પ્રતિશોધ દ્વિતીય અંક:
ભાગ-12
પોતાના દાદાજીના મુખેથી સૂર્યા તારાપુરનો ઉલ્લેખ બે વાર સાંભળી ચૂક્યો હતો પણ ફોન ઉપર પોતાના કોઈ મિત્ર જોડે થતી શંકરનાથ પંડિતની એ ચર્ચાનો અર્થ આદિત્ય જાણતો નહોતો.
મનુષ્ય મન એક ગજબની ફિતરત ધરાવે છે. જ્યારે કોઈ પ્રશ્ન એને પજવે ત્યારે માણસનું મન એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની વધુને વધુ કોશિશ કરે છે.
દુબઈમાં પોતાના પર થયેલા શૈતાની હુમલા બાદ એ જ રાતે શૈતાની શક્તિઓ દ્વારા પોતાના ખાસ દોસ્ત આફતાબને આત્મહત્યા માટે મજબૂર કરવો અને પોતાનું તાબડતોબ મુંબઈ આવવું. આ બનાવની કળ વળ્યાં બાદ પોતાનું મયાંગ જવું અને મયાંગમાં પોતાના દાદા દ્વારા પોતાના માટે છોડવામાં આવેલી ડાયરીમાં રહેલ રહસ્યમય લખાણ. આ બધું એક રીતે ક્યાંકને ક્યાંક જોડાયેલું હતું એવું લાગી રહ્યું હતું.
પોતાના જીવનમાં સત્તર વર્ષ પછી બની રહેલી આ એક પછી એક ઘટનાઓ વચ્ચે શું સંબંધ છે એ જાણવાના દ્રઢ નિશ્ચય સાથે આદિત્ય ગુવાહાટીથી કલકત્તા આવ્યો અને ત્યાંથી ફ્લાઈટમાં જયપુર. જયપુરથી એક મિત્રની કાર લઈને તારાપુર જવા નીકળી પડ્યો.
તારાપુરમાં આખરે શું છે? દાદા પોતાને તારાપુર જવા કેમ કહી રહ્યા હતાં? તારાપુરમાં શંકરનાથનો એવો કયો મિત્ર હતો જે પોતાના સવાલોનાં જવાબ આપવા સમર્થ હતો? આ બધાં જ પ્રશ્નોનાં ઉત્તર આદિત્યને તારાપુરમાં આવ્યા પછી જ મળી શકવાનાં હતાં.
ફ્લાઈટમાં કલકત્તાથી જયપુર અને જયપુરથી તારાપુર કારમાં જતી વખતે સાત કલાકની એકધારી સફર બાદ આદિત્ય થાકીને લોથપોથ થઈ ગયો હતો. વધારામાં સૂર્ય પણ અસ્ત થઈ ચૂક્યો હતો અને અજાણ્યા ગામમાં આ સમયે જવું ઉચિત નહીં હોવાથી તારાપુરથી વીસેક કિલોમીટર દૂર આવેલી એક નાનકડી હોટલમાં આદિત્ય રાતવાસો કરવા રોકાયો.
રૂમમાં જઈ ફ્રેશ થયાં બાદ આદિત્યએ પોતાના રૂમમાં જ પોતાનું જમવાનું મંગાવી લીધું. રાજસ્થાની સ્પેશિયલ દાલબાટી આરોગી લીધા બાદ આદિત્યએ સમય પસાર કરવા મોબાઈલમાં પબજી રમવાનું શરૂ કર્યું. આદિત્ય હજુ ગેમમાં પોતાની સ્કોવડમાં સામેલ જ થયો હતો ત્યાં એને આફતાબની યાદ આવતા એને ગેમને બંધ કરી અને મોબાઈલને બાજુમાં મૂકી આંખો બંધ કરી મનને શાંત કરવાની કોશિશ કરવા લાગ્યો.
ઘણો સમય સુધી આંખો મીંચી રાખ્યા પછી પણ આદિત્યના મગજમાંથી અત્યાર સુધી બનેલી ઘટનાઓ ફિલ્મના રિલની માફક દોડી રહી હતી, જેને ઈચ્છવા છતાં પણ એ રોકી ના શક્યો. આખરે કંટાળીને આદિત્યએ બ્લેન્ડર પ્રાઈડ નામક વહીસ્કીની બોટલ, ફ્રાય કાજુ, રોસ્ટેડ પાપડ અને આઇસ ક્યુબનો ઓર્ડર કર્યો.
દસેક મિનિટમાં વેઈટર આદિત્યએ આપેલો ઓર્ડર લઈને આવ્યો એટલે આદિત્ય વહીસ્કીનો એક પટિયાલા પેગ બનાવી એક ઘૂંટમાં જ આખો પેગ પી ગયો. આદિત્યએ તુરંત બીજો પેગ બનાવ્યો અને એને પણ અડધો પૂરો કરી દીધો.
દારૂ પીતી દરેક જેમ આદિત્યને પણ દારૂ શરીરની અંદર જતાં કોઈ ખાસ વ્યક્તિ સાથે વાત કરવાનું મન થયું. આ વિચાર આવતા જ એનાં મનમાં એક વ્યક્તિનું નામ સ્ફુરી ઊઠ્યું; જાનકી!
છેલ્લા દસ દિવસથી પોતે જાનકી જોડે એક મિનિટ પણ વાત નહોતી કરી એ યાદ આવતા જ આદિત્યએ મોબાઈલ ફોન હાથમાં લીધો અને જાનકીનો નંબર ડાયલ કર્યો. આદિત્યના અચરજ વચ્ચે ફોન આઉટ ઓફ નેટવર્ક આવતો હતો. આજ પહેલા આવું ક્યારેય બન્યું નહોતું કે જાનકીનો ફોન આઉટ ઓફ નેટવર્ક હોય; આથી આદિત્યના હૃદયમાં ચિંતાનાં વાદળ ઘેરાઈ ગયાં.
આખરે જાનકી ક્યાં હતી એ જાણવાની આતુરતા વધતા આદિત્યએ પોતાના મિત્ર વેંકટનો નંબર ડાયલ કર્યો. વેંકટ સાથે પાંચેક મિનિટ વાત કર્યાં પછી આદિત્યને એ જાણવા મળ્યું કે જાનકી છેલ્લા ત્રણ-ચાર દિવસથી મુંબઈમાં નથી. વેંકટે જ્યારે આદિત્યને એ ક્યાં છે એ અંગે સવાલાત કર્યાં તો આદિત્યએ જવાબ આપી આપવાનાં બદલે વેંકટને કહ્યું.
"હું ક્યાં છું એ અત્યારે હું જણાવી શકું એમ નથી. આપણા મિત્ર આફતાબે આત્મહત્યા નહોતી કરી પણ એને આમ કરવા મજબુર કરવામાં આવ્યો હતો..અને જે કોઈએ પણ આ કર્યું છે એને આની સજા આપ્યા પછી જ હું ઘરે આવીશ."
વેંકટ વધુ કંઈ સવાલ-જવાબ કરે એ પહેલા તો આદિત્યએ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. જાનકી આમ અચાનક કોઈને જણાવ્યા વિના ક્યાં ચાલી ગઈ હતી એ વિશે વિચારતા-વિચારતા આદિત્યએ વહીસ્કીનો ત્રીજો પેગ બનાવ્યો.
વહીસ્કી પીતા-પીતા જ આદિત્યએ એક સિગરેટ પણ સળગાવી. ધીરે-ધીરે વહીસ્કીનો નશો એના મનને ઘેરી વળ્યો હતો. આ નશામાં આદિત્ય બધી જ ચિંતાઓથી મુક્ત થઈને ઘસઘસાટ સુઈ ગયો.
સવારે અદિત્યની જ્યારે આંખ ખુલી ત્યારે ઘડિયાળનો કાંટો આઠ પર આવી ચૂક્યો હતો. આદિત્યએ ફટાફટ નિત્યક્રિયાઓ પૂરી કરી અને હોટલમાંથી ચેક આઉટ કર્યું.
હોટલમાંથી નીકળી આદિત્ય પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે હોટલનો એક સ્ટાફ મેમ્બર દોડીને આદિત્ય જોડે આવ્યો અને વહીસ્કીની અડધી ભરેલી બોટલ આદિત્ય તરફ લંબાવતા બોલ્યો.
"સર, આ બોટલ તમારા રૂમમાં જ રહી ગઈ હતી."
"મારે હવે આની જરૂર નથી." હોટલકર્મીનો ઈમાનદારીથી ખુશ થઈને આદિત્યએ કહ્યું. "આ બોટલ હવે તું રાખી લે."
આદિત્યના આમ બોલતા જ એ હોટલકર્મી ખુશ-ખુશાલ થઈને હોટલ તરફ જતો હતો ત્યાં આદિત્યને કંઈક યાદ આવતા એને એ હોટલકર્મીને અવાજ આપતા કહ્યું.
"એક્સકયુઝમી!"
"હા સર.."
"મારે અહીંથી તારાપુર જવાનું છે, તો આ સીધો રસ્તો પકડીને આગળ કઈ તરફ જવાનું?"
"તમે તારાપુર જવાનાં છો?" હોટલકર્મીના આ શબ્દોમાં ઉચાટ અને આશ્ચર્ય બંને ભળેલું હતું.
"કેમ ના જવાય?" આદિત્યએ સામો સવાલ કર્યો.
"જવાય ને, કેમ ના જવાય?" હોટલકર્મી પોતાના મનના ભાવો ચહેરા પર ના આવે એ રીતે બોલ્યો. "તમે આ સીધો રોડ પકડી જામખેડા સુધી ચાલ્યા જાઓ, ત્યાંથી ડાબી તરફ જતા સિંગલપટ્ટી રોડ પર દસ-બાર કિમિનાં અંતરે તારાપુર આવેલું છે."
"ખૂબ ખૂબ આભાર." આદિત્યએ કહ્યું.
આદિત્યના પ્રતિભાવની રાહ જોયા વિનાં જ હોટલકર્મી ઉતાવળા ડગલે હોટલ તરફ ચાલી નીકળ્યો.
એના જતાં જ આદિત્ય કારમાં ગોઠવાયો અને કારના એક્સીલેટર પર પગ મૂકી કારને તારાપુર તરફ ભગાવી મૂકી.
આદિત્ય જ્યાં સુધી કાર લઈને પોતાની નજરોથી ઓઝલ ના થયો ત્યાં સુધી હોટલકર્મી એની કારને જોતો રહ્યો. જેવો આદિત્યની કાર દેખાતી બંધ થઈ એ સાથે જ હોટલકર્મીએ મનોમન પોતાના ઇષ્ટદેવની પ્રાર્થના કરતા કહ્યું.
"હે પ્રભુ, આ મુસાફરની રક્ષા કરજે!"
************
હોટલના એ કર્મી દ્વારા જણાવેલા રસ્તે પોતાની કારને દોડાવી રહેલા આદિત્યના મનમાં અત્યારે એકસાથે સેંકડો વિચારો રમી રહ્યા હતાં. મયાંગથી સાડા ત્રણ હજાર કિલોમીટર છેટે પોતાના દાદાનો એવો તે કોણ મિત્ર હતો જે પોતાના જીવન સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપવાનો હતો? આ પ્રશ્ન વારંવાર આદિત્યને સતાવી રહ્યો હતો.
આમ તો આદિત્ય જ્યાં રોકાયો હતો એ હોટલથી તારાપુરનું અંતર માંડ વીસેક કિલોમીટરનું હતું પણ આદિત્યને તારાપુર પહોંચતાં સવા કલાક જેટલો સમય થઈ ગયો. એમાં પણ જામખેડાથી તારાપુર સુધીનું બાર કિલોમીટરનું અંતર કાપતા તો આદિત્યને નાકે દમ આવી ગયો. સિંગલપટ્ટી રોડની બિસ્માર હાલત જોઈને આદિત્ય મનોમન બોલી પડ્યો કે આ રોડમાં ખાડા છે કે પછી ખાડામાં જ રોડ છે.!
આખરે મહાપરાણે આદિત્ય તારાપુર ગામની સરહદમાં આવી પહોંચ્યો. બસો વર્ષ પહેલા તારાપુર એક રજપૂત વંશનું રજવાડું હતું, પણ અંગ્રેજોના પગપેસારા બાદ આ રજવાડું ભાંગી પડ્યું અને એક ગામમાં પરિવર્તન પામી ગયું.
આમ છતાં ગામમાં બનેલાં અમુક જુનાં મંદિરો અને સ્થાપત્યો આજે પણ તારાપુર એક સમૃદ્ધ રજવાડું હોવાની ઝાંખી કરાવતા હતાં. આદિત્ય ખૂબ ધીમી ગતિએ પોતાની કારને હંકાવીને ગામની અંદર આવી પહોંચ્યો.
આદિત્યએ નોંધ્યું કે ગામલોકો એની તરફ ધારીધારીને જોઈ રહ્યા હતાં, જાણે એમને કોઈ ભૂત કેમ ના જોઈ લીધું હોય!
ગામની મધ્યમાં પહોંચ્યા બાદ આદિત્યએ કારને થોભાવી અને કારનો કાચ નીચે કરી ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું.
"મહેરબાની કરીને મને એ જણાવશો કે લાલકોઠી ક્યાં આવેલી છે?"
"તમે ગામમાં નવા લાગો છો?" જવાબ આપવાનાં બદલે એ વ્યક્તિ બોલ્યો.
"હા..હું લાલકોઠીમાં રહેતા વ્યક્તિને મળવા માંગુ છું."
"ઉગમણી બાજુ જશો તો લાલકોઠી આવી જશે." પોતાના હાથ વડે પૂર્વ દિશા તરફ ઈશારો કરી એ વ્યક્તિએ કહ્યું.
"ખૂબ ખૂબ આભાર.!" આટલું કહી આદિત્યએ કારનો કાચ ચડાવ્યો અને કારને લાલકોઠી તરફ દોડાવી મૂકી.
પાંચ મિનિટમાં તો આદિત્ય એક લાલ રંગની દીવાલો ધરાવતી હવેલી જેવી ઈમારત જોડે આવી પહોંચ્યો. જર્જરિત હાલતમાં હોવા છતાં આ હવેલી ભવ્યાતિભવ્ય લાગતી હતી. હવેલીની દીવાલો રાતા રંગના પથ્થરોથી બનાવાયેલી હોવાથી આનું નામ લાલકોઠી પડી ગયું હોવાનું અનુમાન લગાવતો આદિત્ય કારને હવેલીની બહાર જ પાર્ક કરી હવેલીમાં પ્રવેશ્યો.
આદિત્યને હતું કે આટલી મોટી હવેલીમાં એને ઘણાં લોકોનો ભેટો થશે પણ એવું કાંઈ બન્યું નહીં. આદિત્ય હવેલીમાં આવેલા ખુલ્લા ભાગને ઓળંગી મુખ્ય ઈમારત સુધી પહોંચ્યો ત્યાં સુધી એને કોઈ વ્યક્તિ સામી ના મળી. આ ઉપરાંત હવેલીનું ભેંકાર વાતાવરણ પણ આદિત્ય માટે અચરજ પેદા કરનારું હતું.
જેવો આદિત્ય લાલકોઠીની મુખ્ય ઈમારત જોડે પહોંચ્યો ત્યાં એની સામે એક સિત્તેર વર્ષ જેટલી આયુ ધરાવતા વૃદ્ધ આવીને ઊભા રહી ગયાં. કરચલી ધરાવતી ત્વચા, ઊંડે ઉતરી ગયેલી આંખો ધરાવતા એ વૃદ્ધને જોઈ એવું લાગતું કે હાડકાં પર મહાપરાણે ચામડી અને માંસ ચોંટાડી મનુષ્ય ઢાંચો તૈયાર કરાયો છે.
"ચલો મારી સાથે." આદિત્યને ઉદ્દેશીને એ વૃદ્ધે શાલીનતાપૂર્વક કહ્યું. "માલિક ગઈ કાલથી તમારી રાહ જોવે છે."
આટલું કહી એ વૃદ્ધ વ્યક્તિ ઈમારતની અંદર પ્રવેશ્યો. પોતે અહીં આવવાનો હતો એ વાત એ લાલકોઠીનો માલિક ક્યાંથી જાણતો હતો? એ પ્રશ્નનો ઉત્તર જાણવાની બેચેની સાથે આદિત્ય એ વૃદ્ધની પાછળ દોરવાયો.
*********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)