રેડીએશન Mukesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડીએશન

રેડીએશન

મુકેશ પંડયા

મારા નાના મગજમાં સામાન્ય સોજો હોવાને કારણે સારવાર હેતુ હોસ્પિટલમાં રેડીએશન લેવા જવાનો મારો 1 સપ્ટેમ્બર 2020 ના રોજ પાંચમો દિવસ હતો.જોકે એક વાત મને અને પરિવાર,સગા-સબંધીઓ,મિત્રોને ખુબ આનંદ આપી રહી હતી કે મારે પણ મગજ છે તે હવે 63 વર્ષની ઉંમરે એકદમ ફાઇનલ થઇ ગયુ હતુ. સંધ્યા સમયની શ્રાવણીના ઝરમરીયાની વાછટ સોલા-ઘાટલોડીયાના સમગ્ર માર્ગ સહિત પશુ-પક્ષી,જીવ-જંતુ ચલ-અચલને જાણે શુધ્ધતા બક્ષીને કોરોના મહામારી અને સૂર્યદેવતાના કાળઝાળ ગુસ્સા પર અમીછાંટણા કરી વાતાવરણમાં શીતળતા અને શાંતિ બક્ષી રહી હતી. સતાધાર ચારરસ્તા પાસે સિગ્નલે લાલ આંખ બતાવતા ઝીબ્રા કોંસીંગથી પાંચેક ફૂટ દૂર દિકરા દ્રોણે કારને સ્થગિત કરી અને કારની અંદરની સફાઇ કરવા લાગ્યો.દરમ્યાન સમય સમય પર દરેક સાઇડ ખુલતી રહી અને મોટાભાગનો ટ્રાફિક પોતાના વારા-નિયમ મુજબ સરળતાથી પસાર થઇ રહ્યો હતો.વાતાવરણ ખુશનુમા હોવાને કારણે મેં કાર બાહરની શુધ્ધ હવાની લહેરખી અને જમીનની ભીનીભીની ખુશ્બુની લાલચ ન રોકતા કારનો ગ્લાસ ઉતારીને હવાનો ઉંડો શ્વાસ ફેફસામાં ફેંકયો જેણે મગજ તરબતર કરી દીધું.આ દરમ્યાન અમારી સાઇડ ચાલુ થતા દિકરાએ કારને આગળ વધારી.પાણીમાં સરકતા સાપ અને માછલીની જેમ સરસર,સરપટ અમારી તરફનો સમગ્ર ટ્રાફિક ધીરે ધીરે અમદાવાદી પધ્ધતિ મુજબ આગળ વધી રહ્યો હતો. દિકરો સાઇટ પરના અવ્યવસ્થિત ટ્રાફિકનું ધ્યાન રાખતા વીસથી પચ્ચીસની સ્પીડ પર કાર હંકારી રહ્યો હતો.કારે ચારરસ્તા ક્રોસ કર્યા અને તે રસ્તાના કોર્નર પર બીઆરટીએસ કોરીડોરની રેલીંગ નજીક અમારી કાર પહોંચી ત્યાં અચાનક સન એન્ડ સ્ટેપ કલબ, ડ્રાઇવ-ઇન રોડ તરફની પોતાની બંધ સાઇડમાંથી એક સફેદ એકટીવા પર જાળીદાર ટોપી પહેરેલા ખુબસરત દેખાતા બે યુવકો પોતાની મસ્તીમાં અમારી કાર સહિત સમગ્ર ટ્રાફિક લાઇનને ડિસ્ટર્બ કરતા રસ્તો ક્રોસ કરીને નીકળી ગયા.તે સ્થળનાં સીસીટીવી કેમેરા જો સંચાલિત હશે તો તે સમગ્ર પ્રક્રિયા તેમાં કેદ હશે.તેમની આ હરકત સમયે અન્ય વાહનોને પણ અડચન પેદા થઇ અને તે યુવાનો બિલકુલ અમારી કારની અત્યંત નજીકથી એકટીવાની આડીઅવળી ભયાનક રીતે સાઇડ કાપતા નીકળ્યા. આ અફરાતફરીને લીધે મારા દિકરાને કારને બે-ત્રણ વખત બ્રેક મારવી પડી અને થોડી તકલીફ ભોગવવી પડી. દિકરાએ સ્થિતી સંભાળી લીધી પરંતુ તેમની ગેરકાનૂની હરકતના કારણે ગુસ્સો આવતા દિકરાએ તે યુવાનોને ‘’એ હરામીના પેટના,નાલાયક ’’ જેવી ગાળની નવાજીશ કરી.રોડ ક્રોસ કરી ગયેલા એ યુવાનોનું અસલ પોત પ્રકાશ્યુ પોતાની ભૂલ સુધારવા કે માનવાને બદલે મોટા અવાજે માતાની એક ગંદી ગાળ બોલતા હાથના ઇશારા કરતાં નિર્લજ્જતાથી પોતાના રસ્તે આગળ વધી ગયા.વરસાદી ઠંડક ગરમી અને ગુસ્સામાં ફેરવાઇ ગઇ. કાર સોલા બ્રીજ પરથી સાયન્સ સિટી ગરનાળા તરફ આગળ વધી રહી હતી.દિકરાએ કારના ગ્લાસ લગાવીને એસી ચાલુ કરીને ગુસ્સામાં ટોપીધારીઓની હરકતો પર બોલી રહ્યો હતો અને હું પણ તેની વાતોમાં સુર પુરાવી રહ્યો હતો. કાર બ્રીજ પરથી પસાર થઇ રહી હતી.સુર્યદેવતા વરસાદી ઝરમરીયાથી થોડા શાંત સ્વરૂપમા આવી ગયા હતા.સંધ્યાના લગભગ સાડાચારના સમયે તેઓએ તેમની કેશરીયા આભા સમગ્ર અંબરમાં ફેલાવી દીધી હતી.ભીંજાયેલા રસ્તા પરના પાણી સાથે કારના ટાયરની જુગલબંધી સમાન સરસરાહટ કારનું એસી ચાલુ હોવા છતાં સંભળાઇ રહી હતી.રસ્તા પર સૌ જાણે આરામ અને મસ્તીમાં ચલિત, વિચરીત, દોડી,ભાગી રહ્યા હતા.બ્રીજની આસપાસના ફલેટ વાળાઓ બાલ્કની,બારી,છત પર આવીને કુદરતને માણી રહ્યા હતા.કાછીયા પરિવાર શાકની લારી પર મસ્તીની તાનમાં બેઠો હતો અને તેમનો પાલક લારી સાથે લાંબી છલાંગો મારી કોઇ ભજન ગાતો વાતાવરણને જાણે પી રહ્યા હતો.આ દ્રશ્યો જોઇને બે-ત્રણ મિનિટમાં કારમાં દિકરા અને મારી વચ્ચેનું વાતાવરણ હળવું થઇ ગયું અને હોસ્પિટલમાં રેડિએશન સમયે ડોકટર સાથે અન્ય કયા મુદ્દાઓ પર વાત કરવાની છે તે વિષે વાતો કરવા લાગ્યા.આ દરમ્યાન દિકરાએ અમારી બંનેની ઉંમર અને મર્યાદાની લિહાઝ કરે તેવો એક જોક સંભળાવ્યો અને અમે બંને ખડખડાટ હસવા લાગ્યા.પરંતુ અમારુ ખડખડાટ પુર્ણ થાય તે પહેલા કારના કાચ પર ખખડાટ થયો.કાર લગભગ બ્રીજ પાર કરીને સોલા-સાયન્સ સિટી ગરનાળા સુધી પહોંચવા આવી હતી.ખખડાટને કારણે બારી બાહર નજર નાખી તો મન થડકી ઉઠયું અને થોડો ગભરાટ અને ગુસ્સો બંને એક સાથે મારા અને દિકરાના ચહેરા પર ફરી વળ્યા. કાર પર ખખડાટ કરનારા સતાધાર ચાર રસ્તા પર રોંગસાઇડમાંથી નીકળેલા જાળીદાર ટોપી પહેરેલા પેલા બે એકટીવા સવાર યુવકો હતા અને અમને કાર રોકીને બાહર આવવા માટે પડકારી રહ્યા હતા.દિકરાએ કારની સ્પિડ યથાવતજ રાખી સંપૂર્ણ સ્વસ્થતા જાળવીને કાર હાંકવાની ચાલુ રાખી.અમે સોલા સાયન્સ સીટી અંડરપાસ પસાર કરી લીધો.જોકે પેલા યુવકો ફરીથી કારને એકતરફ લેવા માટે દિકરાને ઇશારો કરવા લાગ્યા.આ દરમ્યાન મેં સમયસુચકતા વાપરીને મોબાઇલમાં તેમનો વિડીયો ઉતારી લીધો અને ત્યારબાદ પોલિસ કંટ્રોલરૂમમાં ફોન કરીને મદદની માંગણી કરવામાં વ્યસ્ત થઇ ગયો.થોડીજ ક્ષણોમાં કંટ્રોલ રૂમનાં સ્ટાફે મને “હું આપને શું મદદ કરી શકું” નો પ્રશ્ન કરતાં મેં પોલિસને સમગ્ર ઘટના,ઘટનાનું સ્થળ,અમારું તે સમયનું ચોક્કસ લોકેશન બતાવ્યા તો પોલિસે મદદ મોકલી આપવા માટે મારી મંજુરી માંગી.પરંતુ હું મદદ મોકલવા પોલિસને મંજુરી આપુ તે પહેલા દિકરાએ મને જણાવ્યું તે યુવકો ગાયબ થઇ ગયા છે તે દેખાતા નથી એટલે યુવાનોનાં પાછા ચાલ્યા જવાની વાત મેં પોલિસમેનને જણાવીને હાલ તુરંત મદદ ન મોકલશો તેમ કહી તેમનો આભાર માન્યો અને જણાવ્યું જો જરૂર પડશેતો ફરી ફોન કરીશ.મેં અને પોલિસમેને એકબીજાને સરકારી પ્રોટોકોલ મુજબ “જયહિંદ સર” કહીને કહી વાત પૂરી કરી.પોલિસ સાથે વાતચીત અને યુવાનોની બદમાશી બાદ તેમના પલાયનની મુખ્ય ઘટના મારે રેડિએશન લેવાના એક મોટા હોસ્પિટલના સો મીટરના દાયરામાં ઘટી ગઇ. હોસ્પિટલમાં પહોંચીને રેડીએશન સહિતની માત્ર અરઘા કલાકની મેડિકલ અને અન્ય પ્રકિયા પૂરી કર્યા બાદ અમે ઘર તરફ રવાના થયા ત્યારે મનમાં થોડો થડકાર જરૂર હતો કે ક્યાંક પેલા યુવાનો અન્ય સ્થાન પર અમારી રાહ જોતા ન હોય એટલે મેં મારા દિકરાને કારને ક્યાંય પણ રોકતો નહીં તેની ખાસ હિદાયત આપી દીધી.જોકે તેના મનમાં પણ એજ વાત રમી રહી હતી.ખેર અમારા ભય મુજબ કશું થયુ નહીં અને અમે અમારા વિસ્તારમાં પહોંચીને રાહતની સાંસ લીધી. અગિયાર રેડીએશનમાંથી પાંચમું રેડીએશન લેવા પછીના દિવસેજ લેવા જવાનું હતું.સમય પણ નિયમ મુજબ સાંજનો હતો.ગઇકાલની એકટીવા સ્કૂટરના યુવાનોની ઘટના મગજમાં સ્થાપિત થઇ ન હોવાથી તે જાણે એકદમ વિસરાઇ ગઇ હતી.જોકે ઘટના-દુર્ધટના,જોગ-સંજોગ માણસને જીવનમાં કયાં,કેવીરીતે,કયારે છાતી સામે આવીને પડકારે તે કોઇ કહી શકે નહીં.અમે સમયસર હોસ્પિટલમાં રેડીએશન માટે પહોંચી ગયા.દિકરાએ કારને હોસ્પિટલનાં ભોયરામાં યોગ્ય જગ્યાએ પાર્ક કરવા ઉભી રાખી અને પાર્કિંગ માટે આજુબાજુની જગ્યા જોવા લાગ્યો.આ દરમ્યાન હું કારની બાહર નીકળીને એક તરફ ઉભો રહી ગયો.મારા સ્થાનથી લગભગ દસ ફૂટ જેટલા અંતર પર એક પિલ્લર હતો તેની પાછળથી ગઇકાલ અમને પડકારનારા એકટીવા સવાર બંને યુવકો અચાનક મારી તરફ આવતા જણાયા.દિકરો કાર પાર્કિંગ કરવામાં વ્યસ્ત હતો અને હું વધુ શારિરીક ક્રિયા કરી શકવા સક્ષમ પણ ન હતો એટલે તેમને જોઇને જડ્વત ઉભો રહ્યો. તે બંને યુવાનોને જોઇને મારાતો જાણે હાંજા ગગડી ગયા અને વિચારવા લાગ્યો કે કાલે તો બચી ગયા હતા.પરંતુ આજે આ લોકો અહીંયા સુધી આવી ગયા છે એટલે આ ગુંડાઓ અમને માર્યા વગર છોડશે નહીં.મન મારૂં અનેક શંકા-કુશંકાઓથી ઘેરાવા લાગ્યુ હતુ.આ દરમ્યાન હોસ્પિટલનાં વોચમેનને મેં ઇશારો કરીને મારા તરફ બોલાવ્યો.દરમ્યાન મારો દિકરો પણ કાર પાર્ક કરીને મારી પાસે આવી પહોંચ્યો હતો.મારો ચહેરો જોઇને દિકરો મને શું થયું તે વિષે પૂછપરછ કરવા લાગ્યો.મારોતો અવાજ જાણે ગર્ભમાં ઉતરી ગયો હતો,હું દિકરાને તે યુવાનો તરફ માત્ર ઇશારો કરી શક્યો.જોકે દિકરાએ તે યુવાનોને જોયા બાદ પણ મને હિંમત આપતા બોલ્યો તમને પહેલા રેડીએશન રૂમમાં પહોચાડુ પછી તેમની વાત. દિકરા અને હોસ્પિટલનાં વોચમેને મને સલામત રીતે રેડીએશન રૂમમાં પહોચાડી દીધો અને સમયસર મારુ રેડીએશન શરૂ થઇ ગયુ. મારી રેડિએશનની પ્રકિયા માત્ર દસ મિનીટ ચાલતી હતી જે મારા નાનામગજના ચોક્કસ સ્થાન પર કરવામાં આવતી હતી એટલે ડોકટર અને તકનીશિયનની ગાઇડલાઇન્સ મુજબ રેડીએશનની પ્રક્રિયા દરમ્યાન સારા પરિણામ માટે મશીન પર પડેલા મારા શરીરને મારે શાંત,સામાન્ય,નિશ્ચિત સ્થિતીમાં લગભગ અચલ રાખવું અત્યંત જરૂરી હતું.રેડિએશનનાં પ્રથમ દિવસે મને આપેલ આદેશોનું હું અક્ષરસહ પાલન કરતા દાકતર, તકનીશિયનોને સંપૂર્ણ સહયોગ આપતો હતો એટલે રેડીએશન દરરોજ સમયસર દસ મિનીટમાં પુરૂ થઇ જતુ.રેડીએશન આપતા સમયે મારા સમગ્ર ચહેરા પર ફીટોફીટ ચોક્કસ પ્રકારના થર્મો પ્લાસ્ટિકમાંથી બનાવેલા 3 એમએમની જાડાઇ ધરાવતા જાળીદાર માસ્ક લાગેલ હોવાથી આંખો સંદંતર બંધ થઇ જતી,નાક,દાઢી અને પગ ચોક્કસ સ્થિતીમા રાખવા પડતા.પ્રતિ દિવસ 2 ગ્રે ની માત્રામાં મને રેડિએશન આપવામાં આવતુ હતું. અને આ દરમ્યાન બંધ આંખોએ પણ મશીનની હેવી લાઇટ સિવાય કશુંજ અનુભવી શકાતુ ન હતું એટલે મગજ પણ કુદરતી રીતે મશીન પર શાંતિથી દસ મિનીટ સુધી શાંતિ અનુભવતું. પરંતુ આજની સ્થિતી મારી સાવ વિપરીત હતી.મગજ વારંવાર પાર્કિંગ તરફ ભાગી રહ્યુ હતું,ખોટો ડર અને ઉપાધીઓ સાથેસાથે દિકરાની ચિંતા કરી રહ્યું હતુ.મન અને મગજની સ્થિતીને કારણે મશીન પરથી તકનીશિયનને મેં એક વખત સારવાર રોકવાનો ઇશારો કર્યો તો તેને પણ મારા આજના વર્તન પર નવાઇ લાગી.થોડીવાર બાદ ફરી રેડીએશન આપવાની પ્રક્રિયા શરૂ કરી અને પુર્ણ થઇ ત્યાં સુધી દસ મિનીટને બદલે લગભગ પચીસ મિનીટ જેટલો સમય વહી ગયો હતો. મારૂ રેડિએશન પૂર્ણ થતાં કેબીનની બાહર આવીને પાર્કિંગ તરફ આગળ વધ્યો.ત્યારે હોસ્પિટલના સિક્યૂરિટિ કેબીન પાસે મોટુ ટોળુ જમા થયેલ હતું અને ખુબજ અફરાતફરી જેવો માહોલ હતો.દિકરો મને દેખાયો નહીં એટલે મારી ધડકન વધી ગઇ.મારી નજર દ્રોણને શોધી રહી હતી.પેલા બે યુવાનો બૂમો પાડીને પોતાની સફાઇ આપવાની ચેષ્ટા કરી રહયા હતા પરંતુ પાર્કિંગમાં જમા થયેલ ભીડ તેમની વાત સાંભળવા તૈયાર ન હતી.હોસ્પિટલની સિક્યૂરિટિના દસ પંદર જેટલા જવાનો હાજર હોવાથી તે યુવાનોનું ખાસ કશુ જોર ચાલી રહ્યું ન હતું અને સિક્યૂરિટિના જવાનો તેમને ત્યાંથી ભાગી જવાની કોઇ તક આપવા માંગતા ન હતા.દ્રોણ નજરે ન પડતાં મારી સ્થિતી અત્યંત વિકટ થઇ ગઇ હતી.આ દરમ્યાન જે સિક્યૂરિટિમેન મને રેડિએશન રૂમ સુધી લઇ ગયો હતો તેની નજર મારા ઉપર પડતા તે દોડતો મારી પાસે આવી પહોંચ્યો અને મારો હાથ પકડીને કહેવા લાગ્યો.“સરજી આપ મેરે સાથ આઇયે કુછ ચિંતા મત કરીએ સબ કંટ્રોલ મેં હૈ” કહીને પોતાની કેબીન તરફ લઇ ગયો કેબીનનું દ્રશ્ય જોઇને મારા જીવમાં જીવ આવ્યો.દ્રોણ સિક્યૂરિટિની કેબીનમાં બેઠો હતો અને બે ત્રણ સિક્યૂરિટિના જવાનો કેબીન બાહર ઉભા હતા.હું દ્રોણને કશું પુછુ તે પહેલા સાયરન વગાડતી એક પોલિસવાન હોસ્પિટલના પાર્કિંગમાં ધસી આવી.હોસ્પીટલના સિક્યૂરિટિએ જરા પણ સમય ગુમાવ્યા વગર પેલા બે યુવાનોને પોલિસને સોંપી દીધા.પોલિસે તેમની જરૂરી પૂછપરછ કરી પોલિસને બંને યુવાનો ગુનેગાર લાગતા તેમની થોડી ધુનાઇ કર્યા પછી દિવાલ તરફ મોં કરીને ઉભડક પગે બેસાડી દીધા.આ દરમ્યાન પોલિસે સિકયૂરિટિ સ્ટાફની પૂછપરછ ચાલુ કરતા તેમણે જણાવ્યું “સર યહ અંકલ ઓર ઉનકા બેટા હમારે યહાં હરરોજ સંધ્યા કે સમય રેડિએશન લેનેકે લિયે આતે હૈં.ઓર ઇનલોગોંકે સાથ કલ રોંગસાઇડસે ગુજરનેકે બાદ ગાલી-ગલોચ કરનેકે બાદ કારકા પીછા કરતે હુએ કારસે બાહર આનેકે લીયે ધમકી દે રહે થે.લેકીન સર આજ યે દોનોં ઇનકા પીછા કરતે હુએ યહાં તક આ ગયે.ફીર યહ ભાઇસાહબ ઔર અંકલ કે સાથ ગાલી-ગલોચ કરને લગે ઔર હમકો ભી ધમકા રહે થે.” સિકયૂરિટિની વાતો સાંભળ્યા બાદ પોલિસ દ્રોણ અને મને મળવા સિકયૂરિટિની કેબિનમાંજ આવી ગયા.પોલિસ ઇનસ્પેકટરે અમને “સર જયહિંદ” કહીને કહ્યું “આપ જરાપણ ચિંતાના કરતા બધું જ કંટ્રોલમાં છે.” પોલિસના આ વહેવારે મને તેમનો મુરીદ બનાવી દીધો. “આપ લોકો છો પછી અમારે શું ચિંતા કરવાની હોય પરંતુ તમારો વહેવાર પ્રશંનીય છે શ્રીમાન નિશ્ચલ કુમાર તેની નેઇમપ્લેટ વાંચતા મેં કહ્યું આપનો ખુબ ખુબ આભાર.” “આપનો પણ આભાર સર,આપ લોકો સાથે કાલે શું થયુ હતું તે થોડુ વિગતવાર જણાવશો ? જેથી પોલિસ રાઇટર તે નોંધી લે.” “હા..હા,જરૂર સર.” મારી સ્થિતી જોતા મારા દિકરાએ ગઇકાલની સમગ્ર ઘટના વિગતવાર જણાવવા સાથે સાથે દિકરાએ મારી પાસેથી મોબાઇલ લઇને તે યુવાનોનો વિડીયો અને પીક્ચર્સ પણ રાઇટરને બતાવ્યા.પોલિસ રાઇટરની આંગળીઓ કાગળ પર દોડી રહી હતી ત્યારે ઇનસ્પેકટર નિશ્ચલ કુમારનું મગજ બીજે દોડી રહ્યુ હતું.રાઇટર અને અમારા વચ્ચેની કાર્યવાઇ પુરી થાય ત્યાં સુધી ઇનસ્પેકટરે કેબીનમાં આવીને રાઇટરને પોતાના મોબાઇલમાં મંગાવેલ અમારી સાથે થયેલ ગઇકાલની ઘટના સ્થળના વિડીયો ફૂટેજ બતાવીને તે મુજબના ગુનાની કલમો લગાડવાનો આદેશ આપ્યો.