જીવન - એક સંઘર્ષ... - 1 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન - એક સંઘર્ષ... - 1

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-1

આ વાર્તા દુનિયાની દરેક સ્ત્રીને સમર્પિત છે. જ્યારે સ્ત્રી લગ્ન કરી પિતાના ઘરેથી પતિના ઘરે આવે છે...અને તે પારકાને પોતાના બનાવે છે. ચાહે કોઇપણ સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય દરેક ભારતીય સ્ત્રી લગ્નના વચનોને છેલ્લા શ્વાસ સુધી ઇમાનદારીથી નિભાવે છે. એટલું જ નહીં પણ તે મૃત્યુ સુધી પોતાના પતિનો સાથ પણ નિભાવે છે.

સ્ત્રીને બાળપણથી જ એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. બાળપણથી જ તેને ઉઠવા, બેસવામાં, રમવામાં અને એવી ઘણીબધી પ્રવૃત્તિમાં એક છોકરી હોવાને કારણે પ્રતિબંધ મુકવામાં આવે છે. અને દરેક છોકરીઓને બાળપણથી જ ભણવાની સાથે ઘરકામ શીખવવામાં આવે છે. તેની સાથે સાથે ઘણુંબધું જતું કરવાની શીખ આપવામાં આવે છે. સ્ત્રી એક પરિવાર માટે ઘણુંબધું કરે છે. છતાંપણ તેને હંમેશાં કશું કરતી નથી એવું જ સાંભળવા મળે છે. આ વાર્તા એક એવી સ્ત્રીની છે જે ઘણુંબધું કરે છે...પરંતુ તેની કદર તેના પરિવારને હોતી નથી, ત્યારે જિંદગીથી કંટાળીને ભગવાન પાસે હંમેશા મૃત્યુની કામના કરે છે. આખો પરિવાર હોવા છતાં તે સંસારમાં એકલી રહી જાય છે.

વાર્તા છે આશ્કાની, આશ્કાના જીવનના સંઘર્ષની... વાર્તા છે, એક દીકરીની.... વાર્તા છે એક બહેનની....વાર્તા છે એક પત્નીની.... વાર્તા છે એક માતાની....

પિતા કપડવંજ તાલુકાના આંબલીયારા ગામના વતની હતા....નોકરી ગાંધીનગર જિલ્લામાં સચિવાલયમાં મળી એટલે કર્મભૂમિ ગાંધીનગરને બનાવી ત્યાં જ સ્થિર થયા હતા. ગાંધીનગરમાં આશ્કાનો જન્મ થયો હતો. આશ્કા તેમનું બીજું સંતાન હતું. પહેલું સંતાન પણ દીકરી જ હતી.

ઉપરાઉપરી બીજી દીકરી આવી એટલે મનોહરભાઇ ના માતા ઈન્દુબાને ગમતું ન હતું. તેઓ તેના પુત્ર મનોહરને સંતાન તરીકે દિકરો આવે એની વાત હંમેશા કર્યા કરતાં હતાં. તેની પત્ની રમાબેનને વારંવાર મહેણાં- ટોણાં માર્યા કરતાં હતાં. રમાબેન ખૂબજ શાંત સ્વભાવના અને ધીર-ગંભીર હતા. તેથી તેમની સાસુના મહેણાં-ટોણાં શાંતિથી સાંભળ્યા કરતાં હતાં. કોઈ દિવસ સામે વળતો જવાબ આપતા નહીં. તેમને ભગવાન ઉપર પૂરો ભરોસો હતો કે એક દિવસ મારી કૂખે દિકરો ચોક્કસ અવતરશે અને આશ્કા એક વર્ષની થઇને રમાબેનને ફરીથી સારા દિવસો જઇ રહ્યા હતા.

આ વખતે સંતાનમાં દિકરો અવતરે તેવી ઇન્દુબા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. ઇન્દુબાને તો કુળનો દિપક જોઇતો હતો. તેથી તે રમાબેનની બંને દીકરીઓને પ્રેમથી બોલાવતા કે રમાડતા પણ નહિ. રમાબેનની પણ ઇચ્છા દિકરો આવે તેવી હતી જેથી તેમને સાસુ ઇન્દુબાના મહેણાં-ટોણાં સાંભળવા પડે નહિ અને ઇન્દુબા તેમની બંને દીકરીઓને પણ પ્રેમથી બોલાવે પણ આ વખતે પણ રમાબેનની કૂખે દીકરી જ અવતરી...અને જાણે ઇન્દુબાની અવગણના તેને ભરખી ગઇ હોય તેમ તે ચાર વર્ષની થઇ ત્યારે તેને ભારે ઓરી-અછબડા પધાર્યા અને તે મૃત્યુ પામી. રમાબેન ખૂબજ દુઃખી થઇ ગયા...પણ શું કરે...?? તેમના હાથમાં થોડું હતું કે દિકરો જ અવતરે...??

સાસુ ઇન્દુબાની નારાજગી વચ્ચે રમાબેન પોતાની બંને દીકરીઓને ખૂબજ પ્રેમથી ભણાવી-ગણાવી મોટી કરી રહ્યા હતા....અને સારા સંસ્કાર આપી રહ્યા હતા.

મોટી દીકરી નિરાલી દેખાવમાં થોડી ઘઉંવર્ણી અને સ્વભાવે શાંત હતી. પણ નાની દીકરી આશ્કા દેખાવમાં તેની મમ્મી રમાબેન જેવી ખૂબ રૂપાળી અને બોલવામાં પણ જબરી ચાલાક....દાદી ઇન્દુબા મમ્મીને કંઇ બોલી જાય તો પણ તે સામે સંભળાવી દે...ભણવામાં પણ ખૂબજ હોંશિયાર, તેને રમત- ગમત, ભણવામાં કે કોઇપણ વાતમાં પાછળ પાડી શકે નહિ કે હરાવી શકે નહિ. જબરી પણ એટલી જ, નિરાલીને કોઈ સાથે ઝઘડો થયો હોય તો આશ્કા તેને જઇને ધમકાવી આવે, નાની પણ એટલી ઉસ્તાદ કે કોઈને બદે નહિ.

મોટી બહેન નિરાલીનું ભણવાનું પૂરું થઇ ગયું હતું અને
આશ્કા કોલેજના છેલ્લા વર્ષમાં હતી. નિરાલી બી.એ. થઇ હતી. અને આશ્કા બી.કોમ. ના થર્ડ ઇયરમાં હતી. નિરાલી માટે તેના મમ્મી-પપ્પા સારો છોકરો શોધતા હતા. એક દિવસ મનોહરભાઇના એક મિત્ર વિપુલભાઈએ એક ખૂબજ પૈસાવાળા ઘરનો એકનો એક દિકરો નિરાલી માટે બતાવ્યો હતો.

પણ તે નિરાલીને પસંદ કરે છે કે નહિ વાંચો આગળના પ્રકરણમાં...