પ્રતિશોધ દ્વિતીય અંક: - 1 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 1

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-1

આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં પ્રથમ અંકનો ત્રેવીસમો ભાગ અટક્યો હતો. આપ સૌ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં અંક એકમાં બનેલી ઘટનાઓને સંક્ષિપ્તમાં જાણી લઈએ.

શંકરનાથ પંડિત આસમનાં મયાંગ નામક એક ગામમાં રહેતા વિદ્વાન પંડિત હતાં, જેમને શૈતાની શક્તિઓને વશમાં કરવાની અને એમનો નાશ કરવાની ગજબની કાબેલિયત ધરાવતા હતાં. પોતાની આ કાબેલિયતનાં લીધે શંકરનાથની ખ્યાતિ દેશ વિદેશ સુધી વ્યાપ્ત હતી.

પોતાના દીકરા નિરંજન અને પુત્રવધુનું ગુજરાતમાં ઇ.સ 2001માં આવેલા ભૂકંપમાં અકાળે અવસાન થતાં પોતાના પૌત્ર સૂર્યાને સાચવવાની જવાબદારી શંકરનાથના શિરે આવી ગઈ હતી. શંકરનાથ સૂર્યાને પણ પોતાની માફક શૈતાની શક્તિઓને વશમાં કરનાર વ્યક્તિ બનાવવાની કોશિશો આરંભે છે, જેનાં ભાગરૂપે તેઓ સૂર્યા સાથે કેરળનાં અબુના ગામમાં પહોંચે છે જ્યાં એક ભયંકર શૈતાનની ત્રાસદી આવી હોય છે.

અબુનામાં બનતી ઘટનાઓ પરથી શંકરનાથ સમજી જાય છે કે ત્યાં બનતી ઘટનાઓ પાછળ લોર્ડ જીસસનો ગુસ્સો જવાબદાર છે અને આ ઘટનાઓ ટેન પ્લેગ ઓફ ઈજીપ્ત જેવી છે. જીસસના ગુસ્સાનું ખરું કારણ જાણવા પંડિત અબુનામાં આવેલા ચર્ચના પાદરી પોલ અને અમુક ગામલોકોને મળે છે. પંડિતને તપાસમાં જાણવા મળે છે કે ગામમાં હિંદુઓનું થયેલું ધર્માંતરણ અને ઈલ્યુમિનાટી દ્વારા માસુમ કિશોરીઓની બલી આપવાની પ્રવૃત્તિ જ ઈશ્વરના ગુસ્સાનું સાચું કારણ છે.

પંડિત યોગ્ય સમયે પહોંચી ગામનાં સરપંચ હેનરીની આગેવાનીમાં કિશોરીની બલી આપવા જઈ રહેલા ઈલ્યુમિનાટી સંપ્રદાયનાં લોકોનો અંત કરીને અબુનામાં પહેલા જેવી શાંતિ સ્થાપિત કરે છે. પંડિતના ત્યાંથી ગયાંનાં થોડાં મહિના બાદ ફાધર પોલ પર એક કોલ આવે છે, જેમાં કહેવામાં આવેલી વાત સાંભળી તેઓ આશ્ચર્યઘાત અનુભવે છે.

આદિત્ય નામનો એક સુંદર યુવક પોતાની પ્રેમીકા જાનકીની બહેન આધ્યાને મળવા જાનકી સાથે મુંબઈથી દુબઈ જાય છે. આધ્યા આદિત્ય અને જાનકીના સંબંધનો સ્વીકાર કરે છે. આધ્યાના ઘરે આદિત્યને કોઈ શૈતાની શક્તિ મારી નાંખવાની કોશિશ કરે છે પણ એ બચી જાય છે. પોતાના દોસ્ત આફતાબની આત્મહત્યાની ખબર મળતા જ આદિત્ય તાબડતોબ મુંબઈ પાછો આવે છે. મુંબઈ અમુક દિવસો રોકાયા બાદ આદિત્ય જાનકીની રજા લઈ કોઈ ગુપ્ત સ્થાને જવા નીકળી પડે છે.

આદિત્ય અમુક દિવસો સુધી એક ગુપ્ત સ્થાને છુપાઈ રહ્યાં બાદ એક જગ્યાએ જવાનો નિશ્ચય કરે છે. એ જગ્યાએ જતી બસમાં બેસેલા આદિત્યને અમુક લોકોથી બચીને દોડતું એક બાળક સપનામાં આવે છે. સપનું પૂરું થાય એ પહેલા આદિત્યના ઉતરવાનું સ્ટેશન આવી ગયું હોય છે, જે હોય છે 'મયાંગ'.

જાનકીની બહેન આધ્યાના એનાં પતિ સાથેનાં સુખી લગ્ન જીવનમાં અમુક મહિનાઓથી સારપ રહેતી નથી. સમીરને રિઝવવાના બધાં પ્રયાસો નિષ્ફળ જતા આધ્યા એની જોડે ડાયવોર્સ લેવાનું મન બનાવે છે, જેમાં એની મદદ કરે છે સમીરના દોસ્ત યુસુફની પત્ની રેહાના. અમુક લોકો આધ્યાની જાસૂસી કરી રહ્યાં હોય છે.

સમીર કંપનીનાં એક પ્રોજેકટ માટે ભારત આવે છે. સમીર મુસીબતમાં હોવાની વાત મંદિરનાં એક પૂજારીના કહેવાથી આધ્યા સમીર પ્રત્યેનો ગુસ્સો મનમાં ધરબી એનો સંપર્ક સાધવાની કોશિશ કરે છે પણ સમીર જોડે કે એનાં ટીમનાં કોઈપણ સભ્ય જોડે સંપર્ક કરવામાં સમીરની કંપની સફળ થતી નથી.

સમીર જોડે આખરે શું થયું એ જાણવા આધ્યા, રેહાના, યુસુફ, સમીરનો કલીગ રાઘવ અને યુસુફનો ભાઈ જુનેદ ઈન્ડિયા આવે છે. ત્યાંથી એ લોકો આધ્યાની બહેન જાનકીને પોતાની સાથે લઈ સમીરની શોધખોળ અર્થે રાજસ્થાનનાં એક પ્રાચીન નગર માધવપુર જવા નીકળી પડે છે. ત્યાંનાં સ્થાનિક પોલીસ અધિકારી ગુજરાલ જોડેથી કોઈ સહાયતા ના મળતા એ છ લોકો મળીને માધવપુર કિલ્લામાં પહોંચે છે.

માધવપુરનાં પ્રાચીન કિલ્લામાં સમીર અને અન્ય લોકોની શોધખોળ દરમિયાન એ લોકો એક ભયંકર નરસંહાર જોવે છે. જેમાં સમીર સિવાયનાં બાકીનાં લોકોની લાશો એમની નજરે ચડે છે. આ નરસંહારની જાણકારી તેઓ ગુજરાલને આપે છે.

ગુજરાલ ત્યાં આવે ત્યારે ત્યાંથી બધી લાશો ગાયબ થઈ ગઈ હોય છે. આ કારણથી ગુજરાલ એ લોકો પર ગુસ્સે ભરાય છે. પોતે સત્ય કહી રહ્યાં હતાં એની પૃષ્ટિ કરવા આધ્યા ગુજરાલને સમીરનું લોકેટ બતાવે છે જે આધ્યાને ત્યાં મોજુદ એક લાશ જોડેથી મળ્યું હતું. લોકેટ જોતા જ ગુજરાલની નીચે કામ કરતો ગણપત નામક કોન્સ્ટેબલ ઘટસ્ફોટ કરતા માહિતી આપે છે કે આ લોકેટ માધવપુરના રાજકુમારનું છે.

આ સાથે જ નવલકથાનો પ્રથમ અધ્યાય પૂર્ણ થયો હતો. આ નવલકથા અલગ-અલગ સ્થળો અને સમયગાળા પર લખાઈ હોવાથી આ નવલકથાને ધ્યાનથી વાંચજો તો જ મજા આવશે.

પ્રથમ અધ્યાયને જે હદે પ્રતિસાદ મળ્યો એને ધ્યાનમાં રાખી બીજો અધ્યાય વધુ ઇન્ટરેસ્ટિંગ બની રહે એની સાવચેતી આખી છે.

હવે વાંચો આગળ.

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-1

મયાંગ, ઓક્ટોબર 2019

પોતાના મિત્ર આફતાબની આત્મહત્યા હકીકતમાં આત્મહત્યા નહીં પણ કોઈ શૈતાની શક્તિ દ્વારા કરવામાં આવેલી હત્યા છે એ જાણ્યા બાદ આદિત્ય અમુક વણઉકેલ્યા પ્રશ્નોના ઉત્તર શોધવા મયાંગ આવ્યો હતો. આફતાબની આમ અણધારી વિદાયથી પરેશાન આદિત્ય મનોમન પોતે પણ અમુક ઘટનાનો સામે લડી રહ્યો હતો.

મયાંગમાં પગ મૂકતા જ આદિત્યએ પ્રથમ તો ત્યાં જમીન પરથી થોડી માટી ઉઠાવી પોતાના કપાળ પર એનાંથી એક તિલક કર્યું અને પછી ગામમાં જવા આગળ વધ્યો. ગામમાં પ્રવેશેલા આ નવયુવકને ગામલોકો ધારી-ધારીને જોઈ રહ્યાં હતાં; એ લોકો તરફ ધ્યાન આપ્યા વિના આદિત્ય એની મંજીલ ભણી જઈ રહ્યો હતો.

જાદુ-ટોણા અને મેલી વિદ્યા માટે પ્રખ્યાત આ ગામની મધ્યમાંથી પસાર થતો આદિત્ય જંગલની નજીક આવેલ એક ઈમારતનાં ઝાંપા આગળ આવીને અટક્યો. આદિત્યના ધીરેથી ખોલવા છતાં પણ એ અડધો કટાઈ ગયેલો ઝાંપો ખૂબ જ વિચિત્ર અવાજ સાથે ખૂલ્યો. આદિત્ય ઝાંપો વટાવી ઈમારતની આગળ બનેલા બગીચામાં આવ્યો, જ્યાં હવે ફક્ત ઝાડી-ઝાંખરા સિવાય બીજું કાંઈ નહોતું.

આ દ્રશ્ય જોઈને આદિત્યનું હૈયું દ્રવી ઉઠ્યું..એની કોરી આંખો સજળ થતાં-થતાં રહી ગઈ. એને પોતાનું મન મક્કમ કર્યું અને એ ભવ્ય મકાનનાં મુખ્ય દરવાજા સમીપ આવી પહોંચ્યો. ગામમાં આવેલ અન્ય મકાનો કરતા આ મકાન પ્રમાણમાં ઘણું મોટું હતું, આ શંકરનાથ પંડિતનું મકાન હતું.

આદિત્યએ મકાનના મુખ્ય દરવાજા પર લટકતું તાળું જોયું જેને તોડવા એ એક પથ્થર શોધવા આજુબાજુ ડાફેરા મારવા લાગ્યો, એક મજબૂત પથ્થર નજરે ચડતા આદિત્યએ પથ્થર ઊંચક્યો અને જોરથી પથ્થરને તાળા ઉપર માર્યો, ત્રીજા પ્રયાસમાં તાળું તૂટી ગયું. આદિત્યએ તાળું નીકાળી આંગળીયો ખોલ્યો અને મકાનમાં પ્રવેશ કર્યો.

અંદર પગ મૂકતા જ આદિત્યનાં નાકમાં ત્યાં જામેલી ધૂળનાં રજકણો ભરાઈ આવ્યાં જેનાં લીધે એને ઉપરાઉપરી છ-સાત છીંકો આવી ગઈ. આદિત્યએ જોયું તો આખું ઘર અત્યારે ધૂળ-ધૂળ હતું, જેને જોઈને લાગતું હતું કે વર્ષોથી અહીં કોઈ આવ્યું જ નહોતું.

જ્યાં સુધી પોતાની આંખો ઓછા પ્રકાશમાં જોવા માટે ટેવાઈ નહીં ત્યાં સુધી આદિત્ય એક જગાએ સ્થિર ઊભો રહ્યો અને પછી કંઈક વસ્તુ શોધતો હોય એમ આખા ઘરમાં ખાંખા-ખોળા કરવા લાગ્યો.

આ ઘરનાં દરેક ઓરડા, દરેક જગ્યા, દરેક વસ્તુ આદિત્ય માટે જાણીતી હોય એમ એ આખા ઘરમાં ફરી રહ્યો હતો. પહેલા આદિત્ય સૂર્યાના રૂમમાં ગયો. અહીંની દરેક વસ્તુને આદિત્યએ પોતાના હાથ વડે સ્પર્શ કરી અને ઘડીભર ધ્યાનમગ્ન થઈને કંઈક ગહન મનોમંથન કરવા લાગ્યો. એનો ચહેરો દર્શાવી રહ્યો હતો કે આ જગ્યાનું એના માટે ખૂબ મહત્વ હતું.

સૂર્યાના રૂમમાં દસેક મિનિટ વિતાવ્યા બાદ આદિત્ય શંકરનાથ પંડિતના રૂમમાં ગયો, અહીં જઈને આદિત્યએ જોયું કે ત્યાં માટીના મોટા થર જામી ગયાં હતાં. આ માટીના થર જોઈ આદિત્યની આંખો સમક્ષ પોતાનો એ ભૂતકાળ તરવરી ઊઠ્યો જેનાંથી એ ક્યારેય અલગ નહોતો થઈ શક્યો. કેમકે, હકીકતમાં આદિત્ય અગ્નિહોત્રી બીજું કોઈ નહીં પણ સૂર્યા પંડિત હતો. જે પોતાના માતા-પિતાના અકાળ અવસાન બાદ મયાંગ આવીને દાદાની સાથે સુખેથી જીવતો હતો પણ એને કેમ અને કેવા સંજોગોમાં સૂર્યા પંડિતમાંથી આદિત્ય અગ્નિહોત્રી બનવું પડ્યું એનું રહસ્ય એના ભૂતકાળમાં ધરબાયેલું હતું.

અબુનાથી મયાંગ પાછા આવ્યા બાદ શંકરનાથ પંડિત પોતાના કામનાં અનુસંધાને એક વાર ઈન્ડોનેશિયા અને એકવાર ઓસ્ટ્રીયા જઈ આવ્યાં હતાં, જ્યાં સૂર્યા પણ એમની સાથે હતો. આ ઉપરાંત તેઓ ભારતમાં પણ વિવિધ જગ્યાએ શૈતાની શક્તિઓનો મુકાબલો કરવા ગયાં હતાં. બધે જ શંકરનાથ પંડિતને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ હતી.

સૂર્યા પણ પોતાના દાદાની દેખરેખ નીચે શૈતાની શક્તિઓનો મુકાબલો કરવામાં પારંગત થઈ રહ્યો હતો ત્યાં એક દિવસ એવી ઘટના બની જેને શંકરનાથ પંડિત અને સૂર્યાના સીધી લીટીમાં ચાલતા જીવનને અસ્તવ્યસ્ત અને ખેદાન-મેદાન કરી નાંખ્યું. આ એવી ઘટના હતી જે સતત નાનકડા સૂર્યાને એ હદે આતંકિત કરી મૂક્યો કે યુવાન આદિત્ય હજુપણ એ આતંક હેઠળ જીવતો હોય છે.

આદિત્ય આ વિષયમાં વધુ કંઈ વિચારે એ પહેલા તો એનાં કાને અમુક લોકોનાં પગરવનો અવાજ પડ્યો, આદિત્ય વધુ કંઈ કરે એ પહેલાં તો દસેક લોકોનું ટોળું એ મોજુદ હતો ત્યાં ધસી આવ્યું. આ ટોળામાં મોજુદ દરેક લોકોનાં હાથમાં એક મોટી લાકડી અને આંખોમાં ક્રોધ તરવરી રહ્યો હતો.

"કોણ છે તું અને અમારાં પંડિતજીના ઘરમાં શું કરી રહ્યો છે.?" ટોળાની આગેવાની લઈ રહેલ પચાસેક વર્ષનો એક વ્યક્તિ આદિત્ય પર તાડુક્યો. "તારી હિંમત કઈ રીતે થઈ તાળું તોડીને પંડિતજીના ઘરમાં આમ ચોરની માફક ઘૂસવાની."

આદિત્યએ સહેજ પણ ભય વિનાં ત્યા આવેલા ટોળામાં મોજુદ લોકોનાં ચહેરા ધ્યાનથી જોયાં. એ લોકોને જોતા જ આદિત્યના મુખ પર સ્મિત ફરી વળ્યું.

"એ છોકરા, મેં પૂછ્યું એનો જવાબ આપ." ટોળાનો આગેવાન આગઝરતી આંખે આદિત્યને ઘુરતા બોલ્યો.

"આ ઘર મારું પણ છે દાસ કાકા." આદિત્યની વાત સાંભળી ટોળાની આગેવાની લઈ રહેલા વ્યક્તિની આંખોમાં ચમક પથરાઈ ગઈ, એને આદિત્યની સામે ધ્યાનથી જોયું.

"શું થયું ભૂલી ગયાં તમારા સૂર્યાને?" આદિત્યના આ શબ્દો કાને પડતા જ દાસ નામક એ વ્યક્તિના હાથમાં રહેલ લાકડી છટકી ગઈ. એ દોડીને આદિત્યની નજીક ગયો અને વ્હાલથી એનાં ચહેરાને બંને હાથથી સ્પર્શી હેત કરતા બોલ્યો.

"આખરે તું આવી જ ગયો સૂર્યા.., છેલ્લાં અઢાર વર્ષોથી તારા દાદાની અમાનત મારી જોડે પડી છે એ હવે તને આપી દઉં એટલે હૃદય પરથી મોટો ભાર ઉતરી જશે."

"દાદાની અમાનત?" અચરજભરી નજરે દાસ તરફ જોતા સૂર્યા બોલ્યો.

"હા, સૂર્યા. પંડિત જ્યારે છેલ્લા શ્વાસ લઈ રહ્યાં હતાં ત્યારે એમને મને એક વસ્તુ સોંપી હતી." દાસકાકાએ કહ્યું. "અને જણાવ્યું હતું કે જ્યારે પણ હું અહીં પાછો આવું એ દિવસે એ વસ્તુ મારે તને સોંપવાની."

"એ દિવસથી હું તારા આવવાની રાહ જોઇને બેઠો હતો, પંડિતજીની એ અમાનત તારા સુધી પહોંચાડવા હું વર્ષોથી તારા આગમનની વાટ જોઈ રહ્યો હતો."

"મને વિશ્વાસ હતો કે એક દિવસ તું અવશ્ય પાછો આવીશ, એ વસ્તુ મેળવવા અને તારા દાદાની હત્યાનો બદલો લેવા."

"ક્યાં છે એ વસ્તુ જે દાદા મારા માટે મૂકી ગયાં હતાં.?" આતુરતા પૂર્વક આદિત્યએ પૂછ્યું.

"તમે લોકો અત્યારે અહીંથી જાઓ." દાસે પોતાની જોડે આવેલા લોકોને ઉદ્દેશીને કહ્યું. "મારે સૂર્યા જોડે અમુક જરૂરી વાત કરવી છે."

દાસની વાત સાંભળી એની જોડે આવેલા લોકો ત્યાંથી ચાલ્યા ગયાં. એમનાં જતાં જ દાસે સૂર્યા ઉર્ફ આદિત્યને ઉદ્દેશીને કહ્યું.

"એ વસ્તુ શું છે એ તો મને નથી ખબર પણ એ વસ્તુ ક્યાં છે એ હું જાણું છું."

આદિત્ય વધુ સવાલ પૂછે એ પહેલા દાસકાકા પંડિતના કક્ષમાંથી બહાર જવા અગ્રેસર થયાં. આખરે શંકરનાથ પંડિત સૂર્યા માટે કઈ વસ્તુ મૂકીને ગયાં છે એ જાણવાની તાલાવેલી સાથે સૂર્યા એટલે કે આદિત્ય દાસકાકાની પાછળ-પાછળ ચાલતો થયો.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)