સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ, સૌરાષ્ટ્ર એટલે વિરભૂમી, જ્યાં ભૂચર મોરીના યુદ્ધમાં હજારો ક્ષત્રિયોએ પોતાના ક્ષાત્રધર્મ ખાતર શહીદી વ્હોરી હતી, સૌરાષ્ટ્ર એટલે ગરજતાં સાવજોની ભૂમિ, સૌરાષ્ટ્ર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ અને આજ સૌરાષ્ટ્રમાં આવેલો રાજકોટ જિલ્લો જે પોતાની જાહોજલાલી માટે પ્રખ્યાત છે. આ જ રાજકોટ જિલ્લો પોતાની અંદર સમૃદ્ધ ઇતિહાસ સમાવીને બેઠો છે. આ જ રાજકોટ જિલ્લામાં સંત શિરોમણી જલારામ બાપાનું વીરપુર ધામ આવેલું છે. રાજકોટના પેંડા ખુબ જ પ્રખ્યાત છે અને આ જ રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકામાં આવેલું એક નાનકડું લાલાવદર ગામ એટલે કિરણ પ્રજાપતિનું ગામ. આ જ કિરણ પ્રજાપતિ આજે રાજકોટના પેંડા કરતાં પણ મીઠાં સ્વરમાં પોતાની ગાયકીના સૂર રેલાવી રહ્યાં છે અને અનેક લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે.
તમે ગુજરાતના ઘણાં કલાકારો અને ગાયકોના નામ સાંભળ્યાં હશે, પણ આજે એક એવા ઉગતાં સિતારા ( Rising Star ) સાથે બધાને પરિચય કરાવવો છે જે આવનારા સમયમાં કલાના આકાશમાં ધ્રુવના તારાની માફક ચમકવા માટે તૈયાર છે.રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના જાણીતા ગાયક કલાકાર એટલે કિરણ પ્રજાપતિ. કિરણ પ્રજાપતિ એટલે સૂર, સાદગી અને સંઘર્ષનો ત્રિવેણી સંગમ, કિરણ પ્રજાપતિ એટલે કાળની કારમી થપાટો ઝીલીને પોતાની સાથે પોતાના પરિવારને પણ ઘોર અંધકારમાંથી બહાર લાવનાર સ્ત્રી સશક્તિકરણની સાક્ષાત મૂર્તિ, પથ્થરોને તોડીને પોતાનો રસ્તો જાતે બનાવી ઊગી નીકળનાર એક વટવૃક્ષ, જે આજે પોતાની સાથે સમાજને પણ શિતળતા પ્રદાન કરે છે.
કવિ શ્રી ' શૂન્ય ' પાલનપુરીના શબ્દોમાં કહીએ તો " જેમણે વેઠ્યો નથી અંધકાર કાળી રાતનો, એ કદી સૂરજના હૈયામાં વસી શકતાં નથી." કિરણબેનની સંઘર્ષગાથા પણ કંઇક આવી જ છે. અત્યંત ગરીબ પરિવારમાં ૨૭ જુલાઈ, ૧૯૯૨માં જન્મેલા કિરણ પ્રજાપતિના પિતા નાનજીભાઈ ટપુભાઈ પ્રજાપતિ સુરતમાં માસિક ૫૦૦૦ રૂપિયાના ધોરણે હીરાના કારખાનામાં કામ કરતા હતા. ઓછા રૂપિયામાં પરિવારનું ભરણપોષણ દુષ્કર લાગતાં પોતાના જ ગામ લાલાવદરમાં કરિયાણાંની દુકાન શરૂ કરી. દેશી નળીયાંવાળા જર્જરિત મકાનમાં કિરણબેનની સાથે તેમના પિતા નાનજીભાઈ, માતા મંગુબેન, મોટાં બહેન હિરલબેન, બે નાના ભાઈઓ દીપક અને સંજય તથા તેમના સુરદાસ ( અંધ ) દાદાશ્રી ટપુભાઈ રહેતાં હતાં.કિરણબેનને ગાયકી વારસામાં મળી હતી. તેમના પિતા તેમજ દાદા પણ ભજન ગાવાનો શોખ ધરાવતાં હતાં.પીપળી ધામ, રામદેવજી મહારાજની જગ્યાના સંત સવારામ બાપા લાલાવદર મુકામે જ્યારે પણ પધારતા, તેઓ કિરણબેનના ઘરે અચૂક આવતા. કિરણબેનના દાદા અને સંત સવારામ બાપા વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી. બંને મિત્રોના મળતાં જ આખા પંથકમાં ભક્તિની સુવાસ ફેલાઈ જતી. બંને મિત્રો મળતાની સાથે જ ભજન, ભક્તિમાં ઓતપ્રોત થઈ જતાં.તંતુ વાદ્ય રામસાગરના તાર જ્યારે પણ સવારામ બાપા અને ટપુદાદા વડે છંછેડાતા ત્યારે સૂર અને તાલની એવી તો રંગત જામતી કે લોકો મંત્રમુગ્ધ બની જતાં. આજે પણ કિરણબેન દ્વારા એ રામસાગર સાચવી રખાયો છે.
બાળપણમાં સવારામ બાપા અને ટપુદાદા દ્વારા ગવાયેલા ભજનોની કિરણબેનના મન પર એવી અદભૂત અસર થઈ હતી કે ગીત સંગીતના બીજ તો બાળપણમાં જ તેમના અંતરપટ પર રોપાઈ ગયા હતા..ધીમે ધીમે એ બીજનું છોડમાં રૂપાંતરણ થતું ગયું અને કિરણબેન ગાયકી તરફ વધુને વધુ આકર્ષાવા લાગ્યાં. તેઓ ઘરે ભજન ગાવા લાગ્યાં. એક દિવસ તેમના પિતાના મિત્રે તેમની ગાયકીથી ભાવવિભોર થઈને તેના પિતાને કહ્યું કે , " આ છોકરી એક દિવસ ખુબ મોટી ગાયક કલાકાર બનશે," પરંતુ એ સમયે તેમના પિતાને એ માન્યામાં જ ન’ તું આવતું અને તેઓ હસી કાઢતાં. તેમની ગાયકી હવે ઘરનો ઉંબરો વટાવી ચૂકી હતી અને ગામમાં જ્યાં પણ ભજનસંધ્યા કે કોઈ પણ પ્રોગ્રામ હોય તો ત્યાં કિરણબેન તેમાં અચૂક ભાગ લેતા. શરૂઆતમાં ગામના ચોરે તેઓ ગાવા જતાં. ત્યારબાદ તેમના ગામની બાજુના ગામમાં એક કાર્યક્રમમાં તેમને આમંત્રણ મળ્યું અને તેઓ ગાવા ગયાં. લોકો તેમના મધુર સ્વરથી ખુબ જ પ્રભાવિત થયાં અને તેમને ૫૦ રૂપિયા મળ્યાં. આ તેમના માટે પ્રથમ કમાણી હતી જેની કિંમત ખુબ જ વધારે હતી. હવે તેમની ગાયકી ગામના સીમાડાં વટાવી ચૂકી હતી અને ચોતરફ તેમની ગાયકીના વખાણ થવા લાગ્યાં હતાં. વર્ષ ૨૦૧૦ માં કિરણબેનને પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ ગામની નજીકમાં આવેલા પ્રખ્યાત મંદિર કે જે સતરંગ રામદેવપીરની જગ્યા છે ત્યાં હરિરામબાપાનાં સાનિધ્યમાં મળ્યો હતો. આમંત્રણ મળતાં જ કિરણબેન તેમના પિતા સાથે ત્યાં ગયાં અને ત્યાં પણ પોતાનાં સૂર રેલાવ્યા. ભજનસંધ્યામાં હાર્મોનિયમ પર જેમ જેમ તેઓ પોતાની આંગળીઓના ટેરવાં ફેરવતાં તેમ તેમ તેમના મધુર કંઠમાંથી સૂરધોધ જાણે વહેવા લાગ્યો. આજે પણ સૌરાષ્ટ્રમાં કલાકારો પર રૂપિયા ઉડાડવામાં આવે છે જેને ગૌર કહેવાય છે. તે સમયે તેમને પણ ગૌર મળ્યો. જ્યારે બંને પિતા અને દીકરી ઘરે આવ્યાં, તો ગૌરના રૂપિયા ગણવા માંડ્યા. જે ૫૦૦ રૂપિયા જેટલા હતાં. બંનેના માન્યામાં ન’ તું આવતું કે ભૂલ તો નથી પડતી ને ! ફરીથી ગણીએ. પણ એ રૂપિયા ગણી ગણીને તે બંનેની આંખોમાં હર્ષનાં આંસું સમાતાં ન હતાં.રૂપિયા તો ફક્ત ૫૦૦ જ હતાં પણ એનો આનંદ કેવો હોય એતો એ જ સમજી શકે જેણે ક્યારેક પોતાનો સમય એક ટાણું કરીને કાઢ્યો હોય. હા ! કિરણબેનના પરિવારે એવો પણ સમય જોયો છે જ્યારે તેઓ બસ એક જ ટાણું કરીને રહેતાં અને એક ટાણું ચણા કે મમરાં ખાઈને મન મનાવી લેતા. પેટ પણ ખાલી અને તન પર સારા કપડાં પણ ન હતાં.. જ્યારે પણ કોઈ જગ્યા એ ગાવા જવાનું થતું તો કિરણબેન પાસે સારા કપડાં અને સ્ત્રીનો સારો શણગાર પણ ન હોવાથી સ્ટેજ પર જતાં મુંઝાતા હતા.તેઓ ગામમાં બીજી છોકરીઓ પાસે હાથ લંબાવતા અને કહેતા કે, " તારા કપડાં થોડી વાર પહેરવાં આપને ! મારે સ્ટેજ પર ગાવા જવાનું છે." વિચારીને જ કંપારી છૂટી જાય એવી ગરીબી એમના પરિવારે જોઈ હતી. પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે કિરણબેન સિવણનું કામ પણ કરતાં અને બ્યુટી પાર્લરનું કામ પણ શીખવા જતાં. જસદણમાં આવેલા ' દુલ્હન બ્યુટી પાર્લર ' ના મીનાબેન કમલેશભાઈ ગોરવાડિયાએ તેમને પ્રેમ અને હૂંફ તો આપી જ, સાથે સાથે બ્યુટી પાર્લરનું કામ પણ શીખવાડ્યું.પરંતુ કામ શીખ્યા પછી ધંધો કરવા માટે પૂરતા પૈસાનો પણ અભાવ હતો તેથી પોતાનું બ્યુટી પાર્લર ખોલવાનો વિચાર તેમને પડતો મુકવો પડ્યો હતો. કુદરતને હજુ પણ કિરણબેનની પરિક્ષા કરવી હતી. તેમના પિતા નાનજી ભાઈનું ૯ જુન, ૨૦૧૦ માં એક અકસ્માતમાં દુઃખદ અવસાન થયું. પરિવારનો મુખ્ય સ્તંભ એટલે પિતા. પિતાના અકાળે દેહાવસાન બાદ પોતાના પરિવારને તૂટતો બચાવવા નાનકડાં એવાં કિરણબેને પરિવારની સઘળી જવાબદારી પોતાનાં મહત્વકાંક્ષી ખભા પર ઉપાડી લીધી.
કવિ લલિતની એક ખુબ સુંદર પંક્તિ છે. " વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપત ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. " કિરણબેને પણ જ્યારે જ્યારે તેમની પર વિપત્તિ આવી ત્યારે ત્યારે વલખાં મારવાની જગ્યાએ મહેનત પર ધ્યાન આપ્યું. તેમને પોતાનું બધું ધ્યાન ગાયકીમાં આપ્યું અને પોતાની આ કલાને નિખારવામાં સખત મહેનત કરી.અત્યંત દુઃખ વેઠ્યા પછી કુદરતની કસોટીમાં પાર ઉતર્યાં. અહીં એક વાત કહેવી પડે કે કિરણબેનનો પરિવાર ભક્તિ સાથે સંકળાયેલો હોવાથી એમના દાદાની આજ્ઞા હતી કે સંતવાણી કરજે. તેથી તેમણે પોતાની ગાયકીની શરૂઆત સંતવાણીથી જ કરી હતી અને તેઓ અલગ અલગ કાર્યક્રમમાં સંતવાણી ગાતાં. જેના બોલ હતા - " ગુરુ તારો પાર ના પાયો ". આવા તો અનેક ભકિતગીતો, ભજન, ગઝલ લોકગીત તથા લગ્નગીતો તેમના મધુર કંઠે ગવાયેલાં છે. અનેક નાના મોટા કાર્યક્રમો કર્યાં અને અનેક મંદિરોમાં તેમણે પોતાની કલાનો મધુર રસ પીરસ્યો. છેવટે એક આશાનું કિરણ તેમના જીવનમાં આવ્યું. તેમનો એક કાર્યક્રમ રાજપરા મુકામે ગોઠવાયો જ્યાં તેમણે કવિશ્રી સંતરામ દેશાણીની સામે પોતાની ગાયકી પેશ કરી. કવિશ્રી સંતરામ દેશાણી તેમના મધુર સ્વરથી એટલા અભિભૂત થઈ ગયા કે તેમણે કિરણબેનને કેસેટમાં કામ કરવા કહ્યું. કવિશ્રી સંતરામ દેશાણીએ તેમના દ્વારા લખાયેલાં ભજનોની એક કેસેટ કિરણબેનને લઈને બનાવડાવી, જેમાં કિરણબેને પોતાનો સ્વર આપ્યો.
કેસેટ સફળ રહેતાં કવિશ્રી સંતરામ દેશાણીએ તેમને અશોક સાઉન્ડ કંપનીનો પરિચય કરાવ્યો. જે કંપની દ્વારા ' ચામુંડામાની સિંહે સવારી ' નામનું ગીત રજૂ થયું અને તેમાં પણ કિરણબેનને પોતાનો સુમધુર સ્વર આપવાની તક મળી. અશોક સાઉન્ડ, રાજકોટના સવજીભાઈ સતાણી અને ઓધવજીભાઈ સતાણી પણ તેમના કોકિલકંઠથી પ્રભાવિત થયા અને તેમણે એક અલગ જ પ્રસ્તુતિ ખાસ કિરણબેન માટે રજુ કરાવી અને તે પ્રસ્તુતિ એટલે ' ગોવાલણ ' . જેના ગીતકાર હતા કવિમાન અને અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનું સંગીત આપનાર સુપ્રસિદ્ધ મનોજ - વિમલએ તેમાં સંગીત આપીને તે આલ્બમની શોભામાં વધારો કર્યો હતો. મનોજ-વિમલે કિરણબેનના મોટાભગનાં ગીતોમાં સંગીત આપેલું છે. ગોવાલણ થકી કિરણબેનનું નામ ચોમેર પંથકમાં ફેલાઈ ગયું. હવે એમની કીર્તિ અત્ર, તત્ર, સર્વત્ર ફેલાઈ ચૂકી હતી. ગોવાલણ એ કિરણબેનનો સૌપ્રથમ આલ્બમ હતો. ત્યાર બાદ અશોક સાઉન્ડ દ્વારા જ ‘ ડિ.જે.ના તાલે ‘ ગીત આવ્યું અને તેને પણ અપાર સફળતા પ્રાપ્ત થઈ. કિરણબેન દ્વારા ગવાયેલું પ્રથમ લગ્નગીત ‘ સુરત શહેરનું સોનું ‘ , જે ચોટિલા કાર્યક્રમમાં ગાવામાં આવેલ હતું અને તે પણ અશોક સાઉન્ડ દ્વારા જ રજુ થયેલ હતું. આ લગ્નગીત પણ કિરણબેનની કારકિર્દીમાં યશકલગીરૂપ સાબિત થયું. ત્યાર બાદ પણ તેમણે અઢળક ગીતો અશોક સાઉન્ડ સાથે મળીને કર્યાં અને સફળતાની શિખરે બિરાજ્યાં. તેમનાં દ્વારા ગવાયેલા પ્રસિદ્ધ ગીતોમાં “ વીજળીના ચમકારે મોતીડાં પરોવું પાનબાઈ, લક્ષ્મણ ઘડીક ઊભા રહો, સુરત શહેરનું સોનું, રામદેવ રણુંજાવાળા, ભોલેનાથ તાંડવ નાચે, આંખ મારી ઊઘડે ત્યાં સીતારામ દેખું, આવી રૂડી આંબલીયાની ડાળ “ વગેરે જેવા અનેક સુપ્રસિદ્ધ લગ્નગીતો, ભજનો તથા ગઝલો સામેલ છે. તેમના દ્વારા ગવાયેલાં ગીતોની યાદી તો ઘણી લાંબી છે એટલું જ સમજી લો કે તેમને પ્રસિદ્ધિ અપાવનાર ગોવાલણ ગીત પહેલાં તેઓ ૫૦ થી પણ વધારે કેસેટો અને ૮૦૦ થી પણ વધું ગીતોમાં પોતાનો સ્વર આપી ચૂક્યા હતા.
કિરણબેનને દુધરેજ વડવાળા જગ્યામાં સૌપ્રથમ સ્ટેજ સુધી લઈ જનાર ઝાલાવાડના પ્રસિદ્ધ ગાયક સુરેશભાઈ રબારી હતા. કિરણબેનને વડવાળા જગ્યામાં પ્રોગ્રામ અપાવનાર તથા માલધારી સમાજમાં તેમની ઓળખાણ કરાવી, માલધારી સમાજનો ટેકો અપાવનાર પણ સુરેશભાઈ રબારી જ હતા. આંબલા ગામના દાસબાબુએ કિરણબેનને પોતાના દ્વારા લખાયેલા ગીતોની કેસેટમાં કામ આપ્યું અને તેમની પાસે બાળ અવાજે ' કાન કુંવરિયો ' ગીત ગવડાવ્યું. જેનું રેકોર્ડિંગ રોકી જેસિંગના સ્કાઈલર્ક સ્ટુડિયોમાં થયું અને તેમાં સંગીત આપ્યું હતું શૈલેષ ઉત્પલ. હાલ તેઓ છેલ્લા પાંચ વર્ષથી મુકેશભાઈના યશ સ્ટુડિયોમાં રેકોર્ડીગ કરે છે. હાલમાં તેમના ગીતકાર કિરિટભાઈ અગ્રવાત છે. આ ઉપરાંત કિરણબેને સંગીતા સ્ટુડિયો અને હાર્મની સ્ટુડિયો, રાજકોટમાં પણ પોતાનાં અનેક ગીતોના રેકોર્ડીગ કરેલાં છે. કિરણબેનનું સૌથી વધું પ્રસિદ્ધિ મેળવનારું ગીત ‘ હાલો વનરાંવનની વાટે ‘ હતું કે જેણે તેમની સિદ્ધિમાં ખુબ જ વૃદ્ધિ કરી હતી. કિરણબેન આજે તેમની સફળતાનો શ્રેય કવિશ્રી સંતરામ દેશાણી, સવજીભાઈ સતાણી, ઓધવજીભાઈ સતાણી, દાસબાબુ, કવિમાન, મનોજ-વિમલ, સુરેશભાઈ રબારી, શૈલેષ ઉત્પલ, પોતાના ગુરૂ એવા રોકી જેસિંગ જેવા અનેક મહાનુભાવો અને પોતાના પરિવારને આપે છે.
કિરણબેનને તેમના પરિવારે દરેક પરિસ્થિતિમાં ખુબ જ સહકાર આપ્યો. જ્યારે તેઓ ગાવા જતાં હતાં ત્યારે તેમના દાદા તેમને સ્ટેજ પર ઈશારા વડે સૂચન આપતા હતા કે ગાતી વખતે ક્યાં ઊભું રહેવું, ક્યાંથી ઉપાડ કરવો વગેરે વગેરે. તેમના બેન હિરલબેન પણ તેમની જેમ ખુબ પ્રતિભાશાળી છે. તેઓ પણ તમને સલાહ સૂચન આપતાં રહે છે અને સાથે સાથે સુમધુર ભજનો પણ ગાય છે. તેઓ પણ ઘણી વાર કિરણબેન સાથે સ્ટેજ શેયર કરતાં જોવા મળે છે અને જ્યારે પણ બંને બહેનો સાથે મળીને ગાવાનું શરૂ કરે ત્યારે લોકોના પગ તેમના કાબૂમાં નથી રહેતાં અને નાચવા માટે મજબૂર બની જાય છે. હિરલબેન સારા ગીતકાર પણ છે. ' વાલીડાની મૂર્તિ, ભોળાનાથનું ડમરું, આવો આવો સુંદર શ્રી ઘનશ્યામ ' વગેરે જેવાં અદભૂત ગીતોની તેમણે રચના કરી હતી, જેમાં કિરણબેને પોતાનો સ્વર આપ્યો હતો. વાહ ! કેટલી અદભૂત જુગલબંધી. ‘ વાલીડાની મૂર્તિ ‘ જે સ્વામીનારાયણ સંપ્રદાયની એક કેસેટ હતી, જે કારીયાણી અને ગઢપુર ગામથી રીલીઝ થઈ હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોના શુભ હસ્તકમળ થકી તેમની કેસેટ રીલીઝ કરવામાં આવી હતી જે કિરણબેનના જીવનનો અનેરો ઉત્સાહ સાથેનો યાદગાર દિવસ છે. ‘ વાલીડાની મૂર્તિની ભવ્ય સફળતા બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના જુનાગઢના ભક્તિસ્વામીજી એ કિરણબેન પાસે અનેક ભક્તિગીતો અને કીર્તન ગવડાવ્યાં હતા, જેને પણ તેઓ પોતાની એક મહત્વની સિદ્ધિની સાથે પોતાના યાદગાર દિવસોમાં માને છે. પિતાના સ્વર્ગવાસ પછી તેમના પિતાના મોટા ભાઈ રાઘવજી ભાઈ કે જેમને કિરણબેન પ્રેમથી રાઘવજી દાદા કહીને સંબોધે છે તેઓ પણ કિરણબેનના પરિવાર સાથે એક પિતાની જેમ ઊભા રહ્યા. તેમના પરિવારને રાઘવજી દાદાનો ખુબ જ સથવારો રહ્યો. આજે પણ તેઓ દરેક જગ્યાએ, જ્યાં પણ કિરણબેનનો કાર્યક્રમ હોય ત્યાં તેમની પાછળ અડીખમ ઊભેલા જોવા મળે છે.
કિરણબેને ઘણી જગ્યાએ નવરાત્રિના સ્ટેજ કાર્યક્રમ કરેલા છે.જેમાં રાજકોટ, મુંદ્રા, બોટાદ, લાઠિદડ, લાઠિદડ ખોડીયાર મંદિર, લાઠિદડ ઉમિયા મંદિર, કારિયાણી, સુરત વગેરે જેવા અનેક સ્થળોએ નવરાત્રીમાં પોતાના સૂરના તાલ પર ખેલૈયાઓને મન મૂકીને નચાવ્યા છે. સુરતમાં તો કિરણબેને વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮, એમ સતત બે વર્ષ સુધી નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવી હતી. તેમણે ઈશ્વરદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, હમીર ગઢવી, હરસુર ગઢવી, શૈલેષ મારાજ, પુરષોત્તમ પરી, દેવરાજ ગઢવી, બિરજુ બારોટ,ઉમેશ બારોટ, દેવાયત ખવડ, લલીતાબેન ઘોડાત્ર, ફરીદાબેન મીર, કિંજલ દવે, ખીમજી ભરવાડ, પૂનમબેન ગોંડલિયા, ગુલાબબેન પટેલ, માસ્ટર રાણા, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, સુરેશભાઈ રાવલ અને જયદેવ ગઢવી ( સાહિત્યકાર ) જેવા ગુજરાતના અનેક નામાંકિત કલાકારો સાથે પણ સ્ટેજ શેયર કરેલા છે. કિરણબેન પોતાના સ્ટેજને માત્ર સ્ટેજ નહીં, પરંતું એક વ્યાસપીઠ માને છે અને એક વ્યાસપીઠની માફક જ પોતાના સ્ટેજનું માન જાળવે છે.
૫૦ રૂપિયાના ગૌરથી શરૂ થયેલી કિરણબેનની સંઘર્ષયાત્રાએ આજે તેમને તેમની કલાના જોરે સફળતાનાં શિખરે પહોંચાડ્યા છે અને હજુ પણ તેઓ સફળતાનાં અનેક શિખરો અવિરત સર કરી રહ્યાં છે. જ્યારે તેમને ગાવાની શરૂઆત કરી ત્યારે લોકો કહેતાં કે, " છોકરીથી ના ગવાય ", અને તેમના પરિવારને કહેતાં કે , " છોકરીને રૂપિયા કમાવા માટે ના ગવડાવાય " વગેરે જેવી વાતો કરનારા આજે કિરણબેનના સફળ થયાં પછી તેમના વખાણ કરતાં થાકતાં નથી. શુન્યમાંથી સર્જન કરનાર કિરણબેન આજે માત્ર એક ગાયક કલાકાર જ નહીં, પરંતું ચિત્રના પણ ખુબ સારા આર્ટિસ્ટ છે. તેઓ વિવિધ તહેવારોના શોખીન છે, જેમાં તેમનો સર્વાધિક પ્રિય તહેવાર દિવાળી છે. તેઓ ખુબ જ સુંદર રંગોળી પણ બનાવી જાણે છે. ખુબ જ સૌમ્ય સ્વભાવ ધરાવતાં કિરણબેન કુદરતી વાતાવરણની અંદર જ રહેવાનું વધારે પસંદ કરે છે. તમની કેસેટો અને આલ્બમનું શુટિંગ તેઓ પ્રકૃતિના ખોળે રહીને કરવાનું વધું પસંદ કરે છે જેથી કુદરતી વાતાવરણ સાથેનો પ્રેમ તેઓ પોતાના અંગત જીવનમાં પણ માણી શકે છે. પોતાના જુના દિવસોને યાદ કરી તેઓ આજે પણ પોતાનું જીવન ખુબ જ સાદગીભર્યું જીવી રહ્યાં છે.
કિરણબેને ધોરણ ૧ થી ૭ સુધીનું શિક્ષણ પોતાના ગામ લાલાવદર ખાતે લીધું તથા ધોરણ ૮ થી ૧૦ સુધીનું શિક્ષણ ‘ કન્યા વિનય મંદિર, જસદણ ખાતે લીધું હતું. તેમણે એસ.એસ.સી. ની પરીક્ષા વર્ષ ૨૦૦૬ માં પાસ કરી હતી. આર્થિક પરિસ્થિતિને કારણે માત્ર ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરનારા કિરણબેને પોતાના બંને ભાઈ દીપક અને સંજયને સ્નાતક કક્ષા સુધીનો અને હિરલબેનને અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરાવ્યો તથા પોતાના મોટાં બેન હિરલબેનના લગ્ન પણ ધામ ધૂમથી કરાવ્યાં. કહેવાય છે કે, ડાળખીને ફુલોનો બોજો નથી હોતો. તે તો પોતાની સાથે ફુલોને પણ વિકસિત કરી તેને ખીલવે છે. અલગ અલગ કંપની માટે ગાવાવાળાં કિરણબેન આજે પોતાની ‘ Kp Studio Official ‘ અને ‘ Kiran Prajapati Official ‘ નામની બે યુ ટ્યુબ ચેનલ ધરાવે છે.જેના દર્શકોની સંખ્યા આજે લાખોમાં છે.કિરણબેન આજે અનેક વિશિષ્ટ પુરસ્કારોથી સન્માનીત છે. તેમનું વિંછિયા તાલુકાને વિશિષ્ટ ગૌરવ અપાવનાર પાંચ શ્રેષ્ઠીઓમાં સમાવેશ કરી વિંછિયા તાલુકાના મામલતદાર શ્રી તરફથી પાંચાળ ગૌરવ પુરસ્કારથી સન્માન પણ કરાયું છે. ખરેખર ! સંઘર્ષનો પર્યાય એવા કિરણબેન સ્ત્રી સશક્તિકરણની સાક્ષાત મૂર્તિ છે.
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )