breakup - beginnig of self love - 18 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 18

થોડીવાર સુધી વિજય વિચારતો રહ્યો. તે નીક સામે જોઈ રહ્યો અને તેને જવાબ આપતા બોલ્યો,

“યાર મને નથી સમજાતુ કે હું શું જવાબ આપું?”

“વિચાર જવાબ તને તારી પાસેથી જ મળશે. મેં જસ્ટ તને એટલું જ પૂછ્યું છે કે તારે એ પ્રકારનું જીવન જોઈએ છે કે નહિ?”

“ના નથી જોઈતું. હું હેન્ડલ નહી કરી શકું પણ એવું જરૂરી તો નથી કે તે જે સ્ટોરી કીધી એ પ્રમાણેનું જ મારું જીવન હશે. શું ખબર કોઈ વ્યક્તિ એવી પણ મળી જાય કે જેના લીધે જીવન સુખી બની જાય.”

“હા એ પણ બની શકે. ચાલ આ બધુ છોડ મને એ જણાવ કે તારે રિલેશનશીપ શા માટે જોઈએ છે?”

“યાર હું પણ માણસ છું. મારામાં પણ લાગણીઓ છે. હું પણ કોઈ વ્યક્તિ સાથે મારી લાગણીઓ શેર કરવા માંગું છું.”

“હા તો હું તને ક્યાં ના પાડુ છું? તારી બધી લાગણીઓ મારી સાથે શેર કર. તારે જ્યારે પણ લાગણીઓ શેર કરવી હોય ત્યારે મને કોલ કરજે. હું ગમે ત્યાંથી તારી પાસે આવી જઈશ.”

“નીક પ્લીઝ. હું મજાક નથી કરતો. યાર થોડો તો સીરીયસ થા.”

“હું પણ મજાક નથી કરતો. તારી લાગણીઓ શેર કર મારી સાથે. હું વેઇટ કરું છું. મને તો ખબર પડે તારી એવી કઈ લાગણી છે જે એક છોકરી સાથે જ શેર થઇ શકે છે!”

“યાર તુ કેમ... છોડ તને નહી સમજાય.” વિજય ચુપ થઇ ગયો.

“તને ખબર છે વિજય તારે ખરેખર શું જોઈએ છે? તારે બસ ફીઝીકલ થવા એક શરીર જોઈએ છે પણ તને કહેતા શરમ આવે છે.”

“નીક તુ આ કઈ રીતે કહી શકે? તને ખબર છે તુ શું બોલી રહ્યો છે? યાર તુ આ બોલીશ મેં કદી સપનામાં પણ ન હતુ વિચાર્યું. મારે શરીરની જરૂર છે? યાર હજી સુધી મેં નિશાનો માત્ર હાથ પકડ્યો છે. હું એનાથી આગળ વધ્યો પણ નથી તો તે કયા આધાર પર કહી દીધું કે મને બસ શરીરની જરૂર છે?”

“ભૂલી ગયો નિશાના બર્થડેના દિવસે શું થયું હતું? નિશાબેન જ્યારે વિજયભાઈને કઈ ચોકલેટ ભાવે છે એ વિશે વિજયભાઈને પૂછતા હતા ત્યારે વિજયભાઈએ શું કીધું હતું ભૂલી ગયો? તને ક્યાંથી યાદ હોય? તુ તો સીધો છોકરો છે. સંસ્કારી છે. ચાલ હવે હું જ કહી દવ. વિજયભાઈએ કીધું કે તેમને તો ચોકલેટની જગ્યાએ કંઇક સ્પેશિયલ જોઈએ છે. ખબર છેને એ શું હતું? ભાઈને કિસ માંગવામાં પણ શરમ આવતી હતી અને જ્યારે પબ્લિકમાં હોવાને કારણે કિસ ન મળી તો ભાઈ ગુસ્સે થઇ ગયા અને આખો દિવસ મોઢું ચડાવીને ફર્યા.”

“એ દિવસે હું એટલે ગુસ્સે ન હતો કે મને કિસ ન મળી. ગુસ્સે એટલે હતો કારણ કે નિશાએ પ્રોમિસ કર્યો હતો પણ પૂરો ન કર્યો.”

“વાત તો એક જ થઇ ને?”

“હા ભાઈ સમજી ગયો. બસ સ્વીકારું છુ કે મને શરીરની જ ભૂખ છે. મળી ગઈ શાંતિ?” વિજય ગુસ્સે થઇ ગયો.

“વિજય મનમાંથી કાઢી નાખજે કે હું તને હેરાન કરવા આવ્યો છું કે તને નીચો દેખાડવાની કોશિશ કરી રહ્યો છું. તુ જ હમણાં કહેતો હતો ને કે તુ માણસ છે? તો માણસને શરીરની જરૂર હોય છે. એક સમયે તો જરૂર પડે જ છે. આપણી બયોલોજીકલ જરૂરીયાત છે. અત્યારે આપણે એક સમાજમાં રહીએ છીએ એટલે આ વાતોને સ્વીકારીએ છીએ પણ કોઈને કહેતા નથી અને કહેવું પણ ન જોઈએ. હું બસ એટલું કહેવા માંગું છું કે તુ જેને પ્રેમ સમજે છે એ પ્રેમ નથી. હું નથી માનતો કે આ પ્રકારનો પ્રેમ ખરેખર અસ્તિત્વમાં છે. લોકો પોતાની શરીરની ભૂખને સંતોષવા પ્રેમ નામનો સહારો લેતા હોય છે. જો સીધું જ એમ કહે કે મારે શરીરની ભૂખ સંતોષવી છે તો સમાજ તેને ખરાબ નજરે જુએ છે. આ ડરને કારણે જ લોકો પ્રેમ નામનો ઉપયોગ કરે છે અને આમ જોઈએ તો આમાં કંઈપણ ખોટું નથી. હું એમ નથી કહેતો કે બધા લોકો આવા જ છે હું એ લોકોની વાત કરી રહ્યો છું જે બધું કરવા માટે પ્રેમ નામનો સહારો લેતા હોય છે.”

“તને આમાં ખોટું નથી લાગતું કારણ કે તુ પણ આ લોકોમાં આવે છે. બરાબરને?”

“હા. હું પણ એ લોકોમાં જ આવું છું પણ મેં એ લોકોની જેમ પ્રેમ નામનો સહારો નથી લીધો. તને શું લાગે છે હું કોઈ માટે કદી વફાદાર રહ્યો જ નહી હોવ? એક સમય એવો હતો જ્યારે હું પણ તારી જેમ પ્રેમ પ્રેમ કરતો. જેને હું ચાહતો તેના માટે જે હું કરી શકતો હતો એ બધું કર્યું પણ તેમ છતાં એ વ્યક્તિએ સમય આવતા મને છોડી દીધો. વિચાર્યું કે બધી વ્યક્તિ એવી નહી હોય પણ જ્યા પણ હું સીરીયસ રિલેશનશીપમાં રહ્યો ત્યાં હું નિરાશ જ થયો. વિજય આ લવ જેવી વસ્તુ ફિલ્મોમાં જ સારી લાગે છે. તેના પાત્રો વચ્ચે પ્રેમ થવાનો જ હોય છે. જે બસ કોઈની કલ્પના હોય છે. મારા જીવનમાં પણ એવા દિવસો આવ્યા હતા જ્યારે હું કોઈના છોડી ગયા પર રડ્યો હતો પણ મેં તારી જેમ એ વ્યક્તિની રાહ ન જોઈ. મને વધારે તો ખબર ન હતી પણ હું એટલું જરૂર જાણતો હતો કે મારી પાસે જે જીવન છે એ ક્યારે પૂરું થઇ જશે એ નક્કી નથી માટે હું એ જીવન કોઈની રાહમાં વિતાવવા ન હતો માંગતો. તને ખબર છે મારે અત્યાર સુધીમાં ઘણી બધી રિલેશનશીપ શા માટે હતી? કારણ કે હું તારી જેમ પોતાની જાત સાથે જૂઠું નથી બોલતો. મને કિસ જોઈતી હોય તો સીધું જ કહી દવ છું. ભલે પછી તેના લીધે લોકો મને ખરાબ સમજે કે મારી જી.એફ. રિલેશનશીપ તોડી નાખે. જોકે એવું હજી સુધી બન્યું જ નથી. જ્યારે પણ મેં એ માંગ્યું છે એ મને મળ્યું જ છે. એ માટે મારે કોઈ નાટક નથી કરવા પડતા. વિજય તે યુવી સાથે મિત્રતા કરવા શું કર્યું હતું?”

“યાર આ કેવો સવાલ છે?”

“જવાબ તો દે. તને કંઇક નવું જાણવા મળશે.”

“કોલેજના દિવસોમાં હું યુવીની બેંચમાં બેસતો. અમે એક બીજાનો પરિચય મેળવ્યો અને કોલેજના કામોમાં એકબીજાની મદદ કરવા લાગ્યા અને સમય જતા ગાઢ મિત્રો બની ગયા.”

“તે કદી મિત્રતા કરવા તેને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી હતી?”

“ના એમાં વળી શું ઈમ્પ્રેસ કરવાનું? એ કોઈ છોકરી થોડી છે કે મારે તેની સાથે મિત્રતા કરવા તેને ઈમ્પ્રેસ કરવો પડે.”

“પણ એવું કેમ? એ છોકરી નથી અને છોકરો છે એટલે?”

“હા પણ આ બધું તુ શા માટે પૂછી રહ્યો છે એ સમજાવીશ?”

“છોકરી સાથે મિત્રતા કરવા કે તેને જી.એફ. બનાવવા ઈમ્પ્રેસ કરવી પડે છે. એમ આઈ રાઈટ?”

“હા.”

“કેમ તે કોઈ બીજું પ્રાણી છે? શું તે યુવીની જેમ એક માણસ નથી? શું તેની લાગણીઓ યુવી કરતા અલગ છે? બસ એક શરીર અલગ છે એ માટે ઈમ્પ્રેસ કરવી પડે છે ને? હું બસ એટલું કહેવા માંગું છું કે બધી પ્રોબ્લેમ અહીંથી જ શરૂ થાય છે. તુ તેને અલગ માને છે. જો તારી નજરમાં કોઈ છોકરીની વ્યાખ્યા એ હોત કે તે પણ યુવીની જેમ એક માણસ જ છે. તેને જીવનનું ધ્યેય બનાવવાની કોઈ જરૂર નથી. તો આજ તુ જીવનમાં આમ પોતાનો સમય ન બગાડતો હોત અને ખાસ તુ દુખી ન હોત. ખબર છે મોટા ભાગના છોકરાઓનું ધ્યેય છોકરી કેમ હોય છે? કારણ કે મોટા ભાગના લવ સ્ટોરીવાળા ફિલ્મમાં તેમને એ જ બતાવવામાં આવે છે કે ફિલ્મનો હીરો ખૂબ સારો છે, તે કુલ છે અને હીરોઈન બસ એ હીરોના જીવનમાં આવવા બેકરાર છે. હીરોઈનનું ફિલ્મમાં એક જ કામ હોય છે કે એ બસ હીરોનું ધ્યેય છે. હીરોના જીવનમાં જઇને હીરોને દુનિયાની બધી ખુશી દેવા માંગે છે. હીરો માટે જ જીવવા માંગે છે અને હીરો માટે જ મરવા માંગે છે. તેનું કામ બસ આ જ છે. ન તો એ એક વ્યક્તિ છે જેના પોતાના પણ સપના છે, પોતાનું અલગ જીવન છે અને પોતાનો અલગ સંઘર્ષ છે. એ બસ હીરોના સપના સાકાર કરવા, તેને ઈમોશનલ કે ફીઝીકલ સપોર્ટ આપવા અને તેને ખુશ રાખવા નવરી બેઠી છે. વાત અહીં જ નથી અટકતી. હિરોઈન પણ અપ્સરા જેવી હોવી જોઈએ! રૂપાળી અને સુડોળ શરીરવાળી. હીરોના જીવનનું ધ્યેય છે ભાઈ! જેવું તેવું ના ચાલે. બસ તે માણસ નહી પણ હાંસિલ કરવાની એક વસ્તુ છે. ઘણી ફિલ્મમાં આ ઉલટું હોય છે. તેમાં હીરોઈનની જગ્યાએ હીરો હોય છે પણ વાત આ જ હોય છે. હું ફિલ્મોનો વિરોધી નથી. બસ આ પ્રકારની માનસિકતાથી પ્રોબ્લેમ છે.” નીકના અવાજમાં નિરાશા હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED