બાળકોને સજા કરવી જોઈએ? - પ્રો. વિ. કે. શાહ Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળકોને સજા કરવી જોઈએ? - પ્રો. વિ. કે. શાહ

થોડા સમય પહેલાં એક ઘટના સાંભળવા મળી. હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્રીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ લેસન કર્યું નહોતું. તેના શિક્ષકે એ અંગે વિદ્યાર્થીને પૂછ્યું. એ બાબતે મમ્મીએ એના દીકરાને એટલો બધો માર્યો કે, તેના પડોશીએ આવીને બાળકને બચાવ્યું, એટલું જ નહીં, પણ દવાખાને દાખલ કરવું પડ્યું. વળી એના પપ્પાએ શિક્ષકને આત્મહત્યા કરવાની ધમકી આપી. સ્કૂલના સંચાલકોએ તાત્કાલિક શિક્ષકોની મિટીંગ બોલાવી અને શિક્ષકોને સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ વિદ્યાર્થીને લેસન અંગે કોઈ જ સૂચના આપવી નહીં, કંઈ જ બોલવું પણ નહીં, માત્ર ભણાવવાનું કાર્ય કરો. સંચાલકોએ જે નિર્ણય લીધો તે અંગે સવાલ કરવા કરતાં, મમ્મીએ એના સંતાનને લેસન નહીં કરવા અંગે આટલી બધી ક્રૂર રીતે મારવો જોઈએ ખરો?

વર્તમાન સમયમાં કદાચ માતા-પિતા અને શિક્ષકોની એક સર્વસામાન્ય ફરિયાદ એ છે કે, બાળકો કહ્યામાં નથી, શિસ્તમાં નથી. તેઓમાં સુટેવોનો વિકાસ થયો નથી. સવારે ઊઠવાથી માંડીને, બ્રશ કરવા માટે, ન્હાવા માટે, ખાવા માટે, મોબાઈલની ટેવો, ટીવી જોતાં જોતાં જ જમવાની ટેવ વગેરે અંગે સ્વાભાવિક રીતે જ નારાજ છે. એટલું જ નહીં, એ અંગે ગુસ્સો કરવો, માર મારવો કે બાથરૂમમાં પૂરી દેવા જેવી સજા કરવા છતાં બાળકોમાં કોઈ સુધાર જોવા મળતો નથી. કેટલાક માતા-પિતાની એવી ફરિયાદ પણ છે કે, હવે તો ગમે તેવી સજા કરો, માર મારો પણ બાળકોમાં કોઈ બદલાવ જોવા મળતો નથી. ઉપરાંત હવે તો માર પણ ખાઈ લે છે, પણ જો બાળકને કશું ન કરવું હોય તો ન જ કરે. કેટલીક વખત તો માતા-પિતાને રડવું પણ આવી જાય છે, કે બાળકો કેમ માનતા નથી? સજાની અસર પણ થતી નથી તો શું કરવું? લગભગ આ પ્રકારનો અનુભવ બધાને હશે જ!! સવાલ એ છે કે, બાળકોને સજા કરવી જોઈએ?

મનોવિજ્ઞાનના પ્રોફેસર વિ.કે.શાહ લિખિત લેખ આ પ્રશ્ન અંગે સમીક્ષા કરે છે.

બાળકોને સજા (Punishment) કરવી જોઈએ કે નહીં?

‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ’ આ સૂત્ર એક જમાનામાં પ્રચલિત હતું અને અમલમાં પણ હતું. ઘરગથ્થુ જોડકણામાં પણ સ્ત્રી અને બાળક ચૌદમાં રતનનાં અધિકારી ગણાતા. જેમકે,

‘બુધે જાર બાજરી, બુધે નાર પાંસરી

બુધે ડોબું દો’વા દે, બુધે છૈયું છાનું રહે.’

આજે આ માન્યતા અને વર્તન જંગલીપણાની નિશાની ગણાય છે. પત્ની પર હાથ ઉપાડનાર કે બાળકને ઝૂડનાર તરફ સમાજ માનની દ્રષ્ટિ એ જોતો નથી. જો કે આજે જૂના યુગની તરફેણ કરનાર પ્રતિનિધિઓ નથી એમ કહી શકાય નહીં. શાળામાં ઢોરમાર મારનારા શિક્ષકો અને બાળકોને સારી પેઠે મેથીપાક આપનાર મા-બાપ શોધવા મુશ્કેલ નથી. નવા જોડાનાર શિક્ષકને શાળાના નિયમો પર સહી કરવાની હોય છે, તેમાં શારીરિક સજા પર પ્રતિબંધની જોગવાઈ છે. પણ આપણા દેશમાં અને વહીવટમાં ઘણું ખરું કાગળ પર જ જોવા મળે છે.

પ્રશ્ન એ છે કે બાળકને કદી સજા કરવી જ ના જોઈએ? સજા એટલે શું? કરવી પડે તો સજાનું સ્વરૂપ અને હેતુ શા હોવા જોઈએ?

સામાન્ય અર્થમાં સજા એટલે અપેક્ષિત વર્તન ન કરે એટલે વ્યક્તિને શારીરિક અને માનસિક અસુખ પહોંચાડવું. નીતિશાસ્ત્રમાં સજાને નિષેધાત્મક બદલો (Negative Reward) એ રીતે ઓળખવામાં આવે છે. ઠપકો, નિંદા, માર, કેદ, અબોલા, જમવા ન આપવું, વ્યંગ કે ઉપહાસ કરવો, અમુક અધિકારો હંગામી કે કાયમી ધોરણે પાછા ખેંચી લેવાથી માંડીને દેહાંતદંડ સુધી સજાની યાદી લંબાય છે.

મનોવિજ્ઞાન સજાને -- અનિવાર્ય અનિષ્ટ – (Necessary Evil) તરીકે ઓળખે છે - મતલબ કે સજા અનિષ્ટ છે અને ન આચરવામાં જેવી છે, છતાં કરવી પડે તો અનિવાર્ય હોવા છતાં અનિષ્ટ મટી જતી નથી.

સજાની તરફેણ કરનારાની મુખ્ય બે બચાવદલીલો છે

(૧) ગુનેગારને સુધારવો,

(૨) બીજા પર દાખલો બેસાડવો, જેથી ભવિષ્યમાં અન્ય લોકો સજાના ભયથી ગુનો કરે જ નહીં.

આંકડાશાસ્ત્રીઓ બહુ જ નિરાશાજનક તારણો આપે છે કે, સજાથી ભાગ્યે જ ઉપરના હેતુ સિદ્ધ થાય છે.

મનોવિજ્ઞાન ગુનાઈત મનોદશા વિશ્લેષણ પાછળ ઠીકઠીક પરિશ્રમ કરી તારણો તારવે છે કે, દૂષિત બાળઉછેર, પ્રતિકૂળ વાતાવરણ અને ક્યારેક તો શારીરિક બંધારણીય ખામીને કારણે વ્યક્તિ ગુનાઓ તરફ ખેંચાય છે.

Kleptomania નામની મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિ કોઇને નુકસાન કરવા કે ચોરેલી વસ્તુઓથી આર્થિક ફાયદો ઉઠાવવા માટે નહીં પણ કોઇ અકળ દબાણ હેઠળ તેને ચોરી કરવાની ફરજ પડે છે.

એક ઉચ્ચ મધ્યમવર્ગની મહિલાને આ વિકૃતિ વળગેલી. કોઈને ત્યાં જાય ત્યાંથી ચમચી, તપેલી, ઘડિયાળ, દાગીનો કે છેવટે હાથરૂમાલ પણ હડપ ના કરે તો એક પ્રકારની વ્યાકુળતા કે બેચેનીથી તે પસાર થાય. આ વ્યક્તિ સજાથી સુધરી શકે ખરી? સજાની અધિકારી ખરી? કેટલા પ્રમાણમાં સજા કરી શકાય?

બાળક વિશે વાત કરીએ તો બાળક કેટલીક વાર અમુક આચરણ કરે તે ગુનો છે તેની પણ તેને સભાનતા ન હોય, માત્ર ઉત્તેજના કે જિજ્ઞાસા અથવા પોતાની ગમતી ચીજ પોતાની પાસે જ હોવી જોઇએ એવો માલિકીનો ભાવ - જેવા પરિબળો કામ કરતાં હોય છે, અને આપણે આપણાં ચશ્માથી તેનું પરિમાણ માપતા છળી ઉઠીએઃ ‘શું મારા બાળકે ચોરી કરી? મારો દીકરો ગંદી ગાળો બોલ્યો? થઈ રહ્યું, કળિયુગ આખરે તેનામાં પ્રવેશ્યો ખરો.’ આમ વલોપાત કરવા લાગી જઈએ છીએ.

શેરીમાંથી સાંભળેલી ગાળ - એક નવીન શબ્દ - જરા વટ પડે તેવો શબ્દ - રોફ મારી શકાય તેવો શબ્દ - એવા ખ્યાલમાં જ તે ગાળનો ઉપયોગ કરે છે - તેનો અર્થ તો જાણતો નથી - પણ આપણો માઇક્રોસ્કોપિક - વ્યૂ રાઈનો પર્વત કરી નાખે છે અને બાળક ઝૂડાઇ જાય છે.

ખૂબ સાવધાનીપૂર્વક આ પ્રસંગે પોતાનો અણગમો વ્યક્ત કરી તેને સમજાવી શકાય કે, ‘શાણા- ડાહ્યા છોકરા આવું ન બોલે.”

ક્યારેક તો ગુના કરતાં મા-બાપનો અહમ શિક્ષામાં કારણભૂત બને છે--

હું પ્રોફેસર અને મારો દીકરો પંદરમે નંબરે પાસ -- કેમ સહન થાય? ડૂબી મર ડૂબી મર –બેવકૂફ –લોકો શું કહેશે? પ્રોફેસર શાહનો દીકરો પંદરમે નંબરે પાસ! હું શું મોં બતાવીશ?’

આમાં પિતાનો અહમ ઘવાયો તેના પ્રત્યાઘાત જોવા મળે છે.

લેસન ન લાવ્યો તે ગુનામાં પણ ક્યારેક શિક્ષક આ જ રીતે વિચારે છે. ‘મેં લેસન આપ્યું અને તેં ના કર્યું? ડફોળ, તું સમજે છે શું? રાવળ સાહેબનો વિદ્યાર્થી લેસન વિના તેમના વર્ગમાં જવાની હિંમત જ કેમ કરે?”

અને રાવલ સાહેબનો ખોફ વિદ્યાર્થી પર ઉતરે અને સજામાં તેઓ પ્રમાણભાન કેટલું રાખવાના?

‘આ કવિતા 50 વાર લખી લાવજે. આ ખોટો પડેલો સ્પેલિંગ હજાર વખત લખી લાવજે, ક્યારેક હાથ પર ફૂટપટ્ટીના દસ ફટકા પડે. વર્ગની બહાર કાઢી મૂકે. ઉપરાંત બધા વિદ્યાર્થીઓની વચ્ચે અપમાનજનક વચનો તો બોલવાના.

આનું સીધું પરિણામ એ આવવાનું કે વિદ્યાર્થીને તે કવિતા કે સ્પેલિંગ પ્રત્યે જ નહીં, પણ વિષય પ્રત્યે અને શિક્ષક પ્રત્યે કડવાશની લાગણી જન્મવાની.

સજા ક્યારે અને શા માટે થાય છે, તેનો પણ બાળકને ખ્યાલ આપવામાં નથી આવતો.

વર્ષો પહેલાંની વાત છે. ગૌરવ પિતાજી પાસેથી દસ રૂપિયા લઇ બરફનો ગોળો ખાવા જાય છે. ગોળો પૂરો થાય છે પણ તેની દાઢમાંથી સ્વાદ જતો નથી. બરફ ઘસાય તે સંચામાં બ્લેડની વચ્ચે જે છીણ ભરાઈ રહ્યું છે, તેને ગૌરવ લારી પાસે ઊભો રહીને ખોતરે છે અને લારીવાળા સાથે ગપસપ કરે છે. તેના પિતા આ દ્રશ્ય જુએ છે અને ‘દસ રૂપિયા વાપર્યા તો ય ધરાયો નહીં?’ તેમ મનમાં બબડે છે.

પછી પપ્પા નાટકીય ઢબે વહાલથી તેને બોલાવે છેઃ ‘ગૌરવ…એ ગૌરવ બેટા! અહીં આવ તો!”

ગૌરવ હસતો હસતો પિતા પાસે આવે છે, વધુ નજીક બોલાવે છે. અને ડાબા હાથથી એક તમાચો ચમચમાવી દે છે. પિતાની વીંટી એટલા જોરથી વાગે છે કે ગાલ પર ઘા પડે છે, અને લોહી નીકળે છે.

‘બસ-જા અહીંથી આ જ લાગનો હતો’

ગૌરવ સમજી જ શકતો નથી કે આ સજા શા માટે થઈ? આજે પણ તેના ગાલ એ ઘાનો ડાઘ મોજૂદ છે પણ એથી વિશેષ ઘા તો તેના હૃદય પરની ચોટનો છે કે, ‘મારો શું ગુનો હતો? મને શા માટે માર્યો?

મનોવિજ્ઞાન સજાને ક્યારેય સ્વીકારતું નથી.

અનિવાર્યપણે સજા કરવી પડે તો પણ

૧. બાળકને તાત્કાલિક સજા કરવી જોઈએ. વિલંબ ના કરવો જોઈએ.

૨. બાળકને સજા શા માટે કરવી પડી, તેનું ભાન કરાવવું જોઈએ.

3. ગુનાના પ્રમાણમાં અને છતાંય શારીરિક ખોડખાપણ ન આવે તે રીતે સજા કરવી જોઈએ.

૪. સજા પાછળ પોતાનો અહમ તો કામ કરતો નથી ને તેની સ્વયંચિકિત્સા કરી લેવી જોઈએ.

૫. સજા કરનારને પોતાની સજા કર્યાનું દુઃખ થાય છે તેવી પ્રતીતિ બાળકને કરાવવી જોઇએ.

૬. સજા થઈ ગયા પછી સજા કરનાર કે સજા પામનારના હૃદયમાં કોઈ ડંખ રહેવો જોઈએ નહીં.

૭. સજા ક્યારેક બાળકના વ્યક્તિત્વને ભાંગી નાખે તે સ્વરૂપ ન હોવી જોઈએ. દા.ત. શાળામાં કોઈ વિદ્યાર્થી ચોરી કરતાં પકડાઈ તો તેના ગળામાં સ્લેટ ભરાવી – ‘મેં ચોરી કરી છે હવે હું નહીં કરું.’ - એવા લખાણ સાથે તેને વર્ગે વર્ગે ફેરવવાથી તેના સાથીદારોની નજરમાંથી તે ઉતરી જાય છે – સજાનો ડંખ કાયમી બની જાય છે – ક્યારેક આના પરિણામે તે વધુ રીઢો ગુનેગાર પણ બને છે.

૮. સહાનુભૂતિ, પ્રેમ, સહકાર અને માયાળુ વર્તનની અવેજીમાં ક્યારેય સજા આવી શકેશે નહીં. મતલબ કે સહાનુભૂતિ, પ્રેમ અને ક્ષમાથી સારા પરિણામો લાવી શક્યાના દાખલા છે.

‘માણસાઈના દીવા’માં પૂ. રવિશંકર મહારાજની સંતવાણીથી કે જયપ્રકાશ નારાયણની મંગળવાણીથી બારવટિયાઓ અને ડાકુઓના હૃદયપરિવર્તન થયાં, તે થ્રી નોટ થ્રીની બુલેટ કે ફાંસીના ફંદાથી ન થાત.

આવા રીઢા ગુનેગાર પર પણ જો સહાનુભૂતિ અને પ્રેમ અસર કરે તો બાળકો પર તો તે જરૂર અસર કરે. પણ તેમાં ધીરજ જોઈએ, માતા-પિતા અને શિક્ષકો તે રાખી શકે ખરા?