પ્રતિશોધ દ્વિતીય અંક: - 18 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 18

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-18

તારાપુર, રાજસ્થાન

"પંડિત શંકરનાથનું આગમન થતા જ મારા મનને ટાઢક વળી." આટલું કહી તેજપ્રતાપે બ્રહ્મરાક્ષસ બનેલા ભગતલાલ અને શંકરનાથ વચ્ચે થયેલા મુકાબલા અંગેની વાત કહેવાનું શરૂ કર્યું.

તારા દાદાજી સાથેની પ્રથમ મુલાકાતમાં જ હું સમજી ગયો હતો કે મારા પુત્ર રુદ્રનો જીવ બચાવવાની ક્ષમતા દુનિયામાં જો કોઈ વ્યક્તિ ધરાવતું હોય તો એ શંકરનાથ જ છે. એમની વાકછટા, એમનું જ્ઞાન, એમનું ચાતુર્ય અને નીડરતા જોઈ હું મનોમન એ દિવ્યાત્માનો નમન કરી બેઠો.

એમને મેં ભગતલાલના બ્રહ્મરાક્ષસ બનવાની અને એના દ્વારા કરવામાં આવેલી આકાશવાણી અંગેની સંપૂર્ણ વાત કહી સંભળાવી. આ દરમિયાન સિંહા સાહેબ પણ અમારી સાથે જ હતાં, સિંહા સાહેબે અત્યાર સુધી થયેલી દરેક હત્યાઓ અંગે પણ પંડિતજીને માહિતગાર કર્યા.

"તમારા પુત્રને ઊની આંચ નહીં આવે, બેફિકર થઈ જાઓ." મારા મુખેથી સંપૂર્ણ વિતકકથા સાંભળી લીધા બાદ પંડિતજીએ મક્કમ સ્વરે કહ્યું.

"સિંહા સાહેબ..આજે રાતે જ એ બ્રહ્મરાક્ષસનો અંત કરીશું." મનોમન કંઈક યોજના બનાવી પંડિતજીએ સિંહાસાહેબને કહ્યું. "તમારે આ માટે મારી થોડી મદદ કરવી પડશે."

આમ કહી પંડિતજીએ પોતાની યોજના મારા અને સિંહા સાહેબ સમક્ષ રાખી. એમની યોજના મુજબ જેમ સિંહ ને ફસાવવા બકરીનો ચારો રાખવાનો હોય એમ બ્રહ્મરાક્ષસનો અંત કરવા મારા પુત્ર રુદ્રને ચારો બનાવવાનો હતો.

પંડિતજીનો આ પ્રસ્તાવ સાંભળી પહેલા તો મારા હૈયે મોટી ફાળ પડી, જે પુત્રને બચાવવા હું આટલું બધું કરી રહ્યો હતો એને સામે ચાલીને મારે મોતના મુખમાં ધકેલવાનો હતો એ સાંભળીને તો મારું મગજ સુન્ન થઈ ગયું. આ યોજના મને મંજુર નથી એવું કહેવા માટે મેં જીભ ઉપાડવાનો પ્રયત્ન તો કર્યો પણ ખબર નહીં કોઈ ગેબી શક્તિએ મને પંડિતજીની યોજના પર વિશ્વાસ રાખવા કહ્યું અને મેં રુદ્રને ચારો બનાવી બ્રહ્મરાક્ષસનો અંત કરવાની પંડિતજીની યોજના સ્વીકારી લીધી.

મેં તો આ યોજના સ્વીકારી લીધી હતી પણ હવે સૌથી મોટો પ્રશ્ન હતો રુદ્રને સમજાવવાનો. એ હજુપણ આ બધી બાબતો પર વિશ્વાસ નહોતો ધરાવતો એટલે એને હું કઈ રીતે આ યોજનામાં સામેલ કરું એની હું અવઢવમાં હતો. મારી આ ચિંતા જોઈ પંડિતજીએ રુદ્રને એમની રીતે સમજાવવાની જવાબદારી લીધી.

એમને રુદ્રને કહ્યું કે પોતે પરલૌકિક શક્તિઓને કાબુમાં લેવાની કાબેલિયત ધરાવે છે. હું બ્રહ્મરાક્ષસમાં વિશ્વાસ ધરાવું છું એટલે પોતાને ખાસ અહીં બોલાવ્યા છે, બ્રહ્મરાક્ષસનો અંત કરવા. આ સાંભળી પહેલા તો રુદ્ર એમની વાતનો વિરોધ કરવા લાગ્યો પણ પછી પંડિતજીએ એક જ વાક્યમાં એને આ યોજનામાં સામેલ કરવા મનાવી લીધો.

"રુદ્ર, તું આવી વસ્તુઓમાં વિશ્વાસ ના ધરાવતો હોય તો આજે રાતે હું કહું ત્યાં જઈને અડધો કલાક એકલો ઊભો રહેજે. બ્રહ્મરાક્ષસ નહીં આવે તો તારા પિતાનો ડર ગાયબ થઈ જશે. અને જો તું આમ કરવાની મનાઈ ફરમાવે તો એનો અર્થ એ સમજવો કે તું પણ બ્રહ્મરાક્ષસનું અસ્તિત્વ સ્વીકારે છે."

બસ આ સાંભળતા જ રુદ્રએ પંડિતજીના કહ્યા મુજબ વર્તવાની હામી ભરી દીધી.

*********

આખરે એ સમય આવી ગયો જ્યારે પંડિતજીની બનાવેલી યોજનાને અમલમાં મુકવાની હતી. રાતનાં બાર વાગે ગામની બહાર આવેલા તળાવ નજીકના ખુલ્લા મેદાનમાં રુદ્ર એકલો હાજર હતો. થોડે દુર એક વડના વૃક્ષ પર ભર બંદૂકે સિંહા સાહેબ અને એમનાં ત્રણ સહકર્મચારીઓ બેઠા હતાં.

તળાવની નજીક એક નીચાણવાળી જગ્યાએ હું અને પંડિતજી ખૂબ જ સાવચેતી સાથે બ્રહ્મરાક્ષસના આવવાની રાહ જોઈ રહ્યા હતાં. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પંડિતના મુખ પર સહેજ પણ ઉચાટ કે ભય નહોતો વર્તાય રહ્યો.

અમારા ત્યાં આવ્યાને વીસ મિનિટ જેટલો સમય વીતી ચૂક્યો હતો છતાં ત્યાં કોઈ જાતની હરકત હજુ સુધી થઈ નહોતી. નીરવ શાંતિમાં શિયાળવાની લવારી અને નિશાચર પક્ષીઓનો વચ્ચે-વચ્ચે થતો અવાજ શરીરમાં ધ્રુજારી પેદા કરી મુકવાનું કાર્ય કરતો.

જો દસ મિનિટમાં કંઈ નવાજૂની નહીં થાય તો રુદ્ર ફરીવાર અમારી કોઈ વાત નહીં સાંભળે એવો મને ભય પેઠો હતો. સમય ધીરે-ધીરે પસાર થયો જતો હતો પણ કોઈ હિલચાલ ના થતા મને પણ એ શંકા થઈ કે બ્રહ્મરાક્ષસ આવશે કે નહીં?

અચાનક ધરતી ધ્રૂજતી હોવાનો અહેસાસ થયો, અને વીજળીના ચમકારાની જેમ એક વિશાળકાય માનવાકૃતિ રુદ્રની સમીપ આવીને ઊભી રહી. ગરદન સુધી આવતા કેશ, મોટી આંખો, આઠ ફૂટથી અધિક ઊંચાઈ અને વિકૃત ચહેરો ધરાવતો ભગતલાલ બ્રહ્મરાક્ષસ સ્વરૂપે જીવતોજાગતો શૈતાન લાગી રહ્યો હતો.

જે રુદ્ર બ્રહ્મરાક્ષસના અસ્તિત્વ પર સવાલ ઉઠાવી રહ્યો હતો એ જ રુદ્ર બ્રહ્મરાક્ષસને જોતા જ કંપી ગયો. સૂકું વૃક્ષ જેમ ધ્રૂજે એમ રુદ્ર ધ્રુજવા લાગ્યો.

"રાજપરિવારના આખરી કુળદીપક..હું તને એવી મોત આપીશ કે તારો મૃતદેહ જોઈને તારો બાપ વિશ્વાસ નહીં કરી શકે કે મૃતદેહ એના દીકરાનો છે." બ્રહ્મરાક્ષસનો કકર્ષ સ્વર વાતાવરણમાં પડઘાયો.

"આખરે મેં તમારું શું બગાડ્યું છે?" રુદ્ર પંડિતજીના કહ્યા મુજબ વર્તી રહ્યો હતો.

"તે મારું કંઈ નથી બગાડ્યું, પણ તારા દાદાએ મારા જેવા નિર્દોષની હત્યા કરીને કરેલા દુષ્કૃત્યનો હિસાબ તો મારે લેવો રહ્યો ને..!" બ્રહ્મરાક્ષસ આટલું કહી જોરજોરથી હસવા લાગ્યો.

એનું આ અટ્ટહાસ્ય એટલું ભયાવહ હતું કે આજુબાજુના વૃક્ષો પર બેસેલાં પક્ષીઓ ભયભીત બની ઊડી ગયા. એકતરફ જ્યાં બ્રહ્મરાક્ષસ અમારા કુળના આખરી દિપક એવા મારા પુત્ર રુદ્રને મારીને પોતાનો પ્રતિશોધ લેવાની તૈયારી કરી રહ્યો હતો તો બીજીતરફ પંડિતજી પણ પોતાની રીતે એનો અંત કરવાની તૈયારી કરી ચૂક્યા હતાં.

થોડો પણ અવાજ કર્યાં વિના તેઓ નીચાણવાળા ભાગમાંથી બહાર આવ્યા અને બહાર આવીને પોતાના જોડે રહેલી ભભૂત અને કંકુથી એક વર્તુળ બનાવવામાં લાગી ગયાં.

"તમે મને જીવિત છોડી દો, હું તમારી દરેક માંગણી સ્વીકારી લઈશ." પંડિતજીને પોતાના કામમાં પરોવાયેલા જોઈને રુદ્ર ગણતરીપૂર્વક બ્રહ્મરાક્ષસને વાતોમાં ફસાવી રહ્યો હતો.

"મારી કોઈ માંગણી જ નથી..હું તારા હૃદયને નીચોવી એમાંથી રક્તપાન કરીશ ત્યારે મારો પ્રતિશોધ પૂરો થશે." આટલું બોલી બ્રહ્મરાક્ષસ રુદ્રની ગરદન પકડવા પોતાનો હાથ લંબાવી રહ્યો હતો ત્યાં જ પંડિતજીએ રુદ્રને મોટેથી અવાજ આપતા કહ્યું.

"રુદ્ર, એના ચહેરા પર નાંખી દે.."

પંડિતજીનો અવાજ કાને પડતા જ રુદ્ર હરકતમાં આવ્યો અને એને પોતાના ખિસ્સામાંથી એક નાનકડી રેતીની પોટલી કાઢીને એમાં રહેલી રેતીને બ્રહ્મરાક્ષસના ચહેરા પર નાંખી દીધી. કામાખ્યા દેવીના મંદિરના પવિત્ર જળથી ભીંજાવેલી એ રેતી ચહેરા પર પડતા જ બ્રહ્મરાક્ષસ પીડાથી ચિલ્લાવા લાગ્યો.

આ તકનો લાભ લઇ રુદ્ર ત્યાંથી દોડીને પંડિતજીની જોડે આવી ગયો..આ સમયે પંડિતજીએ સિંહા સાહેબને સંભળાય એમ મોટેથી કહ્યું.

"સિંહા સાહેબ, ગોળીઓ ચલાવો."

આ સાથે જ બીજી ક્ષણે સિંહા સાહેબ અને એમના સહકર્મચારીઓએ બ્રહ્મરાક્ષસ પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. અચાનક થયેલા આ ગોળીબારથી મતીભ્રમ થઈ ગઈ હોય એ રીતે બ્રહ્મરાક્ષસ અહીં-તહીં દોડવા લાગ્યો.

એ ત્યાંથી ભાગી જવાનું વિચારી જ રહ્યો હતો ત્યાં પંડિતજીના કહેવાથી રુદ્રએ એને હાકલ કરી.

"એ રાક્ષસ, તું મને મારવા આવ્યો હતો..તો આવી જા. હું આ ઊભો તારી સામે."

રુદ્રનો અવાજ સાંભળી ક્રોધે ભરાયેલો બ્રહ્મરાક્ષસ વધુ કંઈ વિચાર્યા વિના એની તરફ દોડવા લાગ્યો. એના ચહેરાની રેખાઓ તંગ બની ચૂકી હતી અને આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. મદમસ્ત સાંઢની માફક રુદ્રની તરફ આગળ વધતા બ્રહ્મરાક્ષસને જોઈ એક ક્ષણ માટે તો મારું હૃદય ધબકારો ચૂકી ગયું.

જેવો જ બ્રહ્મરાક્ષસ પંડિતજીના બનાવેલા વર્તુળમાં આવ્યો એ સાથે જ પંડિતજીએ "ૐ એં હિંમ કલિં ચામુંડાય વિજયાય નમઃ" નો ગગનભેદી મંત્રોચ્ચાર કરતા પોતાની હથેળીમાં રાખેલું પવિત્ર ગંગાજળ બ્રહ્મરાક્ષસના પગની નજીક છાંટયું.

આમ કરતા જ બ્રહ્મરાક્ષસના પગ આગળ વધતા અટકી ગયાં.. કોઈએ ફૌલાદી સાંકળોમાં કેદ કરી દીધો હોય એમ બ્રહ્મરાક્ષસ છટપટાવા લાગ્યો. થોડા સમય પહેલા ધરાને ધ્રૂજાવતો બ્રહ્મરાક્ષસ પંડિતજી આગળ વામણો પુરવાર થયો હતો.

મેં રુદ્રની પાસે જઈને એને જ્યારે ગળે લગાવ્યો ત્યારે એનું શરીર ભયથી ધ્રૂજી રહ્યું હતું.

"પંડિતજી, આ બ્રહ્મરાક્ષસનો હવે અંત કરી નાંખો..જો આ જીવિત રહેશે તો આજ નહીં તો કાલે મારા પુત્રની હત્યા અવશ્ય કરશે." રુદ્રના મુખ પર વ્યાપ્ત ડર જોઈને મેં પંડિતજીને આજીજી કરતા કહ્યું.

સિંહા સાહેબ અને એમના સાથી કર્મચારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતાં. એમને પણ મારી માફક જ પંડિતજીને એ બ્રહ્મરાક્ષસનો અંત કરવાનું કહ્યું.

"પંડિતજી, મને માફ કરી દો.." અમે જે બ્રહ્મરાક્ષસનો અંત કરવાનું પંડિતજીને કહી રહ્યા હતાં એ બ્રહ્મરાક્ષસ અત્યારે પંડિતજી સમક્ષ હાથ જોડી કરગરી રહ્યો હતો.

"આની કોઈ વાત કાને ના ધરશો.." અમે કોઈ જાતની દયા એ બ્રહ્મરાક્ષસ પર નહિ રાખવાની ભલામણ કરી રહ્યા હતાં.

આખરે પોતાને શું કરવું જોઈએ એ અંગે વિચાર કરવા હેતુ પંડિતજીએ પોતાની આંખો બંધ કરીને પોતાના આરાધ્ય દેવનું ધ્યાન ધર્યું.

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)