Angat Diary- Menu books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - મેનુ

અંગત ડાયરી
============
શીર્ષક : મેનુ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર

તો આજ સાંજનું મેનુ શું રાખીશું? આ પ્રશ્નનો જવાબ તમે ધારો છો એટલો સહેલો નથી. વાંચો...

પહેલ વહેલી લૉજ કે રેસ્ટોરન્ટ કે ભોજનાલય કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે? જંગલમાં ગુફાઓમાં રહી સસલા, હરણાં અને બતકા ખાઈ રખડ્યા કરતો આદિમાનવ વિકસતા વિકસતા આધુનિક માનવ બન્યા પછીયે કદાચ સદીઓ સુધી પોતાના હાથે રાંધેલું જ ભોજન જમતો હશે. નદીકિનારે, જંગલોમાં ટોળીઓએ મળી સમૂહ જીવન વિસાવ્યું હશે. એક તબક્કે ગામડાઓ અને નગરો બન્યા હશે. પ્રસંગોમાં એકબીજાના ઘરે સમૂહ ભોજનો ગોઠવાતા હશે. પણ ભોજનાલયની કોઈને ક્યાંય જરૂર નહીં લાગી હોય. વર્ષો સુધી ગામમાં રાતવાસો કરનાર વટેમાર્ગુને તો અન્નદાનનો મહિમા જાણતા ગામડિયાઓએ મફતમાં જ થાળી ભરી જમાડ્યા હશે. પહેલી વહેલી વખત થાળીના પૈસા લેનાર વ્યક્તિની મન:સ્થિતિ શી હશે? કદાચ એ પસ્તાયો પણ હોય. કદાચ એવુંયે બન્યું હોય કે વારંવાર એક જ ગામની મુલાકાત લેનાર વટેમાર્ગુએ પોતે જ ભોજનાલયનો કન્સેપ્ટ કોઈ ને સુજાડ્યો હોય.

આજના મહાનગરોમાં ઢગલામોઢે બત્રીસ જાતના પકવાન પીરસતી હોટેલ્સ જોઈ જૂના જમાનાના લોકોને એમની જિંદગી પાણીમાં ગઈ હોય એવો જ અહેસાસ થતો હશે ને? ગલત. જિંદગીનો એંસી નેવુંમો દાયકો જોઈ રહેલા ઘણા એવા વડીલો આજેય મોટા શહેરોમાં પણ છે કે જેમણે આખી જીંદગીમાં કદી આવું વેંચાતું અન્ન ખાધું નથી. ખેર, નવી પેઢીને તો એક રવિવાર એવો નહિ જતો હોય કે એણે પીત્ઝા કે પંજાબી કે ચાઇનીઝ વગેરે ન ખાધું હોય. આવી મસાલેદાર ડિલીશીયસ વાનગીઓ સામે ખીચડી-કઢી કેટલો સમય ઝીંક ઝીલશે?

એક જિજ્ઞાસુ મિત્રે ચુકાદો આપતા કહ્યું કે આ લડાઈમાં જીત ખીચડી કઢીની થશે, ત્યારે મારા દાદા રાજી થયેલા અને મારો ભાણીયો રિસાઈ ગયેલો. મિત્રએ ભાણીયાને સમજાવેલો. વાંદરાની ફેવરીટ વાનગી કઈ? ભાણિયો બોલ્યો: કેળા? મિત્રએ કહેલું : યસ, કેળા, સફરજન, ચીકુ જેવા ફળોને પચાવી શકે એવું મસ્ત મિક્સર આપણા પેટમાં છે. જેમ શેરડીનો સાંઠો ચિચોડામાં નાખો અને બીજી બાજુ વાટકી એક રસ મળે એમ ફળોને શરીરના એ મિક્સરમાં નાંખો તો ઢગલા મોઢે શક્તિ રસ શરીરને મળે. ઘઉં, બાજરો સેકન્ડ કેટેગરીમાં આવે. એને ડાયરેક્ટ પચાવી શકે એવું મિક્સર આપણા બોડીમાં નથી. એટલે એનો લોટ બનાવવો પડે. એ લોટ પણ શરીરમાં ન પચે, એટલે એને શેકીને એની રોટલી કે રોટલો બનાવવો પડે. ફળનો મસ્ત જ્યુસ કાઢી આપતા મિક્સરમાં રોટલો કે રોટલી નાંખો તો શું થાય? રસ નીકળે? શરીરનું મિક્સર રોટલી-રોટલાને વલોવી વલોવી માંડ માંડ એમાંથી થોડોક અમથો, જો એકાદ શેરડીના સાંઠાના ઉદાહરણ સાથે સરખાવીએ તો ચમચી જેટલો, શક્તિરસ કાઢી શકે. એવું જ મગ, ચોખા, ચણાનું થાય. એટલે જ એને બાફીને કૂણાં પાડવા પડે. હવે મેંદાના બિસ્કીટ અને પીત્ઝા તો સાવ છેલ્લી કેટેગરીમાં આવે. એમાંથી તો એક ટીપુંય શક્તિરસ કાઢવો મુશ્કેલ બને. આ પછીથી ભાણીયાએ થોડાં ઘણાં ફ્રૂટ ખાવાના શરૂ કરી દીધા હતા.

કેટલાક માણસો આ પીત્ઝા જેવા હોય છે, ચટાકેદાર, મસાલેદાર, રંગે રૂડાં અને રૂપે પૂરાં પણ એમાં ગુણ જુઓ તો ઝીરો આઉટ ઓફ ટેન, સત્વનું એક ટીપુંય ન નીકળે એવા. કેટલાક માણસો ચીકુ, સફરજન જેવા હોય છે, ચટાકેદાર, મસાલેદાર તો નહિ, પણ કર્મ, ઈમાનદારી અને સાત્વિકતાનો રસ એ લોકોમાં ઠસોઠસ ભરેલો હોય છે. કેટલાક સાત્વિકો તો કડવા કારેલા જેવા હોય છે, પણ પીત્ઝાના પાંચ રોટલા પર એક જ કારેલું ભારે પડે એટલા શક્તિરસથી ભરેલા હોય છે. આવા સાત્વિક સફરજનો, સજ્જનો સાથે રોજની બે મિનીટનો સત્સંગ પણ જો કરી શકાય તો બિમારી, બદમાશી (અને બદમાશીઓને કારણે આવતી બદનસીબી) ખુદ તમારાથી ત્રણ ફૂટનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવતી થઈ જાય. આવા સજ્જનો સુપાચ્ય હોય છે. એમની સાથેના સબંધો સાચવવા બહુ મેઇન્ટેનન્સ ખર્ચ આવતો નથી. ક્યારેક તો ખરા હૃદયથી થતું નમન કે એમના સત્કાર્યની ઈમાનદાર નોંધ પણ આવા સજ્જનોને પ્રસન્ન કરી દેતી હોય છે. (તમારી પાસે તો એમનું એડ્રેસ કે ફોન નંબર હશે જ)

કોઈ પણ સમાજ, જ્ઞાતિ, સંસ્થા કે રાષ્ટ્ર આવા કૃતિશીલ, ઈમાનદાર અને સમર્પિત સજ્જનોને લીધે જ ટકે છે, વિકસે છે અને ટોંચ પર પહોંચે છે. આવા કૃતિશીલોની વાવણી અને માવજત જે સમાજ નથી કરતો એ સમાજ, જ્ઞાતિ, સંસ્થા કે રાષ્ટ્રનું ભવિષ્ય નિસ્તેજ, અંધકારમય, લોસમેકિંગ બની જાય છે. દેવોના દેવ મહાદેવ પણ આવા સજ્જનોની પ્રતીક્ષા કરતા સ્મશાનમાં ધૂણી ધખાવી બેઠા હોય છે અને આવા જ ઈમાનદારોની ખોપરીઓની માળા બનાવી પોતાના ગળે ધારણ કરતા હોય છે એવું એક સંતે સમજાવ્યું ત્યારે આપણી સંસ્કૃતિના પ્રતીકો પાછળનું લોજીક ઈમ્પ્રેસ કરી ગયું.

દરેક પીત્ઝા ટાઈપ વ્યક્તિને એટલું જ કહેવું છે કે તમારી ભીતરે સાત્વિકતા ભલે ઓછી છે, પણ ઝીરો નથી એટલું યાદ રાખજો. સાત્વિકતાનો છોડ ઈમાનદારી, સચ્ચાઈ અને ઑનેસ્ટીના પાણીથી ખીલશે એની ગેરેંટી. અને સમાજના સજ્જન સફરજનોને શું કહેવું...? તમને અને તમારા વાણી, વર્તન, વિચારોને નમન, સેલ્યુટ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ. જસ્ટ કીપ ઈટ અપ.

તો આજ સાંજનું મેનુ શું રાખીશું?

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED