શાંતિની સોડ - ડૉ. સ્મિતા ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાંતિની સોડ - ડૉ. સ્મિતા ત્રિવેદી

૧. ‘હું છું’ અને ‘હું નથી’

‘હું છું’ અને ‘હું નથી’

આ બંને ભલે વિરોધી ભાસે, પણ

આ બંને એક સાથે

સતત અનુભવાય

અને જે કંઇ થાય તે

અહેસાસને

હરપળ જીવું છું.

‘બધું જ છે’ અને છતાં ‘કશું જ નથી’

બધાં જ નજીક છે છતાં છે કેટલા દૂર!

અને કોઇક છે બહુ જ દૂર છતાં પાસથી ય પાસ!

‘હું છું’ અને ‘હું નથી’.

આ ‘મારું’ આ ‘તારું’

છે બસ ઘડીભરનું ચલકચલાણું,

માન્યતાઓ કઇ વળી,

બસ બધી છે ભ્રમણાઓ!

‘હું’, ‘તું’,’તે’ અને ‘તેઓ’ પણ,

‘હું છું’ અને ‘હું નથી’

૨. જન્મ – મૃત્યુ.

મારા જ મૃત્યુમાં વિસ્તરતો મારો જન્મ,

અને

મારા જ જન્મમાં વિસ્તરતું મારું મૃત્યુ.

જન્મ અને મૃત્યુ એક્બીજાના પર્યાય,

આ જ સત્ય છે.

આખરી સત્ય.

આ સત્ય

સમજાતાં

કેટકેટલા જન્મો પસાર થઇ ગયા.

પણ

જીવાય તો અસત્ય જ છે ને!

મન,

ક્યાં ક્યાં ભટકે?

ક્યાં ક્યાં લટકે?

ક્યાં ક્યાં ચટકે?

બસ

વાસનાઓમાં જ ભડકે?

હવે,

મુક્તિ માટે કેટલા જન્મો રાહ જોવી પડશે!

૩. હું પણ…

હું કૃષ્ણની વાંસળીના લહેરાતા સૂર,

અને પરશુરામના ખડગ પરની તીખી ધાર.

હું જ મૉરનો કેકારવ અને

હું જ દેડકાઓનું ડ્રાઉં ડ્રાઉં પણ.

ખાલીખમ વાસણોનું ખાલીપણું હું,

અને સ્તનમાંથી છલકાતું માતૃત્વ પણ.

ભીડોમાં ડોકાતી એકલતા પણ હું,

અને એકલતામાં પડઘાતી ભીડ પણ.

આંખોમાં ઘૂઘવતો દરિયો પણ હું,

ને વેરાન હ્રદયના રણોની તપ્તી આગ પણ.

હું જ મીરાં, બુધ્ધ ને મહંમદ,

અને દુર્યોધન, દુઃશાસન અને મંથરા પણ.

અનંત વિસ્તરતું આકાશ પણ હું,

અને કણ કણમાં વ્યાપ્ત વિસ્ફોટક ઊર્જા પણ.

હું જ મારું પ્રગટતું જ્ઞાન,

અને પ્રગાઢ, પ્રચ્છન્ન અજ્ઞાન પણ.

૪. પ્યારું પ્યારું

આ પળ લાગે ખોટું,

પેલી પળ લાગે સાચું,

આ જ મારી અનંત હસ્તી,

અને તો ય આ રહસ્ય લાગે પ્યારું પ્યારું

મારું ખાલીપણું વાગે ઘણું

ભારેપણું લાગે ખાટું ખાટું

આ અણઘડતાની માયા મસ્તી,

અને તો ય આ રહસ્ય લાગે પ્યારું પ્યારું

મુર્ખામી પર હાસ્ય વારું

આંસુમાં વહે ખારું ખારું,

ઘડી ઘડીની આ ચડતી પડતી,

અને તો ય આ રહસ્ય લાગે પ્યારું પ્યારું

મારો અવાજ શાને સાટું

બધાં કહે એ સારું સારું

ભલે ને સડે ચારેકોર પસ્તી,

અને તો ય આ રહસ્ય લાગે પ્યારું પ્યારું

સઘળું ય છે તારું

શેને કહું હું મારું,

ભલે ને લાગે સમજ સાવ સસ્તી,

અને તો ય આ રહસ્ય લાગે પ્યારું પ્યારું

કશું ય નથી પરભારું,

ઘણું ય લાગે અકારું,

ચારે કોર સપનાંઓની વણઝાર વસ્તી,

અને તો ય આ રહસ્ય લાગે પ્યારું પ્યારું

વહાણ ક્યાં લંગારું,

ડૂબું ગમે એટલું ધારું,

પાર ના લગાવે એકે ય કશ્તી,

અને તો ય આ રહસ્ય લાગે પ્યારું પ્યારું

અસત્યનું છાપરું,

સત્યના સાવ ગભરુ,

વારે વારે લેવાય જાણે જડતી,

અને તો ય આ રહસ્ય લાગે પ્યારું પ્યારું

૫. શાંતિની સોડ.

આ કેવી આંધળી દોડ છે?

બેડીઓમાં જામેલી ખોડ છે.

તથ્યોની આંટીઘૂંટીમાં ફસાઇને,

જાણ્યું, સત્યનો આ તોડ છે.

સર્વ સંબંધોમાં ભાસે તડજોડ,

સ્વનું અનુસંધાન જ બેજોડ છે.

પ્રશ્નો સર્વત્ર ખરી પડે જ્યાં,

એક જ જવાબ જડબાતોડ છે.

ભીતરનો ખજાનો લખલૂટ છે,

નથી જાણ્યુ, તેની માથાફોડ છે.

બધા જ આવરણો ખરી જાય પછી,

શૂન્ય દશાને ક્યાં કોઇ કોડ છે?

રસ્તા લઇ જાય મંજિલ સુધી,

પહોંચ્યા પછી જ સાચો મોડ છે.

ખુલ્લી આંખોમાં સળવળે સપનાં,

બંધ આંખોમાં જ શાંતિની સોડ છે.

દિવસ અને રાત્રિ મળે છે જ્યાં,

એ ક્ષણે જ અનંતની સોડ છે.

ગહન અંધકારને ભેદતો અંકુર,

પ્રકાશમાં જ પાંગરતો છોડ છે.

૬. પ્રવેશતી જાઉં છું

હું મારાથી પળપળ છૂટતી જાઉં છું,

મહામૃત્યુમાં સતત પ્રવેશતી જાઉં છું.

અંતિમ પડાવની ભલે ના હો ખબર,

પ્રત્યેક કદમના ઠહેરાવમાં પ્રવેશતી જાઉં છું.

બધાં જ પડદાઓ ઊંચકાઇ ગયા પછી,

અનાવૃત્ત અંદર જ પ્રવેશતી જાઉં છું.

પરીઘ પરના ટોળાઓ વિખરાયા પછી,

શૂન્યના કેન્દ્રમાં જ પ્રવેશતી જાઉં છું.

અનંત સમય અને વિરાટ અવકાશ,

પળેપળ કણમાં જ પ્રવેશતી જાઉં છું.

કઠપૂતળીઓ સાથે કઠપૂતળીઓના દાવ,

દોરીસંચારના છેડે પ્રવેશતી જાઉં છું.