Hume tumse pyar itna - 7 books and stories free download online pdf in Gujarati

હમેં તુમસે પ્યાર ઇતના - 7

પ્રકરણ- સાતમું/૭


હવે સમય થયો વહેલી સવારના ૪:૨૫.

પાણીની બોટલ લઈને લલિત મેઘના પાસે આવ્યો, મેઘનાને બોટલ આપી,મેઘનાએ પાણી પીધું.પછી બેડપર મેઘનાની બાજુમાં બેસીને સામે જોઈને બોલ્યો,

‘મેઘના હવે આપણે રોજ ઝેર પીશું, તું, હું અને તારું આવનારું બાળક.’
આટલું બોલીને સોફા પર જઈને સુઈ ગયો.

જાણે કોઈ પંખી તનતોડ મહેનત કરી, એક એક તણખલું વીણી વીણીને તેનો મનગમતો માળો બનાવે, તેમ શબરીના બોરની માફક ચૂંટીને, સંઘરીને ગુંથી રાખેલી લલિતની શ્રદ્ધાના ધાગામાં પોરવેલા સપનનાની માળાના મણકા દગાના એક જ ઝાટકે તુટતાં, એક એક મણકા આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા. અને એ જાનલેવા ઝટકાની ઝણઝણાટથી લલિત છેક સવાર સુધી કાંપતો રહ્યો.

આંખ ખુલ્લી ત્યારે બેડ પર નજર કરીને જોયું તો મેઘના બેડ પર નહતી. સફાળો સોફા પરથી બેઠો થઇ ગયો. લાલચોળ આંખો ચોળતાં ચોળતાં રૂમમાં ચારે તરફ નજર દોડાવી, બાલ્કની તરફ પણ જોયું. અસહ્ય હેડેકના કારણે દિમાગની નસો ફાટતી હતી. કળતરની પીડાથી શરીર તૂટતું હતું. માંડ માંડ સોફા પરથી ઉભાં થઈને સ્લીપર શોધવા લાગ્યો. સ્લીપર ન મળ્યા એટલે ઉઘાડા પગે અટકાલેવું રૂમનું બારણું ઉઘાડીને પેસેજમાં આવીને ગેલેરીમાંથી ગ્રાઉન્ડ ફ્લોર પર નજર કરતાં ફળિયામાં જોયું તો તેના પિતાજી દિનકર નાણાવટી આરામ ખુરશીમાં બેસીને સમાચારપત્ર વાંચી રહ્યા હતાં. અને કિચનની બારી તરફ નજર નાખી તો સાડીમાં સજ્જ, સપૂર્ણ સંસ્કારી પુત્રવધુના ગેટઅપમાં મેઘના કિચનમાં કંઇક કામ કરી રહી હતી. એટલે મનમાં કશુંક બબડતાં રૂમમાં આવીને બેડ પર પડીને થોડીવાર આમ તેમ પડખાં ફરીને સુઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ઊંઘ ન આવતાં ડ્રોઅરમાં પડેલી સ્લીપિંગ પીલ યાદ આવતાં, તેમાંથી એક ગોળી ગળીને સુઈ ગયો.

‘પપ્પા, તમને હમણાં ફરીથી ચા આપું કે, થોડીવાર પછી પીશો ?’
કિચનમાંથી બહાર આવીને મેઘનાએ તેમના સસરા દિનકરને પૂછ્યું

ન્યુઝ પેપરમાંથી નજર હટાવતાં ચશ્માં સ્હેજ નીચા કરીને, ડોકું નીચું નમાવીને દિનકર બોલ્યા,

‘એય ને, એ પછી કહું, પહેલાં અહીં મારી પાસે આવી ને બેસ.’
બાજુમાં પડેલી ચેર ઉપાડીને દિનકરની આરામ ખુરશીની ડાબી સાઈડમાં રાખીને બેસતાં મેઘના બોલી,

‘હાં, પપ્પા બોલો.’
‘તારા જેવી ડાહી દીકરીને આ મારો ઘનચક્કર ક્યાં ભટકાઈ ગયો ?’

સહર્ષ લાગણી સભર દિનકરે વિનોદવૃત્તિમાં પુત્રવધુની પ્રસંશા કરતાં પૂછ્યું પણ, અજાણતાં જ નિસ્વાર્થ ભાવે કરેલી દિનકરની નાની અમથી વિનોદવૃત્તિથી મેઘનાના શાંત વિષાદમાં વમળો ઉઠ્યા. પ્રસંશા ઉપહાસ સ્વરૂપે પીડા બની ગઈ. અને કેટલું સત્ય,સચોટ અને વેધક વિધાન કર્યું હતું. ‘ક્યાં ભટકાઈ ગયો ?

છલોછલ ઢબુરેલી પીડાનું પાત્ર છલકાઈને ઢોળાઈ જાય એ પહેલાં એક ઊંડો શ્વાસ ભરી, ચિત સાથે શબ્દ સંતુલિત કરી, સસ્મિત સંવાદ સેતુ સાંધતા મેઘના બોલી,

‘લલિત સાથે પરણવા તો કોઈપણ સ્ત્રી રાજી થઇ જાય પણ, ઈશ્વરનો કોઈ છુપો સંકેત કે મને નાણાવટી પરિવારની પુત્રવધુ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું,પપ્પા.’

આ રીતે સદાય માટે જાત સાથે સમાધાન કરી લીધા પછી સ્વને આશ્વાસન આપતાં મેઘના વોરાએ નાણાવટી પરિવારની પુત્રવધુના કિરદારમાં પરકાયા પ્રવેશનો પ્રારંભ કરી દીધો હતો.

‘પણ દીકરા એ તો કહે કે.. તમે બંને કેટલા સમયથી પરિચયમાં છો ? અને લલિત એ અચાનક જ લગ્નની વાત કરી એટલે મને જરા નવાઈ લાગી’ ‘

ન્યુઝ પેપરની ગડી વાળીને ટીપોઈ પર મુકતા દિનકરે પૂછ્યું.

‘અમે બંને તો એકબીજા સાથે કોલેજ કાળથી પરિચિત છીએ. પ્રારંભિક પરિચય પછી
ઘનિષ્ટ મિત્ર બન્યા. એ પછી એકબીજાની પસંદ બની ગયા. પપ્પા તરફથી મને મનગમતો જીવનસાથી પસંદ કરવાની લીલીઝંડી ક્યારની’યે મળી ગઈ હતી. અને અચનાક એક દીવસ વિચાર સુજ્યો કે સૌને સરપ્રાઈઝ આપીએ. અને બસ આ રીતે હંમેશ માટે એક અતુટ સંબંધમાં જોડાઈ ગયા.’

‘પણ દીકરા આમ અચનાક ધબકારા વધારી દે એવી ધીંગામસ્તી જેવી શરારત સુઝી કોને ?

ધીંગામસ્તી નહીં, પણ વિધાતાને ચડેલા કારમી અને ક્રૂર દગા જેવા વિચિત્ર શરારતના શુરાતનને છેવટે સરપ્રાઈઝના વાઘા પહેરાવીને હસતાં મોઢે હું કઠપુતલીની જેમ નાચતી રહી અને સૌ ખુશખુશાલ થઈને તાળીઓ પડતાં રહ્યા.
આવું મેઘના મનોમન બોલી.


‘પણ, પપ્પા ધબકારા વધી જાય એવી ધીંગામસ્તીની ધારાવાહિકનો એ લાસ્ટ એપિસોડ હતો. હવે મારે એ ન ભૂલવું જોઈએ કે, હું મેઘના વોરા નથી, મેઘના નાણાવટી છું.’


‘અમારો લલિત એટલો શરમાળ છે કે, તમે બન્ને છેક લગ્ન કરવા સુધીના નિર્ણય સુધી પહોંચી ગયા ત્યાં સુધી કોઈ દિવસ તારો કે તારા પરિવારનો તેણે મારી પાસે એ વાતનો ઉલ્લેખ સુદ્ધાં નથી કર્યો બોલ. એની મા હયાત હોત તો શાયદ....’

આટલું બોલીને દિનકર અટકી ગયા.

‘કેમ, અટકી ગયા પપ્પા ? શું થયું હતું એમને ?

‘લલિત જયારે દસેક વર્ષનો હતો ત્યારે લલિતને બચવવા જતા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના બે દિવસ બાદ અમને બંનેને રડતાં મુકીને ઈશ્વરના ધામમાં ચાલી નીકળી. આ લલિત અસ્સલ એની મા પર ગયો છે.
કંઈ વાત હશે તો કોઈને કહેશે નહી બસ, મનમાં ને મનમાં ઘુંટાયા કરશે. પણ હવે તારા આવ્યા પછી હું સાવ નિશ્ચિંત થઇ ગયો છું.’

‘ચાલ દીકરા હવે મને ફરી એકવાર તારા હાથની મસ્ત મસાલેદાર ચા પીવડાવી દે એટલે પછી હું તૈયાર થઈને પેઢી એ જવા નીકળું.’

કલાક પછી તૈયાર થઈને રાબેતા મુજબના સમય અનુસાર દિનકર નીકળ્યા પેઢીએ જવા. જતા જતા મેઘનાને સંબોધતા બોલ્યા,

‘દીકરા, લલિત ઉઠે ત્યારે એને કહેજે કે.. પેઢીએ નહીં આવ તો ચાલશે પણ તમે બંને મંદિરે જઈને કુળદેવી સામે માથું જરૂર ટેકવી આવજો.’
‘જી, પપ્પા.’

દસ મિનીટ પછી મેઘના તેમના બેડરૂમમાં આવીને જોયું તો બેડ અને લલિત બન્ને અસ્તવ્યસ્ત હતા. ઊંઘની ટેબ્લેટની અસરથી લલિત ગાઢ નિંદ્રામાં હતો. લલિતની ઊંઘમાં ખલેલ ન પહોંચે એટલે મોબાઈલની સાથે સાથે જાતને પણ સાઈલેન્ટ મોડ પર મુકીને મેઘનાએ ચુપચાપ સોફા પર જઈને આડા પડવાનું વિચાર્યું. હજુ મેઘના આડી પડે એ પહેલાં તો કયારના મર્યાદાની આડશમાં રોકી રાખેલા આસુંઓ ટપોટપ પડવાં લાગ્યા. ડૂસકું બહાર ન આવે એટલે જમણા હાથના હથેળીની ચાર આંગળીઓ મોં પર દાબી દીધી.

થોડીવાર આંખો બંધ કરીને પડી રહી. છેક તળ સુધી ખુંપી ગયેલી વ્હાલની જેમ ફૂટી નીકળેલા વાંસની ફાંસના પીડાની કળતર આજીવન રહેશે એ વાતથી મેઘના ખુબ સારી રીતે વાકેફ હતી. હવે પછી ભૂલે ચુકે પણ આગળના સાંસારિક જીવનમાં અતીતના એ સદમા, સંકટ કે સંતાપનો સ્હેજ સિસકારો પણ કયારેય તેના સંવાદમાં ન સંભળાય તે મેઘનાના સ્વસ્થ, શાંત અને સંતોષકારક ભવિષ્યને સંતુલિત કરવા માટે અનિવાર્ય હતું.


મોબાઈલની સ્ક્રીન પર ફ્લેશ લાઈટ થતાં જોયું તો જવાહરલાલનો કોલ હતો.
હળવેકથી ઊભી થઈને બેડરૂમની બહાર આવે ત્યાં સુધીમાં રીંગ પૂરી થઇ ગઈ.

મેઘનાએ સામેથી નંબર ડાયલ કર્યો,

‘હેલ્લો..પપ્પા.’
આટલું બોલતા મેઘનાનું ગળું ભરાઈ આવ્યું પણ બીજી જ પળે સ્વસ્થ થઇ ગઈ.

‘શું કરે મારો તોફાની દીકરો ?’

‘કંઈ નહી પપ્પા, બસ જો ઉઠીને કિચનમાં થોડું કામકાજ સમજવાની કોશિષ કરી. લલિત હજુ સૂતો છે, અને મારા સસરા ગયા પેઢી પર. હું બસ તમને જ યાદ કરતી હતી અને ત્યાં જ તમારો..’ આગળ બોલતા સ્હેજ અટકી ગઈ. પછી બોલી.

‘તમે... કેમ છો પપ્પા ? નાસ્તો કર્યો હતો ? બી.પી. અને સુગરની ટેબ્લેટ્સ યાદ કરીને લીધી હતી. ? લંચ બોક્ષનું શું કર્યું ? અને...’ ચુપચાપ સરી જતા આંસુઓ સાથે મેઘના સવાલો પૂછતી રહી.

‘અરે... હા દીકરા હા. બધું જ સંભારી કરીને ચીવટથી કરી લીધું છે. બસ એક તારી ગેરહાજરીને બાદ કરતાં.’
લાગણીવશ થઈને જવાહરલાલ બોલ્યા.

‘પપ્પા...અહીં જ તો છું. ફક્ત એક કોલ જેટલી દુર. તમે કહો ત્યારે હાજર થઇ જઈશ બસ.’

‘ઠીક છે રાત્રે કોલ કરીશ ઓ.કે.’
‘જી પપ્પા.’
હવે સમય થયો હતો સવારના અગિયાર વાગ્યાનો.
કોલ કટ કરીને જેવું પાછળ ફરીને જોયું તો મેઘનાની જાણ બહાર લલિત તેની વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. મેઘનાને મનોમન થયું આવું તો હવે લાઈફ ટાઈમ ચલાય જ કરવાનું છે. લલિતની નજીક જતા બોલી,
‘ડુ યુ ફીલ યુ બેટર ? ચા અહીં ઉપર બેડરૂમમાં લઇ આવું કે, તું નીચે આવે છે ?
'લલીતની આંખો હજુ લાલ હતી. થોડીવાર મેઘનાની સામે જોઈ રહ્યા પછી બોલ્યો,
‘અહીં ઉપર લઇ આવ.’
‘ઓન્લી ચા કે સાથે કંઈ લઈશ ?’
‘ઓન્લી ચા.’

ફર્સ્ટ ફ્લોર પરથી મેઘના જેમ જેમ લાકડાના દાદરાનું એક એક પગથિયું ઉતરતી હતી તેમ તેમ તેના દિમાગમાં લલિતના હવે પછીના રીએક્શનનું ઈમેજીન કરીને વિચારો ચડતા હતા.

ગેસ સ્ટવ પરની તપેલીમાં રંગ પકડીને ઉકળતી ચા સાથે ઉચાટ ભર્યા મેઘનાના મનના વિચારો પણ ઉભરાવવા લાગ્યા.

લમણા પર હાથ ટેકવીને બેડ પર પડેલા લલિતની નજર સામે ગતરાત્રીના એક એક દ્રશ્યનું ઘટનાચક્ર ફરવા લાગ્યું. એક એક સંવાદ તેના કાનમાં પડઘાવા લાગ્યા.

‘હું પ્રેગનેન્ટ છું.... હું પ્રેગનેન્ટ છું...... હું પ્રેગનેન્ટ છું...’

જેવી મેઘના ટ્રે લઈને રૂમમાં દાખલ થઇ તેવો તરત જ લલિત બેડ પરથી ઊભો થઈને વોશરૂમમાં જતો રહ્યો.

ટી પોટ સાથેની ટ્રે ટેબલ પર મુકીને મેઘના બેડ વ્યવસ્થિત કરવા લાગી. બેડશીટની સાથે સાથે દાંપત્યજીવન પર પડેલી કરચલીઓ પણ દુર કરવાની હતી. લલિત બહાર આવીને બાલ્કનીમાં જતો રહ્યો. મેઘના ચા નો કપ ભરી, બાલ્કનીમાં જઈને લલિતના હાથમાં આપ્યો.

કપ હાથમાં લઈને મેઘના સામે જોઈ રહ્યો. એટલે મેઘનાએ પૂછ્યું
‘કંઈ બોલીશ ?
સ્હેજ માર્મિક સ્મિત સાથે હસતાં નજર ફેરવીને બોલ્યો.
‘હું વિચારતો હતો કે ગેંડાથી પણ વધુ સખ્ત ચામડી કોની હશે ? પણ આજે તને જોઇને જવાબ મળી ગયો.’
હલ્કા એવા ઝાટકાથી પણ ચામડી ઉતરડી નાખે એવા શબ્દ ચાબખાના માર સહન કરવાની સહનશક્તિ હવે મેઘનાએ કેળવવાની હતી.
ચહેરા પર કોઈપણ જાતના પ્રતિભાવ લાવ્યા વગર મેઘના બોલી,
‘થોડા દિવસો પછી મારામાં કોઈપણ જનાવરના લક્ષણ દેખાવાના બાકી નહીં રહે.પણ મને ખુશી એ વાતની છે કે હું તારી અપેક્ષા પર ખરી ઉતરું છું. મારે મન તો એ મોટી વાત છે કે તું મારો સ્વીકાર કરે છે, એ પછી ઇન્સાન કે જાનવર, કોઈપણ સ્વરૂપે મને કોઈ ફર્ક નથી પડતો.’

‘તારામાં લાજ, શરમ જેવી કોઈ ચીજ છે કે નહીં ? આટલાં મોટા બર્નિંગ ઇસ્યુને લઈને માત્ર ચારથી પાંચ કલાકના ગાળામાં તું આટલી બેશરમ થઈને નોર્મલ કઈ રીતે થઇ શકે ? તારામાં માણસાઈ છે કે વેચી મારી છે ? અહિયાં હજુ મારું રોમ રોમ સળગે છે અને તારા આંખની શરમ પણ મરી પરવારી. તને એમ કે તું કોઈ ફિલ્મી સ્ટોરીની જેમ લલિતને વાર્તા સંભળાવીશ અને લલિત તારા પ્રેમ માટે ગર્વથી કોઈની ગંદકીનો ગાળિયો તેના ગાળામાં પહેરીને બલિદાન આપી દેશે એમ ? લલિત નામના બકરાની બલી ચડાવીને એકસાથે તે કેટલી માનતા પૂરી કરી ?

લલિતના આવા આકરા અપેક્ષિત બેહેવિયરના અનુમાનથી મેઘના મેન્ટલી પ્રીપેર જ હતી. કોઈપણ પ્રકારનો પ્રતિકાર કર્યા વગર ચુપચાપ લલિતના શાબ્દિક પ્રહારને સાંભળતી રહી.

થોડીવાર વાર પછી એક નિશાસો નાખતા મેઘના બોલી,
‘લલિત, ઝેર પીવા સુધીની તૈયારી સાથે મેં આ ઘરમાં પગ મુક્યો છે. અને મારી અક્ષમ્ય ભૂલ માટે તારા યોગ્ય આક્રોશ અને કોઈપણ કક્ષા સુધીના શબ્દપ્રયોગનો હું શું પ્રત્યુતર આપું ? તારી ગુન્હેગાર છું, તું જે સજા આપે એ હસતાં મોઢે કબુલ છે.
એક મારા સત્યથી કહેવાથી કેટકેટલાં આળ લગાવીશ મારાં પર ? ગઈકાલ સુધી જે મેઘનાની એક ઝલક જોવા કે સાંભળવા તરસતાં હતા, એ મેઘનાના પ્ર્યાસ્ચિત રૂપે કહેવાયેલા એક સત્ય માત્રથી મેઘના જાનવરથી પણ બદ્દતર થઇ ગઈ ?

બાલ્કનીમાંથી આવીને લલિત સોફા પર આડો પડ્યો એટલે મેઘના તેની બાજુમાં આવીને બેસી.

‘લલિત તારા મનમાં શું ચાલી રહ્યું છે ? મને તારી દરેક શરતો મંજુર છે. જેટલો પણ ગુસ્સો છે ઠાલવી દે. મારા બાળકના ગર્ભપાત સિવાયના તારા કોઈપણ નિર્ણયનો હું સ્હેજ પણ વિરોધ કર્યા વિના સ્વીકાર કરી લઈશ. પણ તું એકવાર બોલ.’

લલિત થોડીવાર શાંત થવાની કોશિષ કરતો આંખો મીંચીને નિશબ્દ થઈને પડી રહ્યો.

ત્યારબાદ બેસીને મેઘનાની આંખોમાં જોઈને બોલ્યો,

‘મેઘના, હવે તું તારો જીવ આપી દઈશ તો પણ લલિત નાણાવટી મેઘનાનો આજીવન સ્વીકાર નહી જ કરે. આજથી તું અને હું માત્ર એકબીજા સાથે, એક છત નીચે ફક્ત અને ફક્ત નામ માત્રના સંબંધથી જોડાયેલા રહીશું. હું મરતાં સુધી તને માફ નહીં કરું. અને તારા આવનારા બાળકને લલિતની નફરત સિવાય કઈ જ નહી મળે. તું મારા સંબંધથી આઝાદ છે. તારો મારા પરનો હક્ક હવેથી ફક્ત કાગળ પર જ રહશે. આજથી તું મને કે હું તને કોઈ એકબીજાને કોઈપણ જાતના સવાલ જવાબ આપવા માટે બંધાયેલા નથી. બસ.’

આટલું બોલતા લલિતની આંખો માંથી અશ્રુની સરવાણી ફૂટી નીકળી.’

લલિતના ઉકળાટનો અતિરેક જોતા આ સમયે મેઘનાને ચુપ રહેવું ઉચિત લાગ્યું.
સમય જતાં સૌ સારાવાના થઇ જશે એવું મેઘનાએ વિચાર્યું.

લલિતને મૂડમાં લાવવાના આશયથી ટોપીક ચેન્જ કરતાં મેઘના બોલી,
‘પપ્પા એમ કહીને ગયા છે કે, પેઢીએ નહી જાઓ તો ચલાશે પણ, મંદિરે જઈને કુળદેવીના આશિર્વાદ ભૂલ્યા વગર લઇ આવજો.’


લલિત તરફથી કોઈ પ્રત્યુતર નહીં. એટલે મેઘનાએ ફેરવીને પૂછ્યું,
‘તું નાસ્તામાં શું લઈશ ?
જવાબ આપ્યા વગર લલિત નાહવા જતો રહ્યો.

સાંજના સાતેક વાગ્યાની આસપાસ બન્ને આવ્યા મંદિરે.

લલિત ફટાફટ દર્શન કરીને બહાર આવીને પગથિયાં પર બેસી ગયો. તેના મનમાં હજુ એટલો જ ઉચાટ હતો. મંદિરમાં આવતાં કપલ્સની ખુશી જોઇને લલિતની માંડ માંડ શાંત થવા જઈ રહેલા આક્રોશની આગને હવા મળતી હતી.

થોડીવાર પછી લાલ સાડીમાં સજ્જ મેઘનાએ આવીને લલિતના હથેળીમાં પ્રસાદ આપતાં પગથિયાં પર તેની બાજુમાં બેસતાં બોલી,
‘સંધ્યાનું કેટલું મસ્ત આલ્હાદક વાતાવરણ લાગે છે ને લલિત ?

ઊભા થતાં લલિત બોલ્યો,
‘ચલ, નીકળીએ.’
‘અરે, હજુ આવ્યાને દસ મીનીટ પણ નથી થઇ. થોડીવાર બેસને, પછી જઈએ છે. શું ઉતાવળ છે ?’

મેઘનાની સામે જોયા વગર જ ચાલવાં લાગતાં બોલ્યો,
‘તારે બેસવું હોય તો બેસ હું જાઉં છું. મન થાય ત્યારે આવતી રે જે ઘરે.’
મેઘનાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
લલિત જતો રહ્યો અને મેઘના બેસી રહી.

સંધ્યાની લાલી મેઘનાની આંખમાં ઉતરી આવી. આકાશ સામે જોઇને મનોમન બોલી.
કોઈ સિતમ બાકી ન રાખીશ. જોઉં છું પહેલાં કોણ થાકે છે ?

કયાંય સુધી નીચું માથું કરીને ચુપચાપ બેસી રહી.
ત્યાં જ તેના મોબાઈલમાં રીંગ વાગી
કોઈ અજાણ્યો નંબર હતો.
‘હેલ્લો..’ મેઘનાએ પૂછ્યું
‘આપ મેઘના વોરા બોલો છો ?’
‘હા, જી આપ કોણ ?’
‘હું સરફરાઝ, રાજનનો રૂમમેટ. તે દિવસે રાત્રે તમે આવેલાં અને.... .’
રાજનનું નામ સાંભળતા જ મેઘનાના ધબકારાના ગતિની માત્રા અનેક ગણી વધી ગઈ.
‘પણ તમારી પાસે મારો નંબર કયાંથી આવ્યો ?
‘મહા મુશ્કિલથી તમારાં પાડોશી પાસેથી તમારો નંબર મેળવ્યો છે.’
‘શું કામ છે તમને મારું ? સ્હેજ ગભરાતાં મેઘનાએ પૂછ્યું.
‘તમે આવ્યા હતાં, તે દિવસથી રાજન ગાયબ છે, તેમના પેરેન્ટ્સ પર એક ચિઠ્ઠી લખીને જતો રહ્યો છે. આજે આઠ દિવસથી તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ્ફ આવે છે. તેના પેરેન્ટ્સ પણ તેને શોધે છે. પણ કોઈ જ ભાળ મળતી નથી.’

-વધુ આવતાં અંકે.



© વિજય રાવલ

'હમેં તુમસે પ્યાર ઇતના’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484




બીજા રસપ્રદ વિકલ્પો