mrutyu pachhinu jivan - 34 books and stories free download online pdf in Gujarati

મૃત્યુ પછીનું જીવન - ૩૪

મૃત્યુ પછીનું જીવન—૩૪

રાશીદનાં મૃત્યુ પછી રાઘવ ઘેરા વિષાદમાં ડુબી જાય છે. એને એમ થાય છે કે જો મૃત્યુ પછી કંઇ જ સાથે ન આવવાનું હોય તો આ જીવનનો મતલબ જ શું છે? શું સત્ય છે, મૃત્યુ પહેલાનું જીવન કે મૃત્યુ પછીનું જીવન? આમ જીવનભર ભાગતા રહેવાનો મતલબ જ શું છે, માત્ર મરવા માટે? ફરી જન્મ લેવાનો અને ફરી એ જ મૃત્યુ...! જો મૃત્યુ જ સત્ય છે, તો મારે ફરી જન્મ લેવો જ નથી, દેવદૂતો સાથે ક્યાંય જવું જ નથી, બસ અહીં જ રહેવું છે આમ જ . દેવદૂતો એ એને સમજાવ્યો કે જો તું અહીં જ રહેવાં માંગતો હોય, તો અમારે તને પ્રેતયોનીમાં મોકલવો પડશે, પણ એ પહેલાં અમે તને એવાં વિશ્વમાં લઇ જઈશું, જે છે તો આ જ ધરતી પર , પણ તમારી આ દુનિયાથી એકદમ પરે...!

હવે આગળ વાચો ....

રાઘવ બંને દેવદૂતો સાથે એક અલૌકિક વિશ્વમાં જવા ઉત્સુક થઇ ગયો, જાણે એકસરખી જીંદગી વિતાવ્યા પછી માણસો એક બ્રેક લેવાનું પસંદ કરતાં હોય...! રાઘવે આખી દુનિયા જોઈ હતી, દેશ-વિદેશમાં ફર્યો હતો, પણ આવા કોઈ અલૌકિક વિશ્વમાં પહેલી વાર જઈ રહ્યો હતો, મૃત્યુ પછીનો વળી એક નવો અનુભવ...!

રાઘવ બંને દેવદૂતો સાથે ઉડી રહ્યો હતો હવામાં...હવે એ લોકો મુંબઈ શહેરથી દૂર જઈ રહ્યાં હતાં. એક પછી એક શહેર તથા ગામ રસ્તામાં આવતાં રહ્યાં.. રાતની પછોડી ઓઢીને સુતેલાં શહેરોમાં સન્નાટાનો ચિત્કાર ગુંજતો હતો. ઉપરથી દેખાતાં ટીમટીમાતા તારાઓ જેવી ઘરોની રોશની અને કાળા માથાનાં અને ઉપરથી એકસરખાં લાગતાં માણસો ....શું કરતા હતાં બધા? રાતની શાંતિ માં ક્યાંક કોઈ ગુનાહિત માનસ કોઈ યોજનાઓ ઘડી રહ્યાં હતાં, કોઈ અભ્યાસુ જીવો અભ્યાસમાં મસ્ત હતાં, કોઈ યોગીઓ સાધનામાં વ્યસ્ત હતાં , તો કોઈ પ્રેમી પંખીડાઓ એકબીજાને યાદ કરવામાં મસ્ત હતાં, એ સિવાય આખી દુનિયા પોતાનાં આખા દિવસને ભુલીને મીઠા સ્વપ્નો માણી રહી હતી, રાત એટલે એક પ્રકારનું એસ્કેપીઝમ, જે દિવસનાં બધાય અસહ્યમાં અસહ્ય દુ:ખ પર ૬ ૭ કલાકનો મલમ લગાવી આપે છે, જો રાત નહી હોય તો? શું થાય ? રાઘવ આ બધું વિચારી રહ્યો , ને એ પણ; કે એ જીવતો હતો ત્યારે એની પાસે આવું કઈ વિચારવાનો સમય જ નહોતો...

પણ ધીરે ધીરે અંધકાર ઘેરો થવા માંડયો, પેલાં ટીમટીમાતા તારાઓ જેવી રોશની ઓછી થવા માંડી, એટલે લાગ્યું કે હવે વસાહતો ઓછી થઇ અને વેરાન જગ્યા પર પહોંચ્યા તા. અને પછી એક એવી જગ્યા આવી, જ્યાં અંધકાર જ અંધકાર....ગુઢ , રહસ્યમય , ખુબ જ ડરામણો ...આત્માને પણ ડર લાગે, એવો ડરામણો...! ચારે તરફ જાણે ઉદાસીની તરંગો હતી, રાઘવને એક સેકન્ડ ગુંગળામણ થવાં લાગી, એનું મનોમય શરીર ભારે થઇ ગયું .

“અરે આ ક્યાં આવી ગયા આપણે , મને તો કંઈ જ દેખાતું નથી. ”

ધીરે ધીરે દેવદૂતોનાં તેજોમય આકારમાંથી નીકળતાં પ્રકાશથી આજુ બાજુ નાં દ્રશ્યો જોઈ શકાયા, જ્યાં એક બે જર્જરિત કિલ્લાઓ હતાં, સાવ જ તૂટી ગયેલાં , જેમાં એક અવાવરું વાવ હતી, જ્યાંથી ભયાનક ગંધ આવતી હતી...એની બાજુમાં થોડાં પીપલનાં વૃક્ષો હતાં, જ્યાંથી અનેક ચામાચીડિયાઓનાં ભયાનક અવાજો આવતાં હતાં...

“ રાઘવ, ધ્યાનથી જો, આ ઊંધા લટકતાં ચામાચીડિયાઓની વચ્ચે અંધારા ગોળાઓ લટકતાં દેખાય છે તને? માણસો એ નહી જોઈ શકે, પણ હવે તું એક ચેતના સ્વરુપ છે, એટલે તું જોઈ શકશે.”

“હા, દેખાય છે અને આ દ્રશ્ય ખુબ જ ભયાનક પણ છે..”

“આ આખું પ્રેતજગત છે, આ બધા જ પ્રેતાત્માઓ છે, જે વર્ષોથી અહીં લટકે છે, એમનો કોઈ આકાર નથી ,ગતિ નથી...નથી સમયની કોઈ મર્યાદા...બસ આમ જ પડ્યા રહે છે..”

“પણ, કેમ પડી રહ્યાં છે આમ? ”

“કારણકે એમને આગળ નથી વધવું, ઉર્ધ્વગમન નથી કરવું, એમને પણ પણ આ જન્મ-મરણનાં ફેરાં મિથ્યા લાગે છે...”

“ઓ ભગવાન, કેટલું ભયાનક અને અરેરાટીભર્યું વિશ્વ છે આ? ”

“આ પ્રેતયોનીની એક અલગ જ દુનિયા છે, જે આત્માને આગળ નથી વધવું, એને આ યોની આપવામાં આવે છે, એમનાં પોતાનાં નિયમો છે, એ લોકો કારણ વિના કોઈને નથી કનડતાં, સિવાય કે એમને ખુબ જ તીવ્રતાથી સતત યાદ કરવામાં આવતાં હોય કે પછી એમની અંદર કોઈની સામે વેર લેવાની તીવ્ર વૃત્તિ હોય...! આ બધા અહી એમની અતૃપ્ત ઈચ્છાઓને લીધે જ આ યોનીમાં આવ્યાં હોય છે, પણ એમણે જાતે જ આગળ વધવાને બદલે ઈચ્છાઓને પકડી રાખી હોય છે, ક્યાં તો કોઈની ધન અને સતાની તીવ્ર લાલચ કે પછી બધુ જ પકડી રાખવાની મમત...આ બધા કારણોએ એમને પ્રેતયોનીમાં સ્થાન અપાવ્યુ છે...

“પણ આ લોકોને ભુખ તરસ કંઈ ના લાગે? ”

“એમની અંદર અગ્નિ તત્વ હોય છે,એટલે એમને ભુખ લાગે છે. પણ શરીર નહી હોવથી એ ખાઈ શકતાં નથી. એ લોકો સુગંધ લઈને થોડી ઘણી તૃપ્તિ મેળવે છે. એમની અંદર વાયુ તત્વ હોય છે, એટલે એ લોકો હવાની જેમ ધારે ત્યાં ગતિ કરી શકે છે, પણ એમની અંદર પૃથ્વી તત્વ અને જળ તત્વ નથી હોતું... એ લોકો માણસોની જેમ બધું જોઈ શકે છે , સાંભળી શકે છે, પણ બોલી શકતા નથી.

આ બધા મોટે ભાગે એવી જગ્યાએ રહેતાં હોય, જ્યાં કોઈ અવર જવર નહીં હોય ,બંધ ઘરોમાં કે અવાવરું કિલ્લાઓમાં ; અને આવી જગ્યાએ માણસો જાય ,તો આ લોકોને ગમતું નથી અને માણસોને ડરાવીને ભગાવવાની કોશિશ કરતાં હોય છે, એમની શાંતિમાં ખલેલ નહીં પડે એટલે...! પણ ક્યારેક એ લોકો મનુષ્યોની દુનિયામાં પણ જતાં હોય છે, પણ માણસો એમને જોઈ શકતાં નથી. અમુક દૈવી સાધકો અને તાંત્રિકો એમને જોઈ શકે છે.

આગથી ડર લાગે છે એમને, એટલે જ આપણા ધર્મમાં સવાર- સાંજ ધૂપ –દીપ પ્રગટાવવામાં આવે છે. આ યોનીમાં ખુબ જ ઉદાસી હોય છે, એટલે જ ખુબ ઉદાસ હોય, એવાં માણસોમાં ક્યારેક એ લોકો એમની અધુરી ઈચ્છાઓ સંતોષવા જતાં રહે છે.”

હવે તું જ નક્કી કર, રાઘવ. તને મંજુર છે,આ દુનિયામાં ચામાચીડિયાઓની સાથે લટકી રહેવાનું? ”

-અમીષા રાવલ

----------------------------------------------------------------------------------------

[અહીં એક કાલ્પનિક વિશ્વ બતાવવામાં આવ્યું છે,જે હકીકતથી પરે છે] રાઘવ હવે શું નિર્ણય લેશે ? દેવદૂતો હવે એને ક્યાં લઇ જશે ? .......આ બધા પ્રશ્નો નો જવાબ મેળવવાં વાંચતા રહો, આપ સૌની ફેવરીટ નોવેલ, “મૃત્યુ પછીનું જીવન” અને આપના રેટીંગ આપતાં રહો...આભાર...!

ALL RIGHTS RESERVED OF THIS BOOK

@UNDER TRADE MARK .

THOSE WHO WILL COPY THIS,

WOULD BE UNDER LEGAL ACTIONS.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED