પ્રતિશોધ દ્વિતીય અંક: - 17 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 17

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-17

200 વર્ષ પહેલાં માધવપુર, રાજસ્થાન

વિક્રમસિંહ અને અંબિકાના પુત્ર જોરાવરની નામકરણ વિધિ બાદ એનું ભવિષ્ય ભાખતી વેળા માધવપુરના કુળગુરુ એવા ભાનુનાથના ચહેરા પર આવેલા ઉચાટને પિછાણી રાજમાતા ગૌરીદેવી જોરાવરના ભવિષ્યમાં શું ભેદ હતો એ જાણવા ભાનુનાથને મળવા માટે જાય છે.

ગૌરીદેવી જ્યારે ભાનુનાથના કક્ષમાં પહોંચ્યાં ત્યારે ભાનુનાથ વ્યગ્રભાવે પોતાના સામે પાટલા પર રાખેલી જૂની પુરાણી પુસ્તકોમાંથી કંઈક શોધી રહ્યા હતાં. કોઈકનાં ત્યાં આવવાનો પગરવ સાંભળી ભાનુનાથે પોતાનું કામ થોડો સમય માટે અટકાવી બારણે ઊભેલા ગૌરીદેવી તરફ એક દ્રષ્ટિ ફેંકી.

"રાજમાતા આપ, કૃપયા અંદર પધારો.." ભાનુનાથે ઉચ્ચારેલા વાક્યને પૂરું થયા પહેલા જ ગૌરીદેવી એમના કક્ષમાં પ્રવેશી ગયા.

"ગુરુવર, આપ અમારાથી કઈ હકીકત છુપાવી રહ્યા છો?" વધુ સમય ખર્ચ કર્યાં વિના મૂળ વાત પર આવતા ગૌરીદેવીએ કહ્યું. "મને ખબર છે કે જોરાવરનું ભવિષ્ય ભાખતી વખતે તમે કંઈક એવું જોયું છે જે તમે જણાવી ના શક્યા."

"રાજમાતા, એવી કોઈ વાત નથી..!" મહાપરાણે પોતાની જાતને સ્વસ્થ કરી ભાનુનાથે કહ્યું.

"તમારા મુખેથી અસત્ય સારું નથી લાગતું રાજગુરુ." ભાનુનાથના ચહેરા પર આવેલા ઉચાટને પારખી ગૌરીદેવી બોલ્યા.

"પણ...!"

"શું પણ...? ગૌરીદેવીના સ્વરમાં બેચેની ભળી ચૂકી હતી. "કેમ અટકી ગયા?"

"કેમકે, સત્ય સાંભળવું તમારા માટે ઉચિત નથી. સત્ય સાંભળી તમારું હૃદય પીડાથી હચમચી ઉઠશે." ભાનુનાથે ગૌરીદેવીને સાવધ કરતા કહ્યું.

"તમને એવું કેમ લાગે છે કે મારામાં સત્ય સહન કરવાની હિંમત નથી." પોતાના અવાજમાં મક્કમતા લાવતા ગૌરીદેવીએ કહ્યું. "હું એક ક્ષત્રિયાણી છું અને મારા માટે કંઈપણ આઘાત જીરવવાનની હિંમત છે. તમે એ કેમ ભૂલી ગયા કે મહારાજના નિધન બાદ પણ મારી આંખમાંથી એક આંસુ નહોતું સર્યું."

ગૌરીદેવી સત્ય સાંભળવાની હઠ કરીને બેઠા હતા અને એમની હઠ સ્વીકાર્યા વિના છૂટકો નહોતો એ હકીકત જાણતા ભાનુનાથે કહ્યું.

"દેવી, તમે પોતાના પૌત્રનું ભવિષ્ય જાણવાનો નીર્ધાર કરી જ ચૂક્યા છો તો હવે મારે તમને સત્ય જણાવવું જ રહ્યું." આટલું કહી ભાનુનાથે જોરાવરના ભવિષ્યમાં પોતે શું જોયું એ જણાવવાનું શરૂ કર્યું.

"જોરાવરની કુંડળી મુજબ એ મહાન પરાક્રમી અને તેજપ્રતાપસ્વી શાસક બનવાના લક્ષણો ધરાવે છે, પણ..એ ત્યારે જ શક્ય છે જ્યારે એ છ વર્ષ સુધી જીવિત રહે."

પોતાના પૌત્રનું ભવિષ્ય કોઈપણ ભોગે સાંભળવાની ઈચ્છા રાખનારા ગૌરીદેવી પણ ભાનુનાથના આ શબ્દો સાંભળી ધ્રુજી ઉઠ્યા.

"તમારા કહેવાનો અર્થ..!"

"અર્થ એટલો જ કે રાજકુમારના માથે મહાઘાત છે..આ મહાઘાત રાજકુમારની સાથે પૂરા માધવપુરનો સર્વનાશ કરવા માટે નિમિત્ત બનશે." ભાનુનાથે મન કઠણ કરી આખરે સત્ય જણાવી દીધું.

"ગુરુદેવ, આ ઘાતને ટાળવાનો કોઈ ઉપાય.!" આશાભારી નજરે ભાનુનાથ ભણી જોતા ગૌરીદેવીએ કહ્યું.

પ્રત્યુત્તરમાં ભાનુનાથ ફક્ત પોતાની ગરદન નકારમાં હલાવવા સિવાય વધુ કંઈ ના કરી શક્યા. પોતાના પૌત્રની સાથે નજીકમાં માધવપુર રિયાસતનો અંત થવાનું સાંભળી ગૌરીદેવી ભારે મન સાથે ભાનુનાથના કક્ષમાંથી બહાર નીકળી ગયા.

********

જોરાવરની ઉંમર ત્રણ વર્ષ થઈ ચૂકી હતી અને આ દરમિયાન જોરાવરને નાની અમથી બીમારી પણ નહોતી થઈ. જોરાવરની આ પ્રકારનું તંદુરસ્ત આરોગ્ય જોઈ ગૌરીદેવી માનવા લાગ્યા કે જોરાવર માટેનું જે ભવિષ્ય ભાનુનાથે ભાખેલું એ ખોટું હતું.

એ સમયે માધવપુરથી નજીકમાં એક રજવાડું હતું, બિલાસપુર. બિલાસપુરના રાજાનું નામ હતું શૈતાનસિંહ. નામની માફક શૈતાનસિંહ મનુષ્ય રૂપમાં શૈતાન હતો. મદિરા અને સ્ત્રીઓના રવાડે ચડેલા શૈતાનસિંહના અન્યાયી વ્યવહારના લીધે એની વિરોધમાં રાજ્યમાં અંદરખાને બળવો ફાટી નીકળ્યો.

રાજ્યના અડધાથી વધુ સૈનિકોએ રાજાની પડખે ઊભા રહેવાની સ્પષ્ટપણે ના કહી દીધી છતાં શૈતાનસિંહના અત્યાચારો અટકવાનું નામ નહોતા લઈ રહ્યા. એ સમયે બિલાસપુરના પ્રધાનપદે શ્યામસિંહ નામક એક દયાળુ અને સાહસી વ્યક્તિ મોજુદ હતા. એમને રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી છતાં શૈતાનસિંહ કોઈનું સાંભળવા તૈયાર નહોતો.

બિલાસપુરમાં વ્યાપ્ત અરાજકતા વિશેની જાણકારી અંગ્રેજ સરકારને કાને પડતા સર ડોનાલ્ડ નામક એક અંગ્રેજ ઓફિસર પોતાના અઢીસો હથિયારબંધ સૈનિકો સાથે બિલાસપુર પર કબજો મેળવવા આવ્યો, જેમાં એને શૈતાનસિંહની વિરુદ્ધ ઊભેલાં સૈનિકોના વડા કમાલસિંહે સાથ આપ્યો.

કમાલસિંહની મદદથી ડોનાલ્ડ દ્વારા પૂરા બિલાસપુરનો ઘેરો નાંખવામાં આવ્યો. શૈતાનસિંહને યુદ્ધ માટે પડકારવામાં આવ્યો ત્યારે પણ એ મદિરામાં ધૂર્ત બની બધી જવાબદારીઓ શ્યામસિંહને માથે નાંખી પોતાના મહેલમાં ભરાઈ ગયો. પોતે એકલે હાથે અંગ્રેજ અધિકારીઓ અને ફૂટેલા સૈનિકોની સામે ટક્કર નહીં ઝીલી શકે એ જાણતાં શ્યામસિંહે તુરંત પોતાના પડોશી રજવાડા એવા માધવપુર સમક્ષ મદદથી માંગણી કરી.

ક્ષત્રિયધર્મ નિભાવવા અને પોતાની માતૃભૂમિને પરદેશીઓથી બચાવવા વિક્રમસિંહ તાબડતોબ બિલાસપુર આવી પહોંચ્યાં. વિક્રમસિંહના સૌનિકોની મદદથી શ્યામસિંહે અંગ્રેજો અને પોતાના રાજ્યના જ બળવાખોર સૈનિકો સામે ભીષણ યુદ્ધ કર્યું..જેમાં અંગ્રેજોને ના છૂટકે પાછીપાની કરવાનો વખત આવ્યો અને બિલાસપુર સુરક્ષિત બચી ગયું.

આ યુદ્ધમાં બિલાસપુર તો બચી ગયું પણ શ્યામસિંહ ખુવાર થઈ ગયા. છેલ્લો શ્વાસ ભરતાં પહેલા શ્યામસિંહે પોતાની દીકરી પદ્માનો હાથ વિક્રમસિંહના હાથમાં સોંપી દીધો. એક વીર ક્ષત્રિયની છેલ્લી ઈચ્છાનું માન રાખી વિક્રમસિંહે પદ્મા સાથે વિવાહ કર્યાં અને માધવપુર માટે રવાના થયાં.

લોકલાગણીને માન આપી વિક્રમસિંહે શ્યામસિંહના પુત્ર કુમારસિંહને બિલાસપુરની ગાદી સુપ્રત કરી દીધી. લોકજુવાળ સામે શૈતાનસિંહ એક હરફ પણ ઉચ્ચારી ના શક્યો અને ચૂપચાપ કુમારસિંહને બિલાસપુરના રાજવી તરીકે સ્વીકારવા તૈયાર થઈ ગયો. બિલાસપુરનો વહીવટ યોગ્ય હાથમાં સોંપાયો હોવાની ધરપત થયા બાદ જ વિક્રમસિંહ માધવપુર માટે નીકળ્યા હતાં.

વિક્રમસિંહ બિલાસપુરમાં વિજય પ્રાપ્ત કરીને આવ્યા હોવાની ખબર માધવપુર પહોંચી ચૂકી હોવાથી વિક્રમસિંહની પત્ની અંબિકા એમના સ્વાગત માટે મહેલના પ્રવેશદ્વાર જોડે ઊભી હતી. જોરાવર પણ એની પાસે ઊભો રહી પોતાના પિતાજીના આવવાની રાહ જોઈ રહ્યો હતો.

જ્યારે વિક્રમસિંહ આવ્યા ત્યારે એમની જોડે આવેલી રૂપરૂપના અંબાર જેવી યુવતીને જોઈ નગરજનો સમજી ચૂક્યાં હતા કે એમના રાજા નવી પત્નીને લઈને આવ્યા છે. આ સાથે એમને એવું અનુમાન પણ લગાવી લીધું કે આ કારણથી એમના મહારાણી નારાજ થશે.

પોતાની સૌતન પોતાના મહેલમાં આવવાની છે એ જાણતી હોવા છતાં અંબિકાએ વિક્રમસિંહની સાથે પદ્માનું પણ ઉમળકાભેર સ્વાગત કરીને સૌને દંગ કરી દીધા. ઉપરથી અંબિકાએ તો મન મોટું રાખી પદ્માની આરતી પણ ઉતારી અને ઓવરણા પણ લીધા. સાથોસાથ લગ્ન પછીની જેટલી પણ વિધિઓ હોય એ બધીનું પણ ધામધૂમથી આયોજન કર્યું.

અંબિકાનો આ પ્રકારનો વ્યવહાર અને પોતાની પ્રત્યેનો સ્નેહ જોઈ પદ્મા પણ ગદગદ થઈ ગઈ. એના મન હવે અંબિકા એની મોટી દીદી હતી અને જોરાવર એનો સવાયો પુત્ર. આમને આમ બે વર્ષ હેમખેમ વીતી ગયાં, બંને રાણીઓ સગી બહેનોની જેમ સંપીને રહેતી હતી એ જોઈ વિક્રમસિંહ અને ગૌરીદેવી બંનેની ખુશી બેવડાતી હતી.

બે વર્ષ બાદ જ્યારે પદ્માએ વિક્રમસિંહને જણાવ્યું કે નજીકમાં જોરાવર સાથે રમવાવાળું કોઈક આવવાનું છે ત્યારે વિક્રમસિંહ રાજીના રેડ થઈ ગયાં. વિક્રમસિંહની સાથે અંબિકા પણ આ ખબર સાંભળી અતિપ્રસન્ન માલૂમ પડતી હતી. પદ્માને છઠ્ઠો મહિનો ચાલી રહ્યો હતો અને અંબિકા પોતાના કક્ષમાં એકલી બેઠી-બેઠી પદ્માના આવનારા સંતાન માટે વસ્ત્ર સીવી રહી હતી ત્યારે અંબિકાની સાવકી માં રેવતી ત્યાં આવી પહોંચી.

"શું કરે છે દીકરી?" અંબિકાની સામે સ્થાન લેતા રેવતી બોલી.

"પદ્માના આવનારા બાળક માટે વસ્ત્રો સીવતી હતી." સોયમાં દોરો પરોવતા અંબિકા બોલી.

"તને એવું નથી લાગતું કે તું જાણીજોઈને તારા પગ પર કુહાડી મારી રહી છે." રેવતીના અવાજમાં પદ્મા પ્રત્યેનો દ્વેષ સાફ વર્તાતો હતો. પદ્માના આગમનની સાથે જ રેવતીનું હૈયું સળગી ઉઠ્યું હતું. પોતાની દીકરીને પહેલા જેવું માન-સમ્માન નહીં મળે એવી આશંકા રેવતીને સતાવી રહી હતી. એ ઘણીવાર અંબિકા અને પદ્મા વચ્ચે અંટસ કરાવવા મથતી પણ અંબિકા તરફથી એની મહેનત પર ઠંડુ પાણી ફેરવી દેવામાં આવતું. આજે પણ એ અંબિકાના મનમાં પદ્મા માટે વિષ ભરવા જ આવી હતી.

"માં, મને ખબર છે કે હું શું કરી રહી છું." પોતાની માં તરફ વેધક નજરે જોઈ અંબિકા બોલી. "આ રાજ્ય અને મહારાજ પર જેટલો હક મારો છે એટલો જ પદ્માનો છે. એનું આવનારું બાળક પણ જોરાવરની માફક જ આ રાજ્ય પર અધિકાર ધરાવે છે. હવે મહેરબાની કરીને આજ પછી મારી સામે આવી નિમ્ન વાત કરી છે તો તારી ખેર નથી."

"અરે દીકરી તું તો ગુસ્સે થઈ ગઈ..હું તો બસ તારું ભલું.."

"મારુ ભલું શેમાં છે એ હું જાણું છું..મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તું અત્યારે મારી આંખો સામેથી ચાલી જા એવી વિનંતી કરું છું." ક્રોધવેશ અંબિકાએ પોતાની માં રેવતીને ઉદ્દેશીને કહ્યું.

દીકરીનો ગુસ્સો જીરવવાની હિંમત ના ધરાવતી હોવાથી રેવતી ચૂપચાપ ત્યાંથી ઊભી થઈને અંબિકાના કક્ષમાંથી બહાર નીકળી ગઈ. પણ જતા-જતા મનોમન રેવતીએ સંકલ્પ કરી લીધો કે હું કોઈપણ ભોગે પદ્માના બાળકને જીવિત જન્મવા નહીં દઉં.!

**********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)