હમેં તુમસે પ્યાર ઇતના - 5 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હમેં તુમસે પ્યાર ઇતના - 5

પ્રકરણ- પાંચમું/૫


રાજન એક ક્ષણ માટે પણ કંઇક વિચારે એ પહેલાં તો મેઘનાના રોદ્ર સ્વરૂપ સાથેના વીજળીની ચમકારાની ઝડપે રાજનના ગાલ પર સટાસટ ચોડી દીધેલાં સણસણતાં તમાચાથી રાજનનું સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠ્યું હતું. એક પણ શબ્દ બોલ્યા વિના રાજનએ તેના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડતી મેઘનાને ઊભી કરી.

ચહેરા પર આંસુ સાથે વીખરાઈને ચોંટેલા વાળ અને લાલચોળ આંખોથી અવિરત નીતરતી અશ્રુધારા સાથે મેઘના રાજનની આંખોમાં આંખો નાખીને બોલી.
‘રાજન....’ આટલું બોલતાં જ તેણે હથેળીએથી જોરથી મોં દબાવી દીધું.. રાજન હજુ કંઈ બોલવા જાય એ પહેલાં તો મેઘનાએ તેના નાક પર આંગળી મુકતા ચુપ રહેવાનું કહેતા બોલી .
‘સ્સ્સ્સસ્સશ્શ્સ........ચુપ,’ પ્લીઝ એક શબ્દ ન બોલીશ પ્લીઝ.’


‘રાજન... આ.. આ.. આપણી આખરી મુલાકાત છે. આજ પછી તું કે હું આપણે બંને એકબીજાને કોઈપણ સંજોગોમાં નહીં મળીયે. અ... અને... તું મને કશું જ નહીં પૂછે.
સમજી લે, આ દુનિયામાં ફક્ત એક તું જ એવો અપવાદ છે કે જેના માટે મેઘના વોરાના અધિકાર અને અસ્તિત્વ બન્ને હમેંશ માટે ખત્મ થઇ ગયા. બસ છેલ્લી એક જ આરજુ છે, હવે આ ઉકળતાં ચરુ જેવા ધગધગતાં શ્વાસ શક્ય એટલી ઝડપથી રૂંધાઇ જાય તેવી દુઆ કરજે. ક્ષણે ક્ષણે ચીરાતાં શ્વાસની પીડાની ચીસથી હું કપકપી ઉઠું છું. એક નહી પણ સાત ભવ તારી માટે જીવ આપી દઉં તો પણ, તું તો શું મને મારો ઈશ્વર પણ માફ નહી કરે.’
બંને હાથ જોડીને બસ રાજનની સામે જોઇને મેઘના ચોધાર આંસુ એ રડતી જ રહી.
રાજનની વિચારશક્તિ મૂક અને બધિર થઇ. મેઘનાના શબ્દોથી તેનું રોમ રોમ સળગતું હતું. મેઘનાની વાત પરથી રાજન માત્ર એટલું જ અનુમાન લગાવવા સમર્થ હતો કે હવે આ પરિસ્થિતિમાં શબ્દો સાવ જ નિરર્થક છે. હજુ રાજન તેની જાતને સંભાળે એ પહેલાં તો મેઘના તેના મોં પર હથેળી દાબીને ત્યાંથી નીકળીને તેના ઘર તરફ ઝડપી પગલે ચાલવા લાગી.

રાજન તેની નજર સામે એક ધસમસતાં ધોધ જેવા વિનાશક વાવઝોડાના પીડાદાયક પુરમાં તેના અરમાનના આશિયાનાને એક આંખના પલકારામાં ઢસડાઈ જતાં બસ એક બુતની માફક જોતો જ રહ્યો. મેઘનાના શૂળ જેવાં ભોંકાયેલા શબ્દાર્થની પીડાથી રાજનની વાચા અને વિચારશક્તિ બન્ને જાણે કે સિથીલ થઇ ગઈ હતી. તેના ફ્રેન્ડએ તેને પકડીને બેડ પર બેસાડ્યો. રાજન તરફથી તલ ભાર પણ પ્રતિસાદ નહતો. નજર જાણે જમીન સાથે ખોડાઈ ગઈ હતી.

‘રાજન... રાજન.. પ્લીઝ યાર.’ તેના મિત્રએ રાજનને ઢંઢોળતા કહ્યું.
રાજનએ ફક્ત નજર તેની સામે લઇ જતા માત્ર એટલું જ બોલ્યો,
‘હેં.’
રાજનનું માઈન્ડ ટોટલી બ્લેંક થઇ ગયું હતું. તેના કાનમાં પડઘાતા મેઘનાના આકરા પ્રહાર જેવા શબ્દોથી તેનું મસ્તિષ્ક વિચારશૂન્ય અવસ્થા જતું રહ્યું હતું. થોડીવાર પછી બેડમાં આડો પડ્યો. ફાટી આંખોના ડોળા છત પર ચોંટી ગયા હતા. તેની આંખો એક મટકું નહતી મારતી. કયાંય સુધી બસ એક જીવતી લાશની જેમ પડ્યો જ રહ્યો.
તેના મિત્રને લાગ્યું કે રાજન જે ઘટનાચક્રના આઘાતમાં ફંસાઈને પીડાઈ રહ્યો છે તેમાંથી બહાર આવતાં થોડો સમય લાગશે. એટલે હમણાં તેને ડીસ્ટર્બ કરવો યોગ્ય નથી. સમય જ તેનો મરહમ બનશે. એવું માનીને તે પણ તેના બેડમાં આડો પડતાં દસ મીનીટમાં ઊંઘી ગયો.


ઘરે આવ્યા પછી સૌ પહેલાં હળવેકથી જવાહરના રૂમમાં જઈને મેઘના એ જોયું તો જવાહર ઘસઘસાટ ઊંઘતાં હતા.પણ તે ઊંઘ નહતી. તેને આપેલાં ઇન્જેક્શનના લીધે ચડેલાં ઘેનની અસર હતી.

પાંચ મિનીટ પછી બહાર આવી, ફ્રેશ થઇ, પાણી પી અને પછી બાજુમાં આવેલાં તેના બેડરૂમમાં આવી, બેડ પર ફસડાઈને મોઢું ઓશિકા વચ્ચે દબાવીને ચોધાર આંસુએ રડતી રહી... સતત.

માત્ર પંચાવન મીનીટમાં જ મેઘનાની જિંદગી પૂર્વમાંથી પશ્ચિમ તરફ ઢળી ગઈ.

જેવો ૧૧:૫૫ લલિત તેની બાઈક ગેઇટ પાસે પાર્ક કરીને ફર્સ્ટ ટાઈમ મેઘનાના દ્વારે આવીને ઊભો રહ્યો ત્યાં જ મેઘના બોલી હતી.

‘આવ.’
મેઘનાનો ચહેરો જોઈને લલિત સમજી ગયો કે નક્કી કંઇક અજુગતું થયું છે.
એટલે તરતજ અધીરાઈથી લલિતએ પૂછ્યું,
‘શું થયું છે, મેઘના કંઇક કહીશ ?’
‘પ્લીઝ, બેસ...’ આટલું બોલતાં મેઘનાનું રુદન નિરંકુશ થઇ જતાં અશ્રુઓની સરવાણી સરકવા લાગી.

લલિત મેઘનાને પહેલીવાર રડતાં જોઈ રહ્યો હતો. મક્કમ અને મજબુત મનોબળ વાળી મેઘના રડે, અને એ પણ આ રીતે રડે, જોવાં છતાંયે લલિત માની જ નહતો શકતો.

‘અરે.. મેઘના, એવું તે શું થઇ ગયું છે ? વાત કર પ્લીઝ.’
બે મિનીટ પછી તેની જાતને સાંભળતા મેઘનાએ, જે કંઈ પણ બની ગયું તે વાત ડીટેઇલમાં લલિતને જણાવી.
‘ઓહ્હ.. પણ આ તો લીટરલી પ્રિપ્લાન કરીને અંકલને ષડ્યંત્રનો શિકાર બનાવ્યા છે.
આપણે લીગલ વે પર જવું જ જોઈએ. આપણે સાચા છીએ તો તેમાં ડરવાની શી જરૂર છે ?.’ પોલીસ અને એડવોકેટ બધા જ મારા ઓળખીતા છે.. એ તું ચિંતા...’

‘પ્લીઝ.’ લલિતને અટકાવતાં મેઘના બોલી. લલિત મારે એ ઈજ્જતના ફજેતાનો વરઘોડો નથી કાઢવો એટલે જ તને બોલાવ્યો છે. દુનિયાને શું તો પપ્પાને પણ ગંધ સુદ્ધાં ન આવે એ રીતે આ કારસ્તાનીઓના કૌભાંડની કુંપણ ફૂટે એ પહેલાં તેને મૂળમાં જ દાટી દેવી છે.’

‘પણ મેઘના કઈ રીતે? અધીરાઈથી લલિતે પૂછ્યું
‘રૂપિયા સિવાય આ આખી મેટરમાં કંઈ જ મહત્વનું નથી. અને કોઈપણ ક્રીટીકલ ફાઈનાન્સીયલ સિચ્યુએશનનું ઘડીના છટ્ઠા ભાગમાં કઈ રીતે સોલ્યુશન લાવવું એ તમારો ખાનદાની ધંધો છે એટલે જ તને બોલાવ્યો છે.’

થોડીવાર વિચાર્યા પછી લલિત બોલ્યો.
’૨૫ લાખ. એ નાની રકમ નથી, મેઘના.’
‘લલિત તું મને ઓપ્શન્સ આપ.’
‘આટલી રકમનું ગોલ્ડ અથવા કોઈ પ્રોપર્ટીના પેપર કંઈ ખરું ?”
‘ના.’
લલિત થોડો મુંજાયો. તેને મેઘનાને નિરાશ નહતી કરવી એટલે સમજવાની કોશિષ કરતાં પૂછ્યું ,’
‘તારા પપ્પાના કેસમાં સૌથી જટિલ સમસ્યા શું છે, એ તને ખબર છે ?’
‘ શું ?” આતુરતાથી મેઘનાએ પૂછ્યું
‘જો મેઘના, આ આખી મેટરમાં રૂપિયાની વ્યવસ્થા કરવાં કરતાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે પેમેન્ટ વ્હાઈટ મનીમાં કરવાનું છે. સૌથી પહેલાં તો આપણે ક્યાંયથી પણ ફાઈનાન્સની એરેજ્મેન્ટ કરીએ એ ઓન પેપર અને વ્હાઈટ મનીની કરવાની છે, તને સમજાય છે મારી વાત ? બે નંબરનો કોઈપણ વહીવટ હોત તો, હજુ આપણે બે-ચાર જગ્યાએથી થોડા ઘણાં ભેગાં કરીને આ ઘટનાનો ઘડો લાડવો કરી નાખીએ. પણ...’

લલિતની દીવા જેવી વાતથી હવે મેઘના વધુ ટેન્શનમાં આવી ગઈ. મેઘનાનો એક જ ટાર્ગેટ હતો કે કોઈપણ કાળે જવાહરલાલની આબરૂ પર દાગ ન લાગે. લાચારી ભરી નજરે લલિત સામે જોતાં મેઘના બોલી,
‘લલિત તારી ત્રણ પેઢીથી તમે માત્ર રૂપિયાની જ રમત રમો છો છતાંયે તારી પાસે આ ઉડતી આવેલી ઉપાધિનો કોઈ જ ઉપાય નથી ? લલિત તારા પર ભરોસો રાખીને તને શા માટે બોલાવ્યો ખબર છે ?
‘ના.’
‘તું એક જ એવો છે જે મારા આ પ્રોબ્લેમ પાછળની પીડાને સમજી શકે. બાકી દસ જગ્યાએ કોલ કરીશ એટલે મારી વાતને વાર્તાની જેમ બે કાન ખુલ્લાં રાખી, સાંભળીને ડીપ્લોમેટીક જવાબ આપી દેશે. આ મેટરને હું ટોલ્ક ઓફ ધ ટાઉન બનાવવા નથી માંગતી. લલિત, મેઘના વોરાએ તેની જિંદગીમાં પહેલીવાર આટલી લાચારીથી કોઈની સામે તેની ઝોળી ફેલાવી છે. તું જે રીતે મને ઓળખવાનો દાવો કરે છે ને એ દાવા ભરોસે તને કોલ કર્યો છે.’
આટલું બોલતા જ મેઘનાના ગળે ડૂમો ભરાઈ જતાં તેણે દુપટ્ટાથી તેનું મોં દબાવી દીધું.
મેઘનાનું આ સ્વરૂપ લલિતએ ક્યારેય ઈમેજીન નહતું કર્યું. મેઘના તેની મજબુરીની વ્યથાકથા વર્ણવાની મર્યાદા પૂરી કરી ચુકી હતી. હવે મેઘનાના પીડાની અગનઝાળ લલિતને મેઘના પ્રત્યેના કુણા વલણને પણ દઝાડતી હતી. મેઘનાને સાંત્વના આપતાં લલિત બોલ્યો.
‘અરે.. મેઘના પ્લીઝ. આપણે કંઇક રસ્તો કાઢીએ છીએ ને. તું સાવ જ આમ ભાંગી પડીશ તો કેમ ચાલશે ? પ્લીઝ ચલ, શાંત થઇ જા અને મોઢું ધોઈને પાણી પી લે પછી આગળ વાત કરીએ,પ્લીઝ.’

મેઘના ફ્રેશ થવા ગઈ અને લલિત આ આખી મેટરનું કઈ રીતે સોલ્યુશન લાવવું તેની વ્યુહરચના પાસાઓ ગોઠવવા માટે માનસિક કસરત કરવાં લાગ્યો.

મેઘના આવીને ફરી સોફા પર ગોઠવાઈ એટલે લલિતએ પૂછ્યું
‘મેઘના ખોટું ન લગાડીશ પણ.. તારી પાસે મોર્ગેજ મતલબ કે ગીરવે મુકવા માટે કંઈ જ નથી ?

લલિતની વાત સાંભળીને આંખમાં ઝળઝળિયાં આવતાં સ્હેજ સ્મિત સાથે મેઘના, લલિતની સામે જોઈને બોલી,
‘છે અને નથી પણ.’
‘મતલબ ?’ આશ્ચર્ય સાથે લલિત એ મેઘનાની સામે જોઈને પૂછ્યું
‘જે ગીરવે મુકવા જેવું છે તેની શું કિંમત ઉપજે તેની મને નથી ખબર.’
‘એવું તે શું છે ? મને કહે તો ખબર પડેને, કિંમત તો હું હમણાં જ નક્કી કરીને કહી દઉં. પણ છે શું ?”

સોફા પરથી ઉભાં થઈને લલિતના પગ પાસે બેસી, તેની આંખમાં જોઈને મેઘના બોલી,
‘મેઘના વોરા. બોલ લલિત શું કિંમત લગાવીશ મારી ?”
વીજળીનો કરંટ લાગે તેમ એક જ સેકન્ડમાં લલિત ઉભાં થઈને ધીમા અવાજે સ્હેજ ગુસ્સામાં બોલ્યો,
‘મેઘના, આ શું મજાક માંડી છે તે ? તને ભાન છે આ તું શું બોલી રહી છે ? આર યુ મેડ ?’
‘લલિત, મારા પપ્પા મજાક બને તેના કરતાં મેઘનાની જિંદગી મજાક બનશે એ હું જીરવી શકીશ. પપ્પાને આ ફ્રોડથી બચાવવા મને મેડ તો શું ડેડ થઇ જવું પણ મંજુર છે.’
સ્હેજ અકળાતાં લલિત બોલ્યો,
‘મેઘના..હું સમજુ છું તારી વેદના પણ, આ સમય પ્રેક્ટીકલ થવાનો છે, નઈ કે ઈમોશનલ.’

‘એક વાત પૂછું લલિત, ? મારી આંખોમાં આંખ નાખી અને તારા દિલ પર હાથ મુકીને જવાબ આપજે.’ લલિત સાથે નજર મીલાવતાં મેઘનાએ પૂછ્યું
‘હા. બોલ.’
‘માની લે કે આ સેમ સિચ્યુએશન તારી પત્ની પર આવી હોત તો ? તો પણ શું તું આવી રીતે ઉખાણાં સોલ્વ કરતો હોત કે..પછી ચપટી વગાડતાં આ પઝલ જેવી પળોજણને પળમાં ઉકેલી નાખી હોત. ?’

મેઘનાના સણસણતા સટીક સવાલથી લલિતના વિચારો જાણે કે કચકચાવીને ઈમરજન્સી બ્રેક મારતાં વ્હીકલ ચોંટી જાય તમે ખોડાઈ ગયા. આંખોના ડોળા ફાડીને મેઘના સામે જોઈ જ રહ્યો. શું અને કેમ રીએક્ટ કરીને મેઘનાના સવા લાખના સવાલનો જવાબ આપવા એ માટે લલિત ફસડાઈને સોફામાં બેસી ગયો.
મેઘના સમજી ગઈ કે લલિત પાસે જવાબ અને સોલ્યુશન બન્ને છે પણ, લલિતએ મુંજવણમાં હતો કે કઈ રીતે અને ક્યા મોઢે મેઘનાને કહેવું તેની શબ્દરચના ગોઠવવાની મથામણમાં હતો.


‘લલિત, એક વાત સાફ સાફ શબ્દોમાં કહી દઉં, હવે આ પ્રશ્ન મેઘના વોરાનો નથી, પણ...’
આગળના શબ્દો બોલતાં મેઘનાને એવો અહેસાસ થઇ રહી હતો જાણે કે અગ્નિસ્નાન કરી છે.’
‘હવે આ સવાલ મિસિસ લલિત નાણાવટીનો છે બસ,’
લલિતએ તેની આંખો બંધ કરી દીધી. એક સેકન્ડ માટે તેના શરીર માંથી એક લખલખું પસાર થઇ ગયું. લલિતને દુઃખ બસ એ જ વાતનું તેના જિંદગીની સુખદ ક્ષણ આવી કપરી પરિસ્થિતિમાં સામે આવશે ? તકદીરના ત્રાજવાના બન્ને પલડામાં સુખ અને દુઃખનું સંતોલન સંતુલિત હતું.

‘મેઘના આ ઘડીએ મારા માટે ખુબ મોટું ધર્મસંકટ ઉભું કર્યું છે.’
‘કેમ લલિત ? અને આમ પણ મેઘના વોરા તારી જીવનસાથી બને એ તારું એકમાત્ર ડ્રીમ હતું જ ને? અને મારા પપ્પાને નિમિત બનાવીને કુદરતે તારું સવ્પ્ન સાકાર કરવામાં સહાયતા કરી છે બસ.’

લલિતની શ્રવણશક્તિ અને સ્વાભિમાનને ચીરી નાખતાં મેઘના ચાબખા જેવા શબ્દોના વ્યંગબાણથી લલિતની હાલત ભર બજારે કોઈ સ્ત્રીની લુંટાયેલી ઈજ્જત જેવી થઇ ગઈ.
માંડ માંડ તેની બેકાબુ મનોસ્થિતિ પર કાબુ મેળવતાં અકળાઈને બોલ્યો.

‘પ્લીઝ..પ્લીઝ .... પ્લીઝ .. મેઘના પ્લીઝ... સ્ટોપ ઈટ પ્લીઝ.’
‘તારા પ્રત્યેના મારા પ્રેમ, લાગણી, આદર, સમ્માનની બસ આટલી જ કિંમત લાગવી ? મને મારી જાત પર એટલે ફિટકાર વરસાવવાનું મન થાય છે કે, હું તારા કોઈ કામમાં આવ્યો તે પણ વિધિની કેવી ક્રૂર રમતનો ભોગ બનીને ?’ લલિત આજે ખુદની નજરમાં લજ્જિત છે મેઘના..’
આટલું બોલીને લલિતની આંખો પણ વરસવા લાગી.

લલિત સામે જોઈ, બે હાથ જોડીને અશ્રુધારા સાથે મેઘના બોલી,
‘લલિત.... મારાં પપ્પાને બચાવી લે, મને મરતાં સુધી તારી દાસી બનીને રહેવું કબુલ છે.’
આંસુ લુંછતા લલિત બોલ્યો,
‘હવે આગળ એક શબ્દ પણ બોલીશ તો હું અહીંથી જતો રહીશ.’
થોડીવાર સુધી બંને ચુપ થઇ ગયા. ચૂપકીદીમાં બન્ને ચિંતન અને ચિંતા કરતાં રહ્યા પછી લલિત બોલ્યો.
‘મેઘના.... મારી પાસે એક ટ્રમ્પ કાર્ડ છે. તેને કેશ કરીને આપણે આ પ્રોબ્લેમનો ધ એન્ડ લાવી દઈશું.’
‘લલિત તને પ્રોબ્લેમ ન હોય તો હું જેમ બને તેમ જલ્દીથી તારી જોડે મેરેજ કરવા માંગું છું.’
‘પણ આટલી ઉતાવળ નું કંઈ કારણ ?’ નવાઈ લાગતાં મેઘનાએ પૂછ્યું
‘બસ, હવે શક્ય એટલું જલ્દી મેઘના વોરાની વેશભૂષા ઉતારીને મેઘના નાણાવટીમાં કાયાપ્રવેશ કરવો છે.’
‘જલ્દી એટલે કેટલું ?’ લલિતએ પૂછ્યું
‘મેક્ઝીમમ વન વીક.’ મેઘના બોલી.
‘ઠીક છે, જેવી તારી મરજી.’
‘હવે હું નીકળું મેઘના, કાફી મોડું થઇ ચુક્યું છે હવે બધું જ ભૂલી જા સમજી લે તોફાન શમી ગયું. આવતીકાલના સુર્યાસ્ત પહેલાં પપ્પા પણ ભૂલી જશે કે કાંઈ બન્યું હતું.’

‘લલિત એક રીક્વેસ્ટ છે, તે મારી મદદ કરી છે એવું કયાંય ડીકલેર નથી કરવાનું.’
બસ, આપણા મેરેજ ન થાય ત્યાં સુધી જ.’
‘નહી થાય, તું કહીશ ત્યાં સુધી, બસ.’ આટલું બળીને લલિત નીકળી ગયો.
મેઘના મનોમન બોલી તને ક્યાં ખબર છે કે તોફાન શમી ગયા પછીના તારાજીની કેવડી મોટી કિંમત ચુકવવાની છે.’
થોડીવાર તો એમ થયું કે કુદરત સાથે આપે તો હમણાં જ જીવ કાઢી નાખું. પણ, અહીં વાત જીવવા કે મરવાની નહતી, જવાહરને જીવાડવાની હતી. જે સૌથી અઘરું હતું. એટલે મેઘનાએ જવાહરને સ્હેજે ઉની આંચ ન આવે એ માટે તેના શ્વાસને હંમેશ માટે લલિત પાસે ઉછીના મુકીને પપ્પાને એક ગૌરવપૂર્ણ નવજીવન બક્ષવાનું નક્કી કરી લીધું.

રાજનને હંમેશ માટે તરછોડ્યા પહેલાં લલિતએ જાણે અજાણ્યે મુકેલી શરતો સાથે સમાધાન કરી, વિધાતાની મરજી માનીને આજીવન અગ્નિપરીક્ષા જેવા અગ્નિપથ પર ચાલવા માટે લલિત સામે હસતાં મોઢે મેઘનાએ સ્વયં શરણાગતિ સ્વીકારી લીધી.

મેઘના અને લલિતની પંચાવન મીનીટના ગંભીર વાતાલાપને અંતે મેઘનાએ તૂટેલા મનોબળ સાથે મારેલી મહોરથી પંચાવન વર્ષના જવાહરલાલની આવરદા અને આબરૂ બન્ને અકબંધ રહી ગયા.

રાત્રીના છેલ્લાં પ્રહર સુધી એક ઘટનાએ મેઘનાની જિંદગીના તમામ પાસા અને મનસુબા ઉલટ પલટ કરી નાખ્યાં. આખી રાત તેની જાતને વિધિની વક્રતાએ વિચોરના વલોણાં એટલી હચમચાવી કે એક રાતમાં તો મેઘનાએ તેની જાતને
વજ્રથી કઠોર કરી નાખી. આંસુઓને ઓગળી નાખ્યા. લાગણીઓને કડકાઈથી દિલનિકાલનો આદેશ આપી દીધો. બિન્દાસ, મસ્તીખોર,અલ્લડ.બેબાક મેઘના વોરાના એક એક અરમાનનું મુંગા મોઢે ગળું દબાવી દીધું.


સવારે જવાહરલાલ ઉઠતાં વેત તેની પાસે જઈને તેને વળગી પડતાં બોલી,
‘અરે... માય ડીયર ડેડુ, તમે તો એકદમ બિલકુલ ફ્રેશ લાગો છો.’
મેઘનાનું મનોબળ જોઈને જવાહરલાલને થોડી હિંમત આવી ગઈ.
‘હા, બેટા સારું લાગે છે.’ જવાહર બોલ્યા, મેઘનાની સામું જોઇને ફરી બોલ્યા.
‘પણ, આ તારી આંખો કેમ આટલી સૂજેલી અને લાલચોળ છે ?
‘અરે.. એ તો માળિયું સાફ કરતાં આંખમાં સ્હેજ તણખલા જેવું કશું પડ્યું’તું એટલે. તમને નબળાઈ જેવું લાગે છે, પપ્પા ? જવાહરના માથા પર હાથ ફેરવતાં મેઘનાએ પૂછ્યું
‘ના , દીકરા જરાય નહી.’
‘તો પપ્પા આપ ફ્રેશ થઇ જાઓ, હું તમારા માટે ગરમા ગરમ ચા,નાસ્તો લઇ આવું છું ચલો.’
‘ઓ.કે.’
જવાહરલાલ ફ્રેશ થાય ત્યાં સુધીમાં મેઘનાએ લલિતને જરૂરી સૂચનાઓ આપી અને મહેન્દ્ર જોશી સાથે અગત્યની ડીશકસ કરીને ટાઈમટેબલનું શેડ્યુલ ગોઠવી લીધુ.

ચિંતિત ચહેરે ચા સાથે નાસ્તો કરતાં જવાહરને મેઘનાએ પૂછ્યું
‘પપ્પા, બેંકમાં કેટલા વાગ્યે જવાનું છે ?’
‘કેમ ?’ આશ્ચર્ય સાથે જવાહરે પૂછ્યું
‘બસ , કઈ નહીં એ તમારું ગઈકાલનું જે કઇ છે એ પતાવવાનું છે એટલે.’
‘પતાવવાનું મતલબ ?’ ચાનો કપ ટીપોઈ પર મુકતા જવાહરે પૂછ્યું
‘અરે.. પેમેન્ટનું પપ્પા,’
‘દીકરા, ઇટ્સ મેટર ઓફ ટ્વેન્ટી ફાઈવ લેક. યુ નો ?”
‘યસ. પપ્પા. આઈ નો વેરી વેલ.’
‘તમને શું લાગે છે કે આ શહેરમાં બધા ફક્ત તમને જ ઓળખે છે. હું જવાહર વોરાની દીકરી છું સમજ્યા, મને પણ લોકો ઓળખે છે હો.’
‘એટલે ?’
‘એટલે એમ કે તમે હવે ફટાફટ તૈયાર થઇ જાઓ, પછી આપણે અને મહેન્દ્ર અંકલ સૌ બેંકમાં જઈને જે કંઈ પણ ફોર્માલીટીઝ છે, તે પૂરી કરીએ એટલે વાત પૂરી.’
‘પણ, દીકરા તું મને..’
‘પપ્પા, પેમેન્ટની વ્યવસ્થા થઇ ગઈ છે.’
‘પચ્ચીસ...લાખ ?’
‘યસ..પપ્પા, પચ્ચીસ લાખ. પપ્પા પ્લીઝ તમે જાઓને મારે એક બીજા પણ એક બીગ ગૂડ ન્યુઝ આપવાના છે.’
જવાહરલાલની આંખમાં છલકાઈ ગઈ. મેઘના ને ગળે વળગીને માત્ર એટલું જ બોલ્યા
‘મારો દીકરો.’


બેંકમાં જવાના ૧૦ મિનીટ પહેલાં મેઘનાએ નિશ્ચિંત લાગતાં જવાહરલાલની બાજુમાં સોફા પર બેસતાં કહ્યું,

‘પપ્પા, તમને ખબર છે ગઈકાલે હું તમારી એકદમ આતુરતાથી શા માટે રાહ જોઇને બેઠી હતી ? હું તમને વારે ઘડીએ કોલ કરીને પૂછ્યા કરતી હતી પપ્પા ક્યારે ઘરે આવશો ? કારણ કે, મારે એક ખાસ વાત તમને કહેવી હતી એટલે,’
મેઘનાના માથા પર હાથ ફેરવતાં જવાહરે પૂછ્યું,
‘એવી તે કઈ વાત હતી ?’
‘પપ્પા, તમારા આશિર્વાદ જોઈએ છે, હું.... મેરેજ કરવાં જઈ રહી છું.’
એટલું સાંભળતા તો જવાહરની આંખો હર્ષો ઉલ્લાસથી ભરાઈ આવી. પુત્રીના લગ્નની વાત એ બાપ માટે તો જાણે જિંદગીના સૌથી મોટા ઉત્સવનો મંગલ અવસર.
‘મેઘના.. દીકરા આજે હું અનહદ આનંદની લાગણી અનુભવું છું. મારે આ પ્રસંગ રંગેચંગે ઉજાળવો અને ઉજવવો છે. મન ભરીને નાચવું છે દીકરા. મારા મનનો મોટો ભાર ઉતારીને તે મને હળવા ફૂલ જેવો કરી દીધો દીકરા.’’
અને મેઘના જવાહરના ખોળામાં માથું નાખીને તેની કિસ્મતને કોસતી અને રડતી રહી.


એ પછી મેઘનાએ લલિત વિશે જાણકારી આપીને, બન્ને ઘણાં સમયથી એકબીજાના પ્રેમ સંબંધમાં છીએ એવી વાત કરી. અને એક વીકમાં લગ્ન કરવા ઇચ્છીએ છીએ.

૧૨ વાગ્યા સુધીમાં લલિતએ આંતરરાષ્ટ્રીય હવાલા મારફતે સેટિંગ કરીને રૂપિયા પચ્ચીસ લાખની ઓન પેપર વ્યવસ્થા કરીને સાંજના પાંચ વાગ્યા પહેલાં તો જવાહરલાલને વટથી તેના બેન્કના ડીરેકટર્સ દ્વારા ક્લીનચીટ અપાવી દીધી.

એ પછીના એક અઠવાડિયામાં મેઘનાના પ્લાનિંગ મુજબ લલિત અને મેઘના લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. જવાહરલાલએ તેની લાડકીને સાસરે વળાવવામાં કોઈ કસર નહતી રાખી.તો સામે લલિતએ પણ ધુમાડાબંધ પાણીની જેમ રૂપિયા ખર્ચીને જે ધૂમધામથી લગ્ન કર્યા તે જોઈને લોકો દંગ રહી ગયા લલિત તો એટલો ખુશ હતો જાણે કે સિકંદરની માફક દુનિયા જીતી લીધી હોય.


સુહાગરાતે મેઘના ફ્રેશ થઈને પારદર્શક ગાઉનમાં રૂમમાં એન્ટર થઇ. લલિત બેડમાં પડ્યો મેઘનાની પ્રતીક્ષામાં પડ્યો હતો બેડને અડીને આવેલાં કબાટમાં કશુંક શોધતી મેઘનાને લલિતે પૂછ્યું,
‘અરે.. ડાર્લિગ, હવે અત્યારે તને શું યાદ આવ્યું ?
‘પ્રાયશ્ચિત,’
ઓશિકાને બાથમાં લેતા લલિતએ પૂછ્યું
‘એટલે ? કેમ હજુ કોઈ વિધિ બાકી છે ?’
‘હજુ આપણા લગ્ન પુરા નથી થયા લલિત.’
‘હેય.. હું અત્યારે સોલીડ રોમાન્ટિક મૂડમાં છું, એ યાર તું આવા ઉખાણાં જેવી વાતો કેમ કરે છે, ડીયર ?’
ટેબલ પર એક લીક્વીડની શીશી મુકતા મેઘના બોલી.
‘એ ઉખાણાંનો જવાબ તારે આપવાનો છે એટલે.’
‘ઓયે, યાર મેઘના તું સાચે જ આજની આ રાત રંગીન કરવાના મૂડમાં લાગે છે. શું છે આ શીશીમાં ?’ પેલું એક્સ્ટ્રા એનર્જી ડ્રિંક યા જાપાની તેલ તો નથી ને... ઇસ રાત કી સુબહ નહી હે....’ બોલીને લલિત ખડખડાટ હસવાં લાગ્યો.

‘આ પોઈઝન છે, ઝેર,’ બારી પાસે જતા મેઘના બોલી
‘વ્હોટ.. પોઈઝન, આર યુ મેડ રીતસર બેડ પરથી જમ્પ મારીને મેઘના પાસે આવીએ
તેનો હાથ પકડતાં લલિત બોલ્યો.

‘હા, લલિત આ શીશીમાં ઝેર છે અને તે પણ સ્ટ્રોંગ.’
લલિતના તો હોંશ ઉડી ગયા. થોડીવાર પહેલાં ઉછળતા આવેગો અને ઉન્માદોનો પારો શૂન્ય પર આવીને શિથિલ થઇ ગયો


‘આર યુ જોકિંગ ?’ ઉડી ગયેલા ચહેરાના નુર સાથે લલિતએ પૂછ્યું
‘હું સીરીયસ છું અને તું હા કે ના કહે એટલે હું એ ઝેર પી જાઉં.

થોડીવાર તો લલિતને એમ થયું કે આ મેઘના જ છે કે બીજું કોઈ તેની હમશકલ.
તેના ગુસ્સાને કંટ્રોલ કરતાં લલિત બોલ્યો
‘મેઘના પ્લીઝ.. ડોન્ટ ક્રિએટ એની સીન, પ્લીઝ સે વોટ્સ ધ મેટર. જે હોય એ સાફ સાફ કહી દે હવે મારા દિમાગની નસો ફાટે છે,’
થોડીવાર લલિતની આંખોમાં જોયા પછી મેઘના બોલી.

‘આઈ એમ પ્રેગનેન્ટ.’

-વધુ આવતાં અંકે


© વિજય રાવલ

'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484