" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-7
આપણે પ્રકરણ-6 માં જોયું કે, આશ્કા પોતાનું ઘર બચાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે તેમજ પોતાની સાસરીમાં જે દુઃખ પડે છે તેની પોતાના મમ્મી-પપ્પા કે બેન નિરાલીને, કોઈને પણ કશીજ વાતની જાણ થવા દેતી નથી. છેવટે આશ્કાના પપ્પા મનોહરભાઇને બધીજ વાતની જાણ થઇ જાય છે અને પછી તો એક પિતાથી દીકરીનું દુઃખ કઇરીતે વેઠાય અને તે આશ્કાને તેમજ ઐશ્વર્યાને તેમના તમામ સામાન સાથે પોતાના ઘરે પરત લઇ આવે છે. પછી ઘણાં સમય સુધી રાહ જૂએ છે કે આશ્કાના સાસરેથી કોઈ સમાચાર આવે છે પણ ન તો કદી આશ્કાના સાસુ ભગવતીબેનનો ફોન આવે છે કે ન તો કદી આશ્કાના પતિ સમીરનો ફોન આવે છે અને ત્યારબાદ આશ્કાના ડાયવોર્સ માટે કોર્ટમાં અરજી મૂકે છે. હવે આગળ.....
કોર્ટનું કામ એટલે ઘણું અઘરું કામ છે. અને તેમાં પણ ભગવતીબેન જેવા કાબેલ, જમાનાના ખાધેલ માણસની સામે પડવું તે સહેલી વાત ન હતી. બીજું કે કોર્ટમાં કોઇપણ વાત સાબિત કરવા માટે સબૂત જોઈએ, સબૂત વગરનો કેસ સાવ લૂલો બની જાય. પણ સત્યની લડત તો લડવી જ રહી.... દીકરી આશ્કાને ન્યાય મળે, ખાધા-ખોરાકીના પૈસા મળે તેમજ ઐશ્વર્યાને ભણાવવાના તેમજ પરણાવવા માટે થોડા- ઘણાં પૈસા મળી જાય એટલે બસ, તેમ વિચારી એક લાચાર બાપ મનોહરભાઇએ કોર્ટમાં કેસ મૂક્યો હતો.
જુવાન દીકરી પોતાની નાની માસૂમ બાળકીને લઇને પિતાના ઘરે પરત આવે, તે માતા-પિતા ની શું હાલત હોય તે તો કોઇ રમાબેન અને મનોહરભાઇને જ પૂછે તો ખબર પડે....!!
રમાબેન, મનોહરભાઇ તેમજ આશ્કાની ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી તેમાં પણ સમાજના લોકો બે બાજુ બોલે, કોઇની દીકરી કેમ પાછી આવી હશે તેનું સાચું કારણ ખબર ન હોય અને એ દીકરીનો જ વાંક નીકળે. એ દીકરી માટે લોકો જેમ ફાવે તેમ બોલતા પણ વિચાર કરતાં નથી. તેના કેરેક્ટર સુધી વાત પહોંચાડી દેતા હોય છે. આવા સમાજમાં પોતાની જાતને કોઇપણ ખોટા આક્ષેપોથી બચાવીને રાખવી મુશ્કેલ કામ છે. આશ્કા ખૂબજ પ્રેમથી પોતાની દીકરી ઐશ્વર્યા ને ભણાવી-ગણાવી મોટી કરી રહી હતી.
થોડા સમય બાદ નિરાલીને માટે તેમના વતન બાજુથી એક સારા ઘરનું માંગું આવ્યું પણ દૂધનો દાઝેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે તેમ મનોહરભાઇ આ વખતે ઉતાવળ કરવા ન હતા માંગતા. બધીજ તપાસ સારી રીતે કરી લીધા બાદ તેમણે એ છોકરાને તેમજ તેના ઘરના માણસોને તેમની બરાબર ઇચ્છા નિરાલી સાથે લગ્ન કરવાની છે જ ને તે વાતની ખાતરી કરી લીધી પછી જ નિરાલીનું સગપણ નક્કી કરવામાં આવ્યું.
આ વખતે મનોહરભાઇએ નિરાલીનું સગપણ પૂરા બાર મહિના રાખ્યું જેથી માણસો કેવા છે તે બરાબર ખબર પડે. બરાબર બાર મહિના પછી ધામધૂમથી નિરાલીના લગ્ન કરવામાં આવ્યા. નિરાલીના સાસરે જવાથી આશ્કા જાણે એકલી પડી ગઇ હતી.
આશ્કાએ તેમજ મનોહરભાઇએ કોર્ટમાં ખૂબ ધક્કા ખાધા પણ હજી કેસનો કોઈ નિકાલ આવ્યો ન હતો. એકવાર કોર્ટમાં કેસ મૂક્યા પછી, ક્યાં જલ્દી તેનો નિકાલ આવે જ છે...??
રમાબેન આશ્કાને બીજા લગ્ન માટે પૂછ્યા કરતાં હતાં પણ આશ્કા પોતાના જીવન પ્રત્યે એટલી બધી તો ઉદાસ થઇ ગઇ હતી કે તે હવે લગ્ન બાબતે કંઇ વિચારવા જ માંગતી ન હતી.
રમાબેન મનોહરભાઇને કહેતા હતા કે, " આશ્કાના હવે જલ્દીથી ડાયવોર્સ થઇ જાય તો સારું. કારણ કે ઐશ્વર્યા મોટી થતી જાય છે અને આપણે તેને બીજે ઘેર વળાવી શકીએ. જુવાનજોધ દીકરીને ઘરમાં કઇરીતે રાખવી...??
આશ્કાના સાસરીવાળા આશ્કાને ડાયવોર્સ આપે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં...