Jingana jalsa - 5 books and stories free download online pdf in Gujarati

જીંગાના જલસા - ભાગ 5

પ્રકરણ 5


આગળ આપણે માઉન્ટ આબુ ઉપરના સ્થળો તથા જીંગાભાઈના ઝલસા જોયા.....
હવે આગળ....

ગુરુ શિખર ઉપર ફર્યા બાદ બધા બસમાં ગોઠવાયા.
હવે અમારે સીધા ઉદયપુર જવાનું હતું. લગભગ ત્રણથી સાડા ત્રણ કલાકની મુસાફરી કરવાની હતી. આમ તો બધા થાક્યા હતા પણ મુસાફરી દરમિયાન જીંગાભાઈની વાંદરાની મશ્કરી આનંદ દાયક હોવાથી ઊંઘ આવતી ન હતી. સાથે સાથે બસમાં વાગતા "ઓલ્ડ ઇઝ ગોલ્ડ" ગીતો પણ મનને ફ્રેશ કરી દેતા હતા. હા ત્યારે અત્યારની જેમ ડીજે સોંગનો જમાનો ન હતો. માઉન્ટ આબુ થી લગભગ સો - સવાસો કિલોમીટર ચાલ્યા બાદ એક હોટલમાં ચા-પાણી પીવા માટે બસ ઊભી રાખી.

બધા નીચે ઉતર્યા. હજુ રાતના જમવાને બેથી અઢી કલાકની વાર હતી, એટલે બધા થોડો થોડો નાસ્તો કરવાની તૈયારી કરવા લાગ્યા.

ભગતબાપાએ જીંગા તથા રસોઈયાની ટીમને કહ્યું તમારે પણ નાસ્તો કરવો હોય તો કરી લો.

મંછાબહેન કહે ચાલો પાણીપુરી ખાઈએ. જીંગાભાઈ ના પાડતા હતા પણ, થોડી આનાકાની બાદ એ બધા પાણીપુરી ખાવા ગયા. હું પણ એમની સાથે ગયો કેમકે ,એ બધાને હિન્દી આવડે નહીં ને એટલે!

હવે ત્યાં જે જમાવટ થઈ એ તો મને અત્યારે લખતા લખતા પણ હસવું આવે એવી હતી.

પાણીપુરીવાળા ભાઈએ બધાને પાણીપુરીની એક એક પ્લેટ આપી. જીંગાભાઈને ખાવાની એવી ટેવ હતી કે ખાતો હોય ત્યારે એના બંને હોઠ ખુલ્લા હોય અને દાંતથી જ ચાવે. ગળે કોળિયો ઉતારતી વખતે જ હોઠ બંધ કરે.

જીંગા એ જેવી પાણી ભરેલી પુરી મોઢામાં મૂકીને ચાવવાની શરૂઆત કરી ત્યાં મોઢામાંથી પુરીના પાણીની પિચકારી પાણીપુરી વાળા ભાઈના મોઢા પર પડી!.

હા ભાઈ! બપોરે ખાડામાં ભફાકો ખાધો ત્યારે જીંગાનો આગળનો દાંત પડી ગયો હતો અને હોઠ બંધ ન કરે તો શું થાય?

પછી તો ભાઈ પાણીપુરીવાળાએ જીંગાને હિન્દીમાં બહુ બધી ગાળો આપી.આમતો હિન્દી જીંગો સમજે નહિ,પણ એ ભાઈ આટલું બોલ્યા એટલે જીંગાનો મગજ છટક્યો અને બોલ્યો; "તારો બાપ મારે આ દાંત પડી ગયો એટલે આવું થયું,મે કંઈ જાણી જોઇને થોડી પિચકારી મારી છે, વાયડીનો થાસ તે .ડફોળ પાણીપુરીના પૈસા બૈસા કાંઈ નથી દેવા અને આ ચાપલી મંછાળી આ ટુર ચાલુ થઈ ત્યાં'થી(ત્યારથી) મારી વાહે( પાછળ) પડી ગઈ છે. એ બળબમના પેટની તું લગભગ મને આમને આમ બીજાની ગાળો અને ભફાકા ખવડાવીને મરાવી નાખીશ ડોબા જેવી.પાણીપુરીની જગ્યાએ બીજું કંઈ ખાવાનું કીધું હોત તો તારા બાપનું શું જાતુ'તું વળવાંદરી!"

