પ્રતિશોધ દ્વિતીય અંક: - 3 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 3

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-3

ડિસેમ્બર 2002, મયાંગ, અસમ

છ મહિના પહેલા કેરળનાં અબુના નામનાં ગામમાં જઈને શક્તિશાળી ઇલ્યુમિનાટી સંસ્થાનાં સદસ્યોને ધૂળ ચાટતા કરીને પંડિત શંકરનાથ પોતાના ગામ મયાંગમાં આવીને શાંતિથી પોતાનું કામ કરી રહ્યા હતાં. એમની દેખરેખ નીચે સૂર્યા પણ ઉત્તમ રીતે ઘડાઈ રહ્યો હતો; દાદાની માફક પૌત્ર પણ પરમજ્ઞાની સાબિત થયો.

એક રાત પંડિત શંકરનાથ પોતાના કક્ષમાં બેસીને કંઈક લખાણ લખી રહ્યાં હતાં ત્યાં ઘરનો દરવાજો જોરજોરથી ખટખટાવાનો અવાજ આવ્યો. રાત ઘણી વીતી ગઈ હતી અને આ સમયે અચાનક અહીં કોણ આવ્યું હશે એ વિચારી પંડિત પોતાનું કામ પડતું મૂકી ઘરનાં પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા.

પ્રવેશદ્વાર તરફ જતી વેળાએ પંડિતે સૂર્યાના રૂમમાં ઊડતી નજરે જોયું, સૂર્યા શાંતિથી સુઈ રહ્યો હતો એ જોઈ પંડિતના ચહેરા પર શાંતિની રેખાઓ ફરી વળી.

"કોણ છે?" દરવાજે પહોંચી પંડિતે બહાર ઊભેલા વ્યક્તિને ઉદ્દેશીને પૂછ્યું.

"દાની.., પંડિતજી દાની મોહન." બહારથી કોઈકનો ગભરાયેલો અવાજ પંડિતના કાને પડ્યો.

"દાની મોહન!" દાનીનો ચિત પરિચિત અવાજ સાંભળી પંડિતે તુરંત દરવાજો ખોલ્યો.

"શું થયું..? કેમ રાતનાં બે વાગે અચાનક અહીં આવવું પડ્યું.?" પંડિતે દાનીને ઉદ્દેશીને પૂછ્યું.

"પંડિતજી અમુક વિદેશી લોકો અત્યારે ગામલોકોના ઘરોનાં દરવાજા ખટખટાવી તમારાં વિશે પૂછી રહ્યાં છે, એ લોકો જવાબ નહીં આપનારને મોતને ઘાટ ઉતારી મૂકે છે." દાનીએ હાંફતા-હાંફતા કહ્યું.

"વિદેશી લોકો?" પંડિતના ચહેરા પર દુનિયાભરનું આશ્ચર્ય ઊભરી આવ્યું. "આટલી રાતે મને આ રીતે શોધી રહ્યાં છે."

"તે જોયાં એ લોકોને?"

"હા પંડિતજી."

"કેવા લાગે છે એ લોકો?"

"એ લોકોએ એક કાળો કોટ પહેર્યો છે જેમાં આવેલી ટોપી નીચે એમનો ચહેરો ઢંકાઈ જાય છે."

દાનીનો આ જવાબ સાંભળતા જ પંડિતનાં ભવા સંકોચાયા. એમનાં શ્વાસોશ્વાસ ભારે થઈ ગયાં અને જડબા સખત. આખરે ઇલ્યુમિનાટી સંસ્થાનાં લોકો પોતાને શોધતા મયાંગ સુધી આવી જ ગયાં એ જાણી પંડિતને ઝાઝી નવાઈ તો ના થઇ પણ એક અજાણ્યા ભયની રેખાઓ એમનાં વૃદ્ધ મુખ પર તરવરી ઉઠી.

"તમે એ લોકોનો સામનો કેમ ના કર્યો?" પંડિતે દાનીને પૂછ્યું.

"બિરજુ અને હરીનાથે પ્રયત્ન કર્યો હતો પણ એ લોકો જોડે આપણાથી વધુ શક્તિઓ છે અને એમની સંખ્યા પણ પચ્ચીસથી ત્રીસની વચ્ચે છે." આ બોલતી વખતે દાનીની આંખોમાં ગુસ્સો અને ભય સરખા પ્રમાણમાં ઉતરી આવ્યો હતો.

"એ લોકો મને શોધે છે ને.." પંડિતે મનોમન કંઈક વિચારીને કહ્યું. "તો હું સામે ચાલીને એમનું સ્વાગત કરીશ."

આટલું કહી પંડિત પોતાના ઘરમાં ગયાં અને પોતાના કક્ષમાં રાખેલા પોતાના દ્વારા લિખિત પુસ્તકોને દાનીને સોંપતા કહ્યું.

"જો દાની મને કંઈ થઈ જાય તો આ પુસ્તકો સળગાવી દેજે..ભૂલેચૂકે આમાંથી કોઈ પુસ્તક કોઈનાં હાથમાં ના જવું જોઈએ."

દાનીએ પંડિત જોડેથી એ પુસ્તકો બાંધેલી એક પોટલી લઈ એમનાં કહ્યાં મુજબ કરવાનું વચન આપ્યું.

દાનીને ત્યાંથી રવાના કર્યાં બાદ પંડિત સૂર્યાની જોડે ગયાં અને એને નીંદરમાંથી બેઠો કર્યો.

"દાદાજી સવાર થઈ ગઈ.?" ઉઠતાંવેંત જ સૂર્યાએ પૂછ્યું.

"ના દીકરા, હજુ તો ભયંકર કાળી રાત છે."

સૂર્યા પોતાના દાદાનાં મુખ પરથી સમજી ગયો હતો કે ના બનવાનું કંઈક જરૂર બન્યું હતું. એ પોતાના દાદાને વધુ સવાલ કરે એ પહેલાં પંડિત શંકરનાથે એને એક ચિઠ્ઠી અને રોકડ રકમ આપતાં કહ્યું.

"સૂર્યા, તું અત્યારે જ અહીંથી નીકળીને જંગલ વાટે મુખ્ય સડક સુધી જઈને ત્યાંથી ગુવાહાટી માટેની બસ પકડીશ."

"પણ કેમ?"

"કેમકે, ભવિષ્યમાં દુનિયા પર આવનારા મહાસંકટને ઉગારવા તારી આવશ્યકતા ઊભી થવાની છે."

"મને કંઈક સમજાય એવું બોલો."

"પુત્ર, ઇલ્યુમિનાટીએ પોતાના ખાસ લોકોને અહીં મોકલ્યા છે જે મારી હત્યા કરવાનાં આશયથી મને શોધી રહ્યાં છે. હું એમનો સામનો કરવા જઈ રહ્યો છું..પણ જો મને કંઈ થઈ ગયું તો એ લોકો અવશ્ય તને શોધીને આપણા વંશનો નાશ કરશે; જે હું કોઈ કાળે થવા નહીં દઉં."

"મતલબ તમે મને વિકટ સમયે ભાગી જવા કહો છો.? દાદાજી હું તમને આવી કપરી પરિસ્થિતિમાં એકલા મૂકીને નહીં જાઉં."

સૂર્યાનો જુસ્સો જોઈ શંકરનાથની આંખો ઉભરાઈ આવી, એમને સૂર્યાનું કપાળ હેતથી ચૂમતા કહ્યું.

"બેટા, સમય ખરાબ હોય તો ક્યારેક પીછેહઠ કરવામાં જ ભલાઈ છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ સમય અને સંજોગો પારખી એકવાર રણ છોડવું પડ્યું હતું તો આપણી વળી શું વિસાત!"

"તું સમય વ્યય કર્યાં વિના મારું કહ્યું કર અને ગુવાહાટી પહોંચ. આ ચિઠ્ઠીમાં એક સરનામું છે ત્યાં જઈને વ્રજલાલને મળીને મારું નામ આપજે. આગળ બધું વ્રજલાલ સંભાળી લેશે, એ કહે એમ કરજે."

"પણ દાદાજી..તમને કંઈક થઈ ગયું તો?"

"દીકરા, થવાનું હશે તો થઈને જ રહેશે..એને ટાળવું અસંભવ છે. સમગ્ર જગતની ભલાઈ માટે તારું અબઘડી અહીંથી નીકળવું અત્યારે જરૂરી છે."

"સારું..હું તમારાં કહ્યાં મુજબ જ કરીશ." અશ્રુભીની આંખે સૂર્યા આટલું બોલ્યો ત્યાં એનો ડૂમો ભરાઈ આવ્યો.

પોતાના વ્હાલસોયા પૌત્રને પોતે આજે શક્યવત છેલ્લી વખત જોઈ રહ્યાં છે એ જાણતા શંકરનાથ પંડિતે સૂર્યાને છાતી સરસો ચાંપી દીધો.

"ઈશ્વરીય શક્તિઓ જ્યારે તને અહીં આવવાનો સંકેત આપે ત્યારે સમજી જજે કે જગતને તારી આવશ્યકતા ઊભી થઈ ચૂકી છે." ઘરની પાછળનાં કાચા રસ્તે સૂર્યાને વળાવતી વેળા પંડિતે સૂર્યાને કહ્યું. "એ સિવાય તું અહીં ક્યારેય પગ ના મૂકતો, એ તારા દાદાજીનો આદેશ છે."

મને-કમને સૂર્યાએ પોતાની જોડે રહેલી બેગને ખભે લટકાવી અને જંગલ તરફ ઉતાવળા ડગલે ચાલવાનું શરૂ કર્યું. અંધારામાં ઓગળી જતા પોતાના પૌત્રના પ્રતિબિંબને તાકી રહેલા શંકરનાથ પંડિત વાસ્તવિકતાનું ભાન થતાં જ ગામની તરફ ચાલી નીકળ્યા.

પંડિત શંકરનાથ દ્વારા જે રીતે ઇલ્યુમિનાટીનાં સદસ્યોનો ખાતમો કરાયો હતો એની અસર રૂપે અબુનાની આસપાસનાં ગામોમાં પણ થતી ધર્માંતરણની પ્રવૃત્તિ સાવ અટકી ગઈ. હિંદુઓની સાથે સ્થાનિક ખ્રિસ્તીઓ પણ મળીને આ પ્રવૃત્તિ કરનારા લોકોને આમ કરતા રોકવા લાગ્યાં.

આની અસર અંગેની નોંધ ઇલ્યુમિનાટીનાં મુખ્ય કાર્યાલય દ્વારા અબુનામાં બનેલી ઘટનાના ત્રણ-ચાર મહિના પછી લેવામાં આવી. ખ્રિસ્તી ધર્મના ફેલાવામાં આડખીલીરૂપ સાબિત થનારા લોકોનાં અંત માટે ઇલ્યુમિનાટી દ્વારા એક યોજના બનાવવામાં આવી જે હેઠળ ફાધર પોલ જોનાથનના પરિવારની હિચકારી હત્યાને એક કાર એક્સીડેન્ટમાં ખપાવી ફાધર પોલને તાત્કાલિક એમનાં નિવાસસ્થાને આવવાની ફરજ પાડવામાં આવી.

ઘરે પહોંચ્યાંના દસ દિવસ બાદ ફાધર પોલની માથા વગરની લાશ સ્થાનિક તળાવ જોડેથી પ્રાપ્ત થઈ. આ ભયાવહ કૃત્ય ઇલ્યુમિનાટીનું હોવાનું જાણતા હોવા છતાં પણ કોઈ જાતની પોલીસ તપાસ આ કેસમાં કરવામાં ના આવી, જે યુરોપમાં ઇલ્યુમિનાટીના વર્ચસ્વની નિશાની હતું.

ફાધર પોલને એના અંજામ સુધી પહોંચાડ્યા બાદ ઇલ્યુમિનાટી સંસ્થાએ પંડિત શંકરનાથને શોધીને એમનો ખાત્મો કરવાની યોજના અમલમાં મૂકી.

પંડિત અસીમ શક્તિઓનાં માલિક હોવાના અહેવાલ મળી ચૂક્યાં હોવાથી ઇલ્યુમિનાટી દ્વારા હેલેથન નામક એક ડેવિલ પ્રિસ્ટ અને શૈતાની શક્તિ ધરાવતા અન્ય પચ્ચીસ લોકોનું એક દળ મયાંગ મોકલવામાં આવ્યું.

કોઈપણ ભોગે પંડિત શંકરનાથ અને એમનાં પરિવારને ખતમ કરી દેવાની મેલી મુરાદ સાથે હેલેથન અને ઇલ્યુમિનાટીનાં પચ્ચીસ સદસ્યો મયાંગ આવી પહોંચ્યા.

અહીં આવતાવેંત જ એમને મયાંગની જાદુ અને મેલીવિદ્યામાં પારંગત પ્રજાને પોતાની ભયંકર શૈતાની શક્તિઓનો પરિચય આપવાનું શરૂ કરી દીધું. એમનો મુકાબલો કરનાર દસેક લોકો સિવાય અન્ય પંદરેક લોકોને તેઓ મોતને ઘાટ ઉતારી ચૂક્યાં હતાં. હેલેથન ખરેખર હેલનાં કોઈ દૈત્યને શરમાવે એવો ક્રૂર હતો જેનો પરિચય આપતા એને એક સગર્ભા મહિલા અને એક આઠ વર્ષની બાળકીની હત્યા કરતી વખતે પણ કોઈ જાતની દયા નહોતી રાખી.

આ લોકો કોણ છે અને પોતાના ગામમાં આ નરસંહાર કેમ કરી રહ્યાં છે એ વાતથી અજાણ મયાંગવાસીઓ એટલું તો સમજી ગયાં હતાં કે પંડિત શંકરનાથને શોધતા આ લોકોને પંડિતજી જોડે કોઈ કારણોસર દુશ્મની છે. શંકરનાથ પંડિતના લીધે પોતાનો જીવ જોખમમાં મુકાયો હોવાનું જાણતા હોવાં છતાં ગામનો એકપણ વ્યક્તિ ઇલ્યુમિનાટીનાં લોકોને શંકરનાથ પંડિતના ઘરનું સરનામું આપવા તૈયાર નહોતો.

ગામલોકોનો આવો વ્યવહાર જોઈ અચંબિત થયેલો હેલેથન વધુ ને વધુ ક્રૂર બની માસૂમ ગામલોકોનું કાસળ કાઢી રહ્યો હતો.

"તમે લોકો મને શોધી રહ્યાં છો ને?" એક વૃદ્ધ વ્યક્તિની ગરદનને ક્રૂરતાપૂર્વક મરડવા જતો હેલેથન પંડિત શંકરનાથનો અવાજ સાંભળી અટકી ગયો.

હેલેથનની સાથે એની જોડે આવેલા અન્ય પચ્ચીસ ઇલ્યુમિનાટી સદસ્યો પણ બાકી બધું પડતું મૂકી પોતાની સમક્ષ નીડર ભાવે ઊભેલા વૃદ્ધ શંકરનાથ પંડિતનો મુકાબલો કરવા સજ્જ થઈ ગયાં.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)