પ્રતિશોધ દ્વિતીય અંક: - 2 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 2

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-2

માધવપુર, રાજસ્થાન

ગણપત નામનાં કોન્સ્ટેબલના મુખેથી સમીર માધવપુરનો રાજકુમાર હોવાની વાત સાંભળી આધ્યા સમેત એની જોડે આવેલા બધાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં.

"શું કહ્યું, સમીર માધવપુરનો રાજકુમાર છે?" ગણપતની વાત સાંભળી નવાઈભર્યા સુરે રાધવે પૂછ્યું.

"હા સાહેબ, આ લોકેટ માધવપુર રિયાસતની નિશાની છે." ગણપતે કહ્યું. "ઉપરથી તમે જણાવ્યું કે જેનું આ લોકેટ છે એમના હાથ પર મ્યાનમાં રાખેલી બે તલવારોનું છૂંદણું છે, જે એ વાતને વધુ યથાર્થ બનાવે છે કે તમે જેમને માધવપુરનાં કિલ્લામાં શોધો છે એ કિલ્લો એમનો છે."

ગણપતની વાતો ગુજરાલની કેબિનમાં હાજર દરેક માટે નવાઈ ઉપજાવનારી હતી જે એમનાં ચહેરાનાંહાવભાવ પરથી સ્પષ્ટ હતું.

"શું દીદી આ સાચું છે કે જીજુ માધવપુરનાં રાજકુમાર છે?" જાનકીએ પ્રશ્નસૂચક નજરે આધ્યા ભણી જોતા કહ્યું.

"મને આ વિષયમાં કંઈપણ ખબર નથી.!" આધ્યા ઊંચા અવાજે બોલવા જતી હતી પણ એનો અવાજ માંડ સંભળાય એટલો જ નીકળી શક્યો. એક તો સમીરનું અચાનક રહસ્યમય પરિસ્થિતિમાં ગાયબ થઈ જવું અને ત્યારબાદ સમીર અંગેનો આ ખુલાસો આધ્યા માટે સ્તબધ કરી મૂકનારો હતો.

આટલા સમયથી સમીરની સાથે હોવા છતાં પોતે સમીર અંગે હજુ કંઈ જાણતી જ નહોતી એવું આધ્યાને લાગી રહ્યું હતું. સમીરની સાથે એની સાથે જોડાયેલ દરેક વિગત અંગે જાણકારી મેળવવાનો મનોમન નીર્ધાર કરતા આધ્યાએ ગણપતને પૂછ્યું.

"તમે કહો છો કે મારા પતિ માધવપુરનાં રાજકુમાર છે?"

"હા, મેડમ."

"તો પછી એ આટલી મોટી પ્રોપર્ટી છોડીને દુબઈમાં એક સામાન્ય નોકરી કેમ કરે છે?"

"કેમકે, માધવપુર સામ્રાજ્યનો આજથી લગભગ બસો વર્ષ પહેલા જ અંત આવી ગયો હતો." ગણપતે જણાવ્યું. "એક એવી ઘટના બની જેનાં લીધે એક જ રાતમાં પૂરી માધવપુર રિયાસતનો અંત આવી ગયો, એ રાતે શું બન્યું એ વિશે તો મને ખ્યાલ નથી પણ એ રાતે કંઈક એવું બન્યું હતું જે આપણા સૌની કલ્પના શક્તિથી અનેક ગણું ભયંકર હતું."

"તો પછી એ વિશે કોણ જણાવી શકે એમ છે?" ઉત્સુકતા સાથે રાઘવે સવાલ કર્યો.

"ભંડારી બાબા..!" ગણપત પ્રત્યુત્તર આપતા બોલ્યો.

"ભંડારી બાબા!" આધ્યાએ કહ્યું. "ક્યાં મળશે આ ભંડારી બાબા અને એમનો માધવપુર સાથે શું સંબંધ છે?"

"માધવપુરનાં કુલગુરુ અખંડાનંદનાં એ વંશજ છે." ગણપતે જવાબ આપતા કહ્યું. "એ તમને અહીંથી એંશી કિલોમીટર દૂર આવેલા કાલી સરોવર નજીક આવેલા જંગલોમાં સ્થિત એક ગુફાની અંદર એ નિવાસ કરે છે."

"જો સમીર અને બાકીનાં લોકોનાં આમ અચાનક અદ્રશ્ય થવા પાછળનું કારણ જાણવું હશે તો ભંડારી બાબાને મળવું જ પડશે." ગણપતની વાત સાંભળી રાધવે ઉચ્ચાર્યું.

"તો પછી રાહ શેની જોઈએ છે." ગુજરાલ પોતાની ખુરશીમાંથી ઊભા થતાં બોલ્યો. "ચલો મળી આવીએ ભંડારી બાબાને.!"

"ઈન્સ્પેકટર સાહેબ, તમે પણ આવશો અમારી સાથે?" ગુજરાલના પોતાની સાથે આવવાની વાત સાંભળી આધ્યા આનંદ અને આશ્ચર્યનાં બેવડા ભાવ સાથે બોલી.

"હા, કેમ નહીં!" પોતાના રુવાબદાર અવાજમાં ગુજરાલ જવાબ આપતા બોલ્યો. "સત્યની શોધમાં તો હું ચાંદ પર જવું પડે તો પણ જવા તૈયાર છું."

"તો સાહેબ આપણે ઝટ નીકળવું પડશે." ગણપત બોલ્યો. "વધુ મોડા પડીશું તો રાત થઈ જશે અને જંગલોમાં રાતે નીકળવું ઉચિત નથી."

"સાચી વાત છે આમની..!" રાઘવ બોલ્યો.

"સારું તો પછી નીકળીએ." આટલું કહી ગુજરાલ પોતાની કેબિનમાંથી બહાર નીકળવા અગ્રેસર થયો.

ગુજરાલ પોતાની પોલીસ જીપ તરફ આગળ વધતો હતો પણ આઠ લોકો જીપમાં વ્યવસ્થિત બેસી નહીં શકે એનો અંદાજો આવતા એને રાઘવને સ્કોર્પિઓ લઈ લેવા આદેશ આપ્યો. આ સાથે જ ગુજરાલ, કોન્સ્ટેબલ ગણપતની સાથે સમીરની શોધમાં આવેલા છ લોકોનું ટોળું માધવપુરનાં પતનનું રહસ્ય જાણવા ભંડારી બાબાને મળવા નીકળી પડ્યું.

આ બધાં વચ્ચે યુસુફ, રેહાના અને જુનેદ મૂંગા રહીને જે કંઈપણ થઈ રહ્યું હતું એમાં સહમતી દર્શાવી રહ્યાં હતાં. આધ્યાની શક્ય એટલી મદદ કરવાની આશાથી આવેલા આ ત્રણેય લોકો માટે હવે સમીરને શોધવા ખેડવા પડતાં દરેક જોખમમાં આધ્યાનો સાથ આપવાનું મનોમન નક્કી કરી ચૂક્યાં હોય એવું એમના વર્તન પરથી લાગતું હતું.

આમ તો ભંડારી બાબા જ્યાં રહેતા એ ગુફાઓ સુધીનું અંતર મોહનગઢ પોલીસસ્ટેશનથી માત્ર એંશી કિલોમીટર હતું પણ, એ એંશી કિલોમીટરમાં છેલ્લા વીસ કિલોમીટરનું અંતર સો કિલોમીટર અંતર કાપવા બરાબર હતું. અસમતલ અને ખાડા વાળા બિસ્માર રસ્તે કાલી સરોવર સુધી પહોંચતા એ લોકોને ત્રણેક કલાકનો સમય લાગી ગયો.

કાલી સરોવર નજીક એક નાનું પણ ગીચ જંગલ હતું જેમાં બહારના લોકો પ્રવેશ કરતા અચકાતા હતાં. ગીચ અને ઊંચા-નીચા રસ્તાનાં કારણે હવે ગાડીને આગળ લઈ જવી અશક્ય લાગતા ગાડીને જંગલના છેવાડે મૂકી એ લોકોએ ચાલતા-ચાલતા ગુફાઓ સુધી પહોંચવાનું નક્કી કર્યું. ગણપતે ભંડારી બાબા જ્યાં રહેતા એ ગુફાઓનો રસ્તો જોયો હતો એટલે એને ટોળાને માર્ગદર્શન આપીને ત્યાં સુધી લઈ જવા માટે સફરની કમાન સંભાળી.

ગણપતને આદેશ આપવા ટેવાયેલો ગુજરાલ આજે એની પાછળ-પાછળ એનાં કહ્યાં મુજબ ચાલી રહ્યો હતો. આ કેસ માધવપુરનાં રાજકુમાર સાથે સંબંધ ધરાવતો હોય તો એને સોલ્વ કરીને પ્રમોશન મેળવવાની લોલુપતા પણ ગુજરાલના મનમાં પેદા થઈ ચૂકી હતી. રાજસ્થાનમાં રાજપરિવાર અંગેનો કોઈ કેસ સોલ્વ કરી લાઈમલાઈટમાં આવવાની પૂર્ણ શક્યતાઓ હતી, પણ શું સાચેમાં સમીર માધવપુરનાં રાજ પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો? આ પ્રશ્નનો ઉકેલ ભંડારી બાબા જોડેથી મળી જશે એવી ગણતરી સાથે ગુજરાલ આજે એ કરી રહ્યો હતો જે એની શાનની વિરુદ્ધ હતું.

સાંજના માંડ પાંચ વાગી રહ્યાં હતાં તો પણ સાંજના સાતેક વાગી ગયાં હોય એવું લાગી રહ્યું હતું. વચ્ચે-વચ્ચે આવતા પક્ષીઓના અવાજ સિવાય જંગલમાં પૂર્ણતઃ શાંતિ ફેલાયેલી હતી. ગણપત ખૂબ જ સાવચેતી સાથે પોતાની પાછળ આવતાં સાત લોકોને યોગ્ય દિશા તરફ દોરી રહ્યો હતો.

રસ્તામાં એ લોકોની નજરે ત્રણ-ચાર ઝેરી સાપ, વરુનું એક ટોળું અને દીપડા જેવાં ખતરનાક જીવો ચડ્યા, જેને અવગણી એ લોકો ભંડારી બાબાની ગુફા તરફ નિરંતર આગળ વધી રહ્યાં હતાં. પોતાનો પતિ એક રાજકુમાર હોવાની વાત સાંભળી આધ્યા રોમાંચિત તો હતી પણ સાથે એને એ વાતનું અપાર દુઃખ હતું કે આ વાત એને ત્યારે માલૂમ પડી જ્યારે સમીર એની સાથે નથી..શક્યવત આ દુનિયામાં નથી.!

"સાહેબ, ત્યાં દૂર જે ટેકરી દેખાય છે ત્યાં જ નીચે આવેલી ગુફાઓમાં ભંડારી બાબા રહે છે." અડધા કલાક જેવું અંતર કાપ્યા બાદ ગણપતે સામે દેખાઈ રહેલી ટેકરીઓ તરફ આંગળી ચીંધતા કહ્યું.

"ગણપત, તું અહીં ક્યારે આવ્યો હતો.?" ગુજરાલે ટેકરી તરફ આગળ વધતા-વધતા ગણપતને એ સવાલ કર્યો જેનો જવાબ સાંભળવાની સૌને ઉત્કંઠા હતી.

"હું તો અહીં પાંચ-છ વખત આવી ગયો." ગુજરાલે પૂછેલા સવાલનો જવાબ આપતા ગણપતે કહ્યું. "સૌપ્રથમ તો હું અમારા ગામનાં મુખી હકુભા સાથે અહીં આવ્યો હતો, એ વખતે સતત ત્રણ વરસ સુધી વરસાદ નહોતો પડ્યો તો વરસાદ ના પડવાનું કારણ જાણવા અમે ભંડારી બાબાને મળવા આવ્યા હતાં."

"પ્રથમ મુલાકાત વખતે જ અમારી સમસ્યાનું નિવારણ કરનારા ભંડારી બાબાને મળવા ત્યારબાદ તો હું અવારનવાર આવતો. દિવ્યપુરુષ છે એ, ખૂબ જ માયાળુ અને ત્રિકાળજ્ઞાની."

જે પ્રમાણે ગણપત ભંડારી બાબાનું વર્ણન કરી રહ્યો હતો એ સાંભળી ત્યાં આવેલા દરેકને ભંડારી બાબાને મળવાની જે ઉત્સુકતા હતી એ બેવડાઈ ગઈ.

બીજી વીસેક મિનિટ જેટલું ચાલ્યા બાદ એ લોકો આખરે એ ગુફા જોડે આવી પહોંચ્યા જ્યાં ભંડારી બાબા નિવાસ કરતાં હતાં. આ સ્થાનની નજીક એક નાનું એક જળાશય હતું જેની નજીક વૃક્ષો પર હજારો પક્ષીઓ મોજુદ હતાં. આ ઉપરાંત નવાઈની વસ્તુ એ હતી કે ગુફાની બહાર કોઈ જાતની કાંટાળી વનસ્પતિ કે ઝાડી-ઝાંખરા નહોતા.

"ચલો, હવે અંદર પ્રવેશ કરીએ." આટલું બોલી ગણપત ગુફાની અંદર આગળ વધ્યો. ગુજરાલ અને આધ્યા સમેત બાકીનાં લોકો પણ એની પાછળ દોરવાયાં.

ગુફાનો આગળનો રસ્તો થોડો સાંકડો જરૂર હતો પણ એમાં સરળતાથી આગળ વધી શકાય એમ હતું. ગુફાની અંદર પણ કોઈ જાતની કાંટાળી વનસ્પતિ ઊગી નહોતી જે એક ચમત્કાર જ હતો કેમકે રાજસ્થાનનાં સૂકા વિસ્તારમાં કાંટાળી વનસ્પતિઓ અને છોડ ઠેર-ઠેર ફૂટી નીકળતા હોય છે.

પાંચેક મિનિટ જેટલું ચાલ્યા બાદ એ લોકોનાં કાને ૐ નમઃ શિવાયનાં દિવ્ય મંત્રોચ્ચાર સંભળાયા. આ મંત્રોચ્ચારમાં રહેલી આત્મીય શક્તિ એ લોકો અનુભવી શકતા હતાં. સાચેમાં ભંડારી બાબા એક દિવ્ય પુરુષ હોવાનો અંદાજો ત્યાં આવેલા સર્વે લોકોને એ વાતથી જ આવી ગયો કે જેમનાં મંત્રોચ્ચાર આટલા શક્તિશાળી હોય એ વ્યક્તિ ખરેખર કેટલી દિવ્ય હશે.!

બીજું બસો-અઢીસો ડગલાં જેટલું અંતર કાપીને એ લોકો આખરે એક ખુલ્લા ભાગમાં આવી પહોંચ્યા. જ્યાં એક પથ્થર પર આસન બિછાવી એક દાઢીધારી વ્યક્તિ ધ્યાનમાં બેસી હતી. ૐ નમઃ શિવાયનો મંત્રોચ્ચાર કરતી એ વ્યક્તિની આસપાસ દિવ્ય પ્રકાશપુંજ હોય એવો ભાસ થઈ રહ્યો હતો. ઘાટા ભગવા વસ્ત્રોમાં સજ્જ એ વ્યક્તિ ભંડારી બાબા હોવાનું અનુમાન એ લોકોએ તુરંત લગાવી લીધું.

ગણપત હજુ કંઈ બોલે એ પહેલાં તો ભંડારી બાબાએ અચાનક મંત્રોચ્ચાર અટકાવી પોતાની આંખો ખોલી, આંખોને આધ્યા તરફ સ્થિર કરી અને સપ્રેમ, વિનયપૂર્વક કહ્યું.

"મહારાણીજી, આપનું મારા નિવાસસ્થાને સ્વાગત છે.!"

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)