આ સાથે સાથે ઇનસ્પેકટરે કહ્યું કે “સર,આવી ત્રણ ચાર ટોળકી છે તે વસ્ત્રાપુર થી ઘાટલોડીયા-રન્નાપાર્ક,કેકે નગર સહિત વિવિધ વિસ્તારોમાં આવા કામોમાં થોડા સમયથી સક્રિય થઇ છે અને આ રીતે લોકોને હેરાન-પરેશાન,મારામારી કરવા સાથે તોડપાણી પણ કરે છે.કંટ્રોલરૂમમાં લગભગ દરરોજ એક બે ફરિયાદો આવતી હોય છે.અને બધાની મોડસ ઓપરન્ડી સરખી જ છે.”વાત પૂરી કરવા સાથેજ ઇનસ્પેકટરે કેબીન બાહર નીકળીને એક પોલિસમેનનો ડંડો હાથમાં લઇ પેલા યુવાનો પાસે પહોંચી ગયા અને કરડાકીભર્યા શબ્દોમાં આદેશ કરતા કહ્યું “તમારી કેટલા લોકોની ટોળકી છે?” “સાહેબ અમારી કોઇ ટોળકી નથી કોઇ ગેંગ નથી”.ઇનસ્પેકટરને હાથ જોડીને બંને જણા રડતા અને ગભરાતા એકજ વાત કહી રહ્યા હતા.ઇનસ્પેકટરે હાથના ડંડાને ઉગામી મારવાનું નાટક કરતા કહ્યું “સાચુ બોલી નાખો નહીં તો દસ મિનીટ પછી તમને આ હોસ્પિટલમાં દાખલ કરાવી દઇશ.મારી પાસે તમારા સહિત દરેકના સીસીટીવી ફૂટેજ આવી ગયા છે.”બંને યુવાનો એકબીજા સામે ગરીબ નજરે જોવા લાગ્યા.ગઇકાલ દમ મારનારા આજે બેદમ થઇ ગયા હતા આ જોઇને મને અને દ્રોણને એક અલગજ આનંદ આવી રહ્યો હતો.જોકે ઇનસ્પેકટર હવે તે યુવાનોને બક્ષવાના મૂડમાં ન હતો એટલે તેણે બંનેને એક-એક ડંડો જાંઘ પર મારતા કહ્યું “તમારે બોલવું તો પડશે જ.”યુવાનો ડંડાના મારથી કરાહવા લાગ્યા અને મોટા-મોટા અવાજો કરતા ભોંયરાનું વાતાવરણ બદલી નાખ્યું. ત્યાં અચાનક એક પોશ કાર પાર્કિંગમાં ધસી આવી.કારમાંથી બે ત્રણ અધિકારી જેવી દેખાતી વ્યક્તિઓ ઉતરી. તેમના ગળામાં તે હોસ્પિટલનાં આઇકાર્ડ ભરાવેલા હતા તેઓ સીધા ઇનસ્પેકટર નિશ્ચલ કુમાર પાસે જઇને તેમની સાથે વાત કરવા માટે પરમિશન માંગી.ઇનસ્પેકટર અને તે અધિકારીઓએ અમે ઉભા હતા ત્યાં આવી ગયા.અધિકારીઓએ પોતાને હોસ્પિટલનાં એચઆર અને એડમિનીસ્ટ્રેશ વિભાગનાં અધિકારી હોવાનું જણાવતા વિનંતી કરતા કહેવા લાગ્યા “સર આપને આ કામ માટે જોઇએ તો અન્ય સ્થળ કે કેબીન આપી શકીએ છીએ.સર આપ પ્લીઝ આ પાર્કિંગ સ્થળ અમને ખાલી કરી આપો તો સારુ કેમકે અન્ય દર્દીઓ પર અમારા હોસ્પિટલ માટે ખોટી ઇમેજ બંધાશે અને ધીમે ધીમે આ બાબતે હોસ્પિટલમાં હાજર લોકોમાં ગણગણાટ પણ વધી રહ્યો છે.” ઇનસ્પેકટરે તેમની વાત પર થોડીક મિનીટો વિચારમાં કાઢી,સમગ્ર વાતાવરણમાં ખામોશી છવાયેલ હતી.આ ખામોશીને ચીરતો ઇનસ્પેકટરનો અવાજ ગુંજયો “ભાનુપ્રતાપ આ ગાંડુઓને વેનમાં નાખો અને પોલિસ સ્ટેશન પહોંચો સાહેબોની વાત બરાબર છે.” ભાનુપ્રતાપે આદેશ માનતા પેલા યુવાનોને પોલિસવેનમાં બેસાડીને પોતે ડ્રાઇવીંગ સીટ પર બેસી ઇનસ્પેકટરના આગમનની રાહ જોવા લાગ્યા. ઇનસ્પેકટરના આ વર્તનથી અધિકારીઓ ચકિત થઇને તેમનો હ્રદયપૂર્વક આભાર માનવા લાગ્યા ત્યારે ઇનસ્પેકટરે કહ્યું “અરે સાહેબ અમારું કામજ જનતાની સમસ્યા દૂર કરવાનું છે.”પછી તે અમારી તરફ નજીક આવીને કહેવા લાગ્યા “સર,હું બને ત્યાં સુધી આપને કયારેય પોલિસ સ્ટેશન આવવું ન પડે તેવા પ્રયત્નો કરીશ,છતાં જરૂર પડે તો આપનો સંપર્ક કરીશ. આપનો ફોન નંબર અને સરનામુ રાઇટર પાસે છેજ” કહીને પોલિસ વેનમાં બેસી ગયા એટલે ભાનુપ્રતાપે વાન મારી મુકી.મેં અને દિકરાએ રાહતનો દમ ભરતા અને હોસ્પિટલનાં સમગ્ર સ્ટાફનો આભાર માનતા ઘર તરફ પ્રયાણ કર્યું.

*******

આ ઘટનાનાં થોડા દિવસ બાદ એક અજાણ્યા નંબરથી મારા મોબાઇલ પર રીંગ વાગી.ફોન પર હું કાંઇપણ પૂછતાછ કરું તે પહેલા સામેથી ગંભીર અને ભારે અવાજ ગુંજયો “સર હું સોલા પોલિસ સ્ટેશનમાંથી હવાલદાર ભાનુપ્રતાપ બોલી રહ્યો છું.ઇનસ્પેકટર નિશ્ચલ કુમાર સર આપની સાથે વાત કરવા માંગે છે.મેં મારો આંતરિક ડર છુપાવતા કહ્યું “જી જરૂર.” સામે છેડેથી નિશ્ચલ કુમારનો અવાજ ગુંજયો તેમણે મને જણાવ્યું “સર,આ સમગ્ર ટોળકી પકડાઇ ગઇ છે.અને તેમની બરાબર હવા ટાઇટ કરી દીધી છે.હવે આપ નિશ્ચિંત રહેજો આપને હવે અમારે કયારેય બોલાવવાની જરૂર નહીં પડે.” મેં ઇનસ્પેકટર અને તેમના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવતા તેમનો ખુબખુબ આભાર માન્યો.ત્યારબાદ સરકારી મહકમમાં તેમની અલગ કાર્યશૈલી,સૌની સાથે સહકારની ભાવના રાખવા બદલ ખુબખુબ આભાર માન્યો.ઇનસ્પેકટર નિશ્ચલે આપના અભિપ્રાય અને પ્રસંશા બદલ “આપને અનેક ધન્યવાદ” કહી ફોન કાપી નાંખ્યો.મારું મન જીતી ને ઇનસ્પેકટર નિશ્ચલે મને નિશ્ચિંત કરી દીધો હતો.

સમાપ્ત