Angat Diary- Way of Life books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - વૅ ઓફ લાઇફ

અંગત ડાયરી
============
શીર્ષક : વૅ ઓફ લાઇફ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૦૬, સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર

તમને ખબર છે? ૧૯૬૧ની ૫ મી સપ્ટેમ્બરને દિવસે કે એ પહેલા ભારતમાં ટીચર્સ ડે નહોતો ઉજવાતો. આખા દેશની તમામ સ્કૂલ્સ, કોલેજીસમાં જે દિવસે વિદ્યાર્થીઓ ટીચરનો રોલ ભજવે છે, ચોતરફ ટીચર્સને ગ્રીટિંગ્સ અપાય છે એ આખો સિનેરિયો સર્જાવાનું કારણ ૧૮૮૮ના દિવસે જન્મેલા ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન અને એમનો વૅ ઓફ લાઇફ છે. એમના વૅ ઓફ લાઇફને આખો દેશ સમજે અને અનુસરે એ માટે એમની જ ઈચ્છાથી આ સપ્ટેમ્બરની પાંચમી તારીખ એમને ડૅડીકેટ કરવામાં આવી. તમે વિચાર કર્યો? તમારી જન્મ તારીખ કેટલા જણાં ઉજવે છે અને કઈ રીતે?

દરેકના ઘરમાં સ્વર્ગસ્થ વડીલની ફોટો ફ્રેમ દીવાલ પર કાયમની યાદગીરી સ્વરૂપે લગાવવાનો રિવાજ છે. જીવન જયારે સાવ સાચી રીતે જીવાય ત્યારે આ ફોટો ફ્રેમ માત્ર પુત્ર-પૌત્રના ઘરોની દીવાલ પૂરતી માર્યાદિત ન રહેતા સમાજ, સોસાયટી અને દેશના ઘરેઘર સુધી પહોંચે છે. ન સમજ્યા? તમારા ઘરમાં તમારા સ્વજનો સિવાય કોની તસ્વીર દીવાલ પર પૂજનીય ભાવથી લગાવવામાં આવી છે? જરા ધ્યાનથી જુઓ. કોની તસ્વીર છે? કોઈ સંત અથવા ભક્ત અથવા ભગવાન. આ તસ્વીર આપણે કે આપણા પૂર્વજોએ શા માટે લગાવી? કારણ કે એમનું જીવન આપણા માટે માર્ગદર્શક છે.

માર્ગ પર વાહન લઈને ગયા હશો ત્યારે વિવિધ પ્રકારના ડાબા-જમણા વળાંક સૂચવતા ઍરો જોયા હશે. એ તમને તમારી મંજીલ સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. અજાણ્યો રસ્તો હોય ત્યારે. ખાસ તો ચાર રસ્તા જ્યાં ભેગા થતાં હોય ત્યાં ધ્યાન રાખવું પડે. ગાડી ધીમી પાડી બોર્ડ બરોબર વાંચી લેવું પડે. જો ખોટો રસ્તો પકડાઈ ગયો તો ગયા કામથી.

જિંદગીના ચાર રસ્તાનો કદી શાંતિથી વિચાર કર્યો? શાસ્ત્રો કહે છે કે જીવનના ચાર લક્ષ્યો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેમ સ્કૂલમાં ભણવાના સાત વિષયો હોય અને સાતેયમાં પાસ થવું જરૂરી હોય એમ જીવનમાં આ ચારેયની અનુભૂતિ થવી જરૂરી છે. ભલા અને સમજુ લોકો જેટલી ત્વરાથી અર્થોપાર્જન કરતા હોય છે એટલી જ તાલાવેલી તેઓ ધર્મ અને મોક્ષ માટે અનુભવતા હોય છે. ઘણા લોકો પોતાની આખી જિંદગી અર્થોપાર્જન પાછળ જ ઇન્વેસ્ટ કરી નાખતા હોય છે. હદ તો ત્યારે થાય છે જયારે ચાર પેઢી બેઠી બેઠી ખાય એટલી સંપત્તિ ભેગી થઇ ગઈ હોય એવા લોકો પણ હવે સાત કે સતર પેઢી માટે રૂપિયા ભેગા કરવા સાચા-ખોટા કરતા હોય છે. દરેકને પૈસાથી માપતા આવા લોકો, ઘણીવાર એમની પાછલી બાવન પેઢીએ કરેલા કુલ પાપના સરવાળાથી વધુ મોટું પાપનું પોટલું બાંધી બેસતા હોય છે.

આપણે એક બંડીધારી બાપુને દીવો કરીશું, પણ ગમે તેટલો પૈસાદાર હોય બીલગેટ્સના ફોટા આગળ આપણે અગરબત્તી નહીં કરીએ. આપણે ભૂખ્યાને રોટલો આપનાર જલારામ બાપાને હાથ જોડવાનું બાળકની શીખવીશું પરંતુ અબજોપતિના ફોટાને પગે લાગવાના સંસ્કાર આપણે બાળકને નહીં આપીએ. મંદિરમાં લાઈનસર લગાડેલી ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, નરસિંહ મહેતા, મીરાબાઈની મૂર્તિઓને બાળક ‘જે-જે’ કરે એ માટે આપણે એને પ્રેરણા આપીશું પરંતુ ટૉકિઝમાં ફિલ્મ સ્ટાર્સના મોટા મોટા પોસ્ટરને માત્ર જોવા ખાતર જ બાળક જુએ, હાથ ન જોડી બેસે એની આપણે કાળજી રાખીશું. શા માટે? કારણ કે દયા, દાન અને ભક્તિનો જે ધર્મ માર્ગ છે, જે મોક્ષ માર્ગ છે એ અનુસરવા જેવો પૂજનીય છે એવું આપણા બાળકને આપણે સમજાવવા માંગીએ છીએ. આપણા પિતા અને દાદા પણ આપણે બાળક હતા ત્યારે આપણને એ જ સમજાવી ગયા. આમ છતાં..

ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ચાર રસ્તા પાસે ઘડીક ઊભા રહી ગણતરી કરશો તો જોવા મળશે કે ધર્મ અને મોક્ષના રસ્તે ટ્રાફિક બહુ ઓછો છે, નહીંવત. અર્થ અને કામના માર્ગે લાખોના ટોળે ટોળા જઈ રહ્યા છે. હજારો કેમ કમાવા, લાખોપતિ કેમ થવું, કૌન બનેગા કરોડ પતિ કેમ જીતવું એવા સ્વપ્નો કરોડો લોકો જુએ છે, જયારે ધ્યાનના કલાકો કેમ વધારવા, આખા દિવસમાં ઈમાનદારી અને સત્યની મિનિટો કેમ વધારવી એની ચિંતા કરનારો વર્ગ આંગળીના વેઢે ગણી શકાય એટલો નાનો હોય છે.

બસ આ વર્ગના લોકોની જન્મજયંતીઓ જ દેશમાં ઉજવાય છે. બસ આ વર્ગના લોકોની જ ફોટોફ્રેમ દેશવાસીઓના ઘરોની દીવાલો પર પૂજાય છે. આવા લોકોનું જન્મસ્થળ તીર્થક્ષેત્રની જેમ પૂજાય છે. બાકીના લોકો કેક કાપી, મીણબત્તી ઓલવી, તાળીઓ પાડી ‘હેપ્પી બર્થ ડે’ બોલી ઘરમાં ને ઘરમાં ઢબૂરાઈ જાય છે, એની ખુદની ચોથી પેઢીને એનું નામ યાદ નથી હોતું.

ખેર, લાઇફમાં ઈમાનદારી અને સત્યનો વૅ પર ચાલનારા, સાચો વૅ ઓફ લાઇફ ધરાવનારા વાચક મિત્રોને ખરા દિલથી વંદન.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED