પ્રકરણ- ચોથું/૪
સીસીડી માંથી છુટ્ટા પડ્યા પછી મેઘનાને સડન્લી સૌથી પહેલો વિચાર એ આવ્યો કે..
લલિતએ આ રીતે પબ્લિક પ્લેસમાં અને તે પણ મેઈન રોડ પર પીછો કરવાની સ્ટાઈલમાં તેની જોડે કયારે’ય વાત નહતી કરી. અને આજે મેઘનાને લલિત કંઇક વધુ જ ઈમોશનલ લાગ્યો. પણ પછી બીજી જ પળે ફાલતું જેવા લાગતાં વિચારોને દિમાગમાંથી હાંકીને શોપિંગ કરવામાં વ્યસ્ત થઈ ગઈ.
મેઘના સાથેના પરિચયમાં આવ્યાં બાદ પહેલી વાર લલિતને આ મુલાકાત દરમિયાન મેઘનાએ વિનોદવૃતિની આડમાં કરેલા કટાક્ષના કાંટા કયાંય સુધી લલિતના ઝમીરને ખુંચતાં રહ્યાં. તે છતાં લલિતને મેઘના પ્રત્યે સ્હેજ પણ દ્વેષભાવ નહતો ઉદ્ભ્વ્યો. પણ, મેઘનાના કેટલાંક ગર્ભિત શબ્દોથી લલિતને ઊંડે ઊંડે કોઈ એવા આભાસનો અણસાર વરતાવા લાગ્યો કે.. તે હંમેશ માટે મેઘનાને ગુમાવી દેશે. લલિતના દિમાગમાં એવું દ્રઢ પણે ઠસી ગયું હતું કે મેઘના તેનો પ્રાણવાયું છે. જીવાદોરી છે. અને લલિતની આ ભ્રમિત પ્રેમકથાની નાટ્યલીલાના મંચ પર માત્ર લલિતની જ એકતરફી એકપાત્રી ભૂમિકા હતી.
આશરે ૧૫ દિવસ બાદ રાત્રીના ૮ વાગ્યાની આસપાસ શહેરની મધ્યમાં આવેલાં એક વિશાળ ગાર્ડનના કોર્નરની બેન્ચ પર રાજન જયારે તેના ખોળામાં આંખો મીંચીને પડેલી મેઘનાના રેશમી કેશમાં હળવે હળવે આંગળીઓ ફેરવતાં હતો ત્યારે મેઘના બોલી.
‘રાજન, તને હું કેવી લાગુ છું ?
‘એટલે, દિવસે કે રાત્રે ? રાજનએ સળી કરતાં પૂછ્યું.
‘રાજન, તું અંદરથી આટલો હરામી હોઈશ એ મને નહતી ખબર.’
‘એ ખબર કયારથી પડી ?’
‘રાજન, આઈ એમ આસ્કીંગ યુ સીરીયસલી.’
‘મેઘના, તારી સાથે લાગણીના બંધનમાં બંધાયા પછી મને એટલી ખબર છે કે તારા વગર મારી લાઈફ એક બિગેસ્ટ ઝીરો સિવાય કશું જ નથી. ટોટલી એમ્પ્ટી. સાવ શૂન્યાવકાશ. જાણે કે એક આત્મા વિનાનું શરીર.’
‘કયાંય સુધી રાજનની આંખોમાં જોઈ રહ્યા પછી મેઘનાએ રાજનના ગુલાબી હોંઠો પર એક તસતસતું દીર્ધ ચુંબન ચોડી દીધા પછી મેઘના બોલી.
‘આઈ કાન્ટ બીલીવ કે.. કોઈ મને આટલો પણ પ્રેમ કરી શકે.’
‘હેય... નો ‘કોઈ’ ઓન્લી રાજન, સમજી.’
મેઘનાના ગલગોટા જેવાં ગાલ ખેંચતા રાજન બોલ્યો.
રાજનની ભરાવદાર છાતીના વાળમાં તેની આંગળીઓ ફેરવતી મેઘના બોલી.
‘રાજન,તને નથી લાગતું કે હવે આપણે મેરેજ કરી લેવા જોઈએ ?’
‘એલી, હવે આપણી સાથે કોણ મેરેજ કરે ?’’
રાજનનો જવાબ સાંભળીને મેઘનાએ તેની છાતીના વાળ તેની મુઠ્ઠીમાં દબાવીને એટલાં જોરથી ખેંચ્યા કે.... રાજનની ચીસ નીકળી ગઈ.
‘શું બોલ્યો તું ? ફરી એકવાર બોલતો.’ મેઘનાએ પૂછ્યું.
‘ઓય માડી રે... માય ગોડ.. અરે યાર તું તો સાવ જંગલી છે.. કંઇક તો દયા રાખ.’
છાતી પર હથેળી ઘસતાં રાજન બોલ્યો.
એ પછી મેઘનાએ રાજનની છાતી પર માથું મુકતા કહ્યું
‘અલેલે.. મેલા સ્વીટ બાબુ.’ હસવાં લાગી.
‘હવે બોલ, કયારે કરીશું મેરેજ.? મેઘનાએ પૂછ્યું.
‘પણ, અત્યારે તો કોઈ મંદિર પણ નહી ખુલ્લું ન હોય ને.’
‘તું ખરેખર હવે હદ બહારનો બગડતો જાય છે.’
‘તારી કૃપા છે, મને તો કંઈ ખબર નહતી પડતી.’
‘રાજનીયા, એ તો પહેલાં... પણ હવે... મારે હાથ અને પગ બન્ને જોડીને રાખવા પડે છે’
‘રાજન, તું સીર્યસલી કોઈ ડેટ ફાઈનલ કરે તો હું પપ્પાને વાત કરું યાર.’
‘તું જ નક્કી કરી લે ને. મારે તો ફક્ત મારા પેરેન્ટ્સને જાણ જ કરવાની જ છે.’
‘અચ્છા ઠીક છે, એન્ડ ઓફ ધીઝ વીક ડેટ ફાઈનલ કરીએ.’
‘બટ, એક વાત કહું મેઘના, મને આ વર્ષોથી ઘેટાં ચાલની જેમ ચાલી આવતી પ્રણાલી સ્હેજ પણ નથી ગમતી. પ્રસંગ, તારો ને મારો છે તો, તેમાં ઢંઢેરો પીટીને ગામ ભેગું કરવાની શું જરૂર છે ?’
‘મતલબ ?’ ખોળા માંથી ઉભાં થતાં મેઘનાએ પૂછ્યું.
‘જો, મેઘના, મેરેજ આપણે કોર્ટમાં કરીશું. પછી બન્ને એ તેના લાગતા વળગતા હોય તેઓને ઇન્વીટેશન આપીને એક ગ્રાન્ડ રીસેપ્શન ગોઠવી દેવાનું એટલે ફિનીશ,’
‘યુ આર રાઈટ, તારો આ આઈડિયા મને ગમ્યો.’ ખુશ થતાં મેઘના બોલી.
‘અને, હનીમુનની ફાઈનલ રમવા ક્યાં જઈશું ? મેઘનાએ પૂછ્યું.
‘ જ્યાં દુનિયા આખી નેટ પ્રેકટીશ કરવા જાય છે ત્યાં ?’ રાજન બોલ્યો
‘ ક્યાં ?’
‘બેંગકોક’ હસતાં હસતાં રાજન બોલ્યો.
‘હટ, ત્યાં હું તો શું, તને પણ ન જવા દઉં સમજ્યો. મને તો કોઈ રોમાન્ટિક ડ્રીમ ડેસ્ટીનેશન પર જવું છે રાજન.’
‘ક્યાં ?’
‘વેનિસ.’
‘ હા, એ પોસિબલ છે, કેમ કેમકે તારા પપ્પા તો બેંકમાં કેશિયર છે ને, તેને કહે કે એક દીવસ ગાંધીજીને વોલેટને બદલે થેલામાં ભરતાં આવે એટલે...’
‘રાજન.....’ ડોળા કાઢતાં મેઘના બોલી.
‘અરે.. ડાર્લિંગ, મારા બજેટમાંથી વેનિસ જવું હોય તો એક કમ સે કમ એક વર્ષની તો રાહ જોવી પડશે. પણ હું તને લઇ જઈશ એ પ્રોમિસ. પણ ત્યાં પછી હાથ પગ નઈ જોડવાના.’
‘સાલા, હરામી આજે તું ખરેખર મારા હાથનો માર ખાઈને જ ઘરે જઈશ.’
મેઘના આટલું બોલી પછી, રાજન કયાંય સુધી મેઘનાને તેની બાહુપાશમાં જકડીને
ચુપચાપ ઊભો રહ્યો.
થોડીવાર પછી મેઘના બોલી,
‘રાજન, હું તારા અનુપસ્થિતિની કલ્પના પણ નથી કરી શકતી. શાયદ એક એવી પળ નહી હોય જયારે મેં તને મહેસુસ નહીં કર્યો હોય. તું મારો પ્રેમી છે. મારો દોસ્ત છે, મારો ભાવિ પતિ છે અને મારા પિતા જેવો કેરીંગ અને પ્રેમાળ પણ છે. તું મારું સર્વસ્વ છે રાજન. આજે મને મારી મા ખુબ યાદ આવે છે. આજે એ હયાત હોત તો મારી આ ખુશી જોઇને કદાચને ગાંડી ઘેલી થઇ જાત.’
આટલું બોલતા મેઘનાની આંખોથી અશ્રુધારા વહેવા લાગી.
એટલે રાજન મેઘનાના ચહેરાને તેની બંને હથેળીઓ વચ્ચે લઈને બોલ્યો,
‘હેય.. પાગલ આર યુ ક્રાયીંગ ?’
‘મેઘના, પ્લીઝ, મેઘના આપણે આપણા આ પ્રેમની વિશાળતાની પરાકાષ્ઠાને એ હદ સુધી લઇ જઈશું કે, અંતે આપણા નશ્વર દેહના પંચમહાભૂતમાં વિલીન થયા પછી પણ તેના અંશો અહીં આપણા અમરપ્રેમના અસ્તિત્વનનું પ્રમાણ આપશે.’
‘રાજન.. મેં જિંદગી જીવી લીધી. તારી બાહોંના સુકુન સામે દુનિયાભરના દૌલતની કિમત મને બે કોડીની લાગે છે.’
થોડીવાર સુધી રાજનને ચીપકી રહ્યા બાદ રાજનના બન્ને ગાલ પર કીસ કરતાં મેઘના બોલી.
‘હવે ઘરે જઈશું રાજન ?”
‘ચલો.’ બોલ્યા પછી બન્ને ગાર્ડનના ગેઇટ સુધી એકબીજાની હથેળીઓમાં, હથેળી પોરવીને બન્ને ચાલતાં રહ્યા.
મેઘનાના બાઈકની બેક સીટ પર રાજન બેસી ગયો અને બન્ને નીકળ્યા ઘર તરફ.
ત્રણ દિવસ બાદ....
ડીનર રેડી કર્યા પછી ઘરનું બધું કામકાજ પતાવીને મેઘના એ વોલક્લોક પર નજર કરી. રાત્રીના આશરે ૮:૩૦ જેવો સમય થઇ ગયો હોવા છતાં પણ જવાહરલાલ ઘરે નહતા આવ્યા એટલે મેઘનાએ વિચાર્યું કે, મોડું થવાનું હોય તો, પપ્પા કોલ તો કરી જ દેતા. આગળ વધુ વિચાર્યા વગર મેઘનાએ કોલ લગાડ્યો જવાહરલાલને.
રીંગ પૂરી થઇ ગઈ છતાં કોલ રીસીવ ન થયો. મેઘનાએ ફરી ટ્રાય કરી, ફરી નો રીપ્લાઈ. મેઘના ચિંતા સાથે વિચારે ચડી ગઈ.
શું થયું હશે ? કદાચને એવું બને કે સ્કુટર ડ્રાઈવ કરતાં હશે, યા તો ટ્રાફિકમાં ફસાઈ ગયા હશે તો, પાંચ મિનીટ રાહ જોઇને પછી કોલ કરું.
બે મિનીટ પછી જવાહરલાલનો સામેથી કોલ આવતાં બોલ્યા.
‘દી..દીકરા જરા આ..આજે બેંકમાં છેને તે... ઓચિંતાનું એક અગત્યનું કાકા.મ આવી પડ્યું છે તો.. તો... મને આવતાં જરા મોડું થશે. અને હું.. હું... અહીંથી નીકળતાં કોલ કરીશ. ઠીક છે.’
બે જ વાક્યના કન્વર્સેશનમાં મેઘનાને એટલી તો ખબર પડી કે ગઈ કે કંઇક તો ગરબડ છે. જવાહરલાલના અવાજમાં વાતની તથ્યતાનો પડઘો નહતો પડતો. શબ્દો અને સ્વરના કંપનના શબ્દાર્થનો કોઈ તાલમેળ નહતો બેસતો.
મેઘનાની સિકસ્થ સેન્સ એવું કહી રહી હતી કે, નક્કી ચોક્કસ કંઇક અમંગળના એંધાણ છે. થોડીવારમાં તો કંઈ કેટકેટલાં’ય અશુભ વિચારોનું ટોળું મેઘનાને ઘેરી વળ્યું. રાહ જોયા સિવાય બીજો કોઈ ઉપાય પણ નહતો. મન પોરવવા નાનું મોટું કામ કર્યું. તેમ છતાં પણ કલાક તો માંડ ગયો. હવે સમય થયો ૯:૩૦.
હવે મેઘનાની પ્રતિક્ષાની ધીરજ ખૂટી જતાં કોલ લગાવ્યો. નો ર્રીપ્લાઈ.
ફરી લગાવ્યો.. કોલ રીસીવ થયો, હજુ જવાહરલાલ કશું બોલે એ પહેલાં મેઘના ઉચાટમાં બોલી,
‘પપ્પા શું થયું છે ? હું હમણાં જ આવું છું બેંકમાં ?
‘આઆ..વું છું.. બબ..સ આવ્યો.’ આટલું બોલતા જવાહરલાલએ કોલ કટ કર્યો,
આટલું સાંભળતા મેઘનાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
મમ્મીના અવસાન પછી મેઘનાએ જવાહરલાલને એટલા પ્રેમ અને જતનથી રાખ્યા છે કે, આજ દિવસ સુધી તેમની આંખમાં એક આંસુ નહતું આવવા દીધું. જવાહરલાલને એક નાની અમથી ઠેસ વાગે તો પણ મેઘનાનો જીવ કપાઈ જતો. મેઘના, પપ્પાને તેના જીવથી વધુ વ્હાલ કરતી. પપ્પા માટે તે દુનિયા તો શું ઈશ્વર સાથે પણ લડી લેતી. પછી ઉંબરા પર જ ચુપચાપ રડતી બેસી રહી.
ઠીક દસ વાગ્યે એક એમ્બેસેડર કાર તેના ઘરની સામે આવીને ઊભી રહી. મેઘનાને નવાઈ લાગી કોણ હશે ? એટલે તે ગેઇટ તરફ આવતાં જોયું તો ડાબે અને જમણે એમ બે વ્યક્તિના ખંભા પર તેના બંને હાથ ટેકવીને વચ્ચે જવાહરલાલને આવતાં જોઇને રીતસર મેઘનામાં મોઢાં માંથી એક તીણી ચીસ નીકળી ગઈ ..
‘પપ્પાપાપાપાપાઆઆઆ......... ઓહ.. માય ગોડ. શું થયું પપ્પાઆ...’
જવાહરની જોડે તેમના અંગત મિત્ર મહેન્દ્ર જોશી પણ હતા. ધીમે ધીમે ઘરની અંદર લાવ્યા પછી જવાહરને તેમના બેડરૂમમાં સુવડાવ્યા.
પેલી બે વ્યક્તિને મહેન્દ્રએ કારમાં વેઇટ કરવાનું કહ્યું.
‘અંકલ.. અંકલ પ્લીઝ શું થયું છે પપ્પાને પ્લીઝ કહો ને.’
જવાહરના માથા પાસે બેસીને આંસુ સારતી તેના માથાં પર ફેરવતાં મહેન્દ્રને પૂછ્યું.
મહેન્દ્ર અને જવાહર બન્ને એક બીજાની સામે જોયા કર્યું એટલે અકળાઈને મેઘના બોલી.
‘અંકલ શું થયું છે ? પપ્પા બોલોને પ્લીઝ પપ્પા. આ અંકલ કેમ.’
માંડ માંડ બોલવાની કોશિષ કરતાં જવાહરલાલ બોલ્યા,
‘અરે... કંઈ નથી થયું, એ તો..’ મહેન્દ્રએ જવાહરને આગળ બોલતા અટકાવતાં બોલ્યા
‘પ્લીઝ, જવાહર તું કંઈ ન બોલીશ. હું સમજાવું છું. મને પાણી આપને દીકરા’
મહેન્દ્રએ મેઘનાને કહ્યું.
‘જી. અંકલ.’
મેઘનાએ ઝડપથી પાણીના ગ્લાસ લાવીને એક મહેન્દ્રને આપ્યો અને જવાહરને પણ થોડું પીવડાવ્યું,’
મેઘના મહેન્દ્રને સામે ભારે અને ઉચાટ મન સાથે જોઈ રહી. મહેન્દ્ર જવાહરની સામે થોડીવાર જોયા પછી મેઘના સામે જોતા બોલ્યો.
‘જો દીકરા વાત એમ છે કે...’ હજુ મહેન્દ્ર આગળ બોલવા જાય એ પહેલાં જવાહરએ તેનો હાથ પકડીને આગળ ન બોલવાનો સંકેત આપ્યો.
હવે મહેન્દ્રની ધીરજનો અંત આવી ગયો હતો એટલે ખુબ શાંતિ અને હળવેથી બોલ્યો.
‘જવાહર પ્લીઝ, મને ખ્યાલ છે મેઘના આ સિચ્યુએશનને ખુબ સારી રીતે સમજી અને હેન્ડલ કરી શકશે. પ્લીઝ તું થોડીવાર શાંતિ રાખીશ. મને મેઘના સાથે ડીશકસ કરવાં દઈશ પ્લીઝ.’
‘મેઘના, દીકરા પ્લીઝ પહેલા તું રડવાનું બંધ કરીશ ? જો વાત એમ છે કે થોડા સમય પહેલાં જવાહર જયારે બે યા ત્રણ મહિના પહેલાં બેન્કમાં મેનેજરના ચાર્જમાં હતા ત્યારે પહેલાં જવાહરને વિશ્વાસમાં લઇ અને પછી અંધારામાં રાખીને ઓરલી કમીટમેન્ટ આપીને બેન્કના ડીરેકટરો અને અન્ય લોકો એ ભેગા મળીને એક ફ્રોડ ગોલ્ડ લોનનું કૌભાંડ આચર્યું. હવે આજે ઓચિંતું ઓડીટ આવતાં ગોલ્ડ અને પેપર બધું જ નકલી નીકળતાં, ઓન પેપર ઓફિશ્યલી તમામ જવાબદારી જવાહરના સિરે આવી છે. છેલ્લાં પાંચ કલાકની માથાપચ્ચી પછી હાયર ઓથોરિટીએ જવાહરની સીન્યોરીટીને ધ્યાનમાં રાખીને ૨૪ કલાકનો ટાઈમ આપ્યો છે.’
‘૨૪ કલાક ફોર વ્હોટ ?’ આંસુ સરતી આંખો સાથે મેઘનાએ પૂછ્યું,
’૨૪ કલાકમાં જો જવાહર આ કૌભાંડના રકમની ભરપાઈ કરવા માટે એગ્રી હોય તો, બેંક ઓથોરીટી તેના કોઈ પર કોઈપણ જાતના ખાતાકીય પગલાં નહી ભરે અને પોલીસ ફરિયાદ પણ નહીં કરે.’
‘કૌભાંડ કેટલી રકમનું છે, અંકલ ? બન્ને ગાલ લુંછતાં મેઘનાએ પૂછ્યું.
જવાહરની સામે જોયા પછી મહેન્દ્ર બોલ્યા.
‘૨૫ લાખ.’
મેઘનાએ તેના બંને હાથની હથેળીઓ મોં પર મુકતાની સાથે તેના ડોળા ફાટી ગયા.
મનોમન બોલી, ૨૫ લાખ ૨૪ લકલાકમાં.
થોડીવાર વિચારીને બોલી.
‘પણ અંકલ. આટલી મોટી રકમ માટે માત્ર ૨૪ કલાક, આ યોગ્ય છે ? અને પપ્પાએ અડધી જિંદગી તેનું લોહી પાણી એક કરીને આટલી ઈમાનદારીથી તેની ફરજ નિભાવી તેનું આ વળતર ?
‘દીકરા આ પ્રાઇવેટ કો-ઓપ્રેટીવ બેંક છે, આમાં ઘરના ભુવા અને ઘરના જ ડાકલા હોય દીકરા. અને જે રીતે આજે અચાનક ઓડીટના નામે જે રીતે ઇન્વેસ્ટીગેશન કર્યું છે એ જોઈને તો મને લાગે છે કે જવાહરની કેરીઅર પર કાળી ટીલી લગાડીને તેને બદનામ કરવાનું કોઈએ જડબેસલાક ફૂલપ્રૂફ ષડ્યંત્ર રચ્યું હોય એવું લાગે છે. પણ નવાઈ એ વાતની છે કે જવાહરની ડીસ્ક્સ્નરીમાં તો શત્રુ જેવો કોઈ શબ્દ જ નથી.’
‘પણ. અંકલ આ તૂટી પડેલા આભ જેવી ઉપાધીનો કંઇક તો ઉપાય હશે ને ?’
‘દીકરા, સો ટકા જવાહર નિર્દોષ છે પણ, જો આપણે લીગલ વે પર ફાઈટ કરવા જઈએ તો આવતીકાલે કોઈ મીડિયા એવું બાકી ન રહે કે જેમાં જવાહરની બદનામીનો કિસ્સો ન આવે. તમે કોને જવાબ આપશો ? કેટલાના મોઢાં બંધ કરશો ? અને કેટલા વર્ષો સુધી કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાશો ? અને આખી જિંદગી રાજાની જેમ જીવેલો આ મારો દોસ્ત એ હાડમારીનો સામનો કરી શકશે ?’
‘પણ, અંકલ, કોઈ વચલો રસ્તો ?
‘જો જવાહર આ બેદરકારીની જવાબદારી સ્વીકારી અને ૨૫ લાખ ચુકવવાની લેખિતમાં બાહેંધરી આપે તો બેંક મુદ્દત આપવા તૈયાર થાય.’
‘એનો મતલબ એ કે રૂપિયા ભરવા છતાં, જે ગુન્હામાં પપ્પા લેશમાત્ર પણ સામેલ નથી, તેનું આવડું મોટું આળ તેની માથે લઈ, અને એ વાત તે ઓન પેપર પર લખી પણ આપે એમ જ ને ?’
‘પણ, પપ્પાને આ હાલતમાં કેમ લાવ્યા ?’
થોડીવાર માટે મહેન્દ્ર ચુપ થઇ ગયા, પછી જવાહરની સામે જોઇને તેની આંખમાંથી આસું સારી પડ્યા પછી બોલ્યા,
‘બેંકમાં જ....તેને છાતીમાં દુઃખાવો ઉપાડતાં તાત્કલિક તેને ડોક્ટરની સારવાર માટે લઇ જવા પડ્યા..અને..’ આગળ મહેન્દ્ર પણ ન બોલી શક્યો.
આટલું સંભાળતા તો મેઘનાની ચીસ પડી ગઈ...
‘ઓ.....પપ્પાઆઆઆઆઆ..................’ કહીને જવાહરની છાતી પર માથું મુકીને મેઘના ધૂસકે ધ્રુસકે રડવાં લાગી,’
થોડીવાર પછી માંડ માંડ મહેન્દ્રએ મેઘનાને શાંત પાડીને પાણી પીવડાવ્યા પછી કહ્યું.
‘દીકરા, હું સવારે વહેલો આવીશ અને અડધી રાત્રે કંઈ પણ કામ હોય તો મને કોલ કરજે. અને મન શાંત કર. બધા મળીને કંઇક રસ્તો કાઢી કાઢીશું. હવે હું નીકળું દીકરા ૧૧ વાગવા આવ્યા છે.’
‘જવાહર તું કંઈ ચિંતા ન કરીશ, સવાર સુધીમાં કોઈને કોઈ રસ્તો શોધી કાઢીશું.’
બહાર નીકળતા ગેઇટ પાસે ઉભાં રહીને મહેન્દ્રએ કાર માંથી જવાહરના રીપોર્ટસ અને દવા આપતાં સમજાવતા કહ્યું.
‘તેમને ઇન્જેક્શન આપ્યું છે, એટલે સવાર સુધી તો એ કદાચ ઘેનમાં જ રહેશે. શક્ય તેટલો માનસિક આરામ તેમના સ્વાસ્થ્ય માટે ખાસ જરૂરી છે. તેને રૂપિયાની ચિંતા નથી પણ, બદનામીના ડરથી તે...
‘એક વાત કહું દીકરા, જવાહરના ઈજ્જતની કિંમત કિમત ૨૫ લાખ થી હજાર ગણી છે બસ, આટલું સમજી લે જે. બદનામી અને બે ઈજ્જતીનો આઘાત એ નહી જીરવી શકે. મને ખબર છે ઈજ્જત અને આબરૂ તેની મરણ મૂડી છે. આખી જિંદગી તેણે સંપતિ કરતાં સ્વાભિમાનને વધુ મહત્વ આપ્યું છે. હિંમત રાખ દીકરા જોઈએ શું થઇ શકે એમ છે. ને તારું પણ ધ્યાન રાખજે. આવજે.’
એમ કહીને મહેન્દ્ર કારમાં રવાના થઇ ગયા.
હવે મેઘનાને સમગ્ર ઘટનાની ગંભીરતાના આવનારા સમયમાં પડનારા પડઘાનો અંદાજો આવવા લાગ્યો. એટલે એક ઊંડો શ્વાસ ભરીને શક્ય એટલુ આત્મબળ સંકોરીને ચહેરો ધોઈને જવાહરલાલના બેડ પર આવીને બેસી. જવાહરની આંખો મીંચાયેલી હતી. અવિરત નીતરતાં આંસું સાથે મટકું માર્યા વિના મેઘના જવાહરના ચહેરા સામે બસ જોતી જ રહી.
જેના એક નિર્દોષ સ્મિત માત્ર પર મેઘના જીવી ઉઠતી તેના અસ્તિત્વની કિમત ફક્ત ૨૫ લાખ ? જવાહરના આઘાતની પીડા તેના ૨૪ કેરેટ જેવા સ્વાભિમાન પર થયેલા નિર્દયતાથી કરાયેલા કુઠરાઘાતનું પરિણામ હતી.
મેઘના કયાંય સુધી આંખો મીંચીને તેની અને જવાહરલાલની પીડા સાથે સમયચક્રના બે પડ વચ્ચે પીસાતી અને પીડાતી રહી.
અચાનક ઊભી થઈને પપ્પાના રૂમનો દરવાજો બંધ કરીને ડ્રોઈંગરૂમમાં આવીને સોફા પર આવીને ફસડાઈ પડી. મસ્તિષ્કમાં ચાલતાં રણભુમી જેવા મથામણના મનોમંથનથી સુનામીની માફક આવતાં હજારો વિચારોના વાવાઝોડાનો મહા મુશ્કિલથી સામનો કર્યા પછી, તેના મજબુર મનને મજબુત કરીને મેઘનાએ કોલ લગાવ્યો લલિતને.
