લાગણી ના બંધનથી અહીં કોણ બચી શકતું હતું?
દોસ્ત! લખ્યા શું લેખ વિધાતાએ એ કોણ જાણતું હતું?
મીરાંએ પરીક્ષા આપી અને એ એના બીજા મિત્રો જોડે પપેરની ચર્ચા કરી રહી હતી. એને એજ જાણવું હતું કે આ પરીક્ષામાં પણ હંમેશની જેમ સારા ગુણ આવશે કે નહીં? એની ધારણા મુજબ લગભગ બધું જ બરાબર લખીને આવી હતી, એ ખુબ ખુશ હતી કે મારુ રિઝલ્ટ સારું આવશે! તેની બહેન પણ એટલીવારમાં ત્યાં આવી પહોંચી હતી. એના પેપર પણ સારા ગયા હતા. હવે રિઝલ્ટ આવે એની રાહ હતી. મીરાં અને તેની બહેન સીધા ઘરે ગયા, ઘરે તેના મમ્મી અને પપ્પાને પણ પરીક્ષા પતી અને સારા પેપર ગયા છે એની જાણ કરી. બધા જ ખુબ ખુશ હતા. પપ્પાએ આ ખુશીમાં વધારો કરવા કહ્યું કે, ચાલો સામાન પેક કરો આપણે સ્કૂલ ૨ દિવસ બંધ છે તો શહેરમાં તારા રંજનફઈને ત્યાં જતા આવીએ. બધા જ ખુબ ખુશ થઈ ગયા પણ મીરાં જૂઠું હાસ્ય વેરી રૂમમાં જતી રહી હતી.
અજાણતા જ મીરાંની ઈચ્છા ઘવાણી હતી,
દોસ્ત! દિલની વાત દિલમાં ફરી સમાણી હતી.
કદાચ, આજ મીરાં પ્રેમનો એકરાર કરી લેત, કદાચ આજ એની મનની વાત અમનને જણાવી દેત, પણ ભાગ્ય કંઈક અલગ જ હતું એ આજની પરિસ્થિતિ મીરાંને ચુનોતી આપી રહી હતી. અને મીરાં પણ જાણે એ અનુભવી રહી હતી.
અમનનો સમય આજ થંભી ગયો હતો. ઘણો સમય વીતી ગયો પરીક્ષા પતી અને છતાં મીરાં હજુ આવી નહોતી. પ્રથમ આવ્યો, અને અમનથી આજ સીધું જ પુછાય ગયું કે મીરાં ક્યાં છે?
પ્રથમએ કીધું પરીક્ષા પત્યાબાદ એને જોઈ એ પછી ખ્યાલ નહીં. તપાસ કરીને તને કહીશ.
અમનને તો તરત જ જાણવું હતું કે મીરાં ક્યાં છે આથી એણે પ્રથમને તરત જ મીરાંને બોલાવવા કહ્યું હતું.
પ્રથમને મીરાંના પાડોશી થકી સમાચાર મળ્યા કે મીરાં બહારગામ ગઈ છે.
પ્રથમે અમનને આબેહૂબ બધી જ વાતની જાણકારી આપી હતી. અમનનું મન ઉદાસ થઈ ગયું હતું. એ મીરાંને ફરી ક્યારે મળશે એ વિચારે દુઃખી થઈ રહ્યો હતો. મીરાં અને અમન બંનેને એકબીજાને મળવાની તાલાવેલી હતી, છતાં પણ બંન્ને મળી શક્યા નહોતા.
મીરાંના ૨ દિવસ તો જેમતેમ કરી પસાર થઈ ગયા પરંતુ એના પપ્પાને કંઈક શંકા મીરાં માટે જન્મી રહી હતી. પણ પપ્પા કોઈ જ ચોક્કસ જાણકારી વગર કઈ બોલવા ઇચ્છતા નહોતા. મીરાંને એટલું કીધું કે, "આટલા વર્ષોમાં પહેલીવાર એવું લાગ્યું કે તું રંજનફઈના ઘરે ખુશ નથી,"
મીરાંએ તરત જ તેના પપ્પાને કીધું કે, ના પપ્પા હું તો ખુબ જ ખુશ છું. પરીક્ષાથી થાકી ને વળી પાછી ફાઇનલ પરીક્ષા પણ આવશે, વળી બોર્ડ નું રિઝલ્ટ કેવું આવે એ ક્યાં નક્કી હોય, કેવા ગોટા થતા હોય છે, બસ એજ વિચારે ચિંતા થાય છે. મીરાંની વાત ઝડપીને તરત પપ્પાએ કીધું કે, તારા ફઈ શિક્ષક છે તો તું અહીં રહે, એ તને સરસ તૈયારી કરાવશે, આમ પણ સ્કૂલમાં તારી હાજરી પુરી છે, અને ખાલી નામ પૂરતી જ સ્કૂલ ચાલુ છે તો તું અહીં ફઈને ત્યાં જ તને ગમે છે તો રેહ."
મીરાંને કાપો તો લોહીં ન નિકળે એવી હાલત થઈ.. છતાં પોતાની લાગણીને છુપાવીએ બોલી ઉઠી, " હા પપ્પા હું અહીં રહું છું." પપ્પાને જોતું હતું એ કામ થઈ ગયું હતું.
અમનને મીરાં એને મળ્યા વગર જતી રહી એ એનાથી ખુબ જ અસહ્ય હતું. અમનને હવે હોસ્પિટલથી પણ રજા મળી ગઈ હતી. એ નામ પૂરતું જ વાંચતો હતો પણ મન મીરાંને જ યાદ કરતુ હતું. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો હતો. મીરાંના મનના ખૂણામાં અમન ધબકતો હતો પણ વાતાવરણ બદલી જતા એ થોડું વાંચવામાં સ્થિર થતી જતી હતી. ધીરે ધીરે દિવસો મહિનાઓમાં જવા લાગ્યા. મીરાંનો પરિવાર થોડા થોડા દિવસે ત્યાં જ મળવા આવતો હતો. આથી મીરાં પોતાના ઘરે આવી જ નહોતી. મીરાંનું નવમાસીક પરીક્ષાનું રિઝલ્ટ પણ પપ્પાએ જ સ્કૂલમાંથી લઈને મીરાંને જણાવી દીધું હતું. મીરાં સારા ગુણથી પાસ થઈ હતી આથી થોડી રાહત તેના પપ્પાને હતી. મીરાં સિધ્ધી ફાઈનલ પરીક્ષા માટે જ પોતાને ઘરે આવશે એવી વાત નક્કી થઈ હતી. મીરાંને હા પાડવા સિવાય કોઈ રસ્તો નહોતો. હવે ૧૦માં ની ફાઈનલ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ આવી ગયું હતું. મીરાંએ પોતાને ઘરે આવવાના જૂજ દિવસો જ બાકી હતા. મીરાંનું મન અમનને મળવા ખુબ આતુર હતું. પણ એ અત્યારે કઈ જ બોલી શકે એમ નહોતું.
અમન દ્વારા વારે ઘડીયે મીરાંની તપાસ થતી હોવાથી મીરાંના પપ્પા હવે ખુબ ચેતી ગયા હતા. એમનાથી કોઈ ભૂલ ન થાય એની તકેદારી રાખી રહ્યા હતા.
અમનની વ્યથા અમનના મમ્મી સમજી જ ગયા હતા પણ હવે એ કઈ કરી શકે એમ નહોતા. વળી, અમન પણ પોતાને સાચવી લેતો હોવાથી એમનો ડર પણ હવે ઓછો થયો હતો કે,"અમન કોઈ ખોટું પગલું ભરશે તો?"
મીરાં પરીક્ષાના ૨ દિવસ પહેલા ઘરે આવી હતી. અમનને જાણ થતા એ મીરાંના ઘરે મળવા આવ્યો હતો પણ પરિવારની હાજરીમાં ફક્ત પરીક્ષાની અને તબિયતની વગેરે ઔપચારિક ૧૦ મિનિટની વાત બાદ એ ઘરે જતો રહ્યો હતો. મીરાં અને અમન કેટલા સમય બાદ મળ્યા એ પણ ફક્ત ૧૦ મિનિટ માટે જ. મીરાંના પપ્પા ખુદ પરીક્ષામાં મુકવા પણ જતા અને લેવા પણ જતા હતા જેથી અમન મીરાંને એકાંતમાં કોઈ વાત ન કરે અને મીરાં અમનના લીધે પેપર આપવામાં કોઈ બેદરકારી ન રાખે એવું એ ઇચ્છતા હતા. પરીક્ષાનો સમય પણ વીતી ગયો અને મીરાંના પપ્પાએ હવે વેકેશન મામાને ત્યાં કરવાની ગોઠવણ પણ કરી દીધી. મીરાંના પપ્પાએ ખુબ સાવચેતીથી મીરાં અને અમનને અલગ કરી દીધા હતા. પરિસ્થિતિને જીતીને મીરાં સારા ગુણ સાથે પાસ થઈ હતી. અમન પણ માંડ માંડ પાસ થઈ ગયો હતો.
દોસ્ત જોને! જિંદગીએ ફરી કંઈક ગડમથલ કરી હતી;
લાગણી મનમાં દબાવી 'પ્રેમદિવાની' મીરાં મૌન બની હતી.
દિનાંક : ૧૦/૬/૨૦૦૯
૩મહીના મામાને ત્યાં રહી મીરાં આજ પોતાને ઘરે આવવાની હતી.
શું થશે મીરાંનું આગળનું ભવિષ્ય?
મીરાં ફરી અમનને એકાંતમાં મળી શકશે કે કોઈ ફરી વિધ્ન આવશે?
અમન કેમ પરિસ્થિતિને લડશે?
જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની'...