મારી નજરે ગિરનાર Vivek Chudasma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી નજરે ગિરનાર

ગિરનાર... એક એવી જગ્યા કે જે આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર અને સૌંદર્યથી ભરપૂર છે. જ્યાં મનને શાંતિ મળે છે. ગુરુ દત્તાત્રેય શિખર ઉપર એક ઝૂંપડી જેવી જગ્યામાં માત્ર બે પગલાં છે. લોકો કહેતા હશે કે એમાં શું જોવા જેવું છે? એમ‍ાં કંઈ જોવા જેવું છે કે નથી, એ ત્યાં જઈને નક્કી થાય, પરંતુ એ જગ્યાના વાઇબ્રેશન્સ ગજ્જબ છે. ત્યાં ઊભા રહો તો એ અંદરથી જ ફિલ થાય. 3600 ફૂટની ઊંચાઈએ કેટલી અદ્ભુત શાંતિ હોય છે!


વળી, આટલી ઊંચાઈએ ઊભા રહી દુનિયાને જોવાનો ચાન્સ પણ ક્યારે મળે! ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે એટલે સ્વાભાવિક છે કે, અન્ય કોઈ જગ્યા ગુરુ દત્તાત્રેય શિખર કરતા ઊંચી નહીં હોય. કારણ કે ગિરનારની ગિરિમાળામાં ગુરુ દત્તાત્રેય શિખર સૌથી ઊંચું છે. ત્યાંથી જોવો એટલે આહાહાહા... ચારે બાજુ માત્ર પર્વત જ દેખાય. જાણે વૈરાગીઓ મહાસભા ભરીને બેઠા હોય એવું લાગે.


આ આખોય નજારો જોતા મનમાં થાય કે, ‘કુદરતથી વધારે સારો ડિઝાઇનર બીજો કોઈ નથી.’


આ સિવાય ગિરનાર ઉપર ઘણી માણવાલાયક જગ્યાઓ છે. એ પછી અંબાજી મંદિર હોય કે જૈન દેરાસરો હોય, કમંડળ કુંડવાળી જગ્યા હોય કે પછી ગૌમુખી ગંગા હોય. ભરતવન તરફથી જતો રસ્તો હોય કે પછી જટાશંકર મહાદેવનું મંદિર હોય! ગિરનાર ઉપર ઘણાં સિદ્ધ યોગીના બેસણાં છે. અનેક સાધુઓ, વૈરાગીઓ, અઘોરીઓ ગિરનાર પર રહે છે. પુરાણોમાં તો ગિરનારને હિમાલયનો દાદો કહ્યો છે. એટલે વિચારી શકાય કે ગિરનાર કેટલો જૂનો હશે!


ગિરનારના વાઇબ્રેશન્સ એકદમ અલગ છે. આધ્યાત્મિક તો ખરા જ પણ ખૂબ જ મજા આવે એવા. અંદરથી રોમેરોમ ઝૂમી ઉઠે એવા. દત્તાત્રેયની ટૂક પર પહોંચ્યા પછી તો ગજ્જબ સ્ફૂર્તિ આવી જાય. ઘણી વખત તો એવો વિચાર પણ આવે કે, ‘આ સાધુડો છેક આટલે અધ્ધર જઈને કેમ બેઠો હશે?’ પણ એનો જવાબ ત્યાં એના ઘરે, એની ઝૂંપડીએ, એની જગ્યાએ પહોંચ્યા પછી મળે.


આમ જોવો તો ગિરનાર એક વૈરાગી જેવો, એક સાધુ જેવો છે. આટઆટલા વર્ષોથી અડીખમ ઊભેલો છે. એની ઉપર આવેલી જગ્યાઓ તો અદ્ભુત છે જ, સાથે સાથે એના સૌંદર્યથી પણ અભિભૂત થઈ જવાય છે.


અને સાહેબ... એ બહુ માયાવી પણ ખરો. થોડા થોડા સમયે રૂપ બદલી નાખે! બધી જ ઋતુઓમાં અલગ દેખાય. શિયાળામાં વૈરાગી જેવો લાગે તો ઊનાળામાં અઘોરી જેવો! અને ચોમાસામાં તો લીલી ચાદર ઓઢીને મદમસ્ત બેઠેલો સાધુ લાગે!


મેં ચાર ઋતુમાં ગિરનારને માણ્યો છે. શરદ, હેમંત, પાનખર અને વર્ષા. શરદ અને હેમંત ઋતુમાં ગિરનાર વૈરાગી હોય છે. આ સમયે એક અલગ જ પ્રકારનો નશો ત્યાંના વાતાવરણમાં અનુભવાય છે.


શરદ ઋતુમાં પરિક્રમા(પરકમ્મા) આવે એટલે દૂર દૂરથી આવેલા માણસોને જાણે કોઈ સાધુ પોતાની જગ્યાએ આવકારતો ના હોય તેવી રીતે આગતાસ્વાગતા કરતો હોય તેવું લાગે. એ પોતાના દરવાજા ખોલીને પોતની અંદર સમાવેલા અપ્રતિમ સૌંદર્યને માણવા માટે ખુલ્લુ મૂકી દે છે. આમ, તે બહુ મોટો ત્યાગી પણ છે, કે પોતાની બહુમૂલ્ય સંપત્તિને પળવારમાં જ બીજાને સોંપી દે છે. એટલે શરદ ઋતુમાં એ પોતાનું સર્વસ્વ બીજાને આપી દે છે અને જાણે પોતે વૈરાગ્ય લઈ વૈરાગી બની ગયો હોય તેવો લાગે છે.


તો વળી, હેમંત ઋતુમાં મહાશિવરાત આવે ત્યાં સુધીમાં તો ગિરનાર સંપૂર્ણ વૈરાગી થઈ ગયો હોય. એ કેવો હોય?, તો ધૂણો ધખાવીને એકબાજુ જોગી ગાંજાની મોજ માણતો હોય તેમ પોતે જાણે મદમસ્ત બનેલો ફકીર! એના નશામાં તો આખી ભવનાથ તળેટી ઝૂમતી હોય! મહાશિવરાત્રિ વખતે ત્યાંનું વાતાવરણ ખરેખર બહુ જ અદ્ભુત હોય છે, ત્યાંના વાઇબ્રેશન સખત સ્ટ્રોંગ હોય છે. એ ઊર્જા ફીલ કરીએ તો પણ બહુ મજા આવે.


શિવરાતના મેળાના પાંચેક દિવસ તો ગિરનાર અને તેની આસપાસના વાતાવરણમાં એક અદ્ભુત વૈરાગ્ય ફેલાઈ જાય છે. તળેટીથી માંડીને ગીરનું જંગલ જાણે નશામાં હોય તેવી રીતે હિલ્લોળા લેતું હોય છે અને સામે ઊભેલો ગિરનાર પણ નશામાં ડોલતો હોય તેવો ભાસે.


પણ જ્યારે વસંત જવાની તૈયારી કરતી હોય અને પાનખરની શરૂઆત હોય ત્યારે ગિરનારની આભા એકદમ અલગ હોય છે.


પાનખર શરૂ થાય ત્યારે ગિરનાર તેનું સૌથી વિચિત્ર રૂપ ધારણ કરી લે છે, અઘોરીનું! દૂરથી દેખાતા એના કાળાં પથ્થરો એના બિહામણા સ્વરૂપની સાક્ષી પૂરે છે. એની દરેક શિલા એવી તપે છે કે જાણે ગુસ્સામાં અઘોરી લાલચોળ થઈ ગયો હોય! એના એ તાપમાંથી અગનજ્વાળાઓ નીકળતી હોય છે. વળી, આ સમય દરમિયાન બહુ ઓછા લોકો ત્યાં જવાનું પસંદ કરે. એટલે વિરહને કારણે જાણે એણે અઘોર રૂપ ધારણ કરી લીધું હોય તેવો લાગે છે અને બે મહિના સુધી અખંડ આ રૂપમાં રહીને અઘોર સાધના કરે છે. આ સ્વરૂપનું સૌંદર્ય પણ કંઈ ઓછું તો નથી જ. ક્યારેય બરાબર ચૈત્રના મધ્યભાગમાં ગિરનાર આંટો મારી આવજો, એક સાધનામાં લીન 'બહુ સુંદર' અઘોરી જોવા મળશે!


અંતે વર્ષા ઋતુ શરૂ થાય ત્યારે ગિરનાર પોતાની મસ્તીમાં પાછો આવી જાય છે અને એનું અઘોરત્વ પૂરું થાય છે. વર્ષારાણી ચાર-ચાર મહિનાથી અઘોરત્વને વરેલા ગિરનારને નવડાવે છે અને એને લીલા રંગના નવા કપડાં પહેરાવે છે. આ સમયે ગિરનાર એક સાધુ જેવો લાગે. ચારે તરફ વનરાજી ઓઢીને બેઠો હોય. ચાર-ચાર મહિનાના વિરહનું એકાંત માણ્યા પછી જાણે એને કોઈ મળ્યું હોય અને એનામાં જીવ ના આવી ગયો હોય એવું લાગે.


વર્ષા ઋતુમાં તો ગિરનાર ખૂબ જ સુંદર દેખાય. ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ હોય. વાદળા તો જાણે ગિરનારના ઘરેણાં હોય એમ એના રૂપમાં ચાર ચાંદ લગાવે. પ્રકૃતિના આ સ્વરૂપને જોવો એ ખરેખર એક લ્હાવો છે.


એટલે તો ગિરનાર કોઈ પર્વત નથી! એ જીવે છે, એનામાં જીવ છે. એ દરેક વખતે મને અલગ દેખાયો છે. હું જ્યારે પણ જઉં ત્યારે એને પહેલા જેવો જોયો નથી. હું જેટલી પણ વાર ગિરનાર ગયો ત્યારે તે મને એક નવા જ રૂપમાં દેખાયો છે. પરિવર્તન સંસારનો નિયમ છે. જેમ સમય બદલાય એમ બદલાવું પડે છે એવો સંદેશ ગિરનાર પણ આપે છે. આ સિવાય હાર્યા વગર કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય! એનો અડીખમ ઊભા રહી, સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સામનો કરવો જોઈએ તેવું પણ શીખવે છે. અંતે 'ગમે તેવી પરિસ્થિતિ હોય હંમેશા પોતાની મોજમાં જ રહેવું', આ સૂત્રને જીવનસૂત્ર બનાવવા કહે છે.


હર હર મહાદેવ! જય ગિરનારી!