Kalakar - 12 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 12

કલાકાર ભાગ – 12

લેખક – મેર મેહુલ

‘યાદો’ સરકારી દફ્તરની ફાઈલો જેવી છે. યાદોને ઘટના સાથે સીધો સંબંધ છે. આજે બનેલી ઘટનાં આવતી કાલ માટે સંસ્મરણ બની જાય છે. સરકારી દફ્તરોમાં જેમ એક પછી એક ફાઈલોનાં દળ જામતાં જાય છે તેમ જ એક પછી એક ઘટનાં બને છે અને યાદોનું પોટલું બનતું જાય છે. દફ્તરોની ફાઈલો જેમ ક્યારેક ખોવાય જાય છે તેમ ક્યારેક સમય સાથે એવી ઘટનાઓ પણ ભુલાતી જાય છે મહત્વની હોય છે.

આવા સંસ્મરણો યાદ રહે એ માટે તેનો દસ્તાવેજ બનવો જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘટનાનો પુરાવો હોવો આવશ્યક છે. દસ્તાવેજ અથવા પુરાવો જુદાં જુદાં સ્વરૂપે હોય શકે છે. જેમ કે, ફોટોઝ, વિડિયોઝ, ડાયરી, સ્ટીકી નોટ્સ કે પછી ઓડિયોઝ. વર્ષો પછી પણ આ દસ્તાવેજો ઉખેળવામાં આવે છે ત્યારે એ ઘટનાં નજર સામે જ બની રહી હોય એવો ભાસ થાય છે. એ ઘટનાની નાની-નાની પળો યાદ આવે છે.

અક્ષય અત્યારે જે પરિસ્થિતિમાં હતો એ તેનાં માટે અસહ્ય હતી. અચાનક જ તેનો ભૂતકાળ તેની સામે આવીને ઉભો રહી ગયો હતો. એ ભૂતકાળ જેને એ ભૂલી જવા માંગતો હતો પણ વેતાળની જેમ એ અક્ષયની પીઠ પર સવાર થઈને સાથે ફરતો હતો.

CIDની ઓફીસેથી નીકળી અક્ષયે શાંત જગ્યાએ જવાનું પસંદ કર્યું, જ્યાં લોકોની ભીડ ઓછી હોય, શાંતિ હોય. સરિતા ઉદ્યાનથી થોડે આગળ સાબરમતી નદીનાં કિનારા તરફ એક રસ્તો જતો હતો. અક્ષય ઝવેરી હવેલીથી નીચેનાં રસ્તે સાબરમતીનાં કિનારે આવી પહોંચ્યો. તેની પાસે અત્યારે યાદોનું એક પોટલું હતું. જેને વાગોળવાની તાલાવેલી અક્ષયને અહીં સુધી ખેંચી લાવી હતી.

ઈયરફોન કાઢી અક્ષયે મોબાઈલ સાથે કનેક્ટ કર્યા અને ફરી એક રેકોર્ડિંગ શરૂ કર્યું,

“આજે કાજલને મળી હતી, મારાથી ગુસ્સે હતી. હું સરિતા ઉદ્યાનમાં આવી ત્યારે એ મારી રાહ જોઇને બેઠી હતી. કદાચ મારો પીછો કરતી હશે. હું જે રસ્તા પર ચાલી નીકળી છું એમાં આગળ કાંટા જ એવી ફિલોસોફી આપી હતી. મેં તેની વાતોને ઇગ્નોર કરી. મારે તેની સાથે કોઈ સંબંધ નથી રાખવા પણ હું એમ નથી કરી શકતી. એ મારી મોટી બહેન છે. મેં એને બધા કામો છોડીને ઈમાનદારીથી રહેવાની સલાહ આપી પણ તેણે મારી વાતોનું મજાક ઉડાવ્યું અને બદલામાં મને ખરુખોટુ સંભળાવી ગઈ.

મને એ નથી પસંદ, મારી ટ્રેનિંગ પુરી થાય એટલે આપણે લગ્ન કરી લેશું. પછી બધા જ મિશન સાથે કરીશું અને આ બલાથી પણ છુટકારો મેળવી લેશું. હાહા…મેં એને નવું નામ આપ્યું છે. મારી માટે તો એ મોટી બલા છે. જો કે એ ના હોત તો આજે તું મારી લાઈફમાં ના હોત. એનાં કારણે જ તું મને મળ્યો છે અને એ વાત માટે હું તેનો આભાર માનું એટલો ઓછો છે.

અત્યારે હું સાબરમતીનાં કિનારે બેઠી છું. સાબરમતીનાં પાણીની જેમ લાઈફ વહી રહી છે. તું યાદ આવે છે પણ તારી કહેલી વાતોનો બંધ મને રડવા નથી દેતો.

ઓહ હા, આટલી બધી વાતો કરી પણ સરપ્રાઈઝ ગિફ્ટ તો હું ભૂલી જ ગઈ હતી. પાલિતાણામાં નગરપાલિકા સેન્ટર પાસે “ભવાની શૉ રૂમ’ છે. તારો ફેવરિટ બ્લૅક સ્યુટ ત્યાંથી લઈ લેજે. મેં વિચાર્યું હતું તને કુરિયર કરી આપીશ પણ તેઓની બ્રાન્ચ પાલિતાણામાં છે જ તો ત્યાંથી જ લઈ લેવાં કહ્યું. આજે સાંજે પાંચ વાગ્યનો કોઈ પ્લાન ના બનાવતો, સમજી ગયોને ?, તારો દિવસ આવી જ રીતે પસાર થાય. લવ યુ”

રેકોર્ડિંગ બંધ થઈ ગયું. અક્ષય અડધી કલાક સુધી મૌન બેસી રહ્યો. તેને બુઝોની યાદ આવવા લાગી. ગાંધીનગર આવ્યો પછી તેણે બુઝોને ટ્રેનિંગ સેન્ટરમાં આપી દીધો હતો. અક્ષયે ગળામાં હાથ ફેરવ્યો.

“ઓહ નો !!!” અક્ષય ઉભો થઇ ગયો. તેનાં ગળામાં લોકેટ નહોતું.

“ક્યાં ગયું લોકેટ ?” અક્ષય બોલ્યો. તેણે સ્યુટનાં બધા પોકેટ ચેક કર્યા પણ લોકેટ ના મળ્યું.

“ક્યાં રાખી દીધું ?” અક્ષય વિચારવા લાગ્યો, “આજે સવારે ન્હાવા ગયો ત્યારે પણ સાથે નહોતું. કદાચ કાલે સવારે પણ નહોતું. હું આવી ભૂલ કેમ કરી શકું. અક્ષય પોતાને કોસતો હતો અને લોકેટ ક્યાં પડી ગયું હશે એ યાદ કરતો હતો પણ તેને યાદ નહોતું આવતું. એટલામાં તેનાં ફોનની રિંગ વાગી. અક્ષયે ફોન હાથમાં લીધો. પલ્લવીનો ફોન હતો.

“સર તમે ઠીક છો ને ?” પલ્લવીએ પૂછ્યું, “પરેશાન જણાતાં હતા”

“આઈ એમ ફાઇન” અક્ષયે કહ્યું, “પેલાં લોકોને જવાની વ્યવસ્થા થઈ ગઈ ?”

“હા, હું બજારમાં આવી છું, તમે જે વસ્તુઓ મંગાવી હતી તેની વ્યવસ્થા માટે”

“ગુડ, હું કલાકમાં આવું છું, તૈયાર રહેજે. આપણે બહાર જવાનું છે”

“આપણે બંનેએ જ ?” પલ્લવીએ પુછ્યું.

“હા”

“ઑકે, સર” કહેતાં પલ્લવીએ ફોન કટ કરી દીધી. અક્ષય ફરી મૌન થઈ ગયો. આગળની ચાર કલાક તેનાં માટે ભારે હતી. તેનો ભૂતકાળ ફરી જીવંત થવાનો હતો. પોતે ગમે તેટલી કોશિશ કરે પણ કાજલ તેને ફરી એ સમયમાં લઈ જવાની હતી જ્યાં અક્ષય જવા નહોતો ઇચ્છતો.

*

“તે દિવસે રાત્રે તમે આ ભૂલી ગયાં હતાં” પલ્લવીએ લોકેટ ઊંચું કરીને લટકાવ્યું. અક્ષય અર્ટિગા ડ્રાઇવ કરતો હતો. પલ્લવી તેની બાજુમાં બેઠી હતી.

“ઓહહ, થેંક્યું” અક્ષયે હાશકારો અનુભવ્યો, “હું ક્યારનો વિચારતો હતો પણ ક્યાં પડી ગયું એ યાદ જ નહોતું આવતું”

“એ કાજલની બેન છે ને ?” પલ્લવીએ સીધું પૂછી લીધું.

અક્ષયે ગરદન ઘુમાવી, પલ્લવી સામે ગંભીર થઈને જોયું.

“એવી રીતે ના જુઓ સર,ભલે કાજલ વિશે મને કશું ખબર નથી પણ તેને મેં ઘણીબધી ફાઈલોનાં ફોટામાં જોઈ છે. તમારાં લોકેટમાં જે ચહેરો છે એ તેને મળતો આવે છે એટલે પુછ્યું” પલ્લવીએ ચોખવટ પાડતાં કહ્યું.

“હા” અક્ષયે ડોકું ધુણાવ્યું, “તે લોકેટમાં જ ચહેરો જોયો એ કાજલની બેન જ છે”

“એટલે જ જ્યારે કિરણ જ્યારે કાજલનું નામ આપ્યું એટલે તમારાં ચહેરાનો રંગ બદલાય ગયો હતો અને મેહુલસર સાથે વાત કરીને પણ તમે નજર ચુરાવતા હતા”

અક્ષય હસ્યો,

“મને નહોતી ખબર તું મારી CID કરે છે”

“CID નો હિસ્સો છું, ઓબ્ઝર્વેશન કરવું એ જ મારું કામ છે” પલ્લવીએ પણ હળવું સ્મિત કર્યું.

“મેહુલસર સાથે શું વાત થઈ હતી ?” થોડીવારની ચુપકીદી પછી પલ્લવીએ પુછ્યું.

“અમે કાજલને ફોન કર્યો હતો, તેણે આપણને બંનેને રંધેજા, વિપુલ ચૌધરીનાં બંગલે બોલાવ્યા છે” અક્ષયે કહ્યું.

“અને તમે માની ગયાં ?” પલ્લવીને આશ્ચર્ય થયું.

“અમારી પાસે બીજો રસ્તો નહોતો, તેણે અમારી સામે એવા રહસ્યો ઉજાગર કર્યા છે જેનો અમારી પાસે કોઈ જવાબ નથી” અક્ષયે સોફ્ટ અવાજે કહ્યું. અક્ષય હજી શાંત હતો.

“કાજલ શું કરવા ઈચ્છે છે એ જ નથી સમજાતું, જો આપણી જ જરૂર હતી તો એ સીધી રીતે બોલાવી શકેત, આ બધું કરવાની શું જરૂર હતી”

“ તેણે જે કર્યું છે તેના પરથી બે તર્ક નીકળી શકે. એક, કાજલ સનકી છે, તેનાથી આપણે ડરીએ એવું એ ઈચ્છે છે. બીજું, આ વારદાત પાછળ તેનું કોઈ મોટું ષડયંત્ર છે. જેમાં આપણે ફસાઈ રહ્યા છીએ”

“મને બીજો તર્ક યોગ્ય લાગે છે, નક્કી તેણે કોઈ મોટું ષડયંત્ર રચ્યું હશે”

“એ તો તેને મળીએ ત્યારે જ ખબર પડશે” અક્ષયે કહ્યું, “માઇક્રોફોન લાવી છે ને ?”

પલ્લવીએ બેગમાંથી નાની ચિપ કાઢી. અક્ષયે ડ્રાઇવિંગ કરતાં કરતાં ચીપને શર્ટના છેલ્લાં બટનમાં લગાવી દીધી.

“મેહુલસરે આ બોક્સ આપવા કહ્યું છે” પલ્લવીએ પેન્સિલનું બોક્સ અક્ષય તરફ ધરીને કહ્યું.

“હાહા, અત્યારે એની કોઈ જરૂર નથી. આપણે શાંતિથી વાત કરવાની છે” અક્ષયે હસીને કહ્યું, “મેહુલસર પાસે પેન્સિલની એજન્સી લાગે છે, જ્યારે જોઈએ ત્યારે બોક્સ જ વહેંચતા હોય છે”

અક્ષયની વાત સાંભળી પલ્લવી હસી પડી,

“તમે પણ મજાક કરી લો છો એમ ને !”

“યસ, લાઈફમાં બધું જ હોવું જરૂરી છે. સમય સાથે અપડેટ થતું રહેવું પડે નહીંતર જુનાં વર્ઝનની જેમ વેલ્યુ ઘટી જાય છે”

“તમારું જૂનું વર્ઝન શાનદાર રહ્યું હશે, એવું મારું માનવું છે” પલ્લવીએ કહ્યું.

“હું હજી શાનદાર જ છું” અક્ષયે પલ્લવી તરફ જોઈને આંખ મારી.

મંજિલ આવી ગઈ હતી. સામે પાર્થ બંગલો હતો. અક્ષયે અર્ટીગા સાઈડમાં પાર્ક કરી. બંને દરવાજા તરફ ચાલ્યા.

(ક્રમશઃ)

કાજલે શા માટે અક્ષયને બોલાવ્યો હશે ?”, અક્ષય સાથે કાજલના કેવા સબંધ રહ્યાં હશે ?, ભૂતકાળમાં એવું તો શું બન્યું હતું કે અક્ષયે બધું છોડી દીધું હતું.

આગળ રહસ્યોની હારમાળા છે. નવા નવા રહસ્યો ઉજાગર થવાના છે. અક્ષયનો ભૂતકાળ જાણવાનો છે. તો એ માટે વાંચતા રહો. કલાકાર.

નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.

- મેર મેહુલ

Contact info.

Whatsapp No. – 9624755226

Instagram - mermehul2898

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED