પ્રેમદિવાની - ૧૧ Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમદિવાની - ૧૧

દિનાંક ૧૦/૬/૨૦૦૦૯

તારી યાદના આંસુ પણ ખરી વફા દાખવે છે,
જોને આંસુ ક્યાં પાંપણની બહાર આવે છે?

આજ રોજ મીરાં ૩ મહિના બાદ પોતાને ઘેર આવી હતી. આટલા દિવસો બાદ આવી તો એ ખુશ થવાને બદલે દુઃખી હતી. કારણ એક જ હતું કે, અમનના પ્રેમનો અસ્વીકાર કરવો. અમનને પ્રથમ દ્વારા ખબર પડી જ ગઈ હતી કે મીરાં આવી ગઈ છે.

મીરાં પોતાના મનમાં ઉઠતી દરેક લાગણીને મનમાં સાચવી બેઠી હતી. મીરાં એના પપ્પાના મનમાં ચાલી રહેલ અવઢવને સમજી જ ગઈ હતી. આથી પોતાના પરિવારને એ કોઈ જ ચિંતા કે ઉપાધિ આપવા ઈચ્છતી નહોતી. નહીતો એ શું અમન સુધી પોતાના મનના સંદેશને શું ન મોકલી શકત? મીરાં પોતાના મનનું જ ધાર્યું કરવા ઈચ્છતી હોત તો ક્યારનું એ આ પગલું ભરી લેત પણ એ પછી મીરાં પોતાના પરિવારને હેરાન થતો ન જોઈ શકત... એકની લાગણી મેળવી અનેકની લાગણીને એ દુભાવવા ઈચ્છતી નહોતી. આથી મીરાં પોતાના પ્રેમને મનમાં જ રાખી બેઠી હતી.

મારા શ્વાસમાં તું યાદ બની રોજ મુજમાં જીવ બની તું વસે છે,
દોસ્ત! જાણે તારી યાદ રોજ મુજમાં મારા પ્રાણ બની તું વહે છે.

અમનના દિવસ કે રાત બસ ઉઘાડી આંખે જ જહીં રહ્યા હતા. એનું મન ખુબ બેચેન રહેતું હતું. આજ રોજ મીરાં આવે એટલે એની જોડે કોઈ પણ સંજોગે અમનને પોતાના બધા જ સવાલોના જવાબ જોઈતા હતા. બસ, મીરાં એને મળે એની જ રાહ હતી.

મીરાં જયારે ઈચ્છતી હતી કે અમનને એ જલ્દી મળે, તો સમયે સાથ ન આપ્યો. અને આજ જયારે સમય પણ છે અને અમન પણ મળવાનો જ છે તો મીરાં હવે એને રૂબરૂ મળવાનું કેમ ન થાય એ પ્રયાસમાં છે. કદાચ એ અમનને ના કહી શકવા સક્ષમ નહોતી. કદાચ લાગણી અમન સમજી જ ગયો હતો. મીરાં આવા વિચારોના ચકરાવમાં સાંજ સુધી તો અમનને ન મળવામાં સફળ રહી પણ સાંજે મીરાંના મમ્મીપપ્પા બજાર ગયા હતા અને મીરાંની બહેન બહાર એની સખીને ત્યાં ગઈ હતી, આ તક ઝડપી અમન જ મીરાંને ઘરે આવ્યો હતો.

અમનને જોઈને મીરાં એક ક્ષણ તો અમનને જોઈ જ રહી પણ કદાચ અમન મીરાંના ભાવ જાણી જશે એ વિચારે એ તુરંત અમનને કહે છે, આવ અમન હું તારે માટે પાણી લાવું છું. એટલું બોલી મીરાં ઉંધી ફરી કે તરત અમનએ એનો હાથ પકડી એને રોકી, અને એ બોલ્યો, 'ઉભી રહે મીરાં.. મારે પાણી નથી પીવું. મારે એજ જાણવું છે કે તે કીધું હતું છતાં તું કેમ મને હોસ્પિટલ મળવા ન આવી? કેમ તું વેકેશનમાં પણ મામાને ત્યાં ગઈ તો પણ મને મળવા ન આવી? આજ આખો દિવસ ગયો તું ઘરે આવે એ રાહમાં હું હતો છતાં પણ તું કેમ ઘરે ન આવી? મારા દરેક સવાલના જવાબ મને જોઈએ છે મીરાં.. શું તે મારા પ્રેમનો સ્વીકાર નહીં કર્યો? બોલ ને મીરાં? બધું જ એક જ શ્વાસે અમન બોલી ગયો.

મીરાં અમનના પ્રશ્નોને નહીં પણ એની વેદનાને અનુભવી રહી હતી. અમનના હાથમાંથી પોતાનો હાથ છોડાવી એ એટલું જ બોલી, મેં પેલા પણ તારા પ્રેમનો અસ્વીકાર કર્યો હતો અને આજ પણ હું ના જ પાડું છું.

અમન મીરાંનો જવાબ વચ્ચે જ અધૂરો રાખી પૂછે છે, તો તું હોસ્પિટલ રોજ કેમ આવતી હતી? મારે તારે વગર જીવવું જ નહીં તો કેમ રોજ આવતી હતી? તું ખોટું બોલે છે ને મીરાં? આટલું એ રડમસ અવાજે જ બોલી ગયો.

મીરાંએ વાત છુપાવવા કહ્યું, " તારા મમ્મીએ પ્રથમને મોકલ્યો હતો મને બોલાવવા. પૂછ જે પ્રથમને.. તું મારો જવાબ નહીં સહન કરી શકે માટે જ તને મળવાનું ટાળતી હતી.. આથી જ હોસ્પિટલ નહોતી આવી, આથી જ મામાને ઘરે વેકેશન કરવા ગઈ ત્યારે તને મળવા આવી નહોતી. તને હાથ જોડી કહું છું ખરેખર મને પ્રેમ કરતો હોય તો મને મળવા આવતો નહીં અને પેલા કર્યું એમ તારો જીવ મારી પાછળ વેડફતો નહીં, તને મારા સમ છે. મીરાં પણ એક શ્વાસે જ બધું નીચું મોઢું રાખી બોલી ગઈ.
માંડ માંડ એ આમ અમન સાથે વર્તી શકી, મીરાંનું મન ખુબ દુઃખી હતું. છતાં કદાચ આમ વર્તે તો અમન એને ભૂલી જશે એમ વિચારી મીરાં અમનને જવાબ આપી રહી હતી.

અમનને મીરાંનું આમ બોલવું સહન ન જ થયું, વળી સમ આપી અમનને પણ બાંધી લીધો મીરાંએ.. અમન ખુબ જ ગુસ્સામાં આવી ગયો હતો. અમન ગુસ્સામાં એટલું બોલીને જતો રહ્યો, તું ભલે ન માન પણ તું ખોટું જ બોલે છે, જયારે સત્ય કબૂલી શકે ત્યારે મારી પાસે આવજે હું તારી રાહ જોઇશ. તે સોગંદ આપી ભલે મને રોક્યો પણ તું એકવાર જરૂર મારી પાસે આવીશ તારે આવવું જ પડશે મીરાં... આટલું બોલી એ સડસડાટ ઘરની બહાર નીકળી ગયો. અને મીરાંએ રોકી રાખ્યા હતા એ આંસુ વહાવતો ગયો. મીરાં પોતાના ઘરના મંદિર પાસે માથું ટેકવી મન ભરી આજ રડી હતી. એ જાણે જીવ વગરની પોતાની જાતને અનુભવતી હતી. અમન બધું સહન કરી શકે એજ પ્રાર્થના એ વારંવાર પ્રભુને કરી રહી હતી.

પ્રેમ છે છતાં તેનો અસ્વીકાર કર્યો છે મીરાંએ,
અનેકના વિચારે પ્રેમનો તિરસ્કાર કર્યો છે 'પ્રેમદિવાની' મીરાંએ.

અમન મીરાંના ઘરેથી નીકળી સિધ્ધો પ્રથમ પાસે ગયો અને વાતનો ખુલાસો અમને પ્રથમ પાસે માંગ્યો હતો. મીરાંનો ઘા હજુ પડ્યો જ હતો ત્યાં પ્રથમે પણ કહ્યું કે, 'હું આન્ટીના કહેવાથી મીરાંને બોલાવવા ગયો હતો, આથી મીરાં તને હોસ્પિટલ મળવા આવી હતી. એ બેભાન હતો ત્યારની બધી જ વાત અને આન્ટીએ જે મીરાંને કહ્યું હતું એ બધું પ્રથમે અમનને જણાવ્યું.'

અમન માથા પર હાથ ટેકવી ત્યાં જ બેસી ગયો. હંમેશા મીરાંની બધી જ વાતને માન્ય રાખતો અમન આજ આ વાત સ્વીકારી શકતો નહોતો. એનું મન એજ કહી રહ્યું હતું કે મીરાં ખોટું જ બોલે છે. અમન આજ રડી પડ્યો હતો, એની હાલત પણ મીરાંની જેમ જ જીવ વગરની જિંદગી જેવી જ થઈ રહી હતી. પ્રથમ અમનને સાચવવા હાજર હતો. એ પોતાનાથી બનતા પ્રયાસ કરે છે કે અમનનું દુઃખ એ ઘટાડી શકે. પણ અમનને પ્રથમની કોઈ જ વાત ધ્યાનમાં જ નહોતી. એ મીરાંની એ દરેક પળને યાદ કરે છે જે દરેક પળ મીરાંએ અજાણતાં જ પોતાના મનમાં રહેલ અમન માટેના પ્રેમને જાહેર કર્યો હતો. અમન ખુબ રડી રહ્યો હતો. પ્રથમ અમનને રીતસર હચમચાવીને ભાનમાં લાવે છે, એ અમનને પાણી પીવડાવે છે અને તેને કહે છે, તું ખરેખર એવું માને છે કે, મીરાં ખોટું બોલે છે તો અમન તું રડીને એના પ્રેમને કેમ નબળો પાડે છે? રાહ જો એના ફરી આવવાની...

પ્રથમની આ વાત અમનને ચોંકાવી ગઈ. અને એને મીરાંનું આવું બોલવાનું કારણ મળી ગયું. એને એવો ભાસ થયો કે મીરાં પોતાના પપ્પાના લીધે આવું બોલી હશે. આ વિચારે અમન તરત જ ખુશ થઈ બોલ્યો. હા હું એની જરૂર રાહ જોઇશ!

દોસ્ત! મારે કરવો નહીં જ આપણા પ્રેમનાં અસ્વીકારનો સ્વીકાર,
રાહ જોઇશ અંતિમ શ્વાસ સુધી, કે ક્યારે કરે તું આપણા પ્રેમનો સ્વીકાર!

શું થઇ હશે મીરાંની અમનના ગયા બાદની સ્થિતિ?
શું લાવશે આવનાર સમય અમન અને મીરાંના જીવનમાં ફેરફાર?

જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'..