યોગ-વિયોગ - 56 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

યોગ-વિયોગ - 56

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૬

સૂર્યકાંતને લઈને લક્ષ્મી બંગલાના પગથિયા ધીરે ધીરે ચડી રહી હતી. આમ તો સૂર્યકાંતની તબિયત ઘણી સારી હતી, પરંતુ હજી એમણે આરામ કરવાનો હતો.

પોતાના જ ઘરમાં દાખલ થતાં સૂર્યકાંતને લાગ્યું કે જાણે એ કોઈ નવી જગ્યાએ આવી ગયા છે. એમની છાતીમાં હજીયે આછો દુખાવો થયા કરતો હતો. ઘરમાં દાખલ થતાં જ એમણે લક્ષ્મી સામે જોયું, ‘‘બેટા, વસુને ફોન લગાડ.’’

‘‘હા, હા, લગાડું છું.’’ લક્ષ્મીના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘મને ખબર છે કે ઘરમાં દાખલ થયા પછી સૌથી પહેલો અવાજ તમારે માનો સાંભળવો છે.’’

‘‘મારે તો એનો ચહેરો જોવો હતો.’’સૂર્યકાંતથી નિઃશ્વાસ નખાઈ ગયો, ‘‘મૃત્યુના મોઢામાંથી પાછા ફર્યા પછી જે આંખોએ મને જિંદગી આપી એ આંખોને જોવી હતી મારે, પણ તારી મા...’’ લક્ષ્મીએ સૂર્યકાંત સામે જોયું, ‘‘બહુ જિદ્દી છે તારી મા. અહીં આવી હોત તો નાની થઈ ગઈ હોત ?’’

‘‘ડેડી, મારી મા જિદ્દી નથી, સ્વમાની છે.’’

‘‘હા ભઈ હા, મુંબઈથી આવી પછી તું પણ એની જ ભાષા બોલતી થઈ ગઈ છે. કોણ જાણે શું છે એનામાં કે જે એને મળે એ એનું થઈ જાય છે.’’

‘‘ડેડી, તમને એક સારા સમાચાર આપવાના છે.’’

‘‘નીરવ અમેરિકા આવે છે ?’’ સૂર્યકાંતે પિતાના વહાલસોયા સ્મિત સાથે લક્ષ્મી સામે જોયું.

‘‘ના ડેડી, આપણે જઈશું, ઇન્ડિયા... લગ્ન કરવા.’’

‘‘લક્ષ્મી ?’’

‘‘હા ડેડી, તમે એક વાર સાજા થઈ જાવ એટલે આપણે ઇન્ડિયા જઈશું.’’ કહેતાં કહેતાં લક્ષ્મીએ હાથમાં પકડેલા હેન્ડસેટથી ભારત ફોન લગાડ્યો.

ટ્રીન... ટ્રીન.... ટ્રીન... ટ્રીન...

વસુમાએ ઉતાવળા પગે અંદર જઈને ફોન ઉપાડ્યો.

‘‘હા કાન્ત ! અજય નીકળે છે.’’ પછી એમના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું.

‘‘વસુ, તું રડે છે ?’’ સૂર્યકાંતથી પૂછતા તો પુછાઈ ગયું. પછી એમને સમજાયું કે વસુંધરા કોઈનાય જવાથી રડે એવી નથી.

‘‘ના રે... હું જરાય રડતી નથી.’’ એમણે કહ્યું.

‘‘વસુ, તને કદાચ એવું લાગ્યું હશે કે મેં તારા દીકરાને...’’

‘‘મારો ? જેટલો મારો છે એટલો જ તમારો પણ છે કાન્ત, આટલાં વરસ મારી સાથે રહ્યો તો હવે તમારી સાથે પણ રહેને થોડાં વરસ !’’ સૂર્યકાંત આંખો બંધ કરીને સાંભળી રહ્યા હતા. એમની નજર સામે વસુંધરાનો માર્દવભર્યો ચહેરો જાણે તાદૃશ થતો હતો.

‘‘તને ખરાબ તો નથી લાગ્યુંને વસુ ? મેં આવી રીતે છોકરાઓના ભાગ પાડી લીધા...’’ સૂર્યકાંતની આંખો હજીયે બંધ હતી.

‘‘ના, કાન્ત ! મને જરાય ખરાબ પણ નથી લાગ્યું, શું કામ લાગે?’’ સહેજ અટકીને જાણે શબ્દો ગોઠવતાં હોય એમ વિચારીને કહ્યું, ‘‘મિલકતની જેમ સમય આવ્યે સંબંધો પણ વહેંચાઈ જતા હોય છે... એનો અફસોસ નથી કરતી હું. આજ સુધી જે મને મળ્યું છે એનો આનંદ જ છે!’’

‘‘વસુ, લક્ષ્મીનાં લગ્ન ભારતમાં લેવાનું નક્કી કર્યું છે.’’

વસુમાના ચહેરા પર ફરી એક સ્મિત આવ્યું. એમને ગઈ કાલે રાત્રે નીરવ સાથે થયેલી વાત યાદ આવી ગઈ, ‘‘જાણું છું.’’ પછી અવાજમાં સહેજ તોફાન પણ આવી ગયું, ‘‘ચાલો, એ બહાને પણ તમે પાછા તો આવશો.’’

‘‘પાછા આવવા માટે હવે મારે કોઈ બહાનાની જરૂર નથી... તું જ્યાં હોય ત્યાં પહોંચવું તો હવે મારી બચેલી જિંદગીનું ધ્યેય થઈ ગયુ, વસુ !’’

સૂર્યકાંતે આ વાક્ય કહ્યું એની સાથે જ વસુમાના ચહેરા પર એક અજબ લાલીમા ધસી આવી. આજે પણ જાણે નવી પરણીને આવી હોય એવી શરમ ફોન પકડીને ઊભેલી વસુના ચહેરા પર ઝળહળી રહી.

‘‘વસુ, જિંદગીનાં બહુ વર્ષો દોડતાં-ભાગતાં-હાંફતા-હાંફતા કાઢી નાખ્યાં. તું જીવવા માટે કમાતી રહી અને હું કમાવા માટે જીવતો રહ્યો...’’ સૂર્યકાંતનો અવાજ ગળગળો થઈ ગયો હતો. એની બાજુમાં ઊભેલી લક્ષ્મી અને હમણાં જ આવેલા મધુકાંતભાઈ બંનેની આંખો પણ સૂર્યકાંતના અવાજથી ભીની થઈ ગઈ, ‘‘વસુ, મને ખબર નથી હવે કેટલાં વર્ષો બચ્યાં છે, સિલકમાં...’’

‘‘આવું શું કામ બોલો છો ?’’ વસુમાએ કહેતાં તો કહ્યું, પણ જાણે એમનેય એક ધ્રુજારીનું લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું.

એ પછી ક્યાંય સુધી બંને જણા વાતો કરતાં રહ્યાં. લક્ષ્મી અને મધુભાઈએ પણ સમજીને એમને એકલા મૂકી દેવાનું જ યોગ્ય માન્યું.

લગભગ અડધો-પોણો કલાક રહીને લક્ષ્મી જ્યારે પાછી સૂર્યકાંત પાસે આવી ત્યારે ફોન મુકાઈ ચૂક્યો હતો અને સૂર્યકાંત આંખો બંધ કરીને કોણ જાણે કયા વિચારમાં પડ્યા હતા. એમના ચહેરા પર ચાલતા હાવભાવના ઉતાર-ચડાવ જોઈને લક્ષ્મીને એમને ડિસ્ટર્બ કરવાની ઇચ્છા ના થઈ. એ સમજી શકતી હતી કે હમણાં છેલ્લા થોડા દિવસોથી જેમ બનતું હતું એવી જ રીતે સૂર્યકાંત ફરી એક વાર ભૂતકાળની સફરે ઊપડી ગયા હતા.

લક્ષ્મી એમની પાસે આવી અને હળવેથી સૂર્યકાંતના કપાળે હાથ મૂક્યો. સૂર્યકાંતે આંખો ખોલી.

‘‘ડેડી, રૂમમાં જઈશું ?’’

‘‘હા.’’ સૂર્યકાંત હળવેથી ઊભા થયા. લક્ષ્મીની પાછળ ઊભેલા મધુભાઈને જોઈને એમણે ધીમેથી પૂછ્‌યું, ‘‘અજયને લેવા કોણ જવાનું છે ?’’

‘‘હું જ જાઉં છું.’’

‘‘મધુભાઈ, મારો દીકરો પહેલી વાર મારે ઘેર આવે છે. એને કોઈ તકલીફ ના પડે એ જોજો...’’ સૂર્યકાંતના ચહેરા પર એમનું સુખ છલકાતું હતું.

પ્લેનમાં અજય જાણે સતત દેશથી દૂર, માથી દૂર જઈ રહ્યાની લાગણી અનુભવી રહ્યો હતો. જાનકી એની આંખોમાં એ ખાલીપો જોઈ શકતી હતી, પણ વસુમા સાથે આટલી બધી વાત થયા પછી એણે નક્કી કર્યું હતું કે એ અજયની લાગણીઓને ક્યાંય અવરોધ્યા વગર વહેવા દેશે.

એ અમેરિકા પહોંચે તે પહેલાં પોતાની જાત સાથે સેટલ થઈ જાય એવી જાનકીની ઇચ્છા હતી. જાનકી જાણતી હતી કે પોતાની નિષ્ફળતાના અને અધૂરાપણાના ઝનૂનમાં અજયે અમેરિકા જવાનો નિર્ણય તો કરી લીધો હતો, પરંતુ એ પછી દેશ છોડતાં અને અહીં પહોંચતા સુધી અજય કેટલાય ઊંચા-નીચા રસ્તાઓમાંથી પસાર થયો હતો.

અજયે જાનકીની સામે જોયું. એ આંખો મીંચીને બ્લેન્કેટ ઓઢીને ઊંઘવાનો પ્રયત્ન કરતી હતી. જોકે, ઊંઘી એની આંખોમાં પણ નહોતી જ...

નવો દેશ, નવું ઘર અને નવી દુનિયા સાથે ગોઠવાવાનો જે પ્રયાસ એણે પણ કરવાનો હતો એ બાબતે એ પોતાની જાત સાથે સવાલ-જવાબ કરી રહી હતી.

નીકળતી વખતે એને વસુમાએ કહેલી વાત રહી રહીને યાદ આવતી હતી, ‘‘તું અજયની પ્રગતિ અને એના વિકાસ માટે પરદેશ જઈ રહી છે એ વાત ક્યારેય નહીં ભૂલતી. ત્યાં પહોંચ્યા પછીનો થોડો સમય તારી જાતને ભૂલીને ફક્ત અને ફક્ત અજયને આપજે. એને તારી પ્રેરણાની, તારા સાથની, તારી સંભાળની ડગલે ને પગલે જરૂર પડશે ત્યાં જઈને !’’

‘‘શું થયું ?’’ એણે અજયને પોતાની તરફ તાકતો જોઈને પૂછ્‌યું.

‘‘જાનકી, આપણે સાચું પગલું તો ભર્યું છે ને?’’

જાનકી ખડખડાટ હસી પડી, ‘‘પગલું ભરાઈ ચૂક્યું છે અજય, હવે એ સાચું હતું કે નહીં એનો વિચાર કરવાને બદલે એને સાચું કેવી રીતે પાડી શકાય એનો પ્રયાસ કરવાનો...’’

‘‘જાનકી, એક માત્ર આપણા બહાર નીકળી જવાથી શ્રીજી વિલા વીખરાઈ ગયું એવું લાગે છે તને ?’’

‘‘શ્રીજી વિલા સૂર્યકાંત મહેતાના જવાથીયે નહોતું વીખરાયું, તો આપણા જવાથી એની કાંકરીયે શું કામ ખરે ? હવે આ બધા વિચાર છોડીને થોડો આરામ કરો.’’ જાનકીએ હળવા હાથે અજયના વાળમાં આંગળાં ફેરવવા માંડ્યાં અને અજય પણ હળવે હળવે ઘેરાતી ઊંઘમાં લપેટાવા લાગ્યો.

એક માત્ર જાનકીની ઊંઘ હરામ થઈ ગઈ હતી. એણે ફરી આંખો મીંચીને જાત સાથે સવાલ-જવાબ કરવા માંડ્યા.

પોતાના ઓરડામાં, પોતાના પલંગ પર સૂતા પછી સૂર્યકાંતે લક્ષ્મીને કહ્યું, ‘‘તું થોડી વાર બહાર જા.’’ મધુકાંતભાઈ પણ એની સાથે બહાર જવા માંડ્યા, ‘‘તમે અહીં જ રહો. મારે તમારું કામ છે.’’

લક્ષ્મીને થોડી નવાઈ લાગી. છતાં એક પણ અક્ષર બોલ્યા વિના એ ઓરડાની બહાર નીકળી ગઈ.

‘‘મધુકાંતભાઈ, મારે વીલ કરાવવું છે.’’

‘‘વીલ તો કરેલું જ છે.’’

‘‘ત્યારે રોહિત હતો, અને...’’ એમણે એક નિઃશ્વાસ નાખીને આંખો મીંચી, ‘‘બીજું ઘણું બધું નહોતું.’’ એમણે આંખો ખોલી ત્યારે એમની આંખો ભીની હતી, ‘‘કાગળ અને પેન લઈ લો મધુકાંતભાઈ, અને લખવા માંડો.’’

સૂર્યકાંત બોલતા રહ્યા અને મધુકાંતભાઈએ નાનામાં નાની, ઝીણામાં ઝીણી વિગત ટપકાવી લીધી. આજ સુધી સૂર્યકાંતના એક એક પૈસાનો હિસાબ મધુભાઈ જાણતા હતા. એટલે એમને માટે આ બધી વિગતો ખાસ નવાઈ પમાડે એવી નહોતી.

એમને નવાઈ લાગી તો માત્ર એક વાતની, ‘‘મારી સંપત્તિનો ત્રીજો ભાગ વસુંધરા સૂર્યકાંત મહેતાના નામે કરવો.’’

‘‘તમને ખબર છે આ ભાગ કેટલો થાય ?’’ મધુકાંતભાઈથી અનિચ્છાએ પૂછાઈ ગયું.

‘‘મારું ચાલે તો મારી બધી જ સંપત્તિ હું વસુંધરાના નામે કરી દઉં.’’ સૂર્યકાંતે એમની આંખોમાં આંખો નાખી, ‘‘અને સાચું કહું તો આ સંપત્તિની વહેંચણી મારાથી વધારે સારી રીતે વસુ જ કરી શકે.’’ એમણે મધુકાંતભાઈના ખભે હાથ મૂક્યો, ‘‘પણ મધુકાંતભાઈ, આ સંપત્તિ મારી નથી...’’

આટલું કહેતાં કહેતાંમાં તો સૂર્યકાંતની ભીની આંખો વધુ ભીની થઈ આવી, ‘‘સ્મિતા હોત તો કદાચ વસુને મળીને ખુશ જ થઈ હોત !’’ એમનાથી કહેવાઈ ગયું.

એ પછી વીલની નાની નાની વિગતો લખાતી રહી. આખરે બધું પૂરું કરીને મધુકાંતભાઈ ઊઠ્યા ત્યારે સૂર્યકાંત ખરેખર થાકી ગયા હતા. મધુકાંતભાઈ અબ્દુલને લઈને એરપોર્ટના રસ્તે નીકળી ગયા અને સૂર્યકાંત આંખો મીંચીને ઊંઘવાનો પ્રયાસ કરવા લાગ્યા.

અજયના આવવાની ઉત્તેજનાએ એમની ઊંઘ તો ઉડાડી જ મૂકી હતી. એમણે પોતાના હૃદય પર હાથ મૂકીને જોયું તો ધબકારા પણ તેજ ચાલતા હતા.

‘‘ઈશ્વરે એક દીકરો લીધો તો સામે ત્રણ આપ્યા.’’ એમને વિચાર આવી ગયો અને ચહેરા પર સ્મિત પણ, ‘‘અલયની ફિલ્મની રિલીઝ, એનાં લગ્ન... લક્ષ્મીનાં લગ્ન... અને કદાચ અંજલિનો ખોળો ભરવાની વિધિ પણ... ઈશ્વરે એક સાથે કેટલા પ્રસંગો અને કેટલાં કારણો આપ્યાં છે મને - ભારત પાછા જવાનાં.’’ એમના મનમાં વિચાર ચાલતા હતા, ‘‘વસુ પાસે પાછા જવા માટે ખરેખર કારણની જરૂરત જ નથી. તેમ છતાં ઈશ્વરે મને ભારત લઈ જવાની સંપૂર્ણ તજવીજ કરી નાખી છે.’’

એમણે આંખો ઉઘાડી અને સામે લટકતા સ્મિતાના ફોટા તરફ અનાયાસે જ જોવાઈ ગયું, ‘‘સ્મિતા, જાણે ધીમે ધીમે બાજી સંકેલાય છે!’’ સૂર્યકાંત ફોટા તરફ જોઈ રહ્યા, ‘‘તેં મને તારી પાસે બોલાવવાની તૈયારી કરવા માંડી છે કે શું ?’’

ફોટામાં હસતી સ્મિતા એમની સામે જોઈ રહી હતી. સૂર્યકાંતને એવું લાગ્યું કે જાણે સ્મિતાએ ડોકું ધુણાવીને હા પાડી !

એરપોર્ટથી પાછો ફરેલો- થાકેલો અભય પલંગમાં પછડાયો.

‘‘બહુ થાક્યા છો ?’’ વૈભવીએ નજીક આવીને એની છાતી પર હાથ મૂક્યો.

‘‘હંમ...’’ અભયની આંખો બંધ હતી.

‘‘અભય, મારે કંઈ કહેવું છે.’’

‘‘હમણાં ?’’ અભય આંખો ખોલી શકવાની સ્થિતિમાં જ નહોતો. સવારથી ચાલેલા ઇમોશનલ ઊંચ-નીચમાં અને સિંગાપોર-મુંબઈ... એ પછી એરપોર્ટ સુધી લંબાયેલી દોડાદોડી અભયને સંપૂર્ણપણે થકવી ગઈ હતી. એને જૂના દિવસો યાદ આવી ગયા.

‘‘અત્યારે... મારામાં દલીલો કરવાની કોઈ તાકાત નથી વૈભવી.’’ એનાથી કહેવાઈ ગયું, ‘‘કે નથી મારામાં તારા સવાલોના જવાબો આપવાની કોઈ તૈયારી.’’

થોડીક ક્ષણો તદ્દન મૌન છવાઈ ગયું. વૈભવીનો હાથ હજીયે અભયની છાતી પર જ હતો. એ હળવેથી અભયની નજીક આવી. એના ખભે માથું મૂકી, હાથને થોડો વધુ લપેટી અભયને વળગીને સૂતી.

‘‘વૈભવી...’’ અભય જાણે એનું માથું ખેસવીને ઊંધો ફરી જવા માગતો હતો. એના શરીરને આ પરિસ્થિતિ અનુકૂળ નહોતી એવું એની બોડી લેન્ગ્વેજ સ્પષ્ટ કહી રહી હતી.

‘‘જાણું છું.’’ વૈભવીનો અવાજ પહેલી વાર આટલો કોમળ અને ભીનો લાગ્યો અભયને, ‘‘જાણું છું કે હું જે રીતે સૂતી છું એ જ રીતે થોડા જ કલાકો પહેલાં કોઈ બીજું સૂતું હતું.’’

માણસને એક તમાચો મારો અને નશો ઊતરી જાય એવી રીતે અભયની ઊંઘ ઊડી ગઈ. એણે આંખો ખોલીને વૈભવી સામે જોયું. વૈભવીના ચહેરા પર કોઈ કડવાશ કે ઝઘડો કરવાના કોઈ ભાવ નહોતા, બલકે, એક મ્લાન-ફિક્કાશ હતી. આંખોમાં સહેજ ભીનાશ હતી, કદાચ !

‘‘અભય ! મારે ખાસ કંઈ કહેવાનું નથી. પણ આ કહેવા માટે મેં તમને એરપોર્ટ પર ઉતાર્યા ત્યારથી શરૂ કરીને આ પળ સુધી જાતને તૈયાર કરી છે.’’ અભય વૈભવી સામે જોઈ રહ્યો, ‘‘આજે અને અત્યારે નહીં કહું તો કદાચ જીવનભર નહીં કહી શકું.’’

‘‘બોલ વૈભવી.’’ અભય વૈભવી તરફ પડખું ફર્યો. અનાયાસે એનાથી પોતાનો હાથ વૈભવીની આસપાસ લપેટાઈ ગયો.

‘‘અભય, આપણે જેવું જીવ્યા, લડતા-ઝઘડતા, એકબીજાની સાથે કાવાદાવા કે રમત કરતા...’’ વૈભવીએ જાણે ડૂમાનો ઘૂંટડો ગળે ઉતારી દીધો, ‘‘પણ સાથે જીવ્યા છીએ. જિંદગીના બે દાયકા નાનો સમય નથી હોતો અભય.’’

વૈભવીના ચહેરા પર ક્યારેય નહીં જોયેલું સ્ત્રીત્વ ઝળકી રહ્યું હતું. અભયને કશું કહેવું હતું પણ એણે ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું અને વૈભવીને જ બોલવા દીધી, ‘‘અભય, તોડવું- છોડી દેવું- ફાડી નાખવું- ફેંકી દેવું કે છૂટા પડી જવું બહુ સરળ હોય છે. અઘરું હોય છે નિભાવવું...’’ વૈભવીએ સ્મિત કર્યું, ‘‘તમને નવાઈ લાગતી હશે નહીં, કે આ હું બોલું છું.’’ એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘‘કદાચ એવું પણ લાગતું હશે કે આ મારી એક નવી ચાલ છે.’’ વૈભવીએ આંખો મીંચી દીધી અને થોડી ક્ષણ ચૂપ થઈ ગઈ.

અભય બેઠો થઈ ગયો. એણે વૈભવીના માથે હાથ ફેરવ્યો. એનો હાથ કપાળે અડતાં જ વૈભવીની આંખોમાંથી બે આંસુ સરકીને બે કાનની પાછળ ખોવાઈ ગયાં.

‘‘અભય, આટલાં વર્ષોમાં હું માત્ર જીતતા શીખી... પણ મને એ ના સમજાયું કે મારી આ નાની નાની જીત મારી બહુ મોટી હારની દિશામાં ભરાતું એક એક પગલું હતું.’’

‘‘શા માટે આને હાર-જીતની રીતે જુએ છે વૈભવી ? આમાં ક્યાં કોઈ હાર્યું છે ? હું આજે પણ, આ પળે તારી જ બાજુમાં સૂતો છું.’’

‘‘સૂતા છો... પણ અહીં છો નહીં.’’ વૈભવીએ આટલું કહ્યું કે અભય જાણે ચોરી કરતા પકડાયો હોય એમ ઝંખવાઈ ગયો, ‘‘અભય, બહુ લાંબી વાત નથી કરવી મારે, બસ એક જ વાત કહેવાની છે... હવે હું તમને છોડીને ક્યાંય જઈ નહીં શકું.’’ વૈભવીથી ડૂસકું મુકાઈ ગયું.

‘‘પણ તને જવાનું કોણ કહે છે ? આ ઘર તારું છે, આ સંસાર, બાળકો... તારા ગળામાં પડેલું આ મંગળસૂત્ર પણ તારું જ છે વૈભવી.’’

‘‘તમે મારા નથી અભય.’’ વૈભવી આંખો મીંચીને રડતાં રડતાં બોલી રહી હતી, ‘‘અને હવે ક્યારેય મારા થઈ પણ નહીં શકો એ જાણું છું હું.’’

‘‘મારી મજબૂરી છે.’’ અભયના અવાજમાં એક કંપ આવી ગયો, ‘‘વૈભવી ફક્ત થોડાંક જ વર્ષો વહેલી આ સત્ય સમજી હોત તો કદાચ...’’ અભયથી કહેવાઈ ગયું, ‘‘વૈભવી, તું મને ગિલ્ટ આપે છે. હું પ્રિયાને છોડી નહીં શકું.’’

‘‘હું તમને છોડવાનું કહેતીયે નથી.’’ વૈભવીની આંખોમાં એક અજબ તરસ, એક એવી નિર્દોષતા હતી, જે જોવા માટે અભય આટલાં વર્ષો તરસ્યો હતો, ‘‘મારે તો માત્ર એટલું જ કહેવાનું છે કે મારે માટે તમારા હૃદયમાં જે કડવાશ, જે ધિક્કાર કે જે પૂર્વગ્રહો હોય એને ધીમે ધીમે છોડવાનો પ્રયત્ન કરજો. હું બદલાઈ રહી છું અભય, અને એ નવી દિશામાં જતી વખતે મારો હાથ પકડી રાખજો.’’ હવે એનાથી આગળ બોલી શકાય એમ નહોતું. એના ડૂસકા, એનાં આંસુ જાણે દરિયાનાં મોજાંની જેમ ઓરડાની દીવાલો પર પછડાતાં હતાં અને ફીણ ફીણ થઈને વેરાઈ જતાં હતાં.

‘‘અભય, હવે તમે મને એ અને એટલો પ્રેમ નહીં કરી શકો એની મને ખબર છે, પણ આપણે...’’ વૈભવી અભય સામે જોઈ રહી, ‘‘આપણે સારા મિત્રો તો બની શકીએ ને ? સારા મા-બાપ બની શકીએ... એટલું તો થઈ શકે ને ?’’

‘‘વૈભવી, કેટલાક સંબંધોમાં વન-વે લેન જેવી પરિસ્થિતિ હોય છે. તમે આગળ તો જઈ શકો, પણ પાછા નથી વળી શકતા.’’

‘‘હું પાછા વળવાનું ક્યાં કહું છું ?’’ વૈભવી જાણે આજીજી કરી રહી હતી, ‘‘અભય, હું માત્ર સાથે રહેવાની વાત કરું છું.’’

‘‘તું છોડી કેમ નથી દેતી મને ?’’ અભય વૈભવીના આ નરમ અને સાવ લાગણીભીના વર્તાવથી અકળાઈ ઊઠ્યો હતો. જાણે વૈભવીનું આ નવું રૂપ એનાથી સહન ના થતું હોય એમ ચીડાઈને એ પૂછી બેઠો, ‘‘તારી ક્યાં કોઈ મજબૂરી છે ? તારી પાસે બધું જ છે. તારા મા-બાપ... એમની સંપત્તિ... તારું રૂપ અને તારી ટેલેન્ટ અને આવડત...’’

‘‘મજબૂરી નથી એટલે જ આટલી વિનંતી કરી શકું છું. મજબૂરી હોત તો કદાચ મને મારી નબળાઈનો, મારી લાચારીનો અહેસાસ જીવવા જ ના દેત...’’ વૈભવીએ અભયના ખભે હાથ મૂક્યો, ‘‘અભય, હું જે કરું છું એ મારી ઇચ્છા, મરજી અને લાગણીથી કરું છું. મને મારી ભૂલ સમજાઈ છે.’’ અભય કંઈ બોલવા જતો હતો, પણ એને રોકીને વૈભવીએ કહ્યું, ‘‘જાણું છું કે મોડું થઈ ગયું છે. કોઈ વચન નથી માગતી...’’

‘‘વૈભવી, મને સમજાતું નથી કે હું તને શું કહું ? આ ઘરમાં રહીને તને કોઈ સુખ નહીં મળે કદાચ...’’

‘‘અભય, મારા માતા-પિતાના ઘેર જવું અઘરું નથી મારા માટે. વહેલી-મોડી એમની બધી જ સંપત્તિ મને જ મળવાની છે... એ ઘરમાં મારે માટે હંમેશાં જગ્યા હતી અને છે...’’ વૈભવી રડતાં રડતાં બોલી રહી હતી, ‘‘પણ હું તમારા વિના નહીં જીવી શકું.’’ વૈભવી હવે આગળ બોલી શકે એમ નહોતી. એના ડૂસકાએ એનું ગળું રૂંધી નાખ્યું હતું. એ બેઠી થઈ ગઈ અને આંખો ખોલીને અભયની સામે જોઈ રહી, ‘‘અભય, મને પણ ન સમજાય એવી રીતે તમે મારી જિંદગીનો એક એવો ભાગ બની ગયા છો, જેના વિના મારી જિંદગી અધૂરી છે. લગ્નના બે દાયકા પછી મને સમજાયું છે કે પ્રેમ એટલે શું !’’

અભયથી રહી ના શકાયું. એણે એની નજીક બેઠેલી વૈભવીને ખેંચીને છાતીસરસી ભીંસી દીધી. વૈભવીનાં ડૂસકાં વધુ તીવ્ર થઈ ગયાં. અભયનો હાથ ક્યાંય સુધી હળવે હળવે વૈભવીની પીઠ પર ફરતો રહ્યો.

અત્યાર સુધી માત્ર દલીલો અને સવાલ-જવાબનો સાક્ષી બનતો રહેલો આ ઓરડો પહેલી વાર પ્રેમની ભીનાશ અનુભવીને જાણે ધન્ય થઈ રહ્યો.

વૈભવી તો રડતાં રડતાં અભયના ખભે માથું મૂકીને ઊંઘી ગઈ, પણ આટલા થાક્યા છતાં હવે અભયની ઊંઘ ઊડી ગઈ હતી...

જાનકી, અજય અને હૃદયના ગયા પછી શ્રીજી વિલા જાણે ખાલી ખાલી લાગતું હતું. અલય તો સવારથી ડબિંગમાં બિઝી રહેતો હતો. બસ, બે દિવસનું ડબિંગ બાકી હતું. પછી સેન્સરની વિધિ અને અલયની ફિલ્મ બરાબર બે અઠવાડિયાં પછી થિયેટર્સમાં રજૂ થવાની હતી.

પબ્લિસિટી પૂરજોશમાં ચાલતી હતી. ટેલિવિઝન પર પ્રોમો, જૂહુ શિવસાગરના ટર્ન પર પામગ્રોવની બહાર મોટાં મોટાં હોર્ડિંગ્સ લાગ્યાં હતાં. શહેરમાં પોસ્ટર્સ અને ટેલિવિઝનની ચેનલ્સ પર ક્રૂ સ્ટોરી અને અલય, અભિષેક અને અનુપમાના ઇન્ટર્વ્યૂ ચાલુ થઈ ગયા હતા.

શ્રેયા વસુમાને બતાવવા માટે થોડાં મેગેઝિન્સ અને છાપાં લઈને આવી હતી. એ જેટલી વાર જ્યાં અલયનું નામ વાંચતી એટલી વાર એનું હૃદય એક થડકારો ચૂકી જતું.

‘‘આ મારો અલય છે !’’ એ વાત એને દરરોજ આઠે પહોર ને ચોવીસે કલાક એના પિતાને કહેવી હતી. જેને દુનિયાએ સપનાં જોતો, સમય બગાડતો, નકામો માણસ કહીને ભુલાવી દીધો હતો એ માણસ આજે શહેરના ગલી ગલી અને ચૌટે ચૌટે ગાજતો હતો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ અલયની ફિલ્મ પાસેથી મોટી આશાઓ હતી. સૌ માનતા હતા કે અલયની ફિલ્મ રજૂ થવાની સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવા જ પ્રકારના સિનેમાનો ટ્રેન્ડ ચાલુ થશે.

અલય પણ રાત-દિવસ જોયા વિના ગાંડોતુર થઈને મહેનત કરી રહ્યો હતો.

એરપોર્ટ ઉપર જે મોઘમ વાત થઈ એ સિવાય શ્રેયા અને અલય વચ્ચે કોઈ લાંબી વાતચીત થઈ શકી નહોતી, બલકે મળી જ શક્યા નહોતા. શ્રેયાએ પોતાના મનને મનાવી તો લીધું હતું, પરંતુ એને સતત એમ લાગતું હતું કે પોતે કોઈ ભૂલ તો નથી કરતી ને ?

અનુપમાને અલયના જીવનના ભાગ તરીકે સ્વીકારવી શ્રેયા માટે અઘરી તો હતી જ... ધીરે ધીરે અનિવાર્ય પણ બનવાની હતી એવું શ્રેયાને સમજાતું હતું. શ્રેયા સ્વભાવે ખૂબ પઝેસિવ હતી. અલયને કોઈની પણ સાથે વહેંચવાનું એને માટે શક્ય નહોતું. તેમ છતાં એણે અનુપમાને પ્રમાણમાં ઘણી સ્વીકારી હતી.

એ ઘણું સમજી શકતી હતી, ઘણું જોઈ શકતી હતી અને છતાં ચૂપ રહેવા માગતી હતી...

જોકે એનું મન ખૂબ છટપટતું હતું. અનેક સવાલો ઊઠતા હતા અને આવી પરિસ્થિતિમાં એને એક જ વ્યક્તિ યાદ આવતી...

વસુમા !

શ્રેયા શ્રીજી વિલામાં દાખલ થઈ ત્યારે બપોરના ત્રણેક વાગ્યા હતા. વસુમાના પોતાના ઓરડામાં આડા પડીને કંઈ વાંચી રહ્યાં હતાં. વૈભવી બહાર ગઈ હતી. લજ્જા એના રૂમમાં ભણતી હતી.

બેલ સાંભળીને લજ્જાએ મુખ્ય દરવાજો ખોલ્યો.

‘‘શ્રેયાકાકી, તમે ? આ ટાઇમે ?’’ વકરેહોલિક શ્રેયા નવ વાગ્યે ઓફિસ જવા નીકળી જતી તે રાત્રે આઠ-સાડા આઠ પહેલાં ભાગ્યે જ પાછી ફરતી.

‘‘આજે રજા લીધી છે.’’ એણે લજ્જાના ગાલ પર હાથ ફેરવ્યો, ‘‘ક્યારે છે પરીક્ષા ?’’

‘‘પરમ દિવસથી, કાકી...’’ પછી ટિપિકલ સત્તર વર્ષની છોકરીની જેમ હાથ છટકાર્યો, ‘‘હાયલ્લા... મારે કેટલું બધું વાંચવાનું બાકી છે. બહુ બીક લાગે છે કાકી !’’ ધીમેથી શ્રેયાની નજીક જઈને ઉમેર્યું, ‘‘હવે તો મમ્મી પણ મારાં રિઝલ્ટ્‌સ જુએ છે. ગઈ કાલે શું ધૂળ ઝાટકી છે મારી...’’

‘‘ગુડ !’’ શ્રેયાએ બત્રીસી દેખાડી, ‘‘આઇ એમ હેપ્પી ફોર યુ. મા છે ?’’

‘‘હં... અંદર છે.’’ લજ્જા સીડી ચડીને પોતાના ઓરડા તરફ અને શ્રેયા ડાઇનિંગ ટેબલ વટાવીને વસુમાના ઓરડા તરફ...

‘‘અરે શ્રેયા !’’ વસુમાએ પીપળાનું સુકાયેલું પાંદડું બુકમાર્ક તરીકે મૂકીને સળી બહાર રહે એવી રીતે ચોપડી બંધ કરી.

‘‘મા...’’ શ્રેયા લગભગ દોડીને વસુમાની બાજુમાં બેસીને એમને ખભે માથું નાખીને એમને વળગી.

‘‘શું થયું છે, વળી લડ્યા છો બે જણા કે શું ?’’

શ્રેયાએ ડોકું ધુણાવીને ના પાડી, પણ એની આંખોમાં પાણી આવી ગયાં. છેલ્લા કેટલાય દિવસથી એના મનમાં ચાલી રહેલા ઉતાર-ચડાવ આજે જાણે ઝળઝળિયાં બનીને એની આંખોમાં ધસી આવ્યાં.

‘‘મા, એવું કેમ થતું હશે કે તમે કોઈને બધું જ આપો, તેમ છતાં એ માણસ તમારી દુનિયાની બહાર કશું એવું શોધવાનો પ્રયત્ન કરે, જે...’’ એણે ઉપલા દાંતથી નીચેનો હોઠ દબાવી દીધો.

‘‘અલય અને અનુપમાની વાત કરે છે ?’’ શ્રેયાની આંખો પહોળી થઈ ગઈ, ‘‘મને અલયે કહ્યું.’’

‘‘મા ?!’’

‘‘બેટા, મારો દીકરો નબળો હશે, પણ ખોટો નથી.’’ વસુમાએ શ્રેયાના માથે હાથ ફેરવ્યો, ‘‘ખૂબ ચાહે છે તને.’’

‘‘તો પછી જે કંઈ થયું તે...’’

‘‘એ તો થવાનું જ હતું.’’

વસુમાનું વાક્ય સાંભળીને શ્રેયાને ચીડ ચડી ગઈ. ‘‘આ સ્ત્રી એના દીકરાની ભૂલ ઢાંકવા કેટલી સફાઈપૂર્વક વાતને પલટી આપે છે ! આમ તો સંસ્કાર, ઉછેર, સંબંધોની વાતો કરે છે અને આજે...’’ શ્રેયાના મનમાં વિચાર આવ્યો. એનાથી કહ્યા વિના ના રહેવાયું, ‘‘મેં આવું કર્યું હોત તો ?’’

‘‘તો પણ મેં આ જ કહ્યું હોત.’’ વસુમાનો હાથ હજી શ્રેયાના માથે જ હતો, ‘‘દીકરા, હું જે માનું છું તે બધા માટે એક સરખું માનું છું. એમાં મારો દીકરો અને તું અલગ નથી. ક્ષણિક નબળાઈ બહુ સારી વસ્તુ નથી...’’ વસુમાએ શ્રેયાની આંખોમાં જોયું, ‘‘પણ એ વસ્તુ એટલી મોટી પણ નથી કે એના પર જિંદગી આખીનું બલિદાન આપી દેવાય.’’

‘‘પણ આ આગળ નહીં વધે એવી કોઈ ખાતરી છે મા ?’’ હવે શ્રેયાની આંખોમાંથી આંસુ બહાર છલકાઈ ગયાં, ‘‘અલય જો મને આપેલા વચન ખાતર મારી સાથે પરણતો હોય તો...’’

‘‘તો ?’’ વસુમાના ચહેરા પર સ્મિત હતું.

‘‘તો મારે નથી પરણવું એને.’’ શ્રેયાની અકળામણ એના ચહેરા પરથી, એની આંખોમાંથી, એના શરીરના રૂંવે રૂંવેથી છલકાઈ પડતી હતી.

‘‘બેટા, એ વચનની એને કિંમત છે.’’ વસુમા હજીયે શ્રેયાના માથા પર હાથ ફેરવી રહ્યાં હતાં, ‘‘અને મારો દીકરો જે પણ કરશે તે સમજીને કરશે એવો વિશ્વાસ છે મને. તું આજે મારી પાસે આવી એને બદલે અલય પાસે જઈને આ વાત આટલી જ નિખાલસતાથી ચર્ચી હોત તો કદાચ...’’

‘‘મા, હું ડરું છું.’’ શ્રેયાએ પોતાના માથે મુકાયેલો વસુમાનો હાથ પોતાના બે હાથમાં પકડી લીધો, ‘‘કદાચ અલય મને કંઈ એવું કહી બેસે, જે મારે નથી સાંભળવું...’’

‘‘બેટા, સત્ય જાણવાનો આગ્રહ તો જ રાખવો, જો સત્ય પચાવવાની તાકાત હોય. સત્ય તમને ગમે તે નથી હોતું, તમે જે ઇચ્છો તે પણ સત્ય નથી હોતું... સત્ય તો સત્ય જ હોય છે. પોતાની જગ્યાએ, અટલ અને અડગ !’’

‘‘પણ મા, અલય અને અનુપમા સતત સાથે કામ કરશે. સતત સાથે રહેશે...’’

‘‘બેટા, તું અલયની નબળાઈથી નથી ડરતી, તારી અસલામતીથી ડરે છે.’’ શ્રેયા વસુમા સામે જોઈ રહી. કેટલી મોટી વાત એમણે કેટલી સાદી રીતે કહી દીધી !

‘‘અલય શું કરશે એ તો જાણે અલય જ કહી શકે, પણ એ જે નહીં કરવાનો હોય એ પણ તેં ધારી લીધું છે, ખરું ને ?’’

‘‘મા, મને સમજાતું નથી હું શું કરું ? મન અકળાયા કરે છે. સ્વીકારવાનો ઘણો પ્રયત્ન કરું છું, પણ...’’

‘‘સ્વીકાર હોય અથવા ના હોય બેટા, પ્રયત્નપૂર્વકનો સ્વીકાર શક્ય જ નથી.’’ એમણે શ્રેયાનો હાથ સહેજ દબાવ્યો, ‘‘જા બેટા, હમણાં અને અત્યારે જ અલય સાથે વાત કરી લે. તારી મૂંઝવણો એને કહી નાખ. તારા સવાલો એને પૂછી નાખ...’’

‘‘પણ મા, એ તો કામમાં બિઝી છે.’’

‘‘જિંદગીથી વધુ અગત્યનું કયું કામ હોય બેટા ?’’ વસુમાના ચહેરા પર હજીયે પેલું સ્મિત કાયમ હતું, ‘‘જીવનની મોટામાં મોટી સમસ્યાઓ થોડું કહી નાખવાથી અને થોડું સાંભળી લેવાથી હલ થઈ જતી હોય છે... બેટા, આજના જમાનામાં કમ્યુનિકેશનના નામે સાધનો વધ્યાં છે, સંવાદ ઘટ્યો છે.’’

શ્રેયા વસુમાનો હાથ પકડીને ક્ષણભર એમ જ બેસી રહી. એના મનમાં સો વિચારો આવીને ચાલી ગયા. એણે ઊંચું જોયું. વસુમા હજીયે એની સામે જ જોઈ રહ્યાં હતાં, ‘‘બેટા, સમ-વાદ એટલે સરખે સરખી ભાગીદારીની વાતચીત. બંને જણા બેસીને વાત કરો, મને વિશ્વાસ છે કે તારા મનની આ મૂંઝવણ મારો દીકરો ક્ષણભરમાં ખંખેરી કાઢશે.’’

શ્રેયા કોણ જાણે શું નક્કી કરીને ઊભી થઈ. એણે વસુમાનો હાથ છોડ્યો અને નમીને પગે લાગી. પછી ઊભી થઈને એણે વસુમાની આંખોમાં જોયું, ‘‘આજના સંવાદનું જે પરિણામ આવે તે, હું અલય સાથે લગ્ન કરું કે નહીં, પણ હું તમને મા કહેવાનું નહીં છોડું.’’

‘‘શ્રીજી વિલાના દરવાજા તારા માટે હંમેશાં ખુલ્લા છે. અલયને પરણે તો પણ અને ના પરણે તો પણ... હું તારા નિર્ણયમાં તારી સાથે રહીશ.’’ વસુમા ઊભાં થયાં. શ્રેયાને આ સ્ત્રીના મસ્તકની પાછળ જાણે તેજનું કુંડાળું દેખાયું, ‘‘તું દીકરી હતી, દીકરી છે અને દીકરી જ રહીશ, બેટા !’’

શ્રેયા વસુમાને ભેટી પડી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Jigneshkumar Suryakant Dabhi

Jigneshkumar Suryakant Dabhi 4 અઠવાડિયા પહેલા

Nirav Desai

Nirav Desai 2 માસ પહેલા

Zankhana Lad

Zankhana Lad 10 માસ પહેલા

Nimisha Patel

Nimisha Patel 12 માસ પહેલા

Krupa Vyas

Krupa Vyas 3 વર્ષ પહેલા