મૃત્યુ આકરું અને અસહ્ય લાગવાનું મૂળ કારણ એ છે કે મૃત્યુ સાથે બધું જ સમાપ્ત થઈ જાય છે અને ભાનની ક્ષણ પણ સમેટાઈ જાય છે. ખરું દુઃખ એથી જ કદાચ મૃત્યુનું નથી, પરંતુ મૃત્યુના નિમિત્તે જે કંઈ ગુમાવી દેવાનું છે એનું જ હોય છે. જીવન આખું સુખ-શાંતિ માટે દુઃખ વેઠ્યાં હોય અને અશાંતિ વેંઢારી હોય, ધનવૈભવ એકત્ર કર્યો હોય અને હવે એ ભોગવવાની ઘડી આવી ગઈ છે એવું લાગતું હોય, આશાઓ, અરમાનો અને મહત્વાકાંક્ષાઓના છોડ વાવીને જીવનભર સીંચ્યા અને હવે એને કળીઓ ફૂટવાની તૈયારી દેખાતી હોય, અનેક સપનાં આંખમાં આંજી રાખ્યાં હોય, સંબંધોના બાગ-બગીચા ઉગાડયા હોય અને એ બધું જ મૃત્યુની એક ક્ષણમાં વિલીન થઈ જવાનું હોય ત્યારે એ દુઃખ અસહ્ય જ બની જાય એ સ્વાભાવિક છે.
જ્ઞાનીઓ આ જ કારણે કહેતા આવ્યા છે કે જીવવાની જે કંઈ ક્ષણો મળે છે એને જો સાર્થક કરી શકાય તો મૃત્યુની ક્ષણે બીજું બધું જ છૂટી જવાનો અફસોસ એટલો કનડતો નથી. મનુષ્યને ભલે પામર જીવ કહ્યો હોય, પરંતુ એનામાં જીવનને યથાર્થતા બક્ષવાની અને પરમ ચૈતન્યનો સાક્ષાત્કાર કરવાની અદભુત અને પરમ શક્તિનો ધોધ વહે છે. દરેક ક્ષણને સાર્થક કરવા માટે પ્રેમમય હ્રદય, નિષ્કપટ વિચાર અને સાર્થકતાની તરસ હોય તો મૃત્યુના અફસોસની એ ક્ષણને અવશ્ય ટાળી શકાય છે અથવા એનો બોજ ઘટાડી શકાય છે. કમનસીબે મનુષ્યને આવી અમાપ અને અદ્ભુત શક્તિ મળી છે એ વાત જ વિસરાઈ જાય છે. વ્યક્તિ પરમ ચૈતન્યનો જ અંશ છે અને જીવન દરમિયાન અનેક વાર પરમ ચૈતન્યનું વ્યક્તિમાં અવતરણ થાય છે. એ ચૈતન્ય જ એની પાસે અદ્ભુત કાર્યો કરાવે છે. મનની શુદ્ધિ અને પ્રેમમય હ્રદય તથા નિષ્કપટ વિચાર વડે આવી ક્ષણે જે ચૈતન્યના આવિષ્કારનું સાધન બને છે એનું જીવન સાર્થક થઈ જાય છે અને જેનું જીવન સાર્થક થાય છે તેનું મૃત્યુ પણ સાર્થક જ હોય છે.
પરંતુ મનુષ્યમાં પડેલી અમર્યાદ સંભાવનાઓનું સાચું મૂલ્ય અંકાય નહીં ત્યાં સુધી સાર્થકતા હાથતાળી આપતી જ રહે છે. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સાર્થકતાની ક્ષણ આવતી જ હોય છે. ક્યારેક તો ઉપરાઉપરી એવી ક્ષણો આવે છે, પરંતુ સભાનતાના અભાવે તે છટકી જાય છે અને બહુધા તો છેલ્લી ક્ષણ સુધી આવી પળો ગુમાવી દેવાનો અહેસાસ પણ થતો નથી. આવી ક્ષણમાં માણસ દ્વારા ક્યારેક એવાં કાર્યો થઈ જાય છે કે જે ખરેખર કોઈક પરમ શક્તિએ જ માણસને સાધન બનાવીને કર્યા હોય. ઈશ્વર કે ભગવાન અવતાર લઈને પુષ્પક વિમાનમાં બેસીને પૃથ્વી પર આવી સારાં કામો કરી જતો હશે એવી કલ્પના મનોભાવ છે, પરંતુ ઈશ્વરનાં કાર્યો પણ મનુષ્યરૂપે અને મનુષ્ય મારફતે થતાં હોય છે એમ માનવું પડે એવી ઘટનાઓથી માનવજાતનો ઈતિહાસ ભરેલો પડ્યો છે.
અનેક સામાન્ય મનુષ્યના જીવનમાંથી પણ આવી ઘટનાઓ મળી રહે છે. વર્ષો પહેલા મુંબઈની એક મિશનરી કોલેજમાં એક ખ્રિસ્તી પ્રાધ્યાપક મળ્યા હતા, તેઓ પોતાના વિષયના વિદ્વાન હોવા ઉપરાંત અત્યંત પ્રેમાળ, સાલસ અને પરગજુ વ્યક્તિ હતા. ગમે તે ક્ષણે કોઈને પણ મદદરૂપ થવા તેઓ તત્પર રહેતા હતા. તેઓ કહેતા કે કોને ખબર કઈ ક્ષણે ઈશ્વર મારી મારફતે શું કરાવવા ઈચ્છતા હશે? એથી હું સતત કામ કરતો રહું છું. એક વાર એમની સાથેની વાતચીતમાં તેમણે પોતાનો ધૂંધળો ભૂતકાળ યાદ કરતાં કહ્યું કે મૂળ તો તેઓ વલસાડ જિલ્લાના એક નાનકડા અંતરિયાળ ગામમાં જન્મ્યાં હતા. એમના જન્મ પહેલાં જ પિતાનું નશાની આદતને કારણે અવસાન થયું હતું. અને માતા એમને જન્મ આપીને તરત મૃત્યુ પામી હતી. બીજે દિવસે ગામમાં કેટલાક મિશનરીઓ આવ્યા હતા. કોઈક મને મિશનરીઓ પાસે મૂકી આવ્યું. એ લોકોએ મને ઉછેર્યો, મોટો કર્યો ભણાવ્યો અને આજે હું જે કંઈ છું તે માત્ર આ મિશનરીઓને કારણે જ નહીં પરંતુ મને એમની પાસે મૂકી આવનાર કોઈ અજાણી વ્યક્તિને કારણે છું. મારા માટે તો એ જ ભગવાન, નહીંતર તરતના જન્મેલા બાળક તરીકે મા વિના હું જીવી જ ના શક્યો હોત!
આવા અનેક કિસ્સાઓ જાણવા અને સાંભળવા મળશે, પરંતુ આ બધા કિસ્સાઓ ઈતિહાસના પાને ચડયા નથી અને એથી આપણે અજાણ રહી જઈએ છીએ. પરંતુ એક જ વ્યક્તિ કોઈ અજ્ઞાત ક્ષણે અને કોઈ અજ્ઞાત પ્રેરણાથી કંઈક કામ કરે છે. એની કેટલી મોટી અસર થાય છે એ દર્શાવતા ઘણાં કિસ્સા ઈતિહાસમાં નોંધાયેલા છે. થોડા સમય પહેલા વાંચેલા એક પુસ્તક ‘વિઝડમ ઓફ એજીસ’ ના લેખક વેઈન ડબલ્યુ ડાયરે એક સરસ વાત કરી છે. તેઓ કહે છે કે બુદ્ધનું નામ તો ગૌતમ હતું. ‘બુદ્ધ’ તો એમને લાગેલું વિશેષણ હતું. એનો અર્થ એ કે આવું વિશેષણ કોઈને પણ લાગી શકે છે - મને અને તમને પણ!
બુદ્ધ થવું એ તો કદાચ સાર્થકતાની પરાકાષ્ઠા છે. બધા જ માણસો એ પરાકાષ્ઠા સુધી ન પહોંચે તો પણ જીવનમાં અવારનવાર આવતી બુદ્ધત્વ અને સાર્થકતાની ક્ષણોને તો ઝીલી શકે છે. શરત એટલી કે એ માટે ખોબો ભરેલો તૈયાર હોવો જોઈએ. બીજા એવા જ એક લેખક વિલિયમ વાઈન્ડેર એક લેખમાં ઈતિહાસમાંથી આવા કેટલાક ઉદાહરણો ટાંકે છે જેમાં એક વ્યક્તિના અભાન કે સભાન કર્મથી આભ-જમીનનો ફેર પડી ગયો હોય. એમણે આવું ‘હાઉ વન પર્સન કેન મેક અ વર્લ્ડ ઓફ ડિફરન્સ’ શીર્ષક હેઠળ લખેલા આ લેખમાં એવી કેટલીક કથાઓ આલેખી તેમાં કેટલાક માણસો એ દેખીતી રીતે નગણ્ય લાગે એવા કાર્યો કર્યા હતા, જેને કારણે અનેક લોકોના જીવનને ઘેરી અસર થઈ હોય.
આવી એક કથા તેમણે સેલી બુશ જહોન્સનની લખી છે. સેલી એક વિધવા હતી અને ત્રણ નાના બાળકોને ઉછેરવા માટે ભારે સંઘર્ષ કરી રહી હતી. અગાઉના લગ્ન પહેલાં તે બે બાળકોના પિતા એવા એક યુવાનના પરિચયમાં આવી હતી અને એણે સેલી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. એણે સેલીને કહ્યું કે એની પાસે એક મોટું ફાર્મ છે, નોકર-ચાકર છે અને સારી સંપત્તિ પણ છે. સેલીએ ઠરીઠામ થવાના વિચારથી આ પ્રસ્તાવને માન્ય રાખ્યો, પરંતુ લગ્ન કરીને એ નવા પતિના ફાર્મ ઉપર પહોંચી ત્યારે તેને સખત આંચકો લાગ્યો. એની સાથે બનાવટ થઈ હતી. ત્યાં કોઈ મોટું સમૃદ્ધ ફાર્મ નહોતું, નોકર-ચાકર નહોતા કેવી જંગી સંપત્તિ પણ નહોતી. એણે તરત જ ત્યાંથી પાછા ફરી નસીબના સહારે જીવી નાખવાનો નિર્ણય કર્યો.
એણે જેવા પગ ઉપાડ્યા તેની નજર એક ખૂણામાં સૂનમૂન બેઠેલાં બે નાના બાળકો પર પડી. એમાંનું સૌથી નાનું બાળક ઓશિયાળું બનીને સેલીની સામે જોઈ રહ્યું હતું. સેલીનો વિચારી એકાએક ફરી ગયો. એણે બાળકને ઊંચકી લીધું અને એક જ ક્ષણમાં ત્યાં રહેવાનું નક્કી કરી નાખ્યું. ઉકરડા જેવા ફાર્મને એણે મહામહેનતે રહેવા લાયક બનાવ્યું. એ નાનું બાળક સેલીની ગોદમાં ઉછેરવા લાગ્યું. એ બાળક એટલે અમેરિકાના ૧૭માં પ્રમુખ એન્ડ્રૂ જહોન્સન. તેઓ અવારનવાર પોતાના ઉછેર અને વિકાસમાં અપરમાએ આપેલા યોગદાનને ભારપૂર્વક યાદ કરતા હતા. એન્ડ્રૂ જહોન્સન એમની માનવતાવાદી અને ઉદાર નીતિ માટે સન્માનનીય સ્થાન પામ્યા હતા. આ માટે પણ તેઓ સેલીને જ યશ આપતા હતા.
આવો જ બીજો કિસ્સો પણ એમણે નોંધ્યો છે, જેની અસર વિશ્વના અસંખ્ય લોકો પર થઈ છે. વર્ષો પહેલા કે અંગ્રેજ કુટુંબ એમના મિત્રો સાથે સહેલગાહે નીકળ્યું હતું. એક ઠેકાણે સ્વિંમિંગ પુલ પાસે બાળકો રમતા હતા ત્યાં અચાનક એક બાળક ડૂબવા લાગ્યું. નજીકમાં કામ કરતા એક માળીએ બાળકની ચીસો સાંભળી અને એ પૂલમાં કૂદી પડ્યો. એણે જે બાળકને ડૂબતું બચાવ્યું હતું એ જ હતા, વિશ્વયુદ્ધ કાળના ઈંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ.
વાત આટલેથી પૂરી થઈ જતી નથી. વિસ્ટન ચર્ચિલના પિતાએ પેલા માળીને કંઈક ઈનામ આપવાની ઈચ્છા વ્યક્ત કરી. માળીએ થોડા ખચકાટ સાથે કહ્યું, મારે એક જ દીકરો છે એને ડોક્ટર બનાવવાની મારી અદમ્ય ઈચ્છા છે. પરંતુ મારી પાસે એને ડૉક્ટર બનાવવા જેટલા પૈસા નથી. સિનિયર ચર્ચિલે એ બાળકના અભ્યાસ માટેનો તમામ ખર્ચ આપવાનું માળીને વચન આપ્યું. હજુ વાત આગળ ચાલે છે. વર્ષો પછી ચર્ચિલ વડાપ્રધાન બન્યા અને પછી એકવાર એમને ન્યુમોનિયાનો ગંભીર ચેપ લાગ્યો. ઈંગ્લેન્ડના રાજાએ દેશમાં જે કોઈ શ્રેષ્ઠ તબીબ હોય એને હાજર કરીને ચર્ચિલની સારવાર કરવાનો આદેશ આપ્યો. જે શ્રેષ્ઠ તબીબી મળ્યા હતા તે હતા, પેનિસિલિનના શોધક ઍલેકઝાન્ડર ફ્લેમિંગ. ચર્ચિલને ખબર પડી કે, એના પિતાએ જેને તબીબ બનવાની સવલત આપી હતી એ જ તે માળીનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હતો. ચર્ચીલથી એ ક્ષણે બોલાઈ ગયું ‘મારું જીવન એક વાર પિતા અને બીજી વાર તેના પુત્રનું ઋણી બન્યું છે.’
વિલિયમ વાઈન્ડરે આવા બીજા કેટલાક કિસ્સા નોંધ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી લેફ્ટનન્ટ કર્નલ હેલ્વોર્સન નામના એક પાઈલટને કેટલોક માલસામાન બર્લિન પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી હતી.
યુદ્ધની વિભીષિકાનો ભોગ બનેલા બાળકોની હાલત જોઈને હેલ્વોર્સનનું દિલ દ્રવી ઊઠ્યું. એણે બર્લિન જતા માર્ગમાં બાળકો માટે પેરેશ્યૂટ મારફતે કૅન્ડી નાખવા માંડી. એણે બાળકોને એવો સંદેશો મોકલ્યો કે મારા વિમાનની પાંખો વળે એટલે તમે માનજો કે હું આવ્યો છું. બાળકો એને ‘અંકલ વિંગ્સ’ અને ‘કેન્ડી બોમ્બર’ તરીકે ઓળખવા લાગ્યા. આ જ હેલ્વોર્સને આલ્બેનિયાના શરણાર્થી કેમ્પમાં આશરો લઈ રહેલા નાના બાળકો પર ‘ઓપરેશન શાઈનિંગ હોપ’ના નેજા હેઠળ આ રીતે કેન્ડીનો વરસાદ વરસાવ્યો હતો.
તાત્પર્ય એ છે કે માણસને કોઈક તફાવત સમજવા અને જીવનને સાર્થક બનાવવા માટે કુદરતે મર્યાદિત શક્તિ અને સાધનો આપ્યા છે. સવાલ એ શક્તિને ઓળખવાનો જ છે. સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે તમે જ તમારા શક્તિનો ધોધ છો. તમે ચેતનાની કોઈ પરમ ક્ષણે કોઈની પણ સહાય કે કોઈના પણ માર્ગદર્શન વિના અણધાર્યા કામ કરી શકો છો. તમે અશક્ત છો એમ માનશો નહીં. તમારી અંદર રહેલા દૈવી તત્ત્વને તમે જ માર્ગ આપી શકો છો. જેણે જીવનમાં સત્ત્વ અને શક્તિનો આદર કર્યો છે એને મૃત્યુ પણ હંફાવી કે ડરાવી શકતું નથી!