Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૩૫ - છેલ્લો ભાગ

મૃત્યુ પછીનું જીવન—૩૫

ગયા એપિસોડમાં આપણે જોયું, કે દેવદૂતો રાઘવને પ્રેત-વિશ્વમાં લઇ જાય છે, જ્યાં એક અલૌકિક, અજીબ અને અરેરાટીભર્યું વિશ્વ જોવા મળે છે; જ્યાં અનેક અંધકારના ગોળાઓ ચામાચીડિયાઓની સાથે લટકી રહ્યાં છે, જ્યાં ઘેરી ઉદાસીની તીવ્ર તરંગો વહી રહી હતી અને અવાવરુ વાવમાંથી ભયાનક ગંધ આવી રહી ...દેવદૂતોએ એને બતાવ્યું કે તીવ્ર વેર ભાવના, સત્તાની લાલસા , કે પકડી રાખવાની વૃત્તિ ...આ બધા કારણોને લીધે જયારે ચેતના ઉર્ધ્વગમન કરવાં નથી જ માંગતી, તો અમારે એમને આ પ્રેતયોનીમાં રાખવા પડે છે. એમણે રાઘવને પૂછ્યું, તને મંજુર છે,આ દુનિયામાં ચામાચીડિયાઓની સાથે લટકી રહેવાનું? હવે આગળ વાંચો...

“હવે અમે તને આનાથી અલગ એક બીજી જ દુનિયામાં લઇ જઈશું...” દેવદૂતો બોલ્યાં.

રાઘવ ફરી દેવદૂતો સાથે ઉડતા ઉડતા પહોચ્યો, શહેરની બહાર આવેલ એક આશ્રમમાં...રાઘવ એ જગ્યા ઓળખી ગયો..

તાજા કુમળા સૂર્યના કિરણોની સાથે અને પક્ષીઓનાં મધુર કલરવ સાથે આશ્રમમાં ચહલ પહલ શરુ થઇ હતી. અહી ચારે તરફ શાંતિ અને સુકુનનાં તરંગો વહેતા હતા. થોડી સ્ત્રીઓ સાફ-સફાઈના કામમાં વ્યસ્ત હતી, થોડી સ્ત્રીઓ મહારાજ સાથે રસોડામાં વ્યસ્ત હતી, થોડી સ્ત્રીઓ બીજા રૂમમાં ખાખરા-પાપડના ગૃહ-ઉદ્યોગના કામમાં વ્યસ્ત હતી. બરાબર આઠનાં ટકોરા થતાં, વિશાળ ચોગાનમાં બનાવેલી વિશાળ પ્રતિમા પાસે બધાં ભેગાં થયાં. અને સમૂહ પ્રાર્થના કરવા બધાય શિસ્તથી ગોઠવાઈ ગયા.

રાઘવ જઈને પ્રતિમાને વળગી પડ્યો. એ એની બાની પ્રતિમા હતી. આ આશ્રમ એની બાની યાદમાં બનાવેલ નારીનિકેતન હતું, જ્યાં દર મહિને જઈને રાઘવ આ સૌ નિરાધાર સ્ત્રીઓની જરૂરીયાતોનું ધ્યાન રાખતો. આ બધી સ્ત્રીઓને કોઈ જ અપેક્ષા વિના અહી આશરો આપ્યો હતો. એ જ અપેક્ષાએ, કે એ એની બા જેવી લાચારી બીજી સ્ત્રીઓમાં નહીં જોવા માંગતો હતો અને આજે એ જ બધી સ્ત્રીઓ એનો ફોટો મુકીને, એની સદગતિ માટે દિલથી પ્રાર્થના કરી રહી હતી. આ બધુય જોઇને રાઘવ ખુબ જ લાગણીશીલ થઇ ગયો.

“અહીં દરેક સ્ત્રીઓ તારો આભાર માનીને જમે છે, નિશ્ચિંત થઈને સુઈ શકે છે, કોઈ ડર વિના...આજે રાઘવ શરીરથી જીવિત નથી ; પણ શું આ બધાનાં હદયમાં જીવિત છે કે નહી? ”

રાઘવના જીવનની નિરર્થકતા વિશે પુછ્યેલ સવાલનો દેવદૂતો તરફથી આ જવાબ હતો.

પછી દેવદૂતો એને બીજી એક જગ્યાએ લઇ ગયા; જ્યાં બિમાર દર્દીઓ દર્દ લઈને પ્રવેશતાં હતાં અને પોતાની બીમારીએ શરીર અને મન પર છોડેલાં ઘહાવ પર આશા અને સમાધાનનાં મલ્હમ લઇને બહાર નીકળતાં હતાં. ડોકટરના આટલા સેવાભાવી પ્રયત્નોને બિરદાવવા અને આગળ વધવાના આશીર્વાદ આપવા રાઘવ અંદર ગયો, ડોક્ટરની કેબીનમાં...ત્યાં એની બાનો મોટો ફોટો જોઈ એ ખુશ થઇ ગયો... આ એ જ ડોક્ટર હતો, જેની પાસે ખુબ જ હોશિયારી હોવા છતાં મેડીકલની ફીઝ આપવાના પૈસા નહોતા અને રાઘવે એની મેડીકલ ફીઝની અને હોસ્પીટલ બનાવવાની જવાબદારી ઉઠાવી હતી. પૈસાનાં અભાવથી થયેલાં એની બાના મોતને એ બદલી તો નહી શકવાનો હતો, પણ બીજા કોઈ જીંદગીને તો એ લાચારીથી ઉગારી શકશે , એવી કંઈક આશાથી ...

“ રાઘવ, આ ડોક્ટરને પુછ, એનાં હદયમાં તુ જીવે છે કે નહીં, જેણે એની હોસ્પિટલનું નામ જ તારા નામથી રાખ્યું છે અને રોજ તારી બાના ફોટા પાસે ધૂપ દીપ કરે છે? ”

“પણ, તોયે મને લાગે છે કે શું મતલબ આ જીવનનો, આખરે તો આ બધી માયા જ હતીને? હવે આપના કહેવા પ્રમાણે મને ફરી જન્મ મળશે, તો એનો પણ અંત તો આ ‘મોત’ જ હશે ને? બસ આ મોતને પામવા માટે લોકો જીવનભર જીવ્યા જ કરે છે ?”

“જન્મ અને મોત પણ વચ્ચે એક શબ્દ આવે છે, એ છે ‘કર્મ ’. તમે તમારા કર્મથી જ બધુય સર્જન કરો છો.”

“અને જે તને અંત લાગે છે, એ પૂર્ણ વિરામ નથી; પણ અલ્પવિરામ છે, આ વિકસતી દુનિયામાં .’’

“એવું નથી કે તમે મૃત્યુ પછી કંઇ જ નથી લઇ જતા. તમે ઘણું બધું લઇ જાઓ છો, તમારા સારા–ખરાબ કર્મોનો ભાર, તમે વિકસિત કરેલ તમારી ટેવોની આત્મા પર પડેલ અસર, તમારો આધ્યાત્મિક અને માનસિક વિકાસ... આ બધુ જ તમારી સાથે આવે છે બીજા જન્મમાં પણ... તેથી જ તો એકસરખા બે જોડિયા બાળકોમાં પણ ટેવો અને સંસ્કારોનો ભેદ જોવા મળે છે.

એકસરખુ જ જીવન તને પણ મળ્યુ તુ, રાશીદને પણ મળ્યુ તુ. લગભગ સમાન તકલીફો અને સમાન તકો બંનેને મળી; તુ આ બધામાં તારા સારા કર્મોના બીજ રોપીને ઉગી નીકળ્યો ચારે દિશામાંથી અને મ્હોરતો રહેશે; આગળ વધતો રહેશે, તારા વાવેલાં બીજ થકી અને રાશીદ મરી ગયો , કાયમને માટે..” બીજા દેવદૂત બોલ્યા.

“જીવન એ ધબકારનું નામ છે, જ્યાં હર ઘડી તમે કોઈ ને કોઈ સ્વરૂપે કંઈ સર્જન કરો છો; પછી એ વિચાર સ્વરૂપે હોય, વાઈબ્રેશન સ્વરૂપે હોય, વાણી સ્વરૂપે હોય કે એક્શન સ્વરૂપે .અને જે સર્જન કરો છો ,એ તમારું કર્મ છે; જેનાં ફળના જવાબદાર તમે છો. દરેક કર્મ તમને જે તે દિશામાં આગળ વધારતુ જાય છે અને એ જ તમારી ડેસ્ટીની બને છે...’’

“પણ એવું કોઈ હશે, જે મર્યા પછી પણ જીવ્યું હોય? ”

“જીવન અહીં અનેકને મળે છે, પણ જે બીજાને કંઈ આપી જાય છે, એ મરીને પણ અમર થઇ જાય છે ..”

“બોલ રાઘવ હવે તારો નિર્ણય શું છે? તારે અમારી સાથે આવવું છે કે પછી પ્રેતયોનીમાં...?”

“હા, હું તૈયાર છું આવવા માટે, મારા દરેક પ્રશ્નોનું મને આજે સમાધાન મળ્યું છે.”

* * *

આ તરફ બન્ને ભાઈઓ આખો દિવસ પિતાના પીંડદાનની વિધિ પતાવીને થાકીને સુઈ ગયા...

અને ગાઢ નિંદ્રાવસ્થામાં અંશે એનાં પિતાને સફેદ પ્રકાશ સ્વરૂપે સામે આવેલાં જોયાં....

“અંશ, તારી અંદર ઉગતા રાઘવને હું જોઈ રહ્યો છું...! હું રાઘવ બન્યો નહોતો, મારા સંજોગોએ મને રાઘવ બનાવ્યો. મારી પાસે ચોઈસ હોત, તો હું જરૂર સમીર કે અંશ બનવાનું પસંદ કરતે.

પણ તું રાઘવ બની રહ્યો છે, કદાચ એટલે કે તેં રાઘવને બનતા જોયો છે નાનપણથી ... તું ધારે તો તુ ઘણો સારો માણસ બની શકે, જરૂર છે તારે તારા વર્તન તરફ જાગૃત રહેવાની...

મારી લડાઈ હમેશાં મારી ડેસ્ટીની સાથે રહી, પણ તું અને સમીર જાગૃત રહી તમારા પ્રત્યેક કર્મને પસંદ કરી આગળ વધશો, તો તમારી ડેસ્ટીની જરૂર સુધારી શકશો...”

સવારે આંખ ખુલતાં જ અંશ બારીમાંથી પ્રવેશતાં સૂર્ય કિરણોને જોઈ રહ્યો અને પછી વાદળોની પાર વહેતાં પ્રકાશનાં લીસોટાને તાકી રહ્યો...

“પાપા, યુ આર રીયલી ગ્રેટ...તમે જતા જતા પણ અમને સાચો રસ્તો બતાવતાં ગયાં..રાઘવ આ દુનિયામાં એક જ હતો ને રહેશે.. રાઘવ ધી ગ્રેટ .....! અમે તો તમારા અંશ છીએ , અને તમારા વાવેલ બીજને હમેશા આગળ વધારતા રહીશું.....

-અમીષા રાવલ

આ સાથે આ નવલકથા અહીં પુરી થાય છે.......અહી આપેલ અમુક ઘટનાઓ કાલ્પનિક છે અને અમુક માહિતી અમુક પુસ્તકો આધારિત છે.આપ સૌ આપના પ્રતિભાવ આપતાં રહેશો, ફરી નવા વિષય સાથે મળીશું. આભાર.

આપ સૌની ફેવરીટ નોવેલ, “મૃત્યુ પછીનું જીવન”ને આપના રેટીંગ આપતાં રહો...આભાર...!

ALL RIGHTS RESERVED OF THIS BOOK

@UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGAL ACTIONS.