પ્રતિશોધ દ્વિતીય અંક:
ભાગ-16
તારાપુર, રાજસ્થાન
પોતાની આદિત્યના દાદા પંડિત શંકરનાથ પંડિત જોડે કેવા સંજોગોમાં મુલાકાત થઈ હતી જે અંગે જણાવતા તારાપુરના રાજવી તેજપ્રતાપે આદિત્યને વર્ષો પહેલાની એક વિતક કહેવાનું શરૂ કર્યું. ભગતલાલ નામક ગામના એક પંડિતને સુંદરી નામક ગણિકાની હત્યા માટે જવાબદાર ગણી તેજપ્રતાપના પિતાજી રાજા બહાદુરપ્રતાપે ભગતલાલનું ગામ વચ્ચે શિરવિચ્છેદન કરી દીધું.
એ જ સમયે ભગતલાલનો ધ્વનિ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો..જેમાં જણાવવામાં આવ્યું કે તેજપ્રતાપનો પુત્ર અને બહાદુરપ્રતાપનો પૌત્ર જ્યારે અઢાર વર્ષનો થશે ત્યારે ભગતલાલ બ્રહ્મરાક્ષસ બનીને પાછો આવશે. આ વાત આગળ ચલાવતા તેજપ્રતાપે આદિત્યને કહ્યું.
આ આકાશવાણી સાંભળી હું હેબતાઈ ગયો હતો. તપાસ કરતા માલૂમ પડ્યું કે ભગતલાલ સાચેમાં સંત માણસ હતો અને એ સુંદરીના ઘરે એટલે ગયો હતો કેમકે ગામના અમુક યુવાનોએ જાણીજોઈને એને ત્યાં એવું કહી મોકલ્યો હતો કે સુંદરીની તબિયત વધારે ખરાબ છે અને એ ભગતલાલને યાદ કરી રહી છે.
થોડા દિવસોથી ભગતલાલની સલાહ સાંભળી સુંદરી બધાં ગોરખધંધા મૂકીને સન્નારીની માફક જીવવા તૈયાર થઈ હોવાથી ભગતલાલને એના પ્રત્યે માનવસહજ લાગણી હતી. આ લાગણીના લીધે તેઓ સહેજ પણ વિચાર્યા વગર સુંદરીના ઘરે જઈ પહોંચ્યાં. ભગતલાલે ત્યાં પહોંચીને જોયું તો સુંદરીના ઘરમાં એની લોહી નીતરતી લાશ પડી હતી. પોતાને ત્યાં મોકલનારા યુવાનોનું જ આ કૃત્ય હોવું જોઈએ એ સમજી ચૂકેલા ભગતલાલ ફટાફટ સુંદરીના ઘરેથી નીકળી આ ઘટનાની જાણ કરવા કોઠી પર આવી રહ્યા હતાં ત્યારે જ એ બદમાશ યુવકોએ સુંદરીની હત્યા ભગતલાલ દ્વારા કરવામાં આવી હોવાની ખોટી અફવા ગામમાં ફેલાવી દીધી હતી.
એમાં હુકમસિંહ જેવા ગામના અમુક લોકોએ ભગતલાલને સુંદરીના ઘરેથી નીકળતો દીઠો એટલે એમને આ અફવા સાચી માની લીધી અને સત્ય જાણ્યા વિના ભગતલાલને અધમૂઓ કરી ગામની વચ્ચે મુશ્કેટાટ બાંધી દીધો. ગામલોકોની માફક બહાદુરપ્રતાપ પણ સત્ય જાણવાની કોશિશ કર્યા વિના જ ભગતલાલ જેવા સંત માણસની હત્યા કરી બેઠા, જેની સજા આગળ જતાં અમારા પરિવારની સાથે પૂરા ગામે ભોગવવી પડી.
એ સમયે મારો દીકરો રુદ્ર માંડ ચાર વર્ષનો હતો, જેનો અર્થ હતો કે ચૌદ વર્ષ સુધી અમારે મૂંઝાવાનો કોઈ પ્રશ્ન નહોતો. આમ છતાં એક બાપ તરીકે મારુ હૈયું સતત કોચવાતું અને હું ભયના ઓથાર નીચે જીવવા લાગ્યો. પિતાજીને પોતાના કર્યાનો કોઈ પસ્તાવો નહોતો એ જાણીને મને ભારે ગુસ્સો આવતો પણ હું મારા સગા બાપને કંઈ કહી શકું એમ નહોતો.
રુદ્ર જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે ગામના ત્રણ-ચાર યુવકોએ એની હત્યાનું કાવતરું રચ્યું..કેમકે, એ લોકો ઈચ્છતા હતા કે જો રુદ્ર અઢાર વર્ષનો થાય જ નહીં તો પછી આ ગામને બ્રહ્મરાક્ષસના ગુસ્સાનો ભોગ ના બનવું પડે. આ તો અંત સમયે ભૂરાલાલની ચાલાકીથી રુદ્ર બચી ગયો, નહીં તો હું પુત્રવિહોણો બની જાત. આ કાવતરું ઘડનારા ચારેય યુવકોને મેં પોલીસને હવાલે કરી દીધાં.
રુદ્ર પર તારાપુરમાં જોખમ છે એ જાણ્યા બાદ મેં મારા પુત્રને લંડન મોકલી દીધો, મારા એક દૂરના સાળાને ત્યાં. સાથે રુદ્રને સાફ-સાફ જણાવી દીધું કે એને કોઈપણ સંજોગોમાં તારાપુર આવવાનું નથી. વર્ષેદહાડે હું અને રુદ્રની માતૃશ્રી લંડન જઈને થોડો વખત અમારા પુત્ર સાથે પસાર કરી આવતા. આમને આમ વર્ષો વિતતા ગયાં અને રુદ્ર વીસ વર્ષનો થઈ ગયો.
અઢાર વર્ષ વાળી આકાશવાણી ત્યારે મને ખોટી પડતી જણાઈ. આ સમયે મારા પિતાજીનું દુઃખદ નિધન થયું અને એમની આખરી ઈચ્છાને માન આપી મારે નાછૂટકે રુદ્રને લંડનથી તારાપુર બોલાવવાની ફરજ પડી. દાદાજીના અંતિમસંસ્કાર કરવા રુદ્ર તારાપુર આવ્યો અને બીજી લૌકિક ક્રિયાઓ બાદ મેં એને લંડન મોકલવાની કવાયત પણ આરંભી દીધી.
રુદ્ર જે દિવસે લંડન જવાનો હતો એ દિવસે જ મારી પત્ની દાદર ઉપરથી નીચે પડી ગઈ અને એનાં માથાના ભાગે ભારે ઈજાઓ પહોંચી. આ કારણથી એનું પૂરું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું. ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી લીધા અને કહી દીધું કે રુદ્રની માં હવે દસેક દિવસ માંડ કાઢશે.
આટલા વર્ષોથી પોતાની માંનો વિયોગ સહન કર્યા બાદ રુદ્ર એને અંતિમ સમયમાં છોડીને જવા કેમનો તૈયાર થાય? રુદ્ર તારાપુરમાં જ રોકાઈ ગયો અને આ સાથે જ ભગતલાલની આકાશવાણી સાચી પડવાની શરૂઆત થઈ ગઈ.
રુદ્રની માંને હોસ્પિટલમાંથી ઘરે લાવ્યાને એક દિવસ જ થયો હતો ત્યાં ગામમાં એક એવી ભયંકર ઘટના બની જેને ગામલોકોની સાથે પોલીસતંત્રની ઊંઘ ઉડાડી મૂકી.
ગામની ભાગોળે સવારે એક વ્યક્તિએ છ મૃતદેહો વડની વડવાઈઓ થકી બંધાયેલી હાલતમાં લટકતાં જોયા. આ છ વ્યક્તિઓના મૃતદેહોની હાલત એટલી બધી ખરાબ હતી કે જોનારો મહિનાઓ સુધી રાતે ઝબકીને જાગી જાય. બર્બરતાની બધી જ સીમાઓ લાંઘીને આ હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો. દરેક મૃતદેહની આંખો ગાયબ હતી અને એમનાં પેટનો ભાગ ક્ષત-વિક્ષત કરી દેવામાં આવ્યો હતો.
પોલીસ ઉપરી સિંહા સાહેબ પણ આ મૃતદેહો જોઈને ધ્રુજી ઉઠ્યા, કોઈ આટલું ક્રૂર કેમનું હોઈ શકે છે એવો પ્રશ્ન બધાની જીભે આવી ગયો.
આ મૃતદેહો કોના છે એની તપાસ કરવામાં આવી તો જે નામ સામે આવ્યા એ સાંભળી મારા પર આભ ફાટી પડ્યું. આ છ એ લોકો હતા જેમને જાણીજોઈને ભગતલાલને સુંદરીની હત્યાના આરોપમાં સપડાવ્યો હતો. આ ભયંકર હત્યાકાંડ બાદ હું સમજી ગયો કે ભગતલાલ પાછો આવી ચૂક્યો હતો અને મારી પત્ની જોડે થયેલા અકસ્માત પાછળ પણ એનો જ હાથ છે.
મને આ ઘટના બાદ રુદ્રની ચિંતા સતાવવા લાગી. મેં એને તાબડતોબ લંડન જવાની હિદાયત આપી પણ એ એકનો બે ના થયો. રાજપૂત થઈને પોતે ડરે તો રાજપૂતનું લોહી લજ્જિત થાય એવું કહી એ તારાપુરમાં રોકવાની જીદે ચડ્યો. આ ઘટનાના ત્રીજા દિવસે અમારા નોકર ભૂરાલાલની પણ ઘરના પછીતે કરપીણ હત્યા કરવામાં આવી. ભૂરાલાલનું મોત મારા માટે સંદેશો હતો કે હવે રુદ્રની પણ નજીકમાં આવી જ દશા થવાની છે.
રુદ્રની માંની હાલત પણ દિવસે અને દિવસે વધુને વધુ ખરાબ થઈ રહી..આ સંજોગોમાં શું કરું અને ક્યાં જાઉં એ મને નહોતું સૂઝી રહ્યું ત્યારે પોલીસ ઉપરી સિંહા સાહેબને મેં સત્યથી વાકેફ કર્યાં. પુરી વિતક સાંભળ્યા બાદ ભણેલા-ગણેલા સિંહા સાહેબ પણ એ માનવા તૈયાર થયાં કે આ બધું કારસ્તાન કોઈ મનુષ્યનું તો નથી જ!
જે ક્રુરતાથી હત્યાઓ થઈ છે અને દરેક મૃતદેહ જોડેથી જે પ્રકારના નિશાન મળી આવ્યા હતાં એ મુજબથી સિંહા સાહેબે પણ બ્રહ્મરાક્ષસના અસ્તિત્વનો સ્વીકાર કર્યો.
મારા મનમાં રહેલા ઉચાટને દૂર કરવા અને રુદ્રનો જીવ બચાવવા મને તારા દાદાજી, શંકરનાથ પંડિતની મદદ લેવાનું સૂચન કર્યું. જયપુર ખાતે એક વાર સિંહા સાહેબ અને પંડિતની મુલાકાત થઈ હતી. શંકરનાથ પંડિત સાથેની એ મુલાકાત બાદ સિંહા સાહેબને શૈતાની શક્તિઓને નાથવાની એમની પ્રતિભા પર ભરોભાર માન હતું.
સિંહા સાહેબની સલાહને માન આપી મેં તારા દાદાજી સાથે સંપર્ક સાધ્યો, મારી તકલીફ અંગે જાણ્યા બાદ પંડિત બે દિવસ બાદ તારાપુર આવી પહોંચ્યા.
"માલિક જમવાનું તૈયાર છે..!" તેજપ્રતાપ પૂરી વાત આદિત્યને જણાવે એ પહેલા બનવારી ત્યાં આવીને બોલ્યો.
"સૂર્યા, આપણે પહેલા જમી લઈએ..પછી આગળ વાત કરીશું."
આદિત્યને બધું જલ્દી જાણવાની ઈચ્છા હતી છતાં એમને તેજપ્રતાપની વાતનો સ્વીકાર કરતા હકારમાં ગરદન હલાવી.
"બનવારી, જમવાનું અહીં લેતો આવ." તેજપ્રતાપનો હુકમ મળતા જ બનવારી રસોડા તરફ ચાલતો થયો.
પાંચ મિનિટમાં તો જમવાનું પીરસાઈ ગયું. ઉંમર થઈ ગઈ હોવા છતાં બનવારીએ ખૂબ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું હતું. જમવાનું આરોગી લીધા બાદ આદિત્યએ તેજપ્રતાપને ઉદ્દેશીને કહ્યું.
"તો શું દાદાએ બ્રહ્મરાક્ષસનો અંત કરી દીધો?"
"ના..એમને બ્રહ્મરાક્ષસનો અંત ના કર્યો." તેજપ્રતાપે કહ્યું.
"પણ કેમ અને શું કરવા?" ભારે ઉત્કંઠા સાથે સૂર્યાએ બીજો સવાલ પૂછી લીધો.
"બહુ ઉતાવળો છે..!" હસીને આટલું કહ્યા બાદ તેજપ્રતાપ શંકરનાથ પંડિતના તારાપુર આવ્યા બાદ આગળ શું બન્યું હતું એ અંગે જણાવવા લાગ્યા.
*********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)