૧. પ્રતિશોધ
શાની શોધ છે મને, એની શોધ કરું છું,
મારી સામે જ પ્રતિશોધ કરું છું.
ક્યારેક તો મને જ ક્રોસ પર જડી છે,
ભગવાન સાથે ઝગડો કર્યા કરું છું.
સંબંધોના અરિસામાં ઝાંખ્યા પછી,
ટૂકડાઓમાં ખોટું સ્મિત કરું છું.
શબ્દોના શીખરે પહોંચ્યા પછી,
અર્થ-અનર્થોની ખીણ કરું છું.
જીવન નિરંતર પોતાની ખોજ છે. પણ જીવાતું જીવન મંજૂર તો હોતું જ નથી. અને ભીતર બહાર એક ખેંચતાણ રહ્યા કરતી હોય છે.
૨. સંપૂર્ણ આઝાદી
જરીક દરિયો ઓળંગી લેવો જોઇએ.
કિનારે કિનારે ય ભેદ કેવા કેવા હોય છે?
ન ડૂબવાનો ડર, ને વળી તરવાનો આનંદ
નાખુદામાં ય છેદ કેવા કેવા હોય છે?
પરપોટા ય કશુંક તો જીવી જ જતા હોય છે,
વળગેલી મેદનીના મેદ કેવા કેવા હોય છે?
ચહેરે ચહેરે કરે સહુ નવી નવી પિછાણ,
જાહેર ન કરાય એ ખેદ કેવા કેવા હોય છે?
જન્મતાની સાથે જ મળી’તી સંપૂર્ણ આઝાદી,
માણસો ય ખુદમાં કેદ કેવા કેવા હોય છે?
લોકોની વાહ વાહ માટેની તરસ ખુદથી ખુદને દૂર કરી દે છે. જન્મતાંની સાથે મળેલી માનવ હોવાની આઝાદીને આપણે જ કારાવાસ આપી દઈએ છીએ.
૩. અશાંતિની શાંતિ
તારી સાથેનું રહસ્ય દર્પણ સામે ય કેમ પ્રગટ કરું?
તને મળી મળીને ખુદને મળ્યા જેવું લાગે છે.
શ્વાસની આવન જાવનનું જ કદાચ આ અંતર છે,
તું જે કાઢે બહાર તે મને ભીતર લીધા જેવું લાગે છે.
આ ચૂપકીદી કેવી સાધી લીધી છે તેં?
નથી ઊઠવા દીધા જે સોળ, મારા સીસકારા જેવું લાગે છે.
હવે ઉત્તર મળે એવો પ્રશ્ન ય ક્યાં છે?
હોય જો અશાંતિ તો જ હવે શાંતિ જેવું લાગે છે.
જીવનના માર્ગ પર સરળતાની બાદબાકી થઈ ગઈ છે. સામે ચાલીને અશાંતિને પાળી પોષીએ છીએ. અને ચારેબાજુ અશાંતિ હોય ત્યારે જ બધું ઠીક હોય તેવું લાગે છે.
૪. સત્યની પરિભાષા.
સત્યને શોધવું ક્યા?
શાસ્ત્રો માત્ર રાખ છે.
જીવન કોને કહેવાય?
નીતિમત્તા બધી ખાક છે.
સંવેદના જરુરી છે?
બુધ્ધિ માત્ર રાંક છે.
હું કોણ છું?
મનને વળેલી ઝાંખ છે.
ધર્મ શું છે?
ભીતર મળેલી આંખ છે.
મૃત્યુ શું છે?
જીવનનો અંતિમ પાક છે.
પ્રેમ શું છે?
અહં ઓગળવાનો તાપ છે.
શાંતિ શું છે?
અશાંતિ જાણ્યાનું પાપ છે.
જ્ઞાન શું છે?
અજ્ઞાની હોવાનો શાપ છે.
સત્યને શાસ્ત્રોમાં નહીં, પણ જીવાતી પ્રત્યેક ક્ષણમાં અનુભવાય છે. તે ભાવવાચક સંજ્ઞા કરતાં ક્રિયાવાચક સંજ્ઞા વધુ છે.
૫. શ્વાસની આવન જાવન
મને મારી હાજરી અનુભવાતી નથી,
શ્વાસની આવન-જાવન વર્તાતી નથી.
રાવણ નથી તો રામ પણ નથી,
નજર હવે સ્વર્ણમૃગથી ભરમાતી નથી.
હો કૉરોના કહેર કે યુદ્ધના પડઘમ,
સુદર્શન ચક્રની ધાર ઘસાતી નથી.
સુખ-દુઃખના ભરમ ભાંગી ગયા પછી,
હો, જીવન કે મૃત્યુ, ભેદ પમાડતી નથી.
શબ્દોનું મૌન કે નિઃશબ્દોના અર્થો,
ભીતરના ભેદ-ભરમને જગાડતી નથી.
સુખ-દુઃખ, જીવન-મૃત્યુ વચ્ચેના ભેદ ખરી જાય પછી અસ્તિત્વની પરમ કૃપાનો જે અહેસાસ થાય છે, તે આશીર્વાદ દિવ્ય લાગે છે.
૬. એ ના પૂછો!!!!
એકેક નિશાન તાક્યા હતાં,
ક્યા એ નિશાન હતા એ ના પૂછો!!!
એકેક ગીત દિલથી ગાયા હતાં,
કોની વેદનાના શબ્દો હતા એ ના પૂછો!!!
એકેક અવસરમાં ઝૂમી ઊઠ્યા હતાં,
ક્યા સમયના એ જામ હતા, એ ના પૂછો!!!!
એકેક બોલને મૌનમાં માપ્યા હતાં,
કોના હોઠ બંધ હતાં, એ ના પૂછો!!!
એકેક સ્વપ્નને ઓશીકે સેરવ્યા હતાં,
કઇ રાતે ઊંઘ્યા હતાં, એ ના પૂછો!!!!
એકેક આંસુને પાંપણે ઝીલ્યાં હતાં,
ક્યા હાસ્યથી રૂંધ્યા હતાં, એ ના પૂછો!!!!
એકેક મંદિરે હાથ જોડ્યા હતાં,
કોના માટે ઝૂક્યા હતાં, એ ના પૂછો!!!
લાગણીઓને માપવાના મશીન હોતા નથી. અને બુદ્ધિ જ્યારે હાવી થઇ જતી હોય ત્યારે લાગણીઓ રુંધાઈ જતી હોય છે. ક્યારેક એવું પણ લાગે કે, સંવેદનાઓને અનુભવીએ, સમજણની શું જરૂર?