હવે પાણીપુરીવાળો આટલું લેક્ચર ગુજરાતીમાં સાંભળીને ડરી ગયો. એ ગયો સીધો હોટેલવાળા ભાઈને ફરિયાદ કરવા, એટલે એમના બે ચાર સિક્યુરિટી વાળા ભાઈ આવ્યા.હિન્દીમાં બોલ્યા; "ભાઈ ઝઘડો કરવો હોય તો અહીંથી નીકળી જાઓ". મેં સમજાવ્યું કે ;"ભાઈ વાતમાં કાંઇ માલ નથી", એમ કહી આખી ઘટના હિન્દીમાં સંભળાવી, એટલે એ પણ હસતા હસતા જતા રહ્યા.

પછી તો જીંગાભાઈ બીજી પાણીપુરી મોઢામાં મૂકીને મોઢા આડો હાથ રાખીને ખાવા લાગ્યો....

પંદર - વીસ મિનિટ બાદ બધા બસમાં ગોઠવાયા અને બસ નીકળી પડ્યા ઉદયપુર જવા....

લગભગ સાડાઆઠ- નવની આસપાસ ઉદયપુરની એક ધર્મશાળામાં પહોંચ્યા.હવે રસોઈ બનાવીએ તો મોડું થાય એટલે ભગતબાપા અમને બધાને એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં જમવા લઈ ગયા. ત્યાં ગુજરાતી થાળી ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ હતી.આમરો ભાઈ જીંગો લગભગ ત્રીસ -પાંત્રીસ રોટલી ઉપાડી ગયો(ખાઈ ગયો). એટલે ત્યાં ગુજરાતી વેઈટર હતો એ બોલ્યો;"હવે અહીંયા આવો તો આ ભાઈને એમના ઘેર મુકીને આવજો.એ એક વખતના ચાલીસ રૂપિયામાં આ જનાવર ચાલીસ રોટલી ગરચી(ખાઈ) ગયો."પછી તો જીંગાએ ચાલુ કર્યું,"તમે બહાર બોડ્યું (બોર્ડ) લટકાવ્યું છે એટલે આવ્યા. ભરપેટ ખાવ... ચાલીસ રૂપિયામાં જેટલું ખાવું હોય એટલું .તો એમ લખાય નહીંને. પે'લા બોર્ડ કાઢી નાખો. માણસો જમવા માટે હરિહરના ક્ષેત્રો ખોલે અને તમે આયા હઈખે (નિરાંતે ) ખાવા પણ નથી દેતા. આવતા ભવમાં દેડકો થઇશ જોજે. કોકની આઇડે પડે છે એટલે". ભગત બાપા એ બંનેને માંડ માંડ શાંત પાડ્યા અને બધા જમીને ધર્મશાળામાં આવ્યા.

આખા દિવસની રખડપટ્ટીને લીધે થાકી ગયા હતા, એટલે પથારીમાં પડતાંની સાથે જ બધા ગાઢ નિદ્રામાં પોઢી ગયા.વહેલી સવારે છ વાગ્યે ઊઠી નાહી-ધોઈ ,પરવારી બસ પાસે આવ્યા. જીંગાભાઈ નિયમિત ટેવ મુજબ આગળનો કાચ સાફ કરવામાં વ્યસ્ત હતા.મંછાબહેન ઢોકળા વધારવામાં મશગુલ હતા.અમે બધાએ નાસ્તા માટે પેટમાં જગ્યા કરવા થોડા આટા ફેરા ચાલુ કર્યા. સવાર સવારમાં બધાએ વઘારેલા ઢોકળાનો નાસ્તો ચા સાથે કર્યો.

હવે અમારે સીધું જ જગદીશ મંદિરના દર્શને જવાનું હતું .બધા બસમાં સવાર થયાને લગભગ પંદરથી વીસ મિનિટની મુસાફરી બાદ જગદીશ મંદિર પહોંચ્યા.

165 માં મહારાણા જગતસિંહે "જગદીશ મંદિરનું" નિર્માણ કરાવ્યું હતું. જે પહેલા જગન્નાથ રાયના મંદિર તરીકે ઓળખાતું. આ મંદિર સિટી પેલેસના મેદાનમાં આવેલ છે. અહીંયા ગરુડની એક ખુબ જ સુંદર છબી મંદિરના દરવાજાનું રક્ષણ કરે છે, એવી એક માન્યતા છે. આ મંદિરમાં નકશીકામ આપણા મનને મોહિત કરી લે તેવું છે. અમે બધા ભગવાન જગન્નાથના કે જે વિષ્ણુ સ્વરૂપ છે તેમના દર્શન કરી અને સીધા જ સિટી પેલેસ જોવા નીકળી ગયા.

ઉદયપુરની સૌથી સુંદર જગ્યા તથા રાજસ્થાનની સૌથી મોટી જગ્યા એટલે સિટી પેલેસ. આ જગ્યાનું નિર્માણ મહારાણા ઉદયસિંહે રાજપૂત કબીલાની રાજધાનીના રૂપમાં કર્યું હતું. આ મહેલ પીછુલા તળાવના કિનારે આવેલ છે.સિટી પેલેસના મેદાનમાં લગભગ અગિયાર જેટલાં મહેલ છે.આખો મહેલ પર્વતોની શિખર પર બનાવવામાં આવ્યો છે. જ્યાંથી આસપાસના ઘણા બધા ગામડાંઓ દેખાય છે. આ મહેલોમાં ઘણા બધા દરવાજાઓ આપણને ભુલભુલામણીમાં મૂકી દે તેવા છે. એટલે અહીંના ગાઈડ પોતાની સાથે ચાલવાનું વારંવાર આપણને કહે છે. સિટી પેલેસમાં અમે જુદા જુદા ફોટા પડાવ્યા. જાણે અમે અહીંના મહારાજા હોય એ રીતે પૂરા ઠાઠથી આખો મહેલ ફર્યા.

હવે અમે સીધા પીછુલા તળાવ જોવા નીકળ્યા. લગભગ દસ મિનિટે પીછુલા તળાવ પહોંચ્યા.

પીછુલા તળાવ કૃત્રિમ રીતે નિર્માણ કરવામાં આવ્યું છે.પીછુલા ગામના નામ પરથી પીછુલા તળાવ નામ રાખવામાં આવ્યું છે. મહારાણા ઉદયસિંહે આ તળાવના કિનારે ઉદયપુરનું નિર્માણ કર્યું હતું.

પીછુલા તળાવ જોઈને સીધા જગ મંદિર પેલેસ તરફ રવાના થયા. પાંચ-સાત મિનિટ ચાલ્યા ત્યારે જગમંદિર પેલેસના મેદાનમાં આવી પહોંચ્યા. આ જગમંદિર પેલેસ પીછુલા તળાવમાં આવેલા ચાર દ્વીપમાંથી એક દ્વીપ પર આવેલ છે. મેવાડ વંશના રાજા અમરસિંગે આ જગમંદિર પેલેસનું કાર્ય શરૂ કરાવ્યું હતું અને મહારાણા જગતસિંહે પૂર્ણ કરાવ્યું ,એટલે આ જગ્યાનું નામ જગમંદિર પેલેસ રાખવામાં આવ્યું. અહિયાં ફુલોનો એક વિશાળ બગીચો પણ છે ,જેમાં જુદા જુદા રંગના અનેક ફૂલ છોડ જોવા મળે છે.

અહીંયાથી અમે પહોંચ્યા ગુલાબ બાગ.આ બાગનું નિર્માણ મહારાણા સજ્જનસિંહે કરાવ્યું હતું.આ બગીચાને સજ્જનસિંહ નિવાસ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે.આ બગીચો ઉદયપુરનો સૌથી મોટો બગીચો છે.અહીંયા પર વિક્ટોરિયા હોલમાં પ્રાચીન કલા કૃતિઓ અને શાહી વસ્તુઓનો સંગ્રહ પણ જોવા મળે છે.

અહીંયાથી અમે સજ્જન ગઢ પેલેસ જવાના રવાના થયા.આ પેલેસને મોનસુન પેલેસ પણ કહેવામાં આવે છે.જે સમુદ્ર સપાટીથી લગભગ નવસો પચાસ મીટરની ઊંચાઈ પર આવેલ છે.જેનું નિર્માણ પણ મહારાણા સજ્જનસિંહે કરાવ્યું હતું.

બધા બસમાં બેઠા ને બસ સીધી જ દસ થી પંદર મિનિટમાં બાગોર કી હવેલી પહોંચી.

બાગોર કી હવેલીનું નિર્માણ અમિરચંદ બાગવાને કરાવ્યું હતું.નકશીકામ અને કાચનું સુંદર કામ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.અહીંયા એક સંગ્રહાલય પણ છે,જેમાં ભાત ચિત્રો અને શાહી વસ્તુઓના માધ્યમથી મેવાડની પરંપરાઓને અને સંસ્કૃતીને પ્રદર્શિત કરે છે.પણ આ બધાથી વિશેષ એક સુંદર રંગીન કાચનો બનાવેલ મોર અત્યંત મનમોહક છે. અહીંયાથી સીધી જ અમારી બસ સહેલીઓ કી બાડી પહોંચી.બપોરનું ભોજન અહીંયા જ કરવાનું હતું.એટલે અમને અહીંયા ઉતારી બસ બે ત્રણ કિલોમીટર દૂર ઘટાદાર વૃક્ષો હતા ત્યાં ઊભી રહી.

અમે બધા સાહેલીઓ કી બાડી ફરવા નીકળ્યા.

આ જગ્યાનું નિર્માણ મહારાજા સંગ્રામસિંહે કરાવ્યું હતું. ફતેહ સાગરના કિનારે આવેલા જગ્યા ખૂબ જ સુંદર ઝરણા ,લીલીછમ લોનની અને સંગેમરમરના નકશીકામ માટે પ્રખ્યાત છે. અહીંયા રહેલા ફુવારા આ જગ્યાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. જે ઇંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યા હતા. સાથે સાથે અહીંયા વિવિધ રંગીન ગુલાબનો બગીચો તથા કમળનું તળાવ પણ આપણું ધ્યાન ખેંચ્યા વિના રહેતું નથી . આ સુંદર જગ્યાની યાદો અમે કચકડાના કેમેરામાં સંગ્રહી અને ચાલી નિકળ્યા બસ તરફ પેટ પૂજા કરવા.

બપોરનું ભોજન રોટલી શાક દાળ ભાત છાશ આરોગી બધા થોડો આરામ કરવા બેઠા, ત્યાં જીંગાભાઈ બોલ્યા ;"ભગતબાપા આ હળબમે સાંજે પાણીપુરી ખવડાવી ને રાતે હોટલનું ખાધું તે મજા નથી આવતી, હાલોને લીંબુ શરબત પીવા જાય".

એટલે ભગતબાપાએ બધાને કહ્યું કે ;"હાલો જેને લીંબુ શરબત પીવું હોય તે."

જીંગાભાઈ ,ભગતબાપા, મંછાબહેન, વિજયભાઈ અને અમારા સર સામે જ એક ઠંડા પીણાની લારી હતી ત્યાં પહોંચ્યા. ઝાડના છાંયે બેઠા બેઠા જીંગાભાઈ ને અમે જોતા હતા.

ભગતબાપાએ લીંબુ સોડાનો ઓર્ડર આપ્યો. ત્યાં ઝાડને ટેકે જીંગાભાઈ ઉભા રહ્યા. મંછા બહેન ઝાડના થડ પાસે જીંગો ઉભો હતો તેની બાજુમાં નીચે બેઠા અને અમારા સર, વિજયભાઈને ભગતબાપા થોડા થોડા દુરના અંતરે ઊભા રહ્યા.

થોડીવારમાં શરબતના ગ્લાસ બધાના હાથમાં હતા. બધા ખુબ જ લહેકા સાથે સાથે લીંબુ સોડા પીવાની શરૂઆત કરી, ત્યાં જ એક ભાઈ આવીને બોલ્યા કે ભાઈ કેટલા વાગ્યા. જીંગાભાઈને ઘડિયાળ વાળા હાથમાં ગ્લાસ હતો પણ જવાબ દેવાની ઉતાવળમાં જીંગાને ખબર નહિ કે મારા હાથમાં ગ્લાસ છે અને સીધો જ ઘડિયાળમાં જોવા માટે હાથ ઊંધો કરે છે. હાથ ઊંધો થતા હાથમાં રહેલ સોળાનો ગ્લાસ નીચે બેસેલ મંછાબહેન ઉપર ઠલવાય છે.

પછી તો ભાઈ મંછાબહેન અને જીંગાનું યુદ્ધ ચાલુ થયું .અમે બધા દૂર ઝાડ નીચે બેઠા બેઠા હસતા હતા અને તાલીઓ વગાડતા હતા.

તો મંછાળી તને અત્યારે આવી ગરમીમા આટલી ટાઇ ઢક કોણ આપે ડોબા જેવી.આમેય આજ સવારથી મારું લોહી પી ગઈ તી તે હવે તને મજા આવશે.ટાઢું ટાઢું લાગ્યા રાખશે.તારો ડોહો થોડી દુર બેહતી હોય તો ભૂતની બેન(બહેન).

જાને બળબમ. તારો હગો (સગો) માખીઓ આખો દિવસ મારી ઉપર બેઠા રાખશે. મારે અત્યારે નાવું (નાહવું) પડશે જનાવરની જાત.ભૂતડા...

બાકી બધા સોળાં પીવા લાગ્યા. જીંગાભાઈને ભગતબાપા એ એક બીજો ગ્લાસ સોળાનો આપ્યો અને બોલ્યા કે હવે કોઈને પણ ઘડિયાળનો સમય બતાવતો નહીં. છાનો માનો આ ગ્લાસ પીજા.

બધા એ નિરાંતે સોળા પીધી.બધા બસ તરફ આવ્યા. અમને બધાને હસતા જોતા જીંગો બોલ્યો;"કેવો જમાનો આવ્યો,બીજાની મદદ કરીએ તોઇ બધા હસે બોલો."

બધા બસમાં ગોઠવાયા. હવે અમારે સીધું જવાનું હતું હલ્દી ઘાટીનું મેદાન તથા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ અને મહારાણા પ્રતાપ મ્યુઝિયમ ઘર જોવા... માટે વિજયભાઈએ બસને હલ્દીઘાટીના મેદાન તરફ દોડાવી મૂકી....

બસમાં ગીત ચાલુ હતું.... સુહાના સફર ઔર યે મોસમ હસી....હમે ડર હૈ હમ ખો ન જાયે કહી.....
બધા ગીતના તાલ સાથે મનના તાલ મેળવીને આરામ દાયક પળનો લ્હાવો લઈ રહ્યા હતા. બપોરનો સમય હતો એટલે થોડી થોડી ઊંઘ પણ આવી રહી હતી.પણ આસપાસ નું વાતાવરણ જોવામાં ઊંઘને દૂર ભગડવી પડે ને!!!!

ક્રમશ::::

આવતા ભાગમાં રાજસ્થાનનું ગુલાબી શહેર, બિરલા મંદિર વિશે જોશું અને સાથે જીંગાના ઝલસા તો ખરા જ

તો વાચતા રહો જીંગાનાં ઝલસા ભાગ 6...

આપના પ્રતિભાવની રાહે રાજુસર......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED