જીંગાના જલસા - ભાગ 12 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંગાના જલસા - ભાગ 12

પ્રકરણ 12


આગળ આપણે હરિદ્વારના અમુક સ્થળો વિશે માહિતી મેળવી...
હવે આગળ....

વિષ્ણુઘાટથી અમે પાવનધામ પહોંચ્યા.પવનધામ હરિદ્વારથી લગભગ બે કિલોમીટર દૂર છે. પાવનધામને પ્રાચીન મંદિરોમાંથી એક મંદિર ગણવામાં આવે છે. પાવનધામ કલાત્મક મૂર્તિ અને કાચની કલાઓ માટે પ્રખ્યાત છે.પાવનધામને કાચનું મંદિર પણ કહેવામાં આવે છે.અહીંયા દેવી -દેવતાઓની મૂર્તિને રંગીન કાચથી સજાવવામાં આવ્યા છે.આ કાચની કલાત્મકતા આપણને અભિભૂત કરી દે એવી છે. આખા મંદિરને ચક્કર લગાવતા લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે. મૂર્તિ તથા કાચની વિવિધ કળાઓ જોઇને આપણે આશ્ચર્ય ચકિત બની જઈએ છીએ.અમે આ કલાત્મક મૂર્તિઓ અને રંગીન કાચની કલાકારીગરી નિહાળી નીકળી પડ્યા ગૌઘાટ તરફ.

આ ઘાટ ગૌહત્યાના પાપથી મુક્ત થવા તથા પોતાના સ્નેહીજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે પ્રખ્યાત છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીના અસ્થી આ ઘાટમાં પધરાવવામાં આવ્યા હતા. હરિદ્વારના અન્ય ઘાટની સરખામણીમાં આ ઘાટ પર ઓછી ભીડ હોય છે. અહીંયાથી અમે સપ્તર્ષિ આશ્રમ પહોંચ્યા.

આ આશ્રમ હરિદ્વારનો સૌથી પ્રખ્યાત આશ્રમ છે.તે હરિદ્વારથી લગભગ પાંચ કિલોમીટર દૂર આવેલ છે. તેની સ્થાપના ગોસ્વામી ગુરુદત્ત દ્વારા 1943માં કરવામાં આવી હતી.એક દંતકથા મુજબ કશ્યપ, વશિષ્ઠ, અત્રી, વિશ્વામિત્ર, જમદગ્નિ, ગૌતમ અને ભારદ્વાજ નામના સાત મહાન ઋષિઓ આ જગ્યા પર ધ્યાન કરતા હતા. ગંગા નદીના પ્રવાહના ભારે અવાજને કારણે ધ્યાનમાંથી મન વ્યગ્ર થતું હતું. આથી આ ઋષિઓએ ગંગાના પ્રવાહને થંભાવી દીધો.આથી માતા ગંગાએ પોતાના પ્રવાહનો અવાજ ઓછો કરવા પોતાના પ્રવાહને સાત અલગ પ્રવાહમાં રૂપાંતરીત કર્યો.આથી આ સ્થળ સપ્ત સરોવર તરીકે પણ ઓળખાય છે. આગળ જતા આ સાત પ્રવાહો પાછા એક પ્રવાહમાં જોડાઈ જાય છે.પાંડવો હિમાલય પ્રવાસ દરમ્યાન આ જગ્યા પરથી પસાર થયા હતા.આ સ્થળ પર નદીના કાંઠે આ પાંચેય ભાઈઓની પ્રતિમા પણ બનાવવામાં આવી છે.

આ આશ્રમમાં ગરીબ બાળકો માટે સંકુલની અંદર છાત્રાલય અને સંસ્કૃત શાળા પણ આવેલી છે. ભજન અને આરતી જેવી ધાર્મિક પ્રવૃત્તિ સાથે અહીંયા ધ્યાન અને યોગના વર્ગોનું પણ આયોજન કરવામાં આવે છે.

સપ્તર્ષિ આશ્રમથી અમેં ભીમગોડા પહોંચ્યા.

આ જગ્યા પર મહાબલિ ભીમે પોતાનો ઘૂંટણ મારીને કુંડ બનાવ્યો હતો.હાલમાં અહીંયા ગંગા નદીનું પાણી વહે છે.અહીંયા સુંદર અને સુગંધિત ફુલોનો બગીચો પણ આવેલ છે.

હવે અમે દક્ષ મહાદેવ મંદિર પહોંચ્યા.

દક્ષેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. દક્ષ પ્રજાપતિ કે જે દેવી સતીના પિતા હતા. એમણે અહીંયા યજ્ઞ દરમિયાન ભગવાન શિવનું અપમાન કર્યું અને તે બદલ દેવી સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો.એ જ જગ્યા પર આ મંદિર બન્યું છે.અમે ભગવાન ભોલેનાથના તથા દેવી સતીએ જે જગ્યા પર દેહ ત્યાગ કર્યો એ જગ્યાના દર્શન કરી નીકળી પડ્યા ચંડીદેવી મંદિર.

ચંડીદેવી મંદિર હાલ તો રોપવેની સુંદર વ્યવસ્થા છે.પણ અમે તો ચાલીને જ પર્વત ચડવા લાગ્યા.

નીલ પર્વતના શિખર પર સ્થિત ચંડીદેવી મંદિર બાવન શકતી પીઠમાંથી એક શક્તિપીઠ.

ચંડીદેવી મંદિર પવિત્ર શહેર હરિદ્વારમાં આવેલ છે.આ મંદિર ચંડીદેવીને સમર્પિત છે. આ મંદિર હિમાલયની દક્ષિણની પર્વત સાંકળ શિવાલિક ટોચની પૂર્વ શિખર પર નીલ પર્વતની ટોચ પર સ્થિત છે.કાશ્મીરના રાજાએ પોતાના શાસનકાળમાં ચંડીદેવી મંદિરનું 1929 માં નવનિર્માણ કરાવ્યું હતું. તેમ છતાં એવું કહેવાય છે કે આ મંદિરમાં ચંડીદેવીની મુખ્ય મૂર્તિ આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવી હોવાનું કહેવાય છે.નીલ પર્વત પર આવેલ તીર્થ સ્થળ તરીકે ઓળખાતું આ મંદિર હરિદ્વારમાં સ્થિત પંચતીર્થ (પાંચ તીર્થસ્થાનો) માંનું એક છે.

ચંડિકાની ઉત્પત્તિની પાછળ એક દંતકથા કઈક આ મુજબ છે.

એક વખત રાક્ષસરાજાઓ શુમ્ભ અને નિશુમ્ભે સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન જીતી લીધું અને સ્વર્ગમાંથી દેવતાઓને હરાવી બહાર કાઢી મૂક્યા.દેવતાઓ દ્વારા પ્રાર્થના કર્યા બાદ માતા પાર્વતીમાંથી એક દેવી શક્તિ નીકળી.આ દેવી શક્તિ સાથે રાક્ષસરાજ શુમ્ભાએ લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી,દેવી દ્વારા ના પાડવા પર, શુમ્ભાએ તેના રાક્ષસ વડા ચંડ અને મુંડને તેની હત્યા કરવા મોકલ્યો.તેઓ ચંડિકાના ક્રોધથી ઉદભવતા દેવી ચામુંડા દ્વારા માર્યા ગયા હતા.ત્યારબાદ શુમ્ભ અને નિશુમ્ભને સામૂહિક રીતે ચંડિકાને મારી નાખવાનો પ્રયાસ કર્યો પણ તેના બદલે દેવીએ તેમને મારી નાખ્યા.ત્યારબાદ, કહેવામાં આવે છે કે ચંડિકાએ નીલ પર્વતની ટોચ પર થોડા સમય માટે આરામ કર્યો હતો.આ દંતકથાની સાક્ષીરૂપ આ મંદિર બનાવવામાં આવ્યું છે. ઉપરાંત, પર્વતમાળામાં સ્થિત બે શિખરોને શુમ્ભ અને નિશુમ્ભ પણ કહેવામાં આવે છે.

ચંડીદેવીના દર્શન કર્યા બાદ અમે બપોરનું ભોજન આરોગ્યું. ભોજન બાદ બધા આરામ કરવા જુદા જુદા વૃક્ષ નીચે બેઠા, તો કોઈ બસની અંદર બેઠા હતા. જીંગાભાઈ બસના પગથિયા પર બેઠા હતા.

"એ ડોબા જો વાંદરા આવ્યા!"

"જાને બળબમ! તારા હગલા (સગા) છે, તો તારી પાસે આવ્યા હશે? મને શું કામ કયે (કહે) છે?"

"એ જનાવર તો આમાં ખારો (ગુસ્સો) કેમ થાસ(થાઈ છે). એકવાર વાંદરાઓ સાથે લડ્યો અને હારી ગયો એમાતો જાણે ભવોભવની લડાઈ હારી ગ્યો હોઈ એમ હોગીયું મોઢું (દુઃખમાં બેસેલ વ્યક્તિના ચહેરાને હોગીયું મુખ કહે અમારા કાઠિયાવાડમાં) કરીને બેઠો છો."

"તે તું પણ એક વાર બાજી (ઝઘડો કરી જો) જો એટલે ખબર પડશે... વળવાંદરી."

"જીંગા વાંદરા સામે જો નહીં તો કંઈ નહીં, પણ કોઈ સાથે વાતો ન કરે કેમ ચાલે?"જીંગાને હિંમત આપતા હું બોલ્યો.

"રાજુભાઈ વાતો શું કરવી? પણ આ મંછાળીને પૂછો મુંબઈ રેલ્વે સ્ટેશન શું થયું હતું?"

"હે મંછાબહેન શું થયું હતું?"

"કંઈ નહિ રાજુ!આ ડોબાને બોલાવું નથી એટલે મને કયે (કહે) છે."

"એ બળબમ રેલવે સ્ટેશને સાહેબ હારે (સાથે) શું માથાકૂટ કરી'તી?"

"મંછાબહેન શું થયું હતું કહોને મને!"

"હા કવ (કહું).મારા મોટા હહરાની (સસરાની) દિકરી રસીલા મુંબઈ રહે છે.હું એકવાર ત્યાં ગઈ હતી."

રસીલા મને કહે;"કાકી ચાલો તમને મુંબઈ દર્શન કરાવું." હું અને રસીલા નીકળી પડ્યા મુંબઈ દર્શન માટે.

અમે ટ્રેનમાં જવાના હતા.સ્ટેશને ગયા એટલે રસુ મને કહે;" કાકી મારો હાથ છોડતા નહીં. નહીતો તમે જુદા પડી જશે."

ટ્રેન આવી પણ એમાં બોવ (બહુ) ગીરદી હતી. આથી મેં કીધું (કહ્યું) કે;" આપણે બીજી ટ્રેનમાં જઈએ તો? આમાં તો બહુ ગીરદી છે."

"કાકી અહીંયા લોકલ ટ્રનમાં આવી જ ગીરદી હોય છે. તમે ખાલી દરવાજા પાસે ઉભા રહી જશો એટલે ધકામુકીમાં આપોઆપ ચડાવી દેશે." અમે તો બેય (બંને) મહિલા ડબ્બામાં ચઢી ગયા. પહેલું જ સ્ટેશન આવ્યું ત્યાં મને ધકા ઉપર ધકાં લાગવા લાગ્યા. મારાથી રસુનો હાથ છૂટી ગયો. મને ધક્કા મારી- મારીને ટ્રેન નીચે ઉતારી દીધી. હું હજુ રાડો પાડવા જતી હતી ત્યાં તો ટ્રેન ઉપડી ગઇ.

"હવે શું કરવું? ત્યાં મને તરત યાદ આવ્યું કે મારી પાસે સરનામું તો છે જ! એટલે વિચાર્યું કે બહાર નીકળી રક્ષા (રિક્ષા) કરીને ઘરે વય જઈશ."

હું બહાર નીકળવા માટે ચાલતી થઈ ત્યાં રેલવેનો સાહેબ સામે મળ્યો.મને કહે "મેડમજી ગેઇટ પાસ દિખાઈએ."

હું કઈ સમજી નહિ એટલે પાછું કહે "ટિકટ હૈ આપકે પાસ."

"ટિકિટ તો નહિ હૈ,પણ સરનામા હૈ.બતાઉ"

"મેડમજી ટિકટ નહિ હૈ તો ગેઈટ પાસ દિખાના પડેગા.વરના જૂર્માના ભરાના પડેગા."

"ક્યાં જુરમાના એટલે?"

"મેડમજી દંડ મતલબ પૈસા".

"મેં કેમ પૈસા દુ હે.એક તો મારે જ્યાં જવાના હતા એના પહેલા ધક્કા માર કે ઉતાર દિયા. ટિકીટ કા રૂપિયા તો પાછા નહીં મિલેગા અને પાછા આપ કે'તે (કહેતો) હૈ કિ પૈસા દેના પડેગા.તમારા મોટા સાહેબ પાસે ફરિયાદ કરના પડેગા મેરેકો.લાંચ માંગતે હો.ગાવકી ઔરત દેખી નહીં કે ચાલે આયે પૈસે માગને! હમ ભલે અભણ રહ્યા પણ એટલા તો પતા હૈ કે પૈસા માંગના એટલે લાંચ લેવાના.તુમ્હારે બડે સાહેબ ક્યાં મિલેગા બતાવો."

"સાહેબ તો મારી હમુ (સામે) ટગર ટગર જોયા રાખતો હતો. એટલે હું પાછી બોલી;"આમ ટગર ટગર ક્યો દેખ રહે હો.ઘરમાં મા-બહેન નહીં હૈ ક્યાં?"

અમારી વચ્ચે આવી રકજક ચાલુ હતી ત્યાં રસું બીજી ટ્રેનમાં પાછી આવી. મારી પાસે આવીને બોલી;" કાકી સારું કર્યું તમે અહીં જ રોકાયા. મને તો પેટમાં ફાળ પડી ગયો હતો!"

"પછી પેલો સાહેબ અમારી સામે જોઇ રહ્યો હતો એટલે રસુએ એને બધું સમજાવ્યું અને એ દાંત (હસતો) કાઢતો કાઢતો જતો રહ્યો."

પછી તો શું મેં રસુને કીધું;" મારે નથી જોવું મુંબઈ હાલ ઘરે જતા રય(રહી)."

રસુ સમજી ગઈ કે કાકી ટ્રેનની ભીડથી ગભરાઈ ગયા એટલે એને બીજે દિવસે અમારા બંનેના નામ મુંબઈ દર્શનની બસમાં લખાવ્યાં અને મને આખું મુંબઈ દેખાડ્યું.

"વાહ મંછાળી તને બાકી હિન્દી બોલતા બહુ સારું આવડે!"

"જાને ડોબા તારા કરતાં સારું આવડે છે."

અમે બધા પણ હસતા હસતા મનસાદેવી મંદિર તરફ ચાલતા થયા.

મનસાદેવી મંદિર બિલવા પર્વતની ટોચ પર આવેલ છે.આ મંદિરને બિલવા તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે, હરિદ્વારની અંદર પંચ તીર્થ (પાંચ તીર્થસ્થાનો) માંનું એક તીર્થ સ્થાન એટલે મનસાદેવી મંદિર.

એવું કહેવાય છે કે અહીંયા જે પણ ભક્ત પોતાની મનની ઈચ્છા દેવી સમક્ષ રજૂ કરે એ ઈચ્છા પૂર્ણ થાય છે. ભક્તો પોતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે દેવીને પ્રાર્થના કરતા મંદિરમાં આવેલા ઝાડની ડાળીઓને દોરો બાંધે છે. જે ભક્તની ઇચ્છા પૂર્ણ થઈ જાય પછી,અહીંયા પાછા આવી ઝાડની ડાળીથી દોરો છોડી લે છે. અલબત્ત પોતાનો જ દોરો શોધવો મુશ્કેલ પડે એટલે ગમે તે એક દોરો છોડી લેવાનો હોય છે.અહીંયા પ્રાર્થના માટે નાળિયેર, ફળો, માળા અને ધૂપ પણ ચડવવામાં આવે છે.

મનસાદેવી મંદિર એક સિદ્ધ શક્તિ પીઠ છે (ભક્તોની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે જાણીતી દેવી છે).હરિદ્વારમાં સ્થિત આવા ત્રણ પીઠોમાંથી એક શક્તિપીઠ એટલે મનસાદેવી મંદિર. મંદિરમાં બે મૂર્તિ બિરાજમાન છે.એક આઠ ભુજા વાળી અને બીજી ત્રણ માથા અને પાંચ ભુજા વાળી.અમે અંતરના ભાવ સાથે દર્શન કાર્ય અને ચાલી નિકળ્યા માયા મંદિર તરફ.

બધા બસમાં ગોઠવાયા ને બસ સીધી પહોંચી માયાદેવી મંદિર.

માયાદેવીનું મંદિર હર કી પૌરીની પૂર્વ દિશામાં આવેલ છે.એવું માનવામાં આવે છે કે દેવી સતીનું હૃદય અને નાભિ આ જગ્યામાં પડ્યા હતા.અને એજ જગ્યા પર મંદિર સ્થિત છે.તેથી આ મંદિરને પણ બાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.

મંદિરના ગર્ભગૃહમાં ત્રણ દેવીઓની મૂર્તિ બિરાજમાન છે.જેમાં મધ્યમાં માયાદેવી, ડાબી બાજુએ કાલીદેવી,જમણી બાજુમાં કામાખ્યા દેવી બિરાજમાન છે.અમે ભાવપૂર્ણ દર્શન કર્યા ને સીધા બસમાં ગોઠવાય.કેમ કે હવે અમારે જવાનું હતું ભારતમાતા મંદિર.

ભારતમાતા મંદિર હરિદ્વારની મધ્યમાં ગંગા નદીના કિનારે આવેલ આઠ માળનું છે.દરેક માળ અલગ અલગ થીમ દ્વારા નિર્મિત છે.આ મંદિરની સ્થાપના સ્વામી સત્યનંદ ગીરીએ કરી હતી અને ભારતના સ્વર્ગસ્થ વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરગાંધીના હસ્તે 1983માં ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

પહેલો માળ ભારત માતાને સમર્પિત છે.અહીંયા ભારતમાતાની સુંદર મૂર્તિ છે.બીજા માળેને શુરમંદિર તરીકે ઓળખવામાં આવે છે.જે પ્રખ્યાત ભારતીય નાયકોને સમર્પિત છે.ત્રીજો માળ માતૃ મંદિર તરીકે ઓળખાય છે.જે ભારતની મહાન સ્ત્રીઓ મીરાં, સાવિત્રી જેવી મહિલાઓને સમર્પિત છે.ભારતના વિવિધ ધર્મોના મહાન સંતોને દર્શાવતો આ ચોથો માળ સંતમંદિર તરીકે પ્રખ્યાત છે.પાંચમા માળમાં એક એસેમ્બલી હોલ આવે છે,જેની દિવાલ પર ઘણા પાઈન્ટિંગ દ્વારા ભારતના ઘણા ધર્મના શાંતિપૂર્ણ સહસ્તિત્વ દર્શાવવામાં આવ્યા છે.છઠ્ઠો માળ હિન્દુ દેવી શક્તિઓને સમર્પિત છે.આ માળામાં દેવી શક્તિના વિવિધ સ્વરૂપો દર્શાવવામાં આવ્યા છે.સાતમા માળે ભગવાન વિષ્ણુના દરેક અવતાર બતાવવામાં આવ્યા છે.આઠમા માળામાં ભગવાન શંકરનું મંદિર છે.ભોળાનાથને સર્વોચ્ચ દેવ માનવામાં આવે છે.સાથેસાથે અહીંયાથી રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન પર્વતો અને હરિદ્વારની મનોહર આકશીરેખા જોઈ શકાય છે.

આ મંદિર 180 ફૂટની ઊંચાઈ ધરાવે છે.તથા બધા માળે જવામાટે લિફ્ટની પણ સુવિધા છે.મંદિરના પ્રાંગણમાં એક ખૂબ જ મોટો ભારતનો નકશો બનાવ્યો છે.મંદિરનું બાંધકામ અને ડિઝાઇન વખાણવા લાયક છે.

હવે અમે પહોંચ્યા હરિદ્વારની સૌથી પ્રખ્યાત જગ્યા હર કી પૌરી.

સૌથી મહત્વની ઘટના કુંભ મેળો, જે દર 12 વર્ષે હરિદ્વારમાં ઉજવવામાં આવે છે. હરિદ્વાર કુંભ મેળા દરમિયાન, મોક્ષ પ્રાપ્ત કરવા માટે તથા પાપોને ધોવા માટે લાખો યાત્રાળુઓ, ભક્તો અને પ્રવાસીઓ ગંગા નદીના કાંઠે આવેલ આ ધાર્મિક સ્થળમાં સ્નાન કરે છે.

એક દંતકથા મુજબ સમુદ્ર મંથન દરમ્યાન નીકળેલ અમૃતનો ઘડો પક્ષીરાજ ગરુડ લઈ જતો હતો ત્યારે ચાર સ્થળો પર અમૃતના ટીપા પડ્યા હતા.જેમાનું એક એટલે હરિદ્વારનું હર કી પૌરી. અહીંયા બ્રમાજીએ યજ્ઞ કર્યો હતો એટલે આ જગ્યાને બ્રમ્હા કુંડ પણ કહે છે.જ્યાં અમૃત પડ્યું તે સ્થળ એટલે હર કી પૌરી.હર કી પૌરી જેનો શાબ્દિક અર્થ થાય છે, "ભગવાનના પગથિયા".આ ઘાટ હરિદ્વારનો સૌથી પવિત્ર ઘાટ માનવામાં આવે છે. અહીંયા ભગવાન વિષ્ણુના પગલાના ચિન્હો પણ જોવા મળે છે.આ એ જગ્યા છે જ્યાં ગંગા નદી પર્વતો છોડી મેદાનોમાં વહેવાનું ચાલુ કરે છે.

મોગલ કાળ દરમિયાન હરિદ્વારમાં મુઘલ બાદશાહ અકબરના તાંબાના સિક્કા માટે ટંકશાળ હતી. એવું કહેવામાં આવે છે કે મહારાજા માનસિંહે હાલના હરિદ્વાર શહેરનો પાયો નાખ્યો હતો અને હર કી પૌરી ખાતેના ઘાટનું નવીનીકરણ પણ કર્યું હતું. તેમના મૃત્યુ પછી, તેમની રાખ પણ બ્રહ્મા કુંડમાં (હર કી પૌરી) પધરાવવામાં આવી હોવાનું કહેવાય છે.અહીંયાથી લોકો ગંગાજળ સાથે લઈ જાય છે. જેનો ઉપયોગ બધા અલગ અલગ સમયે કરે છે.કોઈ ભગવાન શિવના અભિષેક માટે તો કોઈ મૃત્યુ સમય પહેલા ગંગાજળ પાવા માટે વાપરે છે.

અહીંયાંની ગંગા આરતી જે હર કી પૌરીમાં ગંગાનદી પાર થાય છે.સવારે અને સાંજે આ આરતીના દર્શન કરવા માનવ મહેરામ ઉભરાઈ છે. આ આરતીનો નઝારો જોવો એ એક લાહવો છે.એમાંય સંધ્યા આરતી તો અલૌકિક છે.અમે મન ભરી આ આરતીના દર્શન કર્યા ને બસમાં ગોઠવાયા.બસ પહોંચી ધર્મશાળાએ.અહીંયા સાંજના ભોજનની તૈયારી ચાલુ હતી.

જીંગભાઈ બસના પગથીયે બેઠા બેઠા કંઈક વિચારતો હતો.મંછાબહેન વાસણ સાફ કરવા પાણી ગરમ કરતા હતા.ચૂલા પર પાણીનો મોટો ટોપ મૂકવો હતો એટલે જીંગાને બોલાવ્યો.જીંગાભાઈ ઉભા થઇ ટોપ મૂકવા ગયા,ત્યાં ઉપર ઝાડ પરથી એક વાંદરો છલાંગ મારી જીંગાની બાજુમાંથી નીકળી ગયો,પણ જીંગોતો એની મસ્તીમાં જ ટોપ મુકાવી પાછો પગથીયે બેસી ગયો.

ઝાડ ઉપર રહેલા વાંદરાઓ મસ્તીએ ચડ્યા.ઉપરથી ઝાડની ડાળખી નીચે મંછાબહેન પર ફેંકવા લાગ્યા.

"એય ડોબા જોને આ વાંદરા હખ (નિરાંત) નથી કરવા દેતા. ભગાડને અહીંયાથી આને."

પણ જીંગોતો એમ જ બેસી રહ્યો. ત્યાંતો એક વાંદરો એકદમ પાતળી ડાળના છેડે આવ્યો ને ડાળ નીચે નમી એટલે મંછાબહેનના માથામાં એનું પૂછડું લગાડતો ઉપર ચડી ગયો.હવે મંછાબહેનનો મગજ છટક્યો.એને પાણા (પથ્થર) ઉપાડી ઉપર ઘા કરવા લાગ્યા.પણ એમ કંઈ ભાગે તો એ વાંદરા થોડા કહેવાય! ઝાડના પર્ણો, ડાળખાં વગેરે મંછાબહેન ઉપર નાખવા લાગ્યા.વળી પાતળી ડાળખી નીચે નમાવી મંછાબહેનને માથામાં પણ સળી કરવા લાગ્યા.

"એય જીંગા હાલને હવે આ વાંદરાઓને ભગાડને વળી."

ક્રમશ:::

શું જીંગાભાઇ વાંદરા સાથે પાછી લડાઈ લડીને પહેલા જેવા થઈ જશે??

મંછા બહેનની મદદ જીંગો કરશે???

આ બધા પ્રશ્નોના જવાબ માટે વાચતા રહો જીંગાના ઝલસા ભાગ 13....

આપના પ્રતિભાવની રાહે રાજુ સર....