Kalakar - 11 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 11

કલાકાર ભાગ – 11

લેખક – મેર મેહુલ

રાતનો એક થયો હતો. સેક્ટર-5 માં બંગલો નં – 24 થી થોડે દુર એક અર્ટિગા અને એક ઇનોવા આવીને ઉભી રહી. એક કારમાંથી અક્ષય એન્ડ કંપની ઉતર્યા અને બીજી કારમાંથી પેલો ખબરી અને તેનાં સાથીદારો ઉતર્યા. આર્ટિગા તેની સાથે રાજીવ પણ હતો, જેનાં હાથમાં હઠકડી લગાવેલી હતી. અક્ષયે તાત્કાલિક ધોરણે ખબરીઓને બોલાવી લીધાં હતાં. પોતાનાં માણસો ઝડપાઇ ગયાં છે એ વાતની જાણ થાય એ પહેલાં કિરણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો.

રાજીવને આગળ રાખી ધીમેધીમે બધા આગળ વધવા લાગ્યાં. રાજીવે જઈને મુખ્ય દરવાજો નૉક કર્યો. થોડીવાર પછી એક યુવતીએ આવીને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખુલ્યો એટલે હથિયારોથી તૈનાત બધા જ ઓફિસરો ઘરમાં ઘુસી ગયાં.

“CID, કોઈ હલચલ ના કરતાં” અંદર જઈને પલ્લવીએ બેચ બતાવ્યો. પલ્લવીની વાત સાંભળી પેલી યુવતીએ ભાગવાનો પ્રયત્ન કર્યો પણ મીરાંએ તેને દબોચી લીધી અને જમીન સાથે ઝકડાવી દીધી.

“કિરણને શોધો” અક્ષયે હુકમ કર્યો.

ત્રણ માળના બંગલામાં બધાં વિખાય ગયાં. થોડીવાર પછી બધા નિરાશા સાથે ફરી એકઠા થયા.

“નીચેનાં માળે નથી સર” જૈનીતે આવીને કહ્યું.

“બીજા માળે પણ નથી” વિહાને કહ્યું.

“ત્રીજા માળે અને અગાસી પર પણ નથી” એક ખબરીએ આવીને કહ્યું.

“અહીં જ છે એ, ઘરનો ખૂણેખૂણો ચૅક કરો” અક્ષયે કહ્યું. બધાં ફરી વિખાય ગયાં. અક્ષય પણ દાદરો ચડીને બીજા માળે આવી ગયો.

“ક્યાં સુધી ભાગીશ કિરણ ?” બાજુમાં એક વ્યક્તિને જતો જોઈ અક્ષયે તેની કૉલર પકડી, “ખબરીનાં કપડાં પહેરીને નિકળીશ તો હું નહિ ઓળખી શકું ?”

“તમને ગલતફેમી થાય છે સાહેબ, હું નીચે જ આવતો હતો” કિરણે ભયમિશ્રિત અવાજે કહ્યું.

“સામેના બાથરૂમમાં ખબરીને બેહોશ કરી, તેનાં કપડાં બદલાવીને નીચે આવવાની શું જરૂર હતી ?” કહેતાં અક્ષયે જોરથી લાફો માર્યો.

“મારો નહિ સાહેબ, વેપારી માણસ છું. તમે જે પૂછશો એનો જવાબ આપીશ. બસ મારતાં નહિ” બે હાથ જોડી કિરણ વિનંતી કરવા લાગ્યો. કોલરેથી પકડીને અક્ષય તેને નીચે લઈ આવ્યો.

“બાથરૂમમાં છુપાઈને બેઠો હતો સાલો” અક્ષયે કહ્યું, “ઉપરનાં બાથરૂમમાં એક ખબરી બેહોશ છે તેને હોસ્પિટલમાં ખસેડો અને વનરાજને લઈ આવો”

“વનરાજ ?” કિરણ ચોંકી ગયો, “એ ક્યાંથી ઝડપાયો ?”

“વનરાજ જ નહીં, મારાં ખબરીઓને મારવા તે જેટલાં લોકોને મોકલ્યાં હતાં એ બધા કસ્ટડીમાં છે અને તારાં વિરુદ્ધ વિક્ટમ બનાવ તૈયાર છે. તારી ભલાઈ એમાં જ છે કે જે જાણતો હોય એ બધું કહી દે”

“જુઓ સાહેબ, હું ગેરકાયદેસર ધંધો કરું છું એ વાત જગજાહેર છે. તમારાં ઓફિસરોને પણ આ વાતની ખબર છે પણ આજ સુધી મેં કોઈને ટાપલી પણ નથી મારી. હું તો બીજા લોકો પાસેથી કામ કઢાવું છું. તમારે બધું જાણવું હોય તો એને જ પૂછો”

“એ બધા તો માત્ર કટપુતળી છે. બધાં ઓર્ડર તારી પાસે આવે છે અને તું જ બધાં કામ કરે છે” કહેતાં અક્ષયે રેકોર્ડિંગ શરૂ કર્યું. નવનીતે આપેલાં રેકોર્ડિંગમાં કિરણનો જ અવાજ હતો.

“બોલ કોણ આપે છે એ ઓર્ડર ?” રેકોર્ડિંગ પૂરું થયું એટલે અક્ષયે પૂછ્યું.

“કાજલ ચૌધરી, વિપુલ ચૌધરીની પત્ની. તેણે તમારાં માટે એક સંદેશો મોકલાવ્યો છે. જો બચેલા ઓફિસરોનું હીત ઇચ્છતા હોવ તો આ કેસ છોડી દો અને હું તમને જે નંબર આપું એનાં પર કૉલ કરજો” કિરણે ઠાવકાઈથી કહ્યું.

કિરણની વાત સાંભળી અક્ષયને ઝટકો લાગ્યો. એક જ સેકેન્ડમાં તેનો ચહેરો બદલાય ગયો.

“શું થયું સાહેબ ?, નામ સાંભળીને કેમ ઝટકો લાગ્યો ?”

અક્ષયે ફરી કિરણને એક લાફો ચોડી દીધો,“જેટલું પૂછું એનાં જ જવાબ આપ”

“ એનાં માટે ક્યાં ક્યાં કામ કર્યા છે ?” અક્ષયે પુછ્યું.

“બધાં જ કામો. તમારો ડેટા ચોરાવ્યો, ઓફિસરોની હત્યા કરી, વનરાજનાં ત્રણ દોસ્તોની હત્યા કરી. આજે તમારાં ખબરીઓને મારવાનો ઓર્ડર પણ એણે જ આપ્યો હતો”

“કોઈની મદદ વિના ડેટા ચોરી ના થાય, કોણ છે એ ગદ્દાર જેણે CID સાથે બેઇમાની કરી છે”

“મને મારી મૌત નજીક જ દેખાય છે, તમે છોડશો તો એ મારી નાંખશે એટલે બધી જ હકીકત જણાવી રહ્યો છું. તમે એ વ્યક્તિને ઓળખો છો, નિકુંજ દેસાઈ, જે દુનિયા માટે મારી ચુક્યો છે. કાર ધમાકામાં પોતાનાં મર્ડરનો પ્લાન બનાવી એ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે અને બધી જ જગ્યાએ એ તમને લોકોને બરબાદ કરવામાં મદદ કરે છે”

“હરામી સાલો” અક્ષય બબડ્યો.

“લઈ લો આને પણ કસ્ટડીમાં” અક્ષયે હુકમ કર્યો.

*

(પછીના દિવસની સવાર)

બે કલાકથી મેહુલ અને અક્ષય ચર્ચા કરી રહ્યાં હતાં. આ વખતે પલ્લવીને પણ બહાર રાખવામાં આવી હતી.

“કોણ છે એ કાજલ ચૌધરી ?” મીરાંએ પલ્લવી તરફ જોઈને પુછ્યું.

“આઈ ડોન્ટ નૉ, મેં પણ પહેલીવાર નામ સાંભળ્યું છે” પલ્લવીએ ખભા ઉછાળીને કહ્યું.

“નક્કી કોઈ જુનાં કેસ રિલેટેડ વાત હશે, બંને સર છેલ્લી બે કલાકથી ચર્ચા કરે છે એટલે મામલો ગંભીર જણાય છે” જૈનીતે કહ્યું.

“હોય શકે” મીરાંએ કહ્યું, “સર બહાર આવે પછી જ ખબર પડશે હવે”

“આઈ થિંક આ પ્રિ- પ્લાન્ડ કેસ છે. જાણી જોઈને આ બધું કરવામાં આવ્યું છે. કદાચ મેહુલસર અથવા અક્ષયસરને કોઈ મૅસેજ આપવા માંગતા હશે” પલ્લવીએ પોતાનો મંતવ્ય રજુ કર્યો.

“મને પણ એવું જ લાગે છે, કાલે કિરણે જ અક્ષયસરને કેસમાંથી હટવાની વાત કરી હતી અને કાજલને કૉલ કરવા કહ્યું હતું” મીરાંએ તર્ક કાઢ્યો.

“ ભૂતકાળમાં અક્ષયસરથી કોઈ ભૂલ થઈ હશે એટલે કાજલ, અક્ષયસરને બ્લેકમેઇલ કરવા ઇચ્છતી હશે અને જે દિવસથી સર આવ્યા છે એ દિવસથી ઓફિસરોની હત્યાઓનો સિલસિલો પણ અટકી ગયો છે” પલ્લવીએ કહ્યું.

“તમે બધાં શું નવા નવા તર્ક કાઢો છો ?, આ સીરીયલમાં આવતી CID જેવું નથી કે વાતો કરીને કેસ સોલ્વ થઈ જાય. જે હશે એ અક્ષયસર આવીને જણાવશે” વિહાને ઇરીટેટ થઈને કહ્યું. વિહાનની વાત સાંભળી બધા ચૂપ થઈ ગયા.

થોડીવાર પછી અક્ષય બહાર આવ્યો. તેનો ચહેરો ઉતરેલો હતો.

“શું થયું સર ?” પલ્લવીએ પૂછ્યું.

“ઓલમોસ્ટ કેસ સોલ્વ થઈ ગયો છે, આ બધું કોણ કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે એ ખબર પડી ગઈ છે”

બધાએ પ્રશ્નસુચક નજરે અક્ષયનાં ચહેરા પર મીટ માંડી.

“કાજલ સાથે અમારે પાંચ વર્ષથી તકરાર ચાલે છે, એ ધનવાન અને પ્રતિષ્ઠિત લોકોને ફસાવે છે અને ગેરકાયદેસર કામો કરે છે. અમે ઘણીવાર તેને એક્સપોઝ કરેલી પણ પોલિટિકલ પાવરને કારણે હંમેશા એ છટકી જતી. આ વખતે પણ એવું જ થયું છે. તેણે વિપુલ ચૌધરીને ફસાવ્યો છે અને એની આડમાં બધા કામ કઢાવે છે”

“આપણાં CID ઓફિસરોની હત્યા કરીને તેને શું મળવાનું છે ?” પલ્લવીએ પુછ્યું.

“કાજલ સનકી ટાઇપની છે. તેનાં કામમાં જેટલાં ઓફિસરો કાંટો બન્યા હતાં તેઓની જ તેણે હત્યા કરાવી છે. નજીવા ફાયદા માટે એ કોઈને પણ મારી શકે છે. અત્યારે એક કારણ જાણવા મળ્યું છે. કાજલ મારાં સુધી પહોંચવા ઇચ્છતી હતી, હું જ એ વ્યક્તિ છું જેણે તેનાં બધાં ગેરકાયદેસર કામોને અટકાવ્યા હતાં. કદાચ હવે એનો બદલો લઈ રહી હોય”

“તમે એને મળવા જશો ?” પલ્લવીએ પૂછ્યું.

“કદાચ હા, મારી અને મેહુલસર વચ્ચે લાંબી ચર્ચા થઈ પછી અમે એ જ નિર્ણય પર આવ્યાં છીએ” અક્ષયે કહ્યું, “તમે લોકોએ અત્યાર સુધી મને સાથ આપ્યો એ માટે આભાર, આગળ જરૂર પડશે તો ચોક્કસ તમને યાદ કરીશ” અક્ષય બે સેકેન્ડ માટે અટક્યો, “પલ્લવી, આ લોકોની જવાની વ્યવસ્થા કરી આપ”

“અમે તમારી સાથે જ રહીશું સર” મીરાંએ કહ્યું, “હજી કેસ સોલ્વ નથી થયો”

“અમે પણ” વિહાન અને જૈનીત એક સાથે બોલ્યાં.

“સમજો તમે, મારાં કારણે આઠ ઓફિસરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તમારાં પર મુસીબત આવે એ હવે મને નહિ પરવડે”

“પણ સર….” મીરાં બોલી પણ અક્ષયે તેને અટકાવી, “પણ કહી નહિ, મારો ઓર્ડર છે”

“ઠીક છે સર” મીરાંએ મોં લટકાવીને કહ્યું

“પલ્લવી, મારે એક સિમ જોઈએ છે. સાથે બટન પર લગાવવા માઈક્રો ચિપ અને થોડાં હથિયાર, કેટલાં સમયમાં વ્યવસ્થા થઈ જશે ?”

“આ લોકોને જવાની વ્યવસ્થા કરું પછીની અડધી કલાકમાં સર” પલ્લવીએ કહ્યું.

“ગુડ, બધો સામાન એકઠો થઈ જાય પછી મને રિંગ આપજે. હું માઈન્ડ ફ્રેશ કરવા બહાર જાઉં છું” અક્ષયે કહ્યું.

“ચોક્કસ સર” પલ્લવીએ શબ્દો પર ભાર આપીને કહ્યું. પલ્લવી અક્ષય તરફ શંકાસ્પદ નજરે જોઈ રહી હતી. અક્ષયે આ નોટિસ કર્યું એટલે તેણે નજર ચુરાવી, એક બાજુ નજર કરતો એ બહાર નીકળી ગયો.

(ક્રમશઃ)

પલ્લવી અક્ષય સામે કેમ એવી રીતે જોઈ રહી હતી ?, અક્ષય કંઈ છુપાવી રહ્યો હતો ?, કાજલનું નામ સાંભળીને કેમ અક્ષયને ઝટકો લાગ્યો હતો ?, કાજલ શા માટે અક્ષયને મળવા ઇચ્છતી હતી ?, અક્ષયને મળવા માટે તેણે સાત ઓફિસરોની હત્યા કરી હતી, કારણ શું હશે ?, નિકુંજનું શું થશે ? જાણવા વાંચતા રહો કલાકાર.

નવલકથા થોડી વધારે રહસ્યમય છે. બીજા ભાગનું રહસ્ય દસમા ભાગે ઉજાગર થાય એવું બની શકે, માટે ન સમજાય તો બીજીવાર વાંચજો અથવા મને પૂછજો. નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.

- મેર મેહુલ

Contact info.

Whatsapp No. – 9624755226

Instagram - mermehul2898

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED