પ્રેમનું વર્તુળ - ૧૫ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમનું વર્તુળ - ૧૫

પ્રકરણ – ૧૫ એક નવી શરૂઆત

રેવાંશનો ફોન જોતા જ થોડી અસમંજસ પછી વૈદેહીએ ફોન ઉપાડ્યો. સામે છેડેથી રેવાંશ માત્ર એટલું જ બોલ્યો, “હવે તારે શું કરવાનું છે? આવવાનું છે કે નથી આવવાનું?”
રેવાંશનો આવો પ્રત્યુતર સાંભળીને વૈદેહીને થોડી ક્ષણ તો સમજાયું નહિ કે એ શું બોલે? પરંતુ એ મૂંગી રહી એટલે રેવાંશ એ તરત વૈદેહીને કહ્યું, તારા પપ્પાને ફોન આપ. વૈદેહીએ આ સાંભળતા જ એના પોતાના પિતાને ફોન આપ્યો. રજતકુમાર એ ફોન લીધો અને બોલ્યા, “હેલ્લો”
રેવાંશ એ પોતાના સસરાનો અવાજ સાંભળીને કહ્યું, “પપ્પાજી, હવે તમે વૈદેહીને અહી મોકલવા માંગો છો કે નહિ? અને ન મોકલવા માંગતા હો તો એ પ્રમાણે અમને કહી દો. તમારે આ સંબંધમાં આગળ વધવું છે કે નહિ? તો પછી આપણે એ પ્રમાણે આગળ વિચારીએ કારણ કે, તમે વૈદેહીને લઇ ગયા એને પણ હવે લગભગ બે મહિના જેવો સમય થઇ ગયો છે. તમે કહ્યું હતું કે, અમે ફોન કરીશું પણ આજ સુધી તમે અમને ફોન કર્યો નથી એટલે આજે હવે હું તમને ફોન કરી રહ્યો છું. અમને તમે સ્પષ્ટ જવાબ આપો જેથી અમને ખબર પડે કે, તમારે શું કરવું છે?”
“મારે કોઈ સંબંધ તોડવો નથી. પરંતુ વૈદેહી ને ફરી મોકલવા પહેલા હું તમારા એકલા જોડે વાત કરવા ઈચ્છું છું. જો તમે મને મળવા આવી શકો તો..” વૈદેહીના પિતા એ કહ્યું.
“ઠીક છે. હું આમ પણ આવતા અઠવાડિયે અમદાવાદ જવાનો છું તો તમે જો મને ત્યાં મળવા આવી શકો તો... “ રેવાંશ એ કહ્યું.
“ઠીક છે. મારે પણ સામાનની ડીલીવરી લેવા અમદાવાદ જવાનું જ છે તો હું અને માનસી બંને તમને મળવા આવીશું. આવતા અઠવાડિયે આપણે અમદાવાદમાં મળીએ.” એટલું કહી રજતકુમાર એ ફોન મૂકી દીધો.
એક અઠવાડિયા પછી-
રેવાંશ અને વૈદેહીના માતા પિતા એક હોટલના રૂમમાં મળ્યા. રેવાંશ આવીને પોતાના સાસુ સસરાએ પગે લાગ્યો. બધાં બેઠા. રેવાંશએ જ વાતની શરૂઆત કરતા કહ્યું, “પપ્પાજી, હવે તમે વૈદેહીને મોકલવા માંગો છો કે નહિ?”
“હું બિલકુલ એને મોકલવા જ માંગું છું. અને હું ત્યારે પણ કદાચ એને ન લઇ ગયો હોત જો તમે એના પર હાથ ઉપાડવાનો પ્રયત્ન ન કર્યો હોત. મને માત્ર એટલી જ તકલીફ પડી કે, તમે મારી દીકરી પર હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો.” રજતકુમારએ સ્પષ્ટતા કરતાં કહ્યુ.
“હા, પપ્પાજી, તમારી વાત બિલકુલ સાચી છે. મારે એના પર હાથ નહોતો ઉપાડવો જોઈતો એ હું માનું છું પરંતુ વૈદેહી એ મારી મમ્મીનું અપમાન કર્યું એ મારાથી બિલકુલ સહન નથી થયું. મારી મમ્મીને કોઈ કહે એ મારાથી સહન નથી થતું, મારી મમ્મીએ અમારા બંને બાળકો માટે પરિવારનો ભોગ આપ્યો છે.” રેવાંશએ કહ્યું.
“હા, રેવાંશકુમાર. તમારી વાત પણ સાચી જ છે. વૈદેહી એ પણ પોતાની સાસુનું આવું અપમાન નહોતું કરવું જોઈતું. અમે બંને એ એને સમજાવી છે. ભવિષ્યમાં હવે એ આવી ભૂલ કદી નહિ કરે. એનો પણ ગુસ્સો બહુ જ ખરાબ છે. એ પણ માફી માંગી લેશે. અમે બંને તો માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે, તમે બંને ખુશ રહો. ક્યાં મા બાપ ઈચ્છે કે, પોતાના બાળકોનું ઘર તૂટે?” રજતકુમાર બોલ્યા.
“ઠીક છે. હું મારી જે કઈ ભૂલચૂક થઇ છે એ બદલ આપ બંનેની માફી માંગું છે. અને હવે તમે ક્યારે વૈદેહીને મૂકી જશો એ કહો.” રેવાંશ એ પૂછ્યું.
“આવતા અઠવાડિયે અમે એને મૂકી જઈએ. વૈદેહી, માનસી અને હું પણ આપના આખા પરિવારની માફી માંગીએ છે.” રજતકુમાર એ કહ્યું.
આ વાતને એક અઠવાડિયું થઇ ગયું. એક અઠવાડિયા પછી વૈદેહીના માતાપિતા વૈદેહીને રેવાંશના ઘરે મૂકી ગયા. બંને પરિવાર ફરી એકવાર મળ્યા. બંને પરિવારએ એકબીજાની માફી માંગી. અને બંને એ ફરી બધું ભૂલીને એક નવી શરૂઆત કરવાના વાયદા સાથે એક નવી શરૂઆત કરી.
વૈદેહીના માતા પિતા વૈદેહીને સાસરે મુકીને ફરી પોતાના ઘરે ગયા. વૈદેહી અને રેવાંશ બંને એ એકબીજાને એ દિવસે રાત્રે એકબીજાને એક વચન આપ્યું કે, આપણે બંને આ વાત ફરી કદી નહિ કરીએ. જે કઈ બન્યું આપણી વચ્ચે એ બધું ભૂલીને આપણે એક નવી શરૂઆત કરીશું.”
અને બંને એ એકબીજાને આપેલું એ વચન નિભાવ્યું પણ ખરું. સમય વીતતો ચાલ્યો. એ દરમિયાન મહેકના પણ લગ્ન થયા. મહેકે પણ માતા પિતાની ઈચ્છા પ્રમાણે એક ડોક્ટર છોકરા સાથે લગ્ન કર્યા. મહેક હવે વિદાય થઈને પોતાના સાસરે ચાલી ગઈ હતી.
વૈદેહી અને રેવાંશ બંનેનું જીવન હવે બરાબર ગોઠવવા લાગ્યું હતો. એવામાં એક દિવસ વૈદેહી એ રેવાંશ ને શુભ સમાચાર આપ્યા કે, એ મા બનવાની છે.”
આ સમાચાર સાંભળી રેવાંશ ખુબ ખુશ થયો. એ પોતે પિતા બનવાનો છે એ જાણી એનામાં હવે થોડું પરિવર્તન આવવા લાગ્યું હતું. એ વૈદેહીની પહેલા કરતા પણ વધુ સંભાળ લેવા લાગ્યો હતો. વૈદેહીનું પી. એચ. ડી. નું કામ પણ હવે પૂર્ણ થઇ ગયું હતું. હવે માત્ર થીસીસ લખવાનું બાકી રહ્યું હતું. એ કામ એને બાળક આવે એ પહેલા ઝડપથી પતાવવું હતું એટલે એ ખુબ જ મહેનત કરવા મંડી પડી હતી.
વૈદેહીને હવે ત્રીજો મહિનો પૂરો થવા આવ્યો હતો.
શું વૈદેહીનું આવનાર બાળક વૈદેહી અને રેવાંશના જીવનમાં નવા રંગો ભરશે? કે પછી એ પણ પ્રેમના આ અનંત વર્તુળમાં ફર્યા જ કરશે?


રેટ કરો અને રિવ્યુ આપો

Sheetal

Sheetal 2 વર્ષ પહેલા

Heena Suchak

Heena Suchak 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

Vaishali

Vaishali 2 વર્ષ પહેલા

Nikita Patel

Nikita Patel 2 વર્ષ પહેલા