કલાકાર - 15 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કલાકાર - 15

કલાકાર ભાગ – 15

લેખક – મેર મેહુલ

મારી સામે આરાધના ઉભી હતી. તેનાં ચહેરા પર મોટી સ્માઈલ હતી. હું તેને જોઈને ફરી ખોવાય ગયો. તેની સ્માઈલ મને આકર્ષતી હતી. મારાં ચહેરા પર સ્મિત આવી ગયું.

“તમારી સામે ચોર ઉભો છે અને તમે હસો છો સર ?, આવું પહેલીવાર બની રહ્યું હશે તમારી લાઈફમાં” આરાધનાએ દરવાજા પર ટેકો આપ્યો. એ બિન્દાસ હતી.

“કોઈ ચોર સામેથી ચોરેલો સમાન પાછો આપવા આવ્યો હોય એવું પણ પહેલીવાર જ બન્યું છે” મેં હસીને કહ્યું.

“આઈ એમ સૉરી” તેણે કહ્યું, “મને ખબર નહોતી તમે CID ઑફિસર છો”

“થોડીવાર પહેલાં મળ્યાં ત્યારે તું કહીને બોલાવતી હતી અને હવે તમે ?”

“તમે મોટાં ઑફિસર છો એ ખબર નહોતી મને” આરાધનાએ બત્રીસી બતાવી.

“તો તું ચોર છે એમને” મેં બનાવટી ગુસ્સો બતાવ્યો.

“હા મને ચોર કહી શકો” તેણે કહ્યું, “અમીરો પાસેથી ચોરી કરી હું એ બધા રૂપિયા અનાથ આશ્રમમાં આપું છું”

“તેનાં માટે ચોરી કરવાની શું જરૂર છે ?” મેં કહ્યું, “તું ડોનેશન પણ માંગી શકે છે”

“ધનવાન લોકો ફાલતુ ખર્ચામાં હજારો ઉડાવી દેશે પણ જ્યારે ડોનેશનની વાત આવે ત્યારે કંજુસ બની જાય છે. તેની સામે ભીખ માંગતા હોઈએ એવું ફિલ કરાવે છે, માટે હકથી તેઓની પાસેથી લેવાં પડે છે”

“આ ચોરી કરવામાં કોઈ ગરીબનાં રૂપિયા ચોરી થઈ ગયાં તો અને કોઈ તને જોઈ ગયું હોય તો ?” તેની સાથે વાતો કરવામાં મને મજા આવતી હતી.

“હું ભગવાનમાં ઓછું બિલિવ કરું છું પણ પોતાનાં કર્મનું બધાને મળી જ રહે છે અને કોઈના જોવાની વાત રહી તો તમે CID ઑફિસર છો. તમને જ ના ખબર રહી તો બીજાં લોકોને શું ખબર પડવાની” તેણે હસીને કહ્યું.

“એ વાત પણ સાચી”મેં કહ્યું, “ હું તને ક્યાં એંગલથી ધનવાન લાગ્યો હતો ?”

“એક તો કાર, ઉપરથી બ્લેક સ્યુટ. મને લાગ્યું તમે અમીર હશો”

“મારો સમાન આપવાનો છે કે એ પણ….” મેં હવામાં હાથ ઉછાળી ઈશારો કર્યો.

“એક શરત પર આપીશ” તેણે કહ્યું, “તમે મને જેલમાં નહિ પૂરો તો જ. જો એમ કરવાના હોવ તો મેં જે ગુન્હો કર્યો છે એની સાબિતી માટે તમારો સમાન મારે રાખવો પડશે”

“એક તો ચોરી કરવી અને ઉપરથી ફિલોસોફી પણ” મેં હસીને કહ્યું, “હું પણ એક શરતે તને જેલમાં નહિ પૂરું. પહેલા તો તમે તમે કહેવાનું બંધ કર અને બીજું તું ચાલાક છે, ક્યારેક મારાં કામમાં આવી શકે. એ માટે તારે મને તારો મોબાઈલ નંબર આપવો પડશે”

“હેં…” તેણે બંને હાથ ગાલ પર રાખ્યાં, “CID ઑફિસર પણ લાઇન મારે ?”

“તો તું જ સામાન રાખ, હું તને ગમે ત્યાંથી શોધીને જેલના સળિયા ગણતી કરી દઈશ” મેં કાચ બંધ કરતાં કહ્યું.

“અરે અરે…”તેણે અધુકડા ખુલ્લા કાચ પર હાથ રાખીને કહ્યું, “ હું તો મજાક કરતી હતી, તમને તો ખોટું લાગી ગયું”

મને ખબર હતી એ મને જવા નહિ દે, તેની વાત સાંભળી મેં હાશકારો અનુભવ્યો. મેં પહેલીવાર કોઈ બહાનું બનાવીને છોકરી પાસે નંબર માંગ્યો હતો. તેણે મને બધી વસ્તુઓ સાથે નંબર આપ્યો. મેં પર્સમાં હતાં એટલાં રૂપિયા કાઢીને તેને પરત આપ્યાં અને કહ્યું, “માણસ રૂપિયાથી નહિ વિચારોથી ધનવાન થાય છે”

તેનો ચહેરો ગંભીર થઈ ગયો, સાથે તેનાં ચહેરા પર રહેલું સ્મિત ગજબનું હતું.

“સેલ્ફી ?” તેણે કહ્યું, “હું મારી સહેલીઓને તમારાં વિશે કહીશ”

“શ્યોર” મેં કહ્યું.

“તમારો ફોન આપો” તેણે હાથ લંબાવ્યો, “સેલ્ફી સારી આવશે”

“બીજીવાર ફોન લઈને ભાગવાનો વિચાર નથીને ?” મેં મજાક કરતાં કહ્યું. તેણે મને આંખો બતાવી. મને વધુ હસવું આવી ગયું. તેણે મારાં હાથમાંથી ફોન છીનવી લીધો. સેલ્ફી લીધી અને ફોન પાછો આપતાં કહ્યું, “ વોટ્સએપ કરી આપજે, ડોક્યુમેન્ટ ફાઈલમાં”

“ બીજું કંઈ ?” મેં પુછ્યું.

“દયા આવતી હોય તો રેલવે સ્ટેશન સુધી ડ્રોપ કરી દે” એ દરવાજો ખોલીને અંદર આવી ગઈ, “વિશ્વાસ કર, આ વખતે હું ચોરી નહિ કરું”

“હવે તો હું પણ સાવધાન રહીશ” પોકેટ પર હાથ રાખીને મેં કહ્યું. એ હસી પડી. ડ્રાઇવરે ગાડી ચલાવી.

“તું વડોદરામાં જ રહે છે ?” મેં પુછ્યું.

“હા, ગાયત્રી સોસાયટી” તેણે કહ્યું, “કૉફી માટે આવીશ તો મને ગમશે, એ બહાને મારાં ઘર સુધી પણ પહોંચી જઈશ”

“ સિંગલ અને CID ઑફિસર જોઈને જાળ નથી પાથરતીને ?” મેં લાંબો લહેકો લીધો.

“બની શકે” તેણે મારી સામે જોઇને આંખ મારી.

મારો ફોન રણક્યો. મેહુલસરનો કૉલ હતો.

“સર, વસ્તુ મળી ગઈ છે. ભૂલથી એ છોકરીએ મારી બેગ લઈ લીધી હતી” હું જુઠ્ઠું બોલ્યો.

“ઠીક છે, જલ્દી આવ” સરે કહ્યું. મેં ફોન કાપી નાંખ્યો.

“કેમ જુઠ્ઠું બોલ્યો ?” આરાધનાએ પુછ્યું.

“સરને ક્યાં સમજાવવા બેસવું કે તું સારું કામ કરી રહી હતી” મેં હસીને કહ્યું, “ વાત અહીં જ પતી ગઈ”

આરાધનાએ ડ્રાઇવર તરફ ઈશારો કર્યો.

“અરે એ પણ કંઈ નહિ બોલે” મેં જોરથી કહ્યું, “બરોબરને ડ્રાઇવર સાહેબ”

“મેં કશું સાંભળ્યું જ નથી સાહેબ” ડ્રાઇવરે હસીને કહ્યું.

“જોયુને, ડ્રાઇવર પણ સમજદાર છે”

“બસ..બસ..અહીં રોકી દો” આરાધનાએ હાથ વડે ઈશારો કરીને કહ્યું. ગાડી ઉભી રહી એટલે એ નીચે ઉતરી.

પર્સ અને મોબાઈલ ચૅક કરી લેજે” તેણે હસીને કહ્યું, “હવે કોઈ ચોરી જાય તો મારી જવાબદારી નહિ”

એને કોણ સમજાવે, દિલ ચોરી લીધું હતું એણે.

“હવે તો ગમે ત્યાં ચોરી થાય, પહેલાં તને જ શોધવાની છે”

એ હસીને ચાલવા લાગી. જતાં જતાં તેણે પાછળ ફરીને નશીલી સ્માઈલ આપી. આઈ નૉ, એક ઓફિસરનાં મોઢે આવી વાતો શોભે નહિ, પણ પ્રેમ ક્યાં પેશન જુવે છે ?

હું મેહુલસર પાસે પહોંચ્યો. તેઓનાં હાથમાં બોક્સ રાખ્યું એટલે તેમાંથી ત્રણ ફાઇલ કાઢી તેઓ વાંચવા લાગ્યા.

“યસ!!!, આઈ નૉ ઇટ” મેહુલસરે ખુશ થઈને કહ્યું.

“શું થયું ?” મેં પુછ્યું.

“આ ફાઇલ કોની છે ખબર, ” સરે કહ્યું, “અમદાવાદનાં સૌથી મોટા માફિયા કિંગ, બુટલેગર, ફિરોતી લઈને મર્ડર કરાવનાર બાદશાહની. છેલ્લાં એક વર્ષથી આપણો એજન્ટ તેની ગેંગમાં તેનો માણસ બનીને માહિતી એકઠી કરતો હતો”

“ઓહહ” મેં કહ્યું, “શું છે ફાઈલમાં ?”

“બધું જ” સરે કહ્યું, “તેની પાસે કેટલાં માણસો છે, કેટલાં ઠેકાણાં છે, તેનાં ખાસ કોણ છે અને ક્યાં ક્યાં ધંધા કરે છે એ બધી જ માહિતી”

“તો હવે આપણાં એજન્ટને પાછો બોલાવી લેવો જોઈએ” મેં કહ્યું, “ અને બાદશાહને દબોચી લેવો જોઈએ”

“એટલે જ તને તાત્કાલિક બોલાવ્યો છે” સરે મારી સામે જોઇને કહ્યું, “તારા વિના આ કામ કોઈ કરી શકે એમ નથી”

“મને ફાઇલ આપો, હું એક દિવસમાં પ્લાન કહું” મેં કહ્યું.

“સાંજ સુધીમાં ફાઇલ તને મળી જશે” સરે કહ્યું, “ત્યાં સુધીમાં તું ટિમ તૈયાર કરી લે”

“ટિમ તૈયાર જ છે” મેં કહ્યું, “તમે બસ હુકમ કરો”

“હું ફાઇલ ચૅક કરી લઉં, ઉપરથી ઓર્ડર મળે એટલે જાણ કરું” સરે કહ્યું.

“ત્યાં સુધીમાં હું પેલાં કેસની ફાઇલ ચૅક કરી લઉં” મેં કહ્યું.

“હા, થોડાં દિવસથી રોજ બેન્ક રોબરી થાય છે. કાલે જ આપણાં હાથમાં કેસ આવ્યો છે”

“એ તો ડાબા હાથનો કેસ છે, રસ્તામાં લઈ લેશું” મેં હસીને કહ્યું.

“તારાં માટે બધાં કેસ ડાબા હાથની જ રમત છે” મેહુલસર પણ હળવું હસ્યાં.

*

અમે લોકો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બહાર વેશ પલટો કરીને ગોઠવાઈ ગયા હતા. એક ખબરીએ ખબર આપી હતી, ઘણાં દિવસથી એક ગેંગ ધોળા દિવસે બેન્ક લૂંટતી હતી. આજે તેઓ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયામાં ધાડ પાડવાના હતાં. નાની બેન્કોના ધિરાણ આ બેન્કમાં રાખવામાં આવતા, જેને કારણે એક જ રોબરીમાં મોટો હાથ સાફ કરવાના ઈરાદાથી તેઓએ જબરદસ્ત પ્લાન બનાવ્યો હતો.

મેં દસ લોકોની ટિમ બનાવી હતી. ચાર લોકો બેન્કમાં હતાં જ્યારે અમે છ લોકો બેન્કની બહાર જુદી જુદી જગ્યાએ ગોઠવાઈ ગયાં હતાં. હું ચાની લારી પાસે પાટલી પર બેઠો હતો. મેં ધોતી અને પેરણ પહેર્યું હતું. માથે પાઘડી બાંધી હતી. ચાની લારીવાળો જ ખબરી હતો એટલે તેનાં ઇશારાની રાહ જોતો હું ત્રણ ચા પી ગયો હતો.

મારી સામે સામે એક શાકભાજીની લારી પર બે ઑફિસર હતાં. એક લેડી ઑફિસર દરવાજા પાસે પાસબુક પ્રિન્ટ કરાવવા લાઈનમાં ઉભી હતી. બે ઑફિસર મારી પાછળ બાઇક સ્ટેન્ડ કરીને વાતો કરી રહ્યાં હતાં.

અડધી કલાક થઈ ગઈ પણ કોઈ ચહલપહલ નહોતી નોંધાય. અમે બધા કોન્ફરન્સમાં હતાં એટલે વારાફરતી હું બધાને સૂચનો આપતો હતો. ક્યારેક કોઈ શંકાના દાયરામાં આવતું પણ હજી સુધી કોઈ એક્શનમાં નહોતું આવ્યું.

“એક વેન આવીને થોડે દુર ઉભી રહી છે” બાઇક સ્ટેન્ડ કરીને ઊભેલાં એક ઑફિસરે કહ્યું.

“એની હરકત નોટિસ કરો” મેં કહ્યું.

“બીજી વેન આવી” લારી પર ઊભેલાં ઑફિસરે કહ્યું, “ ડાબી બાજુ”

મેં ડાબી બાજુ નજર કરી.

“શું કરવાનું છે સર ?” લેડી ઓફિસરે પુછ્યું.

“કન્ફર્મ નથી” મેં કહ્યું, “બીજા લોકો પણ હોય શકે”

“આ બાજુ વેનમાંથી પાંચ લોકો ઉતર્યા છે અને વેન જતી રહી છે”

“તેઓનાં હાથમાં શું છે ?” મેં પુછ્યું.

“ ત્રણના ખભે બેગ છે” ઑફિસરે કહ્યું, “આ એ જ લોકો છે સર”

“કન્ફર્મ કરો પેલાં” મેં કહ્યું.

“ડાબી બાજુનાં લોકો માર્કેટ તરફ જાય છે” લારી પર ઊભેલાં ઑફિસરે કહ્યું, “હું તેનો પીછો કરું છું”

“ગુડ, બસ થોડીવારમાં જ તેઓ એક્શનમાં આવશે” મેં કહ્યું.

અમે બધાં બહારનાં લોકો પર ધ્યાન આપતાં હતાં એટલામાં બેન્કમાંથી ગોળી છૂટવાનો અવાજ આવ્યો. બધા ઓફિસરો અંદર દોડી ગયાં. હું પણ.

અંદર બેન્કનો એક કર્મચારી હાથમાં રિવોલ્વર લઈને ઉભો હતો. બેન્કમાં દોડધામ મચી ગઇ હતી.

“બેન્ક ખાલી કરો જલ્દી” મેં ઓર્ડર આપ્યો. આ અમારાં પ્લાનનો જ એક હિસ્સો હતો. બેન્ક મેનેજરને મેં પહેલાં જ આ વાત જણાવી દીધી હતી અને બેન્કમાં જેટલાં લોકો હતાં તેઓને પણ આનાં વિશે જાણ હતી. અમારી પાછળ પેલા લોકો હતા એ પણ બેન્કમાં ધસી આવ્યાં હતાં. તેઓનાં હાથમાં પણ હથિયારો હતાં.

જેવો મેં ઓર્ડર આપ્યો એટલે બધા જમીન પર સુઈ ગયાં, જેટલાં લોકો ઊભાં હતાં એ બધાં ગેંગના માણસો હતાં. હું બેન્ક ખાલી કરવા કહું એટલે બધાને જમીન પર સુઈ જવાનું કહ્યું હતું. મારી આ યુક્તિ કારગર સાબિત થઈ હતી. ગેંગના માણસો એક્સપોઝ થઈ ગયાં હતાં.

તેઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આ લોકોને મારવાના નહોતાં, ઘાયલ કરવાનાં હતાં. પણ અચાનક જ થયેલા ગોળીબારને કારણે પ્લાન આપોઆપ બદલી ગયો. થોડીવારમાં બેન્કમાં ગોળીઓનો વરસાદ થઈ ગયો. દસ મિનિટના ખેલમાં તેઓનો ખેલ ખતમ થઈ ગયો હતો.અમે પુરી ગેંગને ઠાર કરી દીધી હતી. આ ઘટનામાં અમારાં ત્રણ ઓફિસરો ઘાયલ થયાં હતાં. એકને પેટમાં ગોળી લાગી હતી, બીજાને કમરે અને ત્રીજાને સાથળે. મેં બીજો હુકમ કર્યો, “બેન્ક ખાલી કરો અને એમ્બ્યુલન્સ બોલાવો”

મારો હુકમ સાંભળી બધાં બેન્કની બહાર નીકળી ગયાં. અંદર દસ ઓફિસરો અને ગેંગના માણસો જ હાજર હતાં. અમે આગળની કાર્યવાહી કરીએ એ પહેલાં એક વ્યક્તિ પાટેશન પાછળથી અમારાં તરફ આવ્યો, તેનાં હાથમાં રિવોલ્વર હતી, એનાં પગલાં વિરૂદ્ધ દિશામાં પડતાં હતાં. મને લાગ્યું એ નશામાં હશે. અમારાં તરફ એ વ્યક્તિ આગળ વધતો હતો, એક ઓફિસરે તેનાં તરફ પિસ્તોલ તાંકી અને ત્યાં જ અટકી જવા કહ્યું.

પેલો વ્યક્તિ તેની ધૂનમાં આગળ વધતો હતો. એ મારી સાવ નજીક આવ્યો અને મારાં તરફ રિવોલ્વર તાંકવા હાથ ઉગાર્યો. બસ આ જ એની ભૂલ હતી, હું તેને નશામાં ધૂત વ્યક્તિ સમજતો હતો પણ એક ઑફિસરે તેનાં પર ગોળી ચલાવી, જેને કારણે એ ત્યાં જ ઢગલો થઈ ગયો.

“કોણ હતું આ ?” મેં પુછ્યું.

બહારથી એક યુવતી દોડીને આવી, એ વ્યક્તિનું માથું ખોળામાં લઈને રાડો પાડવા લાગી, “તમે લોકો જલ્લાદ છો, એક નિર્દોષ વ્યક્તિ મારી નાંખ્યો તમે”

“એ રિવોલ્વર લઈને સરને મારવા જતો હતો” ઑફિસરે દલીલ કરી.

“મંદબુદ્ધિ હતો આ” યુવતી વધુ જોરથી બરાડી, “ આનાં પરિણામ માઠાં આવશે, બધાં ઓફિસરોનો હું જોઈ લઈશ”

એની વાતોથી અમને કોઈ ફેર નહોતો પડ્યો. આ ભૂલ અજાણતાં થઈ હતી. જો કે ભૂલ તો હતી જ નહીં, કારણ કે એ વ્યક્તિ જો ગેંગનો માણસ હોત તો ન થવાનું થઈ ગયું હોત. મને અફસોસ એ વાતનો જ હતો કે ઑફિસર તેનાં પગ પર ગોળી ચલાવી શક્યો હોત. પણ જે થવાનું હતું એ થઈ ગયું હતું. મિશન પૂરું થઈ ગયું હતું.

(ક્રમશઃ)

નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.

- મેર મેહુલ

Contact info.

Whatsapp No. – 9624755226

Instagram - mermehul2898

રેટ કરો અને રિવ્યુ આપો

Monu

Monu 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

nisha prajapati

nisha prajapati 2 વર્ષ પહેલા

Niketa

Niketa 2 વર્ષ પહેલા

Rojmala Yagnik

Rojmala Yagnik 2 વર્ષ પહેલા