936માં સ્વામી શિવાનંદ દ્વારા કરવામાં આવી હતી.આ સ્વામી છેલ્લી સદીના મહાન યોગીઓમાંના એક હતા.

શિવાનંદ આશ્રમ રામ ઝૂલાની નજીક આવેલ છે.આ સંસ્થાને ડિવાઇન લાઇફ સોસાયટી તરીકે પણ ઓળખવામાં આવે છે.શિવાનંદ આશ્રમમાં પણ રવિવાર સિવાય રોજનાં યોગ વર્ગો યોજવામાં આવે છે.આ આશ્રમમાં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ સમય હોય છે. સવારના વર્ગો પુરુષો માટે છે અને સાંજના વર્ગો મહિલાઓ માટે છે.

શિવાનંદ આશ્રમ વહેલી સવારે અને સાંજે પોતાના ઘાટ પર પ્રખ્યાત ગંગા આરતી કરી રહ્યા છે.આવી યોગભૂમીને પ્રણામ કરી અમે બસમાં ગોઠવાયા.

હવે અમે ઋષિકેશથી લગભગ વીસથી બાવીસ કિલોમીટર દૂર વશિષ્ઠ ગુફા પહોંચ્યા.આ ગુફા લગભગ ત્રણ હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. અહીંયા ઋષિ વશિષ્ઠે તપ કર્યું હતું.આપણી પૌરાણિક કથા અનુસાર વશિષ્ઠ ભગવાન બ્રહ્માના માનસ પુત્ર હતા.અને સપ્તઋષીઓમાંના એક હતા. અહીંયા બાજુમાં સ્વામી પુરુષોતમનો આશ્રમ આવેલ છે.સ્વામી પુરુષોતમનંદે 1930માં આ ગુફા અને આશ્રમ સંભાળવાનું નક્કી કર્યું હતું.હજુ પણ આ ગુફા તથા આશ્રમનું સંચાલન સ્વામી પુરુષોતમનંદ સોસાયટી દ્વારા કરવામાં આવે છે.

હવે અમે બધા બસ તરફ રવાના થયા.અમારે આગળનો મુકામ સહસ્ત્ર ધારાનો હતો.અમે બધા બસમાં ગોઠવાયા અને બસ રવાના થઈ સહસ્ત્ર ધારા તરફ.

ક્રમશ::::

આગળ આપણે શહસ્ત્ર ધારા વીશે માહિતી જાણીશું અને સાથે જીંગાના ઝલસાતો ખરા જ....

તો વાંચતા રહો જીંગાના ઝલસા ભાગ 14...

આપના પ્રતિભાવ ની રહે. .રાજુસર.....

.