પ્રેમનું વર્તુળ - ૧૪ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું વર્તુળ - ૧૪

પ્રકરણ-૧૪ અન્યાયનો વિરોધ

વૈદેહી હવે રેવાંશનું ઘર છોડીને પોતાના પિતાના ઘરે આવતી રહી હતી. આ બાજુ વૈદેહી સતત રડી જ રહી હતી. એ સમજી નહોતી શકતી કે એણે આ જે પગલું ભર્યું છે તે સાચું છે કે ખોટું? એને મનમાં તો રેવાંશ ખુબ જ યાદ આવી રહ્યો હતો પણ એ પણ રેવાંશની જેમ પોતાની લાગણી વ્યક્ત કરી શકી નહોતી. રેવાંશ અને વૈદેહી બંને પ્રેમના એવા વર્તુળમાં ફસાયા હતા કે, જ્યાંથી એમને કોઈ અંત દેખાઈ રહ્યો નહોતો. અને બન્ને પોતાની ભાવના પણ એકબીજા જોડે વ્યક્ત કરી શકતા નહોતા.
આ બાજુ રેવાંશના માતાપિતા વૈદેહીના માતાપિતા એમને ફોન કરશે એમ રાહ જોઈ રહ્યા હતા પરંતુ વૈદેહીના માતા પિતા પોતાની દીકરીની હાલત જોઇને એને સમય આપવા માંગતા હતા એટલે એમણે ફોન કરવાનું ટાળ્યું. વૈદેહીના માતાપિતાએ વૈદેહીને લઇ ગયા પછી એકપણવાર રેવાંશના ઘરના કોઈને પણ ફોન ન કર્યો એટલે રેવાંશની મમ્મી પોતાના વેવાઈ પર ખુબ ભડકી ઉઠી હતી. એ માનતા કે, અમે દીકરાવાળા છીએ તો અમે શા માટે ફોન કરીએ? દીકરીના મા બાપ એ તો નીચા નમીને અમારી પાસે આવવું જોઈએ. એટલે અમે વાત નહિ કરીએ. દીકરીને ક્યાં સુધી એનો બાપ સાચવશે? અંતે તો મૂકી જ જશે ને? એમ માનીને એ અજાણતાં જ રેવાંશની જીંદગી બગડી રહ્યા હતા.
ધીમે ધીમે સમય વીતી રહ્યો હતો. અત્યાર સુધી બંનેના ઘરના કોઈ સગા આ વાત જાણતાં નહોતા. પરંતુ આવી વાતોને ફેલાતા ક્યાં વાર જ લાગે છે? રેવાંશના સમાજમાં હવે આ વાત પ્રસરી ગઈ હતી પરંતુ વૈદેહીના સમાજમાં હજુ કોઈ આ વાત જાણતાં નહોતા. વૈદેહીના પરિવારમાં માત્ર એના અતુલકાકા જ આ વાત જાણતાં હતા. રેવાંશના પરિવારના લોકો રેવાંશની મમ્મીને આવીને સમજાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે, “તમે દીકરાનું ભવિષ્ય બગડી રહ્યા છો. તમે શા માટે વૈદેહીને અહી લઇ નથી આવતા? વૈદેહી અહી હોય તો કામમાં પણ તમને થોડી રાહત રહે ને?” પરંતુ રેવાંશની મમ્મીનો બધાને એક જ જવાબ મળતો કે, “હું દીકરાની માં છું માટે હું નમતી નહિ જાઉં. એ લોકો આવે નમતા મારી પાસે. આખરે ક્યાં સુધી દીકરીને રાખશે પોતાની પાસે?”
આ બાજુ વૈદેહીના માતાપિતા એથી જુદી જ વિચારસરણી ધરાવતા હતા. એમનો વિરોધ માત્ર એટલો જ હતો કે, રેવાંશ એ વૈદેહી પર હાથ ઉપાડ્યો. કોઈ પુરુષ પોતાની પત્ની પર હાથ ઉપાડે એ તો કદાપિ ન જ ચલાવી લેવાય. જો એ આજે હાથ ઉપાડે અને આપણે એને નહિ રોકીએ તો એ ફરી વખત હાથ ઉપાડવાનો પ્રયત્ન કરશે. અને ખોટી વસ્તુ તો કોઈ સંજોગોમાં ન જ ચલાવવી જોઈએ. ખોટી વસ્તુને તો ઉગતી ડામવી જ જોઈએ. અને એ તો વૈદેહી પણ માનતી હતી. આજે જો આપણે આપણી સાથે થતા અત્યાચારનો વિરોધ નહિ કરીએ તો આપણે અત્યાચારના ઊંડા વમળમાં ફસાતા જ જઈશું.
સમય વીતી રહ્યો હતો. આ બાજુ રેવાંશને પણ વૈદેહી મનમાં યાદ તો આવી જ રહી હતી. પરંતુ એની મમ્મી નમતા ન જવાની જે જીદ પકડીને બેઠી હતી એની સામે રેવાંશ કઈ જ બોલી શકતો નહોતો. રેવાંશને પણ હવે પોતાની ભૂલનો એહસાસ થવા લાગ્યો હતો. આ બાજુ વૈદેહીને પણ પોતાની ભૂલ થઇ ગઈ એવું લાગી રહ્યું હતું. બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ તો હતો પરંતુ બંનેએ મૌન જ ધારણ કરી લીધું હતું. બનેમાંથી કોઈ બોલવા જ ઇચ્છતા નહોતા.
અને એક દિવસ-
વૈદેહી રાત્રે પોતાના પલંગમાં સૂતી હતી ત્યારે એના મોબાઈલની રીંગ વાગી. એણે મોબાઈલની સ્ક્રીન પર કોલરનું નામ વાંચ્યું, “રેવાંશ.”
નામ વાંચતા જ એ થોડી અસમંજસમાં આવી કે, ફોન ઉપાડું કે નહિ? એણે થોડીવાર વિચાર કર્યો અને ફોન રીસીવ કર્યો અને બોલી. “હેલ્લો....”
શું વાત કરશે રેવાંશ વૈદેહી જોડે? શું વૈદેહી અને રેવાંશ સમાધાન કરશે? કે પછી બંને છુટા પડી જશે? એની વાત આવતાં અંકે.....