" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-8
આપણે પ્રકરણ-7 માં જોયું કે રમાબેન મનોહરભાઇને કહેતા હતા કે, " આશ્કાના હવે જલ્દીથી ડાયવોર્સ થઇ જાય તો સારું. કારણ કે ઐશ્વર્યા મોટી થતી જાય છે અને આપણે તેને બીજે ઘેર વળાવી શકીએ. જુવાનજોધ દીકરીને ઘરમાં કઇરીતે રાખવી...??
અને મનોહરભાઇ એક ઉંડો નિ:સાસો નાંખતાં અને કહેતા કે, " રોજ કોર્ટમાં તેમજ વકીલની ઓફિસના ધક્કા ખઉ છું તેનાથી વધારે એક બાપ તરીકે હું બીજું શું કરી શકું...?? " અને તેમની તેમજ રમાબેનની આંખમાં પાણી આવી જતું. આટલી બધી હોંશિયાર તેમજ ડાહી દીકરી આશ્કાની જિંદગીમાં આવું દુઃખ આવશે તેવું તો તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહતું... અને આશ્કાની જિંદગી શરૂ થતાં પહેલાં જ ખતમ થઇ જશે તેવી તેમનૈ કલ્પના ન હતી.
આશ્કાને હવે પોતાની જિંદગી કરતાં પોતાની દીકરીની જિંદગી બેટર બને તેવી ઇચ્છા હતી. તેને તો જાણે હવે દીકરી માટે જ જીવવાનું છે તેમ તે નિરાલીને કહ્યા કરતી હતી. પણ નિરાલી તેને સમજાવતી હતી કે, આપણે બે બહેનો જ છીએ આપણે ભાઈ પણ નથી અને મમ્મી-પપ્પા ન હોય ત્યારે તું એકલી પડી જાય તેના કરતાં કોઈ સારો સંસ્કારી છોકરો મળી જાય તો તું મેરેજ કરી ને સેટ થઇ જાય તો મમ્મી-પપ્પાના જીવને પણ શાંતિ અને મારા જીવને પણ શાંતિ. તારા ડાયવોર્સ થઇ જાય એટલી જ વાર છે ત્યાં સુધીમાં હું અને તારા જીજુ તારા માટે સારો છોકરો શોધીને રાખીએ છીએ.
આ વાત સાંભળીને આશ્કાએ કહ્યું કે, " કદાચ, કોઇ ફોરેઇનનો છોકરો મળે તો મેરેજ કરીને ફોરેઇન સેટ થઇ જવું છે. એટલે મારી ઐશ્વર્યાની લાઇફ બેટર જાય. આ ડાયવોર્સનું જલ્દી પતે તો સારું. "
નિરાલીએ કહ્યું કે, " પતી જશે ચિંતા ન કર, દરેક વસ્તુનો એક સમય હોય છે તેનો પણ સમય આવશે એટલે તેનો પણ નિકાલ આવી જશે. અને તારે ફોરેઇન જવું હોય તો આપણે ગ્રીનકાર્ડ ધરાવતો હોય તેવો જ છોકરો શોધીશું બસ..." અને આશ્કાએ મેરેજ કરવા માટે "હા" પાડી એટલે મમ્મી-પપ્પા તેમજ નિરાલીને થોડી શાંતિ થઇ.
ઐશ્વર્યા જેમ વધારે મોટી થતી જતી હતી તેમ રમાબેન અને મનોહરભાઇને આશ્કાની તેમજ ઐશ્વર્યાની વધુ ચિંતા થતી હતી.
છેવટે ભગવતીબેનના મનમાં રામ વસ્યા અને તેમણે આશ્કાના ડાયવોર્સ માટે સમીરને છૂટ આપી અને કેસનો નિકાલ આવી ગયો આશ્કાને ડાયવોર્સ મળી ગયા. એટલે રમાબેન અને મનોહરભાઇએ નિરાંતનો શ્વાસ લીધો.
નિરાલીએ આશ્કા માટે સારો છોકરો શોધવાનું બીડું હાથમાં ઝડપી લીધું હતું. તેના હસબન્ડ પ્રદિપના ફ્રેન્ડનો ફ્રેન્ડ મીતુલ યુ.એસ.એ.થી આવ્યો હતો તે પણ ડાયવોર્સી હતો પ્રદીપને આ વાતની ખબર પડી એટલે તેણે પોતાના ફ્રેન્ડને આશ્કા માટે મીતુલની વાત કરી. બંનેને મળવાનું ગોઠવવામાં આવ્યું.
મીતુલને પણ એક દશ વર્ષની દીકરી હતી, મીતુલની વાઇફનું કાર એક્સીડન્ટમાં ડેથ થઇ ગયું હતું. આશ્કા કોઇને પણ જોતાંવેંત ગમી જાય તેવી હતી. મીતુલને પણ આશ્કા ખૂબ ગમી ગઈ. પરંતુ તેણે આશ્કા પાસે એક શરત મૂકી કે ઐશ્વર્યા હજી ત્રણ જ વર્ષની છે એટલે તે થોડી મોટી અને સમજદાર થઇ જાય પછી જ તેને આપણે યુ.એસ.એ.લઇ જઇશું ત્યાં સુધી નહિ. આશ્કાના મમ્મી-પપ્પાએ તેમજ આશ્કાએ આ વાત કબૂલ મંજૂર રાખી અને પછી બંનેના કોર્ટ મેરેજ કરી દેવામાં આવ્યા. મીતુલ આખું ઇન્ડિયા ફરવા માટે આવ્યો હતો તેથી તે વન મન્થની રજા લઇને આવ્યો હતો.
આશ્કા તેમજ તેના મમ્મી-પપ્પા ખૂબ ખુશ હતા. તેમને તો બસ આશ્કા ખુશ રહે તેમાં જ રસ હતો. મીતુલ આશ્કાને પોતાની સાથે બધે ફરવા લઇ ગયો, પંદર દિવસ બંને સાથે જ રહ્યા. હવે મીતુલને પાછું યુ.એસ.એ. જવાનું હતું તેથી તે જવાની તૈયારીમાં પડી ગયો.
અને તેનો જવાનો દિવસ આવી ગયો હતો, તેણે આશ્કાની વિઝા માટેની ફાઇલ તૈયાર કરી દીધી હતી અને આશ્કાના મમ્મી-પપ્પાને કહીને ગયો હતો કે આશ્કાના કે ઐશ્વર્યાના કદાચ કોઇ ડોકયુમેન્ટ્સ ખૂટે અને હું મંગાવું તો તમે મોકલી આપજો જેથી આપણને તેમના વિઝા માટે તકલીફ ન પડે. અને તે યુ.એસ.એ. રિટર્ન થઇ ગયો.
મીતુલ યુ.એસ.એ. ગયા પછી ત્યાંથી આશ્કાની ફાઇલ મૂકવાનો હતો જેથી સહેલાઈથી તેને વિઝા મળી જાય.
મીતુલ આશ્કાની ફાઇલ મૂકે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં.....