"સોરી, શિવમ ઇઝ ઇન કોમા” ડોક્ટરે કહ્યું. આ સાંભળતા જ શિવમનાં મમ્મી-પપ્પાના ગળામાં જાણે ડૂમો બાજી ગયો. એમના પગતળેથી જમીન ખસી ગઈ. એમની આંખો ભરાઈ ગઈ. દિકરા માટે જોયેલા કેટલાય સપનાના શ્વાસ જાણે હંમેશા માટે થંભી ગયા. છેલ્લે ડોક્ટરે કહ્યું, "શિવમ બહુ જીવશે નહીં! તે છતાં અમે એને બચાવવા માટે બધાં જ પ્રયત્નો કરીશું." બધું જ માત્ર પલકવારમાં જ સમેટાઈ ગયું હતું.
શિવમ મિકેનિકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ. શિવમ ભણવામાં પણ હોશિયાર, ક્રિએટિવ માઈન્ડેડ પર્સન! તેનું એક સારા એન્જીનિયર બનવાનું સપનું હતું. આ સિવાય શિવમને કુકિંગ અને રિડીંગનો પણ જબરદસ્ત શોખ હતો. થોડાં દિવસ પહેલા જ શિવમની છેલ્લા વર્ષની સેકન્ડ સેમેસ્ટરની ફાઈનલ એક્ઝામ ચાલુ થઈ હતી. બસ, આ એક્ઝામ પૂરી થાય તેની રાહ તે જોતો હતો. તેને એક જબરદસ્ત આઈડિયા આવ્યો હતો પણ એક્ઝામની તૈયારીઓને કારણે તેણે આઈડિયા પર કામ ચાલુ નહોતું કર્યું. બસ, હવે માત્ર એક જ પેપર બાકી રહી ગયું હતું. પછી તે પોતાના સપનાને સાકાર કરવા એક નવી ઊડાન ભરવા જઈ રહ્યો હતો. તે કંઈક અલગ જ કરવાની તૈયારીમાં હતો.
છેલ્લું પેપર ખૂબ જ અઘરું હશે એવું શિવમે ધારી લીધેલું કારણ કે તે જાણતો હતો કે એ સબજેક્ટની પ્રિપેરેશન માટે બહુ જ મહેનત કરવી પડશે. શિવમને ધાર્યું પરિણામ લાવવું જ હતું એટલે તે દિવસ-રાત જાગી એ સબ્જેક્ટ પાછળ મહેનત કરતો હતો. જનરલી શિવમને દિવસ કરતાં રાત્રે વાંચવાની મજા આવતી. કારણ કે રાત્રે એકદમ શાંત વાતાવરણ હોય એટલે વાંચવામાં તકલીફ ના પડે. વળી, એના વિચારો પ્રમાણે રાત્રે વાંચેલું દિવસે વાંચ્યા કરતાં વધારે ઝડપથી યાદ રહી જાય. છેલ્લા પેપરની આગળ બે દિવસની રજા હતી. શિવમે પહેલાં દિવસે અને રાત્રે જાગીને અડધી પ્રિપેરેશન પૂરી કરી દીધી હતી. એટલે લગભગ અડધો ભાર ઓછો થઈ ગયો હતો. બીજા દિવસે પણ સવારથી માંડીને રાત સુધી શિવમે બહુ મહેનત કરી. બે દિવસની સતત એકધારી મહેનત કરતાં કરતાં શિવમ થોડો થાક અનુભવ્યો અને એણે રાત્રે નાનો બ્રેક લેવાનું વિચાર્યું. એણે ફ્રેશ થવા માટે બે કલાકનો નાનો બ્રેક લીધો હતો.
શિવમને ચાલતા ચાલતા ગીતો સાંભળવા ખૂબ જ ગમતા હતા. તેનાથી તેને સ્ફુર્તિ અને તાજગી અનુભવાતી હતી. મગજ એકદમ રિલેક્સ થઈ જતું. બધો જ થાક ઊતરી જતો. તે પોતાની ટેવ પ્રમાણે ટેરેસ પર ચાલતા ચાલતા કાનમાં હેન્ડ્સ-ફ્રિ ભરાવીને મનપસંદ જૂનાં ગીતો સાંભળતો હતો. આ દરમિયાન તેણે એકાદ કલાક જેવું ચાલ્યું પછી થોડો રેસ્ટ લેવા માટે ટેરેસના એક ખૂણે મૂકેલા ખાટલા પર બેઠો. તે સતત આકાશ સામે એક જ નજરે જોઈ રહ્યો હતો. તે કંઈક વિચારતો હોય એવું એની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું. તેની આંખોમાં જાણે સપનાનો દરિયો ઉછાળો મારતો હોય એવું લાગતું હતું. ઘણો ટાઈમ થઈ ગયો હતો. હંમેશની ટેવ મુજબ છેલ્લું ગીત તેણે સાંભળ્યું. તે હંમેશા છેલ્લે અરિજિતના અવાજમાં ફરીદા ખાનમજીએ ગાયેલી નઝમ 'આજ જાને કિ જીદ્દ ના કરો' સાંભળતો અને પછી જ આગળનું કામ ચાલુ કરતો હતો. છેલ્લી નઝમ સાંભળી તે પાછો પોતાના રૂમમાં વાંચવા માટે ચાલ્યો ગયો હતો.
વાંચતા વાંચતા સમય ક્યારે પસાર થઈ ગયો તેની ખબર જ ના પડી. અચાનક રાત્રે બે વાગ્યાની આસપાસ શિવમને માથામાં દુખાવો ઊપડ્યો. શરૂઆતમાં તેણે દુખાવા તરફ ધ્યાન જ ના આપ્યું. તે રૂમની બાલકનીમાં જઈને ઊભો રહ્યો. ઠંડો પવન આવતો હતો. તે થોડીવાર ત્યાં જ ઊભો રહ્યો. ધીમે ધીમે દુખાવો વધતો ગયો. તે છતાં શિવમે તેની ચિંતા કરી નહીં. આખરે દુખાવો એટલો અસહ્ય બન્યો કે હવે તે દુખાવો શિવમ સહન કરી શક્યો નહીં. શિવમે એમ વિચાર્યું કે કદાચ સતત બે દિવસ-રાત્રે જાગવાથી આમ થયું હશે. તે રાત્રે અઢી વાગ્યાની આસપાસ બધું સમેટીને સૂઈ ગયો.
બીજા દિવસે સવારે આઠ વાગતા શિવમની મમ્મી સંગીતાબેને શિવમને બૂમ પાડી કે, "શિવમ! બેટા નીચે આવીને ચા-નાસ્તો કરી લે." શિવમ અડધો કલાક સુધી આવ્યો નહીં. સંગીતાબેને વિચાર્યું કે, "હશે, વાંચવાનું બાકી છે એટલે એ નહીં આવે." આમ કરતા કરતા સાડા દસ વાગી ગયાં તે છતાં શિવમ નીચે આવ્યો નહીં. કોલેજમાં પેપર આપવા પણ જવાનું હતું એટલે સંગીતાબેનને શિવમની ચિંતા થવા લાગી. તેમણે શિવમના પપ્પાને આખી વાત જણાવી.
શિવમના પપ્પા અને મમ્મી ઉપર શિવમના રૂમ પાસે ગયાં. શિવમને ઘણી બૂમો પાડી, દરવાજો જોર જોરથી ખખડાવ્યો તે છતાં શિવમે દરવાજો ના ખોલ્યો. આખરે શિવમના પપ્પાએ દરવાજો તોડી નાખ્યો અને જે દ્રશ્ય જોયું એ જોઈ તેઓ કંપી ઉઠ્યા. સંગીતાબેનની આંખોમાંથી તો આંસુઓની ધારા વહેતી થઈ ગઈ. શિવમને જાણે કંઈક થઈ ગયું હોય તેમ બેભાન જેવી હાલતમાં તે અડધો બેડ પર અને અડધો નીચે એમ લટકતો પડ્યો હતો. નાકમાંથી લોહી નીકળીને જામી ગયું હતું. ત્યાંનું ચિત્ર જોયાં પછી એવું લાગતું હતું કે આ આખી ઘટનાને ઘણો સમય થઈ ગયો છે. શિવમને જોઈને એવો ખ્યાલ પણ આવતો હતો કે તેણે બારણા સુધી પહોંચવાનો પૂરેપૂ્રી કોશિશ કરી પણ તે પહોંચી શક્યો નહીં. નીચે પડેલી પાણીની બોટલ પણ પડી ગઈ હતી. બેડ પર પાથરેલી ચાદર પણ અસ્તવ્યસ્ત હતી. બધું એટલું ફાસ્ટ થઈ ગયું હશે કે તે ચીસ પણ નહીં પાડી શક્યો હોય અને તરફડિયા મારતો રહી ગયો હશે. કોઈએ ક્યારેય સ્વપ્નમાં પણ ક્યારેય વિચાર્યું નહીં હોય કે આવું થશે!
ફટાફટ શિવમના પપ્પાએ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી લીધી અને શિવમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. ડોક્ટરે ફટાફટ શિવમને ઈમરજન્સી ઑપરેશન થિએટરમાં લઈ જઈ ઑપરેશન સ્ટાર્ટ કર્યું. થોડાં સમય પછી ઑપરેશન થિયેટરની લાઈટ બંધ થઈ અને ડૉક્ટર બહાર આવ્યા. સંગીતાબેન અને શિવમના પપ્પા દોડીને ડૉક્ટર પાસે ગયા. ડોક્ટરે કહ્યું, "શિવમને લાવવામાં ઘણું મોડું થઈ ગયું છે. એને રાત્રે ત્રણ વાગતાની આસપાસ બે નાના બ્રેઈન સ્ટ્રોક આવ્યા છે! એની મગજની અમુક નસો બંધ થઈ ગઈ છે. અમે અમારી તરફથી પૂરેપૂરી કોશિશ કરીએ છીએ કે શિવમને જલ્દી હોશ આવી જાય." જાણે બધું જ હંમેશા માટે ત્યાં જ થંભી ગયું હોય તેમ તેનાં માતા-પિતા ક્ષણભર માટે કંઈ જ બોલી શક્યા નહીં. તેઓ બસ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં કે શિવમ જલ્દી સાજો થઈ જાય.
શિવમનાં ઓપરેશનને ત્રણ દિવસ થઈ ગયાં હતા પણ તે છતાં શિવમે હજી આંખો ખોલી નહોતી. શિવમની મમ્મી, 'મારો દિકરો આજે આંખો ખોલશે' એ બહાને દરરોજ બંને ટાઈમ ગરમાગરમ જમવાનું બનાવીને હોસ્પિટલમાં લઈ જઈ શિવમના બેડ પાસે બેસી રહેતી અને તેની જાગવાની રાહ જોતી હતી. તેઓ દરરોજ શિવમને કાનમાં હેન્ડ્સ-ફ્રિ ભરાવીને તેની ગમતી નઝમ 'આજ જાને કિ જીદ્દ ના કરો' પણ સંભળાવતા. આ નઝ્મના લીધે જ જાણે શિવમના શ્વાસ હજી થોડાં થોડાં ચાલતા હોય એમ લાગતું હતું. સંગીતાબેન હજી પણ શિવમ આંખો ખોલશે એવી આશા સાથે ત્યાં જ બેઠા છે. આ વાતને છ મહિના વીતી ગયાં છે પણ શિવમે હજી સુધી આંખો ખોલી નથી. પોતાના વ્હાલસોયાના માથામાં પર હાથ ફેરવી એને રોજ વ્હાલ કરતાં તેના માતા-પિતાએ હજી હિંમત હારી નથી. એમની શિવમ જાગશે એ આશા અકબંધ છે. આખરે શિવમનું સારા એન્જિનિયર બનવાનું સપનું અધૂરું જ રહી ગયું. તે છેલ્લું પેપર આપી જ ના શક્યો!
***