Jingana jalsa - 8 books and stories free download online pdf in Gujarati

જીંગાના જલસા - ભાગ 8

પ્રકરણ 8


આગળ આપણે જોયું કે રાજસ્થાનની સરહદથી થોડે દૂર અમારી બસનો કાચ તૂટ્યો,અને અમારે 12 વાગ્યા પહેલા સરહદ છોડવાની હતી...
હવે આગળ....

વિજયભાઈને પાટો બાંધી પાછા જયપુર જવાનું નક્કી કર્યું. ભગતબાપા ડ્રાઇવિંગ સીટ પર બેઠા. વિજયભાઈને પાછળની સીટમાં સુવડાવ્યા. જીંગાભાઈ બોલ્યા;"જવા દયો બાપા બસ.. પણ જો જો આ આપણું ગુજરાત નથી હો!"

ભગતબાપાએ બસ જવા દીધી જયપુર તરફ પાછી. દસ-પંદર કિલોમીટર ચાલ્યા ત્યાં આગળ એક પોલીસ ચેકપોસ્ટ હતી અને રોડ પર પાણીના પીપ રાખ્યા હતા, એટલે વાહન ચાલકે વાહન ધીમું પાડું પડે અને ટૂંકા વળાંક લઈને આગળ જવું પડે.

ભગતબાપાએ બસ ધીમી તો પાડી પણ વણાંક લાંબો લેવા ટેવાયેલ આ ડ્રાઇવરે ટૂંકો વળાંક લીધો પણ બે પાણીના ખાલી પીપને બસ અડાડી દીધી!

પોલીસમેને સીટી વગાડી એટલે થોડે આગળ બસ ઉભી રાખી. ભગતબાપા કહે,"કોઈ નીચે ન ઉતરતા. હું અને જીંગો પતાવી લેશું."

"લે હું પણ આવવાની, જો જો હું એને કેવો સીધો કરી દવ છું." આટલું બોલતા તો મંછાબહેન બસ નીચે ઉતરી ગયા. પાછળથી જીંગાભાઈને ભગતબાપા પણ નીચે ઊતર્યા.

"તમે તો સાવ કેવા માણસો છો, આ ટીપણા (પાણીના પીપને કાઠીયાવાડીમાં ટીપણા કહેવાય) આડા રાખ્યા અને પાછા રાખ્યા એ તો ઠીક, પણ થોડી વધારે જગ્યા તો રખાયને. પાકા ડ્રાઇવર તો આમાંથી બસ કાઢી લે. પણ, આવા ગરઢા ડ્રાઇવર કેમ કાઢી શકે.એક તો અમારે મોડું થાય છે અને પાછા તમે હહુડી (સિટી) મારો છો." મંછાબહેને ચાલુ કર્યું.

"એ મંછાળી તું શાંત થા મારી માવડી. નહીતો આ તારો હગલો (સગો) બસની હારે હારે(સાથે સાથે) આપણને પણ અંદર પુરી દેહે (દેશે). હું સમજાવું છું. હવે તું કંઈ ન બોલતી બળબમ."

"જો સાહેબ એમાં વાત એમ હે કે હમારી બસના આગળના કાચ તૂટી ગયા હૈ. ડ્રાઇવરને થોડા લાગી ગયા હૈ, ઔર આ બાપાને થોડા થોડા ડ્રાઇવિંગ આવડતા હૈ, તો ભાઈસાબ - બાપા અમને જવા દેવાના .અમારે દવાખાને પણ જવાના હૈ."હાથ જોડતા જોડતા જીંગો પોલીસને કહેવા લાગ્યો. પોલીસ કેટલું સમજ્યા એ તો ખબર ન પડી પણ, જીંગાએ હાથ જોડીને વિનંતી કરી એ જોઈ કદાચ એ પોલીસમેને અમને જવા દીધા. બધા પાછા બસમાં ગોઠવાયા એટલે જીંગાએ પાછું ચાલુ કર્યું..."

"એ ડોબી મંછાળી બાપની ન્યાં (બાપને ત્યાં) ક્યારેય સમાધાન કરવા ગઈ છો તે ખબર પડે કોની સાથે કેમ બોલાય. બળબમના પેટની, આ તો એને ગુજરાતી નહોતું આવડતું એટલે ....નહીં તો ભાઠા (લાકડી) વારી કરત તારો ડોહો આપણને.."

"જાને ડોબા એક નાની વાતમાં શું પોલીસને સમજાવ્યું કે જાણે મોટો રાક્ષસ માર્યો હોય એવો પાવર કરશ!"

એક હોટલની બાજુમાં મોટુ ગેરેજ જોયું એટલે ભગતબાપાએ બસ ત્યાં થોભાવી, નીચે ઉતરી ગેરેજ વાળા ભાઈ સાથે ચર્ચા કરી.

"ભૈયાજી યહાં સે કાચ લેને જાના પડેગા. એક કામ કરીએ આપ હમારે સાથ ઇસ ભૈયા કો ભી હમારી જીપમે લે લો. હમ આપકો હોસ્પિટલ છોડકે કાચ લેકે વાપસ આતે વકત ઇસ ભૈયાકો વાપસ સાથમે લે લેંગે ."

અમને એ ભાઈની સલાહ ગમી એટલે વિજયભાઈ, ભગતબાપા અને અમારા સર એ ભાઈની જીપમાં બેઠા ને નીકળી પડ્યા કાચ લેવા તથા દવાખાને.

લગભગ અડધી પોણી કલાક બાદ પેલી જીપ કાચ અને અમારા વિજયભાઈને લઈને પાછી આવી ગઈ.વિજયભાઈને હજુ દુખાવો થતો હતો એટલે એ ડ્રાઇવિંગ સીટની પાછળની સીટમાં સૂઈ ગયા. અને ગેરેજ વાળા ભાઈઓ કાચ ફીટ કરવા લાગ્યા.

અડધા કલાકની ચાર જણાની મહા મહેનતે કાચ ફીટ થયો એટલે અમે બધા પાછા બસમાં ગોઠવાયા.

હવે અગિયાર ને પિસ્તાલીસ જેવું તો થયું હતું. દવાની અસર થઈ એટલે વિજયભાઈને હવે દુઃખાવો ઓછો થયો,આથી બસ ચલાવવા વિજયભાઈ બેઠા. બધાએ નક્કી કરી લીધું હતું કે ત્રણ ગણો દંડ ભરવાનો જ છે.

રાજસ્થાન સરહદથી એકાદ કિલોમીટર દૂર હસે ત્યાં જીંગાએ વિજયભાઈને કહ્યું, "બસ રોકો હું કંઈક કરું." એમ કહી નીચે ઉતર્યો, "પોલીસની સીટી વાગે એટલે ફટાફટ તમે અહીંથી બસ લઈને નીકળી જજો."

હવે ત્યારે અત્યારની જેમ સીસીટીવી કેમેરા કે ટાઈટ સિક્યુરિટી તો હતી નહીં. ત્યારે તો ખાલી ચેક નાકા પર બે જમાદાર હોય ને એક વાંસના દાંડાને દોરીથી બાંધી ઉપર-નીચે કરે એટલે વાહનો જતા રહે અને જીંગાભાઈ આ બધું જાણતો હતો એટલે એ પહોંચ્યો બંને હવાલદાર પાસે. રાતે એક વાગ્યા જેવું થયું હતું ને એવા સમયે આ અમારો ગરીબડો દાનવીર બંને જમાદારોને જોઈને સલામ કરતા બોલ્યો;" સાહેબ આ દેશ તમારા જેવા સેવાભાવી સાઇબોથી(સાહેબો) જ સુરક્ષિત છે, મારી એક ઈચ્છા છે કે મારે તમારા જેવા સાહેબોની સાથે ચા પીવી છે. હું બીજું કંઈ તો ન કરી શકું પણ તમને બંનેને ચા તો પાઈ જ શકું ને!જો તમે મારી સાથે ચા પીવા ચાલો તો મને ખૂબ જ આનંદ થશે."

"પણ ભાઈ પણ અહીંયા કોણ રહેશે?"

"સાહેબ થોડીવારમાં કોણ વય જવાનું છે. છતાય તમારે એવું હોય તો હું મારા કાકાને બોલાવી લાવું. એ અહીંયા ઉભા રહેશે,"એમ બોલી ભગતબાપાને બોલાવી ગયો.

ભગતબાપાને ચેકપોસ્ટ ઉપર ઊભા રાખી જીંગો બંને જમાદારને ચા પીવા લઇ ગયો.લગભગ પાંચસો મીટર જેટલું રોડથી અંદર ચાની હોટલ હતી ત્યાં જવા નીકળ્યા. રસ્તામાં જીંગો બોલ્યો;" સાહેબ મને નાનપણની ઈચ્છા છે કે પોલીસની સીટી વગાડવી. જો તમે કહો તો એક વખત આ સીટી વગાડવા આપોને.જમાદારે સીટી આપી. જીંગાએ સીટી વગાડી અને અમે સીટી સાંભળી એટલે બસ જવા દીધી. ભગતબાપાએ વાંસનો ડંડો ઉંચો કર્યો અને બસ ઉત્તર પ્રદેશની સરહદમાં પહોંચી ગઈ. ચા પાણી પીવડાવીને જીંગો તથા ભગતબાપા વીસ પચ્ચીસ મિનિટ બાદ બસે પહોંચ્યા.અમને આ બધું જીંગાએ કહ્યું . હવે તેને ત્યાં હિન્દીમાં આ બધું કેમ સમજાવ્યું હશે એ તો મારો ભગવાન જાણે! પણ અમે હેમખેમ ઉત્તર પ્રદેશમાં પ્રવેશી ગયા.

વહેલી સવારે તાજમહેલથી દસેક કિલોમીટર દૂર એક ધર્મશાળાના પાર્કિંગમાં બસ ઊભી રહી. બધા નાહી- પરવારીને સવારના નાસ્તા માટે તૈયાર થયા. ત્યાં ચા અને ભાખરીનો નાસ્તો આરોગી તાજમહેલ જોવા રવાના થયા.

તાજમહલમાં પ્રવેશવા માટે આમ તો મુખ્ય ત્રણ પ્રવેશદ્વાર છે. એક ઇસ્ટ, બીજો વેસ્ટ અને ત્રીજો સાઉથ ગેટ. અત્યારે સાઉથ ગેટ સુરક્ષાના કારણોથી બંધ રાખવામાં આવ્યો છે.

તાજમહેલના પરિસરમાં 'તાજમહેલ મ્યુઝિયમ' રાખવામાં આવ્યું છે. જેમાં લગભગ એકસો વીસ પ્રકારના પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે. જેમાં પાંડુલિપી, લઘુચિત્રો, શાહી આદેશ પત્રો અને શસ્ત્રો મુખ્ય છે. આ ઉપરાંત આ મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ છે શાહજહાં અને મુમતાઝની તસવીર. જે ઉડીને આંખે વળગે એ રીતે રાખવામાં આવી છે.

દુનિયાની સાત અજાયબીમાંની એક અજાયબી એટલે તાજમહેલ.આ તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં કરાવ્યું હતું.આ તાજમહેલનું નિર્માણ કાર્ય લગભગ એકવીસ વર્ષ સુધી ચાલ્યું હતું.ખરેખર તાજમહેલની સુંદરતા જોતા જ બનતી હતી. તાજમહલનો પડછાયો રસ્તાના વચ્ચોવચ પાણી ભરેલ છે તેની અંદર જોતાં જ આપણા મનને આકર્ષિત કરે છે.અમે આ વિશ્વના અજુબાને મન ભરીને માણ્યો અને સીધા જ નીકળી પડ્યા 'મહેતાબ બાગ જોવા'.

'મહેતાબ બાગનો' અર્થ 'ચાંદકી રોશનીકા બાગ ' જેવો થાય છે .યમુના નદીના કિનારે લગભગ ૨૫ એકર જેટલી વિશાળ જગ્યામાં બનાવેલ છે. આ બગીચામાંથી તાજમહેલ નયનરમ્ય દેખાય છે. આ બગીચામાં સુગંધિત ફૂલો તથા લીલીછમ લોન અને શીતળ હવા આપણા મનને પ્રફુલ્લિત કરી દે છે. હવે અમે બસ તરફ ચાલવા લાગ્યા.અમારે પણ ભોજન આરોગવાનો સમય થયો હતો.

અમે અમે બસે પહોંચ્યા તો ત્યાં બે ફોરેનર કપલ મંછાબહેન અને જીંગા સાથે વાતો કરતા હતા. મને આશ્ચર્ય થયું કે આ ફોરેનરનું અંગ્રેજી આ બંને કેવી રીતે સમજતા હશે.

હું ઝડપથી રસોઇ બનતી હતી ત્યાં ગયો. ફોરેનર કપલમાંથી લેડીઝ હતા એ મંછાબહેનને રસોઈ બનતી હતી એ તરફ હાથનો ઇશારો કરતા બોલ્યા; "વોટ ઈસ ધીસ." મંછાબહેન શું સમજ્યા એ તો ખબર નહીં પણ રસોઈ તરફ હાથનો ઇશારો કર્યો એટલે તરત બોલ્યા;"ઇઝ ધીસ રસોઈ.. બપોરે ખાવા.. બધા છોકરાઓને..." (અમારા અમારા તરફ હાથનો ઇશારો કરતા)

ફોરેનરોને પણ થોડું-ઘણું સમજાયું હોય એમ લાગ્યું ને બોલ્યા;"ઓહ....કુકિંગ....ઓલ.. ચિલ્ડ્રન આર ઈટિંગ.."

વાહ મંછાબહેન જમાવટ.. પણ મંછાબહેન મોજમાં આવી ગયા અને જીંગા તરફ હાથનો ઇશારો કરીને બોલ્યા ;"ધીસ ઇજ ગંધારા, ગોબરા, વાંદરા..."

અને પછી જીંગો વિફર્યો "ઈટ ઈઝ બળબમના પેટની, વળવાંદરી , હળબમ, હોકી, ડુંચી,ગાભી, લબાચી, કોથળી, ભૂત."

"વોટ.... બલ....બમ...., વલ.... વાંદરી..."

"હવે આને આ શબ્દનો અંગ્રેજી અર્થ કેમ સમજાવવો બોલો!"

એક કપલે જીંગાને કહ્યું;"યુ આર વન ફોટો વીથ મી?"

"હા..... હા..... ફોટો.... બાજુ.. બાજુમાં ઊભા... પાડવા....." હાથના ઇશારાથી સમજાવતા હરખાતો હરખાતો જીંગો બોલ્યો.

ફોરેનરોએ એક એક ઊભા રહીને જીંગા સાથે ફોટા પડાવ્યા અને અમારી રસોઇ થોડી જમી અને મંછાબહેનને જમવાના પૈસા આપવા લાગ્યા.

"અમે પૈસા નો લઈ... અમે તો બધાને પ્રેમથી ખવરાવી(ખવડાવી)". મંછબહેને આતિથી ભાવ દેખાડ્યો.

ફોરેનારો હસતા હસતા જતા રહ્યા.પણ હા ક્લિક એન્ડ પ્રિન્ટ કેમેરા હતો એટલે એક એક કોપી જીંગાને પણ આપતા ગયા.

"જીંગાભાઈ તો જાણે ભગવાનના ફોટા હોય એમ આ ફોટા સચવા લાગ્યો અને બધાને કહેતો ફરવા લગ્યો કે જોવો આ વિદેશી ભુરીયા મારી સાથે ફોટો પડાવવા આવ્યા હતા."

"હા એ પણ એના દેશમાં કહેતા હશે કે અમે ભારતના બે પગ વાળા વાંદરા સાથે ફોટો પડાવ્યો જોવો જોવો!".. જીંગાને ચીડવતા મંછાબહેન બોલ્યા.

"જા ને મંછાળી તારી હારે (સાથે) ન પડાવ્યો એમાં આટલા મરચા કેમ લ્યે છે."( મરચાં લેવા એટલે બીજાની કોઈ વાત પર ઈર્ષા કરવી)

બધાએ બપોરનું ભોજન આરોગ્યું અને થોડા આરામ બાદ ચાલી નીકળ્યા આગ્રાનો કિલ્લો જોવા.

આગ્રા પોર્ટની ડિઝાઇન દિલ્હીના લાલકિલ્લા જેવી હોવાથી આ કિલ્લાને પણ આગ્રાનો લાલકિલ્લો કહેવામાં આવે છે. યમુના નદીની સામે અર્ધચંદ્રાકાર આકૃતિમાં બનાવેલા આ કિલ્લો મનોહર દેખાય છે. આ ઐતિહાસીક સ્થળને યુનેસ્કોની 'વર્લ્ડ હેરિટેજ સાઇટમાં' પણ સામેલ કરવામાં આવ્યો છે. આ આખો મહેલ હિન્દુ કલ્ચર મુજબ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેમાં બે પાલખી મહેલ પણ બનાવવામાં આવ્યા છે, જે જહાંગીરે એમની બંને દીકરીઓ માટે બનાવ્યા હતા. કિલ્લાની ફરતે જંગલ વિસ્તાર અને તેમના સિંહ વાઘ જેવા વિકરાળ પ્રાણીઓ તથા કિલ્લાની દીવાલ પાસે મોટી પાણીની નહેર બનાવવી હતી અને તેમાં મગરમચ્છ રાખવામાં આવતા હતા. જેથી દુશ્મનો કિલ્લાની અંદર પ્રવેશ કરી શકે નહીં. આમ આ કિલ્લો દુશ્મનોથી સુરક્ષિત રહેતો હતો.

આગ્રા પોર્ટથી અમે બુલંદ દરવાજા ગયા. મુઘલ બાદશાહ અકબરે ગુજરાત પર જીતની યાદમાં બુલંદ દરવાજો બનાવ્યો હતો. જે આગરાથી ૨૩ કિલોમીટર દૂર છે.

બુલંદ દરવાજાથી અમે ત્રીસથી પાંત્રીસ મિનિટની મુસાફરી બાદ 'સુર સરોવર બર્ડ સેંચ્યૂરી' પહોંચ્યા.

કીઠમ તળાવના કાંઠે બનાવેલ આ બર્ડ સેંચ્યૂરીમા લગભગ 100 થી વધુ જાતિના પક્ષીઓ જોવા મળે છે.જેમાં સ્થાનિક તથા પ્રવાસી પક્ષીઓનો સમાવેશ થાય છે. સાયબીરિયન સારસ અહિયાનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે.

હવે અમારે સીધા ભગવાન શ્રીકૃષ્ણનું ધામ ગોકુળ મથુરા જવાનું હતું.અલબત્ત ત્યાં પહોંચીને સાંજનું ભોજન લઈ સુઈ જવાનું હતું.

ભગવાન કૃષ્ણ કનૈયાલાલની જય બોલાવી બસ ચાલી નીકળી ભગવાનની બાળલીલાના દર્શને .મેં ઘડિયાળમાં જોયું તો સાંજના છ અને ત્રીસ થઈ હતી.

ક્રમશ:::

આગળ આપણે ગોકુળ મથુરા વિશે જાણીશું અને સાથે જીંગાભાઈ તો ખરાજ....

તો વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 9....

આપના પ્રતિભાવની રાહે રાજુસર.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED