પ્રતિશોધ દ્વિતીય અંક: - 11 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ દ્વિતીય અંક: - 11

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-11

200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન

પુષ્કરના ભવ્ય મેળાનો આજે છેલ્લો દિવસ હતો, આજના દિવસે યોજાનારી તલવારબાજીની પ્રતિયોગીતા નિહાળવા મેળામાં આવેલા લોકો મેદાનની ફરતે જમા થઈ રહ્યા હતાં. આ એ જ મેદાન હતું જ્યાં મોડી રાતે અંબિકા તલવારબાજીની તૈયારીઓ માટે જતી હતી.

મેદાનની મધ્યમાં ચૂનાની મદદથી એક વર્તુળ બનાવાયું હતું જેની અંદર દરેક સ્પર્ધકે સ્પર્ધા કરવાની હતી. આ એક જાહેર પ્રતિયોગીતા હતી જેમાં ભાગ લેવા માટે પહેલેથી નામ નોંધાવવાની કોઈ જરૂર નહોતી. પ્રતિયોગીતા નિહાળવા આવેલા લોકોમાંથી જેનું મન થાય એ પોતાની ઈચ્છાથી સ્પર્ધામાં જંપલાવી શકતો.

મોટી સંખ્યામાં આ સ્પર્ધા જોવા આવેલા લોકો મેદાનની ફરતે લગાવેલાં લાકડાંનાં નાના-નાના સ્તંભોની ફરતે એકત્રિત થઈ ચૂક્યા હતાં. આ મેદાનની મધ્યમાં જે સ્પર્ધા માટેનું નાનું મેદાન હતું એની ફરતે મોટા સ્તંભ પર ભગવા રંગની ધ્વજા ફરકી રહી હતી.

"આપ સૌનું સ્વાગત છે." નગારાનાં ધ્વનિ શાંત થતાં ઉદ્દઘોષક દ્વારા જાહેરાત કરવામાં આવી. "મેવાડ, જેસલમેર અને તારાપુરના રાજવીઓ તથા પુષ્કર મંદિરના સંચાલકો દ્વારા આયોજવામાં આવતી આજની તલવારબાજી સ્પર્ધા આ સાથે શરૂ થવા જઈ રહી છે."

આ જાહેરાત થતાં જ લોકોનું ધ્યાન મેદાનની મધ્યમાં હાજર ઉદઘોષક અને મંદિરના મુખ્ય પૂજારી તરફ કેન્દ્રિત થયું.

"આ સ્પર્ધાનાં નિયમો અહીં આવેલા મોટાભાગનાં લોકો જાણે જ છે પણ જે લોકો પ્રથમ વખત આ સ્પર્ધા નિહાળી રહ્યા છે એ લોકો માટે હું આ નિયમો જણાવી દઉં." ઉદઘોષક ઊંચા સ્વરે જાહેરાત કરી રહ્યો હતો.

"પહેલા જે સ્પર્ધા થશે એ અપરણિત સ્ત્રીઓ માટે અને બીજી સ્પર્ધા અપરણિત પુરુષો માટે હશે. રાજપરિવારનાં પુરુષ સભ્યો માટે અવિવાહિત હોવું જરૂરી નથી. બંને સ્પર્ધાનાં નિયમો સરખા છે. મેદાનની મધ્યમાં આ સ્પર્ધા થશે, જેમાં લડતા-લડતા મેદાનની બહાર નીકળી જનારા સ્પર્ધકનો પરાજય થયો ગણાશે. આ ઉપરાંત હાથમાંથી તલવાર છૂટી જવા પર અને પોતાના પ્રતિદ્વંદીના હાથે ત્રણ વખત ઘાયલ થવા પર પણ જે તે સ્પર્ધકને પરાજિત સમજવામાં આવશે."

"તો જે કોઈપણ સ્ત્રીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી હોય એ મેદાનની મધ્યમાં આવે."

ઉદઘોષક દ્વારા થનારી આ જાહેરાતની રાહ જોઇને જ બેઠી હોય એમ સોળ યુવતીઓ હાથમાં તલવાર લઈને મેદાનની મધ્યમાં આવી પહોંચી, જેમાં અંબિકાનો સમાવેશ પણ થતો હતો. પોતાની દીકરીને આ સ્પર્ધામાં ભાગ લેવા જતી જોઈ અંબિકાની સાવકી માં રેવતીનું મગજ ચકરાવે ચડી ગયું. પોતાની જાણ બહાર અંબિકાએ આ સ્પર્ધામાં જોડવાનું નક્કી કરી રાખ્યું હતું એ અંબિકાની માં માટે અસહ્ય હતું. પણ હવે એનાં હાથમાં કંઈ નહોતું, અંબિકાનું ભાવિ હવે વિધાતા એમની રીતે લખવાનાં હતાં.

પૂજારી અને ઉદઘોષક સિવાય અન્ય પાંચ-છ સંચાલકોએ મળીને આ સોળ યુવતીઓની આઠ-આઠ જોડીઓ બનાવી દીધી. ત્યારબાદ આ બધી યુવતીઓની જોડીઓની વચ્ચે એક પછી એક તલવારબાજીની સ્પર્ધા આયોજવામાં આવી. અંબિકાની પહેલી સ્પર્ધક એની સામે માંડ બે મિનિટ ટકી શકી, અંબિકાની તલવારનાં એક મજબૂત પ્રહારે એની સ્પર્ધક યુવતીની તલવાર પરની પકડ છોડાવી દીધી, અને અંબિકા વિજેતા ઘોષિત થઈ.

હવે આઠની જગ્યાએ ચાર જોડીઓ વધી હતી. અંબિકાનો મુકાબલો હવે પ્રમાણમાં સારી તલવારબાજી કરતી યુવતી સામે થયો જે અંબિકાના ખભે એક ઘસરકો કરવામાં સફળ રહી. સામે પક્ષે આરંભીક પછડાટ પછી અંબિકાએ એના શરીર પર અડધી મિનિટની અંદર ચાર ઘસરકા કરી પોતાનો વિજય નિશ્ચિત કરી લીધો.

ત્યારબાદ હવે બે જોડીઓ વધી હતી જેમાં અંબિકાનો મુકાબલો ઉદેપુરના પ્રધાનની દીકરી સામે હતો. પ્રધાનની પુત્રી તાલીમબદ્ધ તલવારબાજી કરીને દસેક મિનિટ સુધી અંબિકાને હંફાવતી રહી. આમ તો પ્રધાનપુત્રી તલવાર ચલાવવામાં ભારે નિપુણ હતી પણ અંબિકાની સ્ફૂર્તિ આગળ એની એકપણ ના ચાલી અને એ પા કલાકની સ્પર્ધા બહાર લડતા-લડતા મેદાનની બહાર નીકળી ગઈ. આ રીતે અંબિકા અંતિમ મુકાબલામાં ભાગ લેવા સુધીની સફર ખેડી ચૂકી હતી.

જે કુનેહ અને સ્ફૂર્તિથી પોતે અત્યાર સુધી તલવારબાજીની સ્પર્ધામાં મુકાબલો કરી રહી હતી એ પછી તો અંબિકાનો આત્મવિશ્વાસ આસમાને પહોંચી ગયો હતો. પોતે પોતાની છેલ્લી પ્રતિસ્પર્ધીને હરાવી આ સ્પર્ધા જીતી લેશે એવા વિશ્વાસ સાથે અંબિકા આખરે આખરી દ્વંદ્વ માટે મેદાનની મધ્યમાં ઊભી રહી. જ્યાં એનો મુકાબલો હતો જયપુરની રાજકુમારી રૂપાદેવી સાથે.

રૂપાદેવી રૂપમાં સ્વર્ગની અપ્સરા જેવા સુંદર હતાં તો યુદ્ધકળામાં પણ ઉત્તમ.! એમને પણ ખૂબ જ આસાનીથી અત્યાર સુધી પોતાના ત્રણેય પ્રતિસ્પર્ધીઓને હરાવી અંતિમ મુકાબલામાં જગ્યા મેળવી હતી. જયપુરનાં રાજાની ચોથી પત્નીની એકમાત્ર સંતાન રૂપા પોતાનો ભાવિ ભરથાર પોતાની રીતે શોધવાનાં મક્કમ નિર્ધાર સાથે આ સ્પર્ધામાં ભાગ લેવા આવી હતી; પોતાના માતા-પિતાને જાણ કર્યાં વિનાં!

બંને સ્પર્ધકો મેદાનની મધ્યમાં આવીને ઊભા રહ્યાં, બંનેની આંખોમાં એકબીજા માટે માન મોજુદ હતું. રૂપાદેવી અને અંબિકાએ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને આ અંતિમ મુકાબલા માટે એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી. પુરી ખેલદિલી સાથે તલવારબાજીની એ સ્પર્ધાનો આરંભ થયો જેની ઉપર માધવપુરનું ભાવિ નક્કી થવાનું હતું.

બંને પ્રતિસ્પર્ધીએ શરૂઆતની પાંચેક મિનિટ સુધી એકબીજાની શક્તિ અને દાવ પારખવામાં વિતાવી દીધી અને ત્યારબાદ તલવારબાજીનો એવો ઉત્તમ મુકાબલો દર્શકોને જોવા મળ્યો જેવો એમને આજસુધી ક્યારેય સ્ત્રીઓની સ્પર્ધામાં જોયો નહોતો.

અંબિકા અને રૂપા વીસેક મિનિટ સુધી સામ-સામા પ્રહાર ખાળવામાં સફળ રહ્યા, પણ ત્યારબાદ અચાનક રૂપાદેવીની તલવારે અંબિકાના પેટના ભાગે ઊંડો ઘસરકો કરી દીધો જેમાંથી દડદડ કરતું લોહી નીકળી પડ્યું. આ સંજોગોમાં અંબિકા ઈચ્છે તો આ સ્પર્ધામાં પોતાની હાર સ્વીકારી શકે પણ એને એવું ના કર્યું અને આ ઘાની ચિંતા કર્યાં વિના મુકાબલો ચાલુ રાખ્યો.

એક ઘામાંથી અંબિકા હજુ સ્વસ્થ નહોતી થઈ ત્યાં રૂપાની તલવાર એના ડાબા હાથની કોણી ઉપર બીજો ઘસરકો કરી ગઈ. આ બે ઘા પછી હવે મુકાબલામાં રૂપાનો હાથ ઉપર દેખાઈ રહ્યો હતો. પૂરાં મેદાનમાં રૂપાદેવીના નામનો જયનાદ ગુંજવા લાગ્યો હતો, જે અંબિકાને વધુને વધુ હતાશ કરી રહ્યો હતો.

પોતે આ મુકાબલો નહીં જીતી શકે એવો વિચાર અંબિકાના મનમાં હજુ આવ્યો જ હતો ત્યાં એના કાને વિક્રમસિંહના એ શબ્દો પડ્યા જે અંબિકાને તાલીમ આપતી વખતે એમને કહ્યાં હતાં.

"સ્પર્ધા પૂરી થયાં પહેલા હાર માનવી એ કાયરની નિશાની છે. તમારી સૌથી ઉપયોગી ચાલને ત્યારે જ અજમાવો જ્યારે તમારો પ્રતિદ્વંદી એમ વિચારે કે એને તમને પરાસ્ત કરી લીધા જ છે."

આ શબ્દોની જાદુઈ અસર રૂપે અંબિકાએ જમણા હાથમાં રહેલી તલવારને ડાબા હાથમાં લઈ લીધી. આખરે અંબિકા શું કરવા જઈ રહી હતી એ બાબતથી અજાણ રૂપાદેવીએ અંબિકાના ખુલ્લા પડેલા શરીરના જમણા ભાગ તરફ પ્રહાર કરવાની મંછા સાથે જેવી પોતાની તલવાર ઉગામી એ સાથે જ અંબિકાએ પોતાનું શરીર ઝુકાવ્યું અને ગુલાંટ મારીને વિજળીવેગે રૂપાની પાછળ આવી પહોંચી. આ જ સમયે અંબિકાએ તલવારને ડાબા હાથમાંથી જમણા હાથમાં લઈ લીધી હતી.

રૂપાદેવી કંઈ સમજે એ પહેલા તો એમના બંને પગની સાથળો પર અંબિકાની તલવારે ઊંડા ઘસરકા કરી દીધા હતાં. આ સાથે જ મુકાબલો બરાબરી પર આવીને ઊભો રહી ગયો. અંબિકાના પેટમાં પડેલા ઘામાંથી ઘણું રક્ત વહી ગયું હોવાથી અંબિકા હવે ફટાફટ મુકાબલો પૂર્ણ કરવા માંગતી હતી.

આથી અંબિકાએ પોતાની તલવારની મુઠ બરાબર પકડી અને રૂપાદેવી પર વાધણ બનીને ત્રાટકી, ઉપરાછપરી થતા પ્રહારો સામે રૂપાદેવી ફસડાઈ પડયા. અંબિકાનો એક પ્રહાર એમના જમણા ગાલ પર એક ઊંડો ચિરો કરતો હતો. જેને અંબિકાનો આ સ્પર્ધામાં વિજય અને રૂપાદેવીનો પરાજય નિશ્ચિત કરી દીધો.

પોતાના આવા અણધાર્યા પરાજયથી રૂપાદેવી બરાબરના અકળાઈ ગયાં અને સ્પર્ધાનાં મેદાનમાંથી અકળામણ સાથે બહાર નીકળી ગયાં, આ ઘટના બાદ વર્ષો સુધી રૂપાદેવી કોઈની નજરે નહોતા પડવાના એ વાત શાયદ કોઈએ વિચારી પણ નહીં હોય!

આ તરફ અંબિકાનો વિજય થતાં જ મેદાનમાં મોજુદ જે જનમેદની થોડા સમય પહેલા રૂપાદેવીનો જયનાદ કરતું હતું એ અંબિકાનો જયનાદ કરવા લાગ્યું.

ઉદઘોષક અને મંદિરના પૂજારીએ અંબિકાને અભિનંદન પાઠવ્યા અને એનો ઉપચાર કરવા માટે ત્યાં હાજર એક વૈદ્યને સૂચના આપી. મેદાનની નજીક બનાવેલ વૈદ્યની કુટીર તરફ જ્યારે અંબિકા આગળ વધી રહી હતી ત્યારે ઉદઘોષક પુરુષોની તલવારબાજી સ્પર્ધાનો આરંભ થવાની જાહેરાત કરી રહ્યો હતો.

વૈદ્ય દ્વારા સૌપ્રથમ અંબિકાના હાથ પર થયેલા ઘા પર મલમ લગાડવામાં આવ્યો અને ત્યારબાદ પેટ ઉપર. આ મલમપટ્ટી જ્યારે થઈ રહી હતી ત્યારે ઉદઘોષક દ્વારા ઉચ્ચારવામાં આવેલા શબ્દો અંબિકાના કાને પડ્યા જેને સાંભળી એ પોતાનું સઘળું દુઃખ ક્ષણમાં ભૂલી ગઈ.

"આ સ્પર્ધામાં માધવપુરના યુવા રાજવી રાજા વિક્રમસિંહ પણ ભાગ લેવા જઈ રહ્યાં છે.!"

પોતાને તાલીમ આપનારો વ્યક્તિ જ રાજા વિક્રમસિંહ હતા એ વાત હજુ અંબિકાને માનવામાં નહોતી આવી રહી. વિક્રમસિંહની શાલીનતા, ચરિત્ર અને યુદ્ધકળા દરેકનો જાતઅનુભવ પોતે કરેલો હતો આથી અંબિકાને મનોમન થયું કે પોતે બે દિવસથી જે વ્યક્તિ સાથે હતી એ નક્કી રાજા વિક્રમસિંહ જ છે.

વિક્રમસિંહ જો તલવારબાજી સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યાં છે તો નક્કી એ જ આ સ્પર્ધા જીતશે અને આમ થશે તો પોતે માધવપુરની રાણી બનશે, મનોમન આવી ગણતરીઓ સાથે અંબિકા વૈધની કુટિરમાંથી નીકળી અને મેદાન તરફ ચાલી નીકળી.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)