સમય હતો ૧૧:૨૫
‘મેઘના’ ડિસ્પ્લે પર આ નામ વાંચતા જ એક ક્ષણ માટે તો લલિત ધબકારો ચુકી ગયો. આનંદ અને આશ્ચર્ય મિશ્રિત લાગણી સાથે લલિત બોલ્યો,
‘હેલ્લો,’
‘લલિત.... ક્યાં છે તું ?’
‘જી, ઘરે જ છું. કેમ શું થયું ? આટલી મોડી રાત્રે, એવેરીથીંગ ઈઝ ઓ.કે. ? નવાઈ સાથે સફાળા બેડ પરથી ઊભા થતાં લલિતએ પૂછ્યું.
‘તું....’ સ્હેજ અટક્યા પછી આગળ બોલી, ‘તને મળવું છે.’ સ્હેજ ઘબરાતાં મેઘના બોલી.
‘મને ? મળવું છે ? ક્યારે ?’ માથું ખંજવાળતા બાલ્કનીમાં આવતાં લલિત બોલ્યો.
‘હમણાં.’
‘પણ ક્યાં ? કેમ ?’ મેઘનાની વાત પરથી લલિતને ખ્યાલ આવ્યો કે કંઇક અઘટિત બન્યું છે.
‘મારા ઘરે આવી શકે ? ચહેરા પર હથેળી ફેરવતાં મેઘનાએ પૂછ્યું.
મેઘનાની વાત પરથી પરિસ્થિતિની ગંભીરતાનો તાગ લગાવતાં લલિતને થયું કે હવે આગળ એક પણ પ્રશ્ન પૂછીને મુર્ખ બની, અને સમય ગુમાવવા કરતાં નીકળી જવું બહેતર રહેશે.
‘જી, આવું છું ૧૫ મીનીટમાં’
‘હું રાહ જોઉં છું.’ મેઘના બોલી.
૧૧: ૫૫ થી ૧૨: ૪૫ સતત પચાસ મિનીટ મેઘના અને લલિત વચ્ચે ઘણી બધી ગંભીર વાટાઘાટના દોરની સમાપ્તિ બાદ, લલિતના રવાના થયાંના ૧૫ મિનીટ પછી.
સમય થયો. રાત્રીના ૧: ૧૫નો
રાજનના ફ્લેટની ડોરબેલ રણકી. રાજન અને તેનો ફ્રેન્ડ બંને ચોંકી ગયા,
અત્યારે ? કોણ હશે? રાજન એ મનોમન વિચાર્યું
ઝડપથી ડોર પાસે આવીને રાજનએ પૂછ્યું, “ કોણ છે ?’
‘મેઘના.’
મેઘનાનો અવાજ સાંભળીને એક જ સેકન્ડમાં રાજનએ ડોર ઓપન કરતાં સામે મેઘનાનો ચહેરો જોઈને રાજન સ્થિર થઇ ગયો. એક સાથે આવતાં અસંખ્ય વિચારોને પોઝ કરીને માત્ર એટલું જ બોલ્યો.
બોલ્યો,
‘આવ.’
અંદર આવ્યાં બાદ બે મિનીટ સુધી રાજનની સામે જોયા પછી.. હજુ કોઈ કશું વિચારે એ પહેલાં તો મેઘનાએ રાજનના ગાલ પર એક તમાચો ચોડી દીધો.. રાજન હજુ કંઈ સમજે કે કંઈ રીએક્ટ કરે ત્યાં તો બીજો તમાચો.. ત્રીજો.. ચોથો.. પાંચમો.. છઠો.....
‘કેમ... કેમ... કેમ... રાજન... કેમ.. તે આવું કર્યું .. આટલી મોટી દુનિયામાં બસ તને હું એક જ મળી. ઓ... રાજન... રાજન..’
એ પછી મેઘના ધૂસકે ધ્રુસકે.. ચોધાર આંસુએ રડતાં રડતાં રાજનના પગે પડી ગઈ.’
-વધુ આવતાં અંકે.
© વિજય રાવલ
'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.