ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 1 જીગર _અનામી રાઇટર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 1

સફરની શરૂઆત...


__________________


[આ નોવેલ રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથાનો બીજો ખંડ છે. આ નવલકથા વંચાતા પહેલા રહસ્યમય ટાપુ ઉપર વસવાટ નવલકથા જરૂર વાંચજો તો જ આ નવલકથાને સમજવામાં સરળતા રહેશે. આભાર સહ..]

કેપ્ટ્ન અને એમના સાથીદારો દ્વારા નિર્માણ કરવામાં આવેલા નગરનું નામ ક્લિન્ટન નગર રાખવામાં આવ્યું. અલ્સ પહાડની તળેટીમાં અને ઝોમ્બો નદીની બન્ને બાજુએ વસેલું ક્લિન્ટન નગર અદ્ભૂત અને રમણીય લાગી રહ્યું હતું. અલ્સ પહાડનું અદ્ભૂત સૌંદર્ય અને ઝોમ્બો નદીનો રમણીય કિનારો સમગ્ર નગરવાસીઓ માટે એક અનમોલ કુદરતી ભેંટ હતી.


ક્રેટી અને જ્યોર્જ તથા પીટર અને એન્જેલાના લગ્ન થયા બાદ કેપ્ટ્ન હેરી એમના સાથીદારોને રાજ્યાશનના એક ખંડમાં ભેગા કરે છે. નકશાના આધાર પર કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેએ બનાવેલા જહાજની શોધમાં નીકળવાનું હતું.


"મિત્રો ઘણીબધી અડચણો અને મુશ્કેલીઓ બાદ આપણે આ નગરનું નિર્માણ કરી દીધું.. આપણા બન્ને સાથીદારો જ્યોર્જ અને પીટરના લગ્ન પણ હવે થઈ ગયા. હવે આપણે કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેએ બનાવેલા જહાજની શોધ કરવાની છે.. અને એ જહાજની શોધ માટે આપણી પાસે એકઆધાર છે.. અને એ છે આ નકશો...' કેપ્ટ્ન હેરી બધા સાથીદારો સામે ચામડાનો નકશો ખોલીને બતાવતા બોલ્યા.


"આ નકશાના આધારે આપણે જહાજને શોધી કાઢવાનું છે..' થોડાંક અટક્યા બાદ કેપ્ટ્ન હેરી બોલ્યા.


"કેપ્ટ્ન.. આ નકશામાં જહાજ તરફ જવાનો રસ્તો ક્યાંથી શરૂ થાય છે..? ક્રેટીએ કેપ્ટ્ન સામે જોઈને પ્રશ્ન કર્યો.


"એ બધાની પ્રોફેસરને ખબર છે.. પ્રોફેસર આપણું માર્ગદર્શન કરશે..' કેપ્ટ્ન હેરી પ્રોફેસર અને ક્રેટી તરફ જોતાં બોલ્યા.


"પ્રોફેસર સાહેબ તમે અમને થોડુંક સમજાવી દો ને.. આ નકશા અને જહાજ તરફ જવાના રસ્તાની વિગતો..' જ્યોર્જ પ્રોફેસર સામે જોતાં બોલ્યો.


પ્રોફેસર ઉભા થયા અને કેપ્ટ્ન હેરીના હાથમાંથી ચામડાનો નકશો લીધો. થોડીક વાર ઝીણી નજરે નકશા તરફ તાકી રહ્યા.


"જુઓ સાથીદારો.. ઝોમ્બો નદી જંગલની વચ્ચે થઈને વહે છે. એની ડાબી તરફ લેવોસ પર્વતમાળા આવેલી છે અને એ પર્વતમાળાનું જે સૌથી ઊંચું પર્વત શિખર છે એની તળેટીમાં કેટલીક ગુફાઓ છે. એ ગુફાઓમાંની એક ગુફા આગળ જતાં દરિયાને મળે છે.. ત્યાં જહાજ રાખવામાં આવ્યું હોય એવું આ નકશા ઉપરથી મને લાગે છે..' પ્રોફેસર બધાને સમજાવતા બોલ્યા.


"પણ પ્રોફેસર મને એક પ્રશ્ન થાય છે કે કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેએ એમના નગરથી જહાજ બનાવવાની જગ્યા આટલી દૂર કેમ પસંદ કરી ? ફિડલે પ્રશ્ન કર્યો.


"કદાચ એવું હોઈ શકે કે ક્લિન્ટન ફર્નાન્ડેને એવો ભય હોય કે એમના મૃત્યુ પછી એમના નગરનો અન્ય માણસ આ જહાજનું સંચાલન ના કરી શકે અને જહાજનો સર્વનાશ થઈ જાય તો..! પ્રોફેસર થોડુંક વિચારીને ફિડલ ઉપર નજર સ્થિર કરતા બોલ્યા.


"હમ્મ.. કદાચ એવું હોઈ શકે..' રોકી પ્રોફેસરની વાતમાં સૂર પુરાવ્યો.


એટલામાં રાજા માર્જીયશ એ ખંડમાં દાખલ થયા. રાજા માર્જીયશ આવ્યા એટલે બધાએ ઉભા થઈને એમનું અભિવાદન કર્યું.રાજા માર્જીયશ પણ બધાની સાથે એ ખંડમાં બેઠા.


"કેપ્ટ્ન હવે આપણે જહાજની શોધમાં નીકળવાનું ક્યારે છે ?? જોન્સન કેપ્ટ્ન સામે જોઈને બોલ્યો.


"તમે બધા તૈયાર થાઓ.. તો આપણે જલ્દી જ આપણે આ સફરે નીકળી પડીએ.." કેપ્ટ્ન હેરી બધાના ચહેરા ઉપર નજર ફેરવતા બોલ્યા.


"અમે બધા તો તૈયારછીએ..' બધા એકસાથે કેપ્ટ્ન સામે જોઈને બોલી ઉઠ્યા.


"પણ કેપ્ટ્ન આ સફરમાં કેટલા જણાએ જવાનું છે..? રાજા માર્જીયશ કેપ્ટ્ન સામે જોતાં બોલ્યા.


"આ સફરમાં હું , પ્રોફેસર , રોકી , ફિડલ અને જોન્સન જઈશું..' કેપ્ટને રાજા માર્જીયશના મોંઢા ઉપર નજર સ્થિર કરીને કહ્યું.


"તો પછી હું અને પીટર...?? અમને કેમ સાથે નથી લઈ જતાં.?? કેપ્ટ્નની વાત સાંભળીને જ્યોર્જ બોલી ઉઠ્યો.


"હા કેપ્ટ્ન.. અમને કેમ નથી લઈ જતા..? શું અમે આ સફરને કાબિલ નથી..? પીટર પણ નિરશ અવાજે કેપ્ટ્ન સામે જોતાં બોલ્યો.


"અરે.. જ્યોર્જ.. પીટર તમે બન્ને આમ ખોટું ના લગાડો.. તમે બન્ને આ સફરને કાબિલ છો પરંતુ..' આટલું બોલીને કેપ્ટ્ન હેરી અટક્યા.


"પરંતુ શું કેપ્ટ્ન..? જ્યોર્જ વચ્ચે જ બોલી ઉઠ્યો.


"પરંતુ તમારા બન્નેના હમણાં જ લગ્ન થયા છે એટલે તમે બન્ને તમારી પત્નીઓ સાથે થોડાંક સમય રહો એ વાતને ધ્યાનમાં રાખીને મેં તમને આવવા માટે ના પાડી હતી.. તેમ છતાં જો તમારી ઈચ્છા હોય તો તમે જોડાઈ શકો છો આ સફરમાં..' કેપ્ટ્ન હેરીએ પ્રેમભર્યા અવાજે કહ્યું.


"કેપ્ટ્ન હું અને પીટર જરૂર જોડાઇશું આ સફરમાં અમે અમારા સાથીદારોને આ જોખમભરી સફર સંપૂર્ણ સાથ આપીશું..' જ્યોર્જ કેપ્ટ્નની આંખમાં આંખ મિલાવતા આત્મવિશ્વાસ સાથે બોલ્યો.


"હા કેપ્ટ્ન અમે તમને એકલા નહીં જવા દઈએ અમે પણ સાથે આવીશું..' પીટર કેપ્ટ્નને ભેંટી પડતા બોલ્યો.


કેપ્ટ્ને બન્ને સાથીદારોને પોતાના ગળે લગાવ્યા. એમનો સાદ ભીનો થઈ ગયો. કંઈ બોલી ના શક્યા બસ આંખોમાંથી બે હર્ષના આંસુઓ ટપકી પડ્યા.


"હું પણ તમારા બધાની સાથે સફરમાં જોડાઇશ..' ક્રેટી મક્કમ અવાજે બોલી.


"હું પણ આવીશ..' એન્જેલા પણ કેપ્ટ્ન સામે જોઈને બોલી.


ક્રેટી અને એન્જેલાની વાત સાંભળીને કેપ્ટ્ન હેરી એમની તરફ ફર્યા. થોડીક વાર બન્નેના ચહેરા તરફ તાકી રહ્યા. ક્રેટી અને એન્જેલાની આંખમાં એમણે આત્મવિશ્વાસ છલકતો જોયો.


"બેટી.. ક્રેટી અને એન્જેલા તમે બન્ને સાથે આવવાની જીદ છોડી દો આ સફર ખુબ ભયાનક છે.. અને લેવોસ પર્વતમાળા આજુબાજુના વિસ્તારમાં તો હંમેશા બરફ છવાયેલો રહે છે હાડકા થીજાવી નાખે એવી એ ઠંડી તમે સહન નહી કરી શકો..' કેપ્ટ્ન હેરીએ વહાલથી ક્રેટી અને એન્જેલાને મુશ્કેલીઓ પ્રત્યે સભાન કરતા કહ્યું.


"હા બેટી અને ત્યાં અવનવા રાની પ્રાણીઓનો ભય પણ બહુજ જ છે તમે બન્ને એ મુશ્કેલીઓ સહન નહી કરી શકો..' રાજા માર્જીયશ ક્રેટી અને એન્જેલાના માથા ઉપર હાથ મૂકતા બોલ્યા.


"ગમે તે થાય.. હું સાથે જઈશ જ..' ક્રેટી મક્કમ અવાજે બોલી.


"હું પણ આવીશ તમારી સાથે જ..' એન્જેલા જિદ્દી સ્વરે બોલી.


થોડીકવાર સંપૂર્ણ ખંડમાં ચુપકીદી છવાઈ ગઈ.


"ઠીક છે તમે બન્ને આવી શકશો. પણ..' કેપ્ટ્ન ચુપકીદીનો ભંગ કરતા બોલ્યા.


"પણ શું..? ક્રેટી અને એન્જેલા બન્ને એકસાથે બોલી ઉઠી.


"પણ કંઈ નહીં બસ મુશ્કેલીઓ આવે એને સહન કરવાની તાકાત રાખજો..' કેપ્ટ્ન હસી પડતા બોલ્યા.


કેપ્ટ્નની વાત સાંભળીને બધાના મોંઢા ઉપર સ્મિત ફરકી ગયું.


રાજા માર્જીયશ પણ ગર્વભરી નજરે પોતાની પુત્રી સામે જોવા લાગ્યા. ક્રેટીએ પોતાના પીતા રાજા માર્જીયશ સામે જોઈને સ્મિત કર્યું.

"કેપ્ટ્ન તો આ સફરે નીકળવાનું ક્યારે..? ફિડલે પ્રશ્ન કર્યો.

કેપ્ટ્ન થોડીક વાર વિચારમાં ડૂબી ગયા.

"જો બધા સારી રીતે તૈયાર હોય તો આવતીકાલે જ નીકળી પડીએ..' કેપ્ટ્ન બધા સામે જોઈને બોલ્યા.

"હા.. બધા તૈયાર તો છે.. પણ આપણે સાથે શું લેવાનું છે.. સામાનમાં..? જ્યોર્જે પ્રશ્ન કર્યો.

"સામાનમાં થોડાંક ઉપયોગી હથિયારો હોય એ લઈ લો.. અને ખાવાનો સામાન લઈ લો.. અને ચાર જરખ પ્રાણીઓની ગાડી તૈયાર કરો જેથી જ્યાં સુધી પર્વતીય વિસ્તાર શરૂ ના થાય ત્યાં સુધી તો આપણી મુસાફરી સરળ બની રહે..' કેપ્ટ્ન બધા સામે જોઈને બોલ્યા.

"હા.. હું પીટર અને ફિડલ ઝરખની ગાડીઓ તૈયાર કરીએ.. રોકી અને જોન્સન હથિયારો તૈયાર કરી દે.. ક્રેટી અને એન્જેલા ખાવાનો સામાન તૈયાર કરી દે..' જ્યોર્જ બોલ્યો.

"હા.. બધી તૈયારીઓ કરી લો એટલે કાલે સવારે નીકળી જ જઈએ..' કેપ્ટ્ન હેરી બધા સામે જોઈને બોલ્યા.

બધા સફરની તૈયારી કરવા માટે ખંડમાંથી વિખેરાયા. ક્રેટીએ જતાં જતાં જ્યોર્જ સામે જોઈને આંખો મીંચકારી પીટરે પણ એન્જેલા સામે જોઈને હસી લીધું પછી બધા સફરની તૈયારી કરવાં માટે છુટા પડ્યા.

સાંજ થતાં સુધીમાં તો સફરની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચુકી હતી. કેપ્ટ્ને અને પ્રોફેસરે આવીને સફર માટેની તૈયારી સારી રીતે થઈ છે એ જોઈ લીધું.

આઠ ઝરખથી જોડેલી ચાર ગાડીઓ મુસાફરી માટે તૈયાર કરવામાં આવી. એક મહિનો ચાલે એટલી ખાદ્યસામગ્રી પણ સાથે લેવામાં આવી હતી. જોન્સન અને રોકીએ સારા હથિયારો પણ ક્લિન્ટન ફર્નાન્ડેનો જે ખંડ હતો એમાંથી પસંદ કરી લીધા.


રાત્રે બધા વહેલા સૂઈ ગયા કારણ કે સવારે બધાએ વહેલા ઉઠીને જહાજ શોધવાની નવી સફરે નીકળવાનું હતું.


બીજા દિવસે બધા વહેલા ઉઠી ગયા. ખાદ્યસામગ્રી અને હથિયારો એક ગાડીમા ભર્યા. એક ગાડીમાં પ્રોફેસર અને કેપ્ટ્ન ગોઠવાયા. એકમાં પીટર અને એન્જેલા તથા જ્યોર્જ અને ક્રેટી બેઠા. એકમાં ફિડલ , રોકી અને જોન્સન ગોઠવાયા.


રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન બધાને જંગલ પ્રદેશ સુધી મુકવા માટે આવ્યા. આમ કેપ્ટ્ન હેરીએ ક્લિન્ટન નગરને સૂતું મૂકીને પોતાના સાહસિક સાથીદારો સાથે ઝરખ પ્રાણીઓની ગાડીમાં બેસીને જહાજ શોધવાની સફરની શરૂઆત કરી.

(ક્રમશ)