Yog-Viyog - 55 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 55

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૫

નીરવ પોતાના પલંગ પર સૂઈને લક્ષ્મીના એક પછી એક ફોટા જોઈ રહ્યો હતો.

‘‘વ્હોટ નોન સેન્સ... વ્હોટ નોન સેન્સ... વ્હોટ નોન સેન્સ...’’ એના કાનમાં હજુયે વિષ્ણુપ્રસાદનો અવાજ જાણે ગૂંજી રહ્યો હતો.

‘‘કેવો માણસ છે આ ?’’ નીરવે વિચાર આવ્યો, ‘‘મેં અમેરિકા જવાની વાત કરી તો પણ મને વહાલથી કારણ પૂછવાને બદલે એણે માત્ર બૂમો પાડવાનું પસંદ કર્યું...’’

‘‘આટલી કાળજીથી અને આટલા વહાલથી એની મા વગર ઉછેર્યો મેં... અને હવે એને અમેરિકા જવું છે, એની મા પાસે !’’ રોકિંગ ચેરમાં આંખ બંધ કરીને બેઠેલા વિષ્ણુપ્રસાદ ચોકસી વિચારી રહ્યા હતા, ‘‘આખરે તો એની માનો જ દીકરો નીકળ્યો.’’

‘‘એક વાર મને પૂછ્‌યું હોત તો લક્ષ્મી વિશે કેટલા આનંદથી કહ્યું હોત એમને મેં...’’ નીરવ લક્ષ્મીની આંખોમાં જોઈને જાણે લક્ષ્મીને જ કહી રહ્યો હતો, ‘‘મને પરણાવવાનો સૌથી વધારે ઉત્સાહ વિષ્ણુપ્રસાદને જ હતો... અને હવે એમને ખબર પણ નહીં પડે એવી રીતે એમનો દીકરો પરણી જશે.’’ નીરવે દાંત કચકચાવ્યા, ‘‘આટલું અભિમાન ? આટલો ઇગો ?’’

‘‘મને નહીં સમજાતું હોય કે એ કોઈ છોકરીને મળે છે... જે રીતે ઓફિસમાંથી ગપ્પા મારીને ભાગી જતો હતો થોડા દિવસથી... ફોન પર લાંબી લાંબી વાતો કર્યા કરતો... મને પણ ખબર હતી !’’ વિષ્ણુપ્રસાદ ચોકસીની આંખો ભરાઈ આવી હતી, ‘‘પણ એ વાત કરવા માટે એની મા પાસે જવાનું સૂયું એને... મને કહેવાની જરૂર પણ ના લાગી.’’

‘‘હવે હું વાત નહીં કરું એમની સાથે...’’ નીરવ ઝટકા સાથે પલંગમાંથી ઊભો થયો, ‘‘વસુમાને કહેવું જોઈએ.’’ એ સ્લિપરમાં પગ નાખીને ટ્રેક જ પહેરીને ઘરની બહાર નીકળી ગયો.

‘‘બહાર જતો લાગે છે...’’ વિષ્ણુપ્રસાદ ચોકસીએ ગાડી રેઇઝ થઈને બહાર નીકળવાનો અવાજ સાંભળ્યો, પણ એ ત્યાં જ બેઠા રહ્યા. આંખો મીંચીને વીતેલા દિવસોને જાણે એક નજરે જોતા... વિચારતા...

નીરવની ગાડી શ્રીજી વિલાના ગેઇટ સામે ઊભી રહી ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. શ્રીજી વિલામાં એકાદ ઓરડામાં લાઇટ ચાલુ હતી. હંમેશાં મુખ્ય દરવાજામાંથી દાખલ થતો નીરવ આજે લોનમાંથી સીધો વસુમાના રૂમ પાસે આવીને ઊભો રહ્યો.

એણે કાચના કોલેપ્સેબલ દરવાજામાંથી અંદર જોયું, નાઇટ લેમ્પના અજવાળે આડા પડીને વસુમા કોઈ પુસ્તક વાંચતાં હતાં. પહેલાં નીરવને વિચાર આવ્યો કે એ પાછો વળી જાય, પરંતુ આ ઘરમાં એને જે સ્નેહ અને સ્વીકાર મળ્યા હતા એ પછી એના જવાનો નિર્ણય વસુમાને કહ્યા વિના એ દેશ છોડી શકે એમ નહોતો.

એણે કાચ ઉપર આંગળી વાળીને ટકોરા માર્યા.

વસુમાની નજર કાચના દરવાજા પર પડી. એ સ્ફૂર્તિથી ઊભાં થયાં અને એમણે દરવાજો ખોલ્યો.

‘‘નીરવ ? બેટા, અત્યારે ?’’ એમણે નીરવના ચહેરા પર ધ્યાનથી જોયું, ‘‘બધું બરાબર તો છે ને ?’’

વસુમા માટે નીરવનું આવી રીતે આવી જવું નવાઈની વાત નહોતી. વિષ્ણુપ્રસાદ સાથે ઝઘડીને નીરવ ઘણી વાર અડધી રાત્રે પણ આ ઘરમાં આવતો અને આ ઘરના કોઈને ક્યારેય નવાઈ નહોતી લાગતી.

‘‘હા મા, આમ તો બધું બરાબર છે...’’ નીરવ વસુમાના ઓરડામાં દાખલ થઈને એમના પલંગની ધાર પર બેઠો.

‘‘અમેરિકા જાય છે તું ?’’ નીરવ આશ્ચર્યથી વસુમા સામે જોઈ રહ્યો. પોતે જે વાત કહેવા આવ્યો હતો એ વાત વસુમા જાણતાં જ હતાં.

‘‘મા, તમે...!’’

‘‘મારી દીકરી મને તો કહે જ ને ?’’ વસુમાના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘સારું છે. અજય પણ કાલે રાત્રે જાય છે. અભય કાલે સિંગાપોરથી આવી જશે.’’

‘‘હા મા, હું જઈને લક્ષ્મી સાથે લગ્ન કરી લેવા માગું છું.’’

‘‘સરસ !’’ વસુમાએ ઊભાં થઈને નીરવના માથા પર હાથ ફેરવ્યો અને ઠાકોરજીનું મંદિર વાસી દીધું હતું એ ઉઘાડીને એમાંથી તુલસીદલ કાઢીને નીરવના હાથમાં આપ્યું, ‘‘ઈશ્વર તમને બેઉને સુખી કરે.’’

‘‘મા...’’ નીરવ સહેજ અચકાયો. વાત ક્યાંથી શરૂ કરવી એ એને સમજાતું નહોતું, ‘‘હું ડેડી સાથે વાત કરવા ગયો હતો, પણ એમણે તો...’’

‘‘નીરવ, તું ઓળખે છે એમને.’’ વસુમાના ચહેરા પર ચિંતાની આછી વાદળીઓ ઘેરાઈ ગઈ, ‘‘જાતમાં બંધ થઈને જીવ્યા છે એ.’’ પછી નીરવ સામે જોઈને પૂછ્‌યું, ‘‘તું ગમે તેમ નથી બોલ્યો ને ?’’

‘‘હું તો કશું બોલ્યો જ નથી.’’

‘‘બેટા, નારિયેળમાંથી મીઠું પાણી જોઈતું હોય તો એનાં બધાં પડ તોડીને એની ભીતર જવું પડે.’’

‘‘કહેવું સહેલું છે મા, કેટલાં વર્ષોથી જીવું છું એમની સાથે. મેં તો ક્યારેય એ કહેવાતા મીઠા પાણીનું એક ટીપુંય ચાખ્યું નથી.’’

‘‘બેટા, દરેક વ્યક્તિની એક મર્યાદા હોય... એમણે એવું નહીં કર્યું હોય તો એની પાછળ પણ એમનાં પોતાનાં કારણો હશે.’’

‘‘મા, વહાલ નહીં કરવા પાછળનાં શું કારણ હોઈ શકે ? પોતાના દીકરાને છાતીએ વળગાડીને એ ખૂબ લાડકો છે એવું નહીં દેખાડવાનાં શું કારણ હોઈ શકે ? પોતાના એકના એક દીકરાને સતત પોતાનાથી અળગો, પોતાનાથી દૂર રાખવાનાં શું કારણ હોઈ શકે ?’’

‘‘ઘણાં કારણો હોઈ શકેે બેટા, કેટલાંક આપણને સમજાય તેવા અને કેટલાંક આપણને ન સમજાય તેવા પણ હોઈ શકે.’’

‘‘મા, હવે મારે એ માણસ સાથે કોઈ સંબંધ નથી રાખવો. ભલે રહેતા એકલા...’’

વસુમા હસી પડ્યાં, ‘‘એ માણસ સાથેનો તારો સંબંધ તો તારા લોહીમાં વહે છે દીકરા... તારી પાછળ એનું નામ લખાય છે. તારા અસ્તિત્વમાં એનું અસ્તિત્વ ધબકે છે... એની સાથે સંબંધ નહીં રાખવાની પસંદગીનો તને ક્યાં અવકાશ છે ?’’ એ થોડી વાર ચૂપ રહ્યાં. જાણે નીરવને વિચારવાનો સમય આપતાં હોય એવી રીતે, ‘‘એમની એકલતા એમણે પોતે પસંદ કરેલી છે... તું એમને શું એકલા પાડીશ ?’’ એમણે નીરવના માથા પર ફરી હાથ ફેરવ્યો, ‘‘તારી જીત તો એમાં કહેવાય બેટા કે એ પથ્થર જેવા માણસને તું પીગળાવીને મીણ કરી નાખે.’’

થોડી વાર ચૂપ રહ્યો નીરવ. જમીન તરફ જોતો, પોતાની બે હથેળીઓ અને આંગળીઓથી એકબીજા સાથે રમત કરતો. પછી ધીમે રહીને એણે વસુમા તરફ વેધક નજરે જોયું, ‘‘નથી કર્યો મેં પ્રયત્ન ?’’

‘‘બેટા, પ્રયત્ન એટલે આપણને જેનાથી સંતોષ થાય તે નહીં... સામેની વ્યક્તિ સુધી આપણો સંદેશો પહોંચે તે !’’

‘‘એમને તો કાંઈ સાંભળવું જ નથી. પોતાના અહમના ઘોંઘાટમાં કોઈની બૂમ નથી સંભળાતી એને... આટલાં વર્ષો મારી માએ બૂમો પાડી અને એ પછી મેં ! વિષ્ણુપ્રસાદ ચોકસી ખરેખર તો નથી પોતાના સિવાય કોઈનો ચહેરો જોઈ શકતા, નથી પોતાના સિવાય કોઈનો અવાજ સાંભળી શકતા... કે નથી પોતાના સિવાય કોઈ વિશે વિચારી શકતા.’’ આટલું કહેતા કહેતામાં તો નીરવની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં હતાં. એનો અવાજ ઊંચો થઈ ગયો. એણે ઝટકાથી નિઃશ્વાસ નાખીને માથું આમથી તેમ ધુણાવ્યું. એની આંખોમાંથી પાણી ટપકવાની તૈયારીમાં હતાં, જેને એ મહાપ્રયત્ને રોકી રહ્યો હતો.

‘‘બેટા, સંબંધો એક એવી વસ્તુ છે, જેમાં રોકાણ કરતી વખતે ગણતરી નહીં કરવાની, પાછું મળવાની આશા પણ નહીં રાખવાની...’’

‘‘તો રોકાણ કરવાનું શું કામ ?’’

‘‘એટલા માટે રોકાણ કરવાનું, કારણ કે તમારે કરવું છે... એ તમારી જરૂરિયાત છે, સામેના સુધી પહોંચવાની, એમને તમારી લાગણી જણાવવાની !’’ વસુમા નીરવને વહાલથી સમજાવી રહ્યાં હતાં. એ ખુરશી ખેંચીને નીરવની સામે બેઠાં, ‘‘એ માણસ તમારી લાગણીની શું કિંમત આંકે છે અથવા તમને કેટલું અને શું પાછું આપે છે એ એની ઇચ્છા પર આધારિત છે, તમારી અપેક્ષા પર નહીં.’’

‘‘મા, આ માણસ આખી જિંદગી આવો જ રહેશે ?’’ નીરવની આંખોમાંથી આખરે આંસુનાં બે ટીપાં પડી જ ગયાં. એ પલંગ પરથી ઊઠીને વસુમાના પગ પાસે આવીને બેઠો. એનાથી અનાયાસે વસુમાના ખોળામાં માથું મુકાઈ ગયું.

‘‘ન પણ રહે... જો તારામાં રાહ જોવાની ધીરજ હોય તો !’’ વસુમા ક્યાંય સુધી નીરવના માથામાં હાથ ફેરવતાં રહ્યાં. બંને ચૂપચાપ ઘણી વાર સુધી બેસી રહ્યાં, પછી નીરવ કશું જ બોલ્યા વિના ઊભો અને જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તે પાછો વળી ગયો.

વસુમા નીરવને બહાર જતો જોઈ રહ્યાં. પછી ઊભા થઈને એમણે કાચના દરવાજા બંધ કર્યા, પડદા ખેંચ્યા અને નાઇટ લેમ્પની સ્વીચ બંધ કરતાં પહેલાં ઠાકોરજીના મંદિર પાસે જઈને પલાંઠી વાળીને બેસી ગયાં.

એમણે મંદિરનાં દ્વાર ફરી એક વાર ઉઘાડ્યાં અને ઈશ્વરની મૂર્તિ સામે જોઈ રહ્યાં, ‘‘મારીય ઊંઘ ઊડી ગઈ છે મારા વહાલા, પણ તું નિરાંતે સૂતો છે... બેય જણા સાચા હોય અને તોય બેય એકબીજાને ખોટા સમજે ? ને તું બેઠો બેઠો જોયા કરે ?’’ થોડી વાર એમ જ મંદિર પાસે બેસી રહ્યા પછી વસુમા હળવેથી દ્વાર વાસીને ઊભાં થયાં.

પોતાના ઓરડાનો આડો કરેલો દરવાજો ઉઘાડીને ડ્રોઇંગરૂમમાં ગયાં અને ટેલિફોનની ડાયરી લઈ એમાંથી વિષ્ણુપ્રસાદ ચોકસીનો મોબાઈલ નંબર જોડ્યો.

ઘંટડી વાગતી હતી ત્યારે એમણે ઘડિયાળ સામે જોયું, ‘‘મોડું તો થયું છે.’’ એમને વિચાર આવ્યો, ‘‘પણ આ વાત કરવી જરૂરી છે.’’

‘‘હલ્લો...’’ સામેથી વિષ્ણુપ્રસાદ ચોકસીનો ભારે અવાજ સંભળાયો.

‘‘હું વસુંધરા મહેતા બોલું છું.’’

‘‘જી, બોલો.’’ વિષ્ણુપ્રસાદના અવાજમાં ઉષ્મા તો ના આવી, પણ સન્માન જરૂર આવી ગયું.

‘‘મોડું થયું છે, બહુ લાંબી વાત નથી કરવી...’’ વસુમાએ સહેજ શ્વાસ લીધો, ‘‘નીરવ આવ્યો હતો.’’

‘‘જાણું છું.’’ વિષ્ણુપ્રસાદે પણ તરત જ મૂળ વાત પર આવતા કહ્યું, ‘‘અહીંથી જે રીતે ગયો એ રીતે તમારે ત્યાં જ આવશે એમ લાગ્યું હતું મને.’’

‘‘ભાઈ ! એક જ વાત કહેવી છે. નીરવ બહુ ચાહે છે તમને.’’

‘‘મને ખબર છે.’’ વિષ્ણુપ્રસાદ ચોકસીના અવાજમાં ભરાયેલો ડૂમો વસુમા બીજી તરફ પણ અનુભવી શક્યાં, ‘‘પણ એ માને છે કે હું એને નથી ચાહતો.’’

‘‘તો એની માન્યતા ખોટી કેમ નથી પાડતા ?’’

‘‘શું કરું, સમજાતું નથી.’’ વિષ્ણુપ્રસાદને પોતાને પણ નવાઈ લાગી કે એ એક અજાણી સ્ત્રી સાથે આટલા બધા ખૂલીને સાવ અંગત વાત ચર્ચી રહ્યા હતા, ‘‘હું જે પ્રયત્ન કરું એમાં ખોટો જ પડું છું...’’

‘‘હજી એક પ્રયત્ન કરી જુઓ, છેલ્લો...’’

વિષ્ણુપ્રસાદ ચોકસીને કદાચ પોતાનો પ્રશ્ન યોગ્ય રીતે કહેતા પણ શબ્દોની મુશ્કેલી પડતી હતી, ‘‘મને મારી વાત કહેતા નથી આવડતી... હું કહું તો જ સમજાય એને ?’’ બે પેગ દારૂ અને વસુમાના ફોને ચોકસીને ક્યારેય નહોતા એટલા મૃદુ કરી નાખ્યા, ‘‘શું કરું ?’’

‘‘એ ઘરે આવવા નીકળ્યો છે. ઘરમા ંદાખલ થાય ત્યારે એને પકડીને છાતીસરસો ચાંપી શકશો ?’’ વસુમાને પણ જાણે ડૂમો ભરાઈ ગયો, ‘‘દરેક વાત શબ્દોમાં ના કહી શકાય એટલું તો સમજે છે તમારો સેન્સીટીવ દીકરો.’’

વિષ્ણુપ્રસાદ અને વસુમા બંને સામસામા છેડે ફોન પકડીને એમ જ મૌન સંવાદ કરતા રહ્યાં થોડીક ક્ષણો, પછી વિષ્ણુપ્રસાદે વાત પૂરી કરતા કહ્યું, ‘‘ગાડી આવી છે...’’

‘‘કંઈ જ વિચાર નહીં કરતા. આટલાં વર્ષો જેના માટે તરસ્યો છે એ છોકરો, એ આપી દો એને...’’ અને વસુમાએ કહ્યું અને ફોન મૂકી દીધો.

નીરવની સ્લિપરનો અવાજ સાંભળી વિષ્ણુપ્રસાદ આંસુ લૂછીને મુખ્ય દરવાજા તરફ ગયા.

નીરવ ઘરમાં દાખલ થયો, વિષ્ણુપ્રસાદને ડ્રોઇંગરૂમની વચોવચ ઊભેલા જોઈને એક ક્ષણ અચકાયો, પછી પોતાના રૂમ તરફ આગળ વધતો હતો ત્યારે વિષ્ણુપ્રસાદે ધીમા અવાજે એને રોક્યો, ‘‘નીરવ...’’

નીરવ ઊભો રહ્યો. એણે વિષ્ણુપ્રસાદ સામે જોયું, એમની આંખોમાં આજે જાણે કોઈ જુદો જ ભાવ હતો. નીરવ ત્યાં જ ઊભો રહ્યો. વિષ્ણુપ્રસાદ હળવા પગલે એના તરફ આગળ વધ્યા. નજીક જઈને એની સામે ઊભા રહ્યા. એકાદ ક્ષણ એની આંખમાં જોયું અને પછી ખેંચીને એને છાતી સાથે ચાંપી દીધો.

વસુમાને ત્યાં રોકી રાખેલાં આંસુ બધા જ બંધ તોડીને સડસડાટ વહી નીકળ્યાં, ‘‘ડેડ...’’

‘‘માય સન.... આઈ લવ યુ બેટા.’’ વિષ્ણુપ્રસાદથી કોણ જાણે કઈ રીતે કહેવાઈ ગયું !

બંને જણા ક્યાંય સુધી એકબીજાને ભેટીને વીતેલાં વર્ષોનો હિસાબ કરતા રહ્યા !

આગલી રાત્રે લક્ષ્મીની બાજુમાં સૂઈને એના માથે હાથ ફેરવતી રિયા ક્યારે ઊંઘી ગઈ એની એને પોતાને જ ખબર નહોતી રહી.

ફોનની ઘંટડીથી અચાનક એની આંખ ઊઘડી, એણે ફોન જોયો, ‘‘નીરવ ? અત્યારે ?’’

‘‘મા...’’ નીરવના અવાજમાં સાવ જુદો જ રણકો હતો, ‘‘કેમ છે તું ?’’

‘‘તારી વૂડ બી વાઇફની બાજુમાં સૂતી છું.’’ રિયાએ કહ્યું અને હસી.

‘‘મોમ... ડેડને તારી સાથે વાત કરવી છે.’’

‘‘વ્હોટ ?’’ રિયાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો.

‘‘રિયા...’’ જાણે સમયને પેલે પારથી આવતો હોય એવો અવાજ હતો વિષ્ણુપ્રસાદનો.

‘‘વિષ્ણુ...’’ રિયા પણ ઇમોશનલ થઈ ગઈ. આછું આછું જાગી ગયેલી લક્ષ્મી વિષ્ણુ સાંભળીને બેઠી થઈ ગઈ, ‘‘તબિયત તો સારી છે ને ?’’

‘‘એટલો જલદી નહીં મરું.’’ વિષ્ણુપ્રસાદનું સ્મિત રિયા હજારો કિલોમીટર દૂર અનુભવી શકતી હતી, ‘‘લક્ષ્મીને મારા આશીર્વાદ આપજે અને લગ્ન અહીં, ભારતમાં થશે.’’

‘‘એવું કોણે નક્કી કર્યું ?’’ રિયાથી અનિચ્છાએ પુછાઈ ગયું, પૂછ્‌યા પછી એને અફસોસ પણ થયો.

‘‘આપણે બંનેએ... આજથી વર્ષો પહેલાં નક્કી નહોતું કર્યું ?’’

‘‘વિષ્ણુ !’’

‘‘રિયા, તું ભલે આ ઘરમાંથી ચાલી ગઈ, પણ આપણી પુત્રવધૂને તું આ જ ઘરમાં આવકારે એવી મારી છેલ્લી ઇચ્છા છે...’’

‘‘વિષ્ણુ !’’ રિયા આગળ બોલી જ નહોતી શકતી. એની આંખો ભરાઈ આવી હતી. ડળક ડળક આંસુ પડતાં હતાં. લક્ષ્મીએ એના હાથમાંથી ફોન લઈ લીધો, ‘‘ડેડી...’’

‘‘બેટા લક્ષ્મી, તું સાચે જ આ ઘરની લક્ષ્મી થઈને આવી છે. મને મારો દીકરો કેટલા વર્ષે પાછો મળ્યો ખબર છે ?’’

એ પછી કોણે, કોેને શું કહ્યું એ અગત્યનું નથી. બસ, એક એવો પુલ બંધાતો ગયો, જેની રાહ સૌએ આટલાં વર્ષો સુધી જોઈ હતી.

‘‘અજય જાય છે...’’ વસુમાએ અભયની સામે જોઈને કહ્યું.

‘‘ક્યારે ?’’ અભયે ડાઇનિંગ ટેબલ પર બેસીને મેઇલ ચેક કરી રહ્યો હતો. અલય ટેબલ પર બેસીને પોતાના ડબિંગની ફાઇનલ સ્ક્રિપ્ટ ચેક કરી રહ્યો હતો.

‘‘આજે રાત્રે.’’ એણે ઊંચું જોયા વિના કહ્યું.

‘‘શું ?’’ અભયના અવાજમાં આશ્ચર્ય અને આઘાત બંને હતા.

અજય ક્યારનો ચૂપચાપ બેસીને પહેલી આંગળી વડે ડાઇનિંગ ટેબલ ઉપર આડા-ઊભા લીટા ચીતરતો હતો. એ કોણ જાણે શું વિચારતો હતો, પણ એના ચહેરાના ભાવ પ્રત્યેત પળે પલટાઇ રહ્યા હતા. જાનકી રસોડામાં હતી.

‘‘હા, કાન્ત હોસ્પિટલમાં છે. એમને હાર્ટએટેક આવ્યો, બાયપાસ કરવું પડ્યું.’’ વસુમા ટેબલ પર મેથીની ભાજી છૂટી પાડી રહ્યાં હતાં.

‘‘અને તેં મને કહ્યું નહીં ?’’

‘‘બેટા, એ ત્યાં હતા- અમેરિકા... તું સિંગાપોરમાં હતો. તને કહેત તો પણ તું ભારત પાછો આવત. જેનાથી એમની તો કોઈ મદદ થઈ શકત જ નહીં...’’

‘‘પણ અજયની તૈયારી કે બીજી બધી બાબતમાં તો...’’

‘‘અજયના વિઝાની વ્યવસ્થા અજયે જાતે કરી. જે કંઈ પેપર્સ ખૂટતા હતા એને માટેની દોડાદોડી વૈભવી અને જાનકીએ કરી.’’ ડાઇનિંગ ટેબલ પર બેસીને શાક સમારી રહેલી વૈભવી સામે અભયથી અનાયાસે જોવાઈ ગયું, ‘‘પેકિંગમાં વૈભવીએ પૂરેપૂરી મદદ કરી. વળી, જે કંઈ લાવવાનું હતું કે શોપિંગ કરવાનું હતું એ બધા માટે વૈભવી જાનકીને લઈને ગાડીમાં ગઈ...’’

‘‘તેં પણ મને કહ્યું નહીં ?’’ વૈભવી સામે જોઈ રહેલા અભયે પૂછ્‌યું. વૈભવીએ વસુમા સામે જોયું.

‘‘બેટા, મેં જ ના પાડી હતી.’’

‘‘ખરી વાત છે. હવે તો હું આ ઘરના કોઈ સમાચાર જાણવાને લાયક નથી રહ્યો. લફરાબાજ, નાલાયક દીકરો છું તારો...’’ અભયનું ગળું અકારણ જ ભરાઈ આવ્યું.

વસુમા હસી પડ્યાં, ‘‘કોઈ એવું કહ્યું તને ?’’ એમના અવાજમાં એટલું તો વહાલ અને માર્દવ હતા કે વૈભવીના ચહેરા પર પણ સ્મિત આવી ગયું, ‘‘બેટા, જે પરિસ્થિતિ આપણા કાબૂની બહાર હોય એ પરિસ્થિતિમાં જાતે વિચલિત થઈને કે બીજાને વિચલિત કરીને શું ફાયદો?’’

‘‘મા, મને ખબર છે તને પ્રિયા સાથેનો મારો સંબંધ...’’

‘‘અભય !?’’ વસુમાના ચહેરા પર હજીયે એટલું જ માર્દવ હતું, ‘‘શેને, કોની સાથે જોડે છે ?’’ એમણે ટેબલ પર બેઠેલા ઘરના બધા જ સભ્યો સામે સરસરી નજરે જોયું, ‘‘દરેક માણસે પોતે જીવેલી જિંદગીની જવાબદારી જાતે જ લેવી પડે બેટા... એનાં કારણો પણ એની જ પાસે હોય અને એનાં લેખાંજોખાંની પણ એને જ સૌથી વધારે જાણ હોય. મારે જે કહેવાનું હતું એ તું ગયો એ પહેલાં જ મેં કહી દીધું હતું...’’

‘‘મા, બાપુની તબિયત સારી થાય પછી હું પાછો આવી જાઉં? ’’ ઘરના દરેક સભ્યના મનમાં પોતપોતાની ગૂંચવણો અને પોતપોતાના અવઢવ હતા.

‘‘શા માટે ? તું એમને એમના ધંધામાં મદદ કરે, એમનું ભારણ ઓછું કરવા જાય છે. આટલી બધી વાત કરી આપણે તોય તું ત્યાં જ અટકેલો છે ?’’ વસુમાએ અભયની સામે સીધી નજરે જોયું, ‘‘બેટા, નથી મને કોઈની સામે કોઈ વિરોધ...’’ પછી અજય સામે જોયું, ‘‘કે નથી કોઈ પાસે કોઈ પ્રકારની અપેક્ષા...’’ એમણે દીવાલ પર લગાડેલા સૂર્યકાંતના ફોટા સામે જોયું, ‘‘મારાથી શક્ય હતું તેટલું...’’ ઊંડો શ્વાસ લઈને ક્ષણેક ચૂપ રહ્યા પછી એમણે આગળ કહ્યું, ‘‘કદાચ શક્ય નહોતું તેટલું પણ મેં કર્યું છે. મારી ફરજ સમજીને, જેનો મને સંતોષ છે. હવે તમે બધા પોતપોતાની દિશામાં જવા માટે મુક્ત છો...’’

‘‘મા !’’ અલયે વસુમાની સામે જોયું, ‘‘અમને મુક્ત કરીને તારે મુક્ત થવું છે.’’

‘‘એમ જ હશે બેટા !’’ એમણે ફરી એક વાર સ્મિત કર્યું, એવું જ - મમતાળુ, ‘‘ને એમ હોય તો એમાં ખોટુંય શું છે ? તમે સૌ પોતપોતાની રીતે સુખી છો, એક તારી ચિંતા હતી - થોડી ઘણી, પણ હતી...’’ વસુમા અલય સામે જોઈ રહ્યાં હતાં. ઘરના બધા જ સભ્યો વસુમાની આ નિખાલસતા વિશે મનોમન ઓછી-વધતી ભીનાશ અનુભવી રહ્યા હતા, ‘‘હવે એ પણ નથી રહી. તારું સપનું પૂરું થઈ ગયું, તારાં લગ્ન થઈ જશે...’’

‘‘તને ખરેખર લાગે છે કે તું મુક્ત થઈ જઈશ મા ?’’

‘‘બેટા, મુક્તિ મનની સ્થિતિ છે. પોતાની ઇચ્છા ઉપર આધાર રાખે છે. જો ખરેખર મુક્ત થવું હોય તો ગમે તેટલા બંધનની વચ્ચે પણ મુક્તિનો અનુભવ કરી શકાય અને જો મન જ તૈયાર ના હોય તો બીજા ગમે તેટલી મુક્તિ આપે, મન બંધનમાંથી બહાર નીકળવા તૈયાર જ ના હોય.’’ વસુમાનો અવાજ શાંત અને સંયત હતો, ‘‘સૂર્યકાંતનું શ્રાદ્ધ કર્યું એ દિવસથી મારું મન તો મુક્ત થઈ જ ગયું છે બેટા, મને હવે કશાયની જિજિવિષા નથી.’’

અલયને લાગ્યું કે પોતાનો જ અવાજ ધ્રૂજી રહ્યો છે, ‘‘અને મુક્ત થઈને ક્યાં જવા માગે છે ?’’

‘‘જવાનું ક્યાં ? અને શું કામ જવાનું ?’’ અત્યાર સુધી એક પણ અક્ષર ના બોલેલી વૈભવી પહેલી વાર બોલી.

‘‘બેટા, તમે બધા હાજર છો એટલે એક વાત કહેવી છે.’’ વસુમાએ રસોડા તરફ જોઈને હળવેથી બૂમ પાડી, ‘‘જાનકી...બેટા જાનકી...’’

જાનકી હાથમાં નેપકિન લઈને હાથ લૂછતી બહાર આવી, ‘‘જી મા...’’

‘‘અહીં બેસ, મારે એક વાત કહેવી છે.’’

જાનકી ખાલી ખુરશી ખેંચીને બેસી ગઈ.

‘‘આજ પછી તમે બધા તમારી દિશામાં જશો, તમારું સુખ તમારી રીતે શોધશો ને મેળવશો પણ...’’ ટેબલ પર બેઠેલા પાંચેય જણાના હૃદયના ધબકારા થોડા તેજ ચાલવા લાગ્યા હતા. વસુમા મુક્તિની વાત સાથે જોડીને શું કહેવાના હશે ? સૌને એક નાનો અજંપો અને આછો ભય હતો. આ સ્ત્રીએ જિંદગીમાં જ્યારે જે વિચાર્યું ત્યારે તે કરી બતાવ્યું હતું અને એ પણ કોઈ હો-હા કર્યા વિના અને પોતે જે કર્યું તેને વિશે કોઈ સહાનુભૂતિ કે વાહ વાહી ઉઘરાવ્યા વિના...

અભયનો પ્રિયા સાથેનો સંબંધ, અજયનું અમેરિકા જવું, અલયની ફિલ્મ પૂરી થવી... આ ઘરમાં કેટલા થોડા સમયમાં કેટલી ઊથલપાથલો થઈ હતી.

શાંત પાણીની જેમ વહી આવતી સમયની નદીએ કેવાં અને કેટલાં વહેણ બદલ્યાં હતાં, આ છેલ્લા થોડા દિવસોમાં !

‘‘તમે સૌએ જોયું હશે કે નાસ્તાના ટેબલ પર અમુક સમયે હાજર થવાના મારા આગ્રહથી શરૂ કરીને આ ઘરમાં શું રસોઈ બનશે કે કોણે શું કરવું એ દરેક બાબતમાં મેં અનુશાસનનો પ્રયત્ન કર્યો છે... સૂર્યકાંત આ ઘરમાં આવ્યા ત્યાં સુધી આ ઘર અમુક ચોક્કસ અને પ્રમાણમાં કડક નિયમોને આધારે ચાલતું હતું...’’

‘‘પણ અમે ક્યારેય વિરોધ નથી કર્યો.’’ અજયથી વચ્ચે જ કહેવાઈ ગયું.

‘‘જાણું છું !’’ વસુમાએ સ્મિત કર્યું, ‘‘તમે એટલા સમજદાર અને કહ્યાગરાં સંતાનો રહ્યાં છો એટલું તો મારે સ્વીકારવું જ પડે.’’ એમણે વૈભવી સામે જોયું, ‘‘કોઈકને ક્યારેક નહીં પણ ગમ્યું હોય, ક્યારેક વધારે પડતું પણ લાગ્યું હશે...’’

‘‘મા, મેં...’’ વૈભવી કંઈ બોલવા ગઈ, પણ વસુમાએ હાથ ઊંચો કરીને એને રોકી.

‘‘કોઈ એક જણની વાત નથી આ. તમને સૌને કહેવાનું છે.’’

થોડીક ક્ષણો સાવ શાંત... અને મૌનના વજનમાં દબાતી દબાતી પસાર થઈ ગઈ.

‘‘હવે પછી મારા ગમા-અણગમાને જરાક પણ મહત્ત્વ આપવાની જરૂર નથી. તમારા સૌની જિંદગી હવે તમારી પોતાની છે. તમારા સારા-ખરાબ માટે તમે પોતે જવાબદાર છો આજથી...’’

‘‘આ બધું આજે કહેવાનું કંઈ કારણ ?’’ અલયથી વસુમાને પૂછાઈ ગયું.

‘‘હા બેટા, આજે તમે ત્રણેય ભાઈઓ ભેગા છો અહીં ! સાથે...’’ હવે વસુમાનો અવાજ સહેજ પલળ્યો કદાચ, ‘‘કાલે અજય નહીં હોય, તું પણ કદાચ તારી દિશામાં વધુ આગળ જતો રહીશ... વૈભવી અને અભયે પણ હવે એમના મતભેદો વિશે ખુલ્લા મને ચર્ચા કરીને એમની પોતાની દિશાઓ નક્કી કરવાની રહેશે...’’ એક ઊંડો શ્વાસ લીધો એમણે, ‘‘ટૂંકમાં, આજ સુધી તમને એક માળામાં પરોવી દોરીનું નામ હતું વસુંધરા મહેતા... પરંતુ આજથી હું તમને બધાને તમારી દિશામાં જવા માટે આશીર્વાદ આપું છું.’’

ત્રણેય દીકરાઓની આંખો ભરાઈ આવી હતી. જાનકી તો રીતસર રડવા જ માંડી. વૈભવીનો ચહેરો પણ ફિક્કો પડી ગયો. પોતાની માને બરાબર ઓળખતા ત્રણેય દીકરાઓ જાણતા હતા, સમજતા હતા કે મા જે કહી રહી હતી એનો અર્થ શો હતો !

ગઈ કાલ સુધી એક સંયુક્ત કુટુંબની જેમ જીવતું ‘શ્રીજી વિલા’ આજથી પોતપોતાની દિશામાં ઊડી જનારી એક એક વ્યક્તિનું આગવું વ્યક્તિત્વ બની ગયું હતું...

હજી ગઈ તે ક્ષણ સુધી એક છત્ર નીચે જીવી રહેલા બધાએ જ હવે પોતપોતાનું આકાશ શોધીને પોતપોતાની ધરતીનો ટુકડો ઊભો કરવાનો હતો. એક જ ઘરમાં રહીને, એક જ છત નીચે રહેનારી બધી વ્યક્તિઓ હવે અલગ અલગ હતી !

આ પરિસ્થિતિ ખરેખર ભય પમાડી ગઈ ત્રણે ભાઈઓને.

પણ હવે જે કહેવાવાનું હતું તે કહેવાઈ ચૂક્યું હતું. વસુમાએ આજ સુધી કહેલી દરેક વાત આખરી અને અફર હતી એવું સૌ જાણતા હતા એટલે એ વિશે વધુ ચર્ચાને કોઈ અવકાશ નહોતો જ !

એ પછી સૌ ચૂપચાપ ખાસ્સી વાર સુધી ત્યાં જ બેસી રહ્યા. આમ કોઈ કશું બોલ્યું નહીં અને છતાં મૌનની એ ક્ષણો આજ સુધી આ ઘરમાં જીવાયેલી તમામ ક્ષણો કરતા વધુ બોલકી હતી !

રાત્રે અજય જ્યારે જવા નીકળ્યો ત્યારે ઘરમાં અજબ પ્રકારની નિઃશબ્દતા પથરાઈ ગઈ. શ્રીજી વિલામાં અઢી દાયકા પછી પહેલી વાર કોઈ આવી રીતે જઈ રહ્યું હતું.

સારું હતું કે હૃદય બધાને ‘આવજો’ કરીને દસ વાગ્યે ઊંઘી ગયો હતો... એને માટે અમેરિકા એટલે સ્પાઇડર મેનનો દેશ, જ્યાં ડિઝનીલેન્ડ છે તે... એવી બધી વ્યાખ્યાઓ હતી. વિમાનમાં જવાનું અને મજા કરવાની, દાદાજી પાસે જવાનું - આનાથી વધારે એને ખાસ ફરક નહોતો પડતો.

જાનકી વસુમાને પગે લાગીને એમને વળગીને રડવા લાગી.

એ એટલી બધી ધ્રૂસકે ચડી ગઈ કે એને અટકાવવી અઘરી પડી. અજય, અલય અને અભયને ભેટ્યો...

ત્રણે ભાઈઓની આંખો ભરાઈ આવી.

અંજલિ અને રાજેશ પણ અજયને ‘આવજો’ કહેવા આવ્યાં હતાં. અંજલિ તો આવી ત્યારથી એને નાની-નાની વાતમાં ઝળઝળિયાં આવી જતાં હતાં.

સાંજથી જ ઘરનું વાતાવરણ જાણે ખાલીપો અને સૂનકારનો લિબાશ પહેરીને એકલું-અટૂલું ખૂણામાં ઊભું રહી ગયું હતું.

શ્રેયા વૈભવીની બાજુમાં ઊભી હતી. જાનકી એને ભેટી ત્યારે એની આંખોમાં પણ પાણી આવી ગયાં...

‘‘અમારાં લગ્ન સુધી રોકાયા હોત તો ?’’ એનાથી બોલ્યા વિના ના રહેવાયું.

‘‘અમેરિકા ક્યાં દૂર છે ? આવીશુંને તારાં લગ્ન પર...’’ અજયે કહ્યું તો ખરું, પણ એનું પણ જાણતું હતું કે એ કેટલે દૂર જઈ રહ્યો હતો અને હવે પાછા આવવાનું કેટલું અઘરું થવાનું હતું...

શ્રીજી વિલાના ઓટલા પર ઊભેલા અજયે એક વાર જાણે આંખોથી ઘરને સ્પર્શી લીધું. ઘરની દીવાલો, ઓટલો, એ નાનકડી પથ્થરની પગથી, એક બાજુ હીંચકો અને એક બાજુ પથ્થરની બેઠક... લોનમાં ખૂલતો વસુમાનો ઓરડો...

આ બધું જ જાણે એણે આંખોમાં ભરી લીધું.

જાનકી તો ફરી એક વાર ઓટલા પર બેસી પડી... ‘‘મારે નથી જવું, મા !’’ એના હીબકા કોઈ રીતે અટકતા નહોતા.

ટ્રીન... ટ્રીન.... ટ્રીન... ટ્રીન...

વસુમાએ ઉતાવળા પગે અંદર જઈને ફોન ઉપાડ્યો.

‘‘હા કાન્ત ! અજય નીકળે છે.’’ પછી એમના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું, ‘‘ના રે... હું જરાય રડતી નથી.’’ એમણે કહ્યું, ‘‘ના, કાન્ત ! મને જરાય ખરાબ પણ નથી લાગ્યું, શું કામ લાગે ?’’ સહેજ અટકીને જાણે શબ્દો ગોઠવતાં હોય એમ વિચારીને કહ્યું, ‘‘મિલકતની જેમ સમય આવ્યે સંબંધો પણ વહેંચાઈ જતા હોય છે... એનો અફસોસ નથી કરતી હું. જે મને મળ્યું છે એનો આનંદ જ છે ! ’’